Archive for ઓક્ટોબર, 2016

કબીર દોહો

ઓક્ટોબર 18, 2016

કબીર દોહો

(બ્લોગ પર તા. ૧૯-૧૦-૨૦૧૬)

આનંદભાઈના સૌજન્યથી, એમની ઉદાર પરવાનગી માટે ઋણસ્વીકાર સહીત. આ રહ્યા એમના શબ્દો, “Yes, Ganadabhai … You have my permission with pleasure.”

कहत कबीर

बहुत जतन करी कीजीये, सब फल जाय नसाय |

कबीरा संचय सुम धन, अंत चोर ले जाय ||

ભાષાંતર અને સમજુતી – આનંદ રાવ

ગુજરાતી અનુવાદ

અરે ભાઈ! તું ગમે તેટલું સાચવ્યા કરીશ, ગમે તેટલું જતન કર્યા કરીશ, તો પણ અંતે તો દરેક ફળ પાકીને સડી (नसाय) જાય છે. દરેક વસ્તુનો નાશ થાય છે. ઓ કબીર! એજ રીતે લોભીયાએ ભેગું કરેલું ધન પણ પડ્યું પડ્યું સડે છે અને આખરે તો ચોર ચોરી જાય છે. (માનવદેહ પણ ફળ જ છે.)

English Interpretation

You may try very hard to protect and preserve a fruit, but eventually every fruit ripens, decays and everything disappears. Oh Kabir! In the same way, the wealth amassed by a miser finally also rots and gets stolen by a thief. (Human body is also a “Fruit” which detaches itself from the mother and continues to grow until slowly breaks down.)

સમજુતી

ફળ શબ્દ માનવશરીરને પણ લાગુ પડે છે.

થોડા દીવસ પહેલાં ૭૩ વર્ષની ઉમ્મરના એક મીત્રની ખબર જોવા હોસ્પીટલ જવાનું થયેલું. જાત જાતની ટ્યુબો લગાડેલી હતી. પરાણે આંખ ખોલી શકતા હતા. એક વખતનું કસાયેલું તંદુરસ્ત શરીર અત્યારે ચીમળાઈ ગયેલા ફળ જેવું પથારીમાં પડ્યું હતું. કોણ મળવા આવ્યું છે અને શું કહે છે એટલું પરાણે સમજી શકતા હતા. સહેજ હાથ હલાવીને કે આંખની પાંપણ ઉંચી કરીને રીસ્પોન્સ આપવા પ્રયત્ન કરતા હતા.

આ મીત્ર પોતાની તબીયત અંગે બહુ સજાગ હતા. વર્ષોથી અમેરીકામાં હતા. એટલે પુરા હેલ્થ કોન્સીઅસ પણ ખરા. ખાવાપીવામાં, કસરત કરવામાં, ચાલવા જવામાં, આ બધામાં બરાબર નીયમીત. કોઈ પ્રકારનું વ્યસન પણ નહીં. પુરા શાકાહારી. મેં એમને યાદ આપી કે ૪૦ વર્ષ પહેલાં આપણે મળતા ત્યારે કેવા દેખાતા હતા!! અને આજે! એ થોડું હસ્યા.

એમના પલંગ પાસે, બાજુમાં એમનાં પત્ની બેઠાં હતાં. સામાન્ય વાતચીત પછી બહેને મને કહ્યું,

“ભાઈ, એમને તમારા કબીરના દોહા બહુ ગમે છે. તમને વાંધો ના હોય તો એમને એકાદબે દોહા બોલીને સમજાવોને.”

મને તરત ઉપરનો દોહો યાદ આવ્યો. આ ક્ષણ માટે બહુ યોગ્ય લાગ્યો. દોહો બોલીને મેં એમને અર્થ સમજાવ્યો કે આ શરીર પણ એક ફળ છે. દરેક ફળને ડીંટું હોય છે. એનાથી એ વૃક્ષ કે વેલી સાથે અમુક સમય સુધી વળગેલું રહીને પોષણ મેળવે છે. સમય થતાં વૃક્ષથી છુટું પડી જાય છે. પછી થોડા જ દીવસોમાં એ ફળ પાકી જાય છે. કોઈ એનો ઉપયોગ કરે તો સારી વાત છે. કોઈની નજરે ન પડે તો અંતે પાકીને સડી જાય છે અને પાછું માટીમાં ભળી જાય છે.

એ જ રીતે આ શરીર ૯ મહીના સુધી માતાના ગર્ભમાં ડુંટી દ્વારા, નાળ દ્વારા પોષણ લઈને મોટું થાય છે. સમય થતાં નાળ તોડીને બહાર પડે છે. ધીમે ધીમે મોટું થાય છે. અંતે વૃદ્ધ થઈને ક્ષીણ થવા લાગે છે. વૃદ્ધ થવાની આ પ્રક્રીયાને, આ એજીંગ પ્રોસેસને કોઈ અટકાવી શકતું નથી. It’s a one-way process. માટે કબીર કહે છે કે આ શરીરનું ગમે એટલું જતન કર્યા કરશો તો પણ દરેક ફળની જેમ આ “દેહ-ફળ” પણ અંતે તો સડવાનું જ છે.

ક્યારેક કોઈક ફળને પાકતાં પહેલાં જ, અકાળે, સડો લાગી જાય છે, તેમ આ શરીરને પણ ક્યારેક અકાળે કેન્સર કે એવો કોઈ સડો લાગી જાય છે.

દોહો સાંભળીને મીત્ર સહેજ મલકી પડ્યા. મારી સાથે હાથ મીલાવવા એમણે એમનો હાથ સહેજ ઉંચો કર્યો. મારા બંને હાથે મેં એમનો હાથ પકડી લીધો. મીત્ર બહુ કંજુસ ન્હોતા. એટલે એમનું ધન ચોર લઈ જવાની શક્યતા ન્હોતી.

-આનંદ રાવ

અપવિત્રઃ પવિત્રો વા

ઓક્ટોબર 14, 2016

અપવિત્રઃ  પવિત્રો  વા

(બ્લોગ પર તા. 14-10-2016)

હીન્દુ ધર્મની પુજાવીધીઓમાં બહોળા પ્રમાણમાં બોલાતા એક શ્લોકની વાત કરવી છે. એ શ્લોક છે:

अपवित्रः पवित्रो वा सर्वावस्थाંगतोऽिप  वा ।

यः स्मरेत्पुंडरीकाक्षं  स बाह्याभ्यंतरः शुचिः ॥

મેં જ્યારે હીન્દુ ધર્મની વીધીઓ કરવાનું શરુ કર્યું ત્યારે મને આ શ્લોકના सर्वावस्थाંगतोऽिप वा શબ્દોનો અર્થ સમજાતો ન હતો. આથી ઘણા લોકોને મેં એનો અર્થ જાણવા પુછેલું. આ શ્લોકના બાકીના બધા શબ્દો હું સમજી શકતો હતો.

આ શ્લોક બોલતી વખતે પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને એને પવીત્રીકરણનો શ્લોક કહેવામાં આવે છે. મને લાગે છે કે એની પાછળનું કારણ એમાં સાથે સાથે આવતા પવિત્ર અને અપવિત્ર શબ્દોને કારણે અર્થ બરાબર ન જાણતા લોકોએ આવું ખોટું અર્થઘટન કર્યું હશે. જુદા જુદા લોકોને મેં એનો અર્થ જાણવા કરેલી પૃચ્છા પરથી પણ એવું જણાય છે.

સંસ્કૃત બરાબર જાણતા ન હોય તે લોકોને અર્થ પુછીએ તો મોટા ભાગના લોકો તરત જ કહેશે, જે અપવીત્ર હોય તે પવીત્ર થાય છે. પણ એ અર્થ તો અહીં નથી.

अपवित्रः पवित्रः वा સંસ્કૃત वा શબ્દનો અર્થ છે અથવા. એટલે અહીં તો કહ્યું છે કે અપવીત્ર હોય કે પવીત્ર હોય. અહીં સંસ્કૃત ભાષાનું અદ્ભુત સૌંદર્ય પણ જોવા મળે છે, કેટલી સચોટ રીતે અને સરળ શબ્દો વડે રજુઆત કરવામાં આવે છે. ઉપર કહ્યું તેમ મને મુશ્કેલી હતી માત્ર सर्वावस्थाંगतोऽिप वा સમજવામાં. આથી જ્યારે હું કોઈને  પુછતો ત્યારે હું કહેતો કે મને અમુક બાબત આ શ્લોકમાં સમજાતી નથી માટે જ તમને પુછું છું, કોઈ પરીક્ષા માટે નહીં, આથી તમને આ શ્લોકનો અર્થ ખબર હોય તો કહો. પણ મોટા ભાગના લોકોએ એમને ખબર નથી એમ કહ્યું નથી, અને પુછતાં જ કહેશે “જે અપવીત્ર હોય તે પવીત્ર થાય છે”. હા, એકવાર એક જણ જે એમ.એ.માં સંસ્કૃત વીષયમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવી સુરતની એમ.ટી.બી. કૉલેજમાં લેક્ચરર રહી ચુકેલ વ્યક્તીની સાથે વાત થયેલી, એમણે કહેલું કે આ શ્લોકનો અર્થ એમને ખબર નથી. નીખાલસતાથી કબુલ કરેલું કે “મને તો અમારા અભ્યાસક્રમમાં જે ભણવામાં આવેલું હોય તે જ આવડે છે.” જે વ્યક્તીએ આ કબુલાત કરેલી તેમની સાથે મારે ઘણો નીકટનો પરીચય છે.

એક વાર બ્રાહ્મણનો ઈન્ટર્વ્યુ લેવા માટે મને બોલાવેલો. એમને આ શ્લોક મેં પુછેલો, અને એમનો જવાબ પણ એવો જ હતો, ‘અપવીત્ર હોય તે પવીત્ર થાય.’ પણ એમણે પણ અર્થની ખબર નથી એવું કહ્યું ન હતું. આ વખતે તો મને અર્થની જાણ હતી, એની પરીક્ષા માટે જ મેં પુછેલું, જેમાં એ નીષ્ફળ નીવડ્યા હતા.

હું તો સંસ્કૃત માત્ર હાઈસ્કુલનાં ત્રણ વર્ષો દરમીયાન જ ભણ્યો છું. અને એ પણ ઘણાં  વર્ષો પહેલાં, (એ વર્ષો એટલે 1953થી 1956નાં વર્ષો) આથી અન્વય કરવાથી સંસ્કૃતના શ્લોકોનો અર્થ નીકળી શકે તે વાત હું ભુલી ગયો હતો. એ હકીકત મને અહીં વેલીંગ્ટનમાં જ રહેતા રમેશભાઈ જેમણે મુખ્ય વીષય ગુજરાતી અને પેટા વીષય સંસ્કૃત સાથે એમ.એ. કરેલું તેમણે યાદ અપાવી હતી. આથી મને જે સમજાતું ન હતું તે सर्वावस्थाંगतोऽिप वा સમજવા માટે એમણે મને કહેલું કે અન્વય કરતાં सर्व अपि अवस्थान् गतः वा અર્થ નીકળી શકે છે.  सर्व अपि એટલે કોઈ પણ. “અથવા કોઈ પણ અવસ્થામાં મુકાયા હો” એવો અર્થ આ શબ્દોનો છે. અહીં સંસ્કૃત કાવ્યમાં અંત્ય પ્રાસ માટે वा શબ્દ છેલ્લે છે તે આપણે ગુજરાતીમાં ગદ્ય લખાણમાં અર્થ સમજવા માટે પહેલાં લેવો પડે.

આ શ્લોકનો અર્થ ખુબ જ મહત્ત્વ ધરાવે છે, આથી એને દરેક પુજાની શરુઆતમાં બોલવામાં આવે છે. આ પહેલાં કહ્યું તેમ પુજાની શરુઆતમાં જ એ બોલાતો હોવાથી અને  અપવીત્ર તથા પવીત્ર શબ્દો પહેલા જ આવતા હોવાથી અજ્ઞાન લોકોએ એને પવીત્રીકરણનો શ્લોક કહી દીધો. જાણે કે પાણીનો છંટકાવ કરવાથી જ જે અપવીત્ર હોય તે પવીત્ર થઈ જાય છે. ખરેખર એમ નથી.

સંસ્કૃતનો वा શબ્દ તો મહાભારતમાં  પાંડવ-કૌરવોના યુદ્ધ વખતે યુધીષ્ઠીરે પોતે સત્યથી ચ્યુત નથી થતા એવું આશ્વાસન લેવા કહેલું नरो वा कुंजरो वा એના કારણે બહુ જ જાણીતો છે. એને લઈને જ આપણે કેટલીક વખત કહીએ છીએ કે ‘એ તો નરો વા કુંજરો વા’ જેવું કરે છે. સંસ્કૃત ભાષાની કમનીયતા અહીં પણ જોઈ શકાશે. ગુજરાતીમાં તો नरो वा कुंजरो वा એટલે ‘ક્યાં તો નર અથવા હાથી’.

આ શ્લોકનો સામાન્ય શબ્દાર્થ અને પછી એનો વધુ વીગતવાર અર્થ જોઈએ.

“(તમે) અપવીત્ર હો કે પવીત્ર હો, અથવા કોઈ પણ અવસ્થામાં મુકાયા હો, પણ જે ભગવાનનું સ્મરણ કરે છે, તેનું આંતર બાહ્ય બધું જ શુદ્ધ અને પવીત્ર થઈ જાય છે.”

અપવીત્ર અને પવીત્ર શબ્દો તો સમજવાના સહેલા છે, પણ તમે કોઈ પણ અવસ્થામાં હો (સંસ્કૃતમાં શબ્દ છે गतः એનો ધાતુ છે गम  એટલે જવું) એટલે કે જઈ પડ્યા હો. અહીં અવસ્થા એટલે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વસ્થ અવસ્થા, અસ્વસ્થ અવસ્થા, સમૃદ્ધ અવસ્થા, ગરીબ અવસ્થા, સબળ અવસ્થા, નીર્બળ અવસ્થા વગેરે જે કંઈ તમે કલ્પી શકો તે અવસ્થા હોય, (પણ) જે પુંડીરીકાક્ષ એટલે ભગવાનનું સ્મરણ કરે છે, પણ ભગવાનનું સ્મરણ એટલે રામ, રામ, રામ જપવું તે? કે તમારા ઈષ્ટ દેવના નામનો જપ કરવો તે? મને નથી લાગતું કે એવા અર્થમાં અહીં સ્મરણ શબ્દ વપરાયો છે. હીન્દુ ધર્મની માન્યતા મુજબ જન્મ પહેલાં તો મનુષ્યને પોતે આત્મા છે અને પરમાત્માનો અંશ છે એનું સ્મરણ હોય છે, પણ જન્મતાંની સાથે જ એનું વીસ્મરણ થઈ જાય છે. ફરીથી જેને એનું સમરણ થાય છે તેનું આંતર-બાહ્ય બધું જ શુદ્ધ અને પવીત્ર થઈ જાય છે. સંસ્કૃત शुचि શબ્દમાં શુદ્ધ અને પવીત્ર એ બંને અર્થ રહેલા છે.

આમ અહીં પવીત્ર થવાની વાત તો છે, પણ પવીત્રીકરણ કરવાનો અર્થ તો નથી. પાણી છાંટીને કોઈ કોઈને પવીત્ર કરી શકતું નથી. માત્ર પાણી છાંટવાથી દેહ પણ શુદ્ધ થઈ જતો નથી. યોગ્ય રીતે સ્નાન કરવાથી દેહની શુદ્ધી થાય.

 

શું ગજબનું લખ્યું છે કોઈકે

ઓક્ટોબર 10, 2016

શું ગજબનું લખ્યું છે કોઈકે

બ્લોગ પર તા. ૧૦-૧૦-૨૦૧૬

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું. નીચે મુળ હીન્દી પણ છે.

વરદાન દે છે પ્રભુ તેને જેનું નસીબ ખરાબ હોય છે,

તે કદી નહીં આપે તેને જેની દાનત ખરાબ હોય છે.

ન તો મારો એક હશે ન તો તારા લાખ હશે,

ન વખાણ તારાં થશે ન મારી મજાક થશે,

ગર્વ ન કર શરીરનો, મારું પણ ખાક થશે, તારું પણ ખાક થશે.

જીન્દગીભર બ્રાન્ડેડ બ્રાન્ડેડ કરનારાઓ

યાદ રાખજો કફની કોઈ બ્રાન્ડ નથી હોતી.

કોઈ રડીને દીલ બહેલાવે છે, કોઈ હસીને દર્દ છુપાવે છે.

શું કરામત છે કુદરતની જીવતો મનુષ્ય પાણીમાં ડુબી જાય છે

અને મડદું તરી બતાવે છે.

મોતને જોયું તો નથી, પણ કદાચ એ ખુબસુરત હશે,

કમબખ્ત જે પણ એને મળે છે, કે જીવવાનું છોડી દે છે.

ગજબની એક્તા જોવા મળી લોકોની આ દુનીયામાં

જીવતાને પછાડવામાં અને મરેલાને ઉંચકવામાં.

જીન્દગીમાં કોણ જાણે કઈ વાત આખરી હશે,

કઈ રાત આખરી હશે,

હળતાં મળતાં વાતો કરતા રહો યારો એકબીજા સાથે,

કોણ જાણે કઈ મુલાકાત આખરી હશે.

क्या खूब लीखा है किसीने

बख्श देता है खुदा उनको जिसकी किस्मत खराब होती है,

वह हरगीज नहीं बक्शे जाते हैं जिनकी नियत खराब होती है.

न मेरा एक होगा न तेरा लाख होगा न तारीफ़ तेरी होगी न मजाक मेरा होगा,

गूरूर न कर चाहे शरीर का मेरा भी खाक होगा तेरा भी खाक होगा.

जिन्दगीभर ब्रान्डेड ब्रान्डेड करनेवालों याद रखना कफ़न का कोई ब्रान्ड नहीं होता.

कोई रोकर दिल बहेलाता है कोई हंसके दर्द छुपाता है

क्या करामत है कुदरत का जिन्दा इन्सान पानी में डूब जाता है,

और मुर्दा तैरकर दिखाता है.

मौत को देखा तो नहीं, पर शायद वह खूबसूरत होगी,

कमबख्त जो भी उससे मीलता है जीना छोड देता है.

गजबकी एक्ता देखी लोगों की जमाने में,

जिन्दोंको गिरानेमें और मुर्दों को उठानेमें.

जिन्दगी में न जाने कौनसी बात आखरी होगी, न जाने कौनसी रात आखरी होगी,

मिलते जुलते बातें करते रहो यारो एकदूसरेसे, न जाने कौनसी मुलाकात आखरी होगी.