Archive for the ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ Category

સરદાર વલ્લભભાઈ પટેલ

ડિસેમ્બર 2, 2008

દેશી રજવાડાં સરદારની ખરી કસોટી તો દીલ્હીની રાજસભા સંભાળવા પછીથી થયેલી. નહેરુ વડાપ્રધાન પણ બંધારણીય અને વહીવટી તંત્ર અંગે સરદાર નીર્ણય કરતા. સરદાર નહેરુથી જુદો અભીપ્રાય આપતાં અચકાતા નહીં, અને કેટલીયે વાર ગાંધીજીને વચ્ચે પડવું પડતું.

બ્રીટીશ સરકાર પાકીસ્તાનના ભાગલા પાડી ખસી ગઈ ત્યારે દેશી રાજ્યો માટે ખાસ કાંઈ નીર્ણય લીધેલો નહીં અને એમને યોગ્ય લાગે તેની સાથે જોડાવા માટે એ સ્વતંત્ર છે એમ કહી ગયેલા. આ બધા રાજાઓને સમજાવીને યુદ્ધ કર્યા વીના હીન્દુસ્તાન સાથે જોડાવાનું કાર્ય સરદારે કરેલું. બધાને આમંત્રણો મોકલી બોલાવ્યા. કેટલાક આવ્યા, કેટલાક નહીં. કેટલાકને ફરીથી આમંત્રણ આપ્યાં. વાતચીતમાં સરદારે એ બધાને મહત્ત્વના મુદ્દાઓ કહ્યા. કારણ કે અમુક રાજાઓ જક્કી હતા. એમને નીવૃત્ત કરીને યોગ્ય પેન્સન બાંધી આપીએ. પાર્લામેન્ટના સભ્ય બની મીનીસ્ટર સુધીની સગવડ આપીએ. તથા ઉચ્ચક મોટી રકમ જોઈતી હોય તો તે આપીએ. અમુક રજવાડાંઓ માની ગયેલાં અને અમુકે ન માનેલું. તેવાઓને આખરી સંદેશો આપેલો કે આવી મોટી બ્રીટીશ સરકાર પાસે સત્તા છોડાવી તો પછી તમારું શું ગજું? લગભગ બધા જ જોડાયેલા, પરંતુ બેત્રણ મુસ્લીમ રાજ્યો ન જોડાયેલાં. કાઠીયાવાડનું એક જેને પ્રજાના સત્યાગ્રહથી જીતેલું (શામળદાસ ગાંધીની આગેવાનીથી). હૈદ્રાબાદના નીઝામે માનેલું નહીં. એમની સાથે સમાધાનની વાટાઘાટ માટે સરદારે મુંબઈથી મુન્શીને મોકલેલા. સમાધાન ન કરતાં નીઝામે મુન્શીને કેદ કરેલા. સરદારને લાગ્યું કે વાટાઘાટથી સમાધાન થવાનું નથી ત્યારે એમણે લશ્કરથી કબજો લેવાનો નીર્ણય કર્યો. એ નીર્ણયના અમલ માટે કેબીનેટની પરવાનગી માગી. ગંભીર ચર્ચાઓ બાદ બધા સંમત થયેલા. શરુઆતમાં નહેરુ પણ શંકાશીલ હતા. અંતે હીન્દી લશ્કર લઈને સરદાર પોતે સરદારી લઈને હૈદરાબાદ પર ગયા અને એક જ દીવસમાં ખાસ ખુવારી વીના કબજો લીધો. મુન્શીને મુક્ત કર્યા. દેશના વાતાવરણમાં તરત જ શાંતી સ્થપાઈ. (વધુ આવતા અંકમાં)

સરદાર વલ્લભભાઈ પટેલ

નવેમ્બર 29, 2008

સરદાર વલ્લભભાઈ પટેલ

દેશમાં સહુથી વધારેમાં વધારે મહત્ત્વનું કાર્ય કોઈએ કર્યું હોય તો તે સરદાર વલ્લભભાઈએ. જેનાં થોડાં સ્મરણો યાદ કરીએ.

દાંડી નીમક સત્યાગ્રહ પહેલાં ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ થયેલો. મહેસુલ નહીં ભરવાના મુદ્દાઓ પર બ્રીટીશ સરકારે ગંભીર ત્રાસ વર્તાવેલો. ખેડુતોના ઘરોની જડતી લઈ માલમીલકત બધું કાઢી લઈ ગયેલા. ઢોર બળદો પણ કાઢી લઈ ગયેલા. જડતી લીધેલા માલનું લીલામ કરેલું. ઘરમાં બંધાઈ રહેલાં ઢોરો ધોળાં થઈ ગયેલાં. લોકોને ઘરબારમાંથી કાઢી મુકેલા. લોકો આમ તેમ સગેવહાલે જઈને રહેલાં. સરકારે જમીન હરાજી કરેલી તે કેટલાક પારસીઓએ સસ્તી મળતી હોવાથી લીધેલી. પરંતુ સરદારે અને પ્રજાએ નમતું તોલેલું નહીં. પરંતુ જીતેલા એમ કહીએ તો ખોટું નથી. ખેડુતોએ સરદારને કહ્યું કે કોઈક જગ્યાએ જમીન મળતી હોય તો અમે ખેતી કરીએ. આ વીષય પર સરદારે ઉંડો વીચાર કર્યો, અને માંડવીથી આગળ રાજપીપળા સ્ટેટ (દેશી રાજ્ય)ના રાજાને મળીને એમનાં જંગલો યોગ્ય કીંમતે આ ખેડુતોને વેચવાનું કહ્યું. તે પ્રમાણે જંગલો ખરીદી, ઝાડો કાપી, મુળીયાં કાઢી, જમીન સાફ કરી ખેતી કરવાનું કામ શરુ કર્યું. આ હકીકત રમુજી છે. ક્રાંતીકાળમાં નીરાશ્રીત તરીકે મેં રાજમાં પાંચેમ ગામે ધામણના ધીરજભાઈ ગોરધનને ત્યાં કાઢેલાં. ત્યારે એ ખેતી અંગેની વીસ્તૃત વીગત મેળવેલી. જંગલો ખરીદે, ઝાડો કપાવે, તેનાં ઈમારતી લાકડાં વેચે. ડાળ-પાંખડાં બાળવા માટે વેચે. થડ-મુળીયાં કોલસા માટે વેચે. આ બધી વીધી કરતાં વ્યવસ્થીત મહેનત કરવી પડે. પછીથી જમીન ચોખ્ખી થાય. ત્યારે પાણીના નીકાલ માટે મોટી નીકો કરવી પડે. એનું નાની નદીઓના વહેણ સાથે સંગમ કરાવવું પડે. ધીરજભાઈ પાસે પાંચેમમાં ૧૨૦૦ વીઘાં આવી જમીન. ત્રણ દીકરા પૈકી એક કાયમ ત્યાં રહે. બાકીના બે ધામણથી આવજા કરે. ધામણમાં ત્રીસ વીઘાં જમીન. ખાનદાની જબરી. હું ત્યાં હતો તે દરમીયાન ધીરજકાકાને મેં રામકબીર ગ્રંથ વાંચી સંભળાવેલો. ખેતી કરવાની પદ્ધતીનો મેં અભ્યાસ કરેલો. ખેડેલી જમીનમાં બે ચાસ કપાસ લીધા પછીથી બે ચાસ ખેતરનું હલકું ભાત ઓરવું એ રીતે ભાતમાં ક્યાંક થોડી તુવેરની છાંટ નાખવી. આ ભાત આસો માસમાં કાપી લેવાયા બાદ કપાસને વીકસવા માટે પુરતી જગ્યા મળી રહે. અમુક ખેતરોમાં જુવાર પણ ઓરે. આ ખેડુતોએ ભાત અને કપાસનો પાક એટલો બધો લીધો કે ઝગડીયા અને નેત્રંગમાં કપાસ અને ભાતનાં કારખાનાં ઉભાં કર્યાં. આથી એક આખો ઉદ્યોગ શરુ થયો. ગોરધનભાઈ ભક્તના કાકાએ રાજપરા ગામે ખેતી ઉપરાંત ઈમારતી લાકડાં વેચવાની એક વખાર ઉભી કરી હતી. ત્યાં અમારા ભત્રીજા રણછોડભાઈ ગોવીંદ રહી આવેલા. બારડોલી વીસ્તારના ખેડુતોની જમીન ગયેલી તેવા અનેક ખેડુતો રાજપીપળા સ્ટેટમાં સ્થીર થયેલા. જ્યારે પ્રાંતીય સરકાર રચાયેલી ત્યારે આ ખાલસા થયેલી જમીન સાચા ખેડુત માલીકોને સરદારે પાછી અપાવેલી. (વધુ આવતા અંકમાં)