Archive for મે, 2013

આ.લ.સં.- જી.સી.- પ્રકરણ ૧૪ : ચાર બંદુકો

મે 28, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ ૧૪ : ચાર બંદુકો

મારા કરાડીના નીવાસ દરમીયાન મારા ફોઈભાઈ સ્વ. રણછોડભાઈએ જુવારના ખેતરમાં બંદુકનો લાલ કપડામાંથી વીંટાળેલો લોખંડનો ભાગ બતાવ્યો. અમારા હાથમાં આવેલી આ પ્રથમ બંદુક. ત્યાર પછી અમને કોઈએ માહીતી આપી કે સ્વ. ઉંકાભાઈ દાજીભાઈની વાડી પાસે આવેલા કુવામાં બંદુક છે. તપાસ કરતાં ત્યાંથી આ બીજી બંદુક પણ મળી. ત્યાર બાદ ત્રીજી બંદુક માટે માહીતી મળી કે સ્વ. પાંચા રામજીની વાડીમાં બંદુક છે. વાડીમાં તપાસ કરતાં એક ઝાંટના ઝાડ નીચે બંદુક હતી. આ રીતે ત્રણ બંદુકો અમારી પાસે થઈ. અમારી પાસે કારતુસો ન હોવા છતાં અમે કાર્યક્રમ હોય ત્યારે આ બંદુકો લઈ જતા. સોડીયાવડ આગળના કેદી છોડાવવાના કાર્યક્રમમાં મેં ચોથી બંદુક મેળવી. પાછળથી બંદુકોને સમરાવીને આટના મેથીયા ફળીયાના મામાની વાડીમાં એક પેટીમાં મુકી જમીનમાં દાટી હતી. વખત જતાં લાકડું સડી જતાં તેને ભરુચ મોકલી અને ઉપયોગમાં લઈ શકાય એવી બનાવી. એને પેટીમાં મુકી કરાડીમાં એક ખેતરમાં દાટી. પણ ખેતર ખેડતાં હળ સાથે આ પેટી અથડાતાં ગજબ થઈ ગયો! પાછળથી અમે તેને પટેલ ફળીયામાં ખસેડી. અમે આ બંદુક સમારોહ પુર્વક સરકારને સુપરત કરવા માગતા હતા. એક બંદુક સ્મૃતી તરીકે અમારી પાસે રાખવા માગતા હતા, પણ સરકાર એમાં સંમત ન થઈ. છેવટે અમારા કબજામાંથી એ ગૌરવવંતી બંદુકો સરકારના કબજામાં જઈ પડી!

ગોસાંઈભાઈ છી. પટેલ

લડતાં લડતાં

મુક્તીજંગે લડતાં લડતાં ભાગું હું કાયર થઈ;

દેહ મારો તું બાળી દેજે, દેવી! તું વીજલ થઈ;

ન હું જીવતો રહું, બસ હું એટલું ચાહું.

મુક્તીજંગે લડતાં લડતાં બેસું હું થાકી જઈ;

મને શક્તીનાં પીણાં રે પાજો, દેવી! તું ભવાની થઈ;

ફરી હું લડવા જાઉં, બસ હું એટલું માગું.

મુક્તીજંગે લડતાં લડતાં પડું હું ઘાયલ થઈ;

મારા ઘા રુઝાવી દેજે, દેવી! તું ઔષધી થઈ;

નહીં હું હાય પોકારું, આઝાદીનાં ગીત હું ગાઉં.

મુક્તીજંગે લડતાં લડતાં મરું હું ઘાયલ થઈ;

દેહ મુજ આવરી દેજે, દેવી! તું માટી લઈ;

મારી માને કહેજો એમ, ‘મર્યો હું વીરની જેમ’.

-ગોસાંઈભાઈ છી. પટેલ

(લેખકના સંગ્રહમાંથી)

આ.લ.સં. – જી.સી. પ્રકરણ ૧૩ લેખકનો વધુ પરીચય

મે 26, 2013

 

પ્રકરણ ૧૩ : લેખકનો વધુ પરીચય (ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ આત્મપરીચય)

મારું જાહેર જીવન વીદ્યાર્થી અવસ્થાથી શરુ થયેલ તે અત્યાર સુધી ચાલુ રહ્યું છે. હું સ્વાતંત્ર્ય સેનાની તરીકે પરીચીત છું. બીજી મારી ઓળખ ધારાસભ્ય તરીકેની છે. પુર્વ ધારાસભ્ય કાઉન્સીલ વર્ષ ૨૦૦૫માં મને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પણ મળ્યો છે. ત્રીજી ઓળખ  ચર્ચાપત્રી તરીકેની છે. હું તેર વર્ષ જીલ્લા લોકલ બોર્ડનો સભ્ય રહ્યો. પંદર વર્ષ ધારાસભ્ય રહ્યો. થોડા મહીના માટે હું પાર્લામેન્ટરી  સેક્રેટરી તરીકે રહ્યો. બે વાર પક્ષનો દંડક-વ્હીપ રહ્યો. ખત્રી સમીતીના પ્રમુખ તરીકે પણ કામ કર્યું. કોમનવેલ્થ કોન્ફરન્સમાં ભાગ લેવા ગુજરાત પાર્લામેન્ટરી એસોસીયેશન તરફથી ન્યુઝીલેન્ડ મોકલવામાં આવ્યો હતો. મેં ન્યુઝીલેન્ડનો ત્રણવાર, ઈન્ગ્લેન્ડનો ત્રણવાર અને અમેરીકા-કેનેડાનો બે વાર પ્રવાસ કર્યો છે.

કોંગ્રેસ સંગઠનમાં પણ મેં વર્ષો સુધી કામ કર્યું. જલાલપોર તાલુકા સમીતીના મંત્રી તરીકે અને પ્રમુખ તરીકે કામ કર્યું અને છેવટે સુરત જીલ્લા સમીતીના મંત્રી તરીકે કામ કર્યું.

કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે હું સંસ્થા કોંગ્રેસમાં રહ્યો. તેના પણ ભાગલા પડ્યા. હું જનતાદળમાં રહ્યો અને વલસાડ જીલ્લા સમીતીના મંત્રી તરીકે અને પ્રમુખ તરીકે કામ કર્યું. થોડો સમય ગુજરાત જનતાદળના ઉપપ્રમુખ તરીકે પણ કામ કર્યું.

સહકારી પ્રવૃત્તીમાં રસ હોય ૧૯૪૭માં સ્થપાયેલ જલાલપોર કાંઠા વીભાગ વીવીધ કાર્યકારી સહકારી મંડળીના મંત્રી તરીકે કામ કર્યું. વચમાં મંડળીના પ્રમુખ તરીકે પણ કામ કર્યું. પાછળથી ફરી મંત્રી તરીકે પણ કામ કર્યું. વીદેશના પ્રવાસે જતાં મંત્રીપદ છોડ્યું. હાલ વ્યવસ્થાપક સમીતીનો સભ્ય છું. નવસારી તાલુકા સહકારી ખાદીવેચાણ સંઘની વ્યવસ્થાપક સમીતીના સભ્ય તરીકે વર્ષો સુધી કામ કર્યું. એક વાર સંઘનો પ્રમુખ પણ બન્યો. વીદેશના પ્રવાસે જતી વેળા એ પદ પણ છોડ્યું. નવસારી વીભાગ કેળવણી ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારથી ૨૫ વર્ષ સુધી મેનેજીંગ ટ્રસ્ટી રહ્યો. હાલ ટ્રસ્ટી છું.

ભારત વીદ્યાલય કરાડી – હાઈસ્કુલની સ્થાપના થઈ ત્યારથી કારોબારીનો સભ્ય છું. એક વાર મંત્રી તરીકે પણ કામ કરેલું. ગાંધીકુટીર કરાડીની સ્થાપના થઈ ત્યારથી જોડાયેલ છું. હાલ સંચાલક છું. કાંઠા વીભાગ કોળી સમાજની સંસ્થામાં પણ સમીતીનો સભ્ય છું. ગાંધી સ્મૃતી મંદીર કરાડીમાં સહસંચાલક છું. વલસાડ જીલ્લા ખાદી અને ગ્રામોદ્યોગ સહકારી મંડળી લી.નો પ્રમુખ હતો. આ સંસ્થાના સાત ભંડારો છે. કાંતણ અને વણાટ કેન્દ્ર ધરમપુરમાં છે.

મારા વતન મટવાડની લાયબ્રેરી સમીતી, વારીગૃહ સમીતી, મટવાડ વીકાસ મંડળ, વાલીમંડળ, પોસ્ટઓફીસ મકાન બાંધકામ સમીતી, મટવાડ આરોગ્ય કેન્દ્રની સમીતી તેમ જ રમતગમત મંડળ, શ્રી રામજી મંદીર એમાં રમતગમત મંડળના મંત્રી તરીકે અને પ્રમુખ તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. મને રમતગમતમાં ખુબ રસ છે. શરુઆતની ટીમમાં હું કેપ્ટન હતો અને ફાસ્ટ બોલર હતો. નવસારી જીલ્લા ક્રીકેટ એસોસીયેશનની રચનામાં ભાગ ભજવ્યો હતો. આ સંસ્થા સાથે સંકળાયેલ છું.

લેખક અને કવી તરીકે મારી નીચેની પુસ્તીકાઓ પ્રગટ થયેલ છે.

૧. ગાંધીગીતો

૨. ભુદાન ગીતો

૩. ચાલો ચાલો રણમેદાન અને બીજાં ગીતો

૪. આઝાદીની લડતનાં સંસ્મરણો

૫. કૃષ્ણ અને કૃષ્ણભક્તીનાં ગીતો

૬. જય ગુજરાત અને બીજાં ગીતો

અમે ‘આઝાદીની લડત’નું સંપાદન કર્યું, એ મારું મહત્ત્વનું પ્રકાશન છે. હજી વર્ષા ગીતો અને બીજાં ગીતો પ્રગટ કરવાનાં છે. ઈશ્વર જીવાડશે તો હજી વધુ કામ કરવું છે.

-જયહીંદ

 

આ.લ.સ્મ.- જી.સી. પ્રકરણ ૧૨ : મારી શરણાગતી અને જેલયાત્રા

મે 24, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૧૨ : મારી શરણાગતી અને જેલયાત્રા

અમે ૯મી ઑગષ્ટ, ૧૫મી ઑગષ્ટ, ૨જી ઓક્ટોબર, ૨૬મી જાન્યુઆરી, ૬ઠ્ઠી એપ્રીલ વગેરે દીવસો ઉજવતા. પ્રભાતફેરી, સરઘસ, ધ્વજો ચઢાવવા વગેરે કાર્યક્રમો રાખવામાં આવતા. આ ઉપરાંત ચોરા બાળવાનું, દારુ-તાડીનાં પીઠાં બાળવાનું, નીશાળનાં દફતરો બાળવાનું પણ ચાલતું. અમે દાંડીનો ઉતારો બાળ્યો. પોલીસ પટેલ નાનુભાઈ દેસાઈના ઘરેથી રેકોર્ડ લઈ લીધા. નીશાળનાં દફતરો પણ બાળ્યાં. આવે વખતે અમારે ખુબ તકેદારી રાખવી પડતી. કોઈની જાનહાની ન કરવી એટલી મર્યાદા અમે રાખી હતી અને છેવટ સુધી એનું પાલન થયું. પરંતુ આવી છુપી પ્રવૃત્તીનાં ભયસ્થાનો પણ હતાં. અમારી ટુકડીમાં પણ કેટલીક વાર અનીચ્છનીય વ્યક્તીઓ ભળી જતી હતી એવું અમે જોયું. જીવસટોસટના જોખમો અમે ખેડતા હતા. છતાં પોલીસને જોઈને અમારે ભાગવું પડતું હતું! આ બધું ‘કરેંગે યા મરેંગે’ના સુત્ર અનુસાર દેશની આઝાદી માટે અમે કરતા હતા.

૧૯૪૫માં ગાંધીજીને છોડવામાં આવ્યા. ગાંધીજીએ બહાર આવ્યા બાદ જાહેર કર્યું કે,

“જેઓ ભુગર્ભમાં રહી લડત ચલાવતા હોય તેઓ બહાર આવે અને ખુલ્લી રીતે પ્રવૃત્તી કરે અને ધરપકડ વહોરે.”

અમે ભુગર્ભમાં રહીને પ્રવૃત્તી કરતા હતા, અને અમારા પર વૉરંટો હતાં. અમે ગાંધીજીના આદેશ પર વીચાર કર્યો. છેવટે શરુઆતમાં મારે અને મારા સાથી અને મીત્ર શ્રી દયાળભાઈ મકનજીએ જલાલપોર હાજર થવું એવું નક્કી થયું. અમે પટેલ ફળીયેથી એક બળદગાડામાં જલાલપોર થાણામાં હાજર થયા. અન્ય સાથીઓએ અમને વીદાય આપી હતી. અમને પકડવામાં આવ્યા અને કાચી જેલમાં પુરવામાં આવ્યા. અમને વારાફરતી બોલાવીને માહીતી મેળવવા પુછવામાં આવ્યું. પણ અમે કશી માહીતી આપી નહીં. અમને મારઝુડ કરવામાં આવી નહીં. અમે અગાઉથી ખબર આપીને પકડાયા છતાં પોલીસ દફતરે નોંધાયું:

“પોલીસને મળેલી બાતમીને આધારે ગુનેગારો જ્યારે જતા હતા ત્યારે પોલીસોએ તેમને પકડી પાડ્યા.”

હું ‘જી. સી.’ તરીકે ઓળખાતો અને મારા મીત્ર ‘ડી. એમ.’ તરીકે. અમારા વીષે પોલીસે ખુબ સાંભળ્યું હતું. અમને પકડવા આકાશપાતાળ એક કર્યાં હતાં. અમારા વીષે તેઓએ જુદી જ કલ્પના કરી હતી. પણ જ્યારે અમને નાના છોકરાઓ જેવા જોયા ત્યારે તેઓ માની શક્યા નહીં કે આ જ જી. સી. અને ડી. એમ. છે.

અમને થોડો વખત જલાલપોર લોક-અપમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં અમારી ઓળખ પરેડ થઈ. હકીકતમાં પરેડ પહેલાં અમને વારાફરતી કાઢીને ઓળખ તો આપી દેવામાં આવી હતી. પછી પરેડમાં પોલીસો અમને બતાવીને કહેતા, ‘વો થા, વો થા?’

જલાલપોરથી અમને બારડોલી લઈ જવામાં આવ્યા. ત્યાં બહાર રહેલા અમારા બીજા સાથીઓ પણ  આવ્યા. અમારી સાથે પોલીસ જે રીતે વર્તી તેથી તેઓએ પણ હાજર થવાનું વીચાર્યું. તેઓ બધા જ હાજર થઈ ગયા અને બારડોલી આવી પહોંચ્યા. તેમાં શ્રી રવજીભાઈ છીબાભાઈ, સ્વ. જેરામભાઈ છીબાભાઈ, શ્રી નાનુભાઈ છીબાભાઈ, સ્વ. કનુભાઈ રામજીભાઈ, શ્રી હીરાભાઈ મકનજી, કોથમડીના શ્રી સુખાભાઈ સોમાભાઈ વગેરે હતા. અમને સામાન્ય કેદીઓ માટેની ઓરડીઓમાં રાખવામાં આવ્યા હતા. આ ઓરડીઓમાં બીજા કેદીઓને પણ રાખવામાં આવતા. દીવસે તો અમને ઝાડા-પેશાબ માટે બહાર કાઢવામાં આવતા હતા. પરંતુ રાત્રે ઓરડીમાં જ બધું કરવું પડતું હતું. કોઈ વાર તો અમે પંદર-વીસ જણ પણ થઈ જતા. ખુબ ત્રાસજનક હતું, છતાં ભોગવ્યે જ છુટકો હતો. કનુભાઈ સંગીત જાણતા હતા. તેઓ બારી પર બેસીને ગીત ગાતા:

ધીરે ધીરે આ રે બાદલ ધીરે ધીરે  આ,

મેરા બુલ બુલ સો રહા હે, શોરગુલ ન મચા. ધીરે…

આયે બાદરવા બરસને આયે,

નન્હીં નન્હીં બુંદન ગરજ ગરજ અબ,

ચહુ ઓરસે બીજલી ચમકત – આયે

          આવાં અને બીજાં હળવાં ગીતો પણ ગવાતાં. ભાઈશ્રી નાનુભાઈ અખાડીયન હતા. તેમની પાસેથી અમે કુસ્તી શીખ્યા. જાત જાતની વાતો અમે કરતા. હું વાંચન-લેખન અને ધ્યાનમાં ઠીક ઠીક સમય આપતો. તે વખતે કાગળ પેન્સીલ તો અમને મળતાં નહીં. છતાં આશ્રમભજનાવલી, મંગલ પ્રભાત વગેરે ગાંધી સાહીત્યની નાની પુસ્તીકાઓ સાથે બાંધીને એક ચોપડી મારી પાસે હતી. ભાઈશ્રી લલ્લુભાઈ મકનજીએ મને આ ભેટ આપી હતી. આ ચોપડીની કોરી જગ્યા પર મેં અનેક ગીતો લખ્યાં. પાછળથી નોટનો પણ ઉપયોગ કર્યો. મેં સરેરાશ દરરોજ એક કાવ્ય લખ્યું હતું. જેમાંથી કેટલાંક ગાંધીગીતોમાં પ્રસીદ્ધ થયાં હતાં. એમાં એક લાંબું કાવ્ય પણ મેં લખ્યું હતું.

બારડોલીમાં અમારો કેસ ચાલ્યો. કેસ સેશન્સ કમીટ થયો. અમને સુરત લઈ જવામાં આવ્યા. ત્યાં અમારો બચાવ સ્વ. મોતીભાઈ વીણે કર્યો. એમણે આ બચાવ એવી રીતે કર્યો કે જેથી અમારી હીંમત વધી અને અમે પણ ગૌરવ અનુભવ્યું.

આ વખતે સ્વ. મોતીભાઈએ કહેલું, ‘સ્વતંત્ર ભારતમાં બહાદુરી માટે વીક્ટોરીઆ ક્રોસ જેવો એવોર્ડ અપાતો હશે તો આ “ગોસાંઈ છીબા”ને આપવો જોઈએ.’

સ્વતંત્ર ભારતમાં બહાદુરીના એવોર્ડ આપવામાં આવે છે. પણ સરકારનું કોઈએ ધ્યાન ખેંચ્યું નથી. આવો એવોર્ડ મળે કે ન મળે અમને સંતોષ છે કે આઝાદી માટે અમે ખરા દીલથી કામ કર્યું હતું. અને પ્રાણની પરવાહ કરી નહોતી.

તા. ૯-૪-૨૦૦૪ના રોજ રાષ્ટ્રપતીના શુભ હસ્તે રાષ્ટ્રપતી ભુવનમાં સન્માન કરવામાં આવ્યું.

અમારા પર ફાંસીની સજા થઈ શકે એવા આરોપ મુકવામાં આવ્યા હતા. પરંતુ હું તો નીર્દોષ છુટ્યો. અમારા મીત્ર દયાળભાઈ મકનજી વગેરેને થોડા મહીનાની સજા થઈ. ૧૯૪૨માં ઘર છોડેલું. ૧૯૪૬માં ઘરે આવ્યો. તેમાં ૨૭ મહીના તો ભુગર્ભવાસમાં કાઢ્યા હતા. છુટ્યા ત્યારે દેશમાં કોંગ્રેસના આગેવાન નેતાઓને છોડવામાં આવ્યા હતા અને વાટાઘાટો ચાલતી હતી. સમાધાન થતાં અમારા બીજા સાથીઓનો પણ છુટકારો થયો. અમારા જેવા બીજા અનેક કાર્યકરો પણ છુટ્યા. અને છેવટે ૧૯૪૭ની ૧૫મી ઑગષ્ટ આવી. ભારતમાતાની ગુલામીનાં બંધન તુટ્યાં અને દેશ આઝાદ થયો. અમારાં મન નાચી ઉઠ્યાં. અમારી આંખમાં હરખનાં આંસું આવ્યાં.

૧૯૬૧માં મટવાડમાં લોકોએ શહીદસ્મારક રચ્યું. સ્વ. મોતીભાઈ વીણે એનું ઉદ્ઘાટન કર્યું. દર ૨૨મી ઑગષ્ટે આ શહીદસ્મારક આગળ શહીદોને પુષ્પાંજલી આપવામાં આવે છે. અને પછી ૧૯૪૨નાં સંસ્મરણો રજુ કરવામાં આવે છે. આ કાર્યક્રમની એક પરંપરા ઉભી થઈ છે. જ્યારે પણ ૧૯૪૨ની ૨૨મી ઑગષ્ટ આવે છે, ત્યારે તે વખતનાં સ્મરણો તાજાં થાય છે. ત્યારે મન ભરાઈ જાય છે અને શરીરનાં રુએરુઆં ખડાં થઈ જાય છે.

આજે તો આ વાતોને ૫૪ વર્ષ પુરાં થવા આવ્યાં. બે પેઢી આથમી તેનું સ્થાન નવી પેઢી લઈ રહી છે. આ પેઢી અને ત્યાર પછીની પેઢી તેમના પુર્વજોએ આઝાદીની લડતમાં રચેલી ગૌરવગાથાઓનું સ્મરણ કરે એ જરુરી છે. તેથી આ સંસ્મરણો રજુ કર્યાં છે. વાચકોને  સંસ્મરણો ગમશે એવી આશા રાખું છું.

જયહીંદ

પ્રકરણ ૧૧ : પાણીમાં મારી કસોટી

મે 19, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૧૧ : પાણીમાં મારી કસોટી

અમે અવારનવાર દેલવાડા જતા આવતા. એક વાર હું દેલવાડા ગયો હતો. વચમાં પુર્ણા નદી આવતી હતી. મોટેભાગે ભરતી આવતાં પહેલાં નદી ઓળંગી જતા. કોઈ વાર મછવાનો ઉપયોગ કરતા. દેલવાડાથી કરાડી આવવા નીકળ્યો. જરા મોડું થઈ ગયું, એટલે નદીમાં ભરતીનાં પાણી આવી ગયાં. મછવા જતા હતા. હાથ કર્યો, બુમ પાડી, પણ કોઈ મછવાએ લીધો નહીં. એટલે હું ગોંગદા ખાડી તરીને આગળ ગયો. ત્યાંથી મછવાવાળાને બુમ પાડી, પણ કોઈ સાંભળે નહીં. એમ કરતાં સાંજ થઈ. પાણી ખુબ વધ્યું. એટલા બધા પાણીમાં લાંબું અંતર તરવાની મારી શક્તી નહોતી. આખરે અંધારું થયું. મેઘલી રાત હતી. વીજળી ચમકતી હતી. શીયાળવાં ભુંકતાં હતાં. હું માઈલો સુધી વીસ્તરેલ ભરતીના પાણીની વચ્ચે થોડી કાદવવાળી જગ્યામાં બેસી રહ્યો. કાદવમાં જ એકલો સુતો. સવારે પાણી ઓસર્યાં ત્યારે તરીને સામે કાંઠે ગયો. સીમમાં તો ઘણી વાર એકલા સુવાનું થતું પણ તે બધી જગ્યાઓ છેક અપરીચીત નહોતી. વળી મોટેભાગે અમે પાથરવાનું–ઓઢવાનું રાખતા. પણ અહીં તો ઉપર આભ, નીચે કાદવવાળી ધરતી અને ફરતે દરીયાનું પાણી. ઈશ્વર પર શ્રદ્ધા રાખી રાત વીતાવી. તે દીવસોમાં આવી મુશ્કેલીઓ સહન કરવાનું સહજ બની ગયું હતું. જ્યાં જાનની પરવા ન હોય ત્યાં બીજી કઈ મુશ્કેલી લાગવાની હતી?

દેશના બનાવોના સંપર્કમાં અમે હતા. સ્વ. છોટુભાઈ પુરાણી અને સ્વ. ચંદ્રશંકર ભટ્ટની ટુકડીના કાર્ય વીષે અમે જાણતા હતા. તેમના એક કાર્યક્રમમાં અમારા બે સાથીઓએ ભાગ પણ લીધો હતો. અમારામાંથી શ્રી નાનુભાઈ છીબાભાઈ અને શ્રી કનુભાઈ છીબાભાઈ વાયરલેસના સંદેશા મોકલવાનું શીખવા ગયા હતા. અમે મુંબઈના સંપર્કમાં પણ હતા. ત્યાંથી અમને ગુપ્ત સંદેશવ્યવહારનાં સાધનો મળવાની વાતો ચાલતી હતી. એ લેવા માટે મુ. શ્રી પી.સી. પટેલ મુંબઈ ગયા. તેઓ મરોલી ઉતર્યા ત્યારે તેઓ કેટલાક બાટલા અને પેટીઓ લાવ્યા. આ પેટીમાં ડાયનેમાઈટ્સ, જામગીરીની દોરડીઓ, ગંધક તેમ જ બીજા સ્ફોટક પદાર્થો હતા. અમે મરોલી સ્ટેશનેથી હેમખેમ આ માલ ઉતાર્યો, અને પછી દેલવાડાની સીમમાં એક ખેતરમાં દાટ્યો. તે દીવસોમાં આવા સ્ફોટક પદાર્થો સાથે પકડાય તો ફાંસીથી ઓછી સજા નહીં થાય. છતાં આવાં સાહસો કરવાનું તે દીવસોમાં સ્વાભાવીક હતું. પાછળથી આવો સ્ફોટક મસાલો અમે કરાંખટ ખસેડ્યો. ત્યાં એક ભાઈના ખેતરમાં દાટવામાં આવ્યો. અમે થોડા જણા જ  આ જાણતા હતા. પરંતુ અમે જ્યારે  સામગ્રી કરાંખટ લેવા ગયા ત્યારે એ સામગ્રી કોઈ ચોરી ગયું હતું!

પ્રકરણ ૧૦

મે 16, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૧૦ : પત્રીકા અને પીસ્તોલ

મેં કાંઠાવીભાગ પત્રીકા શરુ કરી હતી. અમારી પાસે એક સાઈક્લોસ્ટાઈલ મશીન હતું. સીમમાં એક ખેતર હતું. ત્યાં એક ઉકરડો હતો. આ ઉકરડામાં બખોલ કરીને આ મશીન અમે રાખતા. પત્રીકા કાઢવા માટે એક છાપરીમાં બેસતા, અને કામ પુરું થયે પાછું સંતાડી દેતા. આ પત્રીકાના કામમાં સ્વ. જેરામભાઈ છીબાભાઈના નાના ભાઈ લલ્લુભાઈ મને ખુબ મદદ કરતા. આ પત્રીકા કાંઠાવીભાગમાં નીયમીત રુપે પહોંચતી. જાહેરની જગ્યાએ ચોંટાડવામાં આવતી. આ પત્રીકા ક્યાંથી પ્રગટ થાય છે અને કોણ પ્રગટ કરે છે તે શોધવા પોલીસે ઘણી મહેનત કરી, પણ છેવટ સુધી તેઓ કંઈ કરી શક્યા નહીં.

અમે રાત્રે સુવા માટે ઘરબહાર નીકળી જતા. સાથે ઓઢવા – પાથરવા લઈ લેતા. મોટે ભાગે સીમમાં જતા. થોડે થોડે દીવસે જગ્યા બદલતા રહેતા. જ્યાં રહેતા ત્યાં ખબરદારી રાખતા. અમે કરાડીથી મછાડની સીમમાં પણ સુવા જતા. અમે કરાડીના સ્મશાન પર પણ સુવા જતા. અમે ખારપાટની ખુલ્લી જગ્યામાં પણ સુઈ રહેતા. જુવાર કપાઈ ગયા પછી કડબના પુળાની ગંજી કરી હોય તેમાં વચ્ચે થોડું પોલાણ કરી સુઈ રહેતા અને બહારથી પુળા મુકી બંધ કરી દેતા. અમારામાં રવજીભાઈ અને રણછોડભાઈને બીડી પીવાની ટેવ. તેમને ગોદડામાં ભરાઈને બીડી પીવાનું કહેતા. રણછોડભાઈને ઘોરવાની આદત. રાત્રે બધું સુમસામ હોય ત્યારે દુર સુધી સંભળાય. એટલે હું તેમની પડખે જ સુતો અને ઘોરવા માંડે એટલે પડખું ફેરવી દેતો. કેટલીક વાર રાત્રે બેત્રણ વાગ્યા સુધી વારાફરતી ચોકી પણ કરતા. આ બધું છતાં લોકોનો સહકાર ન હોય તો થોડા દીવસો પણ કાઢી શકાયા ન હોત. પોલીસોની હીલચાલની ખબર પડતી ત્યારે કોઈ કોઈ વાર સીમમાં એકલા પણ સુવું પડતું. અમને માહીતી મળ્યા કરતી. વળી પોલીસોને પણ અમારો ડર રહેતો હતો.

સાંજનો સમય હતો. આટથી શ્રી મગનભાઈ નાનાભાઈ આવ્યા હતા. અવારનવાર અમે મળતા તો ખરા જ. તેઓ ઘેર જવા તૈયાર થયા. તેમને પત્રીકા આપવામાં આવી. તેમને વળાવવા અમે રવજીભાઈ સાથે ગયા. ધલ્લાની ખાડી આગળનો પુલ વટાવ્યો એટલે સામે એક પોલીસ મળ્યો. તેના હાથમાં ધા હતો.

તેણે અટકાવીને પુછ્યું,

‘થેલીમાં શું છે?’

સંતોષકારક જવાબ મળ્યો નહીં, એટલે તેણે થેલી તપાસી. થેલીમાં પત્રીકા જોઈ એટલે કહે,

‘ચાલો પોલીસગેટ પર.’

આગળ મગનભાઈ અને રવજીભાઈ. પાછળ ધા સાથે પોલીસ. રવજીભાઈ પાસે પીસ્તોલ હતી. મગનભાઈએ ઈશારાથી તેની માગણી કરી. રવજીભાઈએ વીચાર્યું કે કાંઈ કરીશું નહીં તો પકડાઈ જઈશું. ગામમાં ગયા પછી પીસ્તોલનો ઉપયોગ કરવો પણ મુશ્કેલ. એટલે એણે નીર્ણય કર્યો કે, જે કાંઈ કરવું હોય તે અહીં જ કરવું જોઈએ. એટલે એઓ છલાંગ મારી બાજુએ ખસ્યા, અને હવામાં પીસ્તોલ ફોડી. પોલીસ તો આભો જ થઈ ગયો. ‘યે ભી રખતા હે?’ જવાબની રાહ જોયા વીના પછી તે ભાગ્યો. મછાડ ગયો. ત્યાંથી બે વેઠીયા લીધા પછી બીજા રસ્તે મટવાડ ગયો.

પ્રકરણ ૯ : દેલવાડામાંથી ધરપકડ અને અમારી નાસભાગ

મે 13, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૯ : દેલવાડામાંથી ધરપકડ અને અમારી નાસભાગ

અમારી પ્રવૃત્તી ચાલુ જ રહેતી. પત્રીકા લેવા માટે હું નવસારી પણ જતો. અમે કરાડીથી ઉત્તરના રસ્તે ખંડારક જતા અને ત્યાંથી બોદાલી અને બારોબાર જલાલપોર થઈ નવસારી પહોંચતા. ધરમદાસ મેડીકલ સ્ટોર્સની સામેના મકાનમાં અમે જતા. તે સીવાય બાજુના મહોલ્લામાં શ્રી રઘુનાથજી નાયક રહેતા હતા. ત્યાં જતા. પત્રીકા વગેરે લાવતા. લડત અંગે ચર્ચાવીચારણા પણ કરતા.

અનાજના પ્રશ્નની વીચારણા અંગે એક સંમેલન શ્રી મીનુ મસાણીના પ્રમુખપદે મુંબઈમાં કોર્પોરેશનના સભાખંડમાં મળ્યું. તે સંમેલનમાં ભાગ લેવા મને મોકલવામાં આવ્યો. પુ. દિવાનજીભાઈએ સ્વ. વૈકુંઠભાઈ મહેતા પર ચીઠ્ઠી લખી આપી હતી. હું તેઓશ્રીને મળ્યો, અને કાંઠા વીભાગની મુશ્કેલી દર્શાવી. સભાખંડમાં પોલીસો પણ હતી. અમારા જેવા વૉરંટવાળા પણ સભામાં હશે તેનો ખ્યાલ તેમને ક્યાંથી હોય! છતાં મારા મનમાં ભડક તો રહેતી જ.

બેત્રણ વાર રાત્રે હું મારા ઘરે પણ જઈ આવ્યો. ત્યાં રહેવાની ઈચ્છા થાય, બા-બાપુજી રહેવા ન દે. તેમને પકડાઈ જવાની બીક રહેતી. તેમને એમ કે પકડાશે તો ખુબ મારશે. પરંતુ હેમખેમ મળીને પાછો જતો એટલે તેમને સંતોષ થતો.

અમને અમારા જેલમાં ગયેલા ભાઈઓને મળવાની ઈચ્છા થતી. મટવાડના બનાવ અંગેનો કેસ સુરતમાં સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. અમારામાંથી કેટલાક વૉરંટવાળા ત્યાં જઈ પણ આવ્યા. મને પણ સાહસ કરવાની ઈચ્છા થઈ. એક દીવસે કેસ ચાલતો હતો ત્યારે હું પણ ત્યાં જઈ આવ્યો, અને અનેક સાથીઓને જોઈ આવ્યો. થોડાને મળ્યો પણ ખરો. પોલીસો અમને શોધતા હતા. પણ અમારા વીષે તેમનો ખ્યાલ એવો હતો કે અમે ઉંચા અને તગડા હોઈશું. આ તેમનો ખોટો ખ્યાલ અમારા લાભમાં હતો. તેથી અમે તેમની ઝપટમાં આવ્યા નહીં.

દેલવાડામાં એક ખેતરમાંથી અમારામાંથી આચાર્ય મણિભાઈ, પી.સી. પટેલ, શ્રી દયાળભાઈ કેસરી તેમ જ દેલવાડાના શ્રી ડાહ્યાભાઈ બુધીભાઈ, સોલંકી, ગોવિંદભાઈ વગેરે પકડાયા. તેઓ વાતો કરીને મોડા સુતા હતા. પોલીસોને મળેલી બાતમીના આધારે પોલીસોએ ખેતરને ઘેરો ઘાલ્યો અને સૌ ઉંઘતા હતા તે દશામાં જ ઝડપી લીધા. કેટલાકને તો જગાડવા પડ્યા. આ ભાઈઓને નવસારીની જેલમાં રાખવામાં આવ્યા હતા. તેમનામાંથી કેટલાકને મટવાડવાળા કેસમાં અને કેટલાકને સોડીયાવડવાળા કેસમાં સંડોવવામાં આવ્યા. સાબુમાં ગાબડી પાડી તેમાં અમે સંદેશો મોકલતા. તેમના તરફથી પણ સંદેશા અમને મળતા. અમે તેમને જેલમાંથી છોડાવવાની યોજના વીચારતા હતા. એક દીવસે પટેલફળીયામાં અમે આ યોજના અંગે રવજીભાઈના ઘરે વીચારતા હતા, તેવામાં શ્રી કેશવભાઈ બુધીભાઈ દોડતા આવ્યા અને ‘પોલીસ’ એટલું કહ્યું એટલે અમે ભાગ્યા. પોલીસોએ ત્રીપાંખીયો ધસારો કરી ફળીયાને ઘેરવા ધાર્યું હતું. મારી અને પોલીસની વચ્ચે માંડ થોડા ફુટનું અંતર હતું. વાડો કુદી હું મછાડ તરફ ભાગ્યો. નીશાળફળીયાની ખાડી સુધી એક પોલીસ મારી પાછળ પડ્યો. પછી આગળ આવવાની હીંમત તેણે કરી નહીં. બીજા જેઓ ઉત્તરે સ્મશાન તરફ ભાગ્યા હતા, તેમનો પોલીસોએ પીછો પકડ્યો. એક માઈલ દુર પુર્ણા નદી સુધી તેઓ પાછળ પડ્યા. પરંતુ અમારા સાથીઓ પુર્ણા તરીને સામે કાંઠે પહોંચી ગયા. અને હાથ હલાવી પોલીસોને આહ્વાન કર્યું. પણ પોલીસોએ પુર્ણામાં પડવાની હીંમત કરી નહીં. અને ખાલી હાથે પાછા ફર્યા. અમારામાંથી કેટલાકના પગે ધુળથી દાઝવાથી ફોલ્લા પણ પડ્યા હતા. પોલીસોએ અમારા માટે એવો અભીપ્રાય બાંધ્યો કે આ બધાને દોડવામાં અને તરવામાં કોઈ પહોંચી શકે નહીં. એ વાત થોડી સાચી પણ હતી.

આ ગાળામાં મારા મામાનું અવસાન થયું. પોલીસોને એની ખબર પડી. પોલીસોને એમ કે સ્મશાનમાં અમે બધા હાજર રહીશું. પોલીસોની ધારણા ખોટી નહોતી. અમે સ્મશાને ગયા હતા. અમે પોલીસોને આવતા જોયા એટલે વીખેરાયા. પોલીસ કેટલેક સુધી અમારી પાછળ પડીયે પણ પછી તેઓ હીંમત કરી શક્યા નહીં. ખાસ શીકાર તો હાથમાં આવ્યો નહીં એટલે સ્મશાનમાંથી મારા પીતાજી વગેરેને પકડ્યા. જો કે પાછળથી તેમને છોડી દેવામાં આવ્યા હતા.

કેદીઓને જેલમાંથી છોડાવવાની અમારી યોજના અમે સંપુર્ણ ઘડી કાઢી હતી. એક ભાડુતી ટેક્સી જેલના દરવાજે લઈ જવી, પછી અમે મુલાકાતે જઈએ ત્યાં થોડા પોલીસને પકડે પછી કેદીઓને છોડાવી ટેક્સી ડ્રાઈવરને બાજુએ મુકી અમારામાંથી એક જણે ટેક્સી હંકારી જવી. આ ટેક્સી અમુક જગ્યાએ છોડી દેવી અને અમારે પછી યોજના મુજબ ભાગી છુટવું. આ યોજના અમે જેલમાં મોકલી. યોજના પાર પાડવા વીષે અમને શંકા નહોતી, પણ જેઓ જેલમાં હતા તેઓમાંથી બધાએ તૈયારી બતાવી નહીં. એટલે આ યોજના અમલમાં મુકવાનું સાહસ અમે કરી શક્યા નહીં. પાછળથી ખબર પડી કે જેલમાંથી કોઈ કેદી ભાગી ગયા પછી જેલ સત્તાવાળા ચેતી ગયા હતા.

દેલવાડામાં શરુઆતના દીવસોમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા. બલુચી પોલીસોને બોલાવી લીધા પછી જુલમ કંઈક ઓછો થયો એટલે મોટા ભાગના લોકો પાછા ફર્યા. છેવટે અમે લડતમાં સક્રીય ભાગ લેનારા બાકી રહ્યા. તેમાંયે કરાડીના ભાઈઓ કરાડી પાછા ફર્યા. અમારું ઘર પોલીસ ગેટથી બહુ દુર નહીં એટલે ઘરે જવાનું અમારા માટે તો શક્ય જ ન હતું. અમારામાંથી સ્વ. પુરુષોત્તમ હીરાભાઈ એમના સાસરેથી પકડાયા. ભાઈશ્રી દયાળભાઈ મકનજી એમની કાકીને ત્યાં કરાડી રહ્યા. એમના ભાઈ હીરાભાઈ બોરીફળીએ એમના મીત્રને ત્યાં રહ્યા. છેવટે હું પણ મારી ફોઈને ત્યાં કરાડી રહેવા ગયો. આમ અમે વૉરંટવાળઓ કરાડીમાં આવીને રહ્યા. ત્યાં રહીને પણ અમારી પ્રવૃત્તી તો ચાલતી જ.

પ્રકરણ ૮ : પોલીસોના હાથમાંથી છટક્યા

મે 10, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો : ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૮ : પોલીસોના હાથમાંથી છટક્યા

થોડા દીવસો બાદ હું કરાડી પાછો ફર્યો ત્યારે મને ફોઈએ કહ્યુ, ‘દીકરા આવ્યો!’ મારી મમાઈ એક ઝુંપડામાં રહેતી. મારી મમાઈ મને મારી સુખલીનો ગોસાંઈ કહેતી. તેને મળું ત્યારે તે મારા માથે હાથ ફેરવતી અને આશીર્વાદ આપતી. તેની ફાટીતુટી ઝુંપડીમાં હું કેટલીક વાર અમારી ટુકડીની એક રીવોલ્વર મુકી જતો. કેટલીક વાર ત્યાં બેસીને પત્રીકા પણ કાઢતો. ફળીયાના લોકો અમે વૉરંટવાળા છીએ અને પોલીસો અમને શોધે છે તે જાણતા હતા. અમારાં પરાક્રમો પણ જાણતા હતા, છતાં તેઓએ અમને આશરો આપ્યો અને સાથ આપ્યો. આ લોકોનો ઉપકાર શી રીતે ભુલી શકાય?

મારું મોસાળ અહીં જ હતું. બીજા મામાઓનાં ઘર પણ આજુબાજુમાં જ હતાં. આ દીવસોમાં અમારા વીભાગમાં અન્નસંકટ પણ ઘેરું બન્યું. આ વીભાગમાં વસ્તીના પ્રમાણમાં જમીન ઓછી હતી.  અનાજ ઓછું પાક્યું હતું. વળી સરકારની પણ કીન્નાખોરી હતી. અમે મળીને ‘કાંઠાવીભાગ રાહત સમીતી’ની સ્થાપના કરી. લોકો પાસે રુપીયા ૭૫,૦૦૦ની લોન મેળવી. મટવાડ, આટ અને બોરીફળીયામાં દુકાનો કરી. અમે ગાયકવાડી પ્રદેશમાંથી પણ અનાજ લાવતા અને કેટલીક વાર અમે હોડીમાંથી તે ઉતારતા. અમારા સ્વ. રણછોડભાઈ અને રવજીભાઈ માટે તો ગુણ ઉંચકવી સહેલું હતું. વારંવાર મળતી અમારી રાહત સમીતીના ઠરાવો મોટેભાગે હું ઘડતો. સરકારને આ ઠરાવો કોંગ્રેસની કારોબારીના ઠરાવો જેવા લાગતા.

એક વાર ખાદીકાર્યાલયથી થોડા અંતરે પુર્વમાં આવેલ રણછોડ ભુવનમાં રાહત સમીતીના કાર્યકરો અને પુરવઠા અધીકારીની સભા રાખવામાં આવી હતી. આ સભામાં કરાડીથી અમે પણ ગયા હતા. સભા ચાલતી હતી. અમે હવે નીકળવાની તૈયારી કરતા હતા. હું બહાર આવ્યો. સાદા પોશાકમાં એક ભાઈ આવ્યા. મને પુછ્યું, ‘તમારું નામ ગોસાંઈભાઈ?’

હું સમજી ગયો કે, આ પોલીસ હોવો જોઈએ. મેં હા કહી અને ‘શું કામ છે?’ એવું પુછ્યું એટલે તેણે મારું ખમીશ ગળામાંથી પકડ્યું. મેં જોરથી કુદકો માર્યો, પણ પેલા ભાઈએ છોડ્યો નહીં. આ વખતે રવજીભાઈ વહારે ધાયા. તેમણે પેલાને એક તમાચો ચોડી દીધો. મેં પણ જોર કર્યું. ખમીશ ફાટી ગયું. નીચે પહેરેલું પહેરણ પણ ચીરેચીરા થઈ ગયું. હું છટક્યો. સામે જ ચાર પોલીસો મળ્યા. તેઓ થોડે સુધી મારા પર દોડ્યા. પણ હું હાથમાં આવ્યો નહીં. મારી ચંપલ અને ઈન્ડીપેન, કાગળો વગેરે ત્યાં રહી ગયું. મારા શરીર પર ફક્ત અડધી પાટલુન હતી. આ રીતે ગામમાં પ્રવેશવાનુ મારા માટે મુશ્કેલ હતું, છતાં બીજો કોઈ ઈલાજ પણ નહોતો. હું ફોઈના ઘરે આવ્યો ત્યારે તેણે પુછ્યું, ‘દીકરા, આ શું?’ હું હસ્યો અને પછી બધી વાતો કરી.

હું છટક્યો એટલે પોલીસો રણછોડ ભુવન પહોંચી ગયા. ત્યાં રવજીભાઈ અને રામજીભાઈ ફકીરભાઈ પાછળના વાડામાંથી છટક્યા. પોલીસો અને પુરવઠા અધીકારી વચ્ચે શબ્દયુદ્ધ થયું.

પોલીસો કહે: ‘વૉરન્ટવાળા અહીં હતા તો ખબર આપી કેમ નહીં?’

પુરવઠા અધીકારી: ‘મારી રજા વીના મારી સભામાં દખલ કેમ કરી?’

થોડીવારમાં અમે બધા ભેગા થયા. અમારી સભામાંથી એક તલાટીને માહીતી માટે ગામમાં મોકલેલો. તેણે પોલીસોને ખબર આપી હોવી જોઈએ. તે દીવસોમાં હું સેવાદળનો પોશાક પહેરતો હતો. એટલે નીશાની પરથી મને ઓળખ્યો હોવો જોઈએ. પોલીસોને લાગ્યું કે શીકારો છટકી ગયા.

મે 7, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૭ : સોડીયાવડનો પ્રસંગ

અમારામાંથી કેટલાક કરાડી ધલ્લેફળીયે રહેતા. તેઓ એક ઘરમાં સુતા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. શ્રી દયાળભાઈ કેસરી, શ્રી જેરામભાઈ સુખાભાઈ, સ્વ. રામભાઈ ઉંકાભાઈ અને શ્રી નારણભાઈ ઉંકાભાઈ ઉંઘતા ઝડપાઈ ગયાના સમાચાર અમે સુતા હતા ત્યાં જ અમને મળ્યા. ભાઈશ્રી રવજીભાઈ અને રણછોડભાઈ એની ખાતરી કરી આવ્યા. તેમણે જણાવ્યું કે કોઈએ આપેલી બાતમીને આધારે વેઠીયાઓની મદદથી દરોડો પાડવામાં આવ્યો હતો. તેઓને પકડીને મટવાડ લઈ જવામાં આવ્યા. આ ભાઈઓને જ્યારે જલાલપોર પોલીસથાણે લઈ જાય ત્યારે હુમલો કરી તેમને છોડાવવા એવો વીચાર અમને સુઝ્યો. તુરત જ સંદેશવાહકો મોકલવામાં આવ્યા. અમે કરાડીની સીમમાં રવજીભાઈના ખેતરે મળ્યા. કોઈ પણ ભોગે કેદીઓને છોડાવવા એવો અમે નીરધાર કર્યો. કેદીઓને કયે રસ્તે લઈ જવાના છે તેની તપાસ માટે અમે બે ભાઈઓને મોકલ્યા. તેમના તરફથી સંદેશો આવ્યો કે મોટી સડક પર થઈને ગાલ્લામાં બેસાડીને લઈ જવાના છે. સોડીયાવડ આગળ હુમલો કરવો એવું અમે વીચાર્યું. પોલીસોને બાંધી દેવા અને કેદીઓને છોડાવવા એવું અમે ગોઠવ્યું. તે વખતે જુવારની કાપણી ચાલતી હતી. ધોળે દીવસે આ સાહસ કરવાનું હતું. અમે જુદી જુદી ટોળીમાં વહેંચાઈ ગયા. રસ્તામાં મારું ખેતર પણ આવતું હતું. ત્યાં થઈને નીકળ્યો. મારાં પત્ની વગેરે હતાં. તેમને અમારા કાર્યક્રમનો અણસારો આવવા દીધો નહીં. અમે સોડીયાવડ આગળ પહોંચ્યા. અમે થોડા જ હતા. કેટલાક મીત્રો સમયસર આવ્યા નહીં. અમે સોડીયાવડની દીવાલે લપાયા. કેદીવાળું ગાડું ત્યાં આવે ત્યારે હુમલો કરવાનો હતો. સૌથી આગળ શ્રી રવજીભાઈ છીબાભાઈ હતા. પછી સ્વ. રણછોડભાઈ રવજીભાઈ હતા. પછી શ્રી નરસિંહભાઈ મંગાભાઈ હતા. પછી અમે હતા. કેટલાકે ઓળખાય નહીં તે માટે બુકાની બાંધી હતી. એવામાં કેદીને લઈને બે બાળદગાડી આવી. એકમાં કેદીઓ અને પોલીસો હતા, અને બીજામાં કેદીનાં કુટુંબીજનો અને બે નામીચા વેઠીયા વગેરે હતા. કોથમડીનો એક મુસ્લીમ ત્યાં હતો. તેને અમે પરબમાં બેસાડી દીધો હતો. પાણી પીવા માટે કાફલો અટક્યો એટલે અમે તુરત જ હુમલો કર્યો. પણ અમારામાંથી નરસિંહભાઈ મંગાભાઈએ હવામાં પીસ્તોલ ફોડી એટલે અમારી પાછળના ભાઈઓને એમ થયું કે પોલીસે ગોળીબાર કર્યો. એટલે તેઓ પાછા હટ્યા. બાકીના ચારપાંચ જણ આગળ વધ્યા. તેઓએ કેદીવાળા ગાલ્લા પર હલ્લો કર્યો અને કેદીઓને છોડાવવા પ્રયત્ન કર્યો. એટલે પોલીસ કુદી પડ્યા અને ઝપાઝપી થઈ. એમાં મુખ્યત્વે રવજીભાઈ, રણછોડભાઈ રવજીભાઈ અને મોખલેવાળા સ્વ. છગનભાઈ રણછોડભાઈ હતા. આ ઝપાઝપી દરમ્યાન મેં જોયું કે એક બંદુકવાળો પોલીસ છટકીને દુર ગયો. મને લાગ્યું કે હવે મટવાડનું પુનરાવર્તન થશે. એને જો નહીં અટકાવવામાં આવે તો નક્કી ગોળીબાર કરશે અને અમારા પર ગોળી છોડશે. ક્ષણવારમાં મેં વીચાર કરી લીધો અને દોડીને પોલીસની બંદુકને વળગી પડ્યો. પોલીસ મારાથી ઉંચો અને બળવાન હતો. તેણે બહુ પ્રયાસો કર્યા, પણ મેં બંદુક છોડી નહીં. એટલે તેણે મેં પકડી રાખેલી બંદુક મારા માથા પર ઝીંકવા માંડી. માથામાંથી લોહી નીકળ્યું. અમારું આ દ્વંદ્વયુદ્ધ ચાલતું હતું તેવામાં મારા સાથીઓનું ધ્યાન ગયું અને તેમાંથી સ્વ. ઉંકાભાઈ ભીખાભાઈએ અને શ્રી નરસિંહભાઈ મંગાભાઈ વગેરેએ પોલીસ પર હુમલો કર્યો. એટલે મેં પોલીસ પાસેથી બંદુક ખુંચવી લીધી. પછી અમે ભાગ્યા. આ હુમલામાં ભાઈશ્રી નરસિંહભાઈને હાથમાં કાંટો વાગ્યો અને હાથમાંની પીસ્તોલ ત્યાં પડી ગઈ હતી. મારા હાથમાં બંદુક હતી. પોલીસ શુન્યમનસ્ક બની જોયા કરતા હતા. બંદુક નવી જ હતી. અમે તે એક ખેતરમાં દાટી દીધી. દુર સુધી અમે ભાગ્યા, પછી વીસામો કર્યો. રાત્રે અમે છુટા પડ્યા. મને માથામાં ઘા પડ્યો હતો. તેમાં એક ઝાડનો પાલો વાટીને ભર્યો. મને સ્વ. મગનભાઈ કેશવભાઈના ખેતરમાં રાખવામાં આવ્યો. આ ખતેરમાં હું ત્રણેક દીવસ પડી રહ્યો. બહુ થોડા લોકો આ જાણતા હતા.  મગનભાઈના ઘરથી ખાવાનું આવતું હતું.

કેદીઓમાંથી ફક્ત દયાળભાઈ કેસરી ભાગી છુટ્યા હતા. બીજા ભાઈઓએ ભાગવાનું સાહસ ન કર્યું. તેમને પોલીસથાણે લઈ જઈને બાતમી માટે ખુબ માર માર્યો. પણ તેઓએ અમારામાંથી કેટલાકને ઓળખ્યા હોવા છતાં જરા પણ માહીતી ન આપી, અને ખુબ સહન કરવું પડ્યું. અમારા ગામના સ્વ. ગાંડાભાઈ છીબાભાઈ પોલીસોને રસ્તે મળ્યા હતા, એટલે પોલીસે તેમને શક પરથી પકડ્યા અને તેમને એટલો બધો મુઢ માર માર્યો કે વાદળ થાય ત્યારે ’૪૨ને યાદ કરતા. તેમણે પણ કશી માહીતી આપી નહીં. સરકારે આ બનાવને ખુબ ગંભીર ગણ્યો. સરકારે પાછળથી પકડાયેલા ભાઈઓ પર આ કેસ દાખલ કર્યો, અને તે દીવસોમાં આ કેસ ‘સોડીયાવડ કેસ’ તરીકે પ્રખ્યાત થયો. એમાં અમારા બચાવપક્ષે ભરુચના રાષ્ટ્રવાદી વકીલ સ્વ. મોતીભાઈ વીણે બચાવ કર્યો હતો.

Grahshanti Yagna -ગ્રહશાંતી યજ્ઞ

મે 4, 2013
Grah Shanti Yagna

Grahshanti Yagna -ગ્રહશાંતી યજ્ઞ

પ્રકરણ ૬ : ભાંગફોડની પ્રવૃત્તીઓ

મે 3, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

પ્રકરણ  ૬ : ભાંગફોડની પ્રવૃત્તીઓ

અમે હવે રીતસરના ભાંગફોડના કાર્યક્રમો યોજવા માંડ્યા હતા. જુદી જુદી ટુકડી બનાવવામાં આવી હતી. મારે કોથમડી ગામના ચોરાને આગ લગાડવાની હતી. હું દેલવાડાથી મટવાડ પહોંચ્યો. મોખલા ફળીયામાં અમારે ભેગા થવાનું હતું. ટુકડીના બધા સભ્યો આવ્યા નહીં, છતાં અમે જેટલા હતા તેટલા ભાઈઓએ કાર્યક્રમનો અમલ કરવાનું વીચાર્યું. અમે આઠેક જણ હોઈશું. સ્વ. કેશવભાઈ નાનાભાઈ, શ્રી ગોસાંઈભાઈ વાલાભાઈ, સ્વ. મગનભાઈ કેશવભાઈ વગેરે હતા. અમારી પાસે કેરોસીન ભરેલી બાટલીઓ અને કાકડા હતા. અમારી પાસે લાકડી સીવાય કશાં હથીયારો હતાં નહીં. કોઈ પણ હથીયાર ધારણ ન કરવું તેમ જ પોશાકપરીવર્તન ન કરવું એટલું મેં મારા પુરતું નક્કી કર્યું હતું. અમે હીંમતથી ગામમાં પેઠા. ચોરાના મકાન પર કેરોસીન છાંટ્યું, અને વાંસ સાથે બાંધેલા કાકડાથી ચોરો સળગાવવા પ્રયત્ન કર્યો. પરંતુ આગ લાગે જ નહીં. દરમ્યાન ગામમાં ચડભડ થવા માંડી. કુતરાં તો ભસતાં જ હતાં. લોકો હાકોટા પાડવા લાગ્યા. આ બાજુ અમે કેરોસીન છાંટીને કાકડાથી સળગાવવા પ્રયત્ન કરતા હતા. બુમાટો વધતો જતો હતો. અમને લાગ્યું કે ઘેરાઈ જઈશું. તેથી ચોરાને થોડી આગ લાગી એટલે અમે ચોરો છોડ્યો. કેટલાક લોકોએ અમારો પીછો પકડ્યો અને અમારે ઠીક ઠીક દોડવું પડ્યું. છેવટે કોઈ પાછળ ન દેખાયું એટલે અમે શ્વાસ હેઠો મુક્યો. અમે જોખમ ખેડ્યું એનો અમને સંતોષ હતો.

તે જ દીવસે બોદાલીનો ચોરો બાળવાનો પણ પ્રયત્ન હતો. તેમાં થોડી સફળતા પણ મળી હતી. આ બનાવથી સરકાર ચોંકી ઉઠી અને અમને પકડવા વધારે સક્રીય બની. પાછળથી અમે વ્યવસ્થીત કાર્યક્રમો ઘડ્યા અને આ ચોરાને અને નીશાળને આગ લગાડી હતી – નીરાંતે.

શીયાળો ચાલુ હતો. અમોને કનાઈ ખાડી પરનો રેલ્વે પુલ ઉડાવવાનો સંદેશ મળ્યો. એક ટુકડી નવસારી તરફથી આવવાની હતી અને બીજી અમારા તરફથી. રાત્રે આઠેક વાગે અમે દસબાર જણ નીકળ્યા. રસ્તે એકસાથે જોડાયા. તે દીવસોમાં અમે એક સંકેત ગોઠવ્યો હતો કે એક પક્ષ ‘વંદે’ બોલે અને સામો પક્ષ ‘માતરમ્’ જવાબ આપે તો જાણવું કે તે આપણા પક્ષનો છે. બીજો એક સંકેત એવો હતો કે અમે ત્રણવાર બેટરીનો પ્રકાશ પાડીએ અને સામો પક્ષ પણ ત્રણવાર બેટરીનો પ્રકાશ પાડે તો જાણવું કે તે આપણા પક્ષનો છે. કનાઈના કાર્યક્રમમાં જતાં અમે આ સંકેતનો ઉપયોગ કર્યો.

અમે એરુ સુધી મટવાડ –નવસારી રસ્તા પર ગયા. પછી અમે એક પછી એક વાડો ભાંગીને રસ્તો પાડીને આગળ વધ્યા. એ કામમાં અમારા એકબે સાથી ખુબ કુશળ હતા. મને તો ક્યાં જઈએ છીએ એનો ખ્યાલ નહોતો રહ્યો. પણ તેઓ બધું જાણતા હતા. ઓછામાં ઓછી વીસેક વાડો વટાવીને અમે એક જગ્યાએ પહોંચ્યા. એ જગ્યા મને પરીચીત લાગી. અમે પહોંચ્યા, પણ નવસારીવાળી ટુકડી નહોતી આવી. અમે બેત્રણ ભાઈઓને તપાસ માટે મોકલ્યા. પાછળથી સંકેતની આપલે કરી પત્તો મેળવ્યો. તે ટુકડી બરાબર સજ્જ થઈને આવી હતી. કેટલાક તો કાળા પોશાકમાં ચકચકતાં હથીયાર સાથે આવ્યા હતા. જોતાં પરખાય નહીં એવા હતા. કેટલાકે કાનટોપી પહેરી હતી. તે બુકાનીની ગરજ સારતી. બોંબ તેમની પાસે હતા. અમારામાંથી કેટલાકે તેમનો બોજો હળવો કર્યો. અને કાર્યક્રમ ગોઠવ્યો. પછી એક ખીણમાં ઉંડી નાળમાં બેસીને બોંબ સાથે જામગીરી જોડી. આ દૃશ્ય એટલું બધું પ્રેરક લાગતું હતું કે જાણે કોઈ જુદી જ દુનીયામાં હોઈએ. ગેરીલા લડાઈ આવી રીતે જ ચાલતી હશે ને! પીઠ પાછળ મોટો થેલો નાખીને, હાથમાં લાકડી લઈને ટેકરા પર ચઢતા ભાઈઓને જોઈને મને હીમાલય પર ચઢતા સાહસીકોનું સ્મરણ થયું. રાત્રે ટ્રેનનો અવાજ એટલો બધો ભયંકર લાગતો હતો કે કાચા પોચાના હાંજા ગગડી જાય. હું તો દીશાયે ભુલી ગયો હતો.

તૈયારી થઈ એટલે અમે બધા ટુકડીમાં વહેંચાયા. એક ટુકડી પુલના પાયામાં બોંબ મુકનાર, બે ટુકડી રેલ્વેની બેઉ બાજુ ચોકી કરનાર. હું ચોકી કરનાર બીજી ટુકડીમાં હતો. ગાડીના આવવા-જવાના સમયોની અમને ખબર હતી. ચોકી કરનાર બીજી ટુકડીએ રેલવે પર ‘રોન’ લગાવતા બે ચોકીદારોને પકડ્યા અને તેમને બેસાડી દીધા. અમારી ટુકડીમાં સ્વ. રામભાઈ ઉંકાભાઈ ટીખળી સ્વભાવના હતા. તેમણે ધા (એક જાતનું ધારવાળું હથીયાર) ઘસવા માંડ્યો એટલે તેમાંના એક જણે તો ગભરાઈને ધોતીયું બગાડ્યું!

એવામાં ગાડી વેડછા સ્ટેશને આવી. બોંબ જોઈએ એ રીતે મુકાયા. છતાં ઢીલ કરવામાં જોખમ હતું. એટલે જામગીરી ચેતાવવામાં આવી. પછી બોંબ ફુટ્યા. એ અવાજો ભયંકર હતા. આવો અવાજ જીદંગીમાં મેં પહેલો જ સાંભળ્યો. પંખીઓ માળામાં જાગી ગયાં અને ઉડવા લાગ્યાં. મને મહાભારતમાં વર્ણવેલા ધનુષ્ય ટંકારનો ખ્યાલ આવ્યો. જાણે ધરતી ને આભ ધ્રુજી ગયાં. પુલ તુટ્યો નહીં. અમે આશા રાખી હતી કે ગાડી બંધ રહેશે. બપોરે ટપાલ આવી એટલે જાણ્યું કે ગાડી અટકી નહોતી.

અમે પાછા ફરતાં રસ્તો ભુલ્યા. તારા જોઈને અમે સીધા પશ્ચીમમાં ગયા. એમ કરતાં રસ્તો હાથ લાગ્યો અને આટમાં આવ્યા ત્યારે લોકો જાગી ગયાં હતાં અને આંગણાં વાળતાં હતાં. ખુબ ઉતાવળથી અમારામાંથી ઘણાખરા જુવારવાળી સીમમાં પેસી ગયા. તેઓ ઘેર ગયા ત્યારે પનીહારીઓ પાણી લાવતી હતી. હું એટલો બધો થાકી ગયો હતો કે, રસ્તે એક ઓળખીતાની વાડીમાં રોકાઈ ગયો. અમે આખી રાતમાં વીસેક માઈલ ચાલ્યા હતા. સવારે ભયંકર અવાજ થયાની વાત સાંભળી. આ દીવસે બી.બી. એન્ડ સી. આઈ. રેલવે પર ઘણી જગ્યાએ બોંબ મુકાયા હતા, પણ ખાસ સફળતા મળી નહીં.

સાગરા પુલને ઉડાવવાનો અમે બીજી વાર પ્રયત્ન કર્યો. આ બખતે નવસારી તરફના ભાઈઓ અને અમે થોડાક જણ હતા. આ વખતે ડાયનેમાઈટ મુકવાના હતા. દીવાલમાં ડાઈનેમાઈટ મુકવા ડ્રીલ પણ લાવ્યા હતા. નરાજો પણ હતી, અને તાર કાપવાની કાતરો પણ હતી. ડ્રીલની બીજી જગ્યાએ અજમાયશ કરી હતી, છતાં સફળતા મળી નહીં. એટલે નરાજે દીવાલમાં બાકોરાં પાડવા લાગ્યા. વીસેક મીનીટ થઈ હશે ને ચેતવણી મળી. અમે દુર ખસી ગયા. ‘રોન’ લગાવનાર બંદુકધારી ચાર પોલીસો આવતા હતા. તેઓ પુલ પર થઈને પસાર થઈ ગયા. અમારા કાર્યક્રમની તેમને ખબર પડી ગઈ હોત તો! મહામહેનતે અમે ડાઈનેમાઈટ ગોઠવી. ઉપરથી લાકડાના ચોરસા લગાવ્યા. પાછળ જામગીરી ચાંપી. એ દરમ્યાન થોડા તાર પણ કાપ્યા. આ વખતે પણ અવાજો તો ભયંકર થયા. તેના પડઘા પડ્યા. પાછળથી જોયું તો જ્યાં જ્યાં ડાઈનેમાઈટ મુકી હતી ત્યાં મોટાં ગાબડાં પડી ગયાં પણ પાયો પડ્યો નહીં. અમે નીરાશ થયા. આ વખતે અમારી ચોકીદાર ટુકડીએ બે ચોકીદારને પકડ્યા હતા. તેમને એક વાડામાં બાંધ્યા હતા. અમારા એક સાથીએ ધડાકા થયા પછી પેલા ચોકીદારને બાંધેલા બંધ લેવા જવાનો આગ્રહ કર્યો. મને ગમ્યું નહીં, છતાં અમે ગયા. બંધ લાવ્યા. ગાડી અટકી નહીં. જ્યારે જ્યારે સુરત જવાનું થાય છે, અને સાગરાના પુલ પર સાંધેલાં ગાબડાં જોઉં છું ત્યારે આ દીવસ સાંભરી આવે છે. આ કાર્યક્રમમાં અમે દેલવાડાથી આવ્યા હતા. તેમાં દેલવાડાના યુવાનો સામેલ હતા.

ઓંજલનું પીઠું બાળવાનું અમે ગોઠવ્યું. અંધારું થતાં ઓંજલની સીમમાં પહોંચી ગયા. પછી બીજા સાથીઓ આવ્યા. નક્કી કરેલા સમયે અમે તળાવ પર પહોંચ્યા. કુતરાં ભસ્યાં. પીઠામાંથી બેટરી લઈને પારસી નીકળ્યો. તેણે અમારા પર બત્તી પાડી. અમે ખુબ નજીક જઈ પહોંચ્યા હતા. અમારામાંના કેટલાકે ડાઈનેમાઈટના અવાજો કર્યા, અને વાડ સળગાવી. માલીક બંદુક લઈને પાછો નીકળ્યો. અમારા પર ગોળી છોડી. અંધારામાં બેત્રણ ગોળી સાવ અમારી નજીક થઈને ગઈ. અમારામાંથી ત્રણ જણ પાસે પીસ્તોલ હતી. તે તાકવામાં આવી પણ એકે કામ આપ્યું નહીં! અમે પીછેહઠ કરી. ગામમાં બુમ પડી. આખું ગામ જાગી ગયું. ખજુરાંના ચોકીદારો ફરી વળ્યા. ઘેરાઈ જઈશું કે શું એવું અમને લાગ્યું. પણ કોઈએ અમારો સામનો કર્યો નહીં. આ કાર્યક્રમમાં આટના સ્વ. મગનભાઈ નાનાભાઈની ચંપલ છુટી ગઈ હતી. પોલીસે તેનો કબજો લીધો અને જ્યારે કોઈ પકડાતું ત્યારે તેને પહેરાવી જોતા.

ત્યાર બાદ અમે ધોળે દીવસે પીઠામાં જાન લઈ જઈને પીઠાને બાળવાનું વીચાર્યું. આખરે દારુ પીવાના બહાને દીવાબત્તીના સમયે જવાનું ગોઠવ્યું. અમે બધા સમયસર આવી પહોંચ્યા હતા. ત્રણેક ટુકડીમાં વહેંચાયા. બે જણા દારુ માટે પુછવા ગયા, પણ દુકાન બંધ હતી. દારુ માગ્યો પણ ન આપ્યો. બીડી માગી તે પણ ન આપી. બારણું ખુલે તો એમાં ઘુસી જવાની અમારી યોજના હતી. ઘરમાં બધાં જાગતાં હતાં. અમારો કાર્યક્રમ રદ થયો. પણ કેટલાકે અચાનક અબ્રામાના પીઠે જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. મેં વાંધો લીધો પણ મારું ચાલ્યું નહીં. આખરે અબ્રામા ગયા, જ્યાં દારુની દુકાન હતી. દારુ ઢોળી દીધો અને અમે આવતા હતા ત્યારે એક ચોકીદારે હોંકારો કર્યો. અમારા તરફથી પીસ્તોલના બાર સાંભળીને ચમકી ગયો. અમે અબ્રામા છોડ્યા પછી પંદરેક મીનીટ બાદ પોલીસની મોટર આવી પહોં ચી હતી!

એક રાત્રે અમે સુતા હતા. કુતરાના ભસવાનો અવાજ થયો. એટલે અમે જાગ્યા. હું અને રવજીભાઈ છીબાભાઈ અમે બે જણા તે રાત્રે હતા. અમે ઉઠ્યા. રવજીભાઈએ મને કહ્યું,

“તમે અહીં રહો હું જોવા જાઉં”.

હું એકલો પડ્યો. ઠંડી રાત હતી. રવજીભાઈ થોડીવારે આવ્યા અને કહ્યું,

“પોલીસો હતા. હું તેની પાછળ પાછળ ગયો, અને શું કરે છે તે જોતો હતો. રામજીભાઈ ફકીરભાઈ ઘરે જ સુતા હતા. તેમને ત્યાં તપાસ કરી. રામજીભાઈ એક ઘરમાંથી બીજા ઘરમાં અને ત્યાંથી ત્રીજા ઘરમાં ઢોરની ગમાણમાં જઈને સંતાઈ ગયા. આ વખતે હું મારાં પત્ની અને પુત્ર સાથે કરાડી પટેલ ફળીયામાં રહેતો હતો. પોલીસે મારે ત્યાં તેમ જ રણછોડભાઈ રવજીભાઈને ત્યાં તપાસ કરી. કોઈ મળ્યું નહીં અને ખાલી હાથે પાછા ફર્યા.”

રવજીભાઈ ખુબ સાહસીક – અમારા કાર્યક્રમમાં તેઓ હંમેશા આગળ રહેતા.

ભારત વીદ્યાલયના આચાર્ય મણિભાઈ અમારા સંપર્કમાં રહેતા. તેઓ આવવાના હતા. અને તેમને તવડીથી બોદાલીવાળા ઓવારા આગળ થઈને ઉતારી લાવ્યા. મધરાત થઈ ગઈ હતી. અમે કરાડી જવાને બદલે તે રાત્રે મછાડના તાડફળીયે શ્રી ગોપાળભાઈ ભુલાભાઈને ત્યાં રોકાયા. રસ્તાની બાજુમાં જ આ ઘર આવેલું. અને હજી જાગતા જ હતા. તેવામાં અવાજો સંભળાવા લાગ્યા. થોડીવારમાં તો પોલીસ પલટનને અમે આવતી જોઈ. પચાસેક પોલીસો હશે. અમે તેમને જોઈ શકતા હતા. અમને કોઈએ જોયા હોત તો અમે ખરેખર મુશ્કેલીમાં મુકાયા હોત. જો કે અમે ભાગવાની તૈયારી રાખી હતી. કરાડીની જે સીમમાં અમે સુતા હતા તે બધા વીસ્તારમાં આ પોલીસો ફરી વળ્યા. ઝાડો ઉપર પણ જોઈ વળ્યા. સીમમાં આવેલ ઝુંપડાં પણ જોઈ વળ્યા. છેવટે કોઈ મળ્યું નહીં એટલે કરાડી જેકને ત્યાં ગયા. ત્યાં જેક તો મળ્યા નહીં એટલે જેકના બાપુજી ફકીરકાકાને પકડીને લઈ ગયા અને મુ. પી.સી.ને બદલે તેમના મામાને પકડીને લઈ ગયા.