Archive for માર્ચ, 2024

લોહ તત્ત્વની ઉણપ  

માર્ચ 30, 2024

ઉંમર વધતાં પાચનશક્તી નબળી પડે, આથી પણ કદાચ લોહતત્ત્વની ઉણપ વરતાય છે. લોહ તત્ત્વ જે આહારમાંથી મળે છે એ પૈકી ખજુર અને કાળી સુકી દ્રાક્ષ મને વધુ પસંદ છે. કેટલાક વખતથી હું ખાંડનો ઉપયોગ બને ત્યાં સુધી કરતો નથી. ગોળ અવારનવાર વાપરું છું. ગોળમાં પણ લોહ હોય છે, પણ ડાયાબીટીસવાળા એ લઈ ન શકે. વળી એનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી ન શકાય. સવારના નાસ્તા માટે હું ઓટની રાબ બનાવું છું. એમાં હવે આગલા દીવસે પાણીમાં ભીંજવી રાખેલ ખજુર અને કાળી દ્રાક્ષ નાખું છું. પહેલાં હું એ રાબ ઉકાળતી વખતે ખજુર-દ્રાક્ષ પણ નાખી દેતો, એટલે કે ખજુર-દ્રાક્ષને પણ ઉકાળીને વાપરતો હતો.

થોડા વખત પર લોહની ઉણપ મને હોય એમ લાગ્યું. આથી બીજો કોઈ ફેરફાર ન કરતાં ખજુર-દ્રાક્ષને ચમચી અને ફોર્ક વડે મીક્ષ કરી રાબ ઉકાળીને તૈયાર થયા પછી એમાં નાખવાનું શરુ કર્યું, અને લોહ તત્ત્વની ઉણપ મને દુર થઈ ગયેલી લાગી. આમ ખજુરને ઉકાળવાથી કદાચ લોહ તત્ત્વ અમુક પ્રમાણમાં નષ્ટ થતું હોય અથવા એનું પાચન યોગ્ય રીતે ન થતું હોય એમ બને. એમ મને લાગે છે. કે કદાચ એનું યોગ્ય પાચન થઈ શકતું નહીં હોય.

બીજી એક બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ કે લોહના ચયાપચયમાં ચા અવરોધ પેદા કરે છે. આથી લોહયુક્ત આહાર લીધા પછી તરત ચા પીવી ન જોઈએ.

આંખોની કાળાશ, આંખોનું સ્વાસ્થ્ય

માર્ચ 23, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

(૧) આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.

(૨) કાળા તલને મધમાં બારીક વાટી સવાર-સાંજ ધીમે ધીમે ઘસવાથી આઠ-દસ દીવસમાં જ આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે.  સાથે સાથે પ્રોટીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવો જોઈએ.

(૩) બટાટાના રસમાં બેત્રણ ટીપાં ગાજરનો રસ અને કાકડીનો રસ મેળવી રૂનાં પુમડાં બોળી આંખો પર મુકવાથી આંખો નીચેનાં કાળાં કુંડાળાં દુર થાય છે. 

(4) મોઢાની કાળાશ, ખીલ મટાડવા અને મુખસૌંદર્ય માટે આમળાનો ઉકાળો કરી ગાળી એ પાણીથી મોં ધોવું અને આંખો પર છાંટવું. સુકાં આમળાં કફ અને ચીકાશને દુર કરે છે, ચાંદાં મટાડે છે.

આંખ માટે ગાયનું ઘી:  ઘી સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે.

ગાયનું ઘી પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકર છે. એ માટે એને પગના તળીયે ઘસવું જોઈએ. જો આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી કેટલાક દીવસ પગના તળીયે ૧૫ મીનીટ ઘસવું.  આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે.

તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે.

ત્રીફળાથી સીદ્ધ કરેલું ઘી સવાર-સાંજ બબ્બે ચમચી લેવાથી રતાંધળાપણું દુર થાય છે. આંખોનું તેજ વધે છે. આંખની આસપાસ ખંજવાળ, ઝાંખપ, આંજણી, આંખોની બળતરા-ગરમી તથા કબજીયાત દુર થાય છે.

જો બીજી કોઈ રીતે નુકસાનકારક ન હોય (જેમ કે લોહીનું ઉંચું દબાણ-બ્લડપ્રેશર) તો શીર્ષાસન અને નીયમીત વ્યાયામ કરવો.

વૃદ્ધાવસ્થાને આરામદાયક બનાવો

માર્ચ 17, 2024

સાત દીવસો પૈકી ત્રણ કે ચાર દીવસ માત્ર 30 મીનીટ જેટલું ચાલવાથી પણ ખુબ લાભ થાય છે. કોઈ પણ પ્રકારની મુસીબત વીના તમે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી શકશો. આપણાં અંગો નબળાં પડી જવાનું એક મહત્ત્વનું કારણ શર્કરા-ગ્લુકોષનું યોગ્ય પાચન થઈ શકતું નથી હોતું તે છે, એવું એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે. ચાલવા જેવી સાવ સામાન્ય કસરત પણ ગ્લુકોષનું પાચન બહુ સરળતાથી કરી શકે છે. જો તમે આખો દીવસ ડેસ્ક પર બેસીને વીતાવતા હો કે કંપ્યુટર સાથે જ આખો સમય તમારો જતો હોય તો વચ્ચે વચ્ચે ઉભા થઈ જરાક આંટા મારી લો. જરાક હાથ-પગ હલાવી જુઓ. અનુકુળતા હોય તો થોડું નૃત્ય કરી લો, જે પાચનક્રીયા માટે બહુ મદદગાર થશે. એ બાબત લોકો શું કહેશે એની ચીંતા કરવાની જરુર નથી.

કહેવાય છે કે કામના સ્થળે જપાનમાં તો કેટલીક કંપનીઓમાં દર 20 મીનીટે બેલ વગાડવામાં આવે છે અને બધાં જ એકી સાથે કામ બંધ કરી, ઉભાં થઈ જરા આળસ મરડી શરીરનું હલનચલન સમુહમાં જ કરી લે છે. આ રીતે હળવાશ અનુભવવાથી લોકો વધુ ઉત્પાદકશીલ પણ બને છે.

પ્લેસીબો-મનની શક્તીનો પ્રભાવ

માર્ચ 9, 2024

ડૉ. બી એમ હેગડે કહે છે:

દુખાવો એક ક્ષણમાં દુર કરવા માટેનું સૌથી વધુ અસરકારક ઔષધ જો આ દુનીયામાં હોય તો તે છે મોર્ફીઆ-અફીણનો અર્ક. શરીરમાં દુખાવો ધરાવતાં કેટલાંક લોકોને એવું કહીને મોર્ફીઆ આપવામાં આવ્યું કે એ લોકોને વીટામીનની જરુર હોવાથી વીટામીનનો ડોઝ આપવામાં આવ્યો છે. એમાંના કોઈને પણ દુખાવો ઓછો થયો નહીં.

બીજાં કેટલાંક લોકોને નમક-મીઠાનું પાણી એવું કહીને આપવામાં આવ્યું કે એ મોર્ફીઆ છે, જે દુખાવાની અકસીર દવા છે. તરત જ બહુ જ આશ્ચર્યજનક રીતે બધાં લોકોનો દુખાવો ગાયબ થઈ ગયો. આ પ્રયોગ પ્લેસીબો શું ભાગ ભજવે છે, મનની શક્તી શરીર પર કેવી ગજબની અસર કરે છે તે બહુ જ સરસ રીતે સ્પષ્ટ કરે છે. જ્યારે મન પ્રસન્ન હોય છે, ત્યારે દેહ પણ પ્રસન્નતા અનુભવે છે.

આમાં એક વાત મહત્ત્વની છે કે આ ઔષધ લેનારાંને ખરેખર જે કહીને ઔષધ આપવામાં આવ્યું હોય છે તેમાં રજમાત્ર પણ શંકા હોતી નથી. પ્લેસીબો ઔષધ આપનાર ડૉક્ટર પર ભારોભાર શ્રદ્ધા હોય, સહેજ પણ શંકા ન હોય તો જ એની અસર થાય છે. આથી કેટલીક વાર ડૉક્ટર એમ કહીને પ્લેસીબો આપે છે કે, “તમે ખરેખર ખરા સમયે જ તમારી આ ફરીયાદ લઈને આવ્યા છો. આ તકલીફ માટે હાલમાં જ આ ઔષધ શોધાયું છે અને એને બહુ જ અકસીર માનવામાં આવે છે.”

કેફીન

માર્ચ 2, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

આજકાલ ઘણા લોકો દીવસની શરુઆત કોફીના કપથી કરે છે. આથી એમને પોતાના શરીરમાં સ્ફુર્તી માલમ પડે છે, તાજગી અનુભવે છે, શક્તીનો સંચાર થયેલો લાગે છે.

કેટલાક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે કેફીન દ્વારા તમે વધુ વખત સખત કસરત કરી શકો, ઉપરાંત થાક પણ ઓછો અનુભવશો. એટલે કે તમે વધુ સારી સફળતા મેળવી શકો અને કસરતનો વધુ લાભ મેળવી શકો.  

હા, એ ખરું કે કેટલાક લોકોને એ લાભ કેટલી વાર કોફી પીવામાં આવે છે કે કોફીનું પ્રમાણ કેટલું હોય તે મુજબ વધુ કે ઓછો થઈ શકે. એટલે કે તમારે માટે કોફીનો પુરતો લાભ લેવો હોય તો માટે એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે શોધી કાઢવું પડે. બધાંને માટે એ સરખું હોઈ ન શકે. પણ પ્રયોગ વડે અજમાયશ કરીને જો તમને પુરતી તાજગી કે શક્તી માલમ ન પડતી હોય તો તમે જરુર મુજબ પ્રમાણ વધારી શકો.

કોફી કેટલાક રોગોમાં પણ લાભકારક માલમ પડી છે. જેમ કે પારકીનસન્સ, હૃદયની અમુક તકલીફ અને અમુક પ્રકારનાં કેન્સર. જો કે વધુ પડતી કોફી પીવાથી એની અનીચ્છનીય સાઈડઈફેક્ટ પણ જોવામાં આવી છે. પણ એની જોખમકારક ખરાબ અસર માટે તો બહુ જ વધારે કપ કોફી પીવામાં આવે તો જ કદાચ થાય. એટલે કે 10 ગ્રામ જેટલું કેફીન નુકસાનકારક થઈ પડે. વધુ પડતી કોફી પીવાથી એનું બંધાણ થવાની અને ન પીવાય તો માથાના દુખાવા જેવી ફરીયાદની શક્યતા રહે છે. એવા સંજોગોમાં કોફીનું પ્રમાણ ઘટાડી દેવું જોઈએ, અથવા પાણી પીવાનું પ્રમાણ વધારવું, જેથી કોફીને કારણે ચયાપચય (મેટાબોલીઝમ)ની સ્પીડ ઘટાડી શકાય.

આનો બીજો ઉપાય સવારમાં કોફીને બદલે ગ્રીન ટી લેવાનો છે. ગ્રીન ટીમાં રહેલાં અમુક તત્વો સ્વાસથ્ય માટે બહુ જ લાભકારક હોય છે, અને સાથે સાથે એમાં કોફી કરતાં કેફીન માત્ર ત્રીજા ભાગનું જ હોય છે.