Archive for નવેમ્બર, 2023

સ્વસ્થ અને દીર્ઘ જીવન માટે જરુરી નવ પૈકી બીજી બાબત

નવેમ્બર 25, 2023

એ માટેની બીજી બાબત છે આહારનું પ્રમાણ ઘટાડવાની. સાંજના આહારમાં થોડો ઘટાડો કરવાથી શરુઆત કરી શકાય. અમેરીકાના મેડીકલ એસોસીએશનના જર્નલમાં પ્રગટ થયેલા એક અભ્યાસમાં જોવામાં આવ્યું છે કે આહારમાં 25% ઘટાડો કરવાથી શરીરના તાપમાનમાં અને આહાર પહેલાંના ઈન્સ્યુલીનના પ્રમાણમાં ઘટાડો થાય છે. અમેરીકાના મેયો ક્લીનીકની ભલામણ અનુસાર શરીરનું સામાન્ય વજન જાળવી રાખવા માટે જરુરી આહાર કરતાં થોડો ઓછો આહાર લેવો, પણ જરુરી વીટામીન અને અન્ય પોષક તત્ત્વો મળી રહે તે જોવું. આ પ્રકારના આહારની એક અનીચ્છનીય અસર હાડકાં નબળાં પડે અને સ્નાયુ પોચા પડી જાય. એના ઉપાય તરીકે નીયમીત કસરત સાથે કેલ્શ્યમ અને વીટામીન ડીની ટીકડી પુરક આહાર તરકે લેવી પડે.

રીસર્ચમાં નોંધવામાં આવ્યું છે કે આહારના પ્રમાણમાં ઘટાડો કરવાથી એની સારી અસર બ્લડ પ્રેશર, રક્તશર્કરા (બ્લડસ્યુગર), શરીરમાંની ચરબીમાં ભરાવો, કોલેસ્ટ્રોલનું પ્રમાણ અને શરીરના વજન પર થાય છે. આ બધું સ્વસ્થ જીવન માણવા માટે લાભકારક છે. ઘટાડેલ આહારના પ્રમાણથી ચયાપચયની ક્રીયા ધીમી પડે છે. એનાથી હાનીકારક ફ્રી રેડીકલ્સમાં ઘટાડો થવાની શક્યતા છે. જરુર લાગે તો આહારમાં ફેરફાર કરવામાં અગત્યનાં પોષક તત્વો મળી રહે છે કે કેમ એ માટે આહાર નીષ્ણાતની મદદ લઈ શકાય.

સ્વસ્થ અને દીર્ઘ જીવન માટે જરુરી નવ પૈકી એક બાબત

નવેમ્બર 18, 2023

સ્વસ્થ રહેવા બાબત ધ્યાન રાખો જેથી આનંદમાં રહી શકાય. જો તમે આનંદીત હો તો તમે વધુ જીવી શકો. આપણે જીવનની ગુણવત્તા અને લંબાઈ શી રીતે વધારી શકીએ તે પૈકી નવ બાબતોમંથી એક હકીકત જોઈએ.

આપણામાંથી દરેક જણ આજે 100 વર્ષ કે તેથી વધુ જીવી શકે અને તે પણ સારી રીતે. આ કથન ‘વૃદ્ધત્વ વીરોધી ઉપાયો’ની એક સંસ્થાના પ્રમુખના છે.

આ સમીકરણ પર વીચાર કરો: દીર્ઘ જીવન+સુંદર સ્વાસ્થ્ય=સુખ

આપણે કેટલું જીવીશું એનો 30% આધાર આપણને વારસમાં મળેલાં જીન્સ પર રહે છે, પણ એનો 70% આધાર આપણી જીવનશૈલી પર છે.

આ માટેની એક બાબત તે આપણા આહારની છે. સવારમાં કોફી પીવાને બદલે ગ્રીન ટી પીવાનો ફેરફાર  કરવાનું શરુ કરી શકાય. આહારમાં બધા ફેરફાર એકી સાથે કરવા બહુ મુશ્કેલ હોય છે. આથી ફેરફાર એકબે બાબતોથી શરુ કરવા. ધીમે ધીમે બીનઆરોગ્યપ્રદ આહાર છોડી એની જગ્યાએ આરોગ્યવર્ધક આહાર દાખલ કરતા જવું. આહારમાં સામાન્ય ફેરફાર કરવાથી વધુ લાંબું અને સ્વસ્થ જીવન જીવી શકાય. જેમ કોફીની જગ્યાએ ગ્રીન ટી, તેમ તળેલા નાસ્તાને બદલે સુકો મેવો સવારમાં લેવો. સફેદ ચોખાને બદલે લાલ ચોખા, માંસનો ત્યાગ કરી મચ્છી અપનાવવી, બટર નહીં વાપરતાં ઓલીવ ઓઈલ વાપરવું, સફેદ ખાંડની બનાવેલ મીઠાઈઓ કરતાં ફળ ખાવાં અને સોડા-લેમન જેવાં પીણાં ન પીતાં માત્ર સાદું પાણી પીવું. માત્ર આટલા સાત ફેરફારો પણ તમારા સ્વસ્થ લાંબું જીવવામાં મોટો ફાળો આપશે. અનાજ, કઠોળ વગેરેમાંથી મળતા કાર્બોદીત પદાર્થ, શાકાહારમાંથી મળતું પ્રોટીન અને સ્વાસ્થ્યવર્ધક અસંપૃક્ત ચરબીવાળા આહાર પર ધ્યાન કેન્દ્રીત કરવું.

60 વર્ષની ઉંમર પછી

નવેમ્બર 11, 2023

અમેરીકામાં એક અભ્યાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધ લોકો પૈકી 51%  લોકો દાદર ચઢતાં પડી જાય છે. દર વર્ષે ઘણા લોકો દાદર ચઢતી વખતે પડી જઈ મૃત્યુ પામે છે. આ પ્રકારના અને અન્ય અકસ્માતો ટાળવા માટે 60 વર્ષની ઉંમર પછી નીચે મુજબની દસ કાળજી રાખવી જોઈએ.

  1. દાદરા ચઢવાનું ટાળવું. જો એ ટાળી શકાય તેમ ન હોય તો દાદરા ચઢતી વખતે રેલીંગ સજ્જડ રીતે અવશ્ય પકડી રાખવી.
  2. માથાને મરોડવાનું હલનચલન ખુબ ઝડપી રીતે કદી ન કરવું. એમ કરતાં પહેલાં આખા શરીરને વોર્મ અપ કરવું.
  3. વાંકા વળીને પગનાં આંગળાંને પકડવાની કોશીશ ન કરવી. એમ કરતાં પહેલાં આખા શરીરને વોર્મ અપ કરવું.
  4. ઉભા ઉભા પેન્ટ કે પાયાજામા ન પહેરવા. ખુરસી કે બેડ પર બેસીને જ પહેરવાં, જેથી ગબડી પડવાનો ડર ન રહે.
  5. ચત્તા સુતા હો તો તરત સીધા બેઠા ન થવું, પણ ડાબી બાજુ કે જમણી બાજુ પડખું ફરીને પછીથી બેઠા થવું.
  6. કસરત કરતી વખતે તરત જ શરીરને આમતેમ વાળવું નહીં, પહેલાં વોર્મીંગ અપ કરી આખા શરીરને ગરમ કરો.
  7. ઉંધા (બૅકવર્ડ) ચાલશો નહીં. પાછળ તરફ પડી જતાં ગંભીર ઈજા થવાની શક્યતા છે.
  8. ભારે વજન ઉંચકવા માટે કમરમાંથી વાંકા વળશો નહીં. ઘુંટણ વાળીને ઉકડા બેસીને વજન લઈને ઉભા થવું.
  9. પથારીમાંથી એકદમ ઝડપથી ઉઠી ન જવું. જાગ્યા પછી થોડીવાર થોભો. પછી ધીમેથી બેઠા થાઓ.
  10. મળત્યાગ કે મુત્રત્યાગ કરતી વખતે કદી બળ વાપરવું નહીં. એને કુદરતી રીતે બહાર નીકળવા દો.

બીજી એક અગત્યની વાત. હંમેશાં કંઈ ને કંઈ કરતા રહેવું, નીષ્ક્રીય ન થઈ જવું. વીચારો હકારાત્મક હોવા જોઈએ. જીવન હવે શરુ થયું છે. આટલાં વર્ષો કામ કરી કરીને, મહેનત કરીને પસાર કર્યાં, હવે જીવનનો આનંદ લેવાનો સમય છે.

સાંધાનો દુખાવો

નવેમ્બર 4, 2023

એક વાચકને આ પોસ્ટમાં માહીતીદોષ જણાવાને કારણે એને દુર કરવામાં આવે છે.