Archive for માર્ચ, 2014

ચાર પુરુષાર્થ

માર્ચ 26, 2014

ચાર પુરુષાર્થ
હીન્દુ ધર્મમાં ચાર પુરુષાર્થ વીષે કહેવામાં આવ્યું છે. લગ્નવીધીમાં ચાર મંગળફેરાની એક વીધી હોય છે, તેની સાથે આ પુરુષાર્થને જોડવામાં આવે છે. એટલે કે ચાર મંગળફેરા આ ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું પ્રતીનીધીત્વ કરે છે.
પરંપરાથી આ ચાર ફેરા પૈકી પ્રથમ ત્રણમાં પુરુષને આગળ રાખવામાં આવે છે, અને સ્ત્રીને છેલ્લા ચોથા ફેરામાં આગળ રાખવામાં આવે છે. કેટલાક વખત પહેલાં એને અમુક લોકોએ બદલી નાખી ત્રણ ફેરામાં સ્ત્રીની આગેવાની અને માત્ર છેલ્લા એક ફેરામાં પુરુષની આગેવાની કરી હતી. જો કે હવે ફરીથી એ ફેરફાર કાઢી નાખી પરંપરા મુજબ સ્ત્રીને બદલે પુરુષને પહેલા ત્રણ ફેરામાં આગળ અને સ્ત્રીને છેલ્લામાં આગળ કરવાનું શરુ થયું છે. પણ અહીં વેલીંગ્ટનમાં હજુ આજે પણ એક ભાઈ પરંપરા મુજબ ન કરતાં ત્રણ ફેરામાં સ્ત્રીને જ આગળ રાખે છે એવું મારા જોવામાં આવ્યું છે. પરંપરામાં બીજા લોકોએ જે ફેરફાર કરેલો તે શી રીતે કે શા માટે કરવામાં આવેલો તેની મને કશી ખબર નથી. પરંતુ મેં વીસેક વર્ષ દરમીયાન કરેલી વીધી વખતે આ ફેરફાર અપનાવ્યો ન હતો.
મેં એ ફેરફાર કેમ કર્યો ન હતો તેની બહુ ટુંકમાં વાત કરવી છે. કેટલાક લોકો જુદી રીતે અર્થઘટન કરે છે અને તેથી એનો આ ઉપર મેં લખ્યો છે તે ક્રમ જુદી રીતે મુકે છે, પણ મારા અર્થઘટન મુજબ અને પરંપરાથી ચાલ્યો આવતો ક્રમ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ યોગ્ય છે. આ ચાર પુરુષાર્થનો ટુંકમાં એક જ વાક્યમાં મર્મ સમજવો હોય તો કહી શકાય કે ધર્મ સહીત અર્થપ્રાપ્તી કરી કામના-વાસનાઓની પુર્તી કરવાથી મોક્ષપ્રાપ્તી થાય છે.
અહીં ધર્મ, અર્થ અને કામ શબ્દોના અર્થ સંકુચીત રીતે કરવાના નથી. ધર્મ એટલે માત્ર ભગવાનમાં માનવું, ટીલાં-ટપકાં કરવાં, મંત્રો જપવા કે પુજાપાઠ, કર્મકાંડ કરવા એમ નહીં. ધાર્મીક રીતે અર્થ પ્રાપ્તી એટલે કોઈને અન્યાય કરીને નહીં, કોઈનું મન દુભવીને નહીં, લાંચરુશ્વત લઈને નહીં, કોઈની છેતરપીંડી કરીને નહીં વગેરે બધું જ જેમાં આવી જાય એ રીતે કરેલી કમાણી. બાકી તો દરરોજ સવારમાં દીવો કરી ભગવાનનું નામ લઈ ટીલાં-ટપકાં તાણેલો અને લખલુટ પૈસા ખરચીને કર્મકાંડ કરનાર વેપારી લોકોને લુંટતો આપણે ક્યાં નથી જોતા? ધાર્મીક માણસ નીતીવાન હોય જ, એ ઉપરાંત એ દયાવાન, પરગજુ, સહાનુભુતીવાળો વગેરે બધા સદ્ગુણો ધરાવનાર હોય અને એ રીતે જ સંપત્તી મેળવતો હોય. ખોટી રીતે સંપત્તીવાન બની જવાનો મોહ એને ન હોય.
એ જ રીતે અર્થ એટલે માત્ર પૈસો-ધન જ નહીં, પણ સર્વ પ્રકારની સંપત્તી એવો અર્થ કરવાનો છે. સદ્ગુણો પણ સંપત્તી છે અને કીર્તી પણ સંપત્તી છે. આમ અર્થને પણ એના વીશાળ અર્થમાં લેવાનો છે.
કામ શબ્દને કેટલાક લોકો માત્ર કામવાસના (સેક્સ)ના સાવ મર્યાદીત અર્થમાં લે છે. અહીં કામ શબ્દ દરેક પ્રકારની ઈચ્છા, વાસના, કામના વગેરે અર્થમાં છે. એની પુર્તીમાં પણ પહેલો ધર્મ છે એ યાદ રાખવાનું છે.
આ રીતે ધર્મ સહીત અર્થ પ્રાપ્તી કરીને દરેક કામની પુર્તી થતાં છેવટે કોઈ વાસના રહેતી નથી. અને વાસનારહીત હોવું તે જ મોક્ષ, મુક્તી. આ મોક્ષની પ્રાપ્તી માટે અભીમુખ થવામાં સ્ત્રીની પહેલ જરુરી હોય છે. આથી સ્ત્રીને છેલ્લા ફેરામાં આગળ કરવામાં આવે છે. જો કે આજે તો સંપત્તીપ્રાપ્તીમાં પણ સ્ત્રી એટલી જ ભાગીદાર હોય છે અને આથી દરેક કામની પુર્તીમાં પણ હવે તો સરખી જ સહભાગી હોય છે. એ દૃષ્ટીએ બંનેને સાથે રાખીને જ ફેરા ફેરવવા જોઈએ, કોઈ એકને આગળ કે પાછળ રાખીને નહીં. પણ હું આ રીતે મંગળફેરા ફેરવું તો કોઈ કદાચ કહેશે આને લગ્નવીધીની કશી ગતાગમ જ નથી.

અપુરતા ધાવણની સમસ્યા

માર્ચ 16, 2014

ઉપાયો પોતાના આરોગ્ય ચીકીત્સકની દેખરેખ અને સલાહ અનુસાર કરવા. અહીં આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે.

અપુરતા ધાવણની સમસ્યા

બાળક માટે માનું ધાવણ પુરતું ન હોય તો એ વધારવા માટે કેટલીક વાર મીત્રોની સલાહ અનુસાર લોકો નુસખા અજમાવે છે, જે ખોટી માહીતી પર આધારીત હોઈ શકે. આ પ્રકારની નુકસાનકારક માહીતી પેઢી દર પેઢી ચાલતી રહે છે. દાખલા તરીકે કેટલાક લોકો પરંપરાથી માનતા હોય છે કે બીઅર કે તાડી પીવાથી ધાવણ વધે છે. ખરેખર આહારશાસ્ત્રીઓના મતે આ સાવ ભ્રામક માન્યતા છે. આલ્કોહોલની બાળકોના સ્વાસ્થ્ય પર કાયમી વીપરીત અસર થઈ શકે છે. જેમ કે બ્રેઈનડેમેજ. આથી ધાવણની સમસ્યાનો ઉપાય કરતાં પહેલાં એનું કારણ જાણવું જરુરી છે. અને એ અનુસાર એનો ઉપાય કરવો જોઈએ.

 ધાવણ ઘટી જવાનાં શક્ય કારણો:

  • બાળકને બ્રેસ્ટફીડીંગ કરાવવાનો વધુ પડતો લાંબો સમયગાળો: બાળક લાંબા સમય સુધી માથી વીખૂટું રહેતું હોય તો ધાવણનું પ્રમાણ ઘટી જાય, કેમ કે ધાવણના ઉત્પાદન માટે ચોક્કસ સમયગાળામાં બાળક વડે ચુસવાની ઉત્તેજના મળતી રહેવી જોઈએ. એટલું જ નહીં બાળકને પુરતા લાંબા સમય સુધી વળગાડેલું રાખવું પણ જરુરી હોય છે. જો જરુરી સમય સુધી બાળકને ધાવતું રાખવામાં ન આવે તો વારંવાર ગમે તેટલી વાર ધવડાવવા છતાં દુધનું પ્રમાણ ઘટી જવાની શક્યતા છે. વધુમાં સ્તનોમાંથી ધાવણ પુરેપુરું ખાલી કરવાની પણ જરુર હોય છે જેથી મગજને સ્તનોને ફરીથી ભરવાનો સંદેશો મળી શકે.

•           સ્ટ્રેસ: નોકરી-ધંધામાં વ્યસ્ત માતાઓ બાળકોથી લાંબા સમય સુધી વીખુટી રહે છે. એનાથી તેમને સ્ટ્રેસની સમસ્યા રહે. વળી એને કારણે એમના હોરમોનનું બેલેન્સ ખોરવાઈ જાય છે. આથી ધાવણનું પ્રમાણ ઘટે છે.

•           શારીરીક સમસ્યા: જેમાં સ્તનની ડીંટડી યોગ્ય સ્થીતીમાં ન હોવી, સ્તનનું ઓપરેશન કરવામાં આવ્યું હોય કે જીભ અમુક રીતે વળેલી સ્થીતીમાં બાળક જન્મ્યું હોય, જેથી એ ધાવણ બરાબર ચુસી ન શકતું હોય.

•           બાળકને વળગાડવાની સ્થીતી: બાળકને બ્રેસ્ટફીડીંગ વખતે યોગ્ય રીતે વળગાવવામાં ન આવ્યું હોય તો દુધના પ્રવાહ પર અસર થતાં ધાવણ ઘટી જઈ શકે.

•           યોગ્ય પ્રકારના સમતોલ આહારનો અભાવ: જેમાં ખાસ ભાર વીટામીન અને મીનરલ પર મુકવામાં આવે છે.

આમ ઉપરોક્ત કારણો પૈકી કોઈ એક કે વધુ જે કારણો લાગુ પડતાં હોય તેનું નીવારણ કરવાથી ધાવણની સમસ્યા દુર કરી શકાય.

 

દુધ

માર્ચ 6, 2014

દુધ

દુધમાં દરેક સસ્તન પ્રાણીના બચ્ચાના જીવનની શરુઆતમાં જરુરી આહાર તત્ત્વો મૌજુદ હોય છે. જ્યાં સુધી બચ્ચું પોતાની મેળે એને જરુરી પોષણ મળી રહે એવો ખોરાક લેતું ન થાય ત્યાં સુધી એને માનું દુધ મળતું રહે એવી વ્યવસ્થા કુદરતે કરી છે. વળી બચ્ચા માટે એ દુધ બહુ સરળતાથી પચી જાય એ પ્રકારનું હોય છે. શરુઆતના થોડા દીવસો એ દુધમાં બચ્ચાને રોગો સામે રક્ષણ મળી શકે તે પ્રકારનાં પ્રતીદ્રવ્યો (એન્ટીબોડીઝ) જરુરી પ્રમાણમાં હોય છે અને પચવામાં ભારે ચરબી જેવા પદાર્થો પ્રમાણમાં ઓછા હોય છે. એ દુધ કંઈક ઘટ્ટ હોય છે. ગરમ કરતાં એ દુધ ફાટી જાય છે, ખાસ કરીને પહેલા ચાર-પાંચ દીવસોનું દુધ. જો કે અલગ અલગ સસ્તન પ્રાણીઓમાં આ સમય અલગ અલગ હોઈ શકે. મારો પોતાનો અનુભવ તો ભેંસના દુધનો જ છે. પહેલા દીવસના દુધને ગરમ કરતાં એ ઘટ્ટ થઈ જાય છે, જેને બળી કહે છે.  60-70 વર્ષ પહેલાં અમારા વીસ્તારમાં એનો ઉચ્ચાર ‘બરી’ કરવામાં આવતો. એમાં ગોળ કે ખાંડ નાખી મીઠાઈ બનાવી આડોશ-પાડોશમાં લહાણી પણ કરવામાં આવતી. આજે એ રીતે કરવામાં આવતું હશે કે કેમ તેની મને ખબર નથી.

દુધને ખોરાકમાં રાજા ગણવામાં આવે છે. કારણકે તેને ‘સંપુર્ણ આહાર’ તરીકે ઓળખવામાં આવે છે. દુધમાં તે દરેક પોષક તત્વો છે જે શરીરના સંપુર્ણ વીકાસ માટે સર્વોત્તમ છે. દુધમાં તમામ પોષક તત્ત્વો હાજર હોય છે. દુધમાં વીટામીન ‘સી’ સીવાય તમામ વીટામીન રહેલાં છે. દુધથી આપણા શરીરને ભરપુર માત્રામાં કેલ્શીયમ મળે છે. દુધમાં પ્રોટીનની માત્રા પણ સારા પ્રમાણમાં છે. દુધમાં 85% જેટલું પાણી હોય છે, અને બાકીના ભાગમાં તમામ પોષક તત્વો હોય છે. દુધમાં પ્રોટીન, કૅલ્શીયમ તેમજ રીબોફ્લેવીન(વીટામીન બી) સૌથી વધારે પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત વીટામીન એ, ડી, કે અને ઈ તથા ફૉસ્ફરસ, મૅગ્નેશીયમ, આયોડીન તેમજ અન્ય ખનીજો અને ચરબી હોય છે. દુધમાં કેટલાક બૅક્ટેરીયા અને જીવીત રક્ત કોશીકાઓ પણ હોય છે. આ બધાં પોષક તત્વો આપણી માંસપેશીઓ અને હાડકાંને મજબુત બનાવવામાં મહત્વનાં છે. દુધમાં રહેલું પ્રોટીન આપણને ઈન્ફેકશનથી પણ બચાવે છે.

માનવ વપરાશ માટે મુખ્યત્વે ગાયના દુધનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં ગાયના દુધને ઉત્તમ ગણવામાં આવ્યું છે. ગાય ઉપરાંત ભેંસ, બકરી, ઘેટી, ઉંટડી, ગધેડી, ઘોડી, રેઈન્ડીયર(ઠંડા મુલકોમાંનું મોટું હરણ), એટલું જ નહીં હવે અહીં ન્યુઝીલેન્ડમાં તો સાબરના દુધનું પણ ઉત્પાદન કરવામાં આવનાર હોવાનું સાંભળવા મળ્યું છે. ટુંક સમયમાં અહીં સાબરના દુધમાંથી બનાવેલ ચીઝ મળવાની શરુ થશે. સાબરના દુધમાં મીનરલ અને ઓમેગા-3નું પ્રમાણ ઘણું સારું હોવાનું શોધાયું છે.

ઉપર કહ્યું તેમ આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દુધમાં ગાયના દુધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચરક સંહીતામાં જણાવ્યા મુજબ ગાયના દુધમાં દશ ગુણ છે. મહર્ષી ચરક ગાયનું દુધ જીવનદાતા હોવાનું જણાવે છે.

ભેંસનું દુધ: ભેંસના દુધમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, પણ કૉલેસ્ટરોલનું પ્રમાણ ઓછું હોય છે. ચરબી વધુ હોવાથી એ પચવામાં ભારે હોય છે. ભેંસના દુધમાં કેલ્શીયમનું પ્રમાણ સારું હોય છે અને કેલ્શ્યમ:ફોસ્ફરસનો રેશીયો પણ સારો હોય છે. જ્યારે સોડીયમ અને પોટેશીયમનું પ્રમાણ ઓછું હોય છે. ગાયના દુધ કરતાં ભેંસના દુધમાં પ્રોટીનનું પ્રમાણ પણ વધુ હોય છે. પરંતુ એ ગાયના દુધના પ્રોટીન કરતાં પચવામાં ભારે હોય છે.

બકરીનું દુધ: પોષક તત્વોથી ભરપૂર બકરીનું દુધ માત્ર સ્વાસ્થ્ય માટે જ સારુ નથી હોતું પણ તે હૃદયની બીમારીઓથી પણ દૂર રાખે છે. મહાત્મા ગાંધી પણ બકરીનું દુધ જ પીતા. સ્પેનની ગ્રેનાડા યુનીવર્સીટીના એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે બકરીના દુધમાં રહેલ ચરબી કોલેસ્ટેરોલનું સ્તર ઘટાડે છે અને તેનાથી હૃદયના રોગો દૂર રહે છે.

નીયમીત રીતે બકરીનું દુધ પીવાથી એનીમીયા અર્થાત લોહીની કમીથી પીડાતા દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. આ દુધ હીમોગ્લોબીન બનાવવામાં મદદ કરે છે. એક સંશોધનમાં જાણવામાં આવ્યું છે કે બકરીના દુધમાં બહુ જ પોષક તત્વો હોય છે. તેમાં ‘કૈસીન’ નામનું પ્રોટીન પણ સામેલ હોય છે. આ પ્રોટીન બકરીના દુધને માનવ દુધ સમાન બનાવે છે. આ સીવાય તેમાં માનવ દુધની જેમ જ ઓલીગોગ્લીસરાઈડ્સ પણ હોય છે. વળી બકરીના દુધમાં ગાયના દુધની સરખામણીમાં લેક્ટોઝનું પ્રમાણ પણ ઓછું હોય છે. લેક્ટોઝ ન પચાવી શકતા લોકો પણ બકરીનું દુધ પી શકે છે.

ગધેડીનું દુધ: એમ કહેવાય છે કે ઈજીપ્તની રાજકુમારી ક્લીયોપેટ્રાની ખુબસુરતીનું રહસ્ય ગધેડીનું દુધ હતું. એની કોમળ અને મુલાયમ ત્વચા એટલા માટે નીખરી ઉઠી હતી કે તેઓ દરરોજ ગધેડીનું દુધ પીતાં હતાં.  ઉપરાંત નવજાત શીશુઓને શ્વાસની કે અસ્થમાની બીમારી ન આવે તે માટે ગધેડીનું દુધ રામબાણ ઈલાજ ગણાય છે. ટીબી અને ગળાનાં ઈન્ફેક્શન સામે પણ તે રક્ષણ આપે છે. તેમાં લેક્ટોઝનું પ્રમાણ વધારે હોય છે. ગધેડીના દુધમાં ફેટ અને કોલેસ્ટેરોલનું પ્રમાણ નહીંવત્ હોય છે જ્યારે કેલ્શીયમ પુશ્કળ પ્રમાણમાં હોય છે. શહેરોમાં વસતા અને ગધેડીના દુધનું પોષક મુલ્ય જાણતા પરીવારો આજે પણ ગધેડીનું દુધ ખરીદવાનું અને બાળકોને પાવાનું પસંદ કરે છે તેમ શીવાજીપલ્લમ ખાતે ગધેડાંનો ઉછેર કરતા જી. લીંગમ્માએ જણાવ્યું હતું. ગધેડીનું તાજું દુધ અહીં ૨૫ મીલીલીટરના રૂ. ૨૦૦ના ભાવે વેચાય છે, જો કોઈએ એક લીટર દુધ લેવું હોય તો તેના રૂ. ૨,૦૦૦ લેવામાં આવે છે. ગધેડીનું દુધ વેચીને રોજ રૂ. ૭૦૦થી ૮૦૦ની કમાણી કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગધેડો આમ ભલે લોકો માટે મશ્કરી અને હાસ્યનો પર્યાય હોય પણ તેના દુધમાં રહેલાં પોષક તત્ત્વો અને વીટામીનોને કારણે તે ઘણું મોંઘું અને આમ આદમી માટે મેળવવું સ્વપ્ન સમાન બન્યું છે.

ઘોડીનું દુધ : જેને શરાબ પીવાની આદત હોય એમને માટે ઘોડીનું દુધ ઉત્તમ છે. અમેરીકામાં ઘોડીના દુધનાં પાઉચ હવે મળવાં શરૂ થયાં છે.  ઘોડીનું દુધ લીવરને સ્વાસ્થ્ય બક્ષતું હોવાનું માલમ પડ્યું છે. ઘોડીના દુધમાં જે પ્રકારનું કેલ્શીયમ હોય છે તે પગની તાકાત વધારે છે. ઘોડીના દુધ પર થયેલા એક સંશોધનમાં ખબર પડી છે કે નીયમીતપણે ઘોડીના દુધનું સેવન કરનારાઓને ક્યારેય કરચલીઓ નથી પડતી. ઘોડીના દુધનો સ્વાદ ગાયના દુધ જેવો સહેજ ફીક્કો અને સહેજ ખારાશવાળો હોય છે.

દુધ સફેદ કેમ હોય છે?

આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શીયમના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી. ગાયના દુધમાં દર લીટરે ૧.૨૭ ગ્રામ કેલ્શીયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું કે તેનાથી વધારે પણ હોય છે. પ્રોટીનની ઘણી જાત છે. દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાતનું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થમાં હોતું નથી. કેસીનની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દુધ કરતાં ભેંસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દુધ વધુ સફેદ હોય છે.