Archive for the ‘ધર્મ’ Category

પ્રાર્થના

મે 10, 2017

પ્રાર્થના

(બ્લોગ પર તા. 10-5-2017)

મને મળેલા એક અંગ્રેજી ઈમેલ પરથી

કોઈકે પ્રાર્થનાનું બહુ સુંદર અર્થઘટન કર્યું છે.

પ્રાર્થના એટલે શું? આપણે ઘુંટણીએ પડીએ કે બે હાથ જોડીને એકાગ્ર બની ભગવાન પાસે કંઈકની માગણી કરીએ એટલે પ્રાર્થના? ના એને કંઈ પ્રાર્થના કહેવાય? એ પ્રાર્થના નથી.

વીધાયક-હકારાત્મક, પોઝીટીવ વીચારો કરવા અને બીજાંઓનું ભલુ ઈચ્છવું એ પ્રાર્થના છે.

જ્યારે તમે તમારા મીત્રને પ્રેમથી ભેટો છો, ત્યારે પ્રાર્થના થઈ ગણાય.

તમે તમારા પરીવાર અને મીત્રો માટે સુંદર રસોઈ બનાવો છો, એ છે પ્રાર્થના.

જ્યારે તમે તમારાં પ્રીયજનને વીદાય આપો છો અને કહો છો, “સાચવીને ડ્રાઈવ કરજો” કે “સંભાળીને જજો.” એને પ્રાર્થના કરેલી કહેવાય. વળી એમાં ખરેખર દીલનો સાચો ભાવ અને ભીની લાગણી નીતરતાં હોય છે. એટલે એને પ્રાર્થના કરેલી કહેવાય.

તમે જ્યારે જરુરતમંદને તમારાં સમય અને શક્તીનો ભોગ આપી મદદ કરો છો ત્યારે તમે પ્રાર્થના કરો છો.

તમે જ્યારે સાચા હૃદયથી કોઈકને માફી આપો છો, ત્યારે એ પ્રાર્થના છે.

પ્રાર્થના એ હૃદયનું સ્પંદન છે, એક લાગણી, એક સ્ફુરણા. પ્રાર્થના એટલે પ્રેમનો પોકાર, મૈત્રી, સાચુકલો સંબંધ. પ્રાર્થના એટલે તમારા મૌન અસ્તીત્વનું પ્રાગટ્ય.

હંમેશાં પ્રાર્થનામાં જ રહો, આશીર્વાદ વરસાવતા રહો, અને સહુના પર આશીર્વાદ વરસતા રહે એવી ભાવના સેવતા રહો.

કોઈકે ગાયું છે ને,

 

મૈત્રીભાવનું પવીત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકલ વીશ્વનું એવી ભાવના નીત્ય રહે

આ ભાવના એ છે પ્રાર્થના.

પ્રભુની આજ્ઞા

જાન્યુઆરી 8, 2017

પ્રભુની આજ્ઞા

બ્લોગ પર તા. ૮-૧-૧૭

પિયુષભાઈના ઈમેલ પરથી અંગ્રેજીમાંથી ગુજરાતીમાં

આ વીડીઓના અંતે નોંધ હતી, “SHARE TO BLESS OTHERS”

નાનકડા પરીવારવાળી એક બહુ જ ગરીબ મહીલાએ રેડીઓ સ્ટેશનને ફોન કરી ભગવાન વતી મદદની માગણી કરી. એક નાસ્તીક આ રેડીઓ પ્રોગ્રામ સાંભળતો હતો. એને આ મહીલાની મજાક કરવાની ઈચ્છા થઈ. એણે સરનામું લીધું, એની સેક્રેટરીને ફોન કર્યો અને સારા એવા પ્રમાણમાં ભોજન સામગ્રી ખરીદવાનું કહ્યું, અને આ મહીલાના સરનામે બધું પહોંચાડવા જણાવ્યું. સાથે સાથે સુચના આપી, “જ્યારે એ બહેન પુછે કે આ બધું ખાવાનું કોણે મોકલ્યું? ત્યારે એને કહેજો કે એ તમને શેતાન તરફથી મોકલવામાં આવ્યું છે.”

બપોર પછી મોડી મોડી પેલી સેક્રેટરી આ મહીલાના ઘરે પુશ્કળ ખાવાનું લઈને આવી પહોંચી. મહીલા મદદ આવેલી જોઈને ખુશખુશાલ થઈ ગઈ, અને મદદ બદલ આભારની લાગણી વ્યક્ત કરી.

“આ મદદ કોણે મોકલી છે એ તમે જાણવાનું ઈચ્છતાં નથી બહેન?” સક્રેટરીએ પુછ્યું.

એ મહીલાએ જવાબ આપ્યો, “ના, જેણે પણ મદદ મોકલી હોય તેને ‘થેન્ક યુ’ કહેજો! કોણે મદદ મોકલી એની મને કોઈ ચીંતા નથી, કેમ કે હું જાણું છું કે જ્યારે પ્રભુ આજ્ઞા કરે ત્યારે શેતાને સુધ્ધાં એનો અમલ કરવો જ પડે.”

અપવિત્રઃ પવિત્રો વા

ઓક્ટોબર 14, 2016

અપવિત્રઃ  પવિત્રો  વા

(બ્લોગ પર તા. 14-10-2016)

હીન્દુ ધર્મની પુજાવીધીઓમાં બહોળા પ્રમાણમાં બોલાતા એક શ્લોકની વાત કરવી છે. એ શ્લોક છે:

अपवित्रः पवित्रो वा सर्वावस्थाંगतोऽिप  वा ।

यः स्मरेत्पुंडरीकाक्षं  स बाह्याभ्यंतरः शुचिः ॥

મેં જ્યારે હીન્દુ ધર્મની વીધીઓ કરવાનું શરુ કર્યું ત્યારે મને આ શ્લોકના सर्वावस्थाંगतोऽिप वा શબ્દોનો અર્થ સમજાતો ન હતો. આથી ઘણા લોકોને મેં એનો અર્થ જાણવા પુછેલું. આ શ્લોકના બાકીના બધા શબ્દો હું સમજી શકતો હતો.

આ શ્લોક બોલતી વખતે પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને એને પવીત્રીકરણનો શ્લોક કહેવામાં આવે છે. મને લાગે છે કે એની પાછળનું કારણ એમાં સાથે સાથે આવતા પવિત્ર અને અપવિત્ર શબ્દોને કારણે અર્થ બરાબર ન જાણતા લોકોએ આવું ખોટું અર્થઘટન કર્યું હશે. જુદા જુદા લોકોને મેં એનો અર્થ જાણવા કરેલી પૃચ્છા પરથી પણ એવું જણાય છે.

સંસ્કૃત બરાબર જાણતા ન હોય તે લોકોને અર્થ પુછીએ તો મોટા ભાગના લોકો તરત જ કહેશે, જે અપવીત્ર હોય તે પવીત્ર થાય છે. પણ એ અર્થ તો અહીં નથી.

अपवित्रः पवित्रः वा સંસ્કૃત वा શબ્દનો અર્થ છે અથવા. એટલે અહીં તો કહ્યું છે કે અપવીત્ર હોય કે પવીત્ર હોય. અહીં સંસ્કૃત ભાષાનું અદ્ભુત સૌંદર્ય પણ જોવા મળે છે, કેટલી સચોટ રીતે અને સરળ શબ્દો વડે રજુઆત કરવામાં આવે છે. ઉપર કહ્યું તેમ મને મુશ્કેલી હતી માત્ર सर्वावस्थाંगतोऽिप वा સમજવામાં. આથી જ્યારે હું કોઈને  પુછતો ત્યારે હું કહેતો કે મને અમુક બાબત આ શ્લોકમાં સમજાતી નથી માટે જ તમને પુછું છું, કોઈ પરીક્ષા માટે નહીં, આથી તમને આ શ્લોકનો અર્થ ખબર હોય તો કહો. પણ મોટા ભાગના લોકોએ એમને ખબર નથી એમ કહ્યું નથી, અને પુછતાં જ કહેશે “જે અપવીત્ર હોય તે પવીત્ર થાય છે”. હા, એકવાર એક જણ જે એમ.એ.માં સંસ્કૃત વીષયમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવી સુરતની એમ.ટી.બી. કૉલેજમાં લેક્ચરર રહી ચુકેલ વ્યક્તીની સાથે વાત થયેલી, એમણે કહેલું કે આ શ્લોકનો અર્થ એમને ખબર નથી. નીખાલસતાથી કબુલ કરેલું કે “મને તો અમારા અભ્યાસક્રમમાં જે ભણવામાં આવેલું હોય તે જ આવડે છે.” જે વ્યક્તીએ આ કબુલાત કરેલી તેમની સાથે મારે ઘણો નીકટનો પરીચય છે.

એક વાર બ્રાહ્મણનો ઈન્ટર્વ્યુ લેવા માટે મને બોલાવેલો. એમને આ શ્લોક મેં પુછેલો, અને એમનો જવાબ પણ એવો જ હતો, ‘અપવીત્ર હોય તે પવીત્ર થાય.’ પણ એમણે પણ અર્થની ખબર નથી એવું કહ્યું ન હતું. આ વખતે તો મને અર્થની જાણ હતી, એની પરીક્ષા માટે જ મેં પુછેલું, જેમાં એ નીષ્ફળ નીવડ્યા હતા.

હું તો સંસ્કૃત માત્ર હાઈસ્કુલનાં ત્રણ વર્ષો દરમીયાન જ ભણ્યો છું. અને એ પણ ઘણાં  વર્ષો પહેલાં, (એ વર્ષો એટલે 1953થી 1956નાં વર્ષો) આથી અન્વય કરવાથી સંસ્કૃતના શ્લોકોનો અર્થ નીકળી શકે તે વાત હું ભુલી ગયો હતો. એ હકીકત મને અહીં વેલીંગ્ટનમાં જ રહેતા રમેશભાઈ જેમણે મુખ્ય વીષય ગુજરાતી અને પેટા વીષય સંસ્કૃત સાથે એમ.એ. કરેલું તેમણે યાદ અપાવી હતી. આથી મને જે સમજાતું ન હતું તે सर्वावस्थाંगतोऽिप वा સમજવા માટે એમણે મને કહેલું કે અન્વય કરતાં सर्व अपि अवस्थान् गतः वा અર્થ નીકળી શકે છે.  सर्व अपि એટલે કોઈ પણ. “અથવા કોઈ પણ અવસ્થામાં મુકાયા હો” એવો અર્થ આ શબ્દોનો છે. અહીં સંસ્કૃત કાવ્યમાં અંત્ય પ્રાસ માટે वा શબ્દ છેલ્લે છે તે આપણે ગુજરાતીમાં ગદ્ય લખાણમાં અર્થ સમજવા માટે પહેલાં લેવો પડે.

આ શ્લોકનો અર્થ ખુબ જ મહત્ત્વ ધરાવે છે, આથી એને દરેક પુજાની શરુઆતમાં બોલવામાં આવે છે. આ પહેલાં કહ્યું તેમ પુજાની શરુઆતમાં જ એ બોલાતો હોવાથી અને  અપવીત્ર તથા પવીત્ર શબ્દો પહેલા જ આવતા હોવાથી અજ્ઞાન લોકોએ એને પવીત્રીકરણનો શ્લોક કહી દીધો. જાણે કે પાણીનો છંટકાવ કરવાથી જ જે અપવીત્ર હોય તે પવીત્ર થઈ જાય છે. ખરેખર એમ નથી.

સંસ્કૃતનો वा શબ્દ તો મહાભારતમાં  પાંડવ-કૌરવોના યુદ્ધ વખતે યુધીષ્ઠીરે પોતે સત્યથી ચ્યુત નથી થતા એવું આશ્વાસન લેવા કહેલું नरो वा कुंजरो वा એના કારણે બહુ જ જાણીતો છે. એને લઈને જ આપણે કેટલીક વખત કહીએ છીએ કે ‘એ તો નરો વા કુંજરો વા’ જેવું કરે છે. સંસ્કૃત ભાષાની કમનીયતા અહીં પણ જોઈ શકાશે. ગુજરાતીમાં તો नरो वा कुंजरो वा એટલે ‘ક્યાં તો નર અથવા હાથી’.

આ શ્લોકનો સામાન્ય શબ્દાર્થ અને પછી એનો વધુ વીગતવાર અર્થ જોઈએ.

“(તમે) અપવીત્ર હો કે પવીત્ર હો, અથવા કોઈ પણ અવસ્થામાં મુકાયા હો, પણ જે ભગવાનનું સ્મરણ કરે છે, તેનું આંતર બાહ્ય બધું જ શુદ્ધ અને પવીત્ર થઈ જાય છે.”

અપવીત્ર અને પવીત્ર શબ્દો તો સમજવાના સહેલા છે, પણ તમે કોઈ પણ અવસ્થામાં હો (સંસ્કૃતમાં શબ્દ છે गतः એનો ધાતુ છે गम  એટલે જવું) એટલે કે જઈ પડ્યા હો. અહીં અવસ્થા એટલે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વસ્થ અવસ્થા, અસ્વસ્થ અવસ્થા, સમૃદ્ધ અવસ્થા, ગરીબ અવસ્થા, સબળ અવસ્થા, નીર્બળ અવસ્થા વગેરે જે કંઈ તમે કલ્પી શકો તે અવસ્થા હોય, (પણ) જે પુંડીરીકાક્ષ એટલે ભગવાનનું સ્મરણ કરે છે, પણ ભગવાનનું સ્મરણ એટલે રામ, રામ, રામ જપવું તે? કે તમારા ઈષ્ટ દેવના નામનો જપ કરવો તે? મને નથી લાગતું કે એવા અર્થમાં અહીં સ્મરણ શબ્દ વપરાયો છે. હીન્દુ ધર્મની માન્યતા મુજબ જન્મ પહેલાં તો મનુષ્યને પોતે આત્મા છે અને પરમાત્માનો અંશ છે એનું સ્મરણ હોય છે, પણ જન્મતાંની સાથે જ એનું વીસ્મરણ થઈ જાય છે. ફરીથી જેને એનું સમરણ થાય છે તેનું આંતર-બાહ્ય બધું જ શુદ્ધ અને પવીત્ર થઈ જાય છે. સંસ્કૃત शुचि શબ્દમાં શુદ્ધ અને પવીત્ર એ બંને અર્થ રહેલા છે.

આમ અહીં પવીત્ર થવાની વાત તો છે, પણ પવીત્રીકરણ કરવાનો અર્થ તો નથી. પાણી છાંટીને કોઈ કોઈને પવીત્ર કરી શકતું નથી. માત્ર પાણી છાંટવાથી દેહ પણ શુદ્ધ થઈ જતો નથી. યોગ્ય રીતે સ્નાન કરવાથી દેહની શુદ્ધી થાય.

 

ભગવાનનો ઈન્ટરવ્યુ

ફેબ્રુવારી 2, 2016

ભગવાનનો ઈન્ટરવ્યુ

(બ્લોગ પર તા. ૨-૨-૨૦૧૬)

ફ્લોઈડ હોલ્ડમન, વીલી હોલ્ડમન અને રિચર્ડ હોલ્ડમનના સૌજન્યથી

અંગ્રેજી પરથી ગુજરાતીમાં- ગાંડાભાઈ

(પીયુષભાઈ પરીખના ઈમેલમાંથી મળેલું)

મને એક વાર સ્વપ્ન આવ્યું કે મેં ભગવાનનો ઈન્ટરવ્યુ કર્યો.

“હા, તો તું મારો ઈન્ટરવ્યુ લેવા માગે છે ખરું?” ભગવાને પુછ્યું.

“જો આપની પાસે સમય હોય તો” મેં કહ્યું.

“મારી પાસે સમય?” ભગવાન કહે, “મારો સમય તો શાશ્વત છે, તારે મને કયા પ્રશ્નો પુછવા છે?”

“માનવજાત બાબત તમને સૌથી વધુ આશ્ચર્ય શાનું થાય છે?”

ભગવાને જવાબ આપ્યો, “માનવો બાલ્યાવસ્થામાં કંટાળી જાય છે અને જલદી જલદી મોટાં થવાનું ઈચ્છે છે, અને પછી પાછાં છેવટે બાળક બનવાની ઈચ્છા સેવે છે.”

“પૈસા કમાવા પાછળ પોતાની તબીયત બગાડે છે, અને પછી દવાદારુમાં કામયેલા પૈસા વાપરી નાખે છે.”

“સતત ભવીષ્યની ચીંતા કરવામાં વર્તમાનને વીસારે પાડે છે અને નથી એ વર્તમાનમાં જીવતો કે નથી તો ભવીષ્યમાં.”

“વળી એ જીવે તો જાણે એવી રીતે કે એ કદી મરવાનો જ નથી, અને મરે છે એ રીતે કે કદી જીવ્યો જ ન હતો. આ બધી બાબતો આશ્ચર્યજનક છે.”

ભગવાને મારો હાથ એના હાથમાં લીધો, અને અમે કેટલીક ક્ષણો મૌન બેસી રહ્યા. મેં પુછ્યું, “એક પીતા તરીકે તમે તમારાં બાળકોને કયા પાઠ, શો બોધ આપવાનું, શું શીખવવાનું પસંદ કરશો?”

ભગવાને સ્મીત વેરતાં જવાબ આપ્યો, “હું ઈચ્છું કે તેઓ એટલું સમજે કે પોતાની જાતની બીજા સાથે તુલના કરવી નહીં. મારાં બાળકો જાણે કે તમને ચાહવા માટે તમે કોઈને ફરજ પાડી ન શકો, પણ પોતાની જાતને બીજાં લોકો ચાહે તેને માટે યોગ્ય બનાવે. હે બાળકો, તમે એટલું શીખો કે ખરો ધનવાન તે નથી જેની પાસે અઢળક સંપત્તી છે, પણ જેની જરુરીયાત ઓછામાં ઓછી છે તે ધનવાન છે. તમારે શીખવું જોઈએ કે તમે ક્ષણવારમાં તમારા પ્રીયજનને દુખના જખમ પહોંચાડી શકો, પણ એને રુઝાતાં વર્ષોનાં વર્ષો લાગી જાય. માફ કરતાં શીખો- ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જાણો કે એવાં માણસો પણ છે કે જે તમને ખુબ જ ચાહે છે, પણ તેઓને ખ્યાલ નથી કે પોતાનો પ્રેમ તમારી સમક્ષ કઈ રીતે વ્યક્ત કરવો, પોતાની લાગણી કેવી રીતે જણાવવી. હું મારાં બાળકોને એ શીખવવા ચાહું છું કે બે વ્યક્તી એકી સાથે એક જ વસ્તુને જુદી જુદી રીતે જોતી હોય છે. માત્ર બીજાંઓ જ તમને માફ કરી દે એટલું પુરતું નથી, પણ તમારે પણ તમારી જાતને માફ કરવી જોઈએ.”

આપના સમય બદલ હાર્દીક આભાર. “બીજું કંઈ તમારા બાળકોને તમે કહેવા ચાહો છો?”

“હા, જાણો કે હું અહીં જ છું હંમેશ માટે.”

 

સુવાક્યો

નવેમ્બર 20, 2015

સુવાક્યો

બુદ્ધવચન

(બ્લોગ પર તા. ૨૦૧૧૨૦૧૫)

બુદ્ધને કોઈકે પુછ્યું, “ધ્યાન કરવાથી તમને શું મળ્યું?”

બુદ્ધે કહ્યું, “કશું જ નહીં, પરંતુ મને કહેવા દો કે મેં ઘણું બધું ગુમાવ્યું છે. જેમ કે ક્રોધ, ચીંતા, ખીન્નતા(ડીપ્રેશન), ઉદાસીનતા, અસલામતી, તેમ જ ઘડપણ અને મૃત્યુનો ડર. આ બધું મેં ખોયું છે.

તમારા ક્રોધને સમસ્યાના ઉકેલમાં જોતરવો, વ્યક્તીઓ પ્રત્યે નહીં; તમારી શક્તીને સમસ્યાના ઉકેલમાં લગાડવી એ જ ડહાપણભરેલું ગણાય. – વિલિયમ આર્થર વૉર્ડ

તમારે સ્પષ્ટવક્તા થવું જોઈએ જેથી તમારા શબ્દો અમારા હૃદયમાં સુર્યપ્રકાશની જેમ સોંસરા ઉતરી જાય. -કોશાઈઝ

તમે શું જુઓ છો કે સાંભળો છો તે તમારા દૃષ્ટીબીંદુ પર, તમારા અભીગમ પર આધાર રાખે છે. વળી એનો આધાર તમારા વ્યક્તીત્ત્વ પર પણ છે જ. – સી. એસ. લુઈસ

આપણે આપણાં બાળકોને જ્યારે જીવન વીષે શીખવી રહ્યા હોઈએ ત્યારે એ બાળકો અપણને જીવન શું છે તે શીખવે છે. – એન્જેલા સ્વીન્ટ

જગતની સર્વોત્તમ ચીજને આપણે જોઈ કે સ્પર્શી શકીએ નહીં, એને માત્ર હૃદયંગમ જ કરવી રહે. –હેલન કેલર

આપણે વારંવાર જે કરીએ છીએ તે જ આપણે બનીએ છીએ. -શોન કવી

માણસ અંગે મહાન આશ્ચર્ય-દલાઈ લામા

સપ્ટેમ્બર 10, 2015

માણસ અંગે મહાન આશ્ચર્ય-દલાઈ લામા

(બ્લોગ પર તા. ૧૦-૯-૨૦૧૫)

પીયુષભાઈ પરીખે ફોરવર્ડ કરેલા એક ઈમેલમાંથી મળેલું.

દલાઈ લામાને એકવાર પુછવામાં આવ્યું, “આપને સૌથી વધુ આશ્ચર્ય માનવતાની બાબતમાં શાનું થાય છે?”

જવાબ હતો, “મનુષ્ય. કેમ કે પૈસા કમાવા માટે એ એના સ્વાસ્થ્યનું બલીદાન આપે છે. પછી એ સ્વાસ્થ્ય પાછળ પૈસાનું બલીદાન આપે છે. અને આ પછી એને ભવીષ્યની ચીંતા કોરી ખાય છે, અને વર્તમાનનો આનંદ લઈ શકતો નથી. પરીણામે એ વર્તમાન કે ભવીષ્યમાં જીવી શકતો નથી. એ એવી રીતે જીવે છે કે જાણે કદી મરવાનો જ નથી, અને પછી એવી રીતે મરે છે કે ખરેખર કદી જીવવા પામ્યો જ નથી.”

ગુરુપુર્ણીમા અને સંપ્રદાયો

ઓગસ્ટ 13, 2015

ગુરુપુર્ણીમા અને સંપ્રદાયો

 

(નોંધ: વેલીંગ્ટન ઈન્ડિયન એસોસીયેશનના ગીતા મંદીર તરફથી વીવીધ સંપ્રદાયોને          તા. ૧૮-૭-૨૦૦૮ના રોજ ગુરુપુર્ણીમાની ઉજવણી માટે આમંત્રણ આપવામાં
આવ્યું હતું. એ પ્રસંગે મેં વ્યક્ત કરેલા વીચારો.)

ગુરુ એટલે જે સત્ય-બ્રહ્મ-આત્મા-ચૈતન્ય-ભગવાન(જે નામ આપવું હોય તે, મને ચૈતન્ય કે સત્ય કહેવું ગમે છે.)નો સાક્ષાત્કાર કરવામાં માર્ગદર્શન આપી શકે તે. આથી જેને એ સાક્ષાત્કાર થયો હોય તે જ ગુરુ હોઈ શકે. જો કે આવા સાક્ષાત્કારી બધા જ ગુરુ બને છે એવું હોતું નથી. એનાં કારણો અલગ અલગ હોઈ શકે. સાક્ષાત્કારીની અભિરુચિ એમાંનું એક કારણ હોઈ શકે.

અષાઢ માસની પુર્ણીમાને ગુરુ પુર્ણીમા તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં અષાઢ માસ દરમીયાન ઘણો વરસાદ પડે છે. ગુરુને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યા છે. ચંદ્રના શીતળ પ્રકાશનો આનંદ આપણે માણી શકીએ છીએ. સુર્ય સામે આપણે સીધું જોઈ શકીએ નહીં. એનો અર્થ એ છે કે સત્યનો- ભગવાનનો સાક્ષાત્કાર આપણે સીધો કરી ન શકીએ. જો કોઈ એવો પ્રયત્ન કરે તો પાગલ થવાની શક્યતા પણ રહેલી છે. પરંતુ ગુરુ સાથે આવી કોઈ મુશ્કેલી નથી. જેમ સુર્યનો પ્રકાશ ઝીલી ચંદ્ર આપણને શીતળ ચાંદની આપે છે, તેમ સત્યનો સાક્ષાત્કારી ગુરુ આપણને મદદગાર બને છે. પણ અષાઢી પુર્ણીમા જ કેમ? અષાઢ માસ દરમિયાન ચંદ્રનાં દર્શન થવાં મુશ્કેલ હોય છે, ગુરુની પ્રાપ્તી દુર્લભ હોય છે એ હકીકત તરફ અંગુલી નીર્દેશ છે. પણ જો દર્શન થાય તો તે બહુ જ સ્પષ્ટ હશે, કેમ કે વરસાદ પડી ગયો હોવાથી વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે. હૃદય શુદ્ધ હશે તો જ ગુરુનાં દર્શન થશે.

આવા જ્ઞાની ગુરુઓની પાછળ લોકો સંપ્રદાય બનાવે છે. જેને સામાન્ય રીતે આપણે ધર્મ કહીએ છીએ તે ખરેખર તો સંપ્રદાયો છે. સંપ્રદાય શબ્દનો અર્થ માર્ગ પણ થાય જ છે. જેમ કે હીન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે. સત્યનો સાક્ષાત્કાર કરવાના આ બધા માર્ગો છે. અને જેને સંપ્રદાય કહીએ છીએ તે ઉપસંપ્રદાયો છે, પગદંડીઓ છે. જેમ કે સ્વામીનારાયણ, શીયા, કેથોલિક વગેરે. શા માટે? કેમ કે ધર્મ તો જે ધારણ કરે છે તે. धारयति ईति धर्मः।! આ શરીર શેનાથી ટક્યું છે? એમાં રહેલ ચૈતન્ય, આત્મા-બ્રહ્મથી જ. શરીરમાંથી એ જતું રહે એટલે શરીર શરીર તરીકે રહેતું નથી. જેનાથી એ બનેલું છે-પંચમહાભૂતો- તેમાં એ ભળી જાય છે.

આથી ધર્મ એટલે આ ચૈતન્ય, આત્મા, બ્રહ્મનું વીજ્ઞાન. જેમ આપણે જેને વીજ્ઞાન કહીએ છીએ- સ્થૂળનું, જેના ઘણા પ્રકારો છે-પદાર્થ વીજ્ઞાન, રસાયણ વીજ્ઞાન, જીવ વીજ્ઞાન, અણુવીજ્ઞાન વગેરે સાયન્સ- તે સમગ્ર વીશ્વમાં એક જ છે. હીન્દુઓનું રસાયણ વીજ્ઞાન કે ખ્રિસ્તીઓનું રસાયણ વીજ્ઞાન અલગ પરીણામો નહીં આપે, અલગ હોઈ શકે નહીં. તેમ ચૈતન્યનું, સત્યનું, આત્માનું વીજ્ઞાન ધર્મ પણ સમગ્ર વીશ્વમાં એક જ હોઈ શકે. એને સમજવાના માર્ગો- સંપ્રદાયો તેને આપણે હીન્દુ, ઈસ્લામ, ખ્રીસ્તી વગેરે નામો આપ્યાં.

આ હકીકત હીન્દુ ધર્મના જ્ઞાનીઓએ કહી છે, પોથીપંડીતોએ નહીં. ફરીથી જ્ઞાની એટલે જેને સત્યનું, બ્રહ્મનું જ્ઞાન થયું છે તે, પંડીત એટલે જેને શબ્દોનું જ્ઞાન છે તે, શબ્દોની માહીતી છે તે. જો કે કૃષ્ણના સમયમાં પંડીત શબ્દનો અર્થ જુદો હતો.

આમ આપણે અહીં હું ધારું છું કે માત્ર ઉપર કહ્યું તેમ હીન્દુ સંપ્રદાય અને તેના ઉપસંપ્રદાયોવાળા ભેગા મળ્યા છીએ. મારો ઉછેર હીન્દુ સંપ્રદાયમાં થયો છે, પણ કોઈ ઉપસંપ્રદાયમાં નહીં.

અહીં ભેગા મળેલા આપ સહુ પોતપોતાના ઉપસંપ્રદાયના અગ્રણીઓ આપના પંથના વીચારો હવે વ્યક્ત કરશે. એ સમયે હું ઈચ્છું કે મેં વ્યક્ત કરેલા આ વીચારોને ધ્યાનમાં લેવામાં આવે.

નવરાત્રી

સપ્ટેમ્બર 30, 2014

નવરાત્રી

વીપરીત ક્રમથી સાધનાની ગણના થાય છે. એટલે ઉપાસનાકાંડના ગ્રંથોમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનો નીયત ક્રમ હોય છે. આ ત્રીદેવ અને ત્રીશક્તીનો વર્ણ, તેમની ક્રીયા જુદી જુદી હોવા છતાં તેમાં તેમનામાં સામ્ય રહેલું છે તે દર્શાવે છે. સંહારના દેવ રુદ્ર ગૌર વર્ણના છે, તો તેની શક્તી કાલી શ્યામ છે. પાલનના દેવ વીષ્ણુ શ્યામ વર્ણના, તો શક્તી લક્ષ્મી સુવર્ણ રંગની. સર્જનના દેવ બ્રહ્મા સુવર્ણ રંગના, તો શક્તી સરસ્વતી ગૌર વર્ણની. હવે શક્તીમાન અને શક્તીની કાર્યપરંપરા સાથે વર્ણનો મેળ જોઈએ.

ગૌર વર્ણના શીવ સંહારનું કાર્ય શ્યામ કાલીને સોંપે છે. કાલી ધ્વંસ કરે છે પણ આ ધ્વંસ તો અજ્ઞાનનો, અવીદ્યાનો જ છે, મોહ અને મમત્વનો જ છે. આ ધ્વંસ દ્વારા જે વ્યાપક ભાવ, જે ચૈતન્ય પ્રગટે છે તેને કાલી વીષ્ણુના હાથમાં સોંપે છે. કાલી સાથે વીષ્ણુના વર્ણની સમાનતા છે. વીષ્ણુ પણ શ્યામ વર્ણના છે. ધ્વંસ રક્ષા સમાન બને છે, વીષ્ણુ જે ચૈતન્યની વ્યાપકતા પ્રગટી તેને રક્ષી નવા નવા ઉન્મેષ માટે પોતાની શક્તી લક્ષ્મીને સોંપે છે. લક્ષ્મીનો વર્ણ સુવર્ણ રંગનો છે. તે અનંત વૈભવની ધારીણી છે. લક્ષ્મી આ સુવર્ણ-સંપદા, પોતાના સમાન સુવર્ણ રંગના બ્રહ્માને સોંપે છે, તેના નવા ને નવા આકારો, અલંકારો બનાવવાને માટે. બ્રહ્મા એ કાર્યભાર સ્વીકારી પોતાની શક્તી સરસ્વતીને સર્જનનું કામ સોંપે છે. સમસ્ત સર્જન આ ધવલ સ્વરૂપા, પરાવાક્ દ્વારા થાય છે. ગૌર સરસ્વતીનું સર્જનકાર્ય જ્યારે અંતીમબીંદુ સુધી પહોંચે છે ત્યારે આ ભૌતીક રૂપોનાં આવરણ ભાંગવાનું કાર્ય તે ગૌર વર્ણના શીવને હવાલે કરે છે. ગૌર અને કાલીનો ખેલ ફરી શરૂ થાય છે.

સંહારક શક્તી કાલી અને રક્ષક દેવ વીષ્ણુ એકરંગી. રક્ષકશક્તી લક્ષ્મી અને સર્જક દેવ બ્રહ્મા એકરંગી. એ જ રીતે સર્જકશક્તી સરસ્વતી અને સંહારક દેવ શીવ એકરંગી. આ સમાન વર્ણ તે સંહારમાં રક્ષણ, રક્ષણમાં સર્જન અને સર્જનમાં સંહારનું જે સમાન તત્વ રહ્યું છે તે દર્શાવે છે. આ ત્રિગુણાત્મક શક્તીઓને સમત્વપણે નીહાળી શકાય કે તરત જ તેની પાછળ રહેલા નીર્ગુણ નીર્લેપનો અનુભવ થાય છે. ત્રણેમાં પરોવાયેલ હોવા છતાં એ અવીકૃત અને અવીનાશી છે.

જૂન 22, 2014

 

કળશપુજા

મને વેલીંગ્ટન મહીલા સમાજ તરફથી એક વાર ૫૦+ ના જમણવાર પ્રસંગે કળશપુજા વીશે બે શબ્દો કહેવાનું જણાવવામાં આવ્યું હતું.

બધા જ મંગળ, શુભ પ્રસંગોએ આપણે કળશપુજા કરીએ છીએ. જો કે ક્યાંક હમણાં મેં તો અશુભ પ્રસંગે પણ કળશપુજા થતી જોઈ છે. પણ મને લાગે છે કે માત્ર શુભ કાર્ય વખતે જ કળશપુજા કરવી જોઈએ, કેમ કે આ પુજા બ્રહ્માંડની ઉત્પત્તી-સર્જન સાથે સંબંધ ધરાવે છે, અને એને આપણે શુભ ગણીએ છીએ.

આ કળશમાં પાણી-લગભગ ૮૦% જેટલું ભરવું. એમાં ચોખા, કંકુ, અબીલ-ગુલાલ, ફુલ વગેરે નાખવાથી એ આપણા જડ શરીરનું તથા ચૈતન્ય શક્તી આત્માનું પ્રતીક બને છે. આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં ૮૦% જેટલું પાણી છે. કળશમાંનું પાણી સૃષ્ટીની ઉત્પત્તી જે એક અણુના વીસ્ફોટથી થયેલી તેમાંના પાણીનું જ પ્રતીનીધીત્વ કરે છે. કળશ પર રાખવામાં આવતાં આંબાનાં પાંદડાં અને નાળીયેર સૃષ્ટીના સર્જનનું પ્રતીક છે. કળશને બાંધવામાં આવતું નાડુ વીશ્વના દૃશ્ય-અદૃશ્ય બધા જ પદાર્થોને જે પ્રેમ એકબીજા સાથે જોડી રહ્યો છે તેનું પ્રતીક છે. આથી જ કળશપુજા સમયે બોલવામાં આવતો શ્લોક:

सूत्रंकार्पाससंभूतंब्रह्मणानिर्मितंपुरा,

येनबद्धंजगत्सर्वंवेष्टनंकलशस्यच.

येनबद्धंजगत्सर्वं-જેના વડે સમગ્ર સૃષ્ટી બંધાયેલ છે. આપણે જાણીએ છીએ કે સમગ્ર બ્રહ્માંડને બાંધનાર, ભેગું રાખનાર એક સુત્ર, એક બળ છે, જેને વીજ્ઞાન ગુરુત્વાકર્ષણ કહે છે. ધર્મની ભાષામાં એને જ પ્રેમ કહ્યો છે.

આથી જ ગૃહપ્રવેશ વખતે આ કળશને બારણા આગળ રાખવામાં આવે છે.

 

સર્વ પ્રથમ જીવન પાણીમાં જ પાંગર્યું હતું. પાણી વીના જીવન શક્ય નથી. આથી પાણીને આપણે વરુણદેવ તરીકે પુજીએ છીએ. આમ કળશપુજા એટલે મુખ્ય પુજા તો વરુણદેવની. પરંતુ આપણે જોયું તેમ એને સમગ્ર વીશ્વના પ્રતીક તરીકે લઈએ છીએ આથી બધા જ દેવી-દેવતાઓનો એમાં વાસ છે એમ માનવામાં આવે છે. આથી કળશપુજામાં બોલાતા આ શ્લોકો જુઓ:

 कलशस्यमुखेविष्णुःकंठेरुद्रसमाश्रितः|

मूलेतत्रस्थितोब्रह्मामध्येमातृगणास्मृता ||

कुक्षौतुसागराःसर्वेसप्तद्वीपावसुंधरा |

ऋग्वेदःअथयजुर्वेदःसामवेदःहिअथर्वणः||

अंगेश्चसहिताःसर्वेकलशाम्बुसमाश्रिताः |

अत्रगायत्रीसावित्रीशांतिःपुष्टिकरीसदा||

त्वयितिष्ठंतिभूतानित्वयिप्राणाप्रतिष्ठिता |

शिवःस्वयंत्वमेवासिविष्णुःत्वंचप्रजापति||

आदित्यावसवोरुद्राः   विश्वेदेवासपैतृकाः|

त्वयितिष्ठंतिसर्वेऽपियतःकामफलप्रदा||

गंगेचयमुनेचैवगोदावरीसरस्वति |

कावेरीनर्मदेसिंधोजलेऽस्मिनसन्निधिंकुरु ||

એના મુખે વીષ્ણુ, કંઠસ્થાને શીવ, મુલસ્થાને બ્રહ્મા તથા મધ્ય ભાગે માતૃગણ રહેલા છે.કળશની કુખમાં એટલે અંદર સપ્ત સમુદ્ર સહીત પૃથ્વી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ છે. અહીં શાંતી અને પુષ્ટી આપનાર પાપનાશક ગાયત્રી, સાવીત્રી પુજા માટે આવે છે. ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સીંધુ, કાવેરી કળશના જળમાં પ્રવેશે છે.

આ પુજાના અધીષ્ઠાતા દેવ વરુણદેવને નમસ્કાર કરવામાં આવે છે.ચંદનયુક્ત ચોખા અને સુગંધી ફુલો ચડાવવામાં આવે છે. કળશપુજા બાદ એમાંનું પાણી આચમની કે દુર્વા વડે પુજાની સામગ્રી ઉપર છાંટવામાં આવે છે.

આજની લગભગ બધી જ ધાર્મીક વીધીઓમાં કુંભ-કળશની સ્થાપના કરવામાં આવે છે. લગ્નપ્રસંગ, ગૃહપ્રવેશ, કોઈનું સ્વાગત કરવાનું હોય, કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવાનું હોય ત્યારે કળશની સ્થાપના કરવામાં આવે છે. લગ્નપત્રીકામાં, નીમંત્રણ પત્રીકામાં, કે જાહેરાતમાં પણ સુંદર શણગારેલ કળશ છાપેલો જોવામાં આવે છે. જળની આટલી સરસ પુજા બીજા કોઈ દેશમાં જોવામાં આવતી નથી.

માણસ મૃત્યુ પામે ત્યારે તેની અંત્યેષ્ઠીમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવનજળ હવે ખુટી ગયું છે તે ભાવને વ્યક્ત કરવા અગ્નીસંસ્કાર પહેલાં પાણી ભરેલા માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે. જળ ભરેલો કળશ હર્યા-ભર્યા જીવનનું પ્રતીક છે.

ચાર પુરુષાર્થ

માર્ચ 26, 2014

ચાર પુરુષાર્થ
હીન્દુ ધર્મમાં ચાર પુરુષાર્થ વીષે કહેવામાં આવ્યું છે. લગ્નવીધીમાં ચાર મંગળફેરાની એક વીધી હોય છે, તેની સાથે આ પુરુષાર્થને જોડવામાં આવે છે. એટલે કે ચાર મંગળફેરા આ ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીનીધીત્વ કરે છે.
પરંપરાથી આ ચાર ફેરા પૈકી પ્રથમ ત્રણમાં પુરુષને આગળ રાખવામાં આવે છે, અને સ્ત્રીને છેલ્લા ચોથા ફેરામાં આગળ રાખવામાં આવે છે. કેટલાક વખત પહેલાં એને અમુક લોકોએ બદલી નાખી ત્રણ ફેરામાં સ્ત્રીની આગેવાની અને માત્ર છેલ્લા એક ફેરામાં પુરુષની આગેવાની કરી હતી. જો કે હવે ફરીથી એ ફેરફાર કાઢી નાખી પરંપરા મુજબ સ્ત્રીને બદલે પુરુષને પહેલા ત્રણ ફેરામાં આગળ અને સ્ત્રીને છેલ્લામાં આગળ કરવાનું શરુ થયું છે. પણ અહીં વેલીંગ્ટનમાં હજુ આજે પણ એક ભાઈ પરંપરા મુજબ ન કરતાં ત્રણ ફેરામાં સ્ત્રીને જ આગળ રાખે છે એવું મારા જોવામાં આવ્યું છે. પરંપરામાં બીજા લોકોએ જે ફેરફાર કરેલો તે શી રીતે કે શા માટે કરવામાં આવેલો તેની મને કશી ખબર નથી. પરંતુ મેં વીસેક વર્ષ દરમીયાન કરેલી વીધી વખતે આ ફેરફાર અપનાવ્યો ન હતો.
મેં એ ફેરફાર કેમ કર્યો ન હતો તેની બહુ ટુંકમાં વાત કરવી છે. કેટલાક લોકો જુદી રીતે અર્થઘટન કરે છે અને તેથી એનો આ ઉપર મેં લખ્યો છે તે ક્રમ જુદી રીતે મુકે છે, પણ મારા અર્થઘટન મુજબ અને પરંપરાથી ચાલ્યો આવતો ક્રમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ યોગ્ય છે. આ ચાર પુરુષાર્થનો ટુંકમાં એક જ વાક્યમાં મર્મ સમજવો હોય તો કહી શકાય કે ધર્મ સહીત અર્થપ્રાપ્તી કરી કામના-વાસનાઓની પુર્તી કરવાથી મોક્ષપ્રાપ્તી થાય છે.
અહીં ધર્મ, અર્થ અને કામ શબ્દોના અર્થ સંકુચીત રીતે કરવાના નથી. ધર્મ એટલે માત્ર ભગવાનમાં માનવું, ટીલાં-ટપકાં કરવાં, મંત્રો જપવા કે પુજાપાઠ, કર્મકાંડ કરવા એમ નહીં. ધાર્મીક રીતે અર્થ પ્રાપ્તી એટલે કોઈને અન્યાય કરીને નહીં, કોઈનું મન દુભવીને નહીં, લાંચરુશ્વત લઈને નહીં, કોઈની છેતરપીંડી કરીને નહીં વગેરે બધું જ જેમાં આવી જાય એ રીતે કરેલી કમાણી. બાકી તો દરરોજ સવારમાં દીવો કરી ભગવાનનું નામ લઈ ટીલાં-ટપકાં તાણેલો અને લખલુટ પૈસા ખરચીને કર્મકાંડ કરનાર વેપારી લોકોને લુંટતો આપણે ક્યાં નથી જોતા? ધાર્મીક માણસ નીતીવાન હોય જ, એ ઉપરાંત એ દયાવાન, પરગજુ, સહાનુભુતીવાળો વગેરે બધા સદ્ગુણો ધરાવનાર હોય અને એ રીતે જ સંપત્તી મેળવતો હોય. ખોટી રીતે સંપત્તીવાન બની જવાનો મોહ એને ન હોય.
એ જ રીતે અર્થ એટલે માત્ર પૈસો-ધન જ નહીં, પણ સર્વ પ્રકારની સંપત્તી એવો અર્થ કરવાનો છે. સદ્ગુણો પણ સંપત્તી છે અને કીર્તી પણ સંપત્તી છે. આમ અર્થને પણ એના વીશાળ અર્થમાં લેવાનો છે.
કામ શબ્દને કેટલાક લોકો માત્ર કામવાસના (સેક્સ)ના સાવ મર્યાદીત અર્થમાં લે છે. અહીં કામ શબ્દ દરેક પ્રકારની ઈચ્છા, વાસના, કામના વગેરે અર્થમાં છે. એની પુર્તીમાં પણ પહેલો ધર્મ છે એ યાદ રાખવાનું છે.
આ રીતે ધર્મ સહીત અર્થ પ્રાપ્તી કરીને દરેક કામની પુર્તી થતાં છેવટે કોઈ વાસના રહેતી નથી. અને વાસનારહીત હોવું તે જ મોક્ષ, મુક્તી. આ મોક્ષની પ્રાપ્તી માટે અભીમુખ થવામાં સ્ત્રીની પહેલ જરુરી હોય છે. આથી સ્ત્રીને છેલ્લા ફેરામાં આગળ કરવામાં આવે છે. જો કે આજે તો સંપત્તીપ્રાપ્તીમાં પણ સ્ત્રી એટલી જ ભાગીદાર હોય છે અને આથી દરેક કામની પુર્તીમાં પણ હવે તો સરખી જ સહભાગી હોય છે. એ દૃષ્ટીએ બંનેને સાથે રાખીને જ ફેરા ફેરવવા જોઈએ, કોઈ એકને આગળ કે પાછળ રાખીને નહીં. પણ હું આ રીતે મંગળફેરા ફેરવું તો કોઈ કદાચ કહેશે આને લગ્નવીધીની કશી ગતાગમ જ નથી.