Archive for જુલાઇ, 2009

મઠો

જુલાઇ 31, 2009

મઠો (૧) દહીંમાં અડધો અડધ પાણી મેળવીને વલોવીને બનાવેલો મઠો કફ કરનાર, બળ આપનાર, સુપાચ્ય એટલે કે સરળતાથી પચી જનાર અને તે અત્યંત આમનાશક છે.

(૨) દહીંમાં ચોથા ભાગનું પાણી નાખીને વલોવવાથી જે ઘાટું દ્રવ તૈયાર થાય તેને જ ‘મઠો’ કહેવામાં આવે છે અને આ મઠો જ બધા પ્રકારોથી અધીક ગુણકારી અને સેવન યોગ્ય છે. આ મઠો સુપાચ્ય, અધીક પૌષ્ટીક, આહાર પર રુચી ઉપજાવનાર, કૃશ વ્યક્તીનું વજન વધારનાર, નબળા આંતરડાને સુધારનાર અને સંગ્રહણી, અપચો, મંદાગ્ની, ગૅસ, આફરા જેવા પાચનતંત્રના રોગોમાં ખુબ જ હીતાવહ અને સેવન યોગ્ય છે. ટાઈફોઈડ મટી ગયા પછી આંતરડાની શીથીલતા દુર કરવા માટે મઠાનું સેવન ઉત્તમ છે.

મગફળી

જુલાઇ 30, 2009

મગફળી : મગફળી અને પીનટ બટરમાં વીટામીન ‘એ’, ‘ઈ’, ફૉલીક ઍસીડ, કેલ્શ્યમ, મૅગ્નેશ્યમ, ઝીંક, આયર્ન અને ફાયબરની ઉંચી ગુણવત્તા છે. તેમાં ઓછા કૉલેસ્ટરોલ સાથે ચરબી પ્રાપ્ત થાય છે. નીયમીત મગફળી ખાનારની કૉલેસ્ટરોલની માત્રા ઓછી હોય છે.

મગફળીથી ડાયાબીટીસની શક્યતા પણ ઘટે છે.

શેકવાથી મગફળીનાં તત્ત્વોમાં વધારો થાય છે. શરીરના જે કોષોને નુકસાન થવાથી કૅન્સર અને હૃદયરોગ થવાનો સંભવ રહે છે તે કોષો મગફળી ખાવાથી સુરક્ષીત રહે છે. મગફળીમાં પ્રોટીન અને સારી જાતની ચરબી પણ હોય છે.

પરંતુ ખારી મગફળી ખાવી ન જોઈએ.

મગફળી જ્યારે શેકવામાં આવે છે ત્યારે કૅન્સર અને હૃદયરોગ સામે રક્ષણ આપનાર તત્ત્વોમાં ૨૨% જેટલો વધારો થાય છે. કેટલાંક ફળોમાં આ તત્ત્વો જેટલા પ્રમાણમાં હોય છે તેટલા જ પ્રમાણમાં મગફળીમાં પણ હોય છે. આથી જો તમે વજન ઘટાડવાના આશયથી મગફળી ખાવાનું છોડી દેશો તો તે યોગ્ય નથી.

મગના લાડુ

જુલાઇ 29, 2009

મગના લાડુ મગ શેકી, લોટ બનાવી, લોટ જેટલું ઘી લઈ કડાઈમાં ધીમા તાપે તવેથાથી હલાવતા જવું. લોટ કંઈક લાલાશ પકડે એટલે તેના ઉપર દુધ છાંટતા જવું. એમ કરતાં દાણો પડે એટલે ચુલા પરથી ઉતારી લઈ, સાકર, બદામ, પીસ્તાં, એલચી, લવીંગ અને મરીનું ચુર્ણ નાખી લાડુ બનાવવા. મગના આ લાડુ શીતળ, વીર્યવર્ધક અને વાતપીત્ત શામક છે. આ લાડુ શીયાળામાં પાકની ગરજ સારે છે.

ભોંયરીંગણી

જુલાઇ 28, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ભોંયરીંગણી એનાં પાન, થડ, ડાળી એમ બધાં જ અંગો પર કાંટા હોવાથી સંસ્કૃતમાં એને કંટકારી કહે છે. ફુલ જાંબુડીયા રંગનાં, ફળ કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે પીળાં થાય છે. એનાં પાંચે પાંચ અંગ-મુળ, પાન, છાલ, ફુલ, ફળ દવામાં વપરાય છે.

ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમી હૃદયરોગ, અરુચી, પાર્શ્વશુળ વગેરે મટાડે છે.

(૧) ભોંયરીંગણીનાં પાકાં, પીળાં ફળ નાના મટકામાં ભરી, તેના મોં પર કપડું બાંધી ઉપર માટીનો લેપ કરી ચુલા પર ચડાવી તપાવવું. અંદરનાં ફળ કાળાં થઈ જાય ત્યારે ઉતારી ચુર્ણ બનાવી બાટલી ભરી લેવી. પા(૧/૪)થી અડધી ચમચી આ ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી ખાંસી, શ્વાસ-દમ, વરાધ-સસણી અને અજીર્ણમાં ખુબ જ ફાયદો થાય છે.

(૨) ભોંયરીંગણીનાં મુળ, ફુલ, ફળ, પાન, છાલ સાથે આખો છોડ સુકવી, ખુબ ખાંડી ચુર્ણ બનાવવું. આ ચુર્ણથી અડધા ભાગની હીંગ મેળવી ચણાના બે દાણા જેટલું ચુર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવું. આનાથી વાયુનું અનુલોમન થઈ ઉગ્ર શ્વાસ(દમ) પણ બેસી જાય છે.

(૩) ભોંયરીંગણીનો રસ બે ચમચી જેટલો દીવસમાં ત્રણ વખત મધ નાખી પીવાથી તમામ જાતના મુત્રરોગ મટે છે. ભોંયરીંગણી મુત્રલ છે.

(૪) લીલાં કે સુકાં પાનને અધકચરાં ખાંડી ઉકાળો કરી પીવાથી શ્વાસ, સસણી, કફવાળી ઉધરસ, મોટી ઉધરસ, લોહીમાં કફનું વધવું વગેરે મટે છે.

(૫) પાનના ઉકાળામાં મગ પકવી રોજ ખાવાથી દમ મટે છે.

(૬) પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.

(૭) દાંત દુ:ખતા હોય, દાંતમાં કૃમી થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરીયા થયો હોય તો ભોંયરીંગણીના બીનું ચુર્ણ પાણી સાથે લેવું.

(૮) ભોંયરીંગણીનો પંચાંગ સાથેનો આખો છોડ સુકવી, અધકચરો ખાંડી ૧૦ ગ્રામ ભુકો બે ગ્લાસ પાણીમાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળીને પીવાથી કાયમી શરદી, કફ, ખાલી ખાંસી તેમ જ ધીમો તાવ રહેતો હોય તો તે મટે છે. વળી એનાથી દમ, સસણી-વરાધ, ખંજવાળ, કૃમી અને હૃદયરોગમાં પણ ફાયદો થાય છે.

(૯) માથામાં ટાલ પડતી હોય તો ભોંયરીંગણીનો રસ અને મધ સરખા ભાગે મીશ્ર કરી લગાવવાથી સારો ફાયદો થાય છે.

(૧૦) ભાોંયરીંગણીનું ચુર્ણ મધમાં ચાટવાથી સુકી ઉધરસ મટે છે.

(૧૧) ભોંયરીંગણીનો આખો છોડ મુળ સાથે ઉખેડી બરાબર ધોઈને છાંયડામાં સુકવી તેના ૧૦ ગ્રામ જેટલા નાના નાના ટુકડા કપડાની પોટલીમાં બાંધી મગ સાથે બાફવાથી ભોંયરીંગણીના પંચાંગના ગુણો મગમાં ઉતરશે, છતાં મગનો સ્વાદ બગડશે નહીં. એમાં આદુ, લસણ વગેરે નાખી ખાવાથી કફ છુટો પડવાથી દમ મટે છે.

(૧૨) ભોંયરીંગણીનાં બીજ સુંઘવાથી નાકમાં ખુબ જ બળતરા થાય છે, છીંકો આવે છે અને પાણી ઝરે છે.

(૧૩) ભોંયરીંગણીનાં જાંબુડીયા ફુલોનાં પીળાં પુંકેસરોને સુકવીને બનાવેલું ચણાના દાણા જેટલું બારીક ચુર્ણ મધ સાથે ચટાડવાથી નાના બાળકોની ખાંસી, શરદી અને સસણી મટે છે.

(૧૪) ભોંયરીંગણીનો રસ દહીં સાથે પીવાથી પથરી મટે છે.

(૧૫) એના રસમાં દહીં મેળવી લેપ કરવાથી માથાની ટાલ અને ઉંદરી મટે છે.

(૧૬) એનો રસ મધ સાથે સરખા ભાગે પીવાથી દમ અને કફના રોગો મટે છે.

ભોંયપાથરી

જુલાઇ 27, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ભોંયપાથરી પાણીવાળી-પીયત વાડીઓમાં બારે માસ થતી આ ભાજી જમીન પર પથરાયેલી હોય છે. એને ગળજીભી પણ કહે છે. એ કડવી, તીખી, શીતળ, વાયુ વધારનાર અને મળને રોકનાર છે. એનાથી કફ તથા પીત્તના રોગો, અરુચી, દમ, પ્રમેહ ચીત્તભ્રમ, વ્રણ, ઉન્માદ, હૃદયના ધબકારા વધી જવા અને શરદીમાં ફાયદો થાય છે. એનાથી રક્તવીકાર અને ચામડીના રોગો પણ મટે છે. એ માટે આંતરે દીવસે એની ભાજી ખાવી કે એના પાનનો ત્રણ ચમચી રસ સવાર-સાંજ પીવો. જુના કે વારંવાર થતા મૅલેરીયામાં ભોંયપાથરી અને અરણીના મુળનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ ફાકવાથી લાભ થાય છે.

ભાંગરાના ઉપયોગ

જુલાઇ 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ભાંગરાના ઉપયોગઃ (૧) ભાંગરો અજમા સાથે લેવાથી પીત્તનું જોર નરમ પડે છે.

(૨) ભાંગરાના કોગળા કરવાથી દાંતની તકલીફ મટે છે.

(૩) ભાંગરાનાં પાન, જાયફળ, વાવડીંગ, ચીત્રક, તગર, ગંઠોડા , તલ, શંખાવલી, અસીંદરો, રક્તચંદન, સુંઠ, લવીંગ, કપુર, આંબળાં, મરી, પીપર, તજ, એલચી, નાગકેસર દરેક ૨૦-૨૦ ગ્રામનું બારીક ચુર્ણ બનાવી તેને ભાંગરાના રસની ભાવના આપવી. આ ચુર્ણ પેટના અનેક રોગો મટાડે છે. હરસ અને યકૃતના રોગો પણ મટાડે છે.

(૪) ભાંગરો, શંખાવલી, બ્રાહ્મી, અંઘેડો, માલકાંગણી, ઉપલેટ, હરડે, આમળાં, ગુગળ, જીરુ, વજ અને ગરમાળાનો ગોળ દરેક ૧૦-૧૦ ગ્રામનું ચુર્ણ બનાવી તેને ભાંગરાના, અંઘેડાના અને બ્રાહ્મીના રસની ભાવના આપી નાની નાની ગોળી બનાવવી. એનાથી ઉન્માદ, અપસ્માર, બાળકોનું ઉંઘમાંથી ઝબકીને જાગી જવું, વીચારવાયુ, મગજનું અસ્થીરપણું વગેરે વ્યાધીઓમાં રાહત થાય છે. આ ગોળી ગાયના તાજા દુધ સાથે અથવા સહેજ ગરમ કરેલા ઘી સાથે લેવી.

(૫) ભાંગરાનો પા ચમચી રસ એક કપ જેટલા દુધમાં નાખી સવાર-સાંજ પીવાથી કફના રોગો શાંત થાય છે અને મૅલેરીયા પછી વધી ગયેલી બરોળ મુળ સ્થીતીમાં આવી જાય છે, જીર્ણ જ્વર મટે છે. આ ઉપચાર-પ્રયોગ ૧૦થી ૧૫ દીવસ કરવો.

(૬) દીવાળી વખતે ભાંગરાનો છોડ મુળ સહીત ઉખેડી, છાંયડામાં સુકવી, ખુબ ખાંડી બારીક ચુર્ણ બનાવવું.  પાથી અડધી ચમચી ભાંગરાનું ચુર્ણ પાણી સાથે લેવાથી લીવર અને બરોળના રોગો, કમળો, હરસ અને ઉદર રોગોમાં ફાયદો થાય છે.

(૭) અડધી ચમચી ભાંગરાનો રસ એક ગ્લાસ દુધમાં સવારે અને સાંજે ૧૫-૨૦ દીવસ પીવાથી કફના પ્રકોપથી થતા રોગો, જીર્ણ મૅલેરીયા અને બરોળની વૃદ્ધીવાળો ઘણા સમયનો જીર્ણજ્વર મટે છે.

(૮) અડધી ચમચી ભાંગરાનો રસ બે ચમચી ઘીમાં મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.

(૯) નીત્ય યુવાન રહેવા માટે રોજ રાત્રે અડધી ચમચી ભાંગરાનો રસ, એક ચમચી ઘી અને દોઢ ચમચી સાકર એક ગ્લાસ દુધમાં નાખી પીવું.

(૧૦) ભાંગરાનો રસ મધ સાથે ચાટવાથી છાતીમાં ભરાયેલો કફ છુટો પડે છે.

(૧૧) ભાંગરાનું ચુર્ણ અડધી ચમચી અને કાળા તલ બે ચમચી ભેગા વાટી ઘી સાથે ચાટવાથી સારી શક્તી આવે છે. લીવર કામ ન કરતું હોય, વારંવાર ઝાડા થઈ જતા હોય તો આ ઉપચાર કરવો.

ભાંગરાનું તેલ : ભાંગરાનો રસ અઢી લીટર, મેંદીનાં પાન ૨૫૦ ગ્રામ, ગળીનાં પાન ૨૫૦ ગ્રામ, આમળાં ૫૦૦ ગ્રામ, જેઠી મધ ૧૨૫ ગ્રામ, જટામાંસી ૨૫૦ ગ્રામ. બધાં ઔષધોને બારીક વાટી ભાંગરાના રસમાં મેળવવાં. મળી શકે તો વાટેલી બ્રાહ્મી ૨૫૦ ગ્રામ મેળવી એમાં તલનું તેલ દોઢ કીલો નાખી ધીમા તાપે પકાવવું. પાણીનો ભાગ ઉડી જાય અને તેલ બાકી રહે ત્યારે ઉતારી ઠંડુ પાડી ગાળી લેવું. તેમાં વાળો, સુખડ-ચંદન, કપુર પૈકી કોઈ પણ એકનો જરુર પુરતો પાઉડર નાખી થોડા દીવસ રાખી ગાળી લેવું, જેથી જરુરી સુગંધ આવશે. એ માથામાં નાખવા વપરાય છે.

ભાંગરો

જુલાઇ 22, 2009

ભાંગરો : અતી ભીનાશવાળી જમીનમાં ઉગનાર ભાંગરો આપણા દેશમાં બધે જ થાય છે. આ અતી ઉપયોગી ભાંગરાને નકામું ઘાસ ગણી ખેતરમાંથી કાઢી નાખવામાં આવે છે. ભાંગરો ચોમાસામાં ખાડા-ખાબોચીયામાં તેમ જ પાણીવાળી જમીનમાં બધે જ ઉગી નીકળે છે. અને પાણી મળતું રહે ત્યાં બારે માસ રહે છે. તેના છોડ અડધાથી એક ફુટ ઉંચા કે કેટલીક જગ્યાએ બેથી અઢી ફુટ ઉંચા થાય છે. પાન સામસામાં, બરછટ આછી છાંટવાળાં, ધાર પર દાંતાવાળાં અને લહેરીયાવાળાં હોય છે. તેનાં ફુલ સફેદ અને ફળ કાળાં હોય છે. છોડ સુકાયા પછી કાળા પડી જાય છે. એની ત્રણ જાત થાય છે. સફેદ, પીળો તથા કાળો. એનાં પાન કરકરીઆવાળાં, ભાલાના આકારનાં અને દાડમ જેવાં જ હોય છે. એ મોટે ભાગે ચોમાસામાં તળાવ, નહેર કે નદીનાળા આગળ ઉગી નીકળે છે. ઔષધ તરીકે ભાંગરાનો રસ વપરાય છે. એનો રંગ કાળા ભમરા જેવો હોવાથી તથા તે ભમરા જેમ સુંદર દેખાતો હોવાથી એને ભૃંગરાજ કહેવામાં આવે છે.

ભાંગરો સ્વાદમાં તીખો, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, કફ અને વાયુને હરનાર, વાળ માટે ગુણકારી, રસાયણ અને બળ આપનાર છે. તે શ્વાસ, ઉધરસ, આમ, કૃમી, સોજા, પાંડુ-રક્તાલ્પતા, કોઢ, ઉંદરી, ખોડો તથા શીર:શુળ મટાડે છે. એ કૃમીઘ્ન, રસાયન, પૌષ્ટીક તથા પીત્તશામક છે. તે નેત્ર તથા કેશ માટે ઉત્તમ છે. ત્વચા, દાંત તથા માથાના રોગ મટાડે છે. ભાંગરાનો રસ યકૃત અને બરોળની તકલીફ, અજીર્ણ, હરસ, આમવાત, મસ્તકશુળ, વાળ સફેદ થવા, ચામડીનાં દર્દો વગેરે મટાડે છે. એનાં પાન તથા થડનું પાણી પીવાથી આંખનું તેજ વધે છે, વીર્યબળમાં વધારો થાય છે, ઉધરસ તથા સળેખમ મટે છે. કોઢ, આંચકી કે અપસ્માર, વધરાવળ, છાતીનાં દર્દો વગેરેમાં પણ ઉપયોગી છે. ભાંગરો રસાયન ગુણવાળો હોવાથી તેનું રોજ સેવન કરનાર માણસો જલદી વૃદ્ધ થતાં નથી અને દીર્ઘજીવી બને છે. એ હૃદયરોગ મટાડનાર, વીષઘ્ન, વાયુનું અનુલોમન કરનાર તથા કામોત્તેજક છે.

બ્રાહ્મી ઘૃત

જુલાઇ 21, 2009

બ્રાહ્મી ઘૃત કઠ, વજ અને શંખાવળી સરખા વજને લઈ પેસ્ટ બનાવી તેમાં બ્રાહ્મીનો રસ અથવા એનો ઉકાળો ૪૦૦ ગ્રામ, ગાયનું ઘી ૪૦૦ ગ્રામ અને ગાયનું દુધ ૪૦૦ ગ્રામ મેળવી, ધીમા તાપે ઉકાળી માત્ર ઘી બાકી રહે ત્યારે ગાળી લેવું. અડધી ચમચી જેટલું આ ઘી સવાર-સાંજ લેવાથી કોઢ, અપસ્માર-વાઈ, ઉન્માદ-ગાંડપણ, મગજની નબળાઈ તથા મંદાગ્ની મટે છે. કંઠ-અવાજ સુધરે છે. બુદ્ધી, કાંતી અને સ્મરણ શક્તીમાં વધારો થાય છે.

બોરસલી

જુલાઇ 19, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બોરસલી : બોરસલીને સંસ્કૃતમાં બકુલ કહે છે. એના થડની છાલ કાળાશ પડતી હોય છે. એ ઉદ્યાનોમાં અને જંગલોમાં ખુબ જોવા મળે છે.

(૧) દાંત હાલતા હોય, દાંતનાં પેઢાં કમજોર થઈ ગયાં હોય તો સવારે દાંત સાફ કર્યા પછી બોરસલીની છાલનો ઉકાળો ઠંડો કરી મોંમાં ૧૦થી ૧૫ મીનીટ ભરી રાખવો. તેમ જ બોરસલીના બીનું બારીક ચુર્ણ રોજ રાત્રે ધીમે ધીમે દાંત અને પેઢા પર ઘસવું.

(૨) બોરસલ્લીના મુળની છાલનો અડધી ચમચી કલ્ક(પેસ્ટ) રોજ સવારે દુધ સાથે પીવાથી ઘરડા માણસોના દાંત પણ મજબુત થાય છે, કેમ કે બોરસલ્લીની છાલ, બીજ અને તાજાં દાતણ દાંત માટે ખુબ સારાં છે. દાંતની તકલીફવાળાએ બોરસલ્લીનું દાંતણ રોજ કરવું જોઈએ.

(૩) બોરસલ્લીનાં બીજ પાણીમાં પથ્થર પર ઘસી ચાટણ બનાવી સવાર-સાંજ લેવાથી અતીસારમાં થતા પાતળા ઝાડા મટી જાય છે.

(૪) ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં બોરસલીનાં ચાર ફુલ અધકચરાં વાટી રાત્રે પલાળી રાખવાં. સવારે આ પાણી ગાળી બબ્બે ચમચી સવારે, બપોરે અને રાત્રે બાળકોને પીવડાવવાથી સુકી ઉધરસ, વરાધ અને કફના રોગો મટે છે.બોરસલી

બોરડી

જુલાઇ 18, 2009

બોરડી બોરડીનાં પાન વાટી ચટણી જેવું બનાવી ઘીમાં શેકીને સીંધવ નાખી ચાટી જવાથી બેસી ગયેલો અવાજ તથા ઉધરસ મટે છે.