Archive for જુલાઇ, 2019

આરોગ્ય ટુચકા 350. કોફી

જુલાઇ 31, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 350. કોફી: પ્રમાણસર કોફી પીનારાઓને યકૃત-લીવરનો વ્યાધી થવાની શક્યતા ઓછી રહે છે. ઉપરાંત હીપેટાઈટીસ સી(યકૃતનો છેલ્લા સ્ટેજનો દારુણ રોગ) થયો હોય તો એ પણ એમાંના કેફીનને કારણે આગળ વધતો અટકી જાય છે.
કેફીન ઉપરાંત કોફીમાં કેટલાક ઓક્સીજનીકરણ વીરોધી (એન્ટી ઓક્સીડન્ટ) તત્ત્વો રહેલાં છે. એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે એક કપ કોફીમાં રાસ્પબરી, બ્લુબેરી, દ્રાક્ષ કે નારંગી કરતાં પણ વધુ એન્ટી ઓક્સીડન્ટ હોય છે.
કોફીમાંના કેફીનથી થતું નુકસાન: એના કેફીનની ઉંઘ પર થતી ખરાબ અસર બહુ જાણીતી છે. આથી ભલામણ કરવામાં આવે છે કે સુવાના 4-6 કલાક પહેલાં કોફી પીવી જોઈએ નહીં. કેટલાંક લોકોમાં કોફીથી હોજરીના પાચક રસો નબળા પડી જાય છે તથા હૃદયમાં બળતરા થાય છે. (કોફી ગરમ છે.) કોફીના સેવનથી બ્લડપ્રેસર વધી જાય છે. આથી ઉંચા બ્લડપ્રેશરવાળા લોકોએ કોફીનું સેવન તજવું જોઈએ.
વધુ પડતી કોફી પીવાથી (દરરોજ 540 મીલીગ્રામ કે તેથી વધુ કેફીન લેવાથી) પેશાબ વાટે કેલ્શ્યમ દુર થવાની શક્યતા છે. આથી હાડકાં નરમ પડી જાય, ખાસ કરીને જો તમારામાં કેલ્શ્યમની ઉણપ રહેતી હોય તો કોફી પીવી ન જોઈએ.
અભ્યાસમાં જણાયું છે કે ભોજન સાથે કોફી પીવાથી લોહ (આયર્ન)નું અભીશોષણ એમાં રહેલા ટેનીનને કારણે થતું નથી. આથી જે લોકોમાં લોહની ઉણપ હોય, જેમનું શરીર ફીક્કું પડી ગયું હોય તેમણે કોફીનું સેવન ખાધા પછી 1-2 કલાક બાદ કરવું જોઈએ. જો કે કેટલાક લોકો ખાવાના એકાદ કલાક પહેલાં કોફી પીવાની ભલામણ કરે છે, ભોજન પછી નહીં.

આરોગ્ય ટુચકા 349. આંબાનાં પાંદડાંના વૈદકીય ઉપયોગો

જુલાઇ 29, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 349. આંબાનાં પાંદડાંના વૈદકીય ઉપયોગો:
(પીયુષભાઈ તરફથી મળેલ અંગ્રેજી વીડીઓ પરથી)
કેરી એક ઉત્તમ ફળ છે. આ મીઠું ફળ વીટામીન એ, વીટામીન સી અને તાંબું, પોટેશ્યમ તથા મેગ્નેશ્યમ જેવાં મીનરલનો સુંદર ખજાનો છે. ઉપરાંત આંબાનાં પાન પણ વૈદકમાં અદ્ભુત કામમાં આવે છે. એને આયુર્વેદમાં બહુ જ ઉપયોગી ઔષધ ગણવામાં આવ્યું છે. આંબાનાં નવાં તાજાં ફુટેલાં પાદડાં રતાશ પડતાં કે સહેજ જાંબુડીયા રંગનાં હોય છે અને વખત જતાં તે ગાઢ લીલો રંગ ધારણ કરે છે. આંબાનાં છાંયડામાં સુકવેલાં પાન ઘરમાં કાયમ રાખવાથી ઘણો ફાયદો થશે જે નીચે એના દસ ઉપયોગો જણાવ્યા છે તેના પરથી સમજાશે.
1. ડાયાબીટીસ: આંબાનાં પાંદડાં સુકવીને ચુર્ણ બનાવવું. આ ચુર્ણ પાણી સાથે લેવાથી ડાયાબીટીસમાં લાભ થાય છે. આ પાંદડાંનું પાણી પીવાથી પણ ડાયાબીટીસમાં ફાયદો થઈ શકે. સુકાં પાંદડાંને રાતભર એક કપ પાણીમાં ભીંજવી રાખી સવારે ગાળીને પી જવું.
2. બ્લડપ્રેશર: આંબાનાં પાનમાં રહેલું એક પ્રકારનું રસાયણ રક્તવાહીનીઓની દીવાલને મજબુત બનાવે છે. આથી શીરાઓ ગુંચળું વળી જવાની સમાસ્યા થતી અટકે છે, અને બ્લડપ્રેશરમાં લાભ થાય છે.
3. ચીંતા અને ગભરામણ: આંબાનાં પાંદડાં નાખી ઉકાળેલું બેત્રણ ગ્લાસ પાણી નાહવાના પાણીમાં નાખી સ્નાન કરવાથી શરીર હળવું બને છે અને ગભરામણથી છુટકારો મળે છે.
4. લીવર અને કીડનીની પથરી: છાંયડામાં સુકવેલાં આંબાનાં પાંદડાંનું બારીક ચુર્ણ આખી રાત પાણીમાં ભીંજવી રાખી સવારે ખાલી પેટે પીવાથી પથરી ઓગળી જઈ બહાર નીકળી જાય છે.
5. દમ (શ્વાસ)ની સમસ્યા: કોઈ પણ કારણે શ્વાસોચ્છ્વાસની સમસ્યા હોય તો એમાં આંબાનાં પાંદડાં કામ આવશે. ખાસ કરીને જે લોકોને શરદી, બ્રોન્કાઈટીસ કે દમની તકલીફ હોય તેમણે આ ઉપાય કરવો જોઈએ. આંબાનાં પાંદડાંનો ઉકાળો બનાવી, ઠંડો કરીને એમાં થોડું મધ ઉમેરી પીવાથી કફ દુર થશે, આથી શ્વાસની સમસ્યાથી છુટકારો મળશે. અવાજ બેસી ગયો હશે તેમાં પણ એનાથી લાભ થશે.
6. મરડો: આંબાનાં પાન લોહીવાળા મરડામાં બહુ જ અકસીર છે. છાંયડામાં સુકવેલાં આંબાના પાનનું બારીક ચુર્ણ પાણી સાથે દીવસમાં બે-ત્રણ વાર લેવાથી લોહીવાળા મરડાના ઝાડા બંધ થાય છે.
7. કાનના સણકા: કાનમાં દુખાવો થતો હોય તો એકાદ ચમચી આંબાનાં લીલાં પાનનો રસ કાઢી સહેવાય તેવો સહેજ ગરમ કરીને કાનમાં મુકવાથી આરામ થશે.
8. દાઝ્યા પર: આંબાનાં પાંદડાં બાળીને રાખ બનાવો. આ રાખ દાઝેલા ભાગ પર લગાવવાથી તરત જ આરામ થશે.
9. હેડકી (અટકડી) અને ગળાનો દુખાવો: આંબાનાં થોડાં પાંદડાં બાળી એના ધુમાડાનો નાસ લો. એનાથી અટકડી (હેડકી) અને ગળાના દુખાવામાં આરામ થશે.
10. હોજરીનું ટોનીક: હુંફાળા ગરમ પાણીમાં આંબાનાં પાંદડાં એક વાસણમાં ઢાંકણ ઢાંકીને આખી રાત રહેવા દો. સવારે પાણી ગાળીને ખાલી પેટે પી જવું. નીયમીત આ રીતે કરવાથી હોજરીને ટોનીક મળ્યા સમાન અસર થશે અને હોજરીની કોઈ સમસ્યા પેદા થશે નહીં.
આંબાનાં પાન આખું વરસ ગમે ત્યારે મળી શકતાં હોવાથી આ ઘરગથ્થુ ઉપાયો અજમાવવા સરળ થઈ પડે છે. એમાં રહેલા ઓક્સીજનીકરણ વીરુદ્ધ અને બેક્ટેરીઆ વીરુદ્ધ ગુણો કેટલીક બીમારીમાં બહુ અસરકારક છે.

આરોગ્ય ટુચકા 348. દુખાવા પર

જુલાઇ 28, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 348. દુખાવા પર: (1) ૦.૨ થી ૧ ગ્રામ શેકેલી હીંગ થોડા ગરમ પાણીમાં મેળવી ધીમે ધીમે પીવાથી પડખાનું શુળ, સ્વરભેદ, જુની ઉધરસ, સળેખમ, મળાવરોધ વગેરેમાં ફાયદો થાય છે.
(2) ૪૦ ગ્રામ લસણ છોલી, પીલી, તેમાં હીંગ, જીરુ, સીંધવ, સંચળ, સુંઠ, મરી અને પીપરનું ચુર્ણ ૧-૧ ગ્રામ નાખી ચણી બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી અને ઉપર એરંડમુળનો ઉકાળો પીવાથી પક્ષાઘાત, સર્વાંગવાયુ, ઉરુસ્તંભ, કૃમીશુળ, કમરનો દુ:ખાવો, કુખનો દુ:ખાવો, પેટમાંનો વાયુ વગેરે તમામ પ્રકારના વાયુરોગ દુર થાય છે. વાના રોગીઓ માટે લસણ સર્વોત્તમ છે.

આરોગ્ય ટુચકા 347. વજન ઉતારવા સફરજનનો સરકો

જુલાઇ 27, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 347. વજન ઉતારવા સફરજનનો સરકો: એપલ સાઈડર વીનેગર વજન ઉતારવા માટે નીચે મુજબ વાપરી શકાય.
2 ચમચા એપલ સાઈડર વીનેગર
1 ચમચો ઓર્ગેનીક મધ
½ ચમચી તજનું ચુર્ણ
અડધા લીંબુનો રસ
225 મીલીલીટર પાણીમાં બધું સારી રીતે મીક્સ કરીને દરરોજ સવારે પીવાથી વજન સમતોલ રાખી શકાય છે.

આરોગ્ય ટુચકા 346. લાલ મરચું

જુલાઇ 26, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 346. લાલ મરચું: કોલેરાના દર્દીઓ માટે લાલ મરચાનું પાણી ખૂબ ફાયદાકારક હોય છે. લોકો લાલ મરચાને સ્વાસ્થ્ય માટે લાભદાયી માનતા નથી. પરંતુ બ્રીટનમાં થયેલા એક રીસર્ચ અનુસાર, મરચું શરીરમાં કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે. કોઇપણ પ્રકારના ચામડીના રોગમાં તેનો ઉપયોગ કરવાથી રાહત મળી શકે. લાલ મરચાનું સેવન કરવાથી આંતરડા સંકોચાવાની સમસ્યા થતી નથી. પીસેલું લાલ મરચું, રક્તવાહીનીઓમાં લોહીના ગઠ્ઠા થતા રોકે છે, તથા તેનું સેવન હાર્ટ એટેકની સંભાવનાને ઓછી કરે છે. પેટમાં દુખાવો થાય ત્યારે પીસેલું લાલ મરચું અને ગોળ મીક્સ કરીને ખાવાથી રાહત મળે છે. જો કે લાલ મરચું ગરમ હોવાથી પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ અને તે પ્રમાણમાં જ વાપરવું. એનો પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે કરતાં વધુ ઉપયોગ નુકસાનકારક બની શકે.

આરોગ્ય ટુચકા 345. સ્ટ્રેસ

જુલાઇ 25, 2019

આરોગ્ય ટુચકા 345. સ્ટ્રેસ : હાલના સમયમાં નાદુરસ્ત સ્વાસ્થ્યનું મુખ્ય કારણ સતત સ્ટ્રેસ અને સાથે અપુરતા પોષણવાળો આહાર છે.
સ્ટ્રેસનાં સામાન્ય કારણોમાં વારંવાર પોતાની ટીકા થતી હોય, કોઈના પણ તરફથી પોતાનો સ્વીકાર ન થતો હોય, અને આર્થીક મંદીને મુખ્ય ગણાવી શકાય. આપણે પોતાના ગૌરવ માટે પોતાની જાતનો વાસ્તવીક કે કાલ્પનીક ભય સામે બચાવ કરીએ છીએ. લાગણી ઘવાય ત્યારે અકારણ ઉશ્કેરાઈ જવું પોતાના રક્ષણ માટે સ્વાભાવીક રક્ષણાત્મક પગલું લાગે છે. પરંતુ ઉશ્કેરાટની મોટી મુશ્કેલી એ છે કે એ સ્થીતીમાં આપણા હાથમાંથી કાબુ જતો રહે છે. જેથી પરીસ્થીતી સંભાળવામાં ઔર વધુ નીષ્ફળતા મળે. શારીરીક અને શાબ્દીક હુમલો અથવા કોઈ બીજાંને કે કોઈ વસ્તુને માથે પોતાની સમસ્યા માટે દોષનો ટોપલો ઢોળવો તે સ્ટ્રેસના કારણે થતો અયોગ્ય પ્રત્યાઘાત છે. એની શારીરીક અને માનસીક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

આરોગ્ય ટુચકા 344. રક્તસ્રાવી હરસમાં અંજીર

જુલાઇ 24, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 344. રક્તસ્રાવી હરસમાં અંજીર: જેમને મળમાર્ગમાં હરસ-મસામાંથી રક્તસ્રાવ થતો હોય તેમને માટે અંજીર એક અકસીર ઔષધ છે. એ માટે થોડા દીવસ આ મુજબ ઉપચાર કરવો.
બે કે ત્રણ નંગ સુકાં અંજીર રાત્રે થોડા પાણીમાં પલાળી રાખવાં. સવારે એને ખુબ ચાવીને ખાઈ જવાં. પલાળેલું વધેલું પાણી પી જવું. એ જ રીતે સવારે બેત્રણ અંજીર પલાળી સાંજે સુતાં પહેલાં ખાવાં. આ ઉપચાર દસ-બાર દીવસ કરવાથી રક્તસ્રાવી હરસ મટી જાય છે.અંજીર પચવામાં ભારે છે, એ ધ્યાનમાં રાખવું.

આરોગ્ય ટુચકા 343. મશરુમના ગુણ

જુલાઇ 23, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 343. મશરુમના ગુણ: શરીરનું ઘણા પ્રકારના ચેપથી રક્ષણ કરવા મશરુમ ખાવાં જોઈએ. એમાંના લાઈસીન એમીનો એસીડ એ માટે લાભકારી છે. તેમાં વીટામીન, મીનરલ અને ફાઈબર ભરપુર પ્રમાણમાં હોય છે. તેમજ ફેટ, કાર્બોહાઈડ્રેટ અને શુગરનું પ્રમાણ નહીંવત્ હોય છે. તેથી જ ડાયાબીટીસવાળા લોકો મશરુમ ખાય તો તેમને વધારે લાભ થાય છે.
જે લોકોના લોહીમાં હીમોગ્લોબીન બહુ ઓછું હોય તેમને પણ મશરુમથી લાભ થાય છે. કેમકે તેમાં લોહ તત્વ (આયર્ન) હોય છે જે હીમોગ્લોબીનનું સ્તર સુધારે છે. ઉપરાંત બી.પી.ની તકલીફમાં મશરુમનું સેવન ગુણકારી ગણાય છે, કબજીયાત અને એસીડીટીની તકલીફોમાં મશરુમ સારાં છે, અને વજન ઘટાડવા ઈચ્છતા લોકોએ મશરુમ ખાવાં જોઈએ.

આરોગ્ય ટુચકા 342. પેઈનકીલર-દર્દશામક ઔષધી

જુલાઇ 22, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 342. પેઈનકીલર-દર્દશામક ઔષધી: શરીરમાં થતો દુખાવો અંદર કંઈક ગરબડ છે, સરખું નથી, એની ચેતવણી છે. જો એને દર્દશામક દવા લઈને દાબી દેવામાં આવે તો એ જાણે રેલ્વે ક્રોસીંગ આગળની સીગ્નલ લાઈટ બંધ કરી દીધી હોય તેના જેવું છે, જે આપણને વધુ ખતરામાં મુકી દેશે. આપણને ખબર પડશે નહીં કે ટ્રેન આવી રહી છે કે કેમ. પેઈનકીલર દવાનું આ એક મોટું જોખમ છે. આ ઉપરાંત આ દવા માનવશરીર માટે કુદરતી આહાર નથી. આથી રોગ એટલે શરીરમાં વીકૃતી આવી હોય છે અને અકુદરતી આહાર શરીરમાં વધુ અસંતુલન પેદા કરશે. આથી જ્યારે આવી દવા લેવામાં આવે છે ત્યારે શરીરને સ્વસ્થ કરવાની આપણા માથે બેવડી જવાબદારી આવી પડે છે. એક તો મુળ દુખાવાનું કારણ દુર કરવાનું અને બીજું આ અકુદરતી આહારને કારણે પેદા થયેલ અસંતુલન દુર કરવાનું. અનુભવ તો એમ કહે છે કે દર્દશામક દવા લીધા વીના પણ શરીર પોતાની મેળે અમુક સમય પછી સ્વસ્થ થઈ જાય છે.

આરોગ્ય ટુચકા 341. બ્લડપ્રેશરમાં ઓટ

જુલાઇ 21, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 341. બ્લડપ્રેશરમાં ઓટ: ઓટ સીસ્ટોલીક અને ડાયસ્ટોલીક એ બંને પ્રકારનાં લોહીના દબાણને ઓછું કરવામાં મહત્ત્વ ધરાવે છે. ઓટમાં આપણા આહારના અગત્યના એવા ઘટક દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બંને જાતના રેસા (ફાઈબર) હોય છે. વળી એમાં સારા પ્રમાણમાં સીલેનીયમ નામનું તત્ત્વ પણ હોય છે. જો દરરોજ સવારે ચરબીરહીત (સ્કીમ્ડ)દુધમાં બનાવેલ ઓટની રાબ (પોરીજ) લેવામાં આવે તો ડાયાબીટીસ પણ કાબુમાં રહેવામાં મદદ મળે છે. (મારા નાસ્તામાં વર્ષોથી માત્ર ઓટની પોરીજ લઉં છું. પહેલાં દુધમાં બનાવતો, હવે મને દુધ અનુકુળ ન હોવાથી પાણીમાં, પણ એમાં રાતભર પલાળી રાખેલ થોડી મગફળી, બદામ અને ખજુર તથા એકાદ ગાજર પણ ઉમેરું છું. 1987માં 49 વર્ષની વયે બી.પી.ની સમસ્યા હતી, આજે નથી.)