Archive for જૂન, 2014

જૂન 22, 2014

 

કળશપુજા

મને વેલીંગ્ટન મહીલા સમાજ તરફથી એક વાર ૫૦+ ના જમણવાર પ્રસંગે કળશપુજા વીશે બે શબ્દો કહેવાનું જણાવવામાં આવ્યું હતું.

બધા જ મંગળ, શુભ પ્રસંગોએ આપણે કળશપુજા કરીએ છીએ. જો કે ક્યાંક હમણાં મેં તો અશુભ પ્રસંગે પણ કળશપુજા થતી જોઈ છે. પણ મને લાગે છે કે માત્ર શુભ કાર્ય વખતે જ કળશપુજા કરવી જોઈએ, કેમ કે આ પુજા બ્રહ્માંડની ઉત્પત્તી-સર્જન સાથે સંબંધ ધરાવે છે, અને એને આપણે શુભ ગણીએ છીએ.

આ કળશમાં પાણી-લગભગ ૮૦% જેટલું ભરવું. એમાં ચોખા, કંકુ, અબીલ-ગુલાલ, ફુલ વગેરે નાખવાથી એ આપણા જડ શરીરનું તથા ચૈતન્ય શક્તી આત્માનું પ્રતીક બને છે. આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં ૮૦% જેટલું પાણી છે. કળશમાંનું પાણી સૃષ્ટીની ઉત્પત્તી જે એક અણુના વીસ્ફોટથી થયેલી તેમાંના પાણીનું જ પ્રતીનીધીત્વ કરે છે. કળશ પર રાખવામાં આવતાં આંબાનાં પાંદડાં અને નાળીયેર સૃષ્ટીના સર્જનનું પ્રતીક છે. કળશને બાંધવામાં આવતું નાડુ વીશ્વના દૃશ્ય-અદૃશ્ય બધા જ પદાર્થોને જે પ્રેમ એકબીજા સાથે જોડી રહ્યો છે તેનું પ્રતીક છે. આથી જ કળશપુજા સમયે બોલવામાં આવતો શ્લોક:

सूत्रंकार्पाससंभूतंब्रह्मणानिर्मितंपुरा,

येनबद्धंजगत्सर्वंवेष्टनंकलशस्यच.

येनबद्धंजगत्सर्वं-જેના વડે સમગ્ર સૃષ્ટી બંધાયેલ છે. આપણે જાણીએ છીએ કે સમગ્ર બ્રહ્માંડને બાંધનાર, ભેગું રાખનાર એક સુત્ર, એક બળ છે, જેને વીજ્ઞાન ગુરુત્વાકર્ષણ કહે છે. ધર્મની ભાષામાં એને જ પ્રેમ કહ્યો છે.

આથી જ ગૃહપ્રવેશ વખતે આ કળશને બારણા આગળ રાખવામાં આવે છે.

 

સર્વ પ્રથમ જીવન પાણીમાં જ પાંગર્યું હતું. પાણી વીના જીવન શક્ય નથી. આથી પાણીને આપણે વરુણદેવ તરીકે પુજીએ છીએ. આમ કળશપુજા એટલે મુખ્ય પુજા તો વરુણદેવની. પરંતુ આપણે જોયું તેમ એને સમગ્ર વીશ્વના પ્રતીક તરીકે લઈએ છીએ આથી બધા જ દેવી-દેવતાઓનો એમાં વાસ છે એમ માનવામાં આવે છે. આથી કળશપુજામાં બોલાતા આ શ્લોકો જુઓ:

 कलशस्यमुखेविष्णुःकंठेरुद्रसमाश्रितः|

मूलेतत्रस्थितोब्रह्मामध्येमातृगणास्मृता ||

कुक्षौतुसागराःसर्वेसप्तद्वीपावसुंधरा |

ऋग्वेदःअथयजुर्वेदःसामवेदःहिअथर्वणः||

अंगेश्चसहिताःसर्वेकलशाम्बुसमाश्रिताः |

अत्रगायत्रीसावित्रीशांतिःपुष्टिकरीसदा||

त्वयितिष्ठंतिभूतानित्वयिप्राणाप्रतिष्ठिता |

शिवःस्वयंत्वमेवासिविष्णुःत्वंचप्रजापति||

आदित्यावसवोरुद्राः   विश्वेदेवासपैतृकाः|

त्वयितिष्ठंतिसर्वेऽपियतःकामफलप्रदा||

गंगेचयमुनेचैवगोदावरीसरस्वति |

कावेरीनर्मदेसिंधोजलेऽस्मिनसन्निधिंकुरु ||

એના મુખે વીષ્ણુ, કંઠસ્થાને શીવ, મુલસ્થાને બ્રહ્મા તથા મધ્ય ભાગે માતૃગણ રહેલા છે.કળશની કુખમાં એટલે અંદર સપ્ત સમુદ્ર સહીત પૃથ્વી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વેદ છે. અહીં શાંતી અને પુષ્ટી આપનાર પાપનાશક ગાયત્રી, સાવીત્રી પુજા માટે આવે છે. ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સીંધુ, કાવેરી કળશના જળમાં પ્રવેશે છે.

આ પુજાના અધીષ્ઠાતા દેવ વરુણદેવને નમસ્કાર કરવામાં આવે છે.ચંદનયુક્ત ચોખા અને સુગંધી ફુલો ચડાવવામાં આવે છે. કળશપુજા બાદ એમાંનું પાણી આચમની કે દુર્વા વડે પુજાની સામગ્રી ઉપર છાંટવામાં આવે છે.

આજની લગભગ બધી જ ધાર્મીક વીધીઓમાં કુંભ-કળશની સ્થાપના કરવામાં આવે છે. લગ્નપ્રસંગ, ગૃહપ્રવેશ, કોઈનું સ્વાગત કરવાનું હોય, કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવાનું હોય ત્યારે કળશની સ્થાપના કરવામાં આવે છે. લગ્નપત્રીકામાં, નીમંત્રણ પત્રીકામાં, કે જાહેરાતમાં પણ સુંદર શણગારેલ કળશ છાપેલો જોવામાં આવે છે. જળની આટલી સરસ પુજા બીજા કોઈ દેશમાં જોવામાં આવતી નથી.

માણસ મૃત્યુ પામે ત્યારે તેની અંત્યેષ્ઠીમાં પણ માટીના કુંભને સ્થાન આપવામાં આવ્યું છે. જીવનજળ હવે ખુટી ગયું છે તે ભાવને વ્યક્ત કરવા અગ્નીસંસ્કાર પહેલાં પાણી ભરેલા માટીના ઘડાને ફોડી નાખવામાં આવે છે. જળ ભરેલો કળશ હર્યા-ભર્યા જીવનનું પ્રતીક છે.