Archive for ડિસેમ્બર, 2017

આરોગ્ય ટુચકા 137. દુધ અને ડાયાબીટીસ

ડિસેમ્બર 31, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 137. દુધ અને ડાયાબીટીસ: એક સંશોધનમાં માલમ પડ્યું છે કે દુધ શારીરીક તંદુરસ્તી માટે ઘણું ઉપયોગી છે. એનાથી ડાયાબીટીસ, બ્લડપ્રેશર, વજનવધારો અને હૃદયરોગ સામે રક્ષણ મળે છે. સંશોધન કરનારાઓએ 20 વર્ષ સુધી 45થી 59 વર્ષના લોકોનું નીરીક્ષણ કર્યા પછી આ તારણ કાઢ્યું છે. 20 વર્ષ સુધી નીયમીત આ લોકોના ખાનપાનમાં દુધ અને દુધની બનાવટોના વપરાશની નોંધ રાખવામાં આવી હતી. દરરોજ જે લોકો બે ગ્લાસ દુધ પીતા હતા તેમને ઉપરોક્ત તકલીફની શક્યતા 62 ટકા ઘટી ગઈ હતી. જે લોકો દુધની અન્ય બનાવટો નીયમીત રીતે લેતા હતા તેમને આ તકલીફોની શક્યતા 56 ટકા ઘટી હતી. જેટલા વધુ પ્રમાણમાં દુધ કે એની બનાવટો લેવામાં આવે તેટલા પ્રમાણમાં ઉક્ત તકલીફોની શક્યતા ઘટતી જોવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણ પોતાની પાચનશક્તીને અનુકુળ હોય તે પ્રમાણમાં દુધ લેવાની કાળજી પણ રાખવી જોઈએ. આ સાથે સમતોલ આહાર અને જરુરી કસરત પણ કરવી જરુરી છે. ઉપરાંત તમને દુધ કે એની બનાવટના પાચનની કોઈ તકલીફ કે એલર્જી ન હોય તો જ લાભ થઈ શકે.

આરોગ્ય ટુચકા 136. ટાઈપ 2 ડાયાબીટીસ-એક નુસખો

ડિસેમ્બર 29, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 136. ટાઈપ 2 ડાયાબીટીસ-એક નુસખો: ટાઈપ 2 ડાયાબીટીસ વધુ પડતા વજનને લીધે થવાની શક્યતા હોય છે. આથી વજન વધી ન જાય કે વધુ હોય તો ઓછું કરવા માટે બહાર રેસ્ટોરાંમાં કે બીજેથી તૈયાર મળતું જમવાનું બંધ કરવું. કેમ કે રેસ્ટોરાંમાં વધુ પડતું ખવાઈ જવાની શક્યતા હોય છે. એમાં પીરસવામાં આવતી વાનગીઓ પણ વધુ પ્રમાણમાં હોય છે. કેટલીક વાર તો એક જણ માટેની ડીશમાંથી બે જણા ખાઈ શકે તેટલું બધું હોય છે. એ રસોઈમાં કેલરી પુશ્કળ હોય છે, મોટા પ્રમાણમાં ફેટ હોય છે. સંશોધનમાં જોવામાં આવ્યું છે કે બહાર જમતા લોકો વધુ પડતું વજન ધરાવતા હોય છે. આથી લંચ જાતે બનાવીને કામ પર લઈ જવું. એ રીતે યોગ્ય પ્રકારનો આહાર યોગ્ય પ્રમાણમાં લઈ શકાય. રોજેરોજ પોતાનું લંચ તૈયાર કરવાનું શરુઆતમાં મુશ્કેલ લાગે તો વીકમાં બેએક દીવસથી શરુઆત કરી શકાય.

કેટલાક ટુંકા આરોગ્ય નુસખા

ડિસેમ્બર 28, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
કેટલાક ટુંકા આરોગ્ય નુસખા
(બ્લોગ પર તા. 28-12-2017)
1. 15 ચણાને 50 મી.લી. પાણીમાં પલાળી રાખવા. સવારે ભુખ્યા પેટે એક એક ચણો ખુબ ચાવીને ખાવો, અને વધેલું પાણી પી જવું. આથી શક્તી વધે છે. કાળા ચણા વધુ શક્તીપ્રદ ગણાય છે.
2. શરીર એકદમ ઠંડું થઈ જાય, અરુચી, ચુંક આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો સુંઠ ગોળ સાથે ખાવી કે પાણી સાથે ફાકવી.
3. નીદ્રા આવતી ન હોય તો 3 ગ્રામ પીપરીમુળના ગંઠોડાનું ચુર્ણ પાણી સાથે લેવું, અથવા પગના તળીયે ગાયના ઘીનું કે દીવેલનું માલીશ કરવું.
4. પેટમાં આફરો ચડ્યો હોય તો 5 ગ્રામ સંચળ પાણી સાથે ફાકવું.
5. વાછુટ માટે 2થી 3 ગ્રામ હીંગ પાણી સાથે લેવી.
6. પેટમાં કરમીયાં થયાં હોય તો 3 ગ્રામ વાવડીંગ પાણી સાથે લેવું.
7. ભુખ ન લાગતી હોય તો લસણની ચટણી ખાવી.
8. રાઈનું 1 ગ્રામ ચુર્ણ સાકર સાથે મીક્સ કરીને ખાઈને ઉપર બેચાર ઘુંટડા પાણી પીવું. એનાથી અપચો અને ઉદરશુળ મટે છે.
9. મુળાનાં તાજાં, કાચાં, લીલાં પાન ખુબ ચાવીને ખાવાથી કબજીયાત દુર થાય છે.
10. ફુદીનો: શરદી, સળખમ, કફ, ઉધરસ, દમ, મંદાગ્ની વગેરેમાં ફુદીનાનો રસ ઉપયોગી છે. પેટમાં દુખાવો હોય તો એની ચટણી ખાવાથી કે એનો રસ પાણી સાથે મેળવીને લેવાથી દરદ મટી જાય છે.
11. લસણ જ્ઞાનતંતુની નબળાઈ દુર કરે છે.
12. શક્તી માટે શીંગોડાંનો લોટ દુધમાં ઉકાળીને લેવો.
13. પેટનો વાયુ તથા પેટનો દુખાવો દુર કરવા કાકચા, અજમો અને સંચળનું ચુર્ણ બનાવીને લેવું.
14. ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ દુર થઈ ભુખ લાગે છે.

આરોગ્ય ટુચકા 135. થાક અને કાકડી

ડિસેમ્બર 27, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 135. થાક અને કાકડી: એકદમ થાક અનુભવો છો? ચા કે કોફી પીવાનું છોડીને કાકડી ખાઈ લો અને તરત સ્ફુર્તી અનુભવશો તથા ચા અને કોફીના નુકસાનકારક ટેનીનથી પણ બચશો. કાકડીમાં સારા પ્રમાણમાં વીટામીન બી સમુહ (વીટામીન બી1, વીટામીન બી2, વીટામીન બી3, વીટામીન બી5, અને વીટામીન બી6,) હોય છે અને કાર્બોદીત પદાર્થ હોય છે, જેનાથી સ્ફુર્તી મળશે, અને એ સ્ફુર્તી માત્ર ક્ષણજીવી નથી હોતી, પણ લાંબા સમય સુધી ટકતી હોય છે.

આરોગ્ય ટુચકા 134. વજન વધારવા

ડિસેમ્બર 26, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 134. વજન વધારવા: રાત્રે 125 મી.લી. પાણીમાં 12 ગ્રામ અશ્વગંધાનું ચુર્ણ નાખી રાખી મુકવું. સવારે તેમાં 125 મી.લી. દુધ અને જોઈતા પ્રમણમાં ખાંડ નાખી ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય ત્યારે ઉતારી, ઠંડું પાડી ખાઈ જવું. પ્રયોગ દરરોજ નીયમીત કરવાથી વજન વધવા લાગે છે.

આરોગ્ય ટુચકા 133. ત્રણ નાની વાત

ડિસેમ્બર 25, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 133. ત્રણ નાની વાત: (1) લસણ જ્ઞાનતંતુની નબળાઈ દુર કરે છે.
(2) ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ દુર થઈ ભુખ લાગે છે. (3) રાઈના ચુર્ણમાં ઘી અને મધ મેળવી લગાડવાથી કાંટો, કાચ કે ખીલી જેવું ચામડીની નીચે ઉતરી ગયેલું હોય તે ઉપર આવી નીકળી જાય છે.

આરોગ્ય ટુચકા 132. ફુદીનો

ડિસેમ્બર 24, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 132. ફુદીનો: શરદી, સળેખમ, કફ, ઉધરસ, દમ, મંદાગ્ની વગેરેમાં ફુદીનાનો રસ ઉપયોગી છે. પેટમાં દુખાવો હોય તો એની ચટણી ખાવાથી કે એનો રસ પાણી સાથે મેળવીને લેવાથી દરદ મટી જાય છે. ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે.

આરોગ્ય ટુચકા 131. મુળાનાં પાન અને કંદ

ડિસેમ્બર 23, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 131. મુળાનાં પાન અને કંદ: મુળાનાં પાન તથા કંદને કાચે કાચા ખાવાથી જઠર સતેજ બને છે, કકડીને ભુખ લાગે છે, અજીર્ણ મટે છે અને દાંતના રોગ થતા અટકે છે. જો કે વધુ પ્રમાણમાં ખાવામાં આવે તો આથી ઉલટું પરીણામ આવે, કેમ કે મુળા પોતે પચવામાં ભારે છે.
મુળાનાં તાજાં, કાચાં, લીલાં પાન ખુબ ચાવીને પોતાની પાચન શક્તી મુજબ યોગ્ય પ્રમાણમાં ખાવાથી કબજીયાત દુર થાય છે.

આરોગ્ય ટુચકા 130. ઝાડાનો એક ઉપાય

ડિસેમ્બર 22, 2017

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 130. ઝાડાનો એક ઉપાય: ગમે તેવા ભયંકર અને ગમે તે રોગને કારણે થયેલા ઝાડા મટાડવા માટે અડધી રકાબી દુધમાં અડધું લીંબુ નીચોવી તરત જ પી જવું. આ ઉપાય દીવસમાં બે વખત કરવો. એક દીવસમાં ન મટે તો બેત્રણ દીવસ સુધી ઉપાય ચાલુ રાખવો. આ પ્રયોગમાં લેવાનું હોય તે સીવાય દુધ ન લેવું, તથા આહારમાં ઘઉં બંધ કરી દેવા. (ઘણાં વર્ષો પહેલાં -કદાચ 45 કે તેથી પણ વધુ વર્ષો પહેલાં-આ પ્રયોગ મેં કરેલો એવું સ્મરણ છે, જેનું અનુકુળ પરીણામ આવ્યું હતું.)

ટાઈપ ૨ ડાયાબીટીસની સારવાર

ડિસેમ્બર 21, 2017

ટાઈપ ૨ ડાયાબીટીસની સારવાર
(બ્લોગ પર તા. 21-12-2017 )
Reversing Type 2 Diabetes
-Sarah Hallberg અંગ્રેજી પરથી ગુજરાતીમાં એમના જ શબ્દોમાં
(ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.)
વધુ પડતું વજન એક વ્યાધી છે. અને એ વ્યાધીનું કારણ એક હોરમોન છે. એને માટે તમે જવાબદાર નથી, આથી તમારી જાતને તમારે ગુનેગાર ગણવાની જરુર નથી. હોરમોન ઘણી જાતનાં છે, ઈન્સ્યુલીન એમાંનું એક છે. કેટલાંક લોકો ઈન્સ્યુલીન પ્રતીરોધક હોય છે, આથી એમના શરીરમાં એ યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. એનું કાર્ય રક્તશર્કરાને શરીરના જે કોષોને જરુર હોય ત્યાં પહોંચાડવાનું છે, જેથી એ કોષોને શર્કરાના દહનથી શક્તી મળે. ઈન્સ્યુલીન પ્રતીરોધકતાના કારણે જેમના શરીરમાં ઈન્સ્યુલીન આ કાર્ય કરી નથી શકતું તેનું શરીર વધુ ને વધુ ઈન્સ્યુલીન પેદા કરતું રહે છે, આથી એનું લેવલ વધતું ને વધતું જ જાય છે. પણ લોહીમાંની શર્કરા પર ઈન્સ્યુલીન અસર કરી શકતું નથી, આથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જાય છે, એટલે કે ડાયાબીટીસ થાય છે.
ઈન્સ્યુલીનનું પ્રમાણ શરીરમાં વધી ગયેલું હોય તેની અસર ઘણું ખરું બહુ લાંબા સમયે દેખાય છે, કદાચ વર્ષો પછી. આથી ડાયાબીટીસની અસર થાય તે પહેલાં શરીરમાં ઈન્સ્યુલીન વધુ પડતું હોય જ છે. ઈન્સ્યુલીનનું પ્રમાણ શરીરમાં વધતાં ભુખ વધુ લાગે છે, આથી વધુ ખોરાક લેવાય છે અને વજન વધી જાય છે, કેમ કે વધારાના આહારનો શરીર ચરબીમાં રુપાંતર કરીને સંગ્રહ કરે છે.
આપણે જે ખોરાક લઈએ છીએ તે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન કે ચરબી હોય છે. જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ લઈએ ત્યારે એનું ગ્લુકોઝમાં રુપાંતર થઈને લોહીમાંની શર્કરાનું પ્રમાણ એકદમ વધી જાય. આથી વધુ ઈન્સ્યુલીન પેદા થાય છે, જેનાથી વધુ ભુખ લાગે છે અને વધારે ખાવાનું જોઈએ છે. આથી વજન વધતું જાય છે. આમ આ વીષચક્ર ચાલુ રહે છે.
તો આનો ઉપાય? કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછામાં ઓછું લેવું. કાર્બોહાઈડ્રેટ બીલકુલ લેવાનું છોડી દેવાનું નથી. અને પ્રોટીનનું પ્રમાણ વધારવાનું નથી, પણ ફેટ વધુ લેવાની છે, કેમ કે ફેટ માટે ઈન્સ્યુલીનની જરુર નથી. આથી ફેટનું પ્રમાણ વધતાં વધી ગયેલ ઈન્સ્યુલીન લેવલ ધીમે ધીમે નીચે આવી જાય છે અને ડાયાબીટીસ જતો રહે છે.
આ માટે ખાવા બાબત આ નીયમો ધ્યાનમાં રાખોઃ
૧. જો પેકેટફુડ પર “હળવું”, “લો ફૅટ” કે “ફૅટ ફ્રી” લખ્યું હોય તો એ કદી ન ખાવું.
૨. તમને ન ભાવતું હોય તે ખાવું નહીં.
૩. ભુખ લાગે ત્યારે જ ખાવું. ભુખ લાગી ન હોય તો ખાવું નહીં, ઘડીયાળ પ્રમાણે ચાલશો નહીં, ભુખ પ્રમાણે ચાલવું.
૪. અનાજ, બટાટા અને ખાંડ છોડી દેવી.
અનાજમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ છે. જો કે આખું અનાજ હેલ્થ માટે સારું ગણવામાં આવે છે, પણ કહેવાતું આખું અનાજ પણ પ્રોસેસ કરવાથી આખું રહેતું જ નથી. એમાંનાં મહત્વનાં પોષક તત્ત્વો ક્યાં તો દુર થયેલાં હોય છે કે પચી શકે તેવાં રહ્યાં હોતાં નથી.(દા.ત. પોલીશ કરેલા સફેદ ચોખા-ગાંડાભાઈ) હા, ખરેખરું આખું અનાજ હોય તે ખાઈ શકાય.
આ અંગે કોઈ રીસર્ચ ખરી કે? હા, માત્ર હું કરું છું તે દર્દીઓની જ નહીં, પણ બીજાં કેટલાંયે દર્દી બાબત જોવામાં આવ્યું છે કે લઘુત્તમ – ઓછામાં ઓછા કાર્બોહાઈડ્રેટવાળો આહાર લેવાથી માત્ર ડાયાબીટીસ જ નહીં પણ વધુ પડતું વજન, હૃદયની બીમારી, અમુક પ્રકારના કેન્સર વેગેરેમાં પણ ફાયદાકારક છે.