Archive for માર્ચ, 2010

કબજીયાત

માર્ચ 30, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કબજીયાત  (૧) ૧ ગ્રામ તજ અને ૫ ગ્રામ હરડેનું ચુર્ણ ૧૦૦ મી.લી. હુંફાળા પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઈ કબજીયાત મટે છે.

(૨) ૩૦-૪૦ ગ્રામ કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી સવારે મસળી, ગાળી થોડા દીવસ પીવાથી કબજીયાત મટે  છે.

(૩) સીંધવ અને મરી બારીક વાટી દ્રાક્ષને લગાડી રાત્રે એક એક દ્રાક્ષ ખુબ ચાવીને ખાવાથી ઝાડાની શુદ્ધી થઈ કબજીયાત મટે છે.

(૪) આદુનો ૧૦ ગ્રામ રસ અને લીંબુના ૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી કબજીયાત મટે છે.

(૫) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી કબજીયાત મટે છે.

(૬) આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી કબજીયાત મટે છે.

(૭) એક ગ્લાસ ઠંડા પાણીમાં લીંબુનો રસ પ્રાત:કાળે પીવાથી કબજીયાતમાં ફાયદો થાય છે. અથવા રાત્રે સુતાં પહેલાં પણ પી શકાય.

(૮) ૧૦ ગ્રામ લીંબુનો રસ અને ૧૦ ગ્રામ ખાંડ ૧૦૦ મી.લી. પાણીમાં એકાદ માસ સુધી દરરોજ  રાત્રે પીવાથી જીર્ણ કબજીયાત મટે છે.

(૯) એક ગ્લાસ સહેજ ગરમ પાણીમાં ૧-૧ ચમચી લીંબુ અને આદુનો રસ તથા ૨ ચમચી મધ મેળવી પીવાથી અજીર્ણ અને કબજીયાત મટે છે.

(૧૦) સવારમાં વહેલા ઉઠી થોડું ગરમ પાણી પીવાથી દસ્ત સાફ આવે છે અને કબજીયાત દુર થાય છે.

(૧૧) એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે.

(૧૨) એક સુકું અંજીર અને ૫-૧૦ બદામ દુધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી કબજીયાત મટે છે.

(૧૩) રાત્રે સુતી વખતે ૩-૪ અંજીર ખુબ ચાવીને ખાઈ ઉપર એકાદ કપ હુંફાળું દુધ પીવાથી કબજીયાત મટે છે.

(૧૪) રાત્રે પાણીમાં ખજુર પલાળી, સવારે મસળી, ગાળીને પીવાથી રેચ લાગીને મળશુદ્ધી થાય છે.

(૧૫) ખજુરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાખી સાત દીવસ સુધી પીવાથી કબજીયાત મટે છે.

(૧૬)  કાળી દ્રાક્ષ કે લીલી દ્રાક્ષ સાથે ૨૦-૩૦ ગ્રામ કાજુ ખાવાથી અજીર્ણ કે ગરમીથી થયેલી કબજીયાત મટે છે.

(૧૭) જામફળનું શાક બનાવી ખાવાથી કબજીયાત મટે છે.

(૧૮) જામફળનું થોડા દીવસ સુધી નીયમીત સેવન કરવાથી ત્રણ-ચાર દીવસમાં જ મળશુદ્ધી થવા માંડે છે અને કબજીયાત મટે છે. કબજીયાતને લીધે થતો માથાનો દુ:ખાવો અને નેત્ર-શુળ પણ એનાથી મટે છે.

(૧૯) પાકાં ટામેટાં ભોજન પહેલાં છાલ સહીત ખાવાથી અને રાત્રે સુતાં પહેલાં નીયમીત ખાવાથી ધીમે ધીમે કબજીયાત કાયમ માટે દુર થાય છે.

(૨૦) પાકાં ટામેટાંનો એક પ્યાલો રસ કે સુપ દરરોજ પીવાથી આંતરડાંમાં જામેલો સુકો મળ છુટો પડે છે અને જુના વખતની કબજીયાત દુર થાય છે.

(૨૧) રાત્રે પાકાં કેળાં ખાવાથી કબજીયાત મટે છે. જુલાબ કે રેચ લેવાની જરુર રહેતી નથી.

(૨૨) મેથીનું ૩-૩ ગ્રામ ચુર્ણ સવાર-સાંજ ગોળમાં કે પાણીમાં લેવાથી કબજીયાત મટે છે.

(૨૩) મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી કબજીયાત મટે છે.

(૨૪) રાત્રે સુતી વખતે એક-બે નારંગી ખાવાથી કબજીયાત મટે છે. નારંગીનો રસ જુની કબજીયાતને પણ દુુર કરી શકે છે.

(૨૫)  સવારે એક પ્યાલો ઠંડા કે સહેજ ગરમ પાણીમાં અને રાત્રે દુધમાં એક ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.

(૨૬) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. આ ચાટણ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કબજીયાત મટે છે.

(૨૭) દ્રાક્ષ, પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીજવી રાખી ગાળીને પીવાથી કબજીયાત મટે છે.

(૨૮) હુંફાળા ગરમ પાણીમાં ૧ થી દોઢ ગ્રામ મીઠું મેળવી રોજ રાત્રે પીવાથી આંતરડાં સાફ થઈ કબજીયાત મટે છે.

(૨૯) શરીરમાં ખોટી ગરમીને કારણે ઝાડામાં રહેલ પ્રવાહી જળ શોષાઈ જતાં ઝાડાની કબજીયાત થાય છે. જેમને બેત્રણ દીવસે માંડ થોડો કઠણ ઝાડો થતો હોય તેમણે રાત્રે સુતાં વધુ પાણી પીવું. વહેલી સવારે ઉઠીને ઠંડુ પાણી વધુ પીવું. તેથી ગરમીના દોષથી થયેલ કબજીયાત દુર થશે. તે રીતે ઝાડો ન જ થાય તો ડુશકેનમાં સાધારણ નવશેકું પાણી ભરવું. તેમાં સાબુનું થોડું પ્રવાહી તથા ગ્લીસરીન ૩૦ ગ્રામ ઉમેરવું. તે પાણીથી  અૅનીમા લેવાથી ઝાડો તરત જ થઈ જાય છે. કફદોષથી થતી કબજીયાતમાં સવારે ગરમ પાણી પીવું.

(૩૦) રોજ રાત્રે એક ચમચો દીવેલ દુધમાં પીવું. થોડા દીવસ આ પ્રયોગ કરવાથી કબજીયાત દુર થાય છે.

(૩૧) અધકચરી શેકેલી વરીયાળી દરરોજ જમ્યા બાદ બંને સમય ૧-૧ મોટો ચમચો ભરી ખુબ ચાવી ચાવીને દરરોજ નીયમીત ખાવાથી વગર દવાએ કબજીયાત મટી જાય છે.

(૩૨) કબજીયાાતમાં આખાં ફળ અને શાકભાજીનું સેવન રસાહાર જેટલું જ લાભદાયી છે. પાલખ અને ગાજરનો રસ અથવા બટાટા, કાકડી અને સફરજનનો મીશ્ર રસ લેવો. અંજીર, બીલીફળ, જમરુખ અને સંતરાનો રસ પણ લઈ શકાય.

(૩૩) રાત્રે તાંબાના લોટામાં સવા લીટર પાણી ભરી રાખી સવારે સુર્યોદય પહેલાં દાતણ કર્યા વીના પીવાથી કદી કબજીયાત થતી નથી.

(૩૪) રાત્રે ત્રીફળાનું ચુર્ણ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.

(૩૫) ૪૦-૫૦ ગ્રામ કાળી દ્રાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાળી, સવારે મસળી ગાળીને થોડા દીવસ પીવાથી કબજીયાત મટે છે.

(૩૬) ચાળ્યા વગરનો લોટ, ખુબ પાકું પપૈયું અને ભોજન પછી છાસનું સેવન કરવાથી કબજીયાત મટે છે.

(૩૭) અજમો અને બીડલવણ મઠામાં નાખી પીવાથી કબજીયાત મટે છે.

(૩૮) ગમે તેવી જુની કબજીયાત પણ ૧-૧ ચમચી હરડેનો પાઉડર સવાર-સાંજ હુંફાળા દુધ સાથે લેવાથી મટે છે.

(૩૯) પાન સહીત આખો કાચો મુળો નીયમીત ખાવાથી ગમે તેવી જુની કબજીયાત પણ મટે છે.

(૪૦) કબજીયાત બધા રોગોનું મુળ છે. આથી પેટને હંમેશાં સાફ રાખવું જોઈએ. રાત્રે ખુબ મોડા કંઈ ખાવું નહીં તથા ભોજન પછી બે કલાક સુધી સુવું નહીં.

(૪૧) રાતે સફરજન ખાવાથી જીર્ણ મળાવરોધ તથા ઘડપણનો મળાવરોધ મટે છે.

(૪૨) બી કાઢેલી દ્રાક્ષ ૨૦ ગ્રામ ખાઈને ઉપર ૨૫૦ મી.લી. દુધ પીવાથી મળશુદ્ધી થાય છે.

(૪૩) ખુબ જુની ખાટી આમલીનું શરબત દીવસમાં ચાર વખત દર ચાર કલાકને અંતરે લેવાથી જુની કબજીયાત મટે છે. જેમને આમલી અનુકુળ આવતી ન હોય તેમને માટે આ પ્રયોગ કામનો નથી.

(૪૪) કબજીયાત હોય તો વહેલા ઉઠી, લોટો ભરી પાણી પીને સવારે ફરવા જવું. લીંબુનું શરબત પીવું. તેમાં ખાંડને બદલે મીઠું નાખવું. વાલ, વટાણા, ચોળા, ચણા, અડદ જેવો વાતવર્ધક ખોરાક લેવો નહીં. તાંદળજાની ભાજી ઘણી સારી.

(૪૫) ગરમ દુધમાં થોડું માખણ અથવા ઘી નાખી પીવાથી કબજીયાતના દર્દીને પેટ સાફ જલદી આવે છે. આ ઉપાય વારંવાર કરવાથી વજન અને કૉલેસ્ટરોલ બંને વધી જવાનો ભય છે.

(૪૬) મીંઢી આવળ, આમળાં અને હરડેનું સમાન ભાગે બનાવેલા બારીક ચુર્ણને શુદ્ધી ચુર્ણ કહે છે. કબજીયાતથી મંદાગ્ની, અરુચી, આફરો, મસા વગેરે થાય છે. એમાં તથા આંતરડાં શીથીલ થઈ ગયાં હોય તો શુદ્ધી ચુર્ણ પોતાની પ્રકૃતીને અનુકુળ પડે એ માત્રામાં એકથી બે ચમચી જેટલું રાત્રે સુતી વખતે પાણી સાથે લેવું. ચુર્ણ ઔષધ બે મહીના પછી પોતાના ગુણ ગુમાવે છે, આથી ચુર્ણ ઘરે બનાવી ઉપયોગ કરવો અને બે મહીના પછી નવું ચુર્ણ બનાવી લેવું.

(૪૭) નાળીયેરનું પાણી પીવાથી કબજીયાત મટે છે.

(૪૮) નમકયુક્ત પાણીમાં ૨૪ કલાક ડુબાડીને પછી સુકવેલી એક હરડે હંમેશાં મોંમાં મુકી રાખવાથી કોઈ પણ પ્રકારની કબજીયાત મટે છે.

(૪૯) પાલકની ભાજીના રસમાં લીંબુનો રસ અને જીરુ નાખી પીવાથી કબજીયાત મટે છે.

(૫૦) એક કપ ગરમ પાણીમાં અડધા લીંબુનો અને નારંગીનો રસ મધ નાખી પીવાથી કબજીયાત મટે છે.

(૫૧) સવારના પહોરમાં એક ગ્લાસ પાણી પીવાથી પેટ સાફ આવે છે.

(૫૨) દરરોજ સવારે નરણા કોઠે બે સંતરાનો રસ એમાં કશું પણ નાખ્યા વગર પીવાથી ગમે તેવી જુની હઠીલી કબજીયાત પણ મટે છે. કોઈ રોગને કારણે થયેલી કબજીયાતમાં પણ આ પ્રયોગ કરી શકાય એવો નર્દોષ અને અકસીર છે.

(૫૩) તુલસીની માંજરનું ચુર્ણ અને સંચળ છાસમાં પીવાથી કબજીયાત મટે છે.

(૫૪) સીંધવ અને ઘી મીશ્ર કરીને લેવાથી ખુબ મુશ્કેલીથી (કરાંજતાં) થતા કઠણ ઝાડામાં લાભ થાય છે.

કફ

માર્ચ 29, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કફ (૧) ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી કફવૃદ્ધી મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે.

(૨) ૧૦-૧૫ ગ્રામ આદુના રસમાં મધ મેળવી પીવાથી કંઠમાં રહેલો કફ છુટો પડે છે અને વાયુ મટે છે. એનાથી હૃદયરોગ, આફરો અને શુળમાં પણ ફાયદો થાય છે, ખોરાક પ્રત્યે રુચી ઉત્પન્ન થાય છે અને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે.

(૩) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી કફ મટે છે.

(૪) છાતીમાં કફ સુકાઈને ચોંટી જાય, વારંવાર વેગપુર્વક ખાંસી આવે ત્યારે સુકાયેલો કફ કાઢવા માટે છાતી પર તેલ ચોપડી મીઠાની પોટલી તપાવી શેક કરવો.

(૫)  ડુંગળીના કકડા કરી ઉકાળો કરી પીવાથી કફ દુર થાય છે.

(૬) પાકી સોપારી ખાવાથી કફ મટે છે.

(૭) ફુદીનાનો તાજો રસ અથવા અર્ક કફ દુર કરે છે.

(૮) બેથી ચાર સુકાં અંજીર સવારે અને સાંજે દુધમાં ગરમ કરી ખાવાથી કફનું પ્રમાણ ઘટે છે.

(૯) રાત્રે સુતી વખતે ૩૦-૪૦ ગ્રામ ચણા ખાઈ ઉપર ૧૦૦-૧૨૫ ગ્રામ દુધ પીવાથી શ્વાસનળીમાં એકઠો થયેલો કફ સવારે નીકળી જાય છે.

(૧૦) વેંગણ કફ મટાડે છે.

(૧૧) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી કફ મટે છે.

(૧૨) કફ હોય તો પાણી થોડું ગરમ હોય તેવું પીવું.

(૧૩) વાટેલી રાઈ એકાદ નાની ચમચી  સવાર સાંજ પાણીમાં લેવાથી કફ મટે છે. નાના બાળકોમાં પણ કફનું પ્રમાણ વધી જાય તો રાઈ આપી શકાય, પરંતુ એ ગરમ હોવાથી એનું પ્રમાણ બહુ ઓછું રાખવું.

(૧૪) એલચી, સીંધવ, ઘી અને મધ એકત્ર કરી ચાટવાથી કફરોગ મટે છે.

(૧૫) છાતીમાં જમા થયેલો કફ કેમેય કરી બહાર નીકળતો ન હોય અને ખુબ તકલીફ થતી હોય, જીવન-મરણનો પ્રશ્ન ઉપસ્થીત થયો હોય તો દર અડધા કલાકે રુદ્રાક્ષ પાણીમાં ઘસી મધમાં મેળવી ચાટતા રહેવાથી ઉલટી થઈ કફ બહાર નીકળી જાય છે અને રાહત થાય છે.

(૧૬) સતત ચાલુ રહેતી ઉધરસમાં કોકો પીવાથી ફાયદો થાય છે. કોકોમાં થીઓબ્રોમાઈન નામનું તત્ત્વ હોય છે જે કફ દુર કરે છે.

(૧૭) રોજ સવારે અને રાત્રે નાગરવેલના એક પાન પર સાત તુલસીનાં પાન, ચણાના દાણા જેવડા આદુના સાત ટુકડા, ત્રણ કાળાં મરી, ચણાના દાણા જેવડા આઠથી દસ હળદરના ટુકડા અને આ બધા પર દોઢ ચમચી જેટલું મધ મુકી બીડું વાળી ધીમે ધીમે ખુબ ચાવીને ખાવાથી ૧૦-૧૫ દીવસમાં કફ મટે છે.

(૧૮) ફેફસામાં જામી ગયેલો કફ નીકળતો ન હોય તો જેઠીમધ(મુલેઠી) અને આમળાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ ૧-૧ ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી થોડા દીવસોમાં કફ નીકળી જઈ ફેફસાં સ્વચ્છ થાય છે.

(૧૯) ઘોડાવજનું ચુર્ણ મધ સાથે લેવાથી કફમાં લાભ થાય છે.

(૨૦) સુંઠ, હરડે અને નાગરમોથ દરેક ૨૦-૨૦ ગ્રામનું બારીક ચુર્ણ બહેડાની છાલના ઉકાળામાં ખુબ ઘુંટી ૧૨૦ ગ્રામ ગોળના પાકમાં નાખી બરાબર મીશ્ર કરી ચણી બોર જેવડી ગોળીઓ બનાવવી. એને ગુડાદીવટી કહે છે. આ બબ્બે ગોળી દીવસમાં ત્રણ વાર ચુસવાથી કફના રોગો, ઉધરસ અને શ્વાસમાં ફાયદો થાય છે.

(૨૧) અરડુસી, દ્રાક્ષ અને હરડેનો સમાન ભાગે બનાવેલ અધકચરો ભુકો બેથી ત્રણ ચમચી એક ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી ઠંડુ પાડી સવાર-સાંજ પીવાથી રક્તપીત્ત, ક્ષય, ઉધરસ, પીત્તજ્વર, કફના રોગો અને કબજીયાતમાં ફાયદો થાય છે.

(૨૨) સરખા ભાગે ફુલાવેલો ટંકણખાર, જવખાર, પીપર અને હરડેનું બારીક ચુર્ણ બનાવી, એનાથી બમણા વજનનો ગોળ લઈ પાક બનાવી ચણી બોર જેવડી ગોળી વાળવી. દીવસમાં ત્રણ વખત બબ્બે ગોળી ધીમે ધીમે ચુસવાથી ગળામાં વારંવાર થતા કફનો નાશ થાય છે. એનાથી હેડકી, દમ, ઉધરસ, શરદી, શુળ અને કફના રોગો પણ મટે છે.

(૨૩) જાવંત્રીનું ચુર્ણ ૧.૫ ગ્રામ અને જાયફળનું ચુર્ણ ૧ ગ્રામ મીશ્ર કરી એક ચમચી મધ સાથે ચાટવાથી કફના બધા રોગો મટે છે. વાયુથી થતી સુકી ઉધરસમાં પણ આ ઉપચાર એટલો જ હીતકારી છે.

(૨૪) રોજ છાતીએ તલ કે સરસવના તેલની માલીશ કરી શેક કરવાથી લોહીમાંનો કફ ઘટી જાય છે.

(૨૫) અરડુસી, આદુ અને લીલી હળદરનો ૧-૧ ચમચી રસ દીવસમાં ત્રણ વાર લેવાથી જુના કાકડા, ઉધરસ, શ્વાસ-દમ, શરદી વગેરે કફના રોગો મટે છે.

(૨૬) કફ હોય અને નાક બંધ રહેતું હોય તો દુધમાં એક ચપટી રાઈનું ચુર્ણ અને એક ચમચો સાકર નાખી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે.

(૨૭) કફવૃદ્ધી થઈ હોય અને ગળામાંથી કફ પડતો હોય તો કાચો કે શેકેલો અજમો આખો કે એનું ચુર્ણ બનાવી સવાર, બપોર, સાંજ એક એક ચમચી લેવાથી લાભ થાય છે.

(૨૮) એલર્જીક અસ્થમા, કફ, શરદી, દમ-શ્વાસ અને ક્ષયના દર્દીઓએ બેથી ત્રણ ચમચી આદુનો રસ મોઢામાં કોગળાની જેમ ત્રણ-ચાર મીનીટ ભરી રાખવો. આ ઉપચાર પ્રયોગથી થતું ચીકણું મોઢું મટી જશે. આવા રોગોમાં કફ મહામહેનતે છુટો પડે છે અને કફ છુટો પડે તો એકદમ રાહત થાય છે. કફ છુટો પડવાથી ફેફસાંની શ્વાસનળીઓનો અવરોધ દુર થાય છે, આથી શ્વાસ લેવામાં તરત સારું લાગે છે. સવાર-સાંજ આ ઉપચાર કરવાથી કફના રોગોમાં ફાયદો થાય છે. મંદાગ્નીવાળાએ આદુનો આ રસ પેટમાં ઉતારી દેવો. જેનાથી ભુખ સારી લાગશે. આહાર પણ પચી જશે. પીત્તની તકલીફવાળાએ મોઢામાં ભરેલો આદુનો રસ ત્રણ-ચાર મીનીટ પછી કાઢી નાખવો. આદુના રસનો ઉપયોગ કરતી વખતે તે તાજો જ કાઢેલો હોવો જોઈએ.

(૨૯) કફ ઘણો જ નીકળતો હોય એવી ઉધરસમાં સુંઠનું બારીક ચુર્ણ પા ચમચી, મોટી એલચીનું બારીક ચુર્ણ ૧ ગ્રામ અને એટલો જ સંચળનો પાઉડર બે ચમચી મધ સાથે મીશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું. પચવામાં ભારે, ચીકણાં અને મીઠાં આહારદ્રવ્યો છોડી દેવાં તથા સુંઠ નાખીને ઉકાળેલું ઠંડું કરેલું પાણી પીવું.

(૩૦) આદુનો રસ અને મધ સરખા ભાગે લેવાથી કફ મટશે.

(૩૧) પાંચથી સાત લવીંગનું ચુર્ણ એક ચમચી મધમાં સવાર સાંજ ચાટવાથી કફના રોગો મટે છે.

કફ અને પીત્ત (૧) ૧૦૦ મીલીલીટર ગરમ પાણીમાં મીઠું નાખી પીવાથી ઉલટી થઈ કફ અને પીત્ત બહાર નીકળે છે. પછીથી ઉલટી બંધ કરવા ઘી અને ભાત ખાવાં.

(૨) ગોળ સાથે હરડે લેવાથી કફ અને પીત્ત મટે છે.

કફ અને વાયુ  સ્વાદમાં તીખી, કડવી અને તુરી અરણી કફ અને વાયુ મટાડે છે. અરણી જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, સર્વાંગ સોજા ઉતારનાર, ઠંડી લાગતી હોય તો તેનું શમન કરનાર, પાંડુરોગ, રક્તાલ્પતા, મળની ચીકાશ અને કબજીયાતનો નાશ કરે છે.

અરણીના મુળ પાણીમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.

કફ અને પીત્ત : (૧) ૧૦૦ મી.લી. ગરમ પાણીમાં મીઠું નાખી પીવાથી ઉલટી થઈ કફ અને પીત્ત બહાર નીકળે છે. પછીથી ઉલટી બંધ કરવા ઘી અને ભાત ખાવાં.

(૨) ગોળ સાથે હરડે લેવાથી કફ અને પીત્ત મટે છે.

કફ અને વાયુ : સ્વાદમાં તીખી, કડવી અને તુરી અરણી કફ અને વાયુ મટાડે છે. અરણી જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, સર્વાંગ સોજા ઉતારનાર, ઠંડી લાગતી હોય તો તેનું શમન કરનાર, પાંડુરોગ, રક્તાલ્પતા, મળની ચીકાશ અને કબજીયાતનો નાશ કરે છે. અરણીના મુળ પાણીમાં ઘસી લેપ કરવાથી ગાંઠ બેસી જાય છે.

કફજ્વર  મીઠાને તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં ૫ ગ્રામ જેટલું લેવાથી કફજ્વર મટે છે.

એલર્જી

માર્ચ 28, 2010

એલર્જી (૧) ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ, ૨ ગ્રામ જેઠીમધનું ચુર્ણ અને ૧ ગ્રામ ફુલાવેલી ફટકડીનું ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી માત્ર સાત દીવસમાં એલર્જી મટે છે. (૨) લીલી હળદરના ટુકડા દરરોજ ખુબ ચાવીને ખાતા રહેવાથી એલર્જીની તકલીફ મટે છે.

એપેન્ડીક્સ (આંત્રપુચ્છ શોથ)

માર્ચ 27, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

એપેન્ડીક્સ (આંત્રપુચ્છ શોથ)

આંત્રપુચ્છ એટલે કે એપેન્ડીક્સમાં સોજો અને પાક થવાથી પેટની જમણી બાજુ નીચેના ભાગમાં દુખાવો થાય છે. મળ ખુલાસે ઉતરતો નથી. ઉબકા-ઉલટી થવા લાગે છે. દુખાવો અસહનીય હોય છે. તાવ પણ ચડી જાય છે, નાડી મંદ પડી જાય છે. ગભરામણ થાય છે.

આ રોગના પ્રારંભે એરંડીયુ આપવું. ભુલેચુકે દુખાવા ઉપર માલીશ કરવું નહીં. શેક કરવો નહીં. તરસ લાગે તો કાચા નાળીયેર (ત્રોફાનું) પાણી ગ્લુકોઝ નાખીને આપવું. થોડી હીંગ નાખેલ પાણીની બસ્તી-એનીમા અપાય તો ઉદરપીડા દુર થાય છે અને આ રોગમાં વેદના શમનાર્થે ખુરાસાની અજમાની ફાકી પા ચમચી આપવી.

(૧)  એપેન્ડીક્સનો સખત દુ:ખાવો થતો હોય અને ડોક્ટોરોએ તાત્કાલીક ઑપરેશન કરવાની સલાહ આપી હોય એવા સંજોગોમાં પણ કાળી માટી પલાળી પેટ ઉપર એપેન્ડીક્સના ભાગ પર રાખવી. થોડી થોડી વારે માટી બદલવી. ત્રણ દીવસ સુધી નીરાહાર રહેવું. ચોથા દીવસે મગનું પાણી અડધી વાડકી, પાંચમા દીવસે એક વાડકી, છઠ્ઠા દીવસે પણ એક વાડકી અને સાતમા દીવસે ભુખ પ્રમાણે મગ ખાવા. આઠમા દીવસે મગ સાથે ભાત લઈ શકાય. નવમા દીવસથી શાક-રોટલી ખાવી શરુ કરવી. આ પ્રયોગથી એપેન્ડીક્સ મટી જશે, અને જીવનમાં ફરી કદી થશે નહીં.

(૨) દરરોજ ત્રણ મીનીટ પાદપશ્ચીમોત્તાસન કરવાથી પણ થોડા જ દીવસોમાં એપેન્ડીસાઈટીસ મટી જાય છે.

(૩) જમવા પહેલાં આદુ, લીંબુ અને સીંધવ ખાવાથી આંત્રપુચ્છ પ્રવાહમાં લાભ થાય છે.

(૪) જો શરુઆત જ હોય તો દીવેલ આપવાથી અને ચાર-પાંચ દીવસ માત્ર પ્રવાહી ચીજ અથવા બની શકે તો ઉપવાસ કરવાથી સોજો ઉતરી જાય છે અને ઓપરેશનની જરુર રહેતી નથી.

(૫) ઓપરેશનની ખાસ ઉતાવળ ન હોય તો દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી દીવેલ ચાટતા રહેવાથી અને ઉપરથી થોડું પાણી પીવાથી સારું થવાની શક્યતા રહે છે. ઉપાય દરરોજ  નીયમીત કરવો જોઈએ.

ઍસીડીટી(અમ્લપીત્ત)

માર્ચ 26, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઍસીડીટી(અમ્લપીત્ત) ભુખ્યા પેટે એસીડીટી થતી નથી. અતીશય તીખા, ખારા, ખાટા, કડવા રસવાળા આહારનો વધારે પડતો કે સતત ઉપયોગ ઍસીડીટી કરે છે. હોજરીમાં પીત્તનો ભરાવો થાય ત્યારે તે આહાર સાથે ભળી આથો ઉત્પન્ન કરે છે, અને બહાર નીકળવા પ્રયત્ન કરે છે. આથી ગળામાં, છાતીમાં, પેટમાં બળતરા થાય છે. કોઈને શીર:શુળ અને ખાટી, કડવી ઉલટી થાય. જમ્યા પછી બેત્રણ કલાકે, અડધી રાત્રેનરણા કોઠ સવારે આ તકલીફ વધે. આવું થાય ત્યારે એકાદબે ઉપવાસ કરવા. પછી છસાત દીવસ દુધપૌંઆ, ખીર, રોટલી અને દુધ જ લેવાં.

(૧) સફેદ ડુંગળીને પીસી તેમાં દહીં અને સાકર મેળવી ખાવાથી એસીડીટી મટે છે.

(૨) દ્રાક્ષ અને નાની હરડે સરખે ભાગે લઈ સાકર મેળવી રુપીયાભાર ગોળી બનાવી ખાવી.

(૩) કોળાના રસમાં સાકર નાખી પીવાથી એસીડીટી મટે છે.

(૪) ગંઠોડા અને સાકરનું ચુર્ણ પીવાથી એસીડીટી મટે છે.

(૫) સુંઠ, ખડી સાકર અને આમળાંનું ચુર્ણ પીવાથી એસીડીટી મટે છે.

(૬) અડધા લીટર પાણીમાં ૧ લીંબુનો રસ અડધી ચમચી સાકર નાખી જમવાના અડધા કલાક પહેલાં પીવાથી એસીડીટી મટે છે.

(૭) ધાણા જીરાનું ચુર્ણ ખાંડ સાથે પીવાથી એસીડીટી મટે છે.

(૮) ૧૦૦થી ૨૦૦ મી.લી. દુધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલાં ૪-૫ કાળાં મરીનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.

(૯) ૧થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા-જીરુના ચુર્ણમાં અથવા સુદર્શન ચુર્ણમાં મેળવીને લેવું.

(૧૦) આમળાનું ચુર્ણ રોજ સવારે અને સાંજે ૧-૧ ચમચી પીવાથી એસીડીટી મટે છે.

 (૧૧) ધાણા અને સુંઠનું ચુર્ણ પાણી સાથે પીવાથી એસીડીટી મટે છે.

(૧૨) સંતરાના રસમાં શેકેલા જીરુનું ચુર્ણ અને સીંધવ નાખી પીવાથી એસીડીટી મટે છે.

 (૧૩) દરરોજ ભોજન બાદ કે નાસ્તા બાદ એકાદ મોટો ટુકડો કોપરું ખુબ ચાવીને ખાવાથી એસીડીટી મટે છે. લીલું કોપરું અામાં વધુ લાભ કરે છે – તરોપો નહીં.

(૧૪) હંમેશાં ભોજન કે નાસ્તા બાદ એકાદ કેળું ખાવાથી એસીડીટી થતી નથી. મધુપ્રમેહના દર્દીઓ કાચું કેળું લઈ શકે. એકાદ બે ટુકડા કેળું ખાવાથી પણ એસીડીટી મટી જાય છે. દરરોજ સવાર-સાંજ જમ્યા બાદ ૧-૧ કેળું એલચી અને સાકર ભભરાવી ખાવાથી એસીડીટી મટે છે.

(૧૫) ઔષધોમાં અવીપત્તીકર ચુર્ણ અને લવણભાસ્કર ચુર્ણ અડધી-અડધી ચમચી સવારે, બપોરે અને સાંજે લેવું. શતાવરી ચુર્ણ, સાકર અને ઘી એક એક ચમચી મીશ્ર કરી સવાર-સાંજ લેવાં. સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ રોજ રાત્રે એક ચમચી લેવું.  સાથે સાથે ઉચીત પરેજીથી એસીડીટી મટે છે.

(૧૬) આમળાનો રસ ૧૦ ગ્રામ, પાણીમાં છુંદેલી કાળી દ્રાક્ષ ૧૦ ગ્રામ અને મધ ૫ ગ્રામ એકત્ર કરી પીવાથી અમ્લપીત્ત મટે છે.

(૧૭) ૨૫૦ મી.લી. પાણીમાં એક લીંબુનો રસ નીચોવી ૫ ગ્રામ ખાંડ નાખી દરરોજ બપોરના ભોજનના અર્ધા કલાક પહેલાં પીવાથી એકાદ માસમાં અમ્લપીત્ત મટે છે. આ પીણું કદી પણ ભોજન બાદ પીવું નહીં, નહીંતર હોજરીનો રસ વધુ ખાટો થઈ એસીડીટી વધી જશે.

(૧૮) દ્રાક્ષ અને વરીયાળી રાત્રે ૨૫૦ મી.લી. પાણીમાં ભીંજવી રાખી, સવારે મસળી, ગાળી તેમાં ૧૦ ગ્રામ સાકર મેળવી થોડા દીવસ સુધી પીવાથી અમ્લપીત્ત-ખાટા ઓડકાર, ઉબકા, ખાટી ઉલટી, મોંમાં ફોલ્લા થવા, પેટમાં ભારેપણું વગેરે મટે છે.

(૧૯) ૧૦૦ ગ્રામ દ્રાક્ષ, ૧૦૦ ગ્રામ નાની હરડે અને ૨૦૦ ગ્રામ સાકર મેળવી ૧૦-૧૦ ગ્રામની ગોળી કરી લેવાથી અમ્લપીત્ત મટે છે. 

(૨૦) આમળાંનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી અમ્લપીત્ત મટે છે.

(૨૧) દ્રાક્ષ, હરડે અને સાકરનું સેવન કરવાથી અમ્લપીત્ત મટે છે.

(૨૨) લીંબુના ફુલ અને સંચળને આદુના રસમાં પીવાથી એસીડીટી મટે છે.

(૨૩) સવારે તુલસીનાં પાન, બપોરે કાકડી અને સાંજે ત્રીફળાનું સેવન કરવાથી અમ્લપીત્ત મટે છે.

(૨૪) અનનાસના કકડા પર મરી તથા સાકર ભભરાવી ખાવાથી અમ્લપીત્ત મટે છે.

(૨૫)  કારેલાનાં ફુલ અથવા પાનને ઘીમાં શેકી (સ્વાદ માટે  સીંધવ મેળવી) ખાવાથી એસીડીટીને લીધે ભોજન કરતાં જ ઉલટી થતી હોય તો તે બંધ થાય છે.

(૨૬)  કુમળા મુળા સાકર મેળવી ખાવાથી અથવા તેના પાનના રસમાં સાકર મેળવી પીવાથી અમ્લપીત્ત મટે છે. (૨૭) કોળાના રસમાં સાકર નાખી પીવાથી અમ્લપીત્ત મટે છે.

(૨૮) ધોળી ડુંગળી બારીક પીસી, દહીં અને સાકર મેળવી ખાવાથી એસીડીટી અને ગળાની બળતરા મટે છે.

(૨૯) સુંઠ, આમળાં અને ખડી સાકરનું બારીક ચુર્ણ કરીને લેવાથી અમ્લપીત્ત મટે છે.

(૩૦) કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી ઍસીડીટી મટે છે.

(૩૧) એક ચમચો કાળા તલ પાણીમાં પલાળી, વાટી, માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી એસીડીટી મટે છે.

(૩૨) એક ચમચી અવીપત્તીકર ચુર્ણ દુધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી ઍસીડીટી મટે છે.

(૩૩) બદામ, પીસ્તા, અખરોટ, મગફળી જેવો સુકો મેવો થોડા પ્રમાણમાં ખાવાથી એસીડીટીની અસર જતી રહે છે અને આ બધામાં કેલ્શીયમ હોવાથી દાંત મજબુત થાય છે. (૩૪) આમળાનો મુરબ્બો કે આમળાનું શરબત લેવાથી અમ્લપીત્તમાં લાભ થાય છે.

(૩૫) લીંબુના ફુલ અને સંચળને આદુના રસમાં પીવાથી અમ્લપીત્ત મટે છે.

(૩૬) સંતકૃપા ચુર્ણ પાણી અથવા લીંબુના શરબતમાં લેવાથી અમ્લપીત્તમાં લાભ થાય છે.

(૩૭) અમ્લપીત્ત અને અલ્સર એ પીત્તનો રોગ હોવાથી દરેક જાતના ખાટા પદાર્થો- દહીં, છાશ, ટામેટાં, આમલી, કોકમ, લીંબુ, કાચી કેરી, કોઠું, ખાટાં ફળો, હાંડવો, ઢોકળાં, ઈડલી, ઢોંસા, બ્રેડ વગેરે આથાવાળા પદાર્થો બીલકુલ બંધ કરવા. તળેલા, વાસી, ભારે, વાયડા, ચીકણા પદાર્થો, મરચું, મરી, લસણ, ડુંગળી, સુંઠ, પીપર, ગંઠોડા, આથાણું, રાયતું, પાપડ, સાકર, વરીયાળી, કાળી દ્રાક્ષ, ધાણા, જીરુ, પાકાં કેળાં, નાળીયેરનું પાણી- વગેરે બધું જ બંધ કરવું.

(૩૮) દરરોજ ભોજન બાદ એક એક ચમચી હરડેનું ચુર્ણ મધ સાથે ચાટવાથી ચારેક દીવસમાં એસીડીટી મટે છે. લાંબા સમય સુધી પ્રયોગ કરવાથી એસીડીટી જડમુળથી જતી રહે છે.

(૩૯) આખાં આમળાંને વરાળથી બાફી સાકરની ચાસણીમાં ડુબાડી રાખવાં. તેમાંથી રોજ એક આમળું સવારે ખાવાથી અમ્લપીત્ત મટે છે.

(૪૦) ગોરસ આમલીનાં બી અને છોડાં કાઢી નાખી માત્ર ગરનું શરબત બનાવી તેમાં જીરુ અને સાકર નાખી પીવાથી પીત્તશમન થઈ એસીડીટી મટે છે.

(૪૧) કડવા પરવળ એટલે પટોલનાં પાનનો રસ પીવાથી એસીડીટી તરત જ શાંત થાય છે.

(૪૨) અરડુસી, ગળો, પીત્તપાપડો, લીમડાની અંતર્છાલ, કરીયાતુ, ભાંગરો, ત્રીફળા અને પરવળનાં પાન સરખા વજને લઈ અધકચરાં ખાંડી અડધા કપ મીશ્રણને બે ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો કપ બાકી રહે ત્યારે ગાળી ઠંડુ પાડી મધ સાથે પીવાથી અમ્લપીત્ત મટે છે. આ ઉકાળામાં દશ ઔષધો હોવાથી એને દશાંગ ક્વાથ કહે છે.

(૪૩) કાળી દ્રાક્ષ, સાકર, વરીયાળી અને ધાણાને પાણીમાં પલાળી ખુબ ચોળી, ગાળીને રાત્રે પીવાથી અમ્લપીત્તમાં ફાયદો થાય છે.

(૪૪) અમ્લપીત્તને લીધે માથું એકદમ દુખતું હોય તો સાકરનું પાણી પીવાથી તરત જ ફાયદો થાય છે.

(૪૫) શતાવરીનું ચુર્ણ ગાયના દુધમાં ઉકાળી એલચી અને સાકર નાખી પીવાથી અમ્લપીત્ત મટે છે.

(૪૬) એસીડીટીની ફરીયાદ હોય તો દીવસમાં ત્રણ-ચાર વાર નાળીયેરનું પાણી પીવું.

એસીડીટીમાં પરેજી  ખારા, ખાટા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરવું. વાસી ખોરાક અને માદક પદાર્થો ન લેવા. રબરના બુટ-ચપ્પલ ન પહેરવાં. દરેક વસ્તુ ચાવી ચાવીને ખાવી. હળવા-પ્રસન્ન ચીત્તે રહેવું અને વ્યસન છોડી દેવાં.

 

વધુ પડતી ઉંઘ

માર્ચ 25, 2010

વધુ પડતી ઉંઘ : સતત કામ કરતા રહેવા વચ્ચે સાત-આઠ કલાકની ઉંઘ સ્વાસ્થ્ય માટે આવશ્યક ગણાય છે.

(૧) વધુ પડતી ઉંઘ આવતી હોય તો વડના પાકા પાનનો ઉકાળો કરીને પીવો, અને મીઠાઈઓ, ફળો, ચોખા, બટાટા તથા ભારે ખોરાક બંધ કરવો કે ઓછો કરવો.

(૨) દુધ વગરની ફક્ત લીંબુનો રસ નાખેલી ચાય સવાર-સાંજ ૧-૧ કપ પીવાથી વધુ પડતી ઉંઘની ફરીયાદ મટે છે.

(૩) દરરોજ સવાર-સાંજ વરીયાળીનો ૧-૧ કપ તાજો ઉકાળો કરીને પીવાથી અતીનીદ્રાની (વધુ પડતી ઉંઘની) અને આળસની ફરીયાદ મટે છે. 

ઉંદરી

માર્ચ 23, 2010

ઉંદરી ઉંદરી થઈ હોય તે સ્થાનની ત્વચા પર સવાર-સાંજ આછું આછું ‘ગુંજાદી તેલ’ અથવા ‘લશુનાદી તેલ’ લગાડવું. આહારમાં નમક-મીઠું સાવ ઓછું ખાવું. જેમાં નમક વધારે હોય એવા આહારદ્રવ્યો અથાણાં, પાપડ વગેરે બંધ કરવાં. મહામંજીષ્ઠાદી ઘનવટી એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી. જમ્યા પછી એક એક ગોળી આરોગ્યવર્ધીની લેવી. આંતરે દીવસે અરીઠા અથવા શીકાખાઈથી માથું ધોવું અને અડધો કલાક તડકામાં બેસી વાળ કોરા કરવા.

ઉલટી

માર્ચ 21, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઉલટી

(૧) ૧૦-૧૦ ગ્રામ આદુનો રસ અને ડુંગળીનો રસ મીશ્ર કરી પીવાથી ઉલટી મટે છે.

(૨) ૧૦-૧૦ ગ્રામ દ્રાક્ષ અને ધાણા વાટી પાણીમાં એકરસ કરી પીવાથી પીત્તની ઉલટી મટે છે.

(૩) એલચીનું એકથી બે ગ્રામ ચુર્ણ અથવા એલચીના તેલનાં પાંચ ટીપાં દાડમના શરબતમાં મેળવી પીવાથી ઉબકા અને ઉલટી મટે છે.

(૪) કેળનો રસ મધ મેળવી પીવાથી ઉલટી મટે છે.

(૫) કોળાનો અવલેહ (જુઓ અનુક્રમ અથવા લીંક https://gandabhaivallabh.wordpress.com/2009/01/16/) ખાવાથી ઉલટી મટે છે.

(૬) ગંઠોડા અને સુંઠનું ૩-૩ ગ્રામ ચુર્ણ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.

(૭) જાયફળ ચોખાના ધોવાણમાં ઘસીને પીવાથી ઉલટી મટે છે.

(૮) ટામેટાના રસમાં ચોથા ભાગે સાકર નાખી જરાક એલચીના દાણાનું ચુર્ણ, સહેજ મરી અને લવીંગનું ચુર્ણ મેળવી પીવાથી ઉલટી મટે છે.

(૯) તજ ખાવાથી ઉલટી મટે છે.

(૧૦) તજનું તેલ બેથી ત્રણ ટીપાં એક કપ પાણીમાં મેળવી લેવાથી ઉલટીમાં ફાયદો થાય છે.

(૧૧) તજનો ઉકાળો પીવાથી પીત્તને લીધે થતી ઉલટી મટે છે.

(૧૨) નાળીયેરના ઉપરનાં છોડાંને બાળી તેની રાખ મધમાં ચાટવાથી ઉલટી મટે છે.

(૧૩) આમળાના રસમાં ચંદન અથવા પીપરનું ચુર્ણ નાખી મધમાં ચાટવાથી ઉલટી બંધ થાય છે.

(૧૪) બોરના ઠળીયાની મજ્જા, મમરા, વડના અંકુર અને જેઠી મધ એ ચારેનો ક્વાથ ઠંડો કર્યા પછી મધ અને સાકર નાખી પીવાથી ઉલટી મટે છે.

(૧૫) મધમાં ગોળનો રસ મેળવી પીવાથી ઉલટી બંધ થાય છે.

(૧૬) મરી અને મીઠું એકત્ર કરી ફાકવાથી ઉલટીમાં ફાયદો થાય છે.

(૧૭) મીઠા લીમડાના પાનનો ઉકાળો કરી પીવાથી ઉલટી મટે છે.

(૧૮) મીઠા સાથે મરી વાટીને લેવાથી ઉલટી બંધ થાય છે. (૧૯) લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સુંઠ અને સીંધવ નાખી અંગારા પર મુકી ખદખદાવી રસ ચુસવાથી અજીર્ણની ઉલટી મટે છે.

(૨૦) લીંબુ કાપી તેની ચીરીઓ પર ખાંડ ભભરાવી ચુસવાથી હોજરીના દુષીત અન્નવીકારથી થયેલી ઉલટી મટે છે.

(૨૧) શેકેલા મગનો કાઢો કરી તેમાં મમરા, મધ અને સાકર નાખી પીવાથી ઉલટી મટે છે. એનાથી દાહ, જ્વર અને અતીસારમાં પણ ફાયદો થાય છે.

(૨૨) પાકા દાડમના રસમાં શેકેલા મસુરનો લોટ મેળવી પીવાથી ત્રીદોષજન્ય ઉલટી મટે છે.

(૨૩)  સુકી મોસંબી બાળી, રાખ કરી મધમાં ચાટવાથી ઉલટી બંધ થાય છે.

(૨૪)  હીંગને પાણીમાં વાટી લેપ કરવાથી વાયુનું અનુલોમન થઈ ઉલટી મટે છે.

(૨૫) ફોતરાં સાથેની એલચી બાળી તેની ૧ ગ્રામ ભસ્મ મધ સાથે વારંવાર ચટાડવાથી કફજન્ય ઉલટી મટે છે.

(૨૬) જાંબુડીની છાલની રાખ મધ સાથે લેવાથી ખાટી ઉલટી મટે છે.

(૨૭) આમલી પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી પીત્તની ઉલટી બંધ થાય છે.

(૨૮) આંબાનાં અને જાંબુનાં કુમળાં પાનનો ઉકાળો ઠંડો કરી મધ મેળવી પીવાથી પીત્તજન્ય ઉલટી મટે છે.

(૨૯) જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લી વૉટર કહે છે. એ પીવાથી ઉલટી મટે છે.

(૩૦) દાણા કાઢી લીધેલા મકાઈના ડોડા બાળી, રાખ કરી, ૧/૨ થી ૩/૪ ગ્રામ રાખ મધ સાથે ચાટવાથી ઉલટી તરત જ બંધ થાય છે.

(૩૧) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી ઉલટી મટે છે.

(૩૨) રાઈ પાણીમાં વાટી ગાઢો મલમ બનાવી પેટ પર બધે ચોપડી દઈ કડક પાટો બાંધી દેવાથી ઉલટી મટે છે. ગણતરીના કલાકોમાં જ ચમત્કારીક લાભ થાય છે.

(૩૩) સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કીલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારેજ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ જેટલું પાણી મેળવી પીવાથી ઉલટી મટે છે.

(૩૪) વરીયાળીનો અર્ક લેવાથી તાવની ઉલટી અને તરસ દુર થાય છે.

(૩૫) વડના તાજાં કુણાં પાનને લસોટી રસ કાઢી પીવાથી ઉલટી બંધ થાય છે. ઉલટીમાં લોહી પડતું હોય તો પણ આ પ્રયોગથી મટે છે.

(૩૬) ઉલટી થતી હોય તો બરફ ચુસવો, બને તેટલો પ્રવાહી અને ઓછો ખોરાક લેવો.

(૩૭) ઉલટીમાં ઉંઘ ઘણી સારી.

(૩૮) લીંબુનું શરબત પીવું.

(૩૯) દાડમ, દ્રાક્ષ, સંતરાં, મોસંબીનો રસ લેવો.

(૪૦) તુલસીના રસમાં એલચીનું ચુર્ણ નાખી પીવાથી ત્રીદોષજન્ય ઉલટી મટે છે.

(૪૧) દાડમનો રસ કે લીંબુનો રસ પીવાથી ઉલટી મટે છે. (૪૨) લવીંગના ઉપરના ગોળાકાર ભાગ અને અજમાનું સમાન ભાગે બનાવેલ ચુર્ણ મધ સાથે ચાટવાથી વારંવાર થતી ઉલટી મટે છે.

(૪૩) મમરા ખાવાથી ઉલટીમાં રાહત થાય છે.

(૪૪) હરડેનું ચુર્ણ મધ સાથે ચાટવાથી ઉલટી બંધ થાય છે. (૪૫) ત્રીફળા વાવડીંગ અને સુંઠનું ચુર્ણ મધ સાથે ચાટવાથી ઉલટી બંધ થાય છે.

(૪૬) એલચીનાં છોડાંની એક ગ્રામ રાખ એક ચમચી મધમાં ચાટવાથી ઉલટી મટે છે.

ઉલટી – કોઈપણ જાતની – ધાણા, સુંઠ, સાકર અને નાગરમોથ ચારે ૫-૫ ગ્રામ ૩૫૦ મી.લી. પાણીમાં ઉકાળી, ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળીને પીવાથી ગમે તે કારણે થતી ઉલટી મટે છે.

ઉલટી બંધ કરવી – રાઈને ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે. ઉલટી અને ઉબકા– (૧) ૧-૨ ચમચી તુલસીના પાનનો રસ ૧ ચમચી સાકર કે મધ મેળવી કલાક દોઢ કલાકે પીવાથી વાયુનું શમન થવાથી ઉલટી-ઉબકા બંધ થાય છે. તુલસીથી વાયુ અને મળ બંનેનું અનુલોમન થાય છે.

(૨) સોડા પાણી પીવાથી ઉલટી-ઉબકા મટે છે.

(૩)  ૧-૧ નાની ચમચી હરડેનો પાઉડર મધ સાથે ચાટવાથી ઉલટી મટે છે.

(૪) અપચાને કારણે અથવા બીજા કોઈ પણ કારણને લીધે જો ઉબકા, ઉલટી થતાં હોય, મોળ આવતી હોય, જીવ ચુંથાતો હોય કે એકદમ અત્યંત અરુચી જેવું લાગતું હોય તો બે ચમચી આદુનો રસ, બે ચમચી ફુદીનાનો રસ અને બે ચમચી જેટલો ડુંગળીનો રસ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે તાજેતાજો જ કાઢીને પીવાથી ઉબકા, ઉલટી, અરુચી, મોળ આવવી વગેરે શાંત થઈ જાય છે અને સરસ ભુખ લાગે છે.

(૫) સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કીલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારેજ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. આ શરબત ૧૫થી ૨૫ ગ્રામ  જેટલું પાણી મેળવી પીવાથી ઉબકા મટે છે.

(૬) પા ચમચી સીંધવ એક ચમચી મધમાં મીશ્ર કરીને ધીમે ધીમે ચાટવાથી ઉલટી અને ઉબકા બંધ થાય છે.

લોહીની ઉલટી મીઠા લીમડાનાં પાનને પાણીમાં વાટીને પીવાથી લોહીની ઉલટીમાં લાભ થાય છે. 

સગર્ભાની ઉલટી– ધાણાનું ચુર્ણ ૩ ગ્રામ અને સાકર ૧૦ ગ્રામ ચોખાના ઓસામણમાં મેળવી પીવાથી સગર્ભાની ઉલટી બંધ થાય છે.

પીત્તજ ઉલટી (૧) ગળો, ત્રીફળા, લીમડાની છાલ અને પરવળનાં પાનનો સમભાગે બનાવેલ ઉકાળો બનાવી, ઠંડો પાડી મધ મેળવી પીવાથી અમ્લપીત્તને લીધે થતી ઉલટી મટે છે. આ ઔષધોનો અધકચરો ભુકો બે ચમચી જેટલો લેવો.

(૨) ત્રણથી ચાર ચમચી ગળોનો રસ અને બે ચમચી સાકરનું ચુર્ણ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે પીવાથી પીત્ત તત્કાળ દુર થાય છે અને પીત્તથી થતી ઉલટી મટે છે.

(૩) ગળોના ઉકાળામાં મધ મેળવીને પીવાથી ત્રીદોષજન્ય (વાયુ, પિત્ત અને કફથી થતી) ઊલટી બંધ થાય છે.

 

ઉપવાસ

માર્ચ 20, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઉપવાસ જ્યારે પણ બીમારી આવે, ખાસ કરીને પાચનતંત્રનો કોઈ રોગ હોય  કે શરદી-સળેખમ પ્રધાન કોઈ દર્દ હોય તો સ્વસ્થ થવાનો ઉપવાસ એ વગર પૈસાનો ઉત્તમ ઉપાય છે. ઉપવાસથી તન-મનની શુદ્ધી થાય છે અને દવાથી જે કામ થતું નથી તે ઉપવાસથી ચારગણું ઝડપથી થાય છે.

ઉપવાસથી દેહની શુદ્ધી સાથે મનની પણ શુદ્ધી થાય છે.

અનેક સંભવીત રોગોને અટકાવવા માટે પણ ઉપવાસ મહાન અકસીર ઈલાજ છે. ઉપવાસથી શરીર હલકું બને છે, રોગો અને દોષો બળી જાય છે, ખાવા-પીવામાં રુચી ઉત્પન્ન થાય છે, સારી ભુખ લાગે છે, તંદ્રા અને ગ્લાની નાશ પામે છે. શરીરની બધી ઈન્દ્રીયો નીર્મળ અને ચપળ બને છે.

મારા અનુભવમાં અમુક ઑપરેશન વખતે પણ ઉપવાસથી ઝડપથી રુઝ આવે છે.

ઉપવાસ લાંબા હોય તો એને છોડતી વખતે વધુ કાળજી રાખવી પડે, આથી જાણકારની દેખરેખ હેઠળ જ ઉપવાસ કરવા જોઈએ.

ઉધરસ, શ્વાસ, ઈયોસીનોફીલીયા

માર્ચ 19, 2010

ઉધરસ, શ્વાસ, ઈયોસીનોફીલીયા આ ત્રણે કફના રોગ છે આથી ઠંડકથી દુર રહેવું. ઠંડા પદાર્થો કે ઠંડા વાતાવરણથી બચવું. કબજીયાત કે અજીર્ણ થવા ન દેવું. લુખા અને ગરમ પદાર્થો સારા. ધાણી, ચણા, મમરા, પૌઆ કફ ઘટાડશે. લસણ, ડુંગળી, રાઈ, મેથી હળદર, અજમો, લવીંગ,  સુંઠ, મરી, પીપર, આદુ, નાગરવેલનાં પાન વગેરે ખાવાથી લાભ થાય.