Archive for માર્ચ, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો- લેખકનું નીવેદન

માર્ચ 30, 2013

આઝાદીની લડતનાં સંસ્મરણો
લેખક: ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ

  આઝાદીની લડતનાં સંસ્મરણો- લેખકનું નીવેદન

૧૯૪૨ની આખરી લડતનાં મારાં સંસ્મરણો પ્રથમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી સંપાદીત એક પુસ્તકમાં પ્રગટ થયાં હતાં. એમાંના કેટલાક અંશો ચી. રવીન્દ્ર સંપાદીત ‘આઝાદીનાં સંસ્મરણો’ પુસ્તીકામાં પ્રગટ થયા હતા. વર્તમાન પત્રોમાં આ સંસ્મરણો અંશતઃ પ્રગટ થયાં હતાં.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી તરફથી પણ મને થોડી નકલો મળી હતી. પણ આ નકલો વહેંચાઈ ગઈ. મારી પાસે એક પણ નકલ રહી નહીં. એકવાર નવસારીના ડૉ. રમેશભાઈએ મારાં સંસ્મરણોની પ્રસંશા કરી ત્યારે મને કહેવામાં આવ્યું કે એનું આખું પુસ્તક છે. મેં એમને વીનંતી કરી અને એમણે બે નકલો મને કરી આપી. આ બે નકલો પૈકી એક મારા મીત્રને આપી અને બીજી સ્વ. આચાર્ય મણીભાઈ ટ્રસ્ટને આપી. બેઉ નકલો મને ફરી મળી નહીં. એટલે ફરીથી મેં ડૉ. રમેશભાઈને મારા લેખની નકલો આપવા વીનંતી કરી. અને તેમણે  ફરીથી બે નકલો આપી. ઘણા સમયથી મારી ઈચ્છા હતી કે આ સંસ્મરણો એક નાની પુસ્તીકા રુપે પ્રગટ કરું. આઝાદીના પચાસમા વર્ષે આ ઈચ્છા પુર્ણ થાય તેનો મને આનંદ છે.

આઝાદીની લડતોમાં કાંઠાવીભાગે મહત્ત્વનો ભાગ ભજવેલો. તેનો ઈતીહાસ પ્રગટ થયો છે. એની સાથોસાથ આ પુસ્તીકા પ્રગટ કરું છું. એને સારો આવકાર મળશે એવી મને આશા છે. આ સંસ્મરણોમાં કોઈ ક્ષતી કોઈ વાચકને લાગે તો મને જણાવવા વીનંતી છે કે જેથી એની ત્રીજી આવૃત્તીમાં સુધારી શકાય.

આ લડતમાં લાંબા ગાળા દરમીયાન જે જે પરીવારોએ અને પ્રજાએ અમને જે સાથ સહકાર આપ્યો તે માટે આ તકે હું હાર્દીક આભાર માનું છું. ખાસ કરીને દેલવાડા અને મરોલી વીભાગનાં લોકોએ જે સહકાર આપ્યો છે તે હજી પણ અમે ભુલ્યા નથી. આ પરીવારો સાથેના અમારા સંબંધો પણ અમે જાળવી રાખ્યા છે.

આ નાની પુસ્તીકા યુવા પેઢી માટે પ્રેરક બની રહેશે એવી મને શ્રદ્ધા છે. ફરીથી અમારા ભુગર્ભવાસ દરમીયાન જેઓએ અમને સહકાર આપ્યો છે અને સક્રીય સહાય કરી છે તેઓ સૌનો આભાર માનું છું.

  • ગોસાંઈભાઈ છી. પટેલ

આઝાદીની લડતનાં સંસ્મરણો – ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ – બે શબ્દો

માર્ચ 27, 2013

G C Patel
આઝાદીની લડતનાં સંસ્મરણો
લેખક: ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલ
સ્વાતંત્ર્ય સેનાની
મટવાડ
છઠ્ઠી આવૃત્તી : ૨૦૧૨
અર્પણ : આઝાદીની લડતમાં પોતાના પ્રાણોનું બલીદાન આપનાર શહીદોને
યુનીકોડમાં અક્ષરાંકન: ગાંડાભાઈ વલ્લભ
સર્વ હક લેખક શ્રી. ગોસાંઈભાઈ છીબાભાઈ પટેલને હસ્તક

મુ. શ્રી ગોસાંઈભાઈની ન્યુઝીલેન્ડની મુલાકાત વેળા જ્યારે તેઓ વેલીંગ્ટન આવ્યા હતા ત્યારે એમની ઉપરોક્ત પુસ્તીકાની એક નકલ મને એમણે તા. ૭ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ ભેટ આપી હતી. (આ પહેલાં પણ ૧૯૮૭માં હું દેશ ગયેલો ત્યારે મુ. ગોસાંઈભાઈએ ‘૧૦૦ વર્ષ નીરોગી રહો’- લેખક માણેકલાલ એમ. પટેલ- નામનું ઉપયોગી પુસ્તક પણ મને ભેટ આપ્યું હતું. એમાં પણ એમણે એમના સુંદર હસ્તાક્ષરોમાં લખ્યું છે, ‘ભાઈશ્રી ગાંડાભાઈને સપ્રેમ ભેટ, ગો.છી., તા. ૮-૬-૮૭. હું ન્યુઝીલેન્ડ પરત થનાર હતો તે પ્રસંગે તેઓ મને મારા ઘરે મળવા આવ્યા હતા.)

જુઓ એમના હસ્તાક્ષરમાં આ પુસ્તીકા મને ભેટ આપ્યાની નોંધ-

G C Patel 2
એ સમયે એમની આ પુસ્તીકા મારા બ્લોગ પર એક જ ઈ-ઉવાળી સાદી જોડણીમાં મુકવાની પરવાનગી મેં માગી હતી, જે એમણે સહર્ષ સ્વીકારેલી. એ બદલ એમનો હું આ પ્રસંગે હાર્દીક આભાર માનું છું. આ પહેલાં પણ મુ. ગોસાંઈભાઈ ન્યુઝીલેન્ડ આવ્યા હતા, જેની વીગતો આ પુસ્તીકામાં એમના પરીચયના પ્રકરણ ૧૩માં જોવા મળશે.

એમની બહાદુરીનો સોડીયાવડવાળો ૧૯૪૨માં બનેલો પ્રસંગ મેં મારા બાળપણમાં સાંભળેલો, જેનાથી હું બહુ પ્રભાવીત થયેલો. એ પ્રસંગ ફરીથી તેઓ જ્યારે આ પહેલાં વેલીંગ્ટન આવેલા ત્યારે એમનાં સ્વમુખે મને એમણે મારી વીનંતીને માન આપીને સંભળાવેલો.

૧૯૪૨ વખતે અમારા ગામ બોદાલીમાં પણ પોલીસોએ જુલમ ગુજારેલો. તે સમયે મારી માત્ર ચાર વર્ષની ઉંમર હતી છતાં અમારા ગામમાં પોલીસ આવેલી તે પ્રસંગ મને આજે પણ યાદ છે. એક પોલીસ કોઈકના મરઘાંને પકડવા માટે દોડ્યો હતો તે હજુ મારી નજર સમક્ષ છે.

આઝાદીની લડતની વાતો સાંભળવામાં મને ઘણી દીલચસ્પી છે. મારી બાલ્યાવસ્થામાં દેશને આઝાદી અપાવવા માટે  લોકોમાં જે ઉત્સાહ હતો તેનું પણ મને બહુ સ્પષ્ટ સ્મરણ છે. દર વર્ષે ગાંધીજયંતી વખતે ગાંધીજીનાં જેટલાં વર્ષો થયાં હોય તેટલા કલાકનું અખંડ કાંતણ રાખવામાં આવતું, તેમાં પણ ભાગ લેતો એવું સ્મરણ છે. ઑગષ્ટ ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે હું ૯ વર્ષનો હતો.

આશા રાખું કે આઝાદીની લડતની આ વાતો જાણવામાં લોકોને રસ પડશે.

AROGYANI CHAVI – GANDHIJI આરોગ્યની ચાવી – ગાંધીજી

માર્ચ 21, 2013

AROGYANI CHAVI – GANDHIJI આરોગ્યની ચાવી – ગાંધીજી

આખી પુસ્તીકા PDF માં ડાઉનલોડ કરવા માટેની લીન્ક:

Aarogyani Chaavi

આરોગ્યની ચાવી-ગાંધીજી-ભાગ બીજો પ્રકરણ ૫ – વાયુ – હવા Air

માર્ચ 19, 2013

આરોગ્યની ચાવી-ગાંધીજી-ભાગ બીજો પ્રકરણ ૫ – વાયુ – હવા Air

 

જેમ ચાર તેમ આ પાંચમું તત્ત્વ પણ અત્યંત ઉપયોગી છે. જે પાંચ તત્ત્વનું પુતળું બન્યું છે તેમાંના એકેય વીના મનુષ્ય નભી ન જ શકે. એટલે વાયુથી કોઈએ ડરવું ન જોઈએ. જ્યાં જઈએ ત્યાં ઘરોમાં વાયુ અને પ્રકાશને આપણે બંધ કરી આરોગ્યને જોખમમાં નાખીએ છીએ. ખરું જોતાં બચપણથી જ હવાનો ડર ન રાખતાં શીખ્યા હોઈએ તો શરીર હવાની આવજાથી ટેવાઈ જાય છે, ને શરદી સળેખમ આદીથી બચી જાય છે. હવાના પ્રકરણમાં (પહેલો ભાગ- પ્રકરણ ૨) આ વીષય ઉપર કહેવાઈ ગયું છે, એટલે અહીં વાયુ વીશે વધારે કહેવાપણું રહેતું નથી.

આરોગ્યની ચાવી- ગાંધીજી- ભાગ બીજો પ્રકરણ ૪ -તેજ- Light

માર્ચ 18, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી- ભાગ બીજો પ્રકરણ ૪ -તેજ- Light

 

જેમ આકાશાદી તત્ત્વો વીના તેમ તેજ એટલે પ્રકાશ વીના પણ મનુષ્યનો નીર્વાહ ન થઈ શકે. પ્રકાશમાત્ર સુર્યની પાસેથી આવે છે. સુર્ય ન હોય તો ન ગરમી હોય, ન પ્રકાશ હોય. આ પ્રકાશનો આપણે પુરો ઉપયોગ નથી કરતા, તેથી પુરું આરોગ્ય નથી ભોગવતા. જેમ આપણે પાણીમાં સ્નાન કરી સાફ થઈએ છીએ તેમ સુર્યસ્નાન પણ કરી શકાય. નબળો માણસ, જેનું લોહી ઉડી ગયું છે, તે જો સવારનો તડકો નગ્ન દશામાં લે, તો તેની ફીકાશ ને નબળાઈ જશે ને હોજરી મંદ હશે તો તે જાગ્રત થશે. આ સ્નાન સવારના, તાપ બહુ ન ચડ્યો હોય ત્યારે લેવાનું છે. જેને ઉઘાડે શરીરે સુતાં કે બેસતાં ઠંડી લાગે તે જોઈતું કપડું ઓઢીને સુએ, બેસે ને જેમ શરીર સહન કરે તેમ કપડું ખસેડે. નગ્ન સ્થીતીમાં આંટા પણ મારી શકાય. કોઈ ન દેખે એવી જગ્યા શોધી ત્યાં આ ક્રીયા થઈ શકે. એવી જગ્યા મેળવવા દુર જવું પડે, ને તેટલો વખત ન હોય તો ગુહ્ય ભાગો ઢાંકી શકાય એવી પાતળી લંગોટી પહેરીને સુર્યસ્નાન લેવાય. આવા સુર્યસ્નાનથી ઘણા માણસોને ફાયદો થયો છે. ક્ષયના રોગમાં એનો બહોળો ઉપયોગ થાય છે. સુર્યસ્નાન કેવળ નૈસર્ગીક ઉપચારકોનો વીષય નથી રહ્યો. દાક્તરોની દેખરેખ નીચે એવાં મકાનો બનાવવામાં આવ્યાં છે કે જેમાં સુર્યનાં કીરણો કાચની રક્ષા નીચે ઠંડી હવામાં પણ મળી શકે.

 

કેટલીક વાર ગુમડાં થયાં હોય તે રુઝાતાં જ નથી. તેને સુર્યસ્નાન આપવાથી તે રુઝાયાં છે.

 

પરસેવો લાવવા સારુ મેં દરદીઓને અગીયાર વાગ્યાના બળતા તાપમાં સુવાડ્યા છે ને તે પરસેવે રેબઝેબ થયા છે. આવા તાપમાં સુવાડવા સારુ દરદીને માથે માટીનો પાટો મુકવો જોઈએ.  તેની ઉપર કેળનાં કે બીજાં મોટાં પાંદડાં મુકાય કે જેથી માથું ઠંડું અને સુરક્ષીત રહે. માથે સખત તડકો ન લેવો જોઈએ.

આરોગ્યની ચાવી-ભાગ બીજો-ગાંધીજી, પ્રકરણ ૩: આકાશ Space

માર્ચ 15, 2013

આરોગ્યની ચાવી-ભાગ બીજો-ગાંધીજી, પ્રકરણ ૩: આકાશ Space

 

આકાશનો જ્ઞાનપુર્વક ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરીએ છીએ. તેનું જ્ઞાન પણ આપણને ઓછામાં ઓછું છે. આકાશ એટલે અવકાશ કહી શકાય. દીવસનાં વાદળાંનું આવરણ ન હોય ત્યારે આપણે ઉંચે નજર કરીએ તો અત્યંત સ્વચ્છ, સુંદર, આસમાની રંગનો ઘુમટ જોઈએ છીએ, તેને આપણે આકાશ નામે જાણીએ છીએ. તેનું બીજું નામ જ આસમાન છે ના? એ ઘુમટને છેડો જ નથી. એ જેટલું દુર છે એટલું જ આપણી પાસે છે. આકાશથી આપણે ઘેરાયેલા ન હોઈએ તો ગુંગળાઈને મરી જઈએ. જ્યાં કંઈ નથી ત્યાં આકાશ છે. એટલે આપણે જે દુર દુર આકાશી રંગ જોઈએ છીએ તે જ આકાશ છે એમ નથી. આકાશ તો આપણી પાસેથી શરુ થાય છે, નહીં તે આપણી અંદર પણ છે. પોલાણમાત્રને આપણે આકાશ નહીં કહી શકીએ. ખરું છે કે જે ખાલી દેખાય છે તે હવાથી ભરેલું છે. આપણે હવાને નથી જોઈ શકતા એ ખરું, પણ હવાને રહેવાનું ઠેકાણું ક્યાં છે? એ આકાશમાં જ વીહાર કરે છે ના? એટલે આકાશ આપણને છોડી જ નથી શકતું. હવાને પંપ વડે ઘણે ભાગે ખેંચી શકાય, પણ આકાશને કોણ ખેંચી શકે? આકાશને ભરી મુકીએ છીએ ખરા, પણ તે અનંત હોવાથી તેમાં ગમે તેટલા દેહો હોય તે બધા સમાઈ જાય છે.

 

એ આકાશની મદદ આપણે આરોગ્ય જાળવવા ને ખોયું હોય તે મેળવવા સારુ લેવાની છે. હવાની વધારેમાં વધારે જરુર છે, તેથી તે સર્વવ્યાપક છે. પણ હવા બીજા પદર્થોની સરખામણીમાં વ્યાપક છે, સ્વતંત્ર રીતે નહીં. ભૌતીકશાસ્ત્ર શીખવે છે કે, પૃથ્વીથી અમુક માઈલ પછી હવા નથી મળતી. એમ કહેવાય છે કે, પૃથ્વીના જીવો જેવા જીવ હવાના આવરણની બહાર હોઈ જ ન શકે. આ વાત બરોબર હો યા ન હો, આપણે તો અહીં એટલું જ જાણવાનું છે કે, જેમ આકાશ અહીં છે તેમ મજકુર આવરણની બહાર પણ છે. એટલે સર્વવ્યાપક તો આકાશ છે. પછી ભલે શાસ્ત્રીઓ સીદ્ધ કરે કે એ આવરણની ઉપર ઈશ્વર નામનો પદાર્થ છે, અથવા બીજા કોઈ. તે પણ જેમાં વસે છે તે આકાશ છે. એટલે એમ કહી શકાય કે, જો ઈશ્વરનો ભેદ જાણી શકાય તો આકાશનો જણાય.

 

એવું મહાન તત્ત્વ છે તેનો અભ્યાસ ને ઉપયોગ જેટલે અંશે કરી શકીએ તેટલે અંશે આપણે વધારે આરોગ્ય ભોગવીએ.

 

પ્રથમ પાઠ તો એ છે કે, એ સુદુર અને અદુર તત્ત્વની વચ્ચે ને આપણી વચ્ચે કંઈ જ આવરણ ન આવવા દઈએ. એટલે કે જો ઘરબાર વીના કે વસ્ત્રો વીના આપણે એ અનંતની જોડે સંબંધ બાંધી શકીએ તો આપણાં શરીર, બુદ્ધી અને આત્મા પુર્ણ રીતે આરોગ્ય ભોગવે. આ આદર્શને ભલે આપણે ન પહોંચીએ, ભલે કરોડોમાં એક જ પહોંચતો હોય, છતાં એ આદર્શને જાણવો, સમજવો ને તેને આદર આપવો આવશ્યક છે. અને જો તે આદર્શ હોય તો તેને જેટલે અંશે પહોંચાય તેટલે અંશે આપણે સુખ, શાંતી, ને સંતોષ ભોગવીશું. આ આદર્શને હું છેવટની હદ સુધી રજુ કરી શકું તો મારે કહેવું જોઈએ કે, આપણે શરીરનો અંતરાય પણ ન જોઈએ. એટલે કે શરીર રહે કે જાય તેને વીષે આપણે તટસ્થ રહીએ. એમ મનને કેળવી શકીએ તો શરીરને ભોગની વસ્તુ તો કદી ન બનાવીએ. આપણી શક્તી ને આપણા જ્ઞાન પ્રમાણે તેનો સદુપયોગ સેવા સારુ, ઈશ્વરને ઓળખવા સારુ, તેના જગતને જાણવા સારુ, તેની સાથે ઐક્ય સાધવા સારુ કરીએ.

 

આ વીચારશ્રેણી પ્રમાણે આપણે ઘરબાર, વસ્ત્રાદીના ઉપયોગમાં પુશ્કળ અવકાશ રાખીએ. કેટલાંક ઘરોમાં એટલું રાચરચીલું જોવામાં આવે છે કે મારા જેવો ગરીબ માણસ તેમાં ગુંગળાઈ જાય, એ વસ્તુનો ઉપયોગ ન સમજે. એને મન તો એ બધાં ધુળ અને જંતુઓને એકઠાં કરવાનાં ભાજન ગણાય. અહીં જે સ્થાનમાં હું વસું છું ત્યાં હું તો ખોવાઈ જ જાઉં છું. તેની ખુરસીઓ, કબાટો, મેજો, આરસીઓ મને ખાવા ધાય છે. તેની કીમતી જાજમો કેવળ ધુળ એકઠી કરે છે. તે ઝીણા જંતુઓનું ઘર બની છે. એક વખત એક જાજમ ખંખેરવા કાઢી. એક માણસનું એ કામ ન હતું; છ-સાત માણસો વળગ્યા. એમાંથી ઓછામાં ઓછી દસ રતલ ધુળ તો નીકળી જ હશે. જ્યારે એ પાછી પોતાની જગ્યાએ આવી ત્યારે એનો સ્પર્શ જ નવો લાગ્યો. હવે આ જાજમ હંમેશાં કઢાય નહીં, કાઢતાં તેની આવરદા ઘટે ને રોજની મહેનત વધે. આ તો મારો તાજો અનુભવ લખી ગયો. પણ મારા જીવનમાં તો આકાશની સાથે મેળ બાંધવા ખાતર મેં અનેક ઉપાધીઓને ઓછી કરી છે. ઘરની સાદાઈ, વસ્ત્રની સાદાઈ, રહેણીની સાદાઈ. એક શબ્દમાં અને આપણા વીષયની ભાષામાં કહીએ તો, મેં ઉત્તરોત્તર મોકળાશ વધારી, આકાશ સાથેનો સીધો સંબંધ વધાર્યો, અને એમ પણ કહી શકાય કે, જેમ એ સંબંધ વધતો ગયો તેમ મારું આરોગ્ય વધતું ગયું, મારી શાંતી વધી, સંતોષ વધ્યો, ને ધનેચ્છા સાવ મોળી પડી. જેણે આકાશની સાથે સંબંધ બાંધ્યો છે તેને કંઈ નથી ને બધું છે. અંતમાં તો મનુષ્ય એટલાનો જ માલીક બને છે, જેટલાનો તે પ્રતીદીન ઉપયોગ કરી શકે છે ને પચાવી શકે છે, એટલે તેના ઉપયોગથી તે આગળ વધે છે. આમ બધાય કરે તો આ આકાશવ્યાપી જગતમાં બધાને સારુ સ્થાન છે ને કોઈને સાંકડનો અનુભવ સરખો નહીં થાય.

 

તા. ૧૮-૧૨-૪૨

તેથી મનુષ્યનું સુવાનું સ્થાન આકાશની નીચે હોવું જોઈએ. ભીનાશ કે ટાઢથી બચવા પુરતું ઢાંકણ ભલે રાખે, એક છત્રી જેવું ઢાંકણ વરસાદમાં ભલે હોય. બાકી બધો વખત તેની છત્રી અગણીત તારાઓથી જડેલું આકાશ જ હોય. જ્યારે આંખ ઉઘડે ત્યારે તે પ્રતીક્ષણ નવું દૃશ્ય જોશે. તે જોતાં થાકશે નહીં છતાં તેની આંખ અંજાશે નહીં, શીતળતા ભોગવશે. તારાઓનો ભવ્ય સંઘ ફરતો જ દેખાશે. જે મનુષ્ય એઓની સાથે અનુસંધાન કરી સુશે ને તેઓને પોતાના હૃદયના સાક્ષી કરશે, તે કદી અપવીત્ર વીચારને સ્થાન નહીં આપે ને શાંત નીદ્રા લેશે.

 

પણ જેમ આપણી આસપાસ આકાશ છે તેમ જ આપણી અંદર છે. ચામડીમાં રહેલા એક એક છીદ્રમાં, બે છીદ્રોની વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં આકાશ છે. એ આકાશ – અવકાશને આપણે ભરી મુકવાનો પ્રયત્ન પણ ન કરીએ. તેથી જો આપણો આહાર જેટલો જોઈએ તેટલો જ લઈએ તો શરીરમાં મોકળાશ રહ્યા કરે. આપણને હંમેશાં ખબર નથી હોતી કે ક્યારે વધારે અથવા અયોગ્ય ખવાઈ ગયું છે. તેથી અઠવાડીયે પખવાડીયે કે સગવડ પડે તેમ અપવાસ કરીએ તો સમતોલતા, સમતા જાળવી શકાય. પુરા અપવાસ ન કરી શકે તે એક અથવા વધારે ટંકનું  ખાવાનું છોડી દેશે તો પણ લાભ મેળવશે.

આરોગ્યની ચાવી- ભાગ બીજો-ગાંધીજી- પ્રકરણ ૨. પાણી – Water

માર્ચ 13, 2013

આરોગ્યની ચાવી- ભાગ બીજો-ગાંધીજી- પ્રકરણ ૨. પાણી – Water

 

પાણીના ઉપચાર જાણીતી તેમ જ પુરાણી વસ્તુ છે. તેને વીશે ઘણાં પુસ્તકો લખાયાં છે. ક્યુનેએ તેનો ઉત્તમ ઉપયોગ શોધ્યો છે. એનું પુસ્તક હીન્દુસ્તાનમાં બહુ પ્રસીદ્ધીને પામ્યું છે. તેનો તરજુમો પણ આપણી ભાષાઓમાં થયો છે. એના વધારેમાં વધારે અનુયાયી આંધ્ર દેશમાં મળે છે. ક્યુનેએ ખોરાક વીશે પણ સારી પેઠે લખ્યું છે. અહીં તો હું પાણીના ઉપચારો વીશે જ લખવા ધારું છું.

 

ક્યુનેના ઉપચારમાં મધ્યબીન્દુ કટીસ્નાન અને ઘર્ષણસ્નાન છે. તેને સારુ તેણે ખાસ વાસણ પણ યોજ્યું છે. એની ખાસ આવશ્યકતા નથી. મનુષ્યના કદ પ્રમાણે ત્રીસથી છત્રીસ ઈંચનું (૭૫થી ૯૦ સે.મી.નું) ટબ બરોબર કામ આપે છે. અનુભવ પ્રમાણે મોટું જોઈએ તો મોટું લેવું. તેમાં ઠંડું પાણી ભરવું. ઉનાળામાં ખાસ ઠંડું રાખવાની જરુર છે. તુરત ઠંડુ કરવું હોય તો, ને મળે તો, થોડો બરફ નાખવો. વખત હોય તો માટીના ઘડામાં ઠારેલું પાણી બરોબર કામ આપે છે. ટબમાં પાણી ઉપર કપડું ઢાંકી ઝપાટાબંધ પંખો કરવાથી તુરત ઠંડું કરી શકાય.

 

ટબ ભીંતને અઢેલીને રાખવું ને તેમાં પીઠને આધાર મળે એવું લાંબું પાટીયું રાખવું, જેથી તેને અઢેલીને દરદી આરામથી બેસી શકે. આ પાણીમાં પગ બહાર રાખીને દરદી બેસે. પાણીની બહારનો શરીરનો ભાગ ઢાંકેલો રાખવો જોઈએ, જેથી ઠંડી ન વાય. જે કોટડીમાં ટબ રાખવામાં આવે તેમાં હવાની આવજા અને અજવાળું હોવાં જ જોઈએ. દરદીના આરામપુર્વક બેઠા પછી તેના પેડુ ઉપર એક નરમ ટુવાલ વતી ધીમું ઘર્ષણ કરવું. પાંચ મીનીટથી ત્રીસ મીનીટ લગી બેસી શકાય. સ્નાન થયા પછી ભીનો ભાગ સુકવીને દરદીને સુવાડી દેવો જોઈએ. આ સ્નાન ઘણો સખત તાવ હોય તેને પણ ઉતારે છે. આ પ્રમાણે સ્નાન લેવામાં નુકસાન તો છે જ નહીં, અને લાભ પ્રત્યક્ષ મળે છે. સ્નાન ભુખ્યે પેટે જ લેવાય છે. બંધકોષમાં પણ આ સ્નાન ફાયદો કરે છે. અજીર્ણને મટાડે છે. સ્નાન લેનારના શરીરમાં કાંટા આવે છે. બંધકોષને સારુ કટીસ્નાન પછી અરધો કલાક આંટા મારવાની ભલામણ છે. આ સ્નાનનો મેં બહોળો ઉપયોગ કર્યો છે. બધી વેળા સફળ થયો છે એમ નહીં કહી શકું, પણ સોમાંથી પંચોતેર ટકામાં સફળતા મળી છે એમ કહી શકું. તાવ બહુ ચડ્યો હોય ત્યારે તો, ને દરદીને ટબમાં બેસાડી શકાય એવી સ્થીતી હોય તો, તાવ બે-ત્રણ દોરા તો જરુર ઉતરશે. સન્નીપાતનો ભય મટશે.

 

આ સ્નાનને વીશે ક્યુનેની દલીલ આ છે: રોગનું ગમે તે બાહ્ય ચીહ્ન હોય, પણ તેનું આંતરીક કારણ એક જ હોય છે. આંતરડાનો તાવ અંદરની ગરમીને અનેક રુપે બહાર પ્રગટાવે છે. આ આંતરીક તાવ કટીસ્નાનથી અવશ્ય ઉતરે છે ને તેથી બહારના અનેક ઉપદ્રવો શાંત થાય છે. આ દલીલમાં કેટલું તથ્ય છે એ હું ન કહી શકું. એ તો અનુભવી દાક્તરો બતાવી શકે. પણ, જો કે નૈસર્ગીક ઉપચારોમાંથી કંઈ દાક્તરોએ લીધેલું છે છતાં એમ કહી શકાય કે એ ઉપચારો વીશે તેઓ  ઉદાસીન રહ્યા છે. આમાં બંને પક્ષના દોષ હું જોઉં છું. દાક્તરો પોતાની શાળા વાટે જે શીખે તે જ જોવાની ટેવ કેળવે છે, એટલે બહારનું જે હોય તેને વીશે તીરસ્કાર નહીં તો ઉદસીનતા તો અવશ્ય બતાવે છે. નૈસર્ગીક ઉપચારકો દાક્તરને વીશે તીરસ્કાર કેળવે છે, અને પોતાની પાસે શાસ્ત્રીય જ્ઞાન ઘણું ઓછું હોવા છતાં દાવો બહુ મોટો કરે છે. ઉપચારકો સંઘશક્તી કેળવતા નથી. કેમ કે સહુને પોતાની પાસે રહેલી મુડીથી સંતોષ છે. તેથી બે સાથે મળીને કામ નથી કરી શકતા. કોઈના પ્રયોગ ઉંડે જતા નથી. કોઈ નમ્રતા કેળવતા નથી. (નમ્રતા કેળવી શકાતી હશે ખરી?) આમ કહીને હું નૈસર્ગીક ઉચારકોને વગોવવા નથી ઈચ્છતો. વસ્તુસ્થીતી બતાવું છું. જ્યાં સુધી એઓમાંથી કોઈ અત્યંત તેજસ્વી માણસ ઉત્પન્ન નહીં થાય ત્યાં લગી સ્થીતી બદલાવાનો સંભવ થોડો છે. સ્થીતી બદલવાનો બોજો ઉપચારકો ઉપર છે. દાક્તરો પાસે પોતાનું શાસ્ત્ર છે, પોતાની પ્રતીષ્ઠા છે, પોતાનો સંઘ છે, પોતાની શાળાઓ છે. અમુક અંશે સફળતા પણ મળે છે. તેઓ પાસેથી અજાણી વસ્તુ એકાએક ગ્રહણ કરવાની આશા ન રાખવી ઘટે.

 

દરમ્યાન સામાન્ય માણસે આટલું સમજી લેવું બસ છે. નૈસર્ગીક ઉપચારના ગુણ તેના નામ પ્રમાણે છે. કેમ કે તે કુદરતી છે એટલે અણઘડ માણસ નીશ્ચીંતપણે તેનો ઉપયોગ કરી શકે છે. માથું દુખ્યું તો ટાઢા પાણીમાં બોળીને ભીનો રુમાલ માથે મુકવામાં નુકસાન થાય જ નહીં. માટીનો ઉપયોગ કરી ભીનાશની ઉપયોગીતામાં આપણે વધારો કરી શકીએ.

 

હવે ઘર્ષણસ્નાન ઉપર આવું. જનનેન્દ્રીય બહુ નાજુક ઈન્દ્રીય છે. તેની ઉપરની ચામડીના છેડામાં કંઈક અદ્ભુત વસ્તુ રહેલી છે. તેનું વર્ણન કરતાં તો મને નથી આવડતું. આ જ્ઞાનનો લાભ લઈને ક્યુનેએ કહ્યું છે કે, ઈન્દ્રીયોના છેડા ઉપર (પુરુષના કેસમાં ઘુંમટ ઉપર ચામડી ચડાવી લઈને) તેની ઉપર નરમ રુમાલ ભીંજવીને તેની ઉપર પાણી રેડતા જવું ને ઘસતા જવું. ઉપચારની પદ્ધતી આમ બતાવી છે: ટબમાં પાણીની સપાટીથી થોડે ઉંચે તેની બેઠક આવે એવું સ્ટુલ મુકવું. પગ બહાર રાખીને તેની ઉપર બેસવું, ને ઈન્દ્રીયના છેડાનું ઘર્ષણ કરવું. જરાય ઈજા ન થવી જોઈએ. ક્રીયા ગમવી જોઈએ. આ ઘર્ષણથી સ્નાન લેનારને ઘણી શાંતી મળે છે, તેનું દરદ ગમે તે હોય તે તે વખતે તો શાંત થાય છે. આ સ્નાનને ક્યુનેએ કટીસ્નાન કરતાં ઉંચું સ્થાન આપ્યું છે. મને જેટલો અનુભવ કટીસ્નાનનો થયો છે તેટલો ઘર્ષણસ્નાનનો નથી થયો. તેમાં મુખ્ય દોષ તો મારો જ ગણું. મેં તેનો પ્રયોગ કરવામાં આળસ કર્યું છે. જેઓને તે ઉપચાર સુચવ્યા છે તેઓએ તેનો ધીરજથી ઉપયોગ નથી કર્યો. એટલે પરીણામને વીશે અનુભવથી કંઈ નથી લખી શકતો. સૌએ આ અજમાવી જોવા જેવું છે. ટબ વગેરેની સગવડ ન હોય તો લોટામાં પાણી ભરીને તેથી ઘર્ષણસ્નાન લઈ શકાય. તેથી શાંતી તો વળશે જ. માણસ આ ઈન્દ્રીયની સફાઈ ઉપર બહુ ઓછું ધ્યાન આપે છે, જ્યારે ઘર્ષણસ્નાનથી એ ઈન્દ્રીય સહેજે સાફ તો થશે જ. ચીવટ ન રખાય તો ઘુમટને ઢાંકનારી ચામડીમાં મેલ ભરાયા જ કરે છે. એ મેલ કાઢી નાખવાની પુરી જરુર છે. એ ઈન્દ્રીયના આવા સદ્ઉપયોગથી, એને વીશે કાળજી રાખવાથી બ્રહ્મચર્યપાલનમાં મદદ મળે છે. આસપાસના તંતુઓ મજબુત અને શાંત થાય છે; અને ઈન્દ્રીય વાટે ફોકટ વીર્યસ્રાવ ન થવા દેવાની ચીવટ વધે છે, કેમ કે એમ સ્રાવ થવા દેવામાં રહેલી ગંદકી વીશે મનમાં અણગમો પેદા થાય છે, – થવો જોઈએ.

 

બે ખાસ ક્યુનેનાં સ્નાન કહીએ. ત્રીજું કેટલેક અંશે એવી જ અસર પેદા કરનારું ચાદરસ્નાન છે. તાવ આવતો હોય અથવા જેને નીદ્રા કેમેય ન આવતી હોય તેને આ સ્નાન ઉપયોગી છે.

 

ખાટલા ઉપર બે-ત્રણ ઉની કામળ પાથરવી. એ પહોળી હોવી જોઈએ. તેની ઉપર જાડી સુતરાઉ ચાદર, – જેવો કે જાડો ખાદીનો ચોફાળ – પાથરવી; તેને ઠંડા પાણીમાં બોળી ખુબ નીચોવવી ને તે કામળ ઉપર પાથરવી. આની ઉપર દરદીને ચત્તો સુવડાવવો. તેનું માથું કામળ બહાર તકીયા ઉપર રાખવું. માથા ઉપર ભીનો નીચોવેલો ટુવાલ રાખવો. દરદીને સુવાડીને તરત કામળના છેડા ને ચાદર ચારે મેર લપેટી લેવાં. હાથ ચાદરની અંદર હોય, પગ પણ બરોબર ચાદર ને કામળાની અંદર ઢંકાયેલા હોય કે જેથી બહારનો પવન અંદર ન જવા પામે. આ સ્થીતીમાં દરદીને એક-બે મીનીટમાં ગરમી લાગવી જોઈએ. શરદીનો ઈશારો માત્ર સુવાડતી વખતે જણાશે, પછી દરદીને સારું જ લાગવું જોઈએ. જો તાવે ઘર ન કર્યું હોય તો પાંચેક મીનીટમાં ઘામ થઈને પસીનો છુટે. પણ સખત માંદગીમાં અડધો કલાક લગી મેં દરદીને ચાદરમાં રાખ્યો છે ને આખરે પસીનો આવ્યો છે. કેટલીક વાર પસીનો નથી છુટતો પણ દરદી સુઈ જાય છે. સુઈ જાય તો દરદીને જગાડવો નહીં, ઉંઘ સુચવે છે કે તેને ચાદરસ્નાન આરામ આપે છે. ચાદરમાં મુકાયા પછી દરદીનો તાવ એક-બે અંશ નીચે  ઉતરે જ છે. સન્નીપાતમાં ઘેરાયેલા બેવડા ન્યુમોનીયાવાળા મારા દીકરાને મેં ચાદરસ્નાન આપ્યું છે. ત્રણ-ચાર દીવસ આપ્યા પછી તાવ હઠ્યો ને પસીને રેબઝેબ થયો. તેનો તાવ છેવટે ટાઈફૉઈડ નીવડ્યો ને ૪૨ દીવસે તાવ ઉતર્યો. ચાદરસ્નાન તો ૧૦૬ ડીગ્રી સુધી તાવ જતો ત્યાં લગી જ આપ્યું. સાત દીવસ પછી એવો સખત તાવ ગયો, ન્યુમોનીયા ગયો ને પછી ટાઈફૉઈડ રુપે ૧૦૩ લગી જતો. અંશ (ડીગ્રી) વીશે મને સ્મરણશક્તી છેતરતી હોય એમ બને. આ ઉપચાર દાક્તર મીત્રોની સામે થઈને મેં કરેલો. દવા કંઈ જ નહીં આપેલી. એ દીકરો મારા ચારે દીકરાઓમાં વધારે સારું આરોગ્ય આજે ભોગવે છે ને સહુથી વધારે ખડતલ છે.

 

તા. ૧૬-૧૨-૪૨

આ ચાદરસ્નાન શરીરમાં અળાઈ થઈ હોય, શીળસ થયું હોય, બહુ ચળ આવતી હોય, અછબડા નીકળ્યા હોય, માતા નીકળ્યાં હોય તેમાં પણ કામ આપે છે. મેં આ દરદોમાં ચાદરસ્નાનનો છુટથી ઉપયોગ કર્યો છે. શીતળા કે અછબડામાં મેં પાણીમાં ગુલાબી રંગ આવે એટલું પરમૅન્ગેનેટ નાખેલું. ચાદરનો ઉપયોગ થયા પછી તેને ઉકળતા પાણીમાં બોળી, પાણી નવશેકું થયા પછી બરોબર ધોઈ નાખવી જોઈએ.

 

લોહીનું ફરવું મંદ થઈ ગયું હોય ત્યારે, પગમાં બહુ કળતર થતી હોય ત્યારે બરફ ઘસવાથી ઘણો ફાયદો થયેલો જોયો છે. બરફના ઉપચારની અસર ઉનાળામાં બહુ સારી રીતે થાય છે. શીયાળામાં નબળા માણસની ઉપર બરફનો પ્રયોગ કરવામાં જોખમ હોઈ શકે.

 

હવે ગરમ પાણીના ઉપચાર વીશે વીચારીએ. ગરમ પાણીના સમજપુર્વક ઉપયોગથી ઘણા રોગોની શાંતી થઈ જાય છે. પ્રસીદ્ધ દવા આયોડીન જે કામ કરે છે તેમાંનું ઘણુંખરું ગરમ પાણી કરે છે. સોજો હોય ત્યાં આયોડીન લગાડે છે. તે જ જગ્યાએ ગરમ પાણીનું પોતું મુકો તો આરામ થવાનો સંભવ છે. આયોડીનના ઉપયોગમાં કંઈક જોખમ છે, આમાં નથી. આયોડીન ડીસઈનફેક્ટન્ટ (જંતુનાશક) છે, તેમ જ ગરમ એટલે ઉકળતું પાણી ડીસઈનફેક્ટન્ટ છે. આનો અર્થ એમ સુચવવાને સારુ નથી કે આયોડીન બહુ ઉપયોગી વસ્તુ નથી. એની ઉપયોગીતા વીશે મને જરાયે શંકા નથી. પણ ગરીબ માણસને ઘેર એ હોતું નથી. એ મોંઘી વસ્તુ છે. ગમે તે માણસના હાથમાં મુકાય નહીં એવી વસ્તુ છે. પણ પાણી તો બધાયને ત્યાં હોવાથી દવા તરીકે તેના ઉપયોગની અવગણના કરીએ છીએ. આ અવગણનામાંથી બચી જવું જોઈએ. આપણા ઘરમાં પડેલા ઉપાયો જાણવાથી આપણે ઘણા ભયોમાંથી ઉગરીએ છીએ.

 

વીંછી જેને ડંખે છે તેને જ્યારે બીજી કશી વસ્તુથી ફાયદો નથી થતો ત્યારે ડંખાયેલો ભાગ ગરમ પાણીમાં બોળવાથી ને તેમાં રાખવાથી કંઈક આરામ તો મળે જ છે.

 

એકાએક ટાઢ ચડે ત્યારે વરાળ આપવાથી કે દરદીની આસપાસ ગરમ પાણીવાળી બાટલીઓ ગોઠવવાથી ને બરોબર ઓઢાડવાથી તેની ટાઢ સમાવી શકાય છે. બધાની પાસે રબરની કોથળી નથી હોતી. કાચની મજબુત બાટલી, જેને મજબુત બુચ હોય તે એવું કામ આપે છે. કોઈ પણ ધાતુની બાટલી, જેને બરોબરનું બુચ લગાડાય, તે પણ સુંદર કામ આપે છે. ધાતુની કે બીજી બાટલી બહુ ગરમ જણાય તો તેને જાડા કપડામાં લપેટવી જોઈએ.

 

વરાળરુપે પાણી બહુ કામ આપે છે. પરસેવો ન આવતો હોય ત્યારે વરાળ લેવાથી તે લાવી શકાય છે. સંધીવાથી જેનું શરીર ઝલાઈ ગયું હોય તેને અથવા જેનું વજન બહુ વધી ગયું હોય તેને સારુ વરાળ બહુ ઉપયોગી વસ્તુ છે.

 

વરાળ લેવાની પુરાણી અને સહેલામાં સહેલી રીત આ છે: શણનો કે સીંદરીનો ખાટલો વાપરવો વધારે સારું છે, પણ પાટીનોય ચાલે. તેની ઉપર ચોફાળ કે કામળ પાથરીને દરદીને તેની ઉપર સુવાડવો. ઉકળતા પાણી ભરેલી બે તપેલી અથવા ઘડા ખાટલાની નીચે મુકવા. દરદીને એવી રીતે ઢાંકવો કે જેથી તે કામળ ચોમેર ભોંયને અટકે, જેથી બહારની હવા ખાટલા નીચે ન જવા પામે. આમ લપેટ્યા પછી ઘડા કે તપેલા પરનું ઢાંકણ કાઢી લેવું એટલે દરદીને વરાળ મળશે. બરોબર વરાળ ન મળે તો પાણી બદલવાની જરુર પડશે. બીજા ઘડામાં પાણી ઉકળતું હોય તે ખાટલા નીચે મુકવું. સાધારણ રીતે આપણામાં રીવાજ એવો છે કે, ખાટલા નીચે અંગારા મુકે છે અને તેની ઉપર ઉકળતા પાણીનું વાસણ. આ રીતે પાણીની ગરમી જરા વધારે મળવાનો સંભવ છે, પણ તેમાં અકસ્માત થવાનો ડર રહ્યો હોય છે. એક તણખો પણ ઉડે ને કામળ કે કંઈક ચીજ બળે તો દરદીની જાન જોખમમાં આવી પડે. એટલે ગરમી તુરત મળવાનો લોભ છોડીને મેં સુચવેલી રીતનો ઉપયોગ કરવો.

 

કેટલાક એવા પાણીમાં વસાણાં નાખે છે. જેમ કે લીમડો. મેં એનો ઉપયોગ અનુભવ્યો નથી. પ્રત્યક્ષ ઉપયોગ તો વરાળનો છે. આ રીત તો પરસેવો લાવવાની થઈ.

 

જેના પગ ઠંડા થઈ ગયા હોય, પગે કળતર થતી હોય; તેવે સમયે ગોઠણ લગી પહોંચી શકે તેવા ઉંડા વાસણમાં સહન થઈ શકે તેવા ગરમ પાણીમાં રાઈનો ભુકો નાખીને પગ થોડી મીનીટ લગી બોળી રાખવા. તેથી પગ ગરમ થાય છે. કળતર શમે છે. લોહી નીચે આવે છે, એથી દરદીને સારું લાગે છે. સળેખમ થયું હોય કે ગળું આવી ગયું હોય તો કીટલીમાં ઉકળતું પાણી રાખી ગળામાં કે નાકમાં વરાળ લઈ શકાય છે. કીટલીને એક સ્વતંત્ર ભુંગળી લગાડવાથી તે ભુંગળી વાટે વરાળ સુખેથી લઈ શકાય છે. આ ભુંગળી લાકડાની રાખવી. રબરની નળી લગાડીને તેને ભુંગળી લગાડવાથી વધારે સગવડ પડે છે.

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧- ભાગ બીજો- પૃથ્વી એટલે માટી – Earth

માર્ચ 7, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧- ભાગ બીજો- પૃથ્વી એટલે માટી – Earth

 

તા. ૧૩-૧૨-૪૨

આ પ્રકરણો લખવાનો હેતુ નૈસર્ગીક ઉપચારોનું મહત્ત્વ બતાવવાનો અને તેનો ઉપયોગ મેં કેવી રીતે કર્યો છે એ બતાવવાનો છે. એ વીશે થોડું તો ગત પ્રકરણોમાં કહેવાઈ ગયું છે. અહીં કંઈક વીસ્તારથી કહેવું છે. જે તત્ત્વોનું મનુષ્યરુપી પુતળું બન્યું છે, તે જ નૈસર્ગીક ઉપચારનાં સાધન છે. પૃથ્વી (માટી), પાણી, આકાશ (અવકાશ), તેજ (સુર્ય) ને વાયુનું આ શરીર છે. તે સાધનોનો ક્રમપુર્વક ઉપયોગ સુચવવાનો આ પ્રયત્ન છે.

 

સન ૧૯૦૧ની સાલ લગી મને કંઈ વ્યાધી થાય તો હું દાક્તરોની પાસે તો ન દોડતો, પણ તેઓની દવાનો થોડો ઉપયોગ કરતો. એક-બે વસ્તુ સ્વ. દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવી હતી. થોડો અનુભવ નાનકડી ઈસ્પીતાલમાં કામ કરતો ત્યાં મળેલો. બીજું વાચનથી પામેલો તે. મને મુખ્ય પજવણી બંધકોષની હતી. તેને સારુ વખતોવખત ફ્રુટ સૉલ્ટ લેતો. તેથી કંઈક આરામ મળતો, પણ નબળો થતો. માથું દુખે. બીજા પણ નાના ઉપદ્રવો થાય, એટલે દાક્તર પ્રાણજીવન મહેતાએ બતાવેલી દવા લોહ (ડાયલાઈઝ્ડ) અને નક્સવામીકા લેતો. તેથી સંતોષ ન થતો.

 

આ અરસામાં ખોરાકના મારા પ્રયોગો તો ચાલતા જ હતા. નૈસર્ગીક ઉપચારોમાં મને સારી પેઠે વીશ્વાસ હતો, પણ કોઈની મદદ ન હતી. છુટુંછવાયું વાંચેલું તે ઉપરથી મુખ્યત્વે ખોરાકના ફેરફાર ઉપર નભતો. પુશ્કળ ફરવાનું રાખતો તેથી કોઈ દીવસ ખાટલો સેવવો નહોતો પડ્યો. આમ મારું રગશીયું ગાડું ચાલતું હતું. તેવામાં જુસ્ટનું रीटर्न टु नेचर નામનું પુસ્તક ભાઈ પોલાકે મારા હાથમાં મુક્યું. તે પોતે તેના ઉપચારો નહોતા કરતા. ખોરાક જુસ્ટે બતાવેલો કંઈક અંશે લેતા. પણ મારી ટેવો જાણે તેથી તેણે મારી પાસે મજકુર પુસ્તક મુક્યું. તેમાં મુખ્યત્વે ભાર માટી ઉપર મુક્યો છે. મને લાગ્યું કે એનો ઉપયોગ મારે કરી લેવો જોઈએ. બંધકોષમાં સાફ માટીને ઠંડા પાણીમાં પલાળી તે પેડુ ઉપર મુકવી. જુસ્ટની ભલામણ માટી કંઈ કપડા વીના પેડુ ઉપર મુકવાની છે, પણ મેં તો ઝીણા કપડામાં જેમ પોલ્ટીસ મુકીએ તેમ પોલ્ટીસ બનાવીને આખી રાતભર પેડુ ઉપર રાખી. સવારે ઉઠ્યો, તો દસ્તની હાજત હતી ને જતાં તુરત દસ્ત બંધાયેલો ને સંતોષકારક આવ્યો. તે દીવસથી તે આજ લગી એમ કહી શકાય કે હું ફ્રુટ સૉલ્ટને ભાગ્યે જ અડ્યો હોઈશ. જરુર જણાયે કોઈક વાર એરંડીયું તેલ નાનો ચમચો પોણો સવારના લઉં છું ખરો. આ માટીની લોપરી ત્રણ ઈંચ પહોળી અને છ ઈંચ લાંબી હોય છે. બાજરાના રોટલાથી બમણી જાડી અથવા અડધો ઈંચ કહો. જુસ્ટનો દાવો છે કે, જેને ઝેરી સાપ ડંખ્યો હોય તેને જો માટીનો ખાડો કરી (માટીથી ઢાંકીને) તેમાં સુવાડવામાં આવે તો તે ઝેર ઉતરે છે. એવો દાવો સાબીત થાઓ કે ન થાઓ, પણ મેં જાતે જ ઉપયોગ કર્યો છે તે તો કહી જાઉં. માથું દુખતું હોય તો માટીની લોપરી મુકવાથી ઘણે ભાગે ફાયદો થયેલો મેં અનુભવ્યો છે. સેંકડોની ઉપર આ  પ્રયોગ કર્યો છે. માથું દુખવાનાં અનેક કારણો હોય છે એ જાણું છું. સામાન્યપણે એમ કહી શકાય કે, ગમે તે કારણથી માથું દુખતું હોય છતાં માટીની લોપરી તાત્કાલીક લાભ તો આપે જ છે. સામાન્ય ફોડા થયા હોય તેને પણ માટી મટાડે છે. વહેતા ફોડા ઉપર પણ મેં તો માટી મુકેલી છે. એવા ફોડા ઉપર મુકવાને સારુ સાફ કપડું લઈ તેને હું પરમૅંગેનેટના ગુલાબી પાણીમાં બોળું છું, ને ફોડાને સાફ કરીને ત્યાં માટીની લોપરી મુકું છું. ઘણે ભાગે ફોડા મટે જ છે. જેને સારુ મેં એ અજમાવેલ છે તેમાં કોઈ નીષ્ફળ ગયેલો કેસ મને યાદ નથી આવતો. ભમરી વગેરેના ડંખમાં માટી તુરત જવાબ આપે છે. વીંછીના ડંખમાં મેં માટીનો ખુબ ઉપયોગ કર્યો છે. સેવાગ્રામમાં વીંછીનો ઉપદ્રવ હંમેશની ચીજ થઈ પડેલ છે. જાણીતા બધા ઈલાજો ત્યાં રાખ્યા છે. કોઈને વીશે એમ ન કહી શકું કે તે તો અચુક ફાયદો કરે જ છે. કોઈ ઈલાજોથી માટી ઉતરતી નથી એટલું કહી શકાય.

 

તા. ૧૪-૧૨-૪૨

સખત તાવમાં માટીનો ઉપયોગ પેડુ ને માથા ઉપર, જો માથું દુખતું હોય તો કર્યો છે. તેથી હંમેશાં તાવ ગયો જ છે એમ ન કહી શકાય, પણ દરદીને તેથી શાંતી તો થઈ જ છે. ટાઈફૉઈડમાં મેં માટીનો બહોળો ઉપયોગ કર્યો છે. તે તાવ તેની મુદતે જ જાય છે, પણ માટીએ હંમેશાં દરદીને શાંતી આપી છે, ને બધા દરદીએ માટી માગી લીધી છે. સેવાગ્રામમાં દસેક કેસ ટાઈફૉઈડના થઈ ગયા. એક પણ કેસ ખોટો નથી થયો. ટાઈફૉઈડનો ભય સેવાગ્રામમાં નથી રહ્યો. એકેય કેસમાં દવાનો ઉપયોગ નથી કર્યો એમ કહી શકું. માટી ઉપરાંત બીજા નૈસર્ગીક ઉપચારો કર્યા છે ખરા. તે એને સ્થાને આપવા ધારું છું.

 

માટીનો ઉપયોગ છુટથી ઍન્ટીફ્લોજીસ્ટીનને બદલે સેવાગ્રામમાં કર્યો છે. તેમાં થોડું તેલ (સરસીયું) ભેળવવામાં આવે છે. એ માટીને સારી પેઠે ગરમ કરવી પડે છે, એટલે તે બીલકુલ નીર્દોષ બની જાય છે.

 

માટી કેવી હોવી જોઈએ એ કહેવાનું રહે છે. મારો પ્રથમ પરીચય તો ચોખ્ખી લાલ માટીનો હતો. પાણી મેળવવાથી એમાંથી સુગંધ છુટે છે. આવી માટી સહેજે મળતી નથી. મુંબઈ જેવા શહેરમાં તો કોઈ પણ પ્રકારની માટી મેળવવી મને તો મુશ્કેલ પડ્યું છે. માટી ચીકણી ન હોવી જોઈએ. છેક રેતાળ પણ નહીં. માટી ખાતરવાળી ન જ હોવી જોઈએ. સુંવાળી રેશમ જેવી હોવી જોઈએ. તેમાં કાંકરી ન હોવી જોઈએ. તેથી એને છેક ઝીણી ચાળણીમાં ચાળવી જોઈએ. તદ્દન સાફ ન લાગે તો માટીને શેકવી. માટી છેક સુકી હોવી જોઈએ. ભીની હોય તો તેને તડકે કે અંગાર ઉપર સુકવવી. સાફ ભાગ ઉપર વાપરેલી માટી સુકવી નાખ્યા પછી વારંવાર વાપરી શકાય. આમ વાપરવાથી માટીનો કોઈ ગુણ ઓછો થતો હોય તો હું જાણતો નથી. મેં આમ વાપરી છે ને તેનો ગુણ ઓછો થયો એવું અનુભવ્યું નથી. માટીનો ઉપયોગ કરનારાઓ તરફથી સાંભળ્યું છે કે, જમનાને કીનારે પીળી માટી મળે છે તે બહુ ગુણકારી છે.

 

સાફ ઝીણી દરીયાઈ રેતી એક બરની ખાવાનો પ્રયોગ દસ્ત લાવવાને સારુ કરાય છે, એમ ક્યુનેએ લખેલું છે. માટીનું વર્તન આમ બતાવવામાં આવ્યું છે : માટી કંઈ પચતી નથી. એને તો કચરાની જેમ બહાર નીકળવાનું જ છે. તે નીકળતા મળને પણ બહાર લાવે છે. આ વસ્તુ મારા અનુભવની બહાર છે, એટલે જે પ્રયોગો કરવા ધારે તેણે વીચારપુર્વક પ્રયોગ કરવો. એક-બે વેળા અજમાવી જોવાથી કંઈ નુકસાન થવાનો સંભવ નથી.

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧૦ બ્રહ્મચર્ય – Celibacy

માર્ચ 5, 2013

આરોગ્યની ચાવી- ગાંધીજી- પ્રકરણ ૧૦ બ્રહ્મચર્ય – Celibacy

બ્રહ્મચર્યનો મુળ અર્થ જે વડે બ્રહ્મ મળે એવી ચર્યા. સંયમ વીના બ્રહ્મ મળે જ નહીં. સંયમમાં સર્વોપરી ઈન્દ્રીયનીગ્રહ છે. સામાન્યપણે બ્રહ્મચર્ય એટલે સ્ત્રીસંગ ન કરવો ને વીર્યસંગ્રહ સાધવો. સર્વ ઈન્દ્રીયોનો સંયમ સાધનારને વીર્યસંગ્રહ સહજ ને સ્વાભાવીક થઈ પડે છે. સ્વાભાવીક રીતે થયેલો વીર્યસંગ્રહ જ ધારેલું ફળ આપે છે. એવો બ્રહ્મચારી ક્રોધાદીથી મુક્ત હોય, જ્યારે ઘણા કહેવાતા બ્રહ્મચારી ક્રોધી ને અહંકારી જોવામાં આવે છે. કેમ જાણે તેઓને ક્રોધ કરવાનો, અભીમાની થવાનો ઈજારો મળ્યો હોય નહીં!

 

એમ પણ જોવામાં આવે છે કે, બ્રહ્મચર્યના પાલનના સામાન્ય નીયમોની અવગણના કરીને તેઓ કેવળ વીર્યસંગ્રહ કરવાની આશા રાખે છે. તેઓ નીરાશ થયા છે ને કેટલાક તો દીવાના જેવા બને છે. બીજા નીસ્તેજ જોવામાં આવે છે. તેઓ વીર્યસંગ્રહ કરી શકતા નથી ને કેવળ સ્ત્રીસંગ ન કરવામાં સફલ થાય તો પોતાને કૃતાર્થ થયેલા માને છે. સ્ત્રીસંગ ન કરવાથી જ બ્રહ્મચર્યપ્રાપ્તી થઈ ન કહેવાય. જે એ રસને બાળી શકે છે તે પુરુષ કે સ્ત્રીએ જ પોતાની જનનેન્દ્રીય ઉપર જીત મેળવી ગણાય. તેની વીર્યરક્ષા એ બ્રહ્મચર્યનું સીધું ફળ છે, પણ તે સર્વસ્વ નથી. ખરા બ્રહ્મચારીની વાણીમાં, વીચારમાં ને આચારમાં તરી આવે એવો પ્રભાવ જોવામાં આવે છે.

 

આવું બ્રહ્મચર્ય સ્ત્રીઓના સાથેના સંબંધથી કે તેના સ્પર્શથી અભડાશે નહીં. એવા બ્રહ્મચારીને સારુ સ્ત્રીપુરુષનો ભેદ નહીંવત્ થઈ જાય છે. આ વાક્યનો કોઈ અનર્થ ન કરે. એનો ઉપયોગ સ્વેચ્છાચારને પોષવાને કદી ન થાય. જેની વીષયાસક્તી બળીને ખાખ થઈ ગઈ છે, તેના મનમાં સ્ત્રીપુરુષનો ભેદ ટળી જાય છે, ટળવો જોઈએ. તેના ખુબસુરતીના ખ્યાલ જુદું જ રુપ પકડે છે. તે બહારના આકારને જોશે જ નહીં. જેના આચાર ખુબસુરત છે તે સ્ત્રી હો કે પુરુષ ખુબસુરત છે. તેથી રુપાળી સ્ત્રીને જોઈને તે વીહ્વલ નહીં થાય. તેની જનનેન્દ્રીયે પણ જુદું રુપ લીધું હશે, એટલે કે તે સદાયને માટે વીકારરહીત થશે. એ વીર્યહીન થઈ નપુસંક નહીં થાય, પણ તેના વીર્યનું પરીવર્તન થવાથી તે નપુસંક જેવો લાગશે. નપુસંકના રસ નથી બળતા એમ સાંભળ્યું છે. જેઓએ મને કાગળ લખ્યા છે, તેઓમાંના કેટલાકનો પુરાવો એ છે કે, જેઓ જનનેન્દ્રીયની જાગૃતી ઈચ્છે છે પણ તેની જાગૃતી નથી થતી છતાં સ્રાવ થઈ જાય છે. રસ રહ્યા છે તેથી તે બળ્યા કરે છે. આવા પુરુષ ક્ષીણવીર્ય હોઈ નપુસંક થયા છે; અથવા તે નપુસંક થવાની તૈયારી કરી રહ્યા છે. આ દયામણી સ્થીતી છે. પણ પોતાના રસ બળી જવાથી જે ઉર્ધ્વરેતા થયા છે તેનું નપુસંકત્વ સાવ જુદુ જ છે, અને તે સર્વને સારુ ઈષ્ટ છે. આવા બ્રહ્મચારી જવલ્લે જ મળે છે. બ્રહ્મચર્ય પાલનનું મારું વ્રત સને ૧૯૦૬ની સાલમાં લેવાયું. એટલે તે પ્રયત્નને છત્રીસ વર્ષ થયાં. હું મારી વ્યાખ્યાને પુર્ણ રીતે નથી પહોંચ્યો, પણ મારી દૃષ્ટીએ મારી પ્રગતી સારી થઈ છે ને ઈશ્વરની કૃપા હશે તો પુર્ણ સફળતા દેહ પડ્યા પહેલાં પણ મળે. મારા પ્રયત્નમાં હું મંદ નથી પડ્યો. બ્રહ્મચર્યની આવશ્યકતા વીશેના મારા વીચાર વધારે દૃઢ થયા છે એટલું હું જાણું છું. કેટલાક મારા પ્રયોગો સમાજની આગળ મુકવા જેટલી સ્થીતીએ નથી પહોંચ્યા. જો મને સંતોષ થાય તેટલે અંશે સફળ થશે તો તે સમાજની પાસે મુકવાની આશા રાખું છું. કેમ કે હું માનું છું કે તેવી સફળતાથી પુર્ણ બ્રહ્મચર્ય કદાચ પ્રમાણમાં સહેલું થાય.

 

તા. ૧૧-૧૨ ૪૨

આ પ્રકરણમાં જે બ્રહ્મચર્યની ઉપર હું ભાર દેવા માગું છું તે વીર્યરક્ષા પુરતું છે. પુર્ણ બ્રહ્મચર્યના જે અમોઘ લાભ છે તે આમાંથી નહીં મળે. છતાં તેની કીંમત જેવીતેવી નહીં હોય. એના વીના પુર્ણ બ્રહ્મચર્ય અસંભવીત છે. અને એના વીના, એટલે વીર્યસંગ્રહ વીના પુર્ણ આરોગ્ય જાળવવું અશક્યવત્ સમજવું. જે વીર્યમાં બીજા મનુષ્યને પેદા કરવાની શક્તી છે તે વીર્યનું ફોકટ સ્ખલન થવા દેવું એ મહા અજ્ઞાનની નીશાની છે. વીર્યનો ઉપયોગ ભોગને સારુ નથી, પણ કેવળ પ્રજોત્પત્તીને સારુ છે, એ પુર્ણપણે સમજાય તો વીષયાસક્તીને સ્થાન જ નથી રહેતું. સ્ત્રીપુરુષ-સંગમ પાછળ બંને નરનારી પછડાઈ મરે છે તે બંધ થાય, વીવાહનો અર્થ બદલાય, ને તે જે રીતે આજે જોવામાં આવે છે તે તરફ આપણને તીરસ્કાર છુટે. વીવાહ એ સ્ત્રીપુરુષ વચ્ચેના હાર્દીક અને આત્મીક ઐક્યની નીશાની હોવો જોઈએ, વીવાહીત સ્ત્રીપુરુષ પુર્ણ બ્રહ્મચારી ગણાવાને લાયક છે જો તેઓ પ્રજોત્પત્તીના શુદ્ધ કારણ વીના કદી સંગ કરવાનો વીચાર જ ન સેવે તો. એવો સંગ બંનેની ઈચ્છા થતાં જ સંભવે. એ સંગ આવેશમાં ન થાય. કામાગ્ની શાંત કરવાને કદી નહીં. સંગને કર્તવ્ય માની તે થાય પછી ફરી સંગની ઈચ્છા સરખી ન થવી જોઈએ. આ લખાણને કોઈ હાસ્યજનક ન ગણે. છત્રીસ વર્ષના અનુભવ પછી આ લખી રહ્યો છું એ વાંચનાર યાદ રાખે. હું જાણું છું કે સામાન્ય અનુભવની વીરુદ્ધ આ લખાણ જાય છે. સામાન્ય અનુભવની પાર આપણે જેમ જેમ જઈએ છીએ તેમ તેમ પ્રગતી સંભવે છે. અનેક સારીનરસી શોધો થઈ છે તે સામાન્ય અનુભવની સામે થઈને જ શક્ય બની છે. ચકમકમાંથી દીવાસળી ને દીવાસળીમાંથી વીજળીની શોધ એક જ વસ્તુને આભારી છે. જે ભૌતીક વસ્તુને લાગુ પડે છે તે આત્મીકને પણ લાગુ પડે છે. પુર્વે વીવાહ જેવી વસ્તુ જ ન હતી. સ્ત્રી-પુરુષ-સંગ ને પશુઓના સંગમાં ફરક ન હતો. સંયમ જેવી વસ્તુ ન હતી. કેટલાક સાહસીક માણસોએ સામાન્ય અનુભવને ઓળંગીને સંયમધર્મ શોધ્યો. એ સંયમધર્મ ક્યાં સુધી જઈ શકે છે એના પ્રયોગ કરવાનો આપણને અધીકાર છે ને તેમ કરવાનું કર્તવ્ય પણ છે. એટલે મારું કહેવું છે કે, મનુષ્યનું કર્તવ્ય સ્ત્રી-પુરુષ-સંગને હું સુચવું છું તે કક્ષાએ પહોંચવાનું છે, તે હસી કાઢવા જોગ નથી. તે સાથે મારું એ પણ સુચન છે કે, જો મનુષ્ય જીવન જેમ ઘડાવું જોઈએ તેમ ઘડાય તો વીર્યસંગ્રહ સ્વાભાવીક વસ્તુ થવી જોઈએ.

 

નીત્ય ઉત્પન્ન થતા વીર્યનો પોતાની માનસીક, શારીરીક અને આધ્યાત્મીક શક્તી વધારવામાં ઉપયોગ કરી લેવો જોઈએ. જે આમ ઉપયોગ કરતાં શીખે છે તે પ્રમાણમાં ઘણા ઓછા ખોરાકથી પોતાના શરીરને બાંધી શકશે. અલ્પાહારી હોવા છતાં તે શારીરીક શ્રમમાં કોઈથી ઉતરશે નહીં. માનસીક શ્રમમાં તેને ઓછામાં ઓછો થાક લાગશે. ઘડપણમાં આપણે જે ચીહ્ન જોઈએ છીએ તે આવા બ્રહ્મચારીમાં જોવામાં નહીં આવે. જેમ પાકેલું પાંદડું કે ફળ સહેજે ખરી પડે છે તેમ પોતાનો સમય આવ્યે માણસ સર્વ શક્તી ધરાવતો છતો ખરી પડશે. આવા માણસનું શરીર વખત જતાં ભલે ક્ષીણ દેખાય, પણ તેની બુદ્ધી ક્ષીણ થવાને બદલે નીત્ય વીકસવી જોઈએ. તેના તેજમાં પણ વધારો જ થવો જોઈએ. આ ચીહ્ન જેના વીશે ન જોવામાં આવે તેના બ્રહ્મચર્યમાં તેટલી ન્યુનતા સમજવી. તેણે વીર્યસંગ્રહની કળા નથી સાધી. આ બધું સાચું હોય – ને મારો દાવો છે કે સાચું છે – તો આરોગ્યની ખરી ચાવી વીર્યસંગ્રહમાં રહેલી છે.

 

તા. ૧૨-૧૨-૪૨

વીર્યસંગ્રહના થોડા મોટા નીયમો હું જાણું છું તે અહીં આપું છું:

 

૧. વીકારમાત્રની જડ વીચારમાં રહેલી છે, તેથી વીચારો ઉપર કાબુ મેળવવો. એનો ઉપાય એ છે કે, મનને ખાલી ન રહેવા દેવું, સારા ને  ઉપયોગી વીચારોથી ભરી મેલવું. અર્થાત્ પોતે જે કાર્યમાં રોકાયેલા હોય તેને વીશે ફીકર ન વેઠવી, પણ તેમાં કઈ રીતે નીપુણતા મળે એ વીચારવું ને તેનો અમલ કરવો. વીચાર અને તેનો અમલ વીકારોને રોકશે. પણ આખો વખત કામ નથી હોતું. મનુષ્ય થાક ખાય છે, શરીર આરામ માગે છે, રાતના ઉંઘ નથી આવતી, ત્યારે વીચારોના હુમલા સંભવે. આવા પ્રસંગોમાં સૌથી સર્વોપરી સાધન જપ છે. ભગવાનને જે રુપે અનુભવ્યો હોય અથવા અનુભવવાની ધારણા રાખી હોય, તે રુપને હૃદયમાં રાખીને તે નામનો જપ કરવો. જપ ચાલતો હોય ત્યારે બીજું કંઈ મનમાં ન હોવું જોઈએ. આ આદર્શ સ્થીતી છે. તેને ન પહોંચાય અને અનેક અણનોતરેલા વીચારો ચડાઈ કરતા હોય તેથી થાકવું નહીં, પણ શ્રદ્ધાપુર્વક જપ જપ્યા કરવો. તેના અંતે વીજય છે જ એમ નીશ્ચયપુર્વક માનવું એટલે વીજય થશે જ.

 

૨. વીચાર તેમ વાચા ને વાચન વીકારોને શમાવનારાં હોવાં જોઈએ. તેથી બોલમાત્ર તોળીને બોલવો, જેને બીભત્સ વીચાર ન આવે તેને મુખેથી બીભત્સ બોલી નીકળે જ નહીં.

 

વીષયને પોષનારું બહોળું સાહીત્ય પડ્યું છે. તેની તરફ મનને કદી જવા ન દેવું. સદ્ગ્રંથો અથવા પોતાના કાર્યને લગતા ગ્રંથો વાંચવા, તેનું મનન કરવું. ગણીતાદીને અહીં મોટું સ્થાન છે. દેખીતું છે કે જે વીકારોનું સેવન નથી ઈચ્છતો તે વીકારને પોષે એવા ધંધાનો ત્યાગ સેવશે.

 

૩. જેમ મગજ રોકાયેલું હોય તેમ જ શરીર રોકાયેલું હોવું જોઈએ – એવું કે રાત પડ્યે માણસને જે સુંદર થાક ચડેલો હોય તે પથારીમાં પડ્યો કે તુરત તેને નીદ્રાવશ કરે. એવાં સ્ત્રીપુરુષની નીદ્રા શાંત અને નીસ્વપ્ન હોય છે. જેટલું ખુલ્લામાં મહેનત કરવાનું મળે તેટલું વધારે સારું. જેને આવી મહેનત ન જ સાંપડે તેવાઓએ અચુક કસરત કરવી. ઉત્તમોત્તમ કસરત ખુલ્લી હવામાં વેગે ફરવાની છે. ફરતાં મોઢું બંધ હોય, શ્વાસ નાકેથી જ લેવાય. ચાલતાં બેસતાં શરીર ટટાર જ હોય. જેમતેમ બેસવું કે ચાલવું એ આળસની નીશાની છે. આળસમાત્ર વીકારનું પોષક છે. આસનોનો અહીં ઉપયોગ છે. જેના હાથ, પગ, નાક, કાન, જીભ ઈત્યાદી પોતાનાં યોગ્ય કામ યોગ્ય રીતે કરે છે, તેની જનનેન્દ્રીય કદી ઉપદ્રવ કરતી જ નથી, એ અનુભવ વાક્ય સૌ કોઈ માને એવી આશા રાખું છું.

 

૪. જેવો આહાર તેવો આકાર. જે માણસ અત્યાહારી છે, જેના આહારમાં કશો વીવેક નથી, તે પોતાના વીકારોનો ગુલામ છે. જે સ્વાદને ન જીતે તે ઈન્દ્રીયજીત કદી નહીં થઈ શકે. તેથી માણસે યુક્તાહારી ને અલ્પાહારી બનવું ઘટે છે. શરીર આહારને સારુ નથી, આહાર શરીરને સારુ છે. અને શરીર પોતાને ઓળખવા સારુ બન્યું છે. પોતાને ઓળખવો એટલે ઈશ્વરને ઓળખવો. એ ઓળખને જેણે પોતાનો પરમ વીષય બનાવ્યો છે, તે વીકારોને વશ નહીં થાય.

 

૫. પ્રત્યેક સ્ત્રીને માતા, બહેન કે દીકરી તરીકે જોવી. કોઈ પુરુષ પોતાની મા, બહેન કે દીકરી ઉપર વીકારી નજરે નહીં જુએ. સ્ત્રી પ્રત્યેક પુરુષને પીતા, ભાઈ કે દીકરા તરીકે જુએ.

 

મારાં બીજાં લખાણોમાં મેં વધારે નીયમો આપ્યા છે તે બધાનો સમાવેશ  પાંચમાં થઈ જાય છે. તેનું પાલન કરવાને સારુ મહાન વીકારને જીતવો બહુ સહેલું થઈ પડવું જોઈએ. જેને બ્રહ્મચર્ય પાળવાની ધગશ છે તે, એ પાલન અસંભવીત છે અથવા કરોડોમાંથી કોઈક જ પાળી શકે, એમ માનીને તેનો પ્રયત્ન નહીં છોડે. જે રસ તેના પાલનમાં છે તે બીજી કશી વસ્તુમાં નથી. હું બીજી રીતે કહું તો એમ કહેવાય કે, જે આનંદ ખરી રીતે નીરોગી શરીર ભોગવે છે તે આનંદ બીજી કશી વસ્તુમાં નથી, ને કોઈ શરીરને તે નીરોગીતા નહીં સાંપડે જે વીકારનું ગુલામ છે.

 

કૃત્રીમ અંકુશ : હવે કૃત્રીમ ઉપાયો વીશે થોડું લખું. ભોગ ભોગવવા છતાં કૃત્રીમ ઉપાયોથી પ્રજોત્પત્તી અટકાવવાની પ્રથા જુની છે. પણ પુર્વે તે છુપી રીતે ચાલતી. આ સુધારાના જમાનામાં તેને ઉંચું સ્થાન મળ્યું છે, ને ઉપાયો પણ પદ્ધતીસર રચાયા છે. એ પ્રથાને પરમાર્થની ઓઢણી ઓઢાડવામાં આવી છે. તેના હીમાયતી કહે છે કે, ભોગેચ્છા એક કુદરતી વસ્તુ છે, કદાચ તેને બક્ષીસને નામે પણ ઓળખાવાય. તેને કાઢવી અશક્ય છે, તેની ઉપર સંયમનો અંકુશ મુકવો મુશ્કેલ છે. અને જો સંયમ સીવાય બીજો કોઈ ઉપાય ન યોજવામાં આવે તો અસંખ્ય સ્ત્રીઓની ઉપર પ્રજોત્પત્તીનો ભાર પડે, ને ભોગથી ઉત્પન્ન થતી પ્રજા એટલી વધી પડે કે મનુષ્ય જાતીને સારુ એટલો ખોરાક જ ન મળી શકે. આ બે આપત્તીઓને અટકાવવા સારુ કૃત્રીમ ઉપાયો યોજવાનો માનવધર્મ થઈ પડે છે. મને આ દલીલમાં વજુદ નથી લાગ્યું, કેમ કે એ ઉપાયોથી બીજી ઉપાધીઓ મનુષ્ય વહોરી લે છે; અને સૌથી મોટું નુકસાન તો એ છે કે, સંયમધર્મનો લોપ થવાનો ભય પેદા થશે. એ રત્ન વેચી ગમે તેવો તાત્કાલીક લાભ થતો હોય તો તે જતો કરવો જોઈએ. પણ આ સ્થાને હું દલીલમાં ઉતરવા નથી ઈચ્છતો. જીજ્ઞાસુને મારી ભલામણ છે કે ‘નીતિનાશને માર્ગે’ નામનું મારું પુસ્તક મેળવે ને તેનું મનન કરે ને પછી તેના હૃદય ને બુદ્ધી જે કહે તે પ્રમાણે ચાલે. જેને એ પુસ્તક વાંચવાની ઈચ્છા કે ફુરસદ ન હોય તે ભુલેચુકે પણ  કૃત્રીમ ઉપાયોની પડખે ન ચડે. ભોગનો ત્યાગ કરવાનો ભગીરથ પ્રયત્ન કરે અને નીર્દોષ આનંદનાં ક્ષેત્રો છે તેમાંથી થોડાં પસંદ કરે. ખરો દંપતીપ્રેમ શુદ્ધ માર્ગે જાય, બંને ઉંચે ચડે એવાં કાર્યો શોધે, કે જેમાંથી વીષયવાસના સેવવા જેટલો અવકાશ જ ન મેળવી શકે. શુદ્ધ ત્યાગના થોડા અભ્યાસ પછી તેમાં રહેલો રસ તેમને વીષય ભણી જવા જ નહીં દે. મુશ્કેલી આત્મવંચનામાં પેદા થાય છે. ત્યાગનો આરંભ વીચારશુદ્ધીથી નથી થતો પણ કેવળ બાહ્યાચારને રોકવાના ફોકટ પ્રયત્નથી થાય છે. વીચારની દૃઢતાની સાથે આચારનો સંયમ શરુ થાય તો સફળતા મળ્યા વીના ન જ રહે. સ્ત્રીપુરુષની જોડી વીષયસેવન સારુ કદી તૈયાર નથી થઈ.