Archive for ડિસેમ્બર, 2008

કાંચનાર

ડિસેમ્બર 31, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાંચનાર : બાગ-બગીચાઓમાં કાંચનારનાં વૃક્ષ થાય છે. આબુ ઉપર તેનાં ઘણાં વૃક્ષો છે. એને જાત જાતનાં રંગીન ફુલો આવે છે. તેની શીંગ એકાદ ફુટ લાંબી અને ચપટી હોય છે. તેના ફુલની કળીઓનું શાક ખુબ સ્વાદીષ્ટ થાય છે. હરદ્વાર તરફ તે ખુબ ખવાય છે.

કાંચનાર તુરું, શીતળ, કફ અને પીત્તનાશક છે.

(૧) કાંચનારની છાલનું ચુર્ણ અડધીથી એક ચમચી સવાર-સાંજ પાણી સાથે લેવાથી શરીરમાં ચરબીની ગાંઠો ઓગળે છે.

(૨) કાંચનારની ગુગળ સાથે બનાવેલી ઔષધબનાવટને કાંચનાર ગુગળ કહે છે. એની બબ્બે ગોળી સવાર-સાંજ ભુકો કરી લેવાથી ચરબીની ગાંંઠો, કંઠમાળ, આમળ નીકળવી, મળમાર્ગના ચીરા, હરસ, ભગંદર, ન રુઝાતાં ચાંદાં, ગડગુમડ વગેરે મટે છે.

કાળાં મરી

ડિસેમ્બર 30, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાળાં મરી : કાળાં મરી તીખાં, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હલકાં, રુચી ઉત્પન્ન કરનાર, શોષક, ભુખ લગાડનાર, શીરોવીરેચનીય, કૃમીનાશક, કફ, વાયુ તથા હૃદયના રોગોનો નાશ કરનાર છે. ઉપરાંત મરી નાડીને બળ આપનાર, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, યકૃતનું બળ વધારનાર, વાયુને નીચેના માર્ગેથી બહાર કાઢનાર, મુત્ર અને માસીકને પ્રવૃત્ત કરનાર અને કફને બહાર કાઢનાર છે.

(૧) ૧/૨ ચમચી કાળાં મરીનું ચુર્ણ, ૧/૨ ચમચી ઘી, ૧ ચમચી મધ અને ૧ ચમચી સાકર મીશ્ર કરી ચાટવાથી બધા પ્રકારની ખાંસી મટે છે. દમ-શ્વાસમાં પણ આ પ્રયોગ ખુબ હીતાવહ છે.

(૨) કાળાં મરી અને લીંડીપીપરનું ચુર્ણ બે-બે ચમચી, દાડમની છાલનું ચુર્ણ ચાર ચમચી અને જવખાર એક ચમચીને ૧૫૦ ગ્રામ ગોળમાં મેળવી અડદના દાણા જેવડી ગોળી બનાવવી. એને મરીચ્યાદીવટી કહે છે. આ ૨-૨ ગોળી સવાર, બપોર અને રાત્રે ચુસવાથી કફના રોગો મટે છે.

(૩) મરી, ચીત્રક અને સંચળના સમભાગે બનાવેલા ચુર્ણને મરીચ્યાદી ચુર્ણ કહે છે. ૧/૨ ચમચી જેટલું આ ચુર્ણ સવાર-સાંજ લેવાથી અજીર્ણ, અપચો, મંદાગ્ની મટે છે. ગાયના દહીંની છાસ સાથે લેવાથી સંગ્રહણી અને અતીસારમાં પણ એ ખુબ લાભકારક છે.

(૪) સોપારી જેટલા ગોળ સાથે ૧/૪ ચમચી કાળા મરીનું ચુર્ણ સવાર-સાંજ લેવાથી જુની શરદી અને સળેખમ મટે છે.

(૫) સુંઠ, મરી અને પીપરનું ચુર્ણ નાખી બનાવેલો દુધનો ઉકાળો સવાર-સાંજ પીવાથી શરદી-સળેખમ મટે છે.

કાસુન્દ્રો

ડિસેમ્બર 29, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાસુન્દ્રો : ચોમાસામાં કાસુન્દ્રો અને કુવાડીયો સાથે જ ઉગી નીકળે છે. કાસુન્દ્રાને કાસમર્દ-ખાંસીનો નાશ કરનાર કહ્યો છે. કાસુન્દ્રો કડવો, ગરમ, પચ્યા પછી મધુર, કફ અને વાયુને હણનાર, આહાર પચાવનાર, કંઠશોધક, પચવામાં હલકો અને પીત્તનાશક છે.

(૧) દમ અને ઉધરસ હોય તો કાસુન્દ્રાની ભાજી ખાવી જોઈએ.

(૨) કાસુન્દ્રાના બીજને શેકીને કૉફી તરીકે વાપરી શકાય. આ કૉફી પીવાથી પરસેવો વળી તાવ ઉતરી જાય છે.

(૩) કાસુન્દ્રાના પાનનો ઉકાળો પીવાથી દમ અને હેડકીમાં અત્યંત લાભ થાય છે.

(૪) કાસુન્દ્રાનું મુળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જુની દાદર અને ખરજવું મટે છે.

(૫) કાસુન્દ્રો, સરગવો અને મુળાનાં સુકાં કે લીલાં પાનનો સુપ દમ, ઉધરસ અને હેડકીમાં લાભ કરે છે. (એક માહીતીઃ સરગવાના પાનમાં વીટામીન નું પ્રમાણ સારું છે. મુળાના પાનની સુકવણી કરી એનો સુપ બનાવી શકાય.)

કાળીપાટ

ડિસેમ્બર 28, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાળીપાટ : ભારતનાં પથરાળ જંગલોમાં કાળીપાટ ઘણી થાય છે. એને ગરમ હવામાન માફક આવે છે. અમેરીકામાં પણ ગરમ પ્રદેશોમાં એ થાય છે. કાળીપાટ ગળોના કુળની વૃક્ષો અને જમીન પર ફેલાતી વેલ છે. એનાં પાન ગળોનાં પાન જેવાં જ હૃદયાકાર હોય છે. મુળ અડધો ઈંચ જાડાં અને જમીનમાં ઉંડાં ઉતરે છે. ઔષધ તરીકે એનાં મુળનો ઉપયોગ વધુ થાય છે.

કાળીપાટ કફ અને વાતશામક, ભુખ લગાડનાર, ધાવણશુદ્ધી કરનાર, પચવામાં હળવી, મળ બાંધનાર, રક્તશોધક, તીખી અને કડવી છે. તે મંદાગ્ની, અજીર્ણ, ઝાડા, મરડો, દમ(શ્વાસ), ઉધરસ, રક્તસ્રાવ, પથરી, મુત્રાશયનો સોજો વગેરે મટાડે છે.

કાળીપાટનો ઉકાળો પથરીમાં સારું કામ આપે છે. કાળીપાટના મુળને ખાંડીને બનાવેલા એક કપ ઉકાળામાં ચપટી જવખાર મેળવી સવાર-સાંજ પીવાથી પથરી મટે છે.

કાળીજીરી

ડિસેમ્બર 27, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાળીજીરી : કાળીજીરી એક ખુબ જ ઉપયોગી ઔષધ છે. એ કૃમીને મારતી નથી, પણ કૃમીને મુર્છીત કરીને મળ સાથે બહાર કાઢી નાખે છે અને એથી કૃમી શરીરને નુકસાન કરતાં બંધ થાય છે. કૃમી, જીર્ણજ્વર, અશક્તી, રક્તાલ્પતા, પેટ ફુલી જવું, અજીર્ણ, અપચો, ગૅસ, મંદાગ્ની વગેરેમાં કાળીજીરી ખુબ જ હીતાવહ છે.

મોટી વ્યક્તીએ પાથી અડધી ચમચી અને બાળકોએ ચારથી પાંચ ચોખાભાર રોજ રાતે આઠથી દસ દીવસ લેવી.

(૧) મધમાખી, ભમરી, કાનખજુરો કે જીવજંતુ કરડે તો તે સ્થાન પર કાળીજીરી પાણીમાં લસોટી લેપ કરવો,

(૨) નળ ફુલી ગયા હોય તો પા ચમચી કાળીજીરીના ભુકાનો એક કપ પાણીમાં ઉકાળો કરીને પીવો.

(૩) તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.

(૪) શરીર તપેલું રહેતું હોય, અથવા જીર્ણજ્વર રહેતો હોય, પેટમાં કૃમી થયા હોય, આમનું પાચન થતું ન હોય, તથા ખસ, ખંજવાળ અને ચામડીના રોગોમાં પા ચમચી જેટલા કાળીજીરીના ભુકાનો ઉકાળો કરીને પીવો. સવાર-સાંજ તાજેતાજો ઉકાળો પીવાથી આઠથી દસ દીવસમાં આ વીકૃતીઓ શાંત થાય છે.

(૫) કાળીજીરી અડધી ચમચી અને કાળા મરી અડધી ચમચીનું ચુર્ણ એક કપ પાણીમાં રાત્રે પલાળી સવારે ગાળીને પીવાથી થોડા દીવસમાં જુનો નળ વીકાર મટે છે.

(૬) પા ચમચી જેટલું કાળીજીરીનું ચુર્ણ એક ચમચી મધમાં મીશ્ર કરી ચાટવાથી પેટના કૃમી નાશ પામે છે.

(૭) કાળીજીરી બાળી તેની રાખનો તલના તેલમાં મલમ કરીને લગાડવાથી ચામડીના રોગો મટે છે.

કાળા દાણા

ડિસેમ્બર 26, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાળા દાણા : એના વેલા ચોમાસામાં ઝાડ ઉપર ચડેલા હોય છે, જે ૧૦થી ૧૫ ફુટ લાંબા હોય છે. એનાં પાન ખાંચાદાર અને કપાસનાં પાન જેવાં હોય છે. શરદ ઋતુમાં એનાં ફળ પાકે છે અને બીજ નીચે પડી જાય છે એને જ કાળા દાણા કહે છે.

કાળા દાણા મળ સાફ લાવનાર એટલે કે રેચક છે. તે પચવામાં હળવા, કફ અને પીત્તને ઉખાડનાર, ગરમ, કડવા અને મધુર, મુત્ર સાફ લાવનાર, અજીર્ણ, જળોદર, કબજીયાત, અવળો વાયુ, સોજો, તાવ, બરોળ અને લીવરની વૃદ્ધી વગેરે રોગો મટાડનાર છે.

(૧) શેકેલા કાળા દાણા અને સીંધવ ૨૫-૨૫ ગ્રામ અને સુંઠ ૩૦ ગ્રામના ચુર્ણમાંથી અડધી ચમચી ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી કબજીયાત દુર થઈ હળવો જુલાબ થાય છે. નબળા આંતરડાવાળી વ્યક્તીએ કાળા દાણાનો ઉપયોગ કરતાં પહેલાં વૈદ્યની સલાહ લેવી.

કારેલાં

ડિસેમ્બર 24, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કારેલાં : કારેલાં ઉત્તમ ઔષધ અને પથ્ય આહાર છે. ગુણોમાં તે અદ્વીતીય છે. કારેલાં ગરમ નથી, ઠંડાં છે. મળને સાફ લાવનાર અને પચવામાં હલકાં છે. કડવાં દ્રવ્યો મોટે ભાગે વાયુ કરનારાં હોય છે, પરંતુ કારેલાં વાયુ કરતાં નથી. ઉત્તમ સ્વાસ્થ્ય જાળવવા થોડો કડવો રસ જરુરી છે. આ માટે કારેલાં, કંકોડાં, મેથી પૈકી જરુર મુજબ પસંદગી કરી શકાય.

કારેલામાં ઘણા ખનીજ ક્ષારો છે, જેમાં કેલ્શીયમ, ફોસ્ફરસ અને લોહ મુખ્ય છે. ઉપરાંત એમાં થીયામીન (વીટામીન બી૧), રીબોફલેવીન (વીટામીનબી૨) નીઆસીન (વીટામીન બી૩), વીટામીન અને સી રહેલાં છે.

સંધીવા, બરોળની વૃદ્ધી, લીવર, લોહીના તથા ચામડીના રોગોમાં અને ડાયાબીટીસમાં કારેલાં ઉત્તમ છે. કારેલાંનો કડવો રસ યકૃતને શુદ્ધ કરી કાર્યક્ષમ બનાવીને અગ્નીને પ્રદીપ્ત કરે છે. યકૃતની શુદ્ધીથી તાવ, અામ વગેરેથી ઉત્પન્ન થતાં વીષોના શોધનની ક્રીયા બળવાન બને છે.

કડવા રસનું સપ્રમાણ સેવન કરવાથી રોગોને સરળતાથી દુર રાખી અારોગ્ય જાળવી શકાય. કારેલાં કડવાં છે પણ અરુચી મટાડે છે. તે કફ અને પીત્તનું શમન કરનાર, લોહીના વીકાર મટાડનાર, રક્તકણોની ઓછપ, ઘા, કરમીયાં, શ્વાસ(દમ), ખાંસી, ડાયાબીટીસ, ચામડીના રોગો અને તાવમાં ગુણકારક છે. તે પેટના રોગો, કૃમી, વાયુ, અપચો અને કબજીયાતમાં ફાયદો કરે છે.

મોટાં કારેલાં કરતાં નાનાં અને નાનાં કરતાં જંગલી કારેલાં ઔષધમાં વધારે ગુણકારી છે. ઔષધમાં કારેલાનો રસ કે ઉકાળો તાજો જ પીવો જોઈએ. તેનું ચુર્ણ કે ટેબ્લેટ એક મહીના સુધી વાપરી શકાય. કડવો રસ ઉત્તમ ગુણ ધરાવે છે. રસ, રક્ત, માંસ વગેરે ધાતુઓને રચવાની શક્તી વધારે છે. કારેલાંમાં રહેલું તત્ત્વ રક્તશર્કરા(બ્લડ સુગર) ઘટાડે છે.

(૧) સંધીવાના રોગીઓએ કારેલાંનું શાક અવશ્ય ખાવું. એકલા કારેલાંનું બાફેલું શાક સાત-આઠ દીવસ ખાવાથી સંધીવા સારો થાય છે.

(૨) ડાયાબીટીસવાળાએ એકાંતરે દીવસે કારેલાંનું શાક ખાવું જોઈએ.

(૩) અડધા કપ જેટલા કારેલાંના રસમાં એક ચમચી મધ મેળવીને પીવાથી કફજ્વર એટલે કે વાઈરલ ફ્લ્યુ મટે છે.

(૪) પેટમાં કૃમી થયા હોય તો અડધા કપ જેટલા કારેલાંના રસમાં એક ચમચી વાવડીંગનું ચુર્ણ નાખી ૭ દીવસ રાત્રે પીવું.

કાયફળ

ડિસેમ્બર 23, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાયફળ : કાયફળ કડવું, તીખું, તુરું અને ગરમ છે. એ વાયુ અને કફના રોગોમાં હીતાવહ છે. વળી એ વીર્યની શુદ્ધી કરનાર, વેદના સ્થાપન કરનાર, રુચીકારક, ખાંસી, દમ, તાવ, શરદી અને મુખરોગોનો નાશ કરે છે. અતીસાર અને ગળું સુજી જાય એમાં પણ ઉપયોગી છે. ઔષધમાં કાયફળની છાલનું ચુર્ણ વપરાય છે, જે અડધીથી પોણી ચમચી જેટલું મધ સાથે ચાટવામાં આવે છે. અથવા એક ચમચી છાલનો ભુકો કરી તેનો ઉકાળો સવાર-સાંજ પીવો.

(૧) કાયફળ, કાળા તલ અને કેસર સમાન ભાગે લઈ ગોળમાં ગોળી બનાવી લેવાથી માસીકનો દુઃખાવો મટે છે તથા માસીક સાફ આવે છે.

(૨) મધ સાથે કાયફળ લેવાથી દમમાં રાહત થાય છે.

(૩) દહીં સાથે કાયફળ લેવાથી અતીસાર મટે છે.

કાચી કેરી

ડિસેમ્બર 21, 2008

કાચી કેરી કાચી કેરી તુરી, ખાટી, રુચીકારક, વાયુ અને પીત્તને ઉત્પન્ન કરનાર હોય છે. તદ્દન નાની કાચી કેરી(મરવા) તો અત્યંત ખાટી તથા રુક્ષ હોય છે. એ ત્રીદોષ (વાયુ, પીત્ત અને કફ) તથા રક્તવીકાર ઉત્પન્ન કરે છે. આમ છતાં કાચી કેરી આમાશયને બળ આપનાર અને રક્તપીત્ત (સ્કર્વી રોગ) મટાડનાર છે. કાચી કેરીને શેકી, ખુબ નરમ કરી તેના ગર્ભ-માવામાં સાકર મેળવીને ખાવાથી કોલેરામાં ખુબ હીતાવહ છે. છાલ છોલી કાઢી તડકામાં ખુબ જ સુકવેલી કાચી કેરી (આમચુર) ખાટી, મધુર, તુરી અને મળને તોડનાર અને કફ તથા વાયુને મટાડનાર થાય છે.

કાચકા

ડિસેમ્બર 20, 2008

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકના માર્ગદર્શન હેઠળ કરવા, આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
કાચકા : કાચકા કુબેરની આંખો જેવા જ હોવાથી કુબેરાક્ષ કહેવાય છે. કાંચકા આયુર્વેદીય ઔષધો વેચતા વેપારીને ત્યાં મળે છે. ખેતરની વાડ કરવા ખેડુતો તેને ઉછેરે છે. કારણ કે તેની વેલ પર કાંટા હોવાથી ખુબ જ મજબુત અને અભેદ્ય વાડ બને છે.

કાચકા કડવા, તુરા, ઉષ્ણ અને શોધક છે તથા કફ-પીત્તના હરસ, શુળ, સોજો, આધ્માન, વ્રણ, પ્રમેહ, કોઢ, કૃમી, રક્તસ્રાવી મસા, વાતાર્શ અને રક્તદોષોનો નાશ કરે છે.

(૧) કાચકાને શેકી તેનું ઉપરનું છોતરું કાઢી નાખી અંદરના સફેદ બીજ કાઢી, તેને ખુબ ખાંડી બનાવેલ બારીક ચુર્ણ પા ચમચી, એટલું જ અજમાનું ચુર્ણ અને ત્રણથી ચાર કાળાં મરી રોજ સવારે અથવા રાત્રે લેવાથી પેટના કૃમી, જુનો અને વારંવાર થતો મરડો, ઉદરશુળ, કાચા-પાકા ઝાડા, પેટનો વાયુ-આફરો, પેટનું ભારેપણું-જડતા, અપચો વગેરે મટે છે.

(૨) કાચકાનું ચુર્ણ અડધી ચમચી અને કુંવારપાઠાનો ગર અડધી ચમચી રોજ રાત્રે લેવાથી મોટા ભાગના પેટના રોગો મટે છે.

(૩) મીંજનું પા ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી અથવા અજમો, સંચળ અને કાચકાની મીંજનું સમાન ભાગે બનાવેલું વસ્ત્રગાળ ચુર્ણ પા ચમચી રોજ સવારે સાત-આઠ દીવસ સુધી લેવાથી પેટના બધા પ્રકારના કૃમી દુર થાય છે, ભુખ સારી લાગે છે, ગૅસ મટે છે, મળ સાફ ઉતરે છે, પેટનું શુળ, આંકડી મટે છે, તથા જીર્ણજ્વર-ઝીણો તાવ દુર થાય છે. બે મહીના પછી નવું ચુર્ણ બનાવી લેવું જોઈએ.