Archive for મે, 2018

ધાણા

મે 31, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

ધાણા

(બ્લોગ પર તા. 31-5-2018)

ધાણા સ્નીગ્ધ, કડવા, તીખા, હલકા, પાચક, ભુખ લગાડનાર, રુચી ઉત્પન્ન કરનાર, મુત્ર ઉત્પન્ન કરનાર, મળ રોકનાર અને જ્વર-તાવ મટાડનાર છે.

લીલા ધાણામાં વીટામીન એ, સી અને લોહ સારા પ્રમાણમાં હોય છે. 40થી 50 ગ્રામ લીલા ધાણા દાળ, શાક, ચટણી કે અન્ય રીતે લેવામાં આવે તો રોજના વીટામીન ‘એ’ની જરુરીયાત પુરી પડી રહે છે. વધારે પ્રમાણમાં ધાણા ખાવાથી વધારાના વીટામીન ‘એ’નો યકૃત(લીવર)માં સંગ્રહ થાય છે જે જરુરીયાતના સમયે ઉપયોગમાં લઈ શકાય. 40થી 50 ગ્રામ લીલા ધાણામાંથી વીટામીન ‘સી’ રોજની જરુરીયાત કરતાં પણ વધુ મળી રહે. જો કે  એનો શરીર સંગ્રહ કરી શકતું નથી, કેમ કે વીટામીન ‘સી’ પાણીમાં દ્રાવ્ય છે.

લીલા ધાણામાં કેલ્શ્યમ અને ફોસ્ફરસ તથા પ્રોટીન અને ફાઈબર પણ ઘણા સારા પ્રમાણમાં હોય છે. જો કે લીલા ધાણા કરતાં ધાણાનાં બીમાં-સુકા ધાણામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. ફાઈબરથી પાચનતંત્ર સુધરે છે, કબજીયાત મટે છે અને મેદ ઘટે છે.

 1. લીલા ધાણા, ફુદીનો, કાળાં મરી, સીંધવ અને સુકી દ્રાક્ષને પીસીને ચટણી બનાવી લીંબુનો રસ નાખી ખાવાથી પાચનક્રીયા સુધરે છે.
 2. પાંચ ચમચી સુકા ધાણા એક ગ્લાસ પાણીમાં ઉકાળી ગાળીને સવાર-સાંજ પીવાથી થાઈરોઈડના રોગમાં લાભ થાય છે.
 3. જમ્યા પછી ઝાડા થવાની સમસ્યા હોય તો એક ચમચી સુકા ધાણા સંચળ સાથે ચાવીને જમ્યા પછી તરત ખાવા. સંચળ અનુકુળ ન હોય તો એકલા ધાણા પણ ખાઈ શકાય.
 4. ગરમીને કારણે ગળામાં દુખાવો કે બળતરા થતી હોય તો દર ત્રણ કલાકે બે ચમચી સુકા ધાણા ચાવીને ખાતા રહેવું.
 5. રાત્રે ચાર ચમચી સુકા ધાણા પાણીમાં પલાળી, સવારે સાકર સાથે પીસીને ગાળીને પીવાથી શરીરની ગરમી અને પેટની બળતરા મટે છે. એનાથી તીવ્ર તરસ અને પેશાબની બળતરા પણ મટે છે.
 6. 200 ગ્રામ પાણીમાં 20 ગ્રામ સુકા ધાણા નાખી ઉકાળવા. 50 ગ્રામ પાણી બાકી રહે ત્યારે ગાળી સાકર નાખી પીવાથી બહેનોની વધારે પડતું માસીક આવવાની સમસ્યા દુર થાય છે. આ પ્રકારની ફરીયાદમાં ધાણાનું ચુર્ણ, બુરુ ખાંડ અને ઘી મીક્સ કરીને લેવાથી પણ લાભ થાય છે.
 7. લીલા ધાણાનો 30 ગ્રામ રસ દરરોજ લેવાથી ભુખ ઉઘડે છે.
 8. બે ચમચી સુકા ધાણા એક ગ્લાસ પાણીમાં ઉકાળી ગાળીને દીવસમાં ત્રણ વાર પીવાથી ગેસની ફરીયાદ મટે છે.
 9. લીલા ધાણાની ચટણી દરરોજ ખાવાથી સારી ઉંઘ આવે છે.
 10. લીલા ધાણા પીસીને ખાવાથી આંખોનું તેજ વધે છે. મળી શકે તો એની સાથે આમળાં પણ મેળવી શકાય.
 11. 250 ગ્રામ દુધમાં 4 ચમચી ધાણા ઉકાળી ગાળીને સાકર નાખી પીવાથી હરસ-મસામાં લાભ થાય છે.

આરોગ્ય ટુચકા 228. યકૃત (લીવર)ની સંભાળ

મે 30, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 228. યકૃત (લીવર)ની સંભાળ

 • યકૃત ખાંડને ચરબીમાં બદલવાનું કામ કરે છે. વધુ પડતી ખાંડ ખાવાથી યકૃત પર કામનો બોજ વધશે અને વધારાની ચરબી યકૃતમાં જમા થવા લાગશે. તેનાથી યકૃતને નુકસાન થઈ શકે છે.
 • વધુ પ્રમાણમાં અથવા લાંબા સમય સુધી પેરાસીટામોલ અથવા એવી કોઈ દર્દશામક દવા લેવાથી યકૃત ખરાબ થઈ શકે છે.
 • વધુ દારુ(આલ્કોહોલ) પીવાથી શરીરમાં હાનીકારક તત્ત્વોની માત્રા વધે છે, જે યકૃતમાં જમા થઈને તેને નુકસાન પહોંચાડે છે.
 • ડોક્ટરની સલાહ વીના પુરક આહારતત્ત્વો, ખાસ કરીને વધુ માત્રામાં વીટામીન ‘એ’ લેવાથી લીવરને નુકસાન થઈ શકે છે.
 • રોજ 7 કલાક કરતાં ઓછી ઉંઘ લેવાથી યકૃત ચરબીને યોગ્ય રીતે પ્રોસેસ નથી કરી શકતું. તેનાથી એમાં ચરબી જમા થવા લાગે છે જે તેના ડેમેજનું કારણ બની શકે છે.
 • ઠંડાં પીણામાં આર્ટીફીશીયલ ખાંડ અને રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપર જોયું તેમ ખાંડથી લીવરમાં ચરબી જમા થવા લાગે છે. રંગોનાં રસાયણો પણ યકૃતને નુકસાન પહોંચાડે છે.
 • બજારુ બર્ગર, સેન્ડવીચ જેવા જંકફુડ ખાવાથી યકૃતમાં ચરબી જમા થવા લાગે છે. તેનાથી યકૃતની કાર્યશક્તી પર ખરાબ અસર થાય છે.

(8) ધુમ્રપાન યકૃતને આડકતરી રીતે નુકસાન પહોંચાડે છે. સીગરેટમાં અનેક નુકસાનકારક રસાયણો હોય છે, જે યકૃતમાં પહોંચીને તેના કોષોને નુકસાન કરી શકે છે.

આરોગ્ય ટુચકા 227. સાંધાનો દુખાવો

મે 28, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 227. સાંધાનો દુખાવો:
1. સાંધાનો દુખાવો દુર કરવા રોજ 2થી 3 અખરોટ ખાલી પેટે ખાવી.
2. એક ચમચી અશ્વગંધા ચુર્ણ અને એક ચમચી મધ હુંફાળા દુધમાં પીવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.
3. એક ચમચી અળસીનાં બી ભોજન પછી ચાવીને ખાવાથી સાંધાના દુખાવામાં આરામ થાય છે.
4. એક ચમચી બેકીંગ સોડા એક ગ્લાસ પાણીમાં ભેળવી પીવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.
5. આમળાનો રસ અને એલોવેરાના રસને મીક્સ કરીને પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
6. નાળીયેરનું પાણી સાંધાના દુખાવામાં લાભ કરે છે.
7. ખાધા પછી અજમો અને ગોળ ખુબ ચાવીને ખાવાથી સાંધાના દુખાવામાં ફેર પડે છે.
8. બીટરુટ, સફરજન અને ગાજરનો રસ દરરોજ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
9. એક ગ્લાસ પાણીમાં 2-3 ચમચી એપલ સાઈડર વીનેગર દીવસમાં બે-ત્રણ વખત પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
10. દીવસ દરમીયાન પુરતા પ્રમાણમાં પાણી પીતા રહેવાથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે.
સાંધાનો દુખાવો હોય તો: (1) ઓછી ચરબીવાળું દુધ વાપરવું (2) તૈયાર પૅક કરેલો આહાર ન લેવો (3) આથાવાળી વાનગીઓ ન ખાવી. (4) જાંબુ, ચેરી અને સ્ટ્રોબેરી જેવાં ફળ ખાવાં. (5) વીટામીન ‘સી’ અને પાચક રેસાવાળો આહાર લેવો.

સમયનું વહેણ

મે 26, 2018

સમયનું વહેણ

(બ્લોગ પર તા. 26-5-2018 )

સમયનું વહેણ? ખરેખર સમય વહે છે? સંસ્કૃતમાં ભર્તૃહરિ શતકમાં એક શ્લોક છે:

भोगो न भोक्ता वयमेव भोक्ता तपो न तप्ता वयमेव तप्ता ।

तृष्णा न जीर्णा वयमेव जीर्णा कालो न यातो वयमेव याता ॥

એમાં એમ કહે છે કે સમય પસાર થતો નથી, સમય વહી જતો નથી, આપણે જ પસાર થઈ જઈએ છીએ, આપણે જ વહી જઈએ છીએ.

कालो न यातो  સમય જતો નથી એટલે એનો અર્થ તો સમય જ્યાં છે ત્યાં ને ત્યાં જ હોય છે.

તો સમય શું છે? મહાન વૈજ્ઞાનીક આઈન્સ્ટાઈને એને ચોથું પરીમાણ કહ્યું છે.

સમય એટલે પરીવર્તનનો આપણને થતો બોધ, આપણને જે ફેરફારો થઈ રહ્યા હોય તેનું થતું ભાન. આપણે જોઈએ છીએ કે સતત પરીવર્તન થયા જ કરે છે – બધાંમાં જ બધે જ. આપણા પોતાનામાં, શારીરીક રીતે માનસીક રીતે, આપણી આસપાસ, સજીવમાં, નીર્જીવમાં, નજીક, દુર, સર્વત્ર એકેએક બાબતમાં પરીવર્તન થતું રહે છે. વીજ્ઞાન કહે છે કે નીર્જીવ વસ્તુના પરમાણુમાં પણ ઈલેક્ટ્રોન એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની ફરતે પ્રદક્ષીણા કરે છે. જો કે નરી આંખે તો આપણે એને જોઈ શકતા કે અનુભવી શકતા નથી. પણ આપણે આસપાસ નજર કરીએ તો બધું જ પરીવર્તીત થતું જોવા મળે છે, અનુભવવા મળે છે. સવારે સુર્ય ઉગે છે, માથે આવે છે, આથમી જાય છે. કશું જ સ્થીર નથી, બધું જ પરીવર્તનશીલ છે. આ પરીવર્તનનો બોધ થાય તેને આપણે સમય પસાર થાય છે એમ કહીએ છીએ.

મને એક ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારે સંપુર્ણ બેભાન કરવામાં આવ્યો હતો – ટોટલ એનેસ્થેશીયા આપવામાં આવ્યું હતું. તે વખતે મને જે અનુભવ થયો હતો તે પરથી મને લાગે છે કે ખરેખર સમય એટલે આપણને થતા પરીવર્તનનો બોધ. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં પુછ્યું હતું કે મને ઓપરેશન થીયેટરમાંથી અહીં કેટલા સમય પહેલાં લાવવામાં આવ્યો? પણ કોઈ કદાચ કહે કે તો પછી ઉંઘમાં પણ આપણને પરીવર્તનનો બોધ નથી હોતો છતાં સમયનો બોધ હોય છે. ના, ઉંઘમાં આપણે ભાન ગુમાવતા હોતા નથી. જુદા લેવલ પર પરીવર્તન અનુભવતા હોઈએ છીએ, જેમ કે સ્વપ્નો જોવાં. ગાઢ નીદ્રાનો પણ આપણે અનુભવ કરીએ છીએ. તેથી જ સવારે ઉઠ્યા પછી કહીએ છીએ કે રાત્રે ખુબ સરસ ગાઢ ઉંઘ આવી હતી.

 

આરોગ્ય ટુચકા 226. મોંની દુર્ગંધ

મે 23, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 226. મોંની દુર્ગંધ:

 • ફુદીનાનાં પાન કાચાં ચાવવાથી અથવા પાણીમાં ઉકાળીને પીવાથી મોંની દુર્ગંધ મટે છે.
 • વરીયાળી ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે, આથી મોંની દુર્ગંધ પણ મટે છે.
 • દાડમની છાલનો ઉકાળો કરીને હુંફાળો થયા પછી કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.
 • મોંની દુર્ગંધ દુર કરવા વીટામીન ‘સી’યુક્ત આહારનું સેવન કરવું જોઈએ. એમાં નારંગી, લીંબુ, આમળાં, સફરજન જેવાં ફળ લઇ શકાય. વીટામીન ‘સી’ મોંની દુર્ગંધ માટે જવાબદાર બેક્ટેરિયાને દુર કરે છે.
 • ચા પીધા બાદ મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો ચા બનાવતી વખતે તેમાં તજ નાખીને ઉકાળવી. તજના ઉપયોગથી દુર્ગંધથી રાહત મળી શકે છે.

આરોગ્ય ટુચકા 225. દાંતની પીળાશ

મે 22, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 225. દાંતની પીળાશ

કેળાંની છાલ દાંતોને સફેદ કરવા માટે વાપરી શકાય. એ માટે કેળાની છાલના ટુકડાને એની અંદરની બાજુ દાંત પર રાખીને હળવા હાથે ઘસો. કેળાની છાલમાં રહેલાં પોટેશ્યમ, મેગનેશ્યમ અને મેંગેનીઝનાં રસાયણો દાંતમાં શોષાવાથી લાંબા ગાળે દાંત સફેદ થવાની શક્યતા છે.

આરોગ્ય ટુચકા 224. આંખ નીચેનાં કાળાં કુંડાળાં

મે 21, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 224. આંખ નીચેનાં કાળાં કુંડાળાં

ફુદીનાનાં તાજાં પાન તોડી તેને સારી રીતે છુંદી-ક્રશ કરી લુગદી બનાવો. એ લુગદીને આંખની નીચેના કાળાં કુંડાળાં પર લગાવો.  વીસેક મીનીટ સુધી રાખીને એને ચોખ્ખા પાણી વડે ધોઈ નાખો. આ પ્રમાણે અઠવાડીયામાં બે વખત ઉપાય કરવાથી આંખ નીચેનાં કાળાં કુંડાળાં દુર થવાની શક્યતા છે.

આરોગ્ય ટુચકા 223.  સાંધાના દુખાવાનો એક ઉપાય

મે 18, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 223.  સાંધાના દુખાવાનો એક ઉપાય: ૧૦૦ ગ્રામ મેથીના ચુર્ણમાં દોઢથી બે ચમચી દીવેલનું મોણ દઈને બે કલાક રહેવા દેવું. પછી લોખંડની તવી પર ધીમા તાપે બદામી રંગનું થાય ત્યાં સુધી શેકવું. ઠંડુ થાય પછી એમાં એક ચમચી હળદર, અડધી ચમચી સંચળ અને અડધી ચમચી અજમાનું ચુર્ણ ઉમેરી સારી રીતે મીક્સ કરી બોટલમાં ભરી લેવું. એમાંથી સવારે અને સાંજે અડધી-અડધી ચમચી ચુર્ણ નવશેકા ગરમ પાણી સાથે ફાકી જવું. વાયુકારક આહાર છોડી દેવો. ચાલવાની તથા બીજી અનુકુળ કસરત નીયમીત કરવી.

વૃદ્ધાવસ્થા વીશેની ભ્રમણાઓ

મે 17, 2018

વૃદ્ધાવસ્થા વીશેની ભ્રમણાઓ

(બ્લોગ પર તા. 17-5-2018)

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

૧. ઘરડા થતાં કાયમ માંદા રહી બીજાંઓને ભારરુપ થઈ જઈશું: આ માન્યતા બરાબર નથી. ઉંમર વધવાથી શારીરીક શક્તી ઘટે છે, પરંતું યોગ્ય પોષક તત્ત્વોવાળો પાચક આહાર પોતાની પાચનશક્તી અનુસાર લેવામાં આવે, કસરત અને યોગ કરવાનું ચાલુ રાખવામાં આવે તો માંદા પડવાની શક્યતા ઘટી જાય છે.

૨. ઘડપણમાં હાડકાં નબળાં પડી જાય છે: જો પુરતું ધ્યાન રાખી પચી શકે તેવા કેલ્શીયમયુક્ત પાદાર્થોનો યોગ્ય પ્રમાણમાં આહારમાં સમાવેશ કરતા રહેવામાં આવે તો હાડકાં બાબત ખાસ કોઈ સમસ્યાનો ડર રાખવાની જરુર નથી.

૩. ઉમ્મર વધતાં સાંધાઓમાં દુખાવો થાય જ: એ ખરું કે વધતી ઉમ્મર સાથે પાચનશક્તી નબળી પડે આથી વાયુવીકારની શક્યતા રહે. એનાથી દુખાવો થાય. પરંતુ જો ખાવાપીવામાં યોગ્ય કાળજી રાખવામાં આવે અને ઉપર જણાવ્યું તેમ યોગ્ય કસરત, ખાસ કરીને યોગાસનની કસરત કે ચાલવાની કસરત અથવા તમને અનુકુળ કોઈ પણ કસરત કરવાનું કે રમત રમવાનું ચાલુ હોય તો આ મુશ્કેલી પણ મોટા ભાગે નીવારી શકાય તેમ છે.

૪. ઘરડાં લોકોની ઉંઘ ઓછી થઈ જાય છે: આ પણ એક ભ્રમણા છે. કેમ કે ઉંઘનો આધાર માણસની માનસીક સ્થીતી પર રહે છે. જો કોઈ સમસ્યા સતાવતી ન હોય, કોઈ બાબત ચીંતા કરતા રહેવાની ટેવ ન રાખો તો ઉંઘની સમસ્યા રહેતી નથી. કેટલાક વૃદ્ધ લોકો પોતાની યુવાનીમાં જેટલી ઉંઘ લેતા હોય તેના કરતાં વધુ ઉંઘ પણ લેતા હોય છે. કેમ કે તેમને હવે નોકરીએ જવાનું, દુકાન ચલાવવાનું કે કોઈ પણ વ્યવસાયમાં રોકાવાનું ન હોવાથી વધુ સમય ઉંઘ માટે મળી રહે છે, જેનો લાભ તેઓ નીરાંતે ઉંઘવામાં લઈ શકે છે. હા, એ ખરું કે આઠ કલાકથી વધારે ઉંઘવાથી કોઈ વધુ ફાયદો થાય એમ માનવાની જરુર નથી. સીવાય કે કોઈ શારીરીક તકલીફને કારણે વધુ આરામની જરુર હોય.

૫. વૃદ્ધ લોકોને એકલતા પસંદ હોય છે: હવે તો ઘણા લોકો નીવૃત્ત થવાને બદલે નોકરી કે વ્યવસાયમાં ચાલુ  રહેવાનું અથવા તો કોઈ બીનવેતન સેવા કરવાનું પસંદ કરે છે. પ્રવૃત્તીમય રહેતા લોકોને જીવન જીવવાનું વધુ સરળ લાગે છે, અને તેઓ બીજાઓની સરખામણીમાં લાંબું જીવતા પણ જોવા મળે છે. કારણ કે એ રીતે વધુ ને વધુ મીત્રો મળી રહે અને મીત્રોના સંપર્કમાં રહેવાથી જીવન આનંદીત રહેતાં વધુ જીવવાની સંભાવના રહે છે.

૬. માનસીક શક્તીમાં ઘટાડો: બધા લોકોની બાબતમાં આમ બનતું નથી. કેટલાક લોકોનું મગજ વૃદ્ધાવસ્થામાં પણ ખુબ તેજ હોય છે. મગજને પોષણ આપનાર સુપાચ્ય આહારદ્રવ્યો લેવાનું ચાલુ રાખવાથી માનસીક શક્તીમાં ઘટાડો થવાની ચીંતા કરવાની જરુર રહેતી નથી. યાદ રાખવા માટેની કેટલીક ટ્રીક પણ હોય છે, જેનાથી સ્મરણશક્તી જાળવી રાખી શકાય. એક ટ્રીક હું વાપરું છું તે પતી-પત્નીના નામના આદ્યાક્ષરો જેમ કે દિન – દિલીપ અને નયના. આવી અન્ય જુદી જુદી ટ્રીક તમે તમારા માટે શોધીને, બનાવીને વાપરી શકો.

૭. વૃદ્ધ લોકોની કાર્યક્ષમતા નજીવી થઈ જાય છે: એવું નથી. ઘડપણમાં પણ દરેક પ્રકારની કાર્યક્ષમતા જાળવી શકાય છે. વૃદ્ધોએ બધી બાબતમાં બીજાઓ પર જ આધાર રાખવો પડે છે એમ માનવાની જરુર નથી. એથી ઉલટું ઘણી બાબતોમાં એમની સલાહ પોતાના વીશાળ અનુભવને લઈને બહુ જ કીમતી હોય છે.

૮. ખાવાપીવામાં ફેરફાર: આ બાબતનું ખાસ ધ્યાન વૃદ્ધ લોકોએ રાખવાનું રહે છે. જો શારીરીક અને માનસીક બધા પ્રકારનું સ્વાસ્થ્ય જાળવી રાખવું હોય તો યુવાનીમાં જે પ્રકારના અને જે પ્રમાણમાં આહાર અને વીહાર હતા તે ચાલુ રાખી શકાય નહીં. પહેલાં કરતાં હવે વૃદ્ધ થયા પછી આહાર-વીહારમાં પોતાને શું અને કેટલું અનુકુળ છે તેનો ખ્યાલ કરીને તે મુજબ જ પસંદગી કરવી જોઈએ.

૯. શરીર-મન પર ઉંમરની અસર દેખાવી સ્વાભાવીક છે: એમાં કોઈ તથ્ય નથી. અમુક બાબતો આપણે બદલી શકતા નથી, પણ આપણા વીચાર અને દૃષ્ટીકોણ પોતાને વીશે તેમ જ અન્ય લોકો બાબત, આપણી જીવનશૈલી વગેરે ઉપર ઉંમરની અસર દેખાવાનો આધાર રહેલો છે. આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો પોતાની ઉંમર કરતાં ઘણા જ યુવાન દેખાતા હોય છે. જો આપણે પોતાને બધી રીતે સ્વસ્થ રાખી કાયમ યુવાન જોતા રહીએ તો શરીર-મન પર ઉંમરની કોઈ ખાસ અસર આપણે ધારીએ તેવી દેખાશે નહીં.

આરોગ્ય ટુચકા 222. શક્તી માટે

મે 16, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 222.  શક્તી માટે: ફોતરાં કાઢી નાખેલા જવ ૫૦ ગ્રામ અને ઉત્તમ પ્રકારના ચોખા ૫૦ ગ્રામ દળીને તેમાં ૫૦ ગ્રામ લીંડી પીપરનું ચુર્ણ ઉમેરવું. એને ૧૨૫ ગ્રામ ગાયના ઘીમાં ધીમા તાપે શેકી ૪૦૦ ગ્રામ ખાંડની બેતારી ચાસણીમાં નાખવું. ઘટ્ટ થાય ત્યારે ઉતારીને ઠરે એટલે ૫૦-૫૦ ગ્રામના લાડુ વાળવા. રોજ રાત્રે એક લાડુ ખાઈ ઉપર એક મોટો ગ્લાસ જાયફળવાળું દુધ પીવું. ખારા અને ખાટા પદાર્થો ન લેવા. આ પાકનું સેવન કરવાથી લાંબા સમય સુધી યૌવન અને શક્તી ટકી રહે છે. જેને ડાયાબીટીસ હોય તેને માટે આ પ્રયોગ કામનો નથી.