Archive for એપ્રિલ, 2010

ખીલ અને ખીલના ડાઘ

એપ્રિલ 30, 2010

નોંધ: ઉપચાર કરતાં પહેલાં યોગ્ય ચીકીત્સકની સલાહ લેવી.

(૧) ખીલ થયા હોય તો ચહેરા પર નારંગીની છાલ ઘસવાથી ફાયદો થાય છે.

(૨) તલનો જુનો ખોળ ગાયના મુત્રમાં કાલવી મોં ઉપર લેપ કરવાથી યુવાનીમાં થતા ખીલ દુર થાય છે.

(૩) પાકા, ખુબ ગળી ગયેલા પપૈયાને છોલી, છુંદીને ચહેરા પર થોડો સમય માલીશ કરવી-મસળવું. ૧૫-૨૦ મીનીટ બાદ સુકાવા લાગે ત્યારે પાણીથી ધોઈ નાખી જાડા ટુવાલ વડે સારી રીતે લુછી જલદી તલનું તેલ કે કોપરેલ ચોપડવું. એક અઠવાડીયા સુધી આ પ્રમાણે કરવાથી ચહેરા પરના ખીલ, ડાઘ વગેરે દુર થઈ ચહેરો ખુબ જ સુંદર દેખાય છે અને ચહેરાનું તેજ વધે છે. ચહેરાની કરચલીઓ, કાળાશ અને મેલ દુર થાય છે, ચહેરા પર કોમળતા અને કાંતી આવે છે.

(૪) પાકાં ટામેટાં સમારીને ખીલ પર બરાબર ઘસવાં. બેચાર કલાક એમ જ રહેવા દેવું. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખવું. આનાથી ચહેરાના ખીલ મટી જાય છે.

(૫) જાંબુના ઠળીયાને પાણીમાં ઘસી ચોપડવાથી યુવાનીને લીધે થતા મોં પરના ખીલ મટે છે.

(૬) સવારે અને રાત્રે બાવળ, લીમડો કે વડવાઈનું દાતણ કરી એના કુચાને મોં પર પાંચેક મીનીટ ઘસતા રહેવાથી મોં પરના ખીલ મટે છે.

(૭) ટંકણખાર ગુલાબજળમાં મેળવી લગાડવાથી મોં પરના ખીલ મટે છે.

(૮) બદામને માખણમાં ખુબ ઘસી તેનો મોં પર લેપ કરવાથી કે માલીશ કરવાથી મોં પરના ખીલ મટે છે.

(૯) ગુલાબજળમાં સુખડ ઘસીને લગાડવાથી ખીલ મટે છે.

(૧૦) આમળાં દુધમાં ઘસી મોં પર જાડો લેપ કરવાથી ખીલ મટે છે.

(૧૧) કેરીની ગોટલી ઘસીને ખીલ પર લગાડવાથી ફાયદો થાય છે.

(૧૨) લીમડા કે ફુદીનાનાં પાન વાટી તેનો રસ ખીલ પર લગાવવાથી ખીલ મટી જાય છે.

(૧૩) તાજું લીંબુ કાપી દર બે કલાકે ખીલ પર બે-ત્રણ મીનીટ ઘસતા રહેવાથી ખીલ મટી જાય છે.

(૧૪) લોધર, ધાણા અને ઘોડાવજને પાણીમાં લસોટી લેપ કરવાથી ખીલ મટે છે.

(૧૫) દરરોજ રાત્રે સુતી વખતે કાચા પપૈયાનું ક્ષીર(દુધ) ખીલ પર ચોપડતા રહેવાથી ખીલ મટી જાય છે.

(૧૬) શીમળાના કાંટાનું ખુબ બારીક અડધી ચમચી ચુર્ણ એટલી જ મસુરની દાળના લોટ સાથે મીશ્ર કરી, થોડું દુધ ઉમેરી, ખુબ હલાવી, પેસ્ટ બનાવી સવાર-સાંજ અડધો કલાક ચહેરા પર લગાડી રાખવું. જ્યારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સ્વચ્છ પાણીથી ધોઈ લેવું. થોડા દીવસો આ ઉપચાર કરવાથી ખીલ, ખીલના ડાઘા અને ચહેરાની ઝાંખપ-કાળાશ મટે છે. આ ઉપચાર વખતે ઉચીત પરેજી પાળવી.

(૧૭) છાસ વડે ચહેરો ધોવાથી ખીલના ડાઘ, મોં પરની કાળાશ અને ચીકાશ દુર થાય છે.

(૧૮) વડના દુધમાં મસુરની દાળ પીસી લેપ કરવાથી ખીલના કાળા ડાઘ મટે છે.

(૧૯) ચોખાનો ઝીણો લોટ અથવા રાંધેલો ભાત દરરોજ ચહેરા પર ઘસવાથી ખીલના ડાઘ દુર થાય છે.

ખાંસી

એપ્રિલ 30, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ખાંસી

(૧) ૫-૫ ગ્રામ મધ દીવસમાં ચારેક વાર ચાટવાથી કફ છુટો પડી ખાંસી મટે છે.

(૨) અજમાનાં ફુલ .૧૬ ગ્રામ દીવસમાં ત્રણ વાર ઘી અને મધ સાથે લેવાથી કફ ઓછો થાય છે અને ખાંસી મટે છે.

(૩) એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી ખાંસી મટે છે.

(૪) દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી તેનો રસ ચુસવાથી ખાંસી મટે છે.

(૫) દ્રાક્ષ, આમળાં, ખજુર, પીપર અને મરી સરખા ભાગે લઈ બારીક ચુર્ણ કરી તેમાંથી ૩-૩ ગ્રામ લઈ, થોડા મધમાં મેળવી સવારે, બપોરે અને સાંજે ચાટવાથી સુકી ખાંસી મટે છે.

(૬) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ખાંસી મટે છે.

(૭) કમળકાકડી એટલે રાષ્ટ્રીય ફુલ કમળનાં બીજનો નાની ચમચી પાઉડર મધ સાથે ચાટવાથી ખાંસી મટે છે. કમળકાકડીનો પાઉડર બજારમાં તૈયાર મળે છે. આ પાઉડર હંમેશાં ઝીણી ચાળણીથી ચાળીને વાપરવો જોઈએ.

(૮) દાડમનાં તાજાં છોડાં અથવા સુકાં છોડાંનો પાઉડર દુધમાં ઉકાળી પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે.

(૯) સુંઠ અને સાકર સમભાગે લઈ પાઉડર કરી રોજ દર બે કલાકે ૧-૧ નાની ચમચી, ૧ ચમચી મધ સાથે ચાટી જવું. કોઈ પણ પ્રકારની ખાંસીમાં અા પ્રયોગથી વત્તો-ઓછો ફાયદો તરત જોવા મળે છે. પ્રયોગ ધીરજપુર્વક ચાલુ રાખવાથી ખાંસી જડમુળથી મટી જાય છે.

(૧૦) એલચીનું ચુર્ણ ૩/૪(.૭૫) ગ્રામ અને સુંઠનું ચુર્ણ ૩/૪ ગ્રામ મધમાં મેળવી ચાટવાથી કફજન્ય ખાંસી મટે છે.

(૧૧) એલચીના તેલનાં ચાર-પાંચ ટીપાં સાકર સાથે લેવાથી કફજન્ય ખાંસી મટે છે.

(૧૨) સુંઠ, મરી અને પીપરના સમભાગે બનાવેલા પાઉડરને ત્રીકટુ કહે છે. ૧-૧ નાની ચમચી ત્રીકટુ મધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી સામાન્ય ખાંસી તરત જ મટી જાય છે.

(૧૩) મરીના બારીક પાઉડરમાં થોડો ગોળ મેળવી સાધારણ કદની ગોળીઓ બનાવવી. દર બે કલાકે આ ગોળી ચુસતા રહેવાથી કોઈ પણ પ્રકારની ખાંસી મટે છે. નાનાં બાળકોને પણ આ આપી શકાય.

(૧૪) ગરમ કરેલા પાણીમાં મીઠું અને બે લવીંગનું ચુર્ણ નાખી સવાર-સાંજ કોગળા કરવાથી ગળામાંથી કફ નીકળી જઈ ખાંસી મટે છે. મીઠું અને લવીંગ બન્ને જંતુનાશક છે. બે-ત્રણ દીવસ આ ઉપાય કરવાથી ભારે ખાંસી પણ મટી જાય છે.

(૧૫) ખાંસી મટાડવા હુંફાળું ગરમ પાણી જ પીવું, સ્નાન પણ નવશેકા ગરમ પાણીથી કરવું. જેમ બને તેમ વધારે કફ નીકળી જાય એ માટે જ્યારે પણ ગળામાં કફ આવે તો કફ બહાર કાઢી નાખવો. મધુર, ખારા, તીખા અને તાસીરે ઉષ્ણ પદાર્થોનું સેવન કરવું. મધુર દ્રવ્યોમાં સાકર, જુનો ગોળ, જેઠી મધ અને મધ, ખારા પદાર્થોમાં યવક્ષાર, નવસાર અને ખારો, તીખાં દ્રવ્યોમાં સુંઠ, પીપર અને મરી તથા ઉષ્ણ પાદાર્થોમાં ગરમ પાણી, લસણ, આદુ વગેરેનું સેવન કરવું. વધારે ખટાશવાળા, ચીકાશવાળા, ગળ્યા, તેલવાળા પદાર્થોનું સેવન ન કરવું. ઠંડી હવા અને ઠંડાં તથા ઠંડી પ્રકૃતીવાળા પદાર્થોનું સેવન પણ ન કરવું.

(૧૬) ગળો, પીપર અને ભોંયરીંગણી અધકચરાં ખાંડી એક ગ્લાસ પાણીમાં ત્રણ ચમચી નાખી પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ પાડી અડધી ચમચી મધ અથવા દળેલી સાકર(ખાંડ નહીં) નાખી સવાર-સાંજ પીવાથી કફવાળી ખાંસી મટે છે.

(૧૭) દર ચારેક કલાકે બબ્બે ત્રણત્રણ લવીંગ મોંમાં રાખી ચુસતા રહેવાથી ગમે તેવી ખાંસી -સુકી, ભીની કે કફયુક્ત થોડા દીવસોમાં મટી જાય છે.

(૧૮) તુલસીનાં આઠ-દસ તાજાં પાન ખુબ ચાવીને દરરોજ સવાર, બપોર, સાંજ ચાવતા રહેવાથી ગમે તે પ્રકારની ખાંસી કાબુમાં આવી જાય છે.

(૧૯) અખરોટનો ગર્ભ કાઢી શેકીને દીવસમાં ચાર-પાંચ વખત ખાતા રહેવાથી કોઈ પણ પ્રકારની ઉધરસ મટે છે. નાનાં બાળકોને પણ આ ઉપચાર અનુકુળ અને સફળ થઈ શકે છે.

(૨૦) મુઠીભર શેકેલા ચણા ખાઈ, ઉપર પાણી પીવાથી ઉધરસ ઓછી થાય છે.

(૨૧) લસણ, આદુ અને મરીની સમભાગે બનાવેલી ચટણી દીવસમાં ચાર-પાંચ વખત ખાતા રહેવાથી અથવા તેમને ઉકાળી ગરમ ગરમ ઉકાળો પીતા રહેવાથી ખાંસીમાં તાત્કાલીક રાહત થાય છે.

(૨૨) અશ્વગંધા અને ગોખરુનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ અડધીથી એક ચમચી લઈ બમણા મધ સાથે મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી શોષ (શરીરની રસ, રક્ત, માંસ, મેદાદી સાતે ધાતુઓ સુકાઈ જવી) અને ખાંસી મટે છે. વળી અશ્વગંધાથી શરીર પણ પુષ્ટ થાય છે. અને આમાં ગોખરુ રસાયન હોવાથી કામશક્તી પણ વધે છે.

સુકી ખાંસી   (૧) નાની એલચી તવી પર બાળી, કોયલો કરી, ધુમાડો નીકળી જાય એટલે વાસણ ઢાંકી દેવું. તેનું ૩/૪(૦.૭૫) ગ્રામ ચુર્ણ ઘી તથા મધ (મધ કરતાં ઘી બમણું લેવું) સાથે દીવસમાં ત્રણ વાર ચાટવાથી સુકી ખાંસી મટે છે.

(૨) એક નાની મુઠી તલ અને  જરુરી સાકર ૨૦૦ મી.લી. પાણીમાં નાખી ઉકાળો બનાવી દરરોજ દર બેત્રણ કલાકે સાધારણ ગરમ પીવાથી થોડા દીવસોમાં સુકી ખાંસી મટે છે. (૩) ૧-૧ નાની ચમચી ઘી દરરોજ બે કલાકના અંતરે ચાટવાથી સુકી ખાંસી અચુક મટે છે.

(૪) દર ત્રણ કલાકે એક ચમચી તાજા માખણમાં વાટેલી સાકર નાખી ધીમે ધીમે ચાટી જવાથી સુકી ખાંસી મટે છે. નાનાં બાળકોમાં તો આ પ્રયોગ ખરેખર આશીર્વાદરુપ છે, કેમ કે બાળક હોંશે હોંશે સાકર-માખણ ખાશે અને ખાંસી મટી જશે.

(૫) સમભાગે સુકા આમળાનું ચુર્ણ અને સાકર એક એક ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી કંટાળાજનક જુની ખાંસી મટે છે. પ્રયોગ થોડા દીવસ સુધી નીયમીત જાળવી રાખવો.

(૬) ઉમરાનું દુધ મોંમાં ઉપલા તાળવે ચોપડી જે લાળ-થુંક આવે તે ગળી જવાથી કોઈ પણ દવાથી મટતી ન હોય તેવી ખાંસી પણ બહુ ઝડપથી મટી જાય છે.

(૭) આદુનો રસ મધમાં લેવો અને એક નાગરવેલના પાનમાં થોડી હળદર અને ૩-૪ મરી મુકી બીડું વાળી ઉપર લવીંગ ખોસવું. એને ચાર ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી દીવસમાં ત્રણ-ચાર વખત થોડું થોડું પીવું. એનાથી ખાંસી તરત જ ઓછી થવા લાગે છે.

(૮) સમભાગે તલ અને સાકરનો ઉકાળો દીવસમાં ચાર-પાંચ વાર ઘુંટડે ઘુંટડે પીતા રહેવાથી સુકી ખાંસી મટે છે.

(૯) એક મોટી એલચી સોયમાં ખોસી ઘીના દીવાની જ્યોતમાં ફોતરા સાથે કોલસા જેવી થઈ જાય તેટલી બાળવી. પછી એ આખી એલચીનું ચુર્ણ બે ટીપાં મધ અને ચાર ટીપાં ઘીમાં મેળવી દરરોજ સવાર, સાંજ અને રાત્રે થોડા દીવસો ચાટવાથી સુકી ખાંસી મટે છે. સાથે જો કબજીયાત રહેતી હોય તો રાત્રે સુતી વખતે અડધી ચમચી શેકેલો અજમો બે ચમચી દીવેલ સાથે ચાવતાં ચાવતાં પેટમાં ઉતારવું. વાયુ ઉપર ચઢીને ખાંસી ઉત્પન્ન કરે છે. એલચી તેમ જ દીવેલ ઉત્તમ વાયુનાશક છે. વળી મળશુદ્ધી થવાથી વાયુની શુદ્ધી થાય છે. સુકી ખાંસી માટે આ અનુભવસીદ્ધ પ્રયોગ છે.

ખસ- ખંજવાળ

એપ્રિલ 29, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ખસ- ખંજવાળ

(૧) ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.

(૨) સુકાં આમળાં બાળી તલના તેલમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.

(૩) તુવેરનાં પાન બાળી રાખ બનાવી, દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.

(૪) મરી અને ગંધક બારીક વાટી, ઘીમાં ખુબ ખરલ કરી શરીરે ચોપડવાથી અને તડકામાં બેસવાથી ખસ-લુખસ મટે છે.

(૫) નસોતરને પાણીમાં પલાળી સુતી વખતે તેનું પાણી પીવાથી સવારે પેટ સાફ અવે છે અને લોહી શુદ્ધ થઈ ખસ મટે છે.

(૬) તાંદળજાની ભાજીના રસમાં સાકર મેળવી પીવાથી ખસ મટે છે.

(૭) કોપરું ખાવાથી અને શરીરે ચોળવાથી ચળ-ખંજવાળ ઓછી થાય છે.

(૮) ખંજવાળ આવતી હોય તે ભાગો પર સીસમનું સહેજ તેલ લઈ દીવસમાં ચારેક વખત ઘસવાથી ખંજવાળ મટે છે. (૯) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ખંજવાળ મટે છે.

(૧૦) સુતરાઉ કાપડનો ટુકડો ખંજવાળવાળા ભાગ પર સખત રીતે બાંધી દેવો. જો બાંધી શકાય તેમ ન હોય તો કપડું મુકી સામાન્ય પટ્ટી સખત રીતે મારવી. એનાથી સોરાયસીસ કે દરાજ જેવા વ્યાધી પણ કાબુમાં આવે છે. (૧૧) ગોળ સાથે હરડે લેવાથી ખંજવાળ મટે છે.

(૧૨) સોપારી સળગાવી, રાખ બનાવી, તલના તેલમાં મેળવી ખંજવાળવાળા ભાગ પર દીવસમાં ચારેક વખત દર ચાર કલાકે લગાડતા રહેવાથી થોડા જ દીવસોમાં ખંજવાળ મટે છે.

(૧૩) લીંબોળીના તેલની માલીશ કરવાથી ખંજવાળ ઓછી થઈ જાય છે.

(૧૪) સંતરાની તાજી છાલ પથ્થર પર પાણી સાથે ચંદનની જેમ ઘસીને ચોપડવાથી ખંજવાળ મટે છે. સંતરાની સુકી છાલનું ચુર્ણ પણ વાપરી શકાય.

(૧૫) તલના તેલમાં એનાથી ત્રીજા ભાગનું આમળાનું ચુર્ણ મેળવી દીવસમાં દર ચારેક કલાકે માલીશ કરતા રહેવાથી ખંજવાળ મટે છે.

(૧૬) હરડેનું ચુર્ણ ગોળ સાથે જરુરી પ્રમાણ મુજબ દીવસમાં ચારેક વખત લેવાથી અમુક પ્રકારની ખંજવાળ મટે છે.

ખંજવાળમાં પરહેજી : મીઠા-મધુર પદાર્થો અને ગરમ પદાર્થોનું સેવન ન કરવું. ગમે તેવી સારવાર છતાં આ પરહેજી ન હોય તો તકલીફ જલદી મટતી નથી.

ખરજવું

એપ્રિલ 28, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ખરજવું:  ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ખરજવું થાય છે.

(૧) ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.

(૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે. અથવા કાચા બટાટાની છાલ ઉતારી, છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડી સવાર-સાંજ પાટો બાંધવો. સાત-આઠ દીવસના આ ઉપચારથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે.  કફ કરનાર આહાર ન લેવો.

(૩) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નીયમીત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે.

(૪) કળીચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તરતનો થયેલ રોગ દુર થાય છે. (૫) ખારેક કે ખજુરના ઠળીયાને બાળી તેની રાખ, કપુર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. (૬) ઈંદ્રવરણાના ફળનો રસ ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.

(૭) ગાજરનું ખમણ કરી, તેમાં મીઠું નાખી, પાણી નાખ્યા વગર ગરમ કરી બાફીને ખરજવા પર બાંધવાથી ફાયદો કરે છે.

(૮) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી જુનું ખરજવું મટે છે.

(૯) લસણની કળી વાટી લુગદી બનાવી ખરજવા પર મુકવાથી ભીંગડાં ઉતરી જાય છે અને ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે.

(૧૦) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી ખરજવું મટે છે.

(૧૧) સુકા કોપરાને બરાબર બાળી ખુબ વાટી મલમ બનાવી દીવસમાં ત્રણેક વખત લગાડવાથી ખરજવાની પીડામાં ઝડપભેર ઘણી રાહત થાય છે.

(૧૨) અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે.

(૧૩) અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.

(૧૪) તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.

(૧૫) કાસુન્દ્રાનું મુળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જુની દાદર અને ખરજવું મટે છે.

(૧૬) ખરજવું થયું હોય તો તાંદળજાનું સેવન ફાયદાકારક છે.

(૧૭) ધોળી- સફેદ ધરોના રસમાં ચોખા લસોટી- વાટી તેનો લેપ કરવાથી જૂનું- નવું ખરજવું મટી જાય છે. કુમળી લીલી ધરોનો તાજો રસ પીવાથી કોઈ પણ રોગમાં ફાયદો થાય છે. માત્ર ધરોના રસ પર રહેવાથી જલદી રાહત થાય છે.

(૧૮) બાવચીના બીજ અને કારેલાને ગૌમુત્રમાં લસોટી પેસ્ટ બનાવી લગાડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.  (૧૯) વડનું દુધ લગાડવાથી ખરજવું મટી જાય છે.

(૨૦) હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે.

(૨૧) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, કોઢ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.

(૨૨) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.

ક્ષય

એપ્રિલ 26, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ક્ષય : આસવ અને અરીષ્ટ ક્ષયમાં ખુબ જ હીતાવહ છે. ક્ષય એટલે ટી.બી.. આ વીકૃતીમાં શરીરની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થી, મજ્જા અને શુક્ર આ સાતે ધાતુઓનો હ્રાસ-ક્ષય થાય છે. આથી શરીરનું વજન ઘટતું જાય છે.

(૧) અડદની દાળ પાણીમાં પલાળી રાખી, વાટી, તેમાં મીઠું, મરી, હીંગ, જીરુ લસણ અને આદુ નાખી વડાં કરવાં. તેને ઘીમાં અથવા તેલમાં તળીને ખાવાથી ક્ષય મટે છે.

(૨) અશ્વગંધા, ગળો, શતાવરી, દશમુલ, બલા, અરડુસી, પુષ્કર મુળ તથા અતીસના એક ચમચા જેટલા ભુકાને બે ગ્લાસ પાણીમાં અડધું બાકી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળી, સવાર-સાંજ બે વખત પીવાથી ક્ષયમાં લાભ થાય છે.

(૩) કોળાનો અવલેહ ખાવાથી ક્ષય મટે છે. અવલેહની લીંક https://gandabhaivallabh.wordpress.com/2009/01/16/કોળાનો-અવલેહ-અને-મુરબ્બો/)

(૪) ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ ૨૦-૩૦ ગ્રામ ખાવાથી ક્ષય અને ક્ષયની ખાંસી મટે છે.

(૫) તાજા માખણ સાથે મધ લેવાથી ક્ષયના દર્દીને ઘણો ફાયદો થાય છે.

(૬) લસણનો રસ અને અરડુસીનાં પાનનો રસ (અથવા માત્ર લસણને વાટી) ગાયના ઘી અને ગરમ દુધમાં મેળવી પીવાથી ક્ષયરોગ મટે છે.

(૭) કેળનું તાજું પાણી દર બે કલાકે એકેક કપ પીવાથી ક્ષય કાબુમાં આવી મટી જાય છે. કેળનું પાણી ૨૪ કલાક સુધી તાજું- ઉપયોગમાં લઈ શકાય તેવું રહે છે.

(૮) ક્ષયરોગી માટે દુધી અતી હીતકારી છે.

(૯) દરરોજ સીતોપલાદી ચુર્ણ દુધ કે પાણી સાથે લેવાથી ક્ષય મટે છે. અન્ય ચીકીત્સા સાથે પણ આ પ્રયોગ કરી શકાય.

(૧૦) જરુરી પ્રમાણમાં કોડીની ભસ્મનું માખણ સાથે સેવન કરવાથી ક્ષય મટે છે.

(૧૧) ટી.બી.માં તબીબી સારવાર સાથે દરરોજ સવાર, બપોર, સાંજ દુધમાં એટલું જ ચુનાનું નીતર્યું પાણી ઉમેરી પીવાથી લાભ થાય છે. કુલ પ્રમાણ રોગની ઉગ્રતા મુજબ નક્કી કરવું.

(૧૨) દરરોજ શક્ય એટલા વધુ પ્રમાણમાં કોળું ખાવાથી ક્ષય રોગ જલદી મટે છે. કોળાની બરફી પ્રાકૃતીક ચીકીત્સામાં એક અકસીર ઔષધી છે. ક્ષયરોગી પોતાની મુખ્ય ચીકીત્સા સાથે સહાયક ચીકીત્સા તરીકે પણ કોળું ઉપયોગમાં લઈ શકે. જેનાથી આશ્ચર્યજનક લાભ થાય છે. (૧૩) અરડુસીનો રસ અને ગળોનો ઉકાળો રોજ નીયમીત પીવાથી ક્ષય કાયમ માટે મટે છે.

(૧૪) સાત લીંડીપીપરને ૨૫૦ ગ્રામ દુધમાં ઉકાળી પીપર સાથે પી જવું. બીજા દીવસે ૧ પીપર ઉમેરવી. એમ ૧૧ દીવસ સુધી ૧-૧ પીપર ઉમેરતા જઈ જરુર પ્રમાણે દુધ પણ વધારવું. પછી ૧-૧ પીપર ઘટાડતા જઈ ૨૧મા દીવસે મુળ સ્થીતીમાં આવી જવું. આ પ્રયોગથી ક્ષય રોગીને ખુબ લાભ થાય છે.

(૧૫) ક્ષયની સારવારમાં બીજી દવાની સાથે સાથે સમાન ભાગે મધ અને સાકર તથા મધ કરતાં અડધું ગાયનું ઘી મીશ્ર કરી ૧-૧ ચમચો દીવસમાં ત્રણેક વખત લેવાથી છએક માસમાં ફાયદો થઈ શકે.

(૧૬) ત્રણથી ચાર ચમચી ‘અશ્વગંધારીષ્ટ’ જમ્યા પહેલાં બપોરે અને રાત્રે એમાં એટલું જ પાણી નાખીને પીવો. ક્ષયની દવાઓનો કોર્સ આ સાથે ચાલુ રાખવો. અશ્વગંધારીષ્ટ શરીરના આંતરીક માર્ગોને-સ્રોતોને ચોક્ખા કરી રસ, રક્તાદી ધાતુઓના પોષણક્રમને મદદ કરી જઠરાગ્ની પણ પ્રદીપ્ત કરે છે. જેથી આહાર સારો લેવાય છે અને વજન વધવાથી શરીર પુષ્ટ બને છે. ક્ષયમાં બેથી ચાર ચમચી ‘વાસાસવ’ સવાર-સાંજ લેવાથી કફ થતો બંધ થાય છે. આ બંને ક્ષયના સહાયક ઔષધો છે.

કોઢ

એપ્રિલ 25, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કોઢ

(૧) અત્યંત ઉગ્ર ગંધને લીધે તરત ઓળખાઈ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસીદ્ધ ઔષધ છે.  એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નીયમીત પીવાથી સફેદ કોઢ અને બીજાં ચામડીનાં દર્દો નાશ પામે છે.

(૨) બાવચીનાં બીને દુધમાં ખુબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દુધમાં ઘસી પેસ્ટ(લેપ) જેવું બનાવી કોઢના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અર્ધો કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી કોઢ મટે છે.

(૩) મન:શીલ, હરતાલ, કાળાં મરી, સરસીયુ અથવા બાવચીનું તેલ,  અને આંકડાનું દુધ આ બધાંનો લેપ બનાવી ચોપડવાથી કોઢ મટે છે.

(૪) મોરથુથુ, વાવડીંગ, કાળાં મરી, કઠ-ઉપલેટ, લોધર અને મન:શીલ આ દ્રવ્યોનો લેપ કોઢ મટાડે છે.

(૫) કરંજનાં બી, કુવાડીયાનાં બી અને કઠ એટલે કે ઉપલેટ આ ત્રણે ઔષધો સમાન ભાગે લઈ બારીક ચુર્ણ કરો. એને ગૌમુત્રમાં લસોટી તેનો લેપ કોઢવાળા સ્થાન પર લગાડવાથી થોડા દીવસોમાં જ કોઢ મટવા લાગે છે.

(૬) રસવંતી અને કુવાડીયાનાં બીજને કોઠાના રસમાં મીશ્ર કરી કરેલો લેપ કોઢ મટાડે છે.

(૭) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, કોઢ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.

(૮) હળદર અને દારુહળદર, ઈન્દ્રજવ, કરંજનાં બીજ, જાયનાં કોમળ પાન, કરેણનો મધ્ય ભાગ તથા તેની છાલ આટલાનો લેપ કરી તેમાં તલના છોડનો ક્ષાર નાખી લગાડવાથી કોઢ મટે છે. (આ લેપ લગાડી સવારના તડકામાં બેસવું)

(૯) કુંવાડીયાનાં બીજ, કઠ, સૌવીરાંજન, સીંધવ, સરસવનાં બીજ તથા વાવડીંગ આ બધાં ઔષધો સરખા ભાગે લઈ તેને ગૌમુત્રમાં ખુબ જ લસોટી લેપ તૈયાર કરવો. આ લેપ લગાડી તડકામાં બેસવાથી ક્રીમી, કોઢ, દદ્રુ, તથા મંડલ કુષ્ઠ-સોરાયસીસ થોડા દીવસોમાં મટે છે.

(૧૦) સફેદ ડાઘ મટાડવા અડદનો લોટ વાપરી શકાય. અડદનો લોટ પાણીમાં થોડો વખત પલાળીને પછી લીક્વીડાઈઝર અથવા રવઈથી સખત રીતે વલોવવો. એ લોટ દીવસમાં ચાર પાંચ વખત સફેદ ડાઘ પર લગાડતા રહેવું.

(૧૧) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીનાં પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી સફેદ કોઢ પર સવાર-સાંજ લગાડવાથી ફાયદો થાય છે.

(૧૨) ગાયના મુત્રમાં ૩-૪ ગ્રામ હળદર મેળવી પીવાથી કોઢ મટે છે.

(૧૩) તાજા અડદ વાટી ધોળા કોઢ પર ચોપડવાથી સારો લાભ થાય છે.

(૧૪) તાંદળજાની ભાજી ખાવાથી કોઢ મટે છે.

(૧૫) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.

(૧૬) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી કોઢ મટે છે. (૧૭) કેળના સુકવેલા પાનનો બારીક પાઉડર માખણ કે ઘી સાથે મેળવી દીવસમાં ચારેક વખત લગાડવો. દીવસો સુધી પ્રયોગ ધીરજ પુર્વક કરતા રહેવાથી સફેદ ડાઘ મટે છે.

(૧૮) આંકડાનાં મુળ ૪૦ ગ્રામ, કરેણનાં મુળ ૪૦ ગ્રામ, ચણોઠી ૪૦ ગ્રામ, બાવચીનાં બીજ ૨૦૦ ગ્રામ, હરતાલ ૪૦ ગ્રામ, સુકો ભાંગરો ૪૦ ગ્રામ, હીરાકસી ૨૦ ગ્રામ અને ચીત્રકમુુળ ૨૦ ગ્રામનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ બનાવી એ પલળે એટલું ગૌમુત્ર નાખી ખુબ લસોટી પેંડા જેવડી સોગઠીઓ બનાવી સુકવી લેવી. આ સોગઠી પથ્થર ઉપર ગૌમુત્રમાં લસોટવી. આ પેસ્ટ સવાર-સાંજ સફેદ કોઢ પર લગાડવાથી કોઈને જલદી તો કોઈને ધીમે ધીમે મટે છે. આ ચુર્ણ ફક્ત બાહ્ય ઉપચાર માટે જ વાપરવું, ખાવામાં ઉપયોગ કરવો નહીં.

(૧૯) સફેદ કોઢ અસાધ્ય ગણાય છે. શરીરના કોઈ ભાગ પર સફેદ ડાઘ થયા હોય પણ એ ભાગના વાળ સફેદ થયા ન હોય તો મધમાં નવસાર મેળવી દીવસમાં ચારેક વખત લગાડતા રહેવાથી બેએક મહીનાની અંદર પરીણામ જોવા મળે છે. ધીરજ પુર્વક લાંબા સમય સુધી પ્રયોગ કરવો જોઈએ. વળી આ ઉપચારની ખુબી એ છે કે ત્વચા પર બળતરા થતી નથી. આથી શરીરના કોમળ ભાગ પર પણ કરી શકાય, અને એની કોઈ આડ અસર નથી.

(૨૦) ગરમાળો, કરંજ, થોર, આંકડો અને ચમેલી પાંચેય વનસ્પતીનાં પાન ગોમુત્રમાં પીસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટે છે.

(૨૧) રાળનું તેલ દીવસમાં બે વખત નીયમીત લગાડવાથી સફેદ કોઢ મટે છે. શાલવૃક્ષનો ગુંદર રાળ તરીકે ઓળખાય છે. દેશી દવાવાળાને ત્યાં એ રાળના તેલ તરીકે વેચાય છે.

 

કૉલેસ્ટરોલ

એપ્રિલ 24, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કૉલેસ્ટરોલ

(૧) એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી કોથમીર ખાઈને ઉપર પાણી પીવાથી શરીરમાં કૉલેસ્ટરોલ ઘટે છે. એનાથી લોહીનું વહન કરનારી નસો પણ સાફ રહે છે. કોથમીર દરેક સલાડ, શાક, દાળ કે ફરસાણ સાથે ભેળવીને પણ ખાઈ શકાય.

(૨) કૉલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરવા માટે તેલ, ઘી અને માખણ બંધ કરવાં. આથી રોટલી ન ખાતાં રોટલા ખાવા. શાક પણ બાફેલાં ખાવાં.

(૩) લોહીમાં કૉલેસ્ટરોનું પ્રમાણ કાબુમાં રાખવા ખાટા પદાર્થો જેવા કે લીંબુ, આમળાં, કાચી કેરી, દહીં, છાસ, ફાલસા, આમલી, ખાટી દ્રાક્ષ વગેરેનું સેવન લાભદાયી છે.

(૪) દરરોજ સવાર-સાંજ એક એક મુઠી શેકેલા છોતરાં સાથેના ચણા ખાવાથી કૉલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને હૃદયરોગ થવાની શક્યતા ઘટી જાય છે.

કૉલેરા

એપ્રિલ 23, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કૉલેરા

(૧) આંબાના ૨૦ ગ્રામ જેટલા મરવા વાટી દહીં સાથે લેવાથી કૉલેરામાં ફાયદો થાય છે.

(૨) કૉલેરાનો ઉપદ્રવ ચાલતો હોય તો રાત્રે ભોજન કર્યા પછી ડુંગળીના રસમાં ચણા જેટલી હીંગ ઘસી, તેમાં વરીયાળી અને ધાણા ૧-૧ ગ્રામ મેળવી પીવાથી કૉલેરાનો ભય રહેતો નથી.

(૩) કૉલેરાના હુમલા વખતે દરદીને ડુંગળીનો રસ વારંવાર આપવાથી આરામ થાય છે. કૉલેરામાં શરુઆતથી જ ૦.૧૬ ગ્રામ હીંગ મેળવીને અર્ધા અર્ધા કલાકે ડુંગળીનો રસ પીવાથી કૉલેરા મટે છે.

(૪) કૉલેરામાં શરીર ઠંડુ પડી જાય તો ડુંગળીના રસમાં આદુનો રસ તથા મરીનું ચુર્ણ મેળવીને આપવાથી પુન: ગરમી આવે છે અને દરદનો વેગ ઓછો થાય છે.

(૫) લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં મેળવીને લેવાથી કૉલેરામાં ઉત્તમ ફાયદો થાય છે.

(૬) જાયફળનું ૧૦ ગ્રામ ચુર્ણ ગોળમાં મેળવી ૩-૩ ગ્રામની ગોળીઓ બનાવી એક એક ગોળી અડધા અડધા કલાકે આપવાથી અને ઉપર થોડું ગરમ પાણી પીવડાવવાથી કૉલેરાના ઝાડા બંધ થાય છે.

(૭) મધ અને મીઠું પાણીમાં મેળવી પીવાથી કૉલેરાની અશક્તી અને ડીહાઈડ્રેશન મટે છે.

(૮) કારેલાનો રસ પીવાથી કૉલેરા મટે છે.

કેડનો ચસકો

એપ્રિલ 21, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કેડનો ચસકો (૧) એક સારી સોપારીનો ભુકો કરી, તેલમાં ઉકાળી, તે તેલની માલીશ કરવાથી કટીવાત (કમરમાં આવેલ વાનો ચસકો) મટે છે.

(૨) સમાન ભાગે સુંઠ અને ગોખરુનો ક્વાથ કરી રોજ સવારે પીવાથી કટીશુળ, સંધીવા અને અજીર્ણ મટે છે.

(૩) વાતારી-કટીશુળ, સાંધાનો સોજો, રાંઝણ-સાઈટીકા, આમવાત, હૃદયશુળમાં અડધી અડધી ચમચી જેટલું એરંડમુળ અને સુંઠના ચુર્ણોનો ઉકાળો એક કપ જેટલો રોજ સવારે પીવો. સાથે જો તેમાં નગોડના પાનનો બે ચમચી જેટલો રસ પણ ઉમેરાય તો અધીકસ્ય અધીકં ફલમ્.

(૪) કેડના ચસકાનું કારણ વાયુ હોવાથી બાહ્ય પ્રાણાયામ પણ એમાં બહુ ઉપયોગી થાય છે. એની સાદી અસરકારક રીત જે મેં અજમાવી છે તે મુજબ મોં વાટે બને તેટલો શ્વાસ બહાર કાઢી કુંભક કરવો (શ્વાસ બહાર રોકી રાખવો). જેટલો કુંભક વધુ દીર્ઘ તેટલી વધુ સારી અસર થાય છે. શ્વાસ લેતી વખતે નાક દ્વારા લેવો.

કૅન્સર

એપ્રિલ 18, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કૅન્સર

વધારે પડતી શેકેલી, બળી ગયેલી કે ખુલ્લી ભઠ્ઠી પર બનાવેલી વાનગીમાં કાળા પડી ગયેલા ભાગમાં પોલી સાઈક્લીક એરોમેટીક હાઈડ્રોકાર્બન જમા થાય છે જે ખાવાથી કેન્સરની શક્યતા ૭૦થી ૮૦ ટકા વધી જાય છે.

(૧) કોબીજ, કોલીફ્લાવર અને સરસવ કૅન્સરમાં ઉપયોગી છે. કૅન્સરની દવા જેવાં જ કૅન્સર વીરોધી રસાયણો ફ્લાવરમાં હોય છે, જે મોટા આંતરડામાં રહેલાં કૅન્સરના જીવાણુઓનો નાશ કરે છે. એલાઈલ-આઈસોથીયોસાઈનેટ (AITC) તરીકે ઓળખાતું અા રસાયણ જ્યારે અા શાકભાજીને કાપવામાં, ચાવવામાં, રાંધવામાં કે પચાવવામાં આવે છે ત્યારે છુટું પડે છે. બ્રાસીકા વર્ગનાં શાકભાજીમાંના અા રસાયણો મોટા આંતરડામાંના કૅન્સરના જીવાણુઓની વૃદ્ધી અને કોષ વીભાજનની પ્રક્રીયાને ખતમ કરી નાખે છે. આ રસાયણ ફેફસાના કૅન્સરને રોકવામાં પણ અસરકારક છે. કૅન્સરને રોકવા માટે અા શાકભાજીનું વધુ પ્રમાણમાં સેવન કરવું જરુરી છે.

(૨) કેન્સરની માત્ર શરુઆત હોય તો કાળી ગાયનું મુત્ર ૧૫ ગ્રામ સુતરાઉ કપડાથી ગાળી તેમાં ૮-૧૦ પાન કડવા લીમડાનાં અને ૮-૧૦ પાન તુલસીનાં વાટીને નાખવાં અથવા એ પાન આખાં જ ખુબ ચાવીને ખાઈ ઉપરથી મુત્ર પીવું. પ્રયોગ નીયમીત કરવાથી કેન્સર વધતું અટકે છે.

(૩) કાંચનારની છાલ અને ત્રીફલાનો ઉકાળો નીયમીત પીવાથી કેન્સરમાં ફાયદો થાય છે.

(૪) આખું અનાજ, કઠોળ, ફળફળાદી અને કોબીજ લેવાથી તેમાં રહેલ ફાઈબર કેન્સર થતું રોકે છે.

(૫) રોજ ઓછામાં ઓછાં બે ટામેટાં ખાવાથી આંતરડાં, હોજરી અને ગુદાનું કેન્સર થતું અટકાવી શકાય છે.

(૬) દરરોજ એકી સાથે થોડી થોડી કરીને આખા દીવસ દરમીયાન દોઢથી બે કીલોગ્રામ જેટલી તાજી દ્રાક્ષ ખુબ ચાવીને ખાવાનો વ્યવસ્થીત પ્રયોગ કરવાથી કેન્સર જેવો ભયંકર અસાધ્ય વ્યાધી મટી ગયાના દાખલા પણ બન્યા છે.

(૭) હળદરનો તાજો રસ એક મોટા ચમચા જેટલો અથવા હુંફાળા પાણી સાથે ૧-૧ ચમચી હળદર સવાર, બપોર, સાંજ લેવાથી પેટના અમુક પ્રકારનાં કૅન્સરમાં લાભ થાય છે.