Archive for માર્ચ, 2022

તમે કેટલા યુવાન છો

માર્ચ 28, 2022

અંગ્રેજીમાં WisdomShots નામે એક વીડીઓમાંથી ટુંકાવીને

એક તામીલ મુવીમાં બે વૃદ્ધો એકબીજાના પ્રેમમાં પડે છે. એમની પ્રેમકહાણી રસપ્રદ છે. તમે જ્યારે પ્રેમમાં પડો ત્યારે તમે ફરીથી યુવાન અને તાકાતવાન બની જાઓ છો. પ્રેમમાં ઉંમરનો બાધ નથી. જ્યારે તમે પ્રેમમાં પડો છો ત્યારે તમે લાગણીએ યુવાન બની જાઓ છો. આપણે બધાંએ સાંભળ્યું છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે. ખરેખર એ સાચું છે?

હાર્વર્ડના માનસશાસ્ત્ર વીભાગે કરેલો એક પ્રયોગ બહુ જાણીતો છે. એનું ‘કાઉન્ટર ક્લોવાઈઝ’ નામે પુસ્તક પણ બહાર પડ્યું છે. આ પ્રયોગમાં 75થી 80ની ઉંમરના પુરુષોને લેવામાં આવ્યા હતા અને તેમને એક રીસોર્ટમાં બેએક વીક રાખવામાં આવ્યા હતા. એમાંના કેટલાક પુરુષો તો ઘણા જ કમજોર હતા. તેમને ચાલવા માટે લાકડીનો સહારો લેવો પડતો હતો.

આ પ્રયોગમાં ભુતકાળને ફરીથી વર્તમાનમાં સજીવ કરવાનો પ્રયાસ હતો. એ માટે રીસોર્ટમાં એ મુજબનું વાતાવરણ પેદા કરવામાં આવ્યું, જે તેમની ત્રીસીમાં  હતું, જ્યારે તેઓ યુવાન હતા. જુનાં સમાચારપત્રો, સામયીકો, રેડીઓ, બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી, તે સમયની પ્રખ્યાત મુવી તેમને બતાવવામાં આવી. કપડાં પણ જુના સમયમાં જે પ્રચલીત હતાં તે આપવામાં આવ્યાં. તે સમયનું જાણીતું સંગીત અને ગીતો જે ત્યારે તેઓ રોજેરોજ સાંભળતા તે વગાડવામાં આવ્યાં. તે સમયની ટુથપેસ્ટ, તૈયાર ખોરાકનાં પેકેટ વગેરે એમને માટે હતાં. સૌથી અગત્યનું એ લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓએ 30 વર્ષના હતા અને જેવું વર્તન કરતા તેવા પ્રકારનું વર્તન કરવાનું છે. તે સમયના રાજકારણના પ્રસંગોની ચર્ચા કરવાની, જાણે કે તે આજે બની રહ્યા છે. એ કાળજી પણ લેવામાં આવી હતી કે તેમને લાગે કે તેઓ કમજોર છે, તો પણ જેમ કે તેમની બેગ કોઈએ ઉંચકી આપવાની નહીં કે દાદરા ચડવામાં મદદ કરવાની નહીં. દરેક જણ યુવાન છે એ રીતનું જ એમની સાથે વર્તન કરવામાં આવતું. અને હા, કોઈ પણ જગ્યાએ અરીસા રાખવામાં આવ્યા ન હતા. તેમના ફોટો મુકવામાં આવ્યા હતા તે પણ જ્યારે એ લોકો યુવાન હતા તે સમયના જ.

આ પ્રયોગનું પરીણામ આશ્ચર્યકારક હતું.  આ પ્રયોગ પહેલાં એમનો આઈ ક્યુ ટેસ્ટ, શારીરીક ટેસ્ટ, યાદશક્તીનો ટેસ્ટ વગેરે લેવામાં આવ્યા હતા. એક વીક પછી આ બધીજ બાબતોમાં આઈ ક્યુ, શારીરીક ક્ષમતા, યાદશક્તી ઉપરાંત ગ્રહણશક્તી, સમજશક્તી, શ્રવણશક્તી, દૃષ્ટીશક્તી વગેરે બધાંમાં ભારે સુધારો જોવા મળ્યો, અને સમગ્ર શારીરીક સ્વાસ્થ્ય પણ ઘણું સારું જોવા મળ્યું. જે લોકો આ પ્રયોગ વીશે જાણતા ન હતા તેમને પણ તેમના પ્રયોગ પહેલાંના અને પછીના ફોટાઓમાં તફાવત જોવા મળ્યો.

આપણે જે લાગણી અનુભવીએ તે જ રીતના આપણે વૃદ્ધ હોઈએ છીએ. જો કે વૃદ્ધ થવું એ જીવવીજ્ઞાન દ્વારા નીશ્ચીત પ્રક્રીયા ગણાય છે, છતાં એવી ઘણી મનોવૈજ્ઞાનીક બાબતો છે જે વૃદ્ધત્વની પ્રક્રીયા પર અસર કરે છે. શરીર અને મન જોડાયેલાં છે. જો આપણે પોતાને યુવાન તરીકે, તંદુરસ્ત, વધુ શક્તીશાળી, તરવરતા જોઈએ તો આપણા શરીરના કોષો, પેશીઓ, જ્ઞાનતંત્ર અને આપણું અર્ધ જાગ્રત મન એ સંદેશો ઝીલે છે, અને એને અનુસરે છે. જો તમે એવા લોકો વચ્ચે રહેતા હો જે તમારી પાસેથી અમુક અપેક્ષા રાખતા હોય તો તમે એ અપેક્ષાઓ પુરી કરવા પ્રયત્નશીલ રહેશો. ભલે એ પોઝીટીવ હોય કે નેગેટીવ હોય.

જેમ આપણે વૃદ્ધ થતા જઈએ તેમ આપણી શારીરીક મર્યાદાઓ મોટા ભાગે તો પોતાની બાબત અપણી વીચારધારા અને આપણે જે કરવા સક્ષમ હોઈએ એમ માનતા હોઈએ તેના પર આધાર રાખે છે.

આ બધાં સંશોધનો પરથી યુવાન રહેવા માટે ત્રણ બાબતો અગત્યની છે.

નંબર 1: યુવાનીના તમારા સમય સાથે સંપર્કમાં રહો. તમારા જુના મીત્રોને યાદ રાખો. એટલે કે ભણતા હતા તે સમયના મીત્રો. એમની મદદથી તમે તમારો ભુતકાળ જીવંત કરી શકો. તમારા યુવાનીકાળમાં તમે ફરીથી પ્રવેશ કરી જશો. તમારી જુની ટેવો ચાલુ કરો.  તમારી પહેલાંની લાગણીઓ અનુભવો, જ્યારે તમે નાના હતા ત્યારે રમતા તેવી રમતો-સ્પોર્ટ્સ રમો. અને શક્ય હોય તો એ જ બાળગોઠીયા મીત્રો સાથે રમો. સાઈકલ ચલાવો. એનાથી બાળપણ જેવું સ્વાતંત્ર્ય અને શક્તી અનુભવશો.

નંબર 2. વર્તન કેવું રાખવું જોઈએ

મુવીના એક્ટરો એમની ઉંમર કરતાં વધુ યુવાન પાત્રો જે રીતે ભજવતા હોય છે તેવા યુવાન દેખાય છે, રહે છે. એનું કારણ એમની સતત યુવાન તરીકેની એક્ટીંગ છે. તમારે યુવાન રહેવું હોય, દેખાવું હોય તો તમારે પણ તમે યુવાન છો એવી એક્ટીંગ સતત ચાલુ રાખવી જોઈએ, અને તે પણ ખરેખરા ભાવથી, માત્ર એક્ટીંગ કરું છું એમ માનીને નહીં. આપણી ઉંમર માટે આપણું ચીંતન અને મન જવાબદાર છે.

એક ઉદાહરણ જોઈએ. એક વૃદ્ધ માણસ હતો. એ ખરેખર ઘણો જ કમજોર હતો. એ ફુટપાથ પર વાંકો વાંકો, જાણે ગમે ત્યારે પડી જવાનો હોય તેમ ચાલતો જતો હતો. એકાએક રસ્તા પર એક કારે કાબુ ગુમાવ્યો અને ફુટપાથ તરફ ધસી રહી હતી જ્યાં આ વૃદ્ધ ચાલતો હતો. તરત જ આ વૃદ્ધ એકાએક લાંબો જંપ લઈને દુર ખસી ગયો અને પોતાની જાતને બચાવી લીધી. પણ પછી માત્ર મીનીટોમાં એને ચાલવામાં ફાંફાં મારવા પડ્યાં. એની પાસે જંપ મારવાની અને ભાગવાની પુરેપુરી શક્તી હતી છતાં પણ. કેમ? કેમ કે જીવન-મરણના સંજોગમાં એ ભુલી જ ગયો કે એ વૃદ્ધ અને કમજોર છે. એ વીચારવાનો સમય જ ન હતો. આવી પડેલી મુશીબતમાં એના શરીરની એ પ્રતીક્રીયા હતી. આનો અર્થ એ કે આપણા બધા પાસે ક્ષમતા, શક્તી તો છે જ. એ વાપરતાં આપણને કોણ અટકાવે છે? આપણી માન્યતાઓ અને મર્યાદીત વીચારસરણી. આથી તમે યુવાન અને તાકાતવાન છો એ રીતે જ એક્ટીંગ કરો. તમારી શક્તીનો અનુભવ કરીને તમને નવાઈ લાગશે.

નંબર 3: પ્રેમમાં પડો

જેમ આપણે વૃદ્ધ થઈએ છીએ તેમ પ્રેમથી દુર જઈએ છીએ. પ્રેમ આવકાર્ય છે તે પછી કોઈ પણ પ્રકારનો હોય. સંબંધોવાળો જ પ્રેમ એમ નહીં, પ્રેમની લાગણી અગત્યની છે. એ ચાલુ રહેવી જોઈએ. પ્રેમમાં પડો- જો શક્ય હોય તો. લાંબું જીવવા માટેનો મંત્ર છે પ્રેમ.

કર્મ વીષે કેટલાંક સુવાક્યો

માર્ચ 22, 2022

જે દુષ્ટતા તમે આચરો તે તમારી સાથે જ રહેશે, જે ભલાઈ તમે કરો તે પાછી તમને મળશે. તમારી પાસે જે શ્રેષ્ઠ ભલાઈ હોય તે જગતને આપો અને તે ભલાઈ પાછી તમને મળશે.

કર્મ પાસે કોઈ ભોજનપત્રક(menu) નથી, તમને એ જ પીરસવામાં આવશે જેને તમે લાયક છો. ભલાઈ કરો અને ભલાઈ તમને પાછી મળશે. યાદ રાખો, કામ પતાવવાની કર્મની કોઈ સમય મર્યાદા નથી.

કર્મ ઉજ્જવળ કરે છે: કૃતજ્ઞ બનો, પ્રેમથી વર્તો, તમારા ઈરાદાથી સાવધ રહો, તમારું વર્તન જોતા રહો, માફ કરી દો.

ઉત્તમની પ્રાપ્તી માટે કનીષ્ઠમાંથી પસાર થવું જ પડે.

વ્યક્તી અને તેનાં કામોને માફ કરી દો, કદી કોઈને ધીક્કારશો નહીં. જવા દો, મુક્ત કરી દો, અને એના કર્મનું જે જરુરી ફળ હશે તે એને મળશે.

ચાર્લી ચેપ્લીનનાં સુત્રો

માર્ચ 12, 2022

આ જગતમાં કશું જ કાયમી નથી, તમારી સમસ્યાઓ સુદ્ધાં કાયમી નથી જ.

મને વરસતા વરસાદમાં ચાલવું ગમે છે, કેમ કે મારી આંખમાંનાં મારાં આંસુ એ રીતે કોઈ જોઈ ન શકે.

જીવનમાં સૌથી અગત્યનો ગુમાવેલો દીવસ તે છે કે જે દીવસે તમે હસ્યા નથી.

જગતમાં સૌથી ઉત્તમ 6 ડોક્ટરો નીચે મુજબ છે:

  1. સુર્ય
  2. આરામ
  3. કસરત
  4. યોગ્ય આહાર
  5. સ્વમાન
  6. મીત્રો

આ સુત્રોનું જીવનના દરેક તબક્કે પાલન કરો અને સ્વસ્થ જીવન વીતાવો.

જો તમે ચંદ્રનાં દર્શન કરી શકો તો તમે કુદરતનું સૌંદર્ય નીહાળ્યું. જો તમે સુર્યદર્શન કરી શકો તો તમે કુદરતની શક્તીનાં દર્શન કર્યાં. જો તમે અરીસામાં જુઓ તો તમે કુદરતના શ્રેષ્ઠ સર્જનને જુઓ છો, એમાં શ્રદ્ધા રાખો.

આપણે સહુ પ્રવાસીઓ છીએ, કુદરત આપણી ટ્રાવેલ એજન્ટ છે, જેણે આપણો માર્ગ પ્રથમથી જ નક્કી કરીને બુકીંગ અને અંતીમ લક્ષ્ય ગોઠવી રાખ્યાં છે. એમાં શ્રદ્ધા રાખો અને જીવનનો આનંદ લુંટો.

કુદરતી ઉપચાર

માર્ચ 7, 2022

(રીગન હેલીયેરના અંગ્રેજી વીડીઓ પરથી ટુંકાવીને.)

 (એમની અપીલ મુજબ સહુની જાણ માટે)

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

આપણું શરીર પોતાને માંદગીમાંથી ઉઠાડવાને અદ્ભુત રીતે સક્ષમ છે. પરંતુ આજની દવા વેચનારી કંપનીઓ શરીરને એની પોતાની આ ક્ષમતાને કાર્ય કરવા દેતી નથી. દાખલા તરીકે કોઈને જ્યારે એમ લાગે કે એના શરીરમાં કેન્સરના કોષોની વૃદ્ધી થઈ છે, તો તરત જ ડોક્ટર કેમો થેરપી લેવાનું જણાવશે. હા, કેમો થેરપી કેન્સરના કોષોનો નાશ જરુર કરશે, પણ સાથે સાથે એ તમારો પણ નાશ કરે છે. તો પછી બધા જ પૈસા મરણ પેદા કરે તેવી પદ્ધતી પાછળ શા માટે ખર્ચાતા હશે અને જીવાડનાર કુદરતી ઉપચાર માટે નહીં?

મોટા ભાગના લોકો જાણતા જ નથી કે કુદરતી રીતે શરીરને સારું કરવાના ઉપાયો પણ છે. ખાસ ટ્રેનીંગ પામેલ કુદરતી ઉપચારકો પાસે ઘણી સારી જાણકારી હોય છે, જે આપણા શરીરને શુદ્ધ કરીને રોગમુક્ત કરી શકે છે. તેઓ અમુક ખાસ આહાર (diet), ઉપવાસ, અમુક પ્રકારના રસ (Juice Therapy) દ્વારા તેમજ કેટલાક ખાસ ઉપાયો વડે રોગનાં કારણો જાણીને શરીરને રોગમુક્ત કરી શકે છે. પરંતુ દવા પાછળ દોડવાની આપણી ઘરેડમાંથી આપણે મુક્ત થવું પડે.

ઘણી બધી તકલીફો આપણું શરીર ભોગવે છે, જેને નીવારવાના ડોક્ટરની ગોળી ગળવા કરતાં સારા ઉપાયો છે. અને દુખની વાત એ છે કે દવા બનાવનાર કંપનીઓ પણ આ જાણે જ છે. તેઓ આપણને આનાથી અજાણ રાખવા માગે છે કે આપણું શરીર કુદરતી રીતે પણ સારું થઈ શકે છે. કારણ કે એનાથી એમનો ધંધો ભાંગી પડે.

હું રીગન હેલીયેર આપ સહુને અપીલ કરું છું કે કુદરતી ઉપચાર અપનાવો અને તમારો અનુભવ સહુને, તમારા મીત્રો, સ્નેહીજનો, ઓળખીતા બધાંને જણાવો. આપણે સમગ્ર દુનીયાને વાકેફ કરીએ કે આપણું શરીર પોતાને જાતે જ સારું કરી શકે છે, એને માટે દવાની ગોળીઓ ગળવાની જરુર નથી.