Archive for ઓગસ્ટ, 2016

જગતના જીવનારાઓ

ઓગસ્ટ 17, 2016

એક પ્રસંગને કારણે નીચે જે થોડી પંક્તીઓ હું આપવા જઈ રહ્યો છું એમાંની એક પંક્તી ઈન્ટરનેટ પર શોધી જોઈ, પણ મળી નહીં. આથી હું અહીં મુકું છું. મને એના રચયીતાની જાણ નથી, આથી નામ આપી શકતો નથી તે બદલ દીલગીર છું. વર્ષો પહેલાંથી મારા સંગ્રહમાં આ પંક્તીઓ છે. એકાદ શબ્દનો ફેર કર્યો છે, જોડણી પહેલાં હતી તે સાર્થ જોડણીકોષ મુજબ જ રાખી છે. એક વ્યક્તી સાથે વાત કરતાં આ પંક્તીઓનો અર્થ સમજાવવાની જરુર છે, પણ અત્યારે તો એ મુલતવી રાખું છું.

જગતના જીવનારાઓ

 જગતના જીવનારાઓ સહન કરતાં શીખી લેજો

જીરવજો ઝેર દુનિયાનાં બીજાને આપજો અમૃત

કદી કોઈ શિષ કાપે તો

નમન કરતાં શીખી લેજો

નથી કંઈ સુખમાં શાંતિ નથી કંઈ દુઃખમાં શાંતિ

અહીં તો સુખ દુઃખ સરખાં

જીવન જીવતાં શીખી લેજો

સાંધા દુખવા

ઓગસ્ટ 8, 2016

સાંધા દુખવા

બ્લોગ પર તા. 9-8-2016

એક દીવસ હું જ્યારે ટેબલ ટેનીસ રમવા ગયો ત્યારે મારા જમણા હાથના કાંડામાં દુખાવો થતો હતો. ટેબલટેનીસનું રેકેટ (બેટ) પકડતી વખતે પણ દુખાવો થતો હતો. રમીને આવ્યા બાદ બપોર પછી આવેલી ઈમેલ જોઈ તેમાં ભાઈ શ્રી પીયુષભાઈએ મોકલાવેલ એક વીડીઓ ક્લીપ હતી. એમાં ભાઈ ચુનયી લીન ઘુંટણના દુખાવાની એક સાદી પણ બહુ જ અસરકારક ટેકનીક બતાવે છે. મેં એ ટેકનીક મારા કાંડા પર અજમાવી અને મોટા ભાગનો દુખાવો થોડી વારમાં જ ગાયબ થઈ ગયો. ચુનયી લીન કહે છે કે 90% દુખાવો મીનીટોમાં જ મટી જાય છે.

ભાઈ શ્રી ચુનયી લીન તો આ ટેકનીક ઘુંટણના દુખાવા માટે કહે છે, પણ મારા અનુભવ મુજબ શરીરના કોઈ પણ સાંધામાં દુખાવો થતો હોય તેમાં પણ આ ટેકનીક કામ આવી શકે છે. જે સાંધામાં દુખાવો થતો હોય તેની નજીકનું ઉર્જાબીન્દુ (energy point) શોધી ત્યાં માલીશ કરવી. સામાન્ય રીતે આ ઉર્જાબીન્દુ શરીરના દરેક સાંધા પાસે અસ્થીબંધન (ligament) ઉપર હોય છે. જો કે આ ઉર્જાબીન્દુની પણ બહુ ચીંતા કરવાની જરુર નથી. સાંધા નજીકના અસ્થીબંધનનો ખ્યાલ મેળવવો જોઈએ. શરીરના દરેક સાંધાની આસપાસ અસ્થીબંધન હોય છે. સાંધા એટલે બે હાડકાં જ્યાં જોડાય છે તે. અસ્થી એટલે હાડકું. બે હાડકાંને જોડે તે અસ્થીબંધન બહુ જ મજબુત કોષોનું બનેલું હોય છે, અને એને સ્પર્શ કરવાથી આપણે એને એક સખત દોરીની જેમ અનુભવી શકીએ. ઘુંટણ આગળના અસ્થીબન્ધનનો ખ્યાલ સહેજ વાંકા વળવાથી આવી શકે, જે ઘુંટણની બન્ને તરફ હોય છે. જો કે શરીરમાં ચરબીના થર વધુ પડતા હોય તો એનો ખ્યાલ જરા મુશ્કેલ હશે.

કોઈ પણ સાંધાનો દુખાવો મટાડવા એની નજીકના અસ્થીબંધનની માલીશ કરવી. આ માલીશ અંગુઠા કે આંગળાં વડે વીણાના તારને વગાડતા હોઈએ તે રીતે કરવાની હોય છે. માલીશને બદલે ખરેખર તો કહેવું જોઈએ કે આપણે કોઈ તંતુવાદ્ય હાથની આંગળી કે અંગુઠા વડે વગાડતા હોઈએ તેમ જ કરવાનું છે, એટલે કે અસ્થીબંધન જે તાર જેવું જ માલમ પડે છે તેને વગાડવાનું છે. સામાન્ય રીતે એકી વખતે એક અસ્થીબંધનને એકાદ મીનીટ સુધી ચોળવું- એ તાર વગાડવો. બંને ઘુંટણમાં દુખાવો હોય તો વારા ફરતી બંને તરફ એ મુજબ કરવું. દુખાવો રહેતો હોય તો સમય મળે ત્યારે થોડી થોડી વારે તાર વગાડતા રહેવાથી ખુબ જ રાહત રહે છે.

મારા જમણા કાંડામાં દુખાવો થાય છે, આથી એની માલીશ કરવા માટે ડાબા હાથ વડે જમણા કાંડા નજીકના અસ્થીબંધનને દબાવી રાખી ડાબી-જમણી તરફ ઘુમાવું છું. એ રીતે અસ્થીબંધન પર વધુ દબાણ આપી શકાય છે. જો કે અંગુઠા કે આંગળા વડે પણ એની માલીશ તંતુવાદ્ય વગાડતા હોઈએ એ રીતે કરી શકાય.

ડોકમાં દુખાવો થતો હોય ત્યાં પણ આ રીતે માલીશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. જ્યાં દુખાવો હોય તે જ જગ્યાએ માલીશ કરવાની નથી, પણ અસ્થીબંધનને વીણાના તારને જે રીતે આંગળાં કે અંગુઠા વડે વગાડીએ તે રીતે એ દુખાવાને આનુષંગીક અસ્થીબંધનની માલીશ કરવાની છે, જેને ઉર્જાબીંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે.