Archive for સપ્ટેમ્બર, 2023

એલર્જીમાં વીટામીન સી

સપ્ટેમ્બર 30, 2023

એવું જોવામાં આવ્યું છે કે વીટામીન સી ઘણી રીતે ઉપયોગી છે. એનાં ખુબ વખાણ કરવામાં આવે છે. વીટામીન સીનો ઉપયોગ એલર્જીમાં પણ કરી શકાય, પણ એ માટે એસ્કોરબેટનો ઉપયોગ કરવો, એસ્કોરબીક એસીડનો નહીં. કારણ કે એસ્કોરબીક એસીડ પાચનક્રીયા પર અસર કરે છે.

એલર્જીના રીએક્શનને ટાળવા માટે લગભગ 8 ગ્રામ જેટલું વીટામીન સી લેવું જોઈએ. ઓછામાં ઓછું 5 ગ્રામ તો જોઈએ જ. શરુઆત 3 ગ્રામથી કરવી. જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી દર ત્રણ કલાકે બીજું 1 કે 2 ગ્રામ વધારતા રહેવું.  

મોશન સીકનેસ-ભોળનો કુદરતી ઉપચાર

સપ્ટેમ્બર 22, 2023

અડધી ચમચી સુંઠ મોશન સીકનેસમાં કોઈ પણ દવા કરતાં વધુ અસરકારક છે. વળી ભોળની બીજી દવાની જેમ એનાથી આંખો ઘેરાવાની અસર પણ અનુભવાશે નહીં.

જે લોકોને હંમેશાં ભોળ આવતો તેમના પર એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. બે ગૃપ પૈકી એક ગૃપને ભોળની દવા તથા કેટલાકને પ્લેસીબો દવા આપવામાં આવી અને ખુબ ઝડપથી ફરે એવી ખુરસીમાં બેસાડી ચક્કર મરાવવામાં આવ્યાં. બધાને જ ભોળની ભારે અસર થઈ અને ઉલટી થઈ. બીજા ગૃપના લોકોને 20 મીનીટ પહેલાં સુંઠ આપવામાં આવી હતી. એ લોકોને ભોળની કશી જ અસર થઈ નહીં.

જપાનમાં લોકો ભોળથી બચવા માટે નાભી પર અત્યંત ખારું આથેલું પ્લમ ચીપકાવે છે, જે સુંદર રીતે કામ કરે છે. વીચીત્ર લાગે છે નહીં! પણ આપણે તો જે પાણીએ મગ ચડ્યા તે ખરા.

પાચનશક્તી વધારતું પીણું

સપ્ટેમ્બર 9, 2023

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

પાચનની તકલીફ, અરુચી, ભુખ ન લાગવી, જુનો મરડો, મળમાં ચીકાશ જેવી તકલીફ હોય તો ઠળીયા કાઢેલ ખજુરની પેશીઓને બરાબર ધોઈ ત્રણગણા પાણીમાં રાત્રે પલાળી રાખવી. બીજા દીવસે બપોરે એને ચોળીને એક લીંબુનો રસ અથવા વાની તકલીફ હોય તો થોડો આદુનો રસ, ચપટી સીંધવ, સંચળ અને કાળાં મરી નાખી ગાળ્યા વીના પી જવું. આ શરબત નીયમીત પીવાથી પાચન સંબંધી તકલીફોમાં ખુબ જ રાહત થાય છે.

સ્વસ્થ રહેવા માટે ચાર નીયમો

સપ્ટેમ્બર 2, 2023

(સહુની જાણ માટે મળેલા હીન્દી વીડીઓમાંથી સંક્ષીપ્ત અને થોડા ફેરફાર સાથે)

શરીરમાં ત્રણ જાતના દોષ હોય છે- વાત, પીત્ત અને કફ. આ ત્રણેનું સંતુલન જળવાવું જોઈએ. જ્યારે વાયુવીકાર વધી જાય છે ત્યારે 80 પ્રકારના રોગ થાય છે, જ્યારે પીત્ત વધી જાય છે ત્યારે 46થી 50 રોગ થાય છે, અને જ્યારે કફ બગડે છે ત્યારે 28 રોગ થાય છે. અને જો વાત, પીત્ત અને કફ ત્રણે બગડે તો128 રોગો થાય છે. બધા જ રોગ, કેન્સર સુધ્ધાં વાત, પીત્ત, કફ બગડવાને કારણે જ થાય છે.

વાગભટ્ટ લીખીત ‘અષ્ટાંગ હૃદય’ અને ‘અષ્ટાંગ સંગ્રામ’ નામના ગ્રંથમાં 7000 નીયમો બતાવ્યા છે. એ પૈકી 4 નીયમો વાત, પીત્ત અને કફને સંતુલીત રાખવા માટેના છે.

પહેલો નીયમ: ખાધા પછી તરત પાણી પીવું નહીં. વાગભટ્ટ કહે છે કે ‘भोजनांते विषं वारि’ ભોજન પછી તરત પીધેલું પાણી વીષ સમાન છે. ખાધા પછી ખોરાકના પાચન માટે પેદા થતો જઠરાગ્ની પાણી પીવાથી મંદ પડી જાય અને જઠરમાં આહારનું પાચન યોગ્ય રીતે થઈ ન શકે. ન પચેલોઆહાર જઠરમાં સડવા લાગશે. એ સડાને કારણે ઝેરી પદાર્થો પેદા થશે. આથી જ વાગભટ્ટનું ઉપરોક્ત વીધાન છે.

ખાધા પછી ઓછામાં ઓછા એક કલાક સુધી પાણી પીવું નહીં. ખાધા પછી લસ્સી, ફળોનો રસ અથવા દુધ (ખાસ કરીને રાત્રે) પી શકાય. ખાવા પહેલાં 40 મીનીટ પહેલાં પાણી પી શકાય.

બીજો નીયમ: પાણી ગટગટાવવું નહીં, પણ એક એક ઘુંટડે ઘુંટડે પીવું. એ રીતે પીવાથી વધુમાં વધુ લાળ પેટમાં જશે. પેટમાં એસીડ હોય છે, લાળ ક્ષારીય હોય છે. આથી એ બંનેના મીલનથી એસીડનું શમન થાય છે અને એસીડીટી થતી નથી. આથી લોહીમાં પણ અમ્લતા-એસીડીટી આવશે નહીં. લોહીમાં અમ્લતા ન હોય તો વાત, પીત્ત, કફની અસમાનતા પેદા થતી નથી. તમે જોશો તો પશુપક્ષીની પાણી પીવાની રીત મનુષ્યો જેવી નથી. પશુપક્ષીઓ એકી સાથે પાણી ગટગટાવતાં નથી, પણ થોડું થોડું પીએ છે.

ત્રીજો નીયમ: ગમે તેવી સખત તરસ લાગી હોય તો પણ કદી બરફ નાખેલું કે ફ્રીજમાંનું ઠંડું પાણી પીવું નહીં. આપણા શરીરમાં આહારનું પાચન અમુક ઉષ્ણતામાને જ યોગ્ય રીતે થઈ શકે છે. ઠંડું પાણી પીવાથી પાચક રસો ઠંડા થવાને કારણે આહારનું પાચન યોગ્ય રીતે થશે નહીં. કોઈ પશુ-પક્ષી ઠંડું પાણી પીતાં નથી. ગરમીના દીવસોમાં તકલીફ જણાય તો માટીના વાસણમાં રાખેલું પાણી પી શકાય, પણ બરફવાળું કે ફ્રીજમાંનું નહીં.

ચોથો નીયમ: સવારે ઉઠતાંની સાથે સૌથી પહેલાં બેત્રણ ગ્લાસ પાણી પીવું. ત્યાર પછી જ ટોઈલેટમાં જવું. એના બે ફાયદા છે. એક તો સવારમાં પાણી પીવાથી ખુલાસાથી ઝાડો થશે અને  મોટા આંતરડાની સફાઈ થઈ જશે. જેમનું સવારમાં એક જ સમયે પેટ એકદમ સાફ થઈ જાય છે તેમને કદી કોઈ રોગ થતો નથી. સવારે પેટમાં એસીડનું પ્રમાણ વધુ હોય છે. સવારમાં પાણી પીવાથી મોંમાં સારા પ્રમાણમાં લાળ જમા થયેલી હોય છે તે પેટમાં જશે. પેટમાં લાળનું જવું બહુ અગત્યનું અને જરુરી છે.

આ ચાર નીયમોનું ચુસ્ત રીતે પાલન કરવાથી વાત, પીત્ત અને કફ સંતુલીત રહે છે અને બીમારી આવતી નથી.