Archive for ફેબ્રુવારી, 2016

ખોવાયેલું ઘડીયાળ

ફેબ્રુવારી 29, 2016

ખોવાયેલું ઘડીયાળ

(બ્લોગ પર તા. ૨૯-૨-૨૦૧૬ )

પીયુષભાઈ પરીખના ઈમેલમાંથી મળેલું. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં રુપાંતર: ગાંડાભાઈ વલ્લભ

એક વાર એક ખેડુતનું ઘડીયાળ ખોવાઈ ગયું. એને ખાતરી હતી કે ઘડીયાળ ક્યાંક એના કોઢારમાં જ પડી ગયું છે. એ કોઈ સામાન્ય ઘડીયાળ નો’તું, એની સાથે એક ખાસ લાગણી જોડાયેલી હતી.

ઘાસની ગંજીમાં ખુબ શોધ્યું, ઘણા લાંબા સમય સુધી આમતેમ ફંફોસ્યું પણ જડ્યું નહીં. એણે જાતે એ શોધવાનું છોડીને બહાર કોઢાર પાસે રમતાં બાળકોની મદદ લેવાનું વીચાર્યું. એણે બાળકોને કહ્યું કે જે એ ઘડીયાળ શોધી કાઢશે તેને કંઈક ઈનામ આપવામાં આવશે.

આ સાંભળતાં જ બધાં બાળકો કોઢારમાં દોડી આવ્યાં અને ઘડીયાળ શોધવામાં લાગી ગયાં. ઘાસની આખી ગંજીને ઉપરથી નીચે સુધી બરાબર ખુંદી વળ્યાં, પણ ઘડીયાળ તો કંઈ મળ્યું નહીં. હવે જેવો એ ખેડુત ઘડીયાળ શોધવાનું માંડી વાળવાની તૈયારીમાં હતો અને એક નાના છોકરાએ કહ્યું કે એને ઘડીયાળ શોધવાની એક વધુ તક આપવામાં આવે.

ખેડુતે એ છોકરા તરફ જોયું. છોકરો એને ખરેખર ઘડીયાળ શોધવા બાબત ગંભીર જણાયો. એણે કહ્યું, “જરુર, તું એક વધુ પ્રયાસ કરી જો, મને કોઈ વાંધો નથી.”

આથી ખેડુતે એ નાના બાળકને કોઢારમાં જવાની રજા આપી. થોડી વાર પછી એ નાનો છોકરો ઘડીયાળ લઈને બહાર આવ્યો. ખેડુતને સાનંદાશ્ચર્ય થયું. એણે છોકરાને પુછ્યું કે આ બધામાંથી કોઈ શોધી શક્યું નહીં અને તેં કેવી રીતે શોધી કાઢ્યું?

છોકરાએ કહ્યું, “મેં કશું જ ન કર્યું, માત્ર નીચે બેસી ગયો અને શાંત થઈને કંઈ અવાજ આવે તો તે સાંભળવા લાગ્યો. એ સન્નાટામાં મને ઘડીયાળની ટીક ટીક સંભળાઈ, અને બસ એ દીશામાં શોધવા લાગ્યો.”

બોધ: શાંત મન કામમાં વીક્ષુબ્ધ મન કરતાં વધુ સારી રીતે વીચારી શકે છે.

દરરોજ તમારા મનને થોડી મીનીટ માટે શાંત કરી દો. અને જુઓ કે તમારા ધ્યેયને પહોંચવામાં એ કેવું અણીશુદ્ધ રીતે તમને સહાય કરે છે.

 

સાસુની ટકટક

ફેબ્રુવારી 23, 2016

સાસુની ટકટક

પીયુષભાઈના ઈમેલમાંથી બ્લોગ પર તા. ૨૩-૨-૨૦૧૬

એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો પહેલેથી જ સ્વર્ગે સીધાવેલા એટલે સાસુમાને સાચવવાની જવાબદારી આ નવી પરણીને આવેલી વહુની જ હતી. સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ.

છોકરી થોડા દીવસ એના પીયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દીકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એમને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એણે દીકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યું. દીકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યું, ” મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાખુ નહીતર હું મરી જઇશ.”
મમ્મીએ દીકરીને સમજાવતાં કહ્યું, ” બેટા. જો તું આવું કરીશ તો તારે તારી આખી જીંદગી જેલમાં વીતાવવાનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન કરે.” છોકરીએ કહ્યું, ” મમ્મી મને જલદી એ ઉપાય જણાવ.”

 

મમ્મીએ દીકરીને હળવા અવાજે કહ્યું, ” હું તને એક દવા આપીશ. એ ધીમું ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જશે અને કોઇને તારા પર શંકા પણ નહીં જાય.” બીજા દીવસે માએ દીકરીને એક દવા આપી. દીકરી રાજીની રેડ થઇ ગઇ કે છ માસમાં મારી બધી જ સમસ્યા ઉકેલાઇ જશે.
દીકરી સાસરે જવા વીદાય થઇ ત્યારે માએ એને કહ્યું, ” બેટા, તારે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આ છ માસ દરમ્યાન તું એક આદર્શ વહુ બનીને રહેજે. તારી સાસુ જે કંઇ ટક ટક કરે એ બધું સાંભળી લેજે. એની સામે ક્યારેય ન બોલતી, જેથી બધાંને એવું લાગે કે તારી સાસુના મોતમાં તારો કોઇ હાથ નથી. આમ પણ તારે આ નાટક માત્ર છ માસ જ કરવાનું છે.”

 

બીજા દીવસથી વહુ સાવ બદલાઇ ગઇ. વાત વાતમાં સાસુની સામે થઇ જતી એના બદલે સાસુની ખુબ સેવા કરવા લાગી. સાસુ ગમે તેવું ખરાબ બોલે તો પણ તે પ્રેમથી સાંભળી લે અને સાસુને હસી હસીને જવાબ આપે. વહુના બદલાવની અસર સાસુ પર પણ થવા લાગી. સાસુને વહુ હવે ગમવા લાગી. વહુને વઢવાને બદલે આડોશ પાડોશમાં વહુના વખાણ કરવાનું ચાલુ કર્યુ. ટક ટક કરવાનું તો સાવ બંધ જ કરી દીધુ. વહુને સાસુનો આ બદલાવ બહુ ગમ્યો. જે સાસુને એ નફરત કરતી હતી એ સાસુ હવે એને વહાલી લાગવા માંડી. મમ્મીએ આપેલી દવાથી સાસુ હવે થોડા મહીનામાં મરી જશે એ વીચારથી એ ધ્રુજી ઉઠી.
પીયર જઇને મમ્મીને કહ્યું, ” મમ્મી, મારી સાસુ સાવ બદલાઇ ગઇ છે. મને ખુબ પ્રેમ કરે છે. હવે એ ખુબ લાંબું જીવે એવું હું ઇચ્છું છું. મને કોઇ એવી દવા બતાવ જે આ ઝેરને બીન અસરકારક કરી દે.” મમ્મીએ હસતાં હસતાં કહ્યું, ” બેટા, હું તારી મા છું અને તારા ઉજ્જવળ ભાવીનો હંમેશા વીચાર કરું છું. મેં તને ઝેરી દવા આપી જ નહોતી. એ તો માત્ર શક્તીવર્ધક પાઉડર હતો. મને ખબર જ હતી કે જો તું તારી જાતને બદલીશ તો તારી સાસુ પણ આપોઆપ બદલાઇ જશે.”
મીત્રો, આપણે કોઇને બદલવા માગતા હોઇએ તો સૌ પ્રથમ આપણે પોતે બદલાવું પડે. બીજા લોકો તમારી મરજી મુજબ જીવે એવું તમે ઇચ્છતા હોય તો તમારે પ્રથમ બીજાની મરજી મુજબ જીવતા શીખવું પડે……!!!

 

વીચારવા જેવું

ફેબ્રુવારી 16, 2016

વીચારવા જેવું

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું

બ્લોગ પર તારીખ ૧૬-૨-૨૦૧૬

ખાવા જેવી કોઈ ચીજ હોય તો તે                     ગમ છે

પીવા જેવી કોઈ ચીજ હોય તો તે                     ક્રોધ છે

ગળી જવા જેવી કોઈ ચીજ હોય તો તે               અપમાન છે.

પચાવવા જેવી કોઈ ચીજ હોય તો તે                 બુદ્ધી છે.

દેખાડવા જેવી કોઈ ચીજ હોય તો તે                  દયા છે.

સંભારવા જેવી કોઈ ચીજ હોય તો તે                 ગુણ છે.

હારવા જેવી કોઈ ચીજ હોય તો તે                    અભીમાન

દેવા જેવી કોઈ ચીજ હોય તો તે                       દાન છે.

માગવા જેવી કોઈ ચીજ હોય તો તે                   સંતોષ છે.

લેવા જેવી કોઈ ચીજ હોય તો તે                      જ્ઞાન છે.

કરવા જેવી કોઈ ચીજ હોય તો તે                     સેવા છે.

જીતવા જેવી કોઈ ચીજ હોય તો તે                    પ્રેમ છે.

બોલવા જેવી કોઈ ચીજ હોય તો તે                   સત્ય છે.

ન કરવા જેવી કોઈ ચીજ હોય તો તે                  ઈર્ષ્યા છે.

વશ કરવા જેવી કોઈ ચીજ હોય તો તે                મન છે.

 

 

 

 

શબ્દોને દાંત નથી હોતા

ફેબ્રુવારી 12, 2016

શબ્દોને દાંત નથી હોતા

પીયુષભાઈના ઈમેલમાંથી હીન્દી પરથી ગુજરાતીમાં -ગાંડાભાઈ

બ્લોગ પર તા. ૧૩-૨-૨૦૧૬

શબ્દોને દાંત નથી હોતા પરંતુ શબ્દો જ્યારે ડંખે છે ત્યારે બહુ જ દરદ થાય છે, અને ક્યારેક તો ઘા એટલા બધા ઉંડા હોય છે કે જીવન સમાપ્ત થઈ જાય છે, છતાં પણ ઘા રુઝાતા નથી. આથી જ્યારે પણ જીવનમાં કંઈ પણ બોલો, મધુરુ બોલો, મીઠું બોલો.

શબ્દ શબ્દ સહુ કોઈ કરે, શબ્દને નથી હાથ કે પગ

એક શબ્દ ઔષધી જેમ અને એક શબ્દ કરે સો કર્મ

જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે, જે નથી તે આવીને પણ ભાગી જશે.

પ્રભુને પણ પસંદ નથી વાણીમાં શક્તી, આથી જીભમાં હાડકું નથી મુક્યું.

જ્યારે પણ તમારી શક્તીનો તમને અહંકાર થાય, ત્યારે સ્મશાનનું એક ચક્કર જરુર લગાવો.

અને જ્યારે પણ પ્રભુ પર પ્રેમ થાય, ત્યારે કોઈ ભુખ્યાને ભોજન આપજો.

જ્યારે પણ તમારી શક્તી પર ગૌરવ અનુભવો, ત્યારે વૃદ્ધાશ્રમનો એક આંટો જરુર મારજો. અને જ્યારે પણ તમારું શીર શ્રદ્ધાથી ઝુકે ત્યારે તમારાં માબાપના પગ જરુર દબાવી આપજો.

જીભ જન્મ સાથે જ મળે છે અને મૃત્યુ પર્યંત રહે છે, કેમ કે એ કોમળ હોય છે. દાંત જન્મ પછી આવે છે અને મૃત્યુ પહેલાં જતા રહે છે, કેમ કે એ કઠોર હોય છે.

નાના થઈને રહેશો તો પામશો મહાન આશીર્વાદ, મોટા થયા પછી તો મા પણ ખોળામાંથી ઉતારી મુકે છે.

કીસ્મત અને પત્ની ભલે ને દુખી કરતાં હોય પણ જ્યારે સાથ આપે છે તો જીન્દગી બદલી નાખે છે.

પ્રેમ જોઈતો હોય તો સમર્પણ કરવું પડશે. વીશ્વાસ જોઈતો હોય તો નીષ્ઠા આપવી પડશે. સાથ જોઈતો હોય તો સમય આપવો પડશે.

કોણ કહે છે કે સંબંધો મફતમાં મળે છે? મફત તો હવા પણ નથી મળતી. એક શ્વાસ ત્યારેજ અંદર લઈ શકીએ છીએ જ્યારે એક શ્વાસ છોડીએ છીએ.

 

સફેદ બ્રેડ

ફેબ્રુવારી 10, 2016

આ આપવાનો આશય માત્ર માહીતીનો છે, પોતાને અનુકુળ આવે તેમ હોય તેનો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને જ અમલ કરવા વીનંતી.

સફેદ બ્રેડ

બ્લોગ પર તા. ૧૦-૨-૨૦૧૬

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું, અંગ્રેજી પરથી ગુજરાતીમાં ટુંકાવીને-ગાંડાભાઈ

સફેદ બ્રેડ અંગેની આ વાતો ખરેખર ભરોસાપાત્ર હશે? -પીયુષભાઈ પરીખ

http://www.ba-bamail.com/content.aspx?emailid=19292 ના સૌજન્યથી

સફેદ બ્રેડ પાછળનું સત્ય

એ ખરું કે દુનીયામાં ઘણાં લોકો સફેદ બ્રેડ વાપરે છે, અને તેમને એ ગમે છે. પણ આજે અમે જે માહીતી બહાર પાડી રહ્યા છીએ એ જાણીને તમને આશ્ચર્ય થશે અને ધક્કો પહોંચશે. સફેદ બ્રેડ સ્વાસ્થ્ય માટે માત્ર સારી નથી એટલું જ નહીં ખરેખર એ જોખમકારક-નુકસાનકારક છે.

સ્વીસ સરકાર તો વર્ષોથી સફેદ બ્રેડ ખાવાથી થતા નુકસાન બાબત માહીતગાર છે, અને પોતાના પ્રજાજનો એ બ્રેડ ખાવાનું બંધ કરે એ માટે સફેદ બ્રેડની ખરીદી પર ટેક્ષ લગાડ્યો છે. ટેક્ષના આ પૈસા બેકરીવાળાઓને આખા અનાજની બ્રેડને સસ્તી વેચી શકે એ માટે આપવામાં આવે છે. કેનેડાની સરકારે સફેદ બ્રેડમાં બનાવટી વીટામીન ઉમેરવા પર પ્રતીબંધ લાદ્યો છે. બ્રેડમાં અનાજમાં રહેલાં કુદરતી વીટામીન જ હોવાં જોઈએ, નહીં કે બનાવટી.

ખરેખર તો સફેદ બ્રેડ એટલે નકામી, નીર્જીવ બ્રેડ. લોકોને આ બાબતમાં તથા કહેવાતા સત્વોથી સમૃધ્ધ કરેલ આટા વીષે સત્ય હકીકત જણાવવામાં આવતી નથી.

જાહેરાત- Advertisement –

સફેદ બ્રેડ આટલી બધી સફેદ કેમ હોય છે? ઘઉં દળવાથી મળતો આટો તો એટલો સફેદ નથી હોતો. કેમ કે સફેદ બ્રેડ બનાવવા વપરાતા આટાને બ્લીચ કરીને સફેદ બનાવવામાં આવે છે. જેમ આપણે કપડાં બ્લીચ કરીએ તેમ જ. જ્યારે તમે સફેદ બ્રેડ ખાઓ છો ત્યારે તમે બ્લીચ માટે વપરાયેલાં રસાયણો જે એ બ્રેડમાં રહી જાય છે તે પણ આરોગો છો. લોટ બનાવતી મીલ બ્લીચ માટે જુદાં જુદાં રસાયણો વાપરે છે, જે બધાં જ હાનીકારક હોય છે.

એ પૈકી કેટલાંક આ રહ્યાં: નાઈટ્રોજન ઑક્સાઈડ, ક્લોરીન, ક્લોરાઈડ, નાઈટ્રોસીલ અને બેન્ઝોઈલ પેરોક્સાઈડ જેને કેટલાક બીજા રસાયણીક ક્ષારો સાથે મીક્સ કરવામાં આવે છે. ક્લોરાઈડ ઑક્સાઈડ નામનું બ્લીચીંગ જ્યારે લોટમાં જે થોડુંઘણું પ્રોટીન બાકી રહ્યું હોય તેની સાથે રાસાયણીક પ્રક્રીયા વડે જોડાય છે ત્યારે ઓલોક્સન પેદા થાય છે. ઓલોક્સન એવું ઝેર છે જે પ્રયોગશાળાઓમાં પ્રાણીઓમાં ડાયાબીટીસ પેદા કરવા વાપરવામાં આવે છે. ક્લોરીન ઑક્સાઈડ ઘઉંમાં રહેલું મહત્વનું તૈલી તત્ત્વ નષ્ટ કરી દે છે. વળી એનાથી આટો બહુ ટકતો નથી, જલદી ખરાબ થઈ જાય છે.

લાભકારક પોષક તત્ત્વો: સફેદ બ્રેડમાં હોતાં નથી. લોટને સફેદ કરતી વખતે મીલમાં અસંપૃક્ત ફેટી એસીડ જેની પોષણ ક્ષમતા ઘણી સારી હોય છે તે અડધો તો મીલમાં જ નાશ પામે છે. ઉપરાંત ઘઉંના અંકુર અને થુલું દુર થતાં વીટામીન ઈ પણ સદંતર જતું રહે છે. પરીણામે જે સફેદ બ્રેડ તમે ખરીદો છો એમાંના લોટમાં માત્ર નબળા પ્રકારનું પ્રોટીન અને વજન વધારનાર સ્ટાર્ચ બચે છે. પણ આ પણ પોષક તત્ત્વો ગુમાવીએ એની પુરી દાસ્તાન નથી.

સફેદ બ્રેડ બનાવતી વખતે જે જબરજસ્ત પોષક તત્ત્વો નાશ પામે છે એના આ રહ્યા આંકડાઓ:

  • લગભગ ૫૦% જેટલું કેલ્શ્યમ નાશ પામે છે.
  • ૭૦% ફોસ્ફરસ
  • ૮૦% લોહ (આયર્ન)
  • ૯૮% મેગ્નેશ્યમ
  • ૭૫ % મેંગેનીઝ
  • ૫૦% પોટેશ્યમ
  • ૬૫% તાંબુ સફેદ બ્રેડ બનાવતી વખતે નષ્ટ થાય છે.
  • વીટામીન બી ગ્રુપમાંનાં મોટાભાગનાં વીટામીન લગભગ ૫૦થી ૮૦ ટકા નાશ પામે છે.
  • અતી મહત્વનું વીટામીન બી૬ પણ ૫૦% જેટલું નાશ પામે છે.

સ્વીટઝરલેન્ડની વર્ષોની જાણકારીને વૈજ્ઞાનીક અભ્યાસનું અનુમોદન મળ્યું છે. કેલીફોર્નીયા યુનીવર્સીટીની ખેતીવાડી કોલેજના વૈજ્ઞાનીક અભ્યાસમાં આ આઘાતજનક આંકડાઓનું સમર્થન કરવામાં આવ્યું છે. આ પુરવાર કરે છે કે સફેદ બ્રેડ ખાવાનું ટાળવું જોઈએ. ઉત્તમ તો આખા ઘઉં કે બીજાં આખાં અનાજની બનાવેલી બ્રેડ ખાવી એમાં જ ભલુ છે. ખાવાની વસ્તુ ખરીદતી વખતે એના પરનું લેબલ વાંચીને ખાતરી કરી લેવી જોઈએ કે એમાં કૃત્રીમ સ્વાદ-ફોરમ કે રંગ, બ્લીચ કરેલ આટો, લાંબો વખત બગડે નહીં તે માટેનાં રસાયણો કે થીજાવેલાં (ડાલ્ડા જેવાં) તેલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.

આયોડીનયુક્ત નમક (Iodised Salt)

ફેબ્રુવારી 6, 2016

આયોડીનયુક્ત નમક (Iodised Salt)

પીયુષભાઈના ઈમેલમાંથી મળેલું – અંગ્રેજી પરથી ગુજરાતીમાં -ગાંડાભાઈ

બ્લોગ પર તા. ૬-૨-૨૦૧૬

જાણીને તમને આઘાત થશે કે નળનું પાણી અને આયોડીનવાળું મીઠું આપણા આહારને નુકસાનકર્તા બનાવે છે. કદાચ સાદું મીઠું વાપરવું વધુ સારું. અથવા આયોડીનવાળું મીઠું હંમેશાં રસોઈ તૈયાર થઈ ગયા પછી જ નાખવું, વધુ ગરમ હોય ત્યારે નહીં – જો તમારા શરીરમાં આયોડીનની ઉણપ હોય તો.

શું તમે રાંધવામાં નળના પાણીનો ઉપયોગ કરો છો? જો એમ હોય તો તમારે રાંધવાની રીત બદલવી જોઈએ. તાજેતરમાં થયેલી શોધમાં જાણવા મળ્યું છે કે નળમાંનું ક્લોરીનવાળું પાણી જ્યારે ઉંચા ઉષ્ણતામાને મીઠામાંના આયોડીન સાથે સંપર્કમાં આવે છે ત્યારે નુકસાનકારક ઝેરી પદાર્થો પેદા થાય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.

હોંગકોંગ યુનીવર્સીટીના સંશોધકોની એક ટીમે આજ સુધી અજ્ઞાત રસાયણો જે ક્લોરીનયુક્ત પાણી સાથે આયોડીનની ઉંચા ઉષ્ણતામાને થતી પ્રક્રીયાથી પેદા થાય છે તેની જાણકારી પ્રાપ્ત કરી છે. આ રસાયણોની આજ સુધી ખબર ન હતી, આથી કોઈનું ધ્યાન ક્લોરીનવાળા પાણીમાં રાંધવાથી થતા નુકસાન તરફ ગયું ન હતું.

કેટલાંક સુક્ષ્મ જીવાણુ પાણીને દુષીત કરતાં હોવાથી પીવા માટે કે રાંધવા માટે વાપરતાં પહેલાં આપણે એને જીવાણુંરહીત કરીએ છીએ. એ બે રીતે કરવામાં આવે છે – પાણીમાં ક્લોરીન ઉમેરીને અથવા હાઈપોક્લોરાઈટ રસાયણ ઉમેરીને. ક્લોરીન ઉગ્ર ઝેરી પદાર્થ હોવાથી એમાંનાં અમુક સુક્ષ્મ જીવાણું આ રીતે નાશ પામે છે. ખાસ કરીને પાણીથી ફેલાતા કૉલેરા, મરડો, ટાઈફોઈડ જેવા રોગો અટકાવવા માટે એને આ રીતે જંતુમુક્ત કરવામાં આવે છે.

હાઈપોક્લોરાઈટ રસાયણો એમોનીયાની પેદાશ છે. એ બનાવવા માટે એક, બે કે ત્રણ હાઈડ્રોજનના પરમાણુની જગ્યાએ ક્લોરીનના પરમાણુ મુકી દેવામાં આવે છે. આ બંને પ્રક્રીયા પાણીના રાસાયણીક બંધારણને બદલી નાખે છે.

સંશોધકોના મતાનુસાર બંને શુદ્ધીકરણથી પાણીમાં ગયેલ ક્લોરીન આયોડાઈઝ્ડ સોલ્ટમાંના આયોડીન સાથે પ્રક્રીયા કરીને એક પ્રકારનો એસીડ બનાવે છે જેને હાઈપોઆયોડસ એસીડ કહે છે. (આ એક અકાર્બનીક રસાયણ છે જેનું સુત્ર છે HIO)

હાઈપોઆયોડસ એસીડ એ એક મંદ એસીડ છે. એ એકલો પોતાની રીતે નુકસાનકારક નથી. પરંતુ બીજા આહાર સાથે અને પાણીમાં અન્ય કાર્બનીક પદાર્થો સાથે જોડાતાં આડપેદાશ બને છે જેને આયોડીનેટેડ ડીસ્ઈન્ફેક્શન (I-DBPs) કહે છે.

આ I-DBPsના અણુઓ બાબત આજ સુધી કશી જ માહીતી ન હતી. સંશોધકો માટે એ બીલકુલ નવા જ છે. એના ગુણધર્ધો જાણવા માટે સંશધકોએ પ્રયોગશાળામાં એના અણુઓ બનાવ્યા અને એ કેવુંક નુકસાન કરે છે તેનું પરીક્ષણ કર્યું.

આપણી રોજેરોજની રાંધવાની આ રીત વડે કેવા નુકસાનકારક પદાર્થો પેદા થાય છે એ જાણીને સંશોધકો અચંબો પામી ગયા. નવી ટેકનોલોજી અને રાસાયણીક પ્રક્રીયા વડે સંશોધકોએ ૧૪ તદ્દન નવા અણુઓ શોધી કાઢ્યા. એ પૈકી ૯ અણુઓનાં બંધારણની માહીતી પણ મેળવી. વધુ પરીક્ષણ કરતાં માલમ પડ્યું કે કેટલાક અણુઓ ઓછા હાનીકારક હતા જ્યારે કેટલાક તો ૫૦-૨૦૦ ગણા હાનીકારક હતા.

નળના ક્લોરીનવાળા પાણી અને આયોડીનયુક્ત મીઠાના મીશ્રણ વડે જે હાનીકારક પદાર્થો પેદા થાય છે તે વૈજ્ઞાનીકો માટે સાવ નવા જ છે. આ પદાર્થોને પેદા થતા રોકવાનો એક માત્ર ઈલાજ ધીમા તાપે રાંધવું તે છે. અથવા રાંધ્યા પછી મીઠું ઉમેરી શકાય, પહેલેથી નહીં.

ભગવાનનો ઈન્ટરવ્યુ

ફેબ્રુવારી 2, 2016

ભગવાનનો ઈન્ટરવ્યુ

(બ્લોગ પર તા. ૨-૨-૨૦૧૬)

ફ્લોઈડ હોલ્ડમન, વીલી હોલ્ડમન અને રિચર્ડ હોલ્ડમનના સૌજન્યથી

અંગ્રેજી પરથી ગુજરાતીમાં- ગાંડાભાઈ

(પીયુષભાઈ પરીખના ઈમેલમાંથી મળેલું)

મને એક વાર સ્વપ્ન આવ્યું કે મેં ભગવાનનો ઈન્ટરવ્યુ કર્યો.

“હા, તો તું મારો ઈન્ટરવ્યુ લેવા માગે છે ખરું?” ભગવાને પુછ્યું.

“જો આપની પાસે સમય હોય તો” મેં કહ્યું.

“મારી પાસે સમય?” ભગવાન કહે, “મારો સમય તો શાશ્વત છે, તારે મને કયા પ્રશ્નો પુછવા છે?”

“માનવજાત બાબત તમને સૌથી વધુ આશ્ચર્ય શાનું થાય છે?”

ભગવાને જવાબ આપ્યો, “માનવો બાલ્યાવસ્થામાં કંટાળી જાય છે અને જલદી જલદી મોટાં થવાનું ઈચ્છે છે, અને પછી પાછાં છેવટે બાળક બનવાની ઈચ્છા સેવે છે.”

“પૈસા કમાવા પાછળ પોતાની તબીયત બગાડે છે, અને પછી દવાદારુમાં કામયેલા પૈસા વાપરી નાખે છે.”

“સતત ભવીષ્યની ચીંતા કરવામાં વર્તમાનને વીસારે પાડે છે અને નથી એ વર્તમાનમાં જીવતો કે નથી તો ભવીષ્યમાં.”

“વળી એ જીવે તો જાણે એવી રીતે કે એ કદી મરવાનો જ નથી, અને મરે છે એ રીતે કે કદી જીવ્યો જ ન હતો. આ બધી બાબતો આશ્ચર્યજનક છે.”

ભગવાને મારો હાથ એના હાથમાં લીધો, અને અમે કેટલીક ક્ષણો મૌન બેસી રહ્યા. મેં પુછ્યું, “એક પીતા તરીકે તમે તમારાં બાળકોને કયા પાઠ, શો બોધ આપવાનું, શું શીખવવાનું પસંદ કરશો?”

ભગવાને સ્મીત વેરતાં જવાબ આપ્યો, “હું ઈચ્છું કે તેઓ એટલું સમજે કે પોતાની જાતની બીજા સાથે તુલના કરવી નહીં. મારાં બાળકો જાણે કે તમને ચાહવા માટે તમે કોઈને ફરજ પાડી ન શકો, પણ પોતાની જાતને બીજાં લોકો ચાહે તેને માટે યોગ્ય બનાવે. હે બાળકો, તમે એટલું શીખો કે ખરો ધનવાન તે નથી જેની પાસે અઢળક સંપત્તી છે, પણ જેની જરુરીયાત ઓછામાં ઓછી છે તે ધનવાન છે. તમારે શીખવું જોઈએ કે તમે ક્ષણવારમાં તમારા પ્રીયજનને દુખના જખમ પહોંચાડી શકો, પણ એને રુઝાતાં વર્ષોનાં વર્ષો લાગી જાય. માફ કરતાં શીખો- ક્ષમા વીરસ્ય ભૂષણમ્. જાણો કે એવાં માણસો પણ છે કે જે તમને ખુબ જ ચાહે છે, પણ તેઓને ખ્યાલ નથી કે પોતાનો પ્રેમ તમારી સમક્ષ કઈ રીતે વ્યક્ત કરવો, પોતાની લાગણી કેવી રીતે જણાવવી. હું મારાં બાળકોને એ શીખવવા ચાહું છું કે બે વ્યક્તી એકી સાથે એક જ વસ્તુને જુદી જુદી રીતે જોતી હોય છે. માત્ર બીજાંઓ જ તમને માફ કરી દે એટલું પુરતું નથી, પણ તમારે પણ તમારી જાતને માફ કરવી જોઈએ.”

આપના સમય બદલ હાર્દીક આભાર. “બીજું કંઈ તમારા બાળકોને તમે કહેવા ચાહો છો?”

“હા, જાણો કે હું અહીં જ છું હંમેશ માટે.”

 

મનોભાવોની શરીર પર અસરો

ફેબ્રુવારી 1, 2016

મનોભાવોની શરીર પર અસરો

(બ્લોગ પર તા. 1-2-2016)

અંગ્રેજી પરથી ગુજરાતી-ગાંડાભાઈ

પીયુષભાઈ પરીખના ઈમેલમાંથી મળેલું

ક્રોધ આપણા યકૃત(લીવર)ને હાનીકારક છે.

શોક આપણા ફેફસાંને નુકસાન કરે છે.

ચીંતા આપણી હોજરીને નબળી પાડે છે.

સ્ટ્રેસથી આપણાં મગજ અને હૃદય નબળાં પડે છે.

ભય આપણી કીડનીને નુકસાન કરે છે.

પ્રેમ આપણને શાતા આપે છે અને જીવનમાં સંવાદીતા લાવે છે.

હાસ્ય સ્ટ્રેસ ઓછો કરે છે જ્યારે સ્મીત આનંદ પ્રગટાવે છે.