Archive for જૂન, 2017

દુર્ગંધ પેદા કરનાર ખાદ્યો

જૂન 26, 2017

દુર્ગંધ પેદા કરનાર ખાદ્યો

બ્લોગ પર તા. 26-6-2017

‘દિવ્ય ભાસ્કર’માંથી મળેલું

નીચેનાં ખાદ્યો દુર્ગંધ પેદા કરનાર હોય, જેમને એ પ્રકારની તકલીફ હોય કે જેમની પાચનશક્તી નબળી હોય તેમણે બની શકે તો આ ખાદ્યોનો ત્યાગ કરવો, અને જો લેવું પડે તેમ હોય તો શક્ય તેટલા ઓછા પ્રમાણમાં લેવાં જોઈએ. વળી મોટા ભાગનાં આ ખાદ્યો કંઈક અંશે પચવામાં પણ ભારે હોઈ પોતાની પાચનશક્તી મુજબ એનું પ્રમાણ જાળવવું હીતાવહ છે.

 1. ઈંડાઃ એમાં રહેલું કોલીન સરળતાથી પચતું નથી. આથી દુર્ગંધ પેદા કરે છે.
 2. લસણઃ લસણથી ગંધક પેદા થાય છે, જે લોહીમાં શોષાવાથી દુર્ગંધ પેદા કરે છે.
 3. જીરુઃ જીરુ ચામડીનાં છીદ્રોમાં ઘણા દીવસો સુધી રહે છે, આથી પરસેવામાં દુર્ગંધ આવે છે.
 4. મચ્છીઃ મચ્છીમાં વીટામીન ‘બી’નું વીશેષ પ્રમાણ હોય છે જે પરસેવામાં દુર્ગંધ પેદા કરે છે.
 5. ડુંગળીઃ એમાં રહેલા ગંધકને લીધે દુર્ગંધ આવે છે.
 6. કાર્બોહાઈડ્રેટ (કાર્બોદીત) પદાર્થોની આહારમાં ઘટ હોય તો શક્તી માટે શરીર ચરબીનું દહન કરે છે, આથી પરસેવામાં વાસ આવે છે.
 7. આલ્કોહોલ-મદ્ય (દારુ)નું સેવન કરવાથી એનો અમુક ભાગ પરસેવા રુપે બહાર આવે છે, આથી એ દુર્ગંધ પેદા કરે છે.
 8. દુધ, દહીં, ઘી, ચીઝ વગેરેમાં રહેલું ગંધક પરસેવામાં દુર્ગંધ પેદા કરે છે. (આથી મેં હાલમાં આ બધું છોડી દઈ જેને વેગન શાકાહાર કહેવામાં આવે છે – આપણે એને અતી શાકાહાર કહી શકીએ – તેનો પ્રયોગ શરુ કર્યો છે. એનાથી મને ઘણો ફરક પડેલો લાગે છે.)
 9. સફેદ ખાંડઃ લોહીમાં રહેલી શર્કરા ચામડીના બેક્ટેરીયા સાથે મળી દુર્ગંધ પેદા કરે છે.
 10. બ્રોકલીમાંનો રેસાવાળો ભાગ પાચન વખતે હાઈડ્રોજન અને મીથેન જેવા વાયુ પેદા કરે છે જેનાથી પરસેવામાં વાસ આવે છે.
 11. કોબીજ તથા કોલીફ્લાવરમાં ગંધક હોય છે જે પરસેવા વાટે બહાર નીકળે છે આથી વાસ આવે છે.
 12. કૉફી પરસેવાની ગ્રંથીઓને સક્રીય કરે છે આથી પરસેવો દુર્ગંધયુક્ત બને છે.
 13. સલગમમાં મીથાઈલ હોય છે, જે પરસેવા વાટે બહાર નીકળતાં વાસ આવે છે.
 14. મેથીદાણાનું પાચન થયા પછી એ ત્વચાનાં છીદ્રો બંધ કરી દે છે, આથી પરસેવામાં દુર્ગંધ આવે છે.
 15. માંસમાં એમીનોએસીડ હોય છે જે ત્વચાના બૅક્ટેરીયા સાથે મળી દુર્ગંધ પેદા કરે છે.

કાકડીના સુંદર ઉપયોગો

જૂન 22, 2017

કાકડીના સુંદર ઉપયોગો

મને મળેલા અંગ્રેજી ઈમેલ પરથી (બ્લોગ પર તા. 22-6-2017)

ન્યુયોર્ક ટાઈમ્સમાં આ વીગત કેટલાક સમય પહેલાં પ્રગટ થઈ હતી. સામાન્ય સમસ્યાઓ દુર કરવાનો એક વીભાગ તેઓ ચલાવે છે.

૧. આપણને રોજેરોજ જરુરી વીટામીનો પૈકી ઘણાખરાં કાકડીમાં હોય છે. કાકડીમાં વીટામીન બી૧, બી૨, બી૩, બી૬, ફૉલીક એસીડ, વીટામીન સી, કેલ્સીયમ, લોહ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશ્યમ અને ઝીન્ક પણ હોય છે.

૨. બપોર પછી તમે થાક અનુભવો છો? કોક જેવાં કેફીનવાળાં પીણા લેવાને બદલે એક કાકડી ખાઓ. કાકડીમાંનાં વીટામીન બી સમુહ અને કાર્બોહાઈડ્રેટ તમને તરત જ સ્ફુર્તી આપશે જે કલાકો સુધી તરોતાજા રાખશે.

૩. શાવર લીધા પછી તમારા બાથરુમનો અરીસો ધુંધળો – ફોગી થઈ જતો હોય તો કાકડીની ચીરી એના પર ઘસવાથી એ ફરીથી ચકચકીતી થઈ જશે અને સરસ સુગંધ પણ આવશે.

૪. જો તમારા બગીચામાં ઈયળ અને સ્લગ (ગોકળ ગાય જેવું પણ સપાટ નરમ અને ઢાલ વીનાનું નાનું પ્રાણી જેને અમારા તરફ લોકો પાવડું કહેતાં એવું સ્મરણ છે. -ગાંડાભાઈ) આવતાં હોય અને છોડવાને નુકસાન કરતાં હોય તો એક નાના એલ્યુમીનીયમના કન્ટેનરમાં (જેમ કે પાઈનું ટીન કે એવું બીજું કોઈ બીનજરુરી એલ્યમીનીયમનું કન્ટેનરમાં) કાકડીની સ્લાઈસ કરીને મુકો. આખી સીઝન દરમીયાન તમને આવાં પ્રાણીઓનો ઉપદ્રવ રહેશે નહીં.

કાકડીમાંનાં કેમીકલની એલ્યુમીનીયમ સાથે રાસાયણીક પ્રક્રીયાને કારણે જે એક પ્રકારની વીશીષ્ટ ગંધવાળો પદાર્થ પેદા થાય છે જેની ગંધ મનુષ્યોને આવતી નથી, પણ આ પ્રાણીઓને આવે છે, તે એમને ભગાડી દે છે.

૫. બહાર જતાં પહેલાં ઝડપથી મોં પરની કરચલી કે ખાડા દુર કરવા માટે કાકડીની એકબે સ્લાઈસ કરીને મોંના અસરગ્રસ્ત ભાગ પર કેટલીક વાર સુધી ઘસો. કાકડીમાંનું એક પ્રકારનું રસાયણ ચામડીની નીચેના સ્નાયુ વીસ્તૃત કરે છે આથી બાહ્ય ત્વચા ચુસ્ત થાય છે. આથી કરચલી કે ખાડામાં ફેર પડે છે.

૬. નશાના કારણે પેદા થયેલી બેચેની કે ભયંકર માથાનો દુખાવો દુર કરવા સુતાં પહેલાં બેચાર કાકડીની ચીરી ખાવી. ઉઠશો ત્યારે બેચેની અને માથાનો દુખાવો ગાયબ થઈ ગયો હશે. કાકડીમાં પુરતા પ્રમાણમાં શર્કરા, વીટામીન બી અને પૌષ્ટીક દ્રવ્યો પહોંચાડનાર પ્રવાહી તત્ત્વ હોય છે, જે આપણા શરીરે ગુમાવેલ પૌષ્ટીક દ્રવ્યોની પુર્તી કરી બધું સપ્રમાણ કરી દે છે,  આથી નશાની બેચેની અને માથાનો દુખાવો દુર થાય છે.

૭. બપોર પછીની કે સાંજની ખા ખા કરવાની પળોજણથી મુક્ત થવું હોય તો કાકડી ખાઓ. સૈકાઓથી કાકડીનો ઉપયોગ આ માટે થતો આવ્યો છે. યુરોપમાં જંગલી પ્રાણીઓને પકડનારા આ ઉપાય કરતા.

૮.  કોઈ અગત્યની મીટીંગમાં કે નોકરીના ઈન્ટરવ્યુમાં જવાનું હોય, અને બુટની પૉલીશ કરવાનું રહી ગયું હોય તો શું કરશો? તરતની કાપેલી કાકડીની ચીરી બુટ પર ઘસો. એમાંનાં રસાયણો બુટને તરત જ લાંબા સમય સુધી ચકચકીત કરી દેશે એટલું જ નહીં, એના પર પાણી પણ ચોંટશે નહીં.

૯. મીંજાગરું કીચુડ કીચુડ અવાજ કરે છે, અને તમારી પાસે ઉંજણ ખલાસ થઈ ગયું છે. કાકડી કાપીને એની ચીરી મીંજાગરા પર ઘસો. અવાજ ગાયબ.

૧૦. સ્ટ્રેસમાં છો, માલીશ કરવાનો કે સ્પામાં જવાનો સમય નથી. ગભરાઓ નહીં. એક આખી કાકડી કાપી એક વાસણમાં પુરતું પાણી મુકી ઉકાળવા મુકો. એની વરાળનો નાસ લો. ઉકળતા પાણી સાથે કાકડીમાંનાં રસાયણો અને પૌષ્ટીક તત્ત્વો સાથે પ્રક્રીયા કરી વરાળમાં પ્રવેશે છે, જેની સાતાદાયક, વીશ્રાંતીદાયક મધુર પમરાટ સ્ટ્રેસ દુર કરશે.

૧૧. તમે કામ પતાવી લંચ પુરું કર્યું અને તમને ખ્યાલ આવ્યો કે આહારની વાસ દુર કરવા માટે મોંમાં મુકવાનું કશું નથી. શું કરવું? કાકડીની એક ચીરી લઈ તાળવા પર દબાવી દો, ખરાબ વાસ દુર કરવા માટે જીભ વડે ત્યાં ૩૦ સેકન્ડ સુધી પકડી રાખો. કાકડીમાંનું એક રસાયણ દુર્ગંધ પેદા કરનાર બેક્ટેરીઆનો નાશ કરશે.

૧૨. નળની ચકલી, સીન્ક કે બીજા કોઈ સ્ટેઈનલેસ સ્ટીલના સાધનની સફાઈ પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે કરવા ઈચ્છો છો? કાકડીની એક ચીર લઈ સાફ કરવા માગતા હો તે સપાટી પર ઘસો. એનાથી વર્ષોથી પડી રહેલા ડાઘા માત્ર દુર થઈ ચકચકીત થશે એટલું જ નહીં, એના પર કોઈ નીશાન સુદ્ધાં રહેશે નહીં અને સાફ કરતી વખતે તમારાં આંગળાં કે નખને કોઈ નુકસાન નહીં થાય.

૧૩. પેન વડે લખતાં લખતાં કોઈ ભુલ થઈ ગઈ? કાકડીનો બહારનો ભાગ લઈ ધીમે ધીમે લખાણ ભુંસવા માટે ઘસો. એ રીતે બાળકોએ દીવાલ પર ચીતરામણ કર્યું હોય તે પણ દુર થઈ શકશે.

તમારા પરીચીતોને એમની રોજબરોજની સમસ્યા સરળ અને સલામત રીતે દુર કરવા માટે આની જાણ કરો.

વજન ઉતારનાર ૧૨ ભારતીય આહાર

જૂન 19, 2017

વજન ઉતારનાર ૧૨ ભારતીય આહાર

ધ ટાઈમ્સ ઑફ ઈન્ડીઆના સૌજન્યથી (બ્લોગ પર તા. 19-6-2017 )

ઈશા સરકાર (મુંબઈ મીરર), ૧૨ જાન્યુઆરી ૨૦૧૧

બી. જે. મિસ્ત્રીના અંગ્રેજી ઈમેલ પરથી

આરોગ્યવર્ધક ઓછી ચરબી ધરાવનાર આહાર માટે તમારે કંઈ ઑલીવ ઑઈલ, સમુદ્રસેવાળ (sea weeds) કે સોયાબીન પર જ આધાર રાખવો પડે એવું નથી. ભારતીય આહાર પણ આરોગ્યદાયી હોય છે, જો એ તંદુરસ્ત અને હૃદયને ફાયદાકારક પદાર્થોને તેલમાં રાંધીને તૈયાર કર્યો હોય તો.

આયુર્વેદાનુસાર આપણી કુદરતી તલપને સંતોષવા અને તંદુરસ્તી જાળવવા દરરોજ છએ છ સ્વાદ – મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તુરા – નો આપણા આહારમાં  સમાવેશ કરવો જોઈએ. અહીં એવા ૧૨ પદાર્થો જણાવવામાં આવ્યા છે જે વજન ઘટાડવામાં મદદ કરશે ઉપરાંત તંદુરસ્તી જાળવશે.

હળદર: એમાં કર્ક્યુમીન નામનું રસાયણ હોય છે, જે હૃદયને નુકસાન કરનાર જીન્સને દુર કરે છે. આ બાબત વધુ સંશોધન થઈ રહ્યું છે. હળદરનું નીયમીત સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ દુર થાય છે અને લોહીના ઉંચા દબાણમાં લાભ થાય છે. લોહીનું પરીભ્રમણ સુધરે છે, લોહીના ગઠ્ઠા જામતા નથી, આથી હાર્ટ એટેક સામે રક્ષણ મળે છે.

એલચી: તાસીરે ગરમ એવા આ તેજાનામાં ચયાપચય સુધારવાનો અને શરીરની ચરબીનું દહન કરવાનો ગુણ છે. એલચી સૌથી ઉત્તમ પાચન સુધારનાર ગણાય છે. એનાથી પાચનમાર્ગના અવયવો સુંવાળા થાય છે. બીજા આહારને વધુ અસરકારક રીતે પચાવવામાં શરીરને સહાય કરે છે.

મરચાં: મરચાંવાળી વાનગી ચરબીનું દહન કરનાર ગણાય છે. મરચામાં રહેલું કેપ્સીકન નામનું તત્ત્વ ચયાપચયમાં મદદ કરે છે. કેપ્સીકન ઉષ્ણતાજનક છે આથી મરચું ખાધા પછી ૨૦ મીનીટ બાદ શરીરને કેલરી બાળવામાં ઉત્તેજીત કરે છે.

કઢીલીમડો: દરરોજના આહારમાં કઢીલીમડાનાં પાદડાં વાપરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ પાંદડાંથી ચરબી અને હાનીકારક પદાર્થો દુર થાય છે, શરીરમાં જમા થયેલા ચરબીના થર ઓગળે છે, ઉપરાંત ખરાબ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું થાય છે. જો તમારું વજન વધુ પડતું હોય તો દરરોજના આહારમાં આઠથી દસ કઢીલીમડાનાં પાન લેવાનું રાખો. એને ઝીણાં સમારીને કોઈ પણ પીણામાં કે ભોજનમાં નાખી શકાય.

લસણ: લસણમાં એલીસીન નામનું રસાયણ હોય છે. એ ચરબી બાળનાર અસરકારક તત્ત્વ છે. વળી એ જંતુનાશક પણ છે. લસણ કૉલેસ્ટ્રોલ અને હાનીકારક ફેટ દુર કરે છે.

રાઈનું તેલ: બીજાં તેલોની સરખામણીમાં રાઈના તેલમાં અસંપૃક્ત ચરબીનું પ્રમાણ ઓછું છે. એમાં એન્ટીઑક્સીડન્ટ પદાર્થ રહેલા છે અને મહત્વનાં વીટામીન છે. એ કૉલેસ્ટ્રોલ દુર કરે છે, જેનાથી હૃદયને લાભ થાય છે.

કોબીજ: કાચી કે રાંધેલી કોબીજ ખાંડ અને બીજા કાર્બોદીત પદાર્થોને ચરબીમાં પરીવર્તીત થતા અટકાવે છે. આથી વજન ઘટાડવામાં એ ઘણું મહત્ત્વ ધરાવે છે.

મગની દાળ: ફણગાવેલા મગમાં (વૈઢુંમાં) સારા પ્રમાણમાં વીટામીન એ, બી, સી અને ઈ હોય છે અને કેલ્શ્યમ, આયર્ન અને પોટેશ્યમ જેવા ઘણા ક્ષાર (મીનરલ્સ) હોય છે. વજન ઉતારવામાં બીજા કેટલાક આહારને બદલે આની ભલામણ કરવામાં આવે છે, કેમ કે એમાં બહુ જ નજીવા પ્રમાણમાં ચરબી હોય છે. એમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ ઘણું સારું હોય છે, જેનાથી કૉલેસ્ટ્રોલ ઘટે છે. રેસાનું ઉચ્ચ પ્રમાણ જટીલ કાર્બોદીતનું નીર્માણ કરે છે, જેથી પાચનક્રીયા સુધરે છે, રક્તશર્કરા વધતી નથી અને ખાધા પછી એમાં એકાએક ઉછાળો આવતો નથી.

મધ: વજન ઉતારવાની આ ઘરગથ્થુ દવા છે. શરીરમાં વધારાની જમા થયેલી ચરબીને એ ગતીશીલ કરી શરીરનાં સામાન્ય કાર્યો માટે શક્તી પુરી પાડવા પહોંચાડે છે. વજન ઉતારવા માટે વહેલી સવારે ૧૦ ગ્રામ એટલે એક ચમચી મધ ગરમ પાણીમાં લેવું.

છાસ: માખણ માટે દહીં વલોવ્યા પછી જે કંઈક ખાટું પ્રવાહી રહે છે તે છાસ.  એમાં માત્ર ૨.૨ ગ્રામ ફેટ હોય છે અને લગભગ ૯૯ કેલરી, જ્યારે દુધમાં ૮.૯ ગ્રામ ફેટ અને ૧૫૭ કેલરી હોય છે. એનું નીયમીત સેવન કરવાથી શરીરને જરુરી બધાંજ તત્ત્વો મળે છે, અને શરીરમાં વધારાની ચરબી અને કેલરી ઉમેરાતી નથી હોતી. આ રીતે વજન ઉતારવામાં એ સહાયક થાય છે.

કણસલાવાળાં ધાન્ય: જુવાર, બાજરી, રાગી જેવાં ધાન્યોમાં રેસાનું સારું પ્રમાણ છે. એનાથી કૉલેસ્ટ્રોલ શોષાય છે, અને પીત્તરસનું પ્રમાણ વધે છે, આથી ચરબી પચાવવામાં મદદ મળે છે.

તજ અને લવીંગ: ભારતીય રસોઈમાં એનો ઘણો વપરાશ થાય છે. આ તેજાના ઈન્સ્યુલીનના કાર્યમાં વધારો કરે છે, આથી ગ્લુકોઝનું સ્તર નીચું રહે છે. કુલ કૉલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે, અને એ રીતે ટાઈપ ૨ ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

મધ

જૂન 15, 2017

મધ

બ્લોગ પર તા. 15-6-2017

બી. જે. મીસ્ત્રીના ઈમેલમાંથી

માનવી તેના જીવનમાં જે કંઈ કરે છે તે ટેવ પ્રમાણે કરે છે. ખાવાનું ટેવ પ્રમાણે લે છે. પરંતુ પોષણની બાબતમાં માણસ ખાવાની ચીજમાં વીવેક રાખતો નથી. માનવી કરતાં મધમાખી વધુ બુદ્ધીશાળી છે. વીવક રાખે છે. મધમાખી ફુલમાંથી રસ ચુસે છે ત્યારે તે દરેક ફુલની કસોટી કરે છે. એ કસોટીમાંથી ફુલ પાર ઉતરે ત્યારે જ એ ફુલનો રસ મધમાખી ચુસે છે. તેથી યુરોપમાં કહેવત છે કે કોઈ માનવ પર ભરોસો ન રાખો પણ મધમાખી ઉપર તો પુરો વીશ્વાસ રાખવો!

ડો. જાર્વીસ લખે છે કે મધમાં પોટેશીયમ છે એટલે તેમાં રોગકારી જંતુ પેદા થતા નથી. અમેરીકાની વીસ્કોન્સીન યુનીવર્સીટીના કેમીસ્ટ્રી વીભાગના પ્રોફેસર એચ. એ. સ્યુટ કહે છે કે મધમાં ઉત્તમોત્તમ ખનીજો છે. આપણા લોહીમાં હીમોગ્લોબીન નામનું તત્ત્વ છે તે પણ મધમાંથી મળે છે. હીમોગ્લોબીન શરીરના તમામ અવયવોને પ્રાણવાયુ પુરો પાડે છે.

જો આપણા લોહીમાં લોહ તત્વની ઉણપ હોય તો હીમોગ્લોબીન પુરતા પ્રમાણમાં બની શકતું નથી, જે મધમાંથી આપણને મળી શકે છે. આપણે જે ખાંડ આહારમાં લઈએ છીએ તે ખાંડને કીડની મુશ્કેલીથી મુત્ર વાટે બહાર કાઢે છે પણ મધના અવશેષને કીડની સહેલાઈથી બહાર કાઢી શકે છે, અર્થાત ખાંડને બદલે મધને આહાર તરીકે લેવાથી કીડની પર ભાર આવતો નથી. મધથી શરીરના અવયવો શાંત થાય છે.

કોઈ બાળક રાત્રે પથારીમાં પેશાબ કરી જતું હોય તેને તલ ખવરાવવા અને તલ ખાઈ લે પછી મધ ચટાડવું! આને કારણે એક તો બાળકને ઉંઘ આવી જશે અને બીજું રાત દરમીયાન પેટમાં ગયેલું મધ પેટની અંદરના પ્રવાહીને પકડી રાખશે. તેથી બાળક પથારીમાં પેશાબ નહીં કરે!

કેનેડાની સ્પોર્ટ્સ કોલેજોમાં ખેલાડીઓને સવારે બ્રેડ અને દુધ સાથે મધ ખવરાવાય છે. બ્રાઝીલ અને કોલંબીયાના જંગલોમાં લાંબુ દોડનારાઓ વૃક્ષ ઉપરથી મધપુડા પાડીને તેના ઉપરથી માખીઓને ઉડાડીને મધપુડાને સીધા જ ચુસતાં ચુસતાં દોડે છે! શક્તી જાળવી રાખવા ઘણા આરબો ઉંટડીના દુધમાં મધ ભેળવીને હજી પણ પીએ છે! બીસ્કીટ અને ચોકલેટમાં નુકસાન કરનારી ખાંડને કારણે શરીરનું ઘણું કેલ્સીયમ વપરાઈ જાય છે અને ખાંડથી એસીડીટી વધે છે તેમ જ પાચન નબળું પડે છે. કોકાકોલા, પેપ્સી અને થમ્સઅપ કે બીજાં મીઠાં પીણામાં છ મોટા ચમચા જેટલી કે તેથી પણ વધુ ખાંડ હોય છે. વધુ પડતી ખાંડ પેટમાં જવાથી બાળકો વધુ તોફાની, વધુ ચીડીયાં અને હીંસક (મારકણા) બની જાય છે.

ખાંડવાળા પદાર્થ વધુ ખાવાથી જલદી મોતીયો આવે છે. હું જરુર પુરતી એક સમય જ ચામાં ઓછી ખાંડ લઉં છું બાકી આહારમાં ખાંડ લેતો નથી એટલે મને 86 વર્ષની ઉંમરે મોતીયો આવ્યો નથી. પ્લીઝ, બાળકોને કોલાનાં પીણાં હરગીઝ નહીં આપો. 45ની ઉંમર પછી તો દરેક જણે ખાંડના વીકલ્પમાં મધ વાપરવું જોઈએ. ડૉ. ગેય હીમર હોર્સલે કહે છે કે: ‘મધ તો પ્રેમીઓના લગ્ન જેવું મધુર છે. જેમ વર્ષો વીતે તેમ બન્ને વચ્ચેનો જુનો પ્રેમ મધુર બને છે.’ અર્થાત મધ જેટલુ જુનું તેટલુ સારું.

મધને પચતાં અડધો કલાક માંડ લાગે છે. મધને પચાવવામાં કોઈ પાચક રસની જરુર પડતી નથી કારણ કે મધ પોતાના પાચક રસો સાથે લઈને જ પેદા થાય છે. આંતરડાનાં હાનીકારક જંતુઓને મારનારું ફોલીક એસીડ મધમાં હોય છે.

હું તમામ વાચકોને આગ્રહ કરું છું કે સવારે ચા કે કોફી પીતાં પહેલાં પ્રથમ સવારના પીણા તરીકે લીંબુ, મધ, તુલસી અને આદુનો ઉકાળો પીવો. (એ ઉકાળો હુંફાળો થાય પછી જ એમાં મધ ઉમેરવું, કેમ કે મધ ગરમી સહન કરી શકતું નથી. -ગાંડાભાઈ) ખાંડની જગ્યાએ આ ઉકાળામાં મધ નાખવું.

1931માં લંડનમાં મારક ફ્લુ આવેલો ત્યારે એલોપથીના ડોક્ટરે લોકોને ફલુથી બચવા આદુ અને તુલસીના ઉકાળા સાથે મધ ખાવાનો પ્રચાર કરેલો. તે સમયે ઈગ્લેંડમાં મધ અને લીંબુની એટલી બધી ખેંચ પડેલી કે લીંબુ અને મધ આયાત કરવા પડેલાં!

મધમાખીનો એક સ્વભાવ આપણે અનુસરવા જેવો છે. મધમાખીઓ હંમેશાં સમુહ-ભાવનાથી અને સહકારથી કામ કરે છે અને મધપુડો તે મધમાખીની સહકારી ભાવનાનું પ્રતીક છે.

હાર્ટ બ્લોકેજની દવા અમૃત પુષ્પ

જૂન 12, 2017

હાર્ટ બ્લોકેજની દવા અમૃત પુષ્પ

બ્લોગ પર તા. 12-6-2017

પીયુષભાઈ ઠાકરના સૌજન્યથી

ઉપચારો તમારા આરોગ્ય સલાહકાર સાથે મસલત કરીને અનુકુળ હોય તો જ કરવા. અહીં આ આપવાનો આશય માત્ર શૈક્ષણીક છે.

દ્વારકાના સીનીઅર ધારાશાસ્ત્રી શ્રી. દિનેશ આર. વિઠલાણીએ વર્ષોવર્ષની મહેનત અને સંશોધનથી તેમ જ રામાયણના ગ્રંથ અને આયુર્વેદનાં પુસ્તકોમાંથી “રાજા ઈન્દ્રવાળું અમૃત”નો વીસ્તૃત અભ્યાસ કરી “અમૃત પુષ્પ” નામનું પ્રવાહી વીકસાવેલ છે. જેનાથી હાર્ટ ખુલવાના સાત કીસ્સા બહાર આવેલ છે.

શ્રી વિઠલાણીએ આયુર્વેદીક પદ્ધતીથી વીકસાવેલ “અમૃત પુષ્પ” પ્રવાહીનો અમદાવાદ ખાતે સેમીનાર કરેલ છે અને વર્તમાન યુગમાં આયુર્વેદ પદ્ધતીથી હઠીલા રોગોને જડમુળથી નાબુદ કરી શકાય છે તેવું જણાવેલ છે. નોંધનીય બાબત છે કે ધારાશાસ્ત્રીએ વર્ષોની રીસર્ચ પછી વીકસાવેલા આ પ્રવાહીથી હાર્ટ બ્લોકેજ સહેલાઈથી ખુલી જાય છે. અને દર્દીઓ લાખોના ખર્ચથી બચે છે. તેમ જ શરીરનું આરોગ્ય સલામત રહે છે. સેવાકીય અભીગમના ઉમદા હેતુ સાથે જેને પણ આ પ્રવાહીની જરુરીયાત હોય તેને નીઃશુલ્ક આપે છે. શ્રી. દિનેશ આર. વિઠલાણીનો મોબાઈલ નંબર છે: ૯૪૨૭૨ ૩૨૮૩૦.

એમને રાત્રીના ૯-૦૦ થી ૧૨-૦૦ દરમીયાન હાર્ટબ્લોકેજનો કોઈ પણ દર્દી ફોન કરી જરુરી માર્ગદર્શન મેળવી શકશે.

અમૃતપુષ્પ પ્રવાહી લેવાની રીત

100 મી.લી.ની બોટલમાં 25 મી.લી. અમૃતપુષ્પ પ્રવાહી લો. બાકીની ખાલી બોટલ પતંજલી લીચી મધ વડે ભરી દો. એને સારી રીતે મીક્સ કરો. પછી બોટલને ફ્રીઝમાં મુકી રાખો. આ મીશ્રણમાંથી બોટલને બરાબર હલાવી 10 ટીપાં સાંજે સુતાં પહેલાં લેવાં અને ઉપર પાણી પીવું. દીવસમાં માત્ર એક જ વખત આ ઔષધ લેવું.

પરેજી: આ ઔષધ લેતી વખતે પરેજી ખુબ જ મહત્ત્વની છે. દુધ અને દુધની બનાવટ (દહીં, છાસ, લસ્સી, શીખંડ, ચીઝ, પનીર), ખાટા પદાર્થો જેમ કે ટામેટાં, લીંબુ, લીંબુનાં ફુલ, કોકમ, અથાણાં, લીંબુ વર્ગનાં અન્ય ફળ(મોસંબી, સંતરાં, નારંગી, ગ્રેપ ફ્રુટ, બીજોરું તથા એના જેવાં બીજાં ફળ), કૉફી, સોડા-લેમન જેવાં પીણાં, આથાવાળી વાનગીઓ, ખાસ કરીને ઈડલી-ઢોસા, વડાં, ઢોકળાં, હાંડવો વગેરે કશું ન ખાવું. ચા પી શકાય.

બીજા દીવસે પેશાબમાં સફેદ કણો નીકળશે, જે શરીરમાં એકઠા થયેલ નુકસાનકારક પદાર્થો છે. 15 દીવસ પછી તમારા રીપોર્ટની જાણ કરો.

આનાથી તમારા હૃદયની ધમની બ્લોક થયેલી હશે તે ખુલી જશે. રક્તવાહીનીઓમાં હાનીકારક જે પદાર્થો જમા થયેલા હશે તે દુર થતાં પ્રોસ્ટેટ કેન્સર, કીડની કે યકૃતની પથરી વગેરે સમસ્યા મટી જશે.

અમૃતપુષ્પ શરીરમાંનાં ઝેરી દ્રવ્યોને દુર કરે છે, પણ જો ઉપરની પરેજી પાળવામાં ન આવે તો કશો લાભ થશે નહીં.

વીપુલતા સીદ્ધાંત

જૂન 10, 2017

વીપુલતા સીદ્ધાંત

બી. જે. મિસ્ત્રીના અંગ્રેજી ઈમેલ પરથી (બ્લોગ પર તા. 10-6-2017 )

વિજય અજમેરા

એકવાર એક ભાઈ જંગલમાં ભુલો પડી ગયો. બે દીવસ પહેલાં એની બેગમાંનું પાણી ખલાસ થઈ ગયું હતું. તે એની મુસાફરી પુરી કરવાના છેલ્લા ચરણમાં હતો. એને થયું કે જો એ જલદી પાણી મેળવી ન શકે તો ચોક્કસ એનું મૃત્યુ થવાનું જ. એણે થોડે જ દુર એક ઝુંપડી જોઈ. એને લાગ્યું કે એ માત્ર મૃગજળ જુએ છે, એને તરસને લીધે ભ્રમ થાય છે, પરંતુ બીજો કોઈપણ ઉપાય ન હતો આથી એ આગળ વધ્યો. જ્યારે એ નજીક પહોંચ્યો તો એણે જોયું કે એ ભ્રમ ન હતો, હકીકત હતી. એ મહામહેનતે છેલ્લા શ્વાસ લેતાં લેતાં જેમ તેમ ત્યાં પહોંચ્યો.

ઝુંપડીમાં કોઈ રહેતું હોય એમ ન લાગ્યું. એ ઝુંપડી ઘણા વખતથી કોઈ છોડી ગયું હોય એમ લાગતું હતું. એ ભાઈ ઝુંપડીમાં ગયો, નીરાશામાં પણ એક આશાનું તણખલું લઈને કે કદાચ અંદર પાણી મળશે.

એનું હૃદય એક ધડકન ચુકી ગયું જ્યારે એણે જોયું કે ત્યાં પાણી માટે એક હેન્ડપંપ હતો. જમીનની નીચે એક પાઈપ જતો હતો, કદાચ જમીનમાં ઉંડે પાણી હશે તે કાઢવા માટે ઉતારેલો હોય એમ લાગતું હતું.

એણે હેન્ડપંપ ચલાવવાનું શરુ કર્યું, પણ પાણી નીકળ્યું નહીં. છેવટે થાકીને લોથપોથ અને નીરાશ થઈ એણે પ્રયત્ન પડતો મુક્યો. હતાશામાં માથે હાથ મુકી બેસી ગયો. એને થયું છેવટે એનો મરવાનો વારો આવવાનો. તેવામાં એણે એક ખુણામાં એક બોટલ જોઈ. બોટલ પાણીથી ભરેલી હતી, અને પાણી બાષ્પીભવન થઈને ઉડી ન જાય એ માટે એને બુચ મારેલો હતો. એણે બુચ ખોલ્યો અને મીઠું, અમૃત સમાન જીવન બક્ષનાર પાણી પીવા જતો હતો તેવામાં એણે બોટલ સાથે બાંધેલી એક ચબરખી જોઈ જેના પર લખ્યું હતું કે, “આ પાણી પંપ ચાલુ કરવા માટે વાપરજો. (લાંબા સમય સુધી પંપ ચાલુ કર્યો ન હોય ત્યારે એમાં પાણી નાખો તો જ એ ચાલુ થઈ શકે.) અને જ્યારે તમે પરવારો ત્યારે જતાં પહેલાં આ બોટલ પાણીથી ભરી જવાનું ભુલશો નહીં.”

આ માણસ ચબરખી વાંચીને દ્વીધામાં પડ્યો. સુચનાનો અમલ કરી એ પાણી પંપમાં રેડે કે ભયંકર તરસને વશ પાણી પી લે. શું કરવું? જો એ પાણી પંપમાં રેડી દે, તો શું ખાતરી કે પંપ ચાલશે જ? પંપ ન ચાલે તો શું? શું ખબર કદાચ પાઈપ કાણો પણ થઈ ગયો હોય તો? કદાચ જમીનની અંદરનું પાણી સુકાઈ પણ ગયું હોય તો?

પણ …. કદાચ સુચના સાચી પણ હોય. શું એણે જોખમ લેવું જોઈએ? જો આ સુચન કામ ન કરે, સફળ ન થાય તો જે પાણીનાં એણે છેલ્લાં દર્શન કર્યાં છે તે વેડફાઈ જશે, અને કદાચ એનું જીવન પણ પુરું થશે..

ધ્રુજતા હાથે એણે પંપમાં પાણી રેડ્યું. આંખો બંધ કરી પ્રભુને પ્રાર્થના કરી, અને પંપ ચાલુ કરવા લાગ્યો. એણે ખળખળ અવાજ સાંભળ્યો, અને પાણીનો ધોધ ચાલુ થઈ ગયો. એ વાપરે એના કરતાં પણ ઘણું વધારે. એણે ઠંડા પાણીની મજા માણી. એની જીદંગી બચી ગઈ!

ધરાઈને પાણી પીવાથી એને ખુબ જ સારું લાગ્યું. એ ઝુંપડીની આસપાસ જોવા લાગ્યો. એણે એક પેન્સીલ અને એ વીસ્તારનો નકશો જોયો. નકશા પરથી એને ખ્યાલ આવ્યો કે એ હજુ વસ્તીથી ઘણો દુર છે. પણ કંઈ વાંધો નહીં, હવે એને ખબર છે કે એ ક્યાં છે અને એણે કઈ દીશામાં જવાનું છે.

એણે બાકીનો રસ્તો કાપવા એની વોટરબેગ ભરી લીધી. એણે બોટલ પણ ભરી દઈ બુચ લગાવ્યો. જતાં પહેલાં પેલી કાપલીમાં એણે વધારાનું લખાણ ઉમેર્યું: “વીશ્વાસ રાખો, આ ચબરખીમાં લખેલું ખરેખર જ સત્ય છે.”

આ વાત જીવનને લાગુ પડે છે. એનો બોધ છે, “કંઈપણ મેળવવા માટે પહેલાં આપણે આપવું જોઈએ.” આ ઉપરાંત એક બહુ અગત્યની વાત એમ પણ કહે છે કે “ભરોસો રાખવો એ પણ આપવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે.” આ ભાઈને ખબર ન હતી કે એ જે કરવા જઈ રહ્યો હતો તેનું ફળ એને મળશે કે નહીં, આમ છતાં એ આગળ વધ્યો. શું થશે તે જાણતો ન હતો છતાં એણે વીશ્વાસનું ડગલું ભર્યું.

આ વાર્તામાં પાણી જીવનની સારી બાબતોનું પ્રતીક છે – જે આપણને ખુશ કરી દે. એ જેને જોઈ ન શકીએ એવું જ્ઞાન હોય, અથવા એ ધન, પ્રેમ, પરીવાર, મૈત્રી, આનંદ, માન-મોભો અથવા એવી કોઈ પણ વસ્તુ જેને આપણે મહત્ત્વ આપીએ, કીમતી ગણીએ. એવી વસ્તુ જે આપણે જીવનમાં પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ છીએ તેને પાણીના પ્રતીક તરીકે લીધી છે.

પાણીનો પંપ કર્મયોગને પ્રયોજવાની પ્રક્રીયાનું પ્રતીક છે. કંઈક (પાણી) આપો જો કાર્ય સીદ્ધ કરવું હોય તો, અને એનો બદલો તમે આપ્યું હશે તેના કરતાં અનેકગણો વધારે તમને મળશે.

ઉજાગર વાત અને કડવું સત્ય

જૂન 7, 2017

ઉજાગર વાત અને કડવું સત્ય

બ્લોગ પર તા. ૭-૬-૨૦૧૭

મને મળેલા એક હીન્દી ઈમેલ પરથી

તમારી પાસે મારુતી હોય કે બી.એમ.ડબ્લ્યુ – રસ્તો તો એ જ રહેશે.

તમે હાથ પર ટાઈટન બાંધો કે રોલેક્સ – સમય તો એ જ હશે.

તમારી પાસે મોબાઈલ એપલનો હોય કે સેમસંગ – તમને કોલ કરનાર લોકો  તો તેના તે જ હશે.

તમે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરો કે બીઝનેસ ક્લાસમાં તમને સમય તો એટલો જ લાગશે.

જરુરતો પુરી થઈ શકે છે, વાસનાઓ નહીં.

એક સત્ય આ પણ છે કે ધનવાનોનું અડધું ધન તો એ બતાવવામાં જતું રહે છે કે તેઓ પણ ધનવાન છે.

કમાણી નાની કે મોટી હોઈ શકે છે,

પરંતુ રોટલીની સાઈઝ બધાં ઘરોમાં એક સરખી જેવી હોય છે.

કડવું સત્ય

ગરીબ ગરીબ સાથેની સગાઈ

છુપાવે છે લોકો,

અને પૈસાદાર સાથેની દુરની સગાઈનાં

ચગાવી ચગાવીને ઢોલ પીટે છે લોકો.

ભલે ગમે તેટલું કમાઈ લો, પણ કદી ઘમંડ કરશો નહીં.

કેમ કે શતરંજની રમત ખતમ થતાં

રાજા અને કુકી એક જ ડબ્બામાં મુકી દેવામાં આવે છે.

 

કરી લે તું પ્રાણાયામ

જૂન 2, 2017

કરી લે તું પ્રાણાયામ

મને મળેલા એક ઈમેલ પરથી

બ્લોગ પર તા. ૨-૬-૨૦૧૭

કરી લે તું પ્રાણાયામ, સહુ રોગ દુર ભાગી જશે,

રુદન જશે, જીવન આનંદ થકી ભરપુર થશે.

જીવન તારું મુશ્કેલ છે આજ, કાલ તો તું હરખાશે,

આજે તને વીશ્વાસ નથી, કાલે દુનીયાને બતલાવશે.

કરી લે તું પ્રાણાયામ …..

પાંચ મીનીટ ભસ્રીકા કરી લે, રક્ત શુદ્ધ થઈ જશે,

શરદી ખાંસી એલર્જી દુર, મન સ્થીર થઈ જશે.

પંદર મીનીટ કપાલભાતી કર, મુખમંડલ તેજોમય થશે,

ગેસ, કબજીયાત, મધુપ્રમેહ સહીત, જાડાપણું દુર થશે.

કરી લે તું પ્રાણાયામ ……

પાંચ વખત બાહ્ય પ્રાણાયામ કર, ચંચલતા દુર થઈ જશે,

પેટનાં દર્દ બધાં દુર થઈને, જઠરાગ્ની પ્રદીપ્ત થઈ જશે.

દસ મીનીટ અનુલોમ-વીલોમ કર, શીરદર્દ ઠીક થઈ જશે,

નકારાત્મક ચીન્તન દુર થઈ, આનંદ, ઉત્સાહ વધી જશે.

કરી લે તું પ્રાણાયામ ……..

અગીયાર વખત ભ્રામરી કર, તનાવ સઘળો દુર થશે,

બ્લડપ્રેશર હૃદયરોગ સહીત, ઉત્તેજના મટી જશે.

એકવીસ વખત ૐકારજપ કર, અનીદ્રા રોગ ઠીક થઈ જશે,

બુરાં સ્વપ્નોથી છુટકારો થઈને, ધ્યાન તારું લાગી જશે.

કરી લે તું પ્રાણાયામ …….

ત્રણવાર નાડી શોધન કર, રક્તભ્રમણ ઠીક થઈ જશે,

બહેરાશ, લકવારોગ મટે, ઑક્સીજન વધી જશે.

પાંચ વખત ઉજ્જાયી કર, ગળું મધુર થઈ જશે,

શરદી ખાંસી સહીત, અટકડી ઠીક થઈ જશે.

કરી લે તું પ્રાણાયામ ……

અગીયાર વખત શીતકારી કર, પાયોરીયા દુર થઈ જશે,

દાંતના રોગ દુર થઈને, શીતળ શરીર થઈ જશે.

અગીયાર વાર શીતલી કર, ભુખ તરસ મટી જશે,

મુખ ગળાના રોગ સહીત, પીત્ત રોગ મટી જશે.

કરી લે તું પ્રાણાયામ ……

ત્રણ વખત સીંહાસન કરી લે, દર્દ ગળાનું ઠીક થઈ જશે,

અંતમાં હાસ્યાસન કરી લે, હસતાં જીવન વીતી જશે.

કરી લે તું પ્રાણાયામ, સહુ રોગ દુર થઈ જશે,

રુદન નહીં હશે, જીવન ખુશીઓથી ભરપુર થશે.

કરી લે તું પ્રાણાયામ ……