Archive for the ‘Uncategorized’ Category

આરોગ્ય ટુચકા 19. નીમ્બ શરબત

જુલાઇ 21, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 19. નીમ્બ શરબત: લીમડાનાં ફુલ, એનાં લાલ કુમળાં પાન, મરી, જીરુ, સીંધવ, ઘીમાં શેકેલી હીંગ અને સાકર વાટીને પાણી મેળવી શરબત બનાવવું. એનાથી પ્રસન્નતા અને તાજગી મળે છે. તાવ, ખાંસી, માથાનો કે ગળાનો દુખાવો તથા કફ દુર થાય છે. ખુજલી અને ચામડી પરની ફોલ્લી મટે છે. લીમડાનો રસ કડવો અને ઠંડો હોવાથી કફને શાંત કરે છે.

આરોગ્ય ટુચકા 18. જીરુ

જુલાઇ 20, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 18. જીરુ: જીરુ ઠંડું છે માટે ગરમી વધી ગઈ હોય તો એના સેવનથી સારું થાય છે. એ અગ્નીને પ્રદીપ્ત કરનાર, પચવામાં હલકું, ઝાડાને રોકનાર, પીત્ત કરનાર, બુદ્ધી વધારનાર, બળ આપનાર, રુચી પેદા કરનાર, કફનાશક, નેત્રને હીતકારી, વાયુ, પેટનો આફરો, ગોળો, ઉલટી અને ઝાડાને મટાડનાર છે. જીરુ આમનો નાશ કરે છે. એ હોજરી, આંતરડાં અને યકૃત (લીવર)ને બળવાન બનાવે છે. આંતરડાના અંદરનાં જીવાણુંઓનો નાશ કરે છે. દુર્ગંધ દુર કરે છે. મળને બાંધે છે. પેટમાં વાયુ ભરાઈ રહેવો, ઉદરશુળ, મળાવરોધ, આફરો, મળમાં દુર્ગંધ આવવી વગેરે તકલીફ એનાથી મટે છે. પાચનક્રીયાની વીકૃતીથી મળશુદ્ધી ન થતી હોય તો જીરાના સેવનથી થાય છે.

આરોગ્ય ટુચકા 17. કુંવાડીયો

જુલાઇ 19, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 17. કુંવાડીયો: કેટલાક લોકો એને પુંવાડીયો પણ કહે છે.

૧. કુંવાડીયાની શીંગનાં લીલાં બીને લસોટી લીંબુના રસમાં કાલવી દરાજ પર ઘસવાથી બેત્રણ દીવસમાં જ દરાજ મટે છે.

૨. કુંવાડીયાનાં સુકાં બીજનું ચુર્ણ લીંબુના રસમાં લસોટી લગાડવાથી દાદર અને ખરજવું મટે છે.

૩. કુંવાડીયાનાં બીજની કોફી બનાવીને પીવાથી ખસ અને ખુજલી મટે છે.

૪. કુંવાડીયાનાં બીજ ચાવીને ખાવાથી અપચો, પેટનો દુખાવો, પેટની ગાંઠ અને દમ મટે છે. દમમાં લાંબા સમય સુધી કુંવાડીયાનાં બી ખાવાં જોઈએ.

૫. ડહોળો પેશાબ, પેશાબમાં ક્ષાર જતો હોય તો કુંવાડીયાનાં પીળાં ફુલ ૧૦ ગ્રામ અને સાકર ૧૦ ગ્રામનું મીશ્રણ કરી સવાર-સાંજ ખાવાથી પેશાબનો રંગ અસલી બને છે.

આરોગ્ય ટુચકા 16. ફટકડી ચુર્ણ

જુલાઇ 18, 2017

આરોગ્ય ટુચકા 16. ફટકડી ચુર્ણ: ફટકડીના સ્ફટીકને તાવડી, લોઢી કે માટીના વાસણમાં તપાવવાથી પીગળીને પતાસા જેવું ચોસલું થઈ જશે. ઠંડું થયા બાદ તેને ખાંડીને બારીક ચુર્ણ કરી કાચની બોટલમાં ભરી લેવું.

૧. રક્તસ્રાવ: કંઈ વાગવાથી કે પડી જવાથી લોહી નીકળે તો ફટકડીનું ચુર્ણ લગાવી પાટો બાંધી દેવો. વધુ પડતો બાહ્ય કે આંતર્ રક્તસ્રાવ હોય તો પાણી કે દુધમાં ચપટી ચુર્ણ ખાવું.

૨. નસકોરી: ફટકડીનું ચુર્ણ દુધ, પાણી કે ઘીમાં મેળવી નસ્ય આપવું, એટલે ચત્તા સુઈ જઈ બંને નસકોરાંમાં ટીપાં મુકવાં, અને પાણીમાં ચપટી ચુર્ણ મેળવીને ખાવું.

૩. દાઝવા પર: ફટકડીનું ચુર્ણ પાણીમાં મેળવી, કપડાની પટ્ટી બોળી દાઝેલા ભાગ પર મુકતા રહેવું.

૪. મુખપાક: ફટકડીના પાણીથી કોગળા કરવા.

૫. કાકડા: ફટકડીવાળા પાણીમાં હળદર મેળવી કોગળા કરવા.

૬. નેત્રરોગ: આંખમાં ફટકડીના પાણીનાં ટીપાં મુકવાં.

આરોગ્ય ટુચકા 15. મીઠું (નમક)

જુલાઇ 17, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 15. મીઠું (નમક): સીંધવ પથ્ય અને ત્રીદોષનાશક છે. સાદા મીઠાને બદલે દરરોજ સીંધવ જ વાપરવું જોઈએ. મીઠું મધુર, વીપાકે તીખાશ સહીત મધુર, ભારે, અગ્નીને પ્રદીપ્ત કરનાર, ઝાડો લાવનાર, ખારું છતાં બળતરા ન કરનાર, વાયુનાશક પણ કફ કરનાર અને કડવું છતાં રુક્ષ નથી.

જ્યારે સીંધવ અગ્નીદીપક, પાચક, લઘુ, સ્નીગ્ધ, રુચીકર, શીતવીર્ય (ઠંડું), વૃષ્ય, કામોત્તેજક, સુક્ષ્મ – અણુઅણુમાં પ્રવેશ કરવાની શક્તીવાળું, નેત્રને હીતકારી, મળસ્તંભક અને હૃસયરોગનો નાશ કરનાર છે. એ વાત,પીત્ત, કફ ત્રણે દોષોમાં જે કુપીત થયો હોય તેને શાંત કરનાર છે.

મીઠા વીષે ગેરસમજ છે કે એ વધુ ખાવાથી પાચનક્રીયા બળવાન બને છે અને શક્તી વધે છે. પરંતુ જરુર કરતાં વધારે મીઠું ખુબ નુકસાન કરે છે. એનાથી હોજરી અને આંતરડાંની શ્લૈષ્મીક કલાને હાની પહોંચે છે, અને વધારાના ક્ષારને શરીરની બહાર કાઢવાનો ઉત્સર્ગ અવયવો પર વધુ પડતો બોજ આવી પડે છે. માત્ર યોગ્ય પ્રમાણમાં જ એ જીવનપ્રદ છે. મીઠાનો વધુ પડતો ઉપયોગ ઘડપણ જલદી લાવે છે. દમ અને ખાંસી જેવાં દર્દો મીઠું છોડી દેવાથી જલદી મટે છે.

આરોગ્ય ટુચકા 14. મંદાગ્ની:

જુલાઇ 16, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 14. મંદાગ્ની: ખાનપાનમાં સૌથી ખરાબ અસર વધુ પડતા તીખા, તળેલા અને રસકસ વીનાના ખોરાક પેદા કરે છે. ખોરાકની ઈચ્છા ન હોવા છતાં પચવામાં ભારે, ચીકણો ખોરાક પેટમાં પધરાવતાં દરદને નોતરું આપવામાં આવે છે. મંદાગ્નીનું મુખ્ય કારણ આંતરડાંને પુરતાં ગતીમાન રાખી ખોરાકનું સારું પાચન થાય એવી કસરત મળતી નથી તે છે. શરીરમાં કળતર, જીભ પર છારી, ચીકણું મોં, ખાટા ઓડકાર, પુશ્કળ મોળ છુટે, નાડી વીષમ વેગવાળી, જરા જરામાં થાક લાગે, પરસેવો વળી શરીર ઠંડું રહે, હાથેપગે ખાલી ચડે વગેરે મંદાગ્નીનાં ચીહ્નો છે. વળી વધુ પડતું પાણી ભોજન પહેલાં, ખાતાં ખાતાં કે જમીને તરત પીવાથી પાચકરસો નબળા થવાથી માંદાગ્ની થાય છે.

એના ઉપાય માટે ભોજન પહેલાં આદુમાં થોડું લીંબુ નીચોવીને લેવું. શરુઆતના એકબે કોળીયા સાથે થોડું ઘી અને હીંગાષ્ટક ચુર્ણ લેવું. 50 ગ્રામ વાવડીંગ 3.5 લીટર પાણીમાં ઉકાળી 2 લીટર પાણી બાકી રહે ત્યારે ઉતારી ઠંડું કરીને એ જ પાણી આખો દીવસ પીવું. એનાથી સારી ભુખ ઉઘડે છે.

આરોગ્ય ટુચકા 13. હીંગાષ્ટક ચુર્ણ

જુલાઇ 15, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૧૩. હીંગાષ્ટક ચુર્ણ: સુંઠ, મરી, પીપર, અજમો, સીંધવ, જીરુ, શાહજીરુ અને ગાયના ઘીમાં શેકેલી હીંગ આ આઠ ઔષધો સમાન ભાગે લઈ બનાવેલા ચુર્ણને હીંગાષ્ટક ચુર્ણ કહે છે. એના સેવનથી મંદાગ્ની દુર થઈ જઠરાગ્ની સતેજ થાય છે. વાયુનું અનુલોમન થઈ કબજીયાત મટે છે. અપચો, પાતળા ઝાડા, આફરો મટે છે અને પાચનક્રીયા સુધરે છે. કફજન્ય અને વાતજન્ય વીકારોમાં ફાયદાકારક છે. યકૃત(લીવર)ને બળવાન બનાવી પીત્તનો સ્રાવ કરવામાં મદદ કરે છે.

આરોગ્ય ટુચકા 12. ત્રીફળા

જુલાઇ 14, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 12. ત્રીફળા: હરડે, આમળાં અને બહેડાંનું સમભાગે ચુર્ણ.

(1). નેત્રરોગમાં ઘી અને મધ સાથે ત્રીફળાનું સેવન કરતા રહેવાથી વધતો મોતીયો અટકી જાય છે. (મધ કરતાં ઘી બમણું લેવું) (2). બધી જાતના પ્રમેહમાં સમાન ભાગે ત્રીફળા ચુર્ણ અને હળદર લઈ બમણી સાકર નાખી સેવન કરવાથી લાભ થાય છે. (3). મુર્ચ્છાના દર્દીને ત્રીફળા ચુર્ણ મધ સાથે આપવું. (4). સાંધાના દુખાવામાં ત્રીફળાનો ઉકાળો ઠંડો કરીને મધ સાથે પીવો. (5). ત્રીફળાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે અને મળશુદ્ધી થાય છે. (6). જે મનુષ્ય રોજ ઘી અને મધ સાથે ત્રીફળા ચુર્ણનું સેવન કરે છે તે નીરોગી રહી 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. ઘી અને મધ સમાન ભાગે લેવાં નહીં.  કફના નાશ માટે ઘી કરતાં મધ બમણું લેવું અને વાત-પીત્તના નાશ માટે ઘી બમણું લેવું.

આરોગ્ય ટુચકા 11. રીંગણાં (વેંગણ)

જુલાઇ 13, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

11. રીંગણાં (વેંગણ): વાત અને કફનાશક અને પીત્તવર્ધક છે. જઠરને સતેજ કરે છે. પચવામાં હલખાં છે. વેંગણ ગરમ છે. એમાં ચુનો (કેલ્શ્યમ), લોહ, ફોસ્ફરસ, વીટામીન ‘એ’, ‘બી1’, ‘બી2’ અને ‘સી’ છે. એના શાકમાં લસણ નાખવું, ઘી કે તેલનો વઘાર કરવો. તાજાં કુણાં વેંગણ લાંબા સમય સુધી ખાવાથી બરોળની વૃદ્ધી મટે છે. વેંગણથી છુટથી પેશાબ આવે છે. મુત્રપીંડની તકલીફ દુર થાય છે. શરદીમાં ફાયદો થાય છે. અનીદ્રામાં બાફેલાં કે શેકેલાં વેંગણના ભડથાંને રાત્રે ખાવાથી ઘસઘસાટ ઉંઘ આવશે. બહુ બીવાળાં કે પાકાં વેંગણ ખાવાં નહીં. વધુ પડતાં વેંગણ પણ ખાવાં નહીં. શરીરમાં ગરમી બધુ હોય, જેમ કે હરસ થયા હોય, નસકોરી ફુટવી, વધુ પડતું માસીક આવતું હોય, આંખોની નબળાઈ હોય, મોંમાં ચાંદાં, કબજીયાત, હોજરીમાં ચાંદું કે બળતરા, ઉલટી, ઉબકા, અમ્લપીત્ત વગેરેમાં વેંગણ ખાવાં નહીં.

 

લોહી શુદ્ધીકારક સ્વાદીષ્ટ પીણું

જુલાઇ 13, 2017

લોહી શુદ્ધીકારક સ્વાદીષ્ટ પીણું

બ્લોગ પર તા. 11-3-2017

 

વરીયાળી એ સુવા, ધાણા, પાર્સલી તથા ગાજરના કુટુંબની વનસ્પતી છે. એનો સોડમયુક્ત સ્વાદ અજમો અને જેઠીમધને મળતો આવે છે. એ એટલા બધા પ્રમાણમાં મળતો આવે છે કે કેટલાક લોકો વરીયાળીને અંગ્રેજીમાં એનીસીડ એટલે અજમો કહે છે, જે બરાબર નથી. વરીયાળીના છોડનાં બી જેને આપણે વરીયાળી કહીએ છીએ તે મુખવાસ તરીકે ખાવામાં બહુ પ્રચલીત છે, પણ આ ઉપરાંત વરીયાળીના છોડનાં બધાં જ અંગો ખાઈ શકાય છે. જેમ કે એનો જમીનની અંદરનો કંદ, એનાં ડાળાં, પાંદડાં અને ફુલ પણ ખાવામાં વપરાય છે.

આ સ્વાદીષ્ટ પીણું બનાવવા કોઈપણ પ્રકારનાં રસાયણ વાપરવામાં આવ્યાં ન હોય તેવો એટલે કે સજીવ ખેતી વડે ઉછેરેલ વરીયાળીના છોડનાં બધાં જ અંગો લેવાં, એક બીટરુટ એનાં પાંદડાં સહીત, સેલરીની 4 કે 5 દાંડી (જો કે એનો આધાર સેલરીની સાઈઝ પર રહેશે, મોટી સેલેરી હોય તો ઓછી દાંડી લેવી) અને અડધું લીંબુ. રસ કાઢવાના મશીન વડે આ બધાંનો રસ કાઢવો.

આમાં બીટરુટ, સેલેરી અને લીંબુના ગુણોથી તો મોટા ભાગના લોકો પરીચીત હોય છે, પણ વરીયાળીનો છોડ પણ ખુબ અગત્યનો છે. વરીયાળીના છોડમાંમાંના વીટામીન સીનો લાભ મળશે. ઉપરાંત એમાંથી સારા પ્રમાણમાં ખાદ્ય રેસા, અને અગત્યનાં મોલીબ્ડેનમ, મેંગેનીઝ, તાંબુ, પોટેશ્યમ અને ફોસ્ફરસ જેવાં મીનરલ્સ પણ મળશે. વળી વીટામીન બીનું એક ઘટક જેને ફોલેટ કહે છે તે પણ વીયાળીમાંથી મળશે.

લોહીના શુદ્ધીકરણ માટે આ એક ઉત્તમ સ્વાદીષ્ટ પીણું છે.