Archive for જૂન, 2010

દરાજ

જૂન 28, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દરાજ (૧) આંકડાના દુધમાં સહેજ મધ નાખી, હલાવી, મીશ્ર કરી દરરોજ એક વાર દરાજ પર ઘસવાથી દરાજ સારી થઈ જાય છે.

(૨) આંકડાનું પાન તોડવાથી નીકળતું દુધ દરાજ પર દીવસમાં બે વખત ચોપડતા રહેવાથી દરાજ મટે છે. દુધ ચોપડતાં પહેલાં દરાજવાળો ભાગ કપડાથી બરાબર સાફ કરવો.

(૩) કાચા પપૈયામાંથી કે પપૈયાના ઝાડ પરથી દુધ મેળવી દીવસમાં ત્રણ-ચાર વખત દર ચારેક કલાકને અંતરે ચોપડવાથી દરાજ મટે છે.

(૪) ડુંગળી છુંદી દરાજગ્રસ્ત ભાગ પર દરરોજ નીયમીત બે-ચાર વાર લગાડતા રહેવાથી લાંબા સમયે દરાજ મટે છે.

(૫) શેરીયો દહીંમાં વાટી ચોપડવાથી દરાજ મટે છે.

(૬) દહીંમાં રાઈ ઘુંટી સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે.

(૭) તુલસીનાં તાજાં પાનમાં પાણી નાખી વાટી લેપ કરવાથી દરાજ મટે છે.

દમના ઉપાયો

જૂન 27, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દમના ઉપાયો

રોગના પ્રમાણ પર ઉપચાર આધાર રાખે છે. ઉપચારની દૃષ્ટીએ દર્દી સશક્ત, દુર્બળ, વધારે પડતા કફ કે વાયુ પ્રકૃતીવાળા છે તે જોવું. રોગ વધુ ઉગ્ર હોય અને કફનું પ્રમાણ વધારે હોય તો વમન કરાવવું. બહુ જ ઉલટીઓ કરાવ્યા પછી જ પથ્ય આહાર વીહારના પ્રયોગ સાથે અન્ય ઔષધીઓનો ઉપચાર કરવો જોઈએ. વમન કરાવ્યા પછી વીરેચન એટલે ઝાડો કરાવવાની ક્રીયા હાથ ધરવી જોઈએ. જો રોગી બહુ જ અશક્ત હોય અને વમન કરાવવું શક્ય ન હોય તો કફ બહાર કાઢનારી દવાની સાથે સાથે હળવા ઝાડા કરાવવાની દવાઓ આપવી જોઈએ.

  1.  ભોંયરીંગણીના ઉકાળામાં મગ પકાવી રોજ ખાવાથી દમ મટે છે.
  2.  શરીરની પ્રકૃતી અનુસાર ઠંડા કે ગરમ પાણીમાં ઘઉંનો ક્ષાર ૧-૧ ચમચો સવાર-સાંજ લેવાથી દમ કાબુમાં રહે છે. એની પૌરુષત્વ પર માઠી અસર થતી હોવાથી પુરુષોએ પ્રયોગ સંયમથી કરવો. ઘઉંનો ક્ષાર બજારમાં તૈયાર મળે છે.
  3.  બે વરસ જુનો ગોળ અને સરસવનું તેલ સરખા વજને લઈ બરાબર મસળીને રાખી મુકવું અથવા દર વખતે તાજું બનાવી બંનેનું કુલ વજન ૧ ગ્રામ થાય તેટલું ચાટી જવું. સવાર-સાંજ નીયમીત આ પ્રયોગ કરવાથી થોડા દીવસોમાં દમ મટી જાય છે. આ પ્રયોગ ઘણો અસરકારક છે.
  4.  ૧૫-૨૦ મરી રોજ વાટીને મધમાં ચાટવાથી શ્વાસરોગમાં ફાયદો થાય છે.
  5.  અજમો ગરમ પાણી સાથે પીવાથી શ્વાસનો હુમલો શાંત થાય છે. અજમાનો અર્ક પણ ફાયદો કરે છે.
  6.  અજમો ચલમમાં ભરી ધુમ્રપાન કરવાથી શ્વાસનો હુમલો શાંત થાય છે.
  7.  આદુના રસમાં મધ મેળવી પીવાથી શ્વાસમાં ફાયદો થાય છે.
  8.  આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી દમ મટે છે.
  9.  એલચી, ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી દમ મટે છે.
  10.  કેળના ડોડવાનો કેસરયુક્ત ભાગ કોતરી તેમાં રાત્રે મરીનું ચુર્ણ ભરી રાખી સવારે એ ડોડવું ઘીમાં તળી ખાવાથી શ્વાસરોગ જલદી મટી જાય છે. (શ્વાસરોગ માટે આ પ્રયોગ ઉત્તમ છે.)
  11. 11.  કોળાના મુળનું ચુર્ણ સુંઠના ચુર્ણ સાથે મેળવી દીવસમાં બેથી ત્રણ વાર લાંબા સમય સુધી લેવાથી દમ મટે છે.
  12.  કોળાનો અવલેહ (જો  પુસ્તક વાંચતા હો તો જુઓ અનુક્રમ નહીંતર આ સાથેની લીન્ક પર ક્લીક કરો: https://gandabhaivallabh.wordpress.com/2009/01/16/) ખાવાથી દમ મટે છે.
  13. લીંબુના ૩ ગ્રામ રસમાં ૧૦ ગ્રામ મધ મેળવી ચાટવાથી ભયંકર ખાંસી મટે છે અને દમનો હુમલો તરત જ દબાઈ જઈ આરામ થાય છે.
  14. ગાજરના રસનાં ચાર-પાંચ ટીપાં બંને નસકોરાંમાં નાખવાથી શ્વાસમાં ફાયદો કરે છે.
  15. બેથી ચાર સુકાં અંજીર સવારે અને સાંજે દુધમાં ગરમ કરી ખાવાથી દમ મટે  છે.
  16. સરગવાના પાનનો રસ પીવાથી શ્વાસનો હુમલો દુર થાય છે.
  17. દરરોજ થોડું ખજુર ખાઈ ઉપર ચાર-પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો બનીને ગળફાના રુપમાં બહાર નીકળે છે, ફેફસાં સાફ બને છે અને દમ અને ખાંસી મટે છે તથા લોહીની શુદ્ધી થાય છે.
  18. ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખે ભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ ૨૦-૩૦ ગ્રામ ખાવાથી દમ મટે છે.
  19. નાની હરડે અને સુંઠના ચુર્ણનું સમાન ભાગે મીશ્રણ કરી ૧-૧ ચમચો ગરમ પાણી સાથે નીયમીત લેવાથી દમ મટે છે.
  20. વાવડીંગનું ચુર્ણ ૩ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ અને સીંધવ ૧ ગ્રામ એક મહીના સુધી પાણી સાથે પીવાથી દમ, શ્વાસ અને શરદીમાં ફાયદો થાય છે.
  21. સુંઠ અને ભોંયરીંગણીના ચુર્ણનું સમાન ભાગે મીશ્રણ કરી બબ્બે ગ્રામ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવાથી દમ મટે છે.
  22. શ્વાસનો હુમલો થાય એટલે ઉપવાસ કરવા, જ્યાં સુધી કંઈક આરામ ન જણાય ત્યાં સુધી એટલે કે એક-બે કે ત્રણ-ચાર ટંક સુધી કશું ખાવું નહીં. માત્ર સુંઠ નાખી ઉકાળેલું પાણી પીવું. જો કબજીયાત રહેતી હોય તો રાતે એક ચમચી સુંઠનું ચુર્ણ પાણી સાથે લેવું. ઘણી રાહત જણાય એટલે પ્રવાહી ખોરાક લેવો. મગને બાફીને કાઢેલું પાણી સવાર-સાંજ બે વખત પીવું. તેમાં થોડા મસાલા નાખવા. ધીમે ધીમે ખોરાક પર ચઢવું. સારું લાગે તો ગરમ ખાખરા કે રોટલી લેવી. બાફેલાં શાક, ફળ લઈ શકાય. સુંઠ નાખી ઉકાળેલું દુધ લેતાં લેતાં ખોરાક પર ચઢવું. દવા લેવાની જરુર લાગે તો શ્વાસકુઠાર નામની ટીકડી સવાર, બપોર, સાંજ એક એક પીસીને મધમાં ઘુંટીને ચાટી જવી. સંપુર્ણ રાહત થાય ત્યારે રોજીંદા ખોરાક પર આવવું. રાતે સુર્યાસ્ત પહેલાં હલકો ખોરાક લેવો. હુમલો જ્યારે પણ થાય ત્યારે આ ઉપચાર ફરી કરવો.
  23. સીતોપલાદી ચુર્ણ ૩ ગ્રામ અને બાલસુધા ૨૫૦ મી.ગ્રા. મધમાં મેળવી સવાર-સાંજ સતત છ મહીના કે તેથીયે વધારે સમય સુધી લેવાથી દમનો રોગ અંકુશમાં આવી જાય છે.
  24. પીપળાના સુકાં ફળનો બારીક પાઉડર ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી દમ મટે છે. બધા પીપળાને ફળ આવતાં નથી, પણ અમુક દેશી દવા રાખનારા પીપળાનાં સુકાં ફળ વેચતા હોય છે.
  25. માછલીમાં મૅગ્નેશીયમ હોય છે જે ફેફસાની ક્રીયા સુધારે છે. દમના ગંભીર હુમલામાં મૅગ્નેશીયમથી કાબુ મેળવી શકાય છે. આથી દમના રોગીઓએ દર સપ્તાહે માછલી કે પાલકની ભાજી દીવસમાં એક વાર લેવી જોઈએ.
  26. સમાન ભાગે સુંઠ અને હરડેનું ચુર્ણ એક એક ચમચી સવાર-સાંજ પાણી સાથે નીયમીત લેવાથી દમ અને ખાંસીની ફરીયાદ મટે છે.
  27. દરરોજ સવાર-બપોર-સાંજ ૧-૧ ચમચી હળદરનો પાઉડર હુંફાળા પાણી સાથે લેવાથી દમ મટે છે. અન્ય દવા સાથે પણ આ પ્રયોગ કરી શકાય.
  28. ચોખ્ખી બાંધાની હીંગ અને કપુરનું બરાબર મીશ્રણ કરી ચણા જેવડી ગોળીઓ બનાવવી. દીવસમાં દર ચારેક કલાકે ૧-૧ ગોળી ચુસતા રહેવાથી દમ મટે છે.
  29. દરરોજ સવારે મધ સાથે પહેલે દીવસે એક ચપટી, બીજે દીવસે બે ચપટી એમ પંદરમા દીવસે પંદર ચપટી સીંધવ ચાટવાથી દમ મટે છે. દમની ગંભીર અવસ્થામાં દીવસમાં બે કે ત્રણ વખત પણ પ્રયોગ કરી શકાય.
  30. સુરોખારના પાણીમાં બીડીનાં પાન બોળી, સુકવી બીડી વાળીને પીવાથી અથવા અરડુસી કે ધતુરાના પાનની બીડી બનાવી પીવાથી અથવા અરડુસીની લાંબી સુકી ડોડલી એક બાજુથી સળગાવી તેનો ધુમાડો બીડીની જેમ ખેંચવાથી દમમાં  લાભ થાય છે.
  31. તાજી દ્રાક્ષનો સોએક મીલીલીટર રસ ગરમ કરી દર ચારેક કલાકે હુંફાળો-હુંફાળો પીતા રહેવાથી દમનો વ્યાધી કાબુમાં આવે છે.
  32. સમાન ભાગે નમક(મીઠું-સોડીયમ ક્લોરાઈડ) અને સોડા બાઈ કાર્બ ૧-૧ ચમચી સવાર-સાંજ લેવાથી શ્વાસનો હુમલો શાંત પડે છે.
  33. રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ મટે છે.
  34. બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે.
  35. હળદર અને સુંઠનું ચુર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.
  36. લીંડીપીપર, પદ્મકાષ્ઠ, દ્રાક્ષ અને મોટી ભોંયરીંગણીના પાકા ફળના એક ચમચી ચુર્ણમાં બે ચમચી મધ અને એક ચમચી ઘી મેળવી સવાર-સાંજ થોડા દીવસ લેવાથી દમ મટે છે.
  37. સમાન ભાગે બનાવેલા કાળી દ્રાક્ષ અને હરડેના ભુકાને એક ગ્લાસ પાણીમાં ઉકાળી અડધો કપ પાણી બાકી રહે ત્યારે ગાળી ઠંડુ પાડી એક ચમચી મધ અને એટલી જ સાકર નાખી પીવાથી દમના હુમલામાં રાહત થાય છે.
  38. હળદરનું ચુર્ણ સવાર, બપોર, સાંજ ૧-૧ ચમચી હુંફાળા પાણી સાથે લેવાથી દમની તકલીફ મટે છે. હળદર બહુ ગરમ પડતી હોય તો એનું પ્રમાણ ઓછું લેવું. અન્ય દવા સાથે પણ આ પ્રયોગ કરી શકાય.
  39. ચાર-પાંચ બદામ એક વાડકી પાણીમાં ઉકાળી ગરમ ગરમ પીવાથી દમમાં ફાયદો થાય છે. ઉકાળો તાજો બનાવીને જ પીવો. વાસી ઉકાળો ફરીથી ગરમ કરીને પીવો નહીં.
  40. અરડુસાનાં સુકવેલાં પાન બીડીની જેમ ચલમ કે હુક્કામાં ભરીને દીવસમાં ચારેક વખત-દર ત્રણ કલાકના અંતરે પીવાથી દમ-હાંફની ફરીયાદ મટે છે.
  41. આંકડાના દુધના ત્રણથી ચાર ટીપાં એક પતાસા પર પાડી તેને સુકાવા દેવું. પછી પતાસું ખાઈ જવું અને ઉપર એક કપ ગરમ ચા પીવી. શ્વાસ-દમ રોગમાં આ ઔષધ ઉપચારથી ફાયદો થાય છે.  દીવસમાં એક જ વખત આ ઉપચાર કરવો અને આવશ્યક પરેજી પાળવી. બાળકોએ આ ઉપચાર કરવો નહીં.
  42. ભારંગમુળ અને સુંઠનું સરખા ભાગે ચુર્ણ બનાવી આદુના રસ સાથે સવાર-સાંજ લેવાથી દમ મટે છે.
  43. બહેડાંની છાલના ટુકડા મોંમાં રાખી ચુસવાથી દમમાં અને ઉધરસમાં રાહત થાય છે.
  44. અરડુસીનો ઉકાળો ઠંડો કરીને મધ નાખી પીવાથી દમનો રોગ શાંત થાય છે.

 

દમમાં અગત્યની સલાહ

જૂન 25, 2010

દમમાં અગત્યની સલાહ :

  1.  જે ઔષધથી તાત્કાલીક રાહત થાય તે લેવું.
  2.  બે ટંક હળવો, પોષક આહાર લેવો.
  3.  રાત્રે સુર્યાસ્ત પહેલાં જમી લેવું. પછી પાણી સીવાય કશું ન લેવું.
  4.  નીયમીત મળશુદ્ધી થાય તો દમનો હુમલો થતો નથી.
  5.  પાણી સુંઠ નાખી ઉકાળેલું અને સહેજ હુંફાળું પીવું.
  6.  નીયમીત ચાલવા જવું.
  7.   ઋતુ ઋતુનાં ફળો ખાવાં.
  8.  હળવો વ્યાયામ કરવો.

દમ

જૂન 24, 2010

દમ કારણો વીકૃત આહાર, ધુળ-ધુમાડાવાળી જગ્યામાં વસવાટ, ઠંડીની ઋતુ, આઈસક્રીમ, ઠંડાં પીણાં વગેરેનું સેવન દમ થવાનાં કારણો છે.

આ ઉપરાંત વધારે પડતો શ્રમ, વધારે પડતી કસરત, વધારે પડતો સંભોગ અને કુપોષણ પણ દમનો રોગ થવામાં કારણભુત બની શકે છે.

છાતી, ફેફસાં અથવા નાડીઓ ઉપર અસર થાય તે રીતે  કંઈક વાગવાથી પણ દમનો રોગ થઈ શકે છે. વળી સતત તાવ, ઝાડા-ઉલટીઓ, વારંવાર થતી શરદી, સળેખમ, લોહી ઓછું હોવું કે કોઈ રીતે થઈ જવું, ક્ષય વીગરેને પણ દમનાં કારણો માનવામાં આવે છે.

હૃદય પર અસર કરનારાં કારણો જેવાં કે પારીવારીક દુખ, શારીરીક ખોડખાંપણ વીગેરેથી પણ દમ થવાની શક્યતા રહે છે.

લક્ષણ દમના રોગનું મુખ્ય લક્ષણ તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય કે શ્વાસ રુંધાય.

શ્વાસરોગ પાંચ પ્રકારના છે, એમાંથી મહાશ્વાસ, ઉચ્છ્વાસ અને છીન્ન શ્વાસ એ ત્રણ પ્રકારના દમ અસાધ્ય છે. ક્ષુદ્રશ્વાસ સાધ્ય છે.

તમક શ્વાસમાં શ્વાસ લેતાં મુશ્કેલી થાય છે. રોગી સુઈ જાય તો શ્વાસનો રોગ વધે છે, પણ બેઠેલા રહેવાથી રાહત જણાય છે. ગળામાં દુખાવો અને બોલવામાં મુશ્કેલી થાય છે. જો કોઈ દવાથી કે દર્દીના પોતાના પ્રયાસથી કફ નીકળી જાય તો રોગીને થોડો આરામ મળે છે. તમક શ્વાસના હુમલા વખતે દર્દીનું મોં સુકાય છે. ગરમ પદાર્થોના સેવનથી તેને આરામ મળે છે, તથા ઠંડા અને કફકારક પદાર્થ ખાવાથી શ્વાસનો વેગ વધે છે. વર્ષા ઋતુમાં જ્યારે આકાશમાં વાદળ છવાઈ જાય તથા શીયાળામાં ઠંડો પવન વાય ત્યારે આ રોગ ઉગ્ર સ્વરુપ ધારણ કરે છે. જો તમક શ્વાસ તાજેતરમાં જ થયેલો હોય તો તે સાધ્ય છે.

થાક

જૂન 23, 2010

થાક (૧) રોજ બેથી ચાર અંજીર ખાવાથી થાક ઓછો લાગે છે.

(૨) સફરજનના ઝાડની ૪ ગ્રામ છાલ અને પાન પીવાના ૨૦૦ ગ્રામ ઉકળતા પાણીમાં નાખી ૧૦-૧૫ મીનીટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં લીંબુના એક કકડાનો રસ અને ૧૦-૧૫ ગ્રામ ખાંડ મેળવી પીવાથી થાક મટે છે.

(૩) અતીશય થાકનો અનુભવ થતો હોય તો નારંગીની પેશી ચુસવાથી તે દુર થાય છે.

થાઈરોઈડ

જૂન 22, 2010

થાઈરોઈડ આયોડીનયુક્ત નમક અને દુધ પ્રચુર માત્રામાં આયોડીન ધરાવે છે. થાઈરોઈડના વ્યાધીમાં આયોડીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવાથી રોગ કાબુમાં આવે છે. આથી થાઈરોઈડના રોગીએ વધુને વધુ પ્રમાણમાં દુધનું સેવન કરવું તથા નમક હંમેશાં આયોડીનયુક્ત જ લેવું.

સામાન્ય તાવ

જૂન 21, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સામાન્ય તાવ ઝાડા, ઉલટી, બેચેની, તરસ, સાથે સામાન્ય તાવ રહેતો હોય તો દર બબ્બે કલાકે ૧-૧ ગ્લાસ દાડમનો તાજો રસ પીવાથી મટે છે.

કફજ જ્વર નાગરમોથ, ઈન્દ્રજવ, ત્રીફળા, કુટકી અને ફલસાને સરખા ભાગે અધકચરાં ખાંડી બે ચમચી ભુકાનો ઉકાળો સવાર-સાંજ પીવાથી કફજ જ્વર (જેમાં ફ્લુનો સમાવેશ થાય છે) મટે છે.

પીત્તજ જ્વર (૧) કોળાનો અવલેહ (જુઓ લીંક https://gandabhaivallabh.wordpress.com/2009/01/16/) ખાવાથી પીત્તજ્વર મટે છે.

(૨) દ્રાક્ષ અને ગરમાળાના ગોળનો ઉકાળો પીવાથી પીત્તજ્વર મટે છે.

(૩) ત્રાયમાણ, જેઠીમધ, પીપરીમુળના ગંઠોડા, કરીયાતુ, નાગરમોથ, મહુડાનાં ફુલ અને બહેડાં સમાન ભાગે લઈ અધકચરાં ખાંડી બે ચમચી ભુકાનો ઉકાળો બનાવી સવાર-સાંજ પીવાથી પીત્તજ જ્વર મટે છે.

તાવની તરસ, વ્યાકુળતા, દાહ (૧) સુકાં અથવા તાજાં ચણી બોર ૨૦ ગ્રામ લઈ સોળગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળી થોડી ખાંડ મેળવી પીવાથી તાવની તરસ અને વ્યાકુળતા તથા દાહ મટે છે.

(૨) તાવમાં વારંવાર તરસ લાગે ત્યારે ધાણા, સાકર અને દ્રાક્ષ પાણીમાં પલાળી, મસળી, ગાળી તાવના રોગીને પાવાથી તરસનું શમન થાય છે.

તાવનો બરો જીરુ પાણીમાં વાટી હોઠ પર ચોપડવાથી તાવનો બરો મુતર્યો હોય તો ફાયદો થાય છે.

તાવ પછીની નબળાઈ કડવા લીમડાની તાજી કે સુકવેલી છાલનો ૧-૧ કપ કાઢો દીવસમાં ૩-૪ વાર પીવાથી તાવ પછીની આવેલી નબળાઈ બે-ચાર દીવસમાં દુર થાય છે.

જીર્ણ જ્વર

જૂન 20, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

જીર્ણ જ્વર (મંદજ્વર) મેલેરીયા મટી ગયા પછી ઘણાને ઝીણો-મંદ તાવ રહ્યા કરતો હોય છે અને કેટલાકને જો મેલેરીયાનો ઉચીત ઉપચાર કરવામાં ન આવ્યો હોય તો મેલેરીયા વારંવાર થયા કરતો હોય છે. આવા દર્દીઓ માટે આ ઉપચાર ખુબ જ અક્સીર છે.

(૧) એક કપ જેટલું પાણી ઉકાળવું. બરાબર ઉકળે ત્યારે તેને ઉતારી તરત જ તેમાં ત્રણેક ગ્રામ કરીયાતાનો અને બે ગ્રામ સુંઠનો ભુકો નાખી ઢાંકી દેવું. અડધા કલાક પછી આ દ્રવ ગાળીને પી જવું. સવારે અને સાંજે આ દ્રવ તાજેતાજું બનાવીને પંદરથી વીસ દીવસ નીયમીત પીવાથી ઝીણો-મંદજ્વર અને વારંવાર થતો જુનો મેલેરીયા મટે છે.

(૨) એક ચમચો અજમો દીવસમાં ત્રણ વખત પાણી સાથે ફાકી ચાવ્યા વીના ગળી જવાથી ઝીણો તાવ રહ્યા કરતો હોય તો તે મટે છે.

તાવ અને ખાંસી (૧) મરીના ચુર્ણના ઉકાળામાં સાકર અને દુધ મેળવી ગરમ ગરમ પીવાથી તાવ અને ખાંસી હોય તો તે મટે છે.

(૨) અજમાનું તાજું ચુર્ણ બનાવી મધ સાથે ચાટવાથી કફને લીધે તથા શરદી-ખાંસી સાથે આવતો તાવ મટે છે.

તાવ

જૂન 18, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

તાવ

(૧) ૧૦-૧૦ ગ્રામ ધાણા અને સાકરને ૬૦ મી.લી. પાણીમાં એક કલાક પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી બે કલાકમાં આમદોષથી આવેલો તાવ પરસેવો વળીને ઉતરી જાય છે.

(૨) ૩ થી ૬ ગ્રામ મરી વાટી ૪૦૦ મી.લી. પાણીમાં ઉકાળી ૮મા ભાગે (૫૦ મી.લી.) બાકી રહે ત્યારે ૨૦ ગ્રામ સાકર મેળવી પીવાથી તાવ ઉતરે છે.

(૩) અનનાસનો રસ મધ સાથે લેવાથી પરસેવો છુટી તાવ ઉતરે છે.

(૪) આકરો તાવ આવ્યો હોય અને કોઈ પણ રીતે ગરમી ઓછી થતી ન હોય તો માથા પર એકધારું પાણી રેડવાથી તાવનું જોર નરમ પડી તાવ ઉતરી જાય છે.

(૫) આદુ અને ફુદીનાનો ઉકાળો પીવાથી પરસેવો વળી તાવ ઉતરે છે. તે વાયુ અને કફમાં પણ હીતકારી છે.

(૬) ગરમ કરેલા દુધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ઠંડી લાગીને તાવ આવતો હોય તો તે મટે છે.

(૭) છાણથી લીંપેલી જમીન પર એરંડાનાં પાન પાથરી રાખી થોડા સમય પછી તે જ પાન તાવના રોગીના અંગ પર રાખવાથી તાવ મટે છે.

(૮) જીરુનું ૫ ગ્રામ જેટલું ચુર્ણ જુના ગોળમાં કાલવી ૧૦-૧૦ ગ્રામની ગોળીઓ બનાવી ખાવાથી પરસેવો વળી તાવ ઉતરી જાય છે.

(૯) તાવના રોગીનું શરીર કળતું હોય, આંખો બળતી હોય, માથું દુખતું હોય તો વડના પાનનો ઉકાળો કરીને પાવાથી રાહત થાય છે.

(૧૦) તાવમાં શરીરમાં બળતરા હોય તો કુણી વડવાઈનો ઉકાળો કરીને પીવો.

(૧૧) દુધી છીણી માથે અને કપાળે બાંધવાથી તાવની ગરમી શોષી લે છે.

(૧૨) દુધી ચીરી, બે કાચલાં કરી માથે બાંધવાથી મસ્તક પર ગરમી ચડી ગઈ હોય તો ઉતરી જાય છે.

(૧૩) દ્રાક્ષ, પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવડાવવાથી આમ જલદી પાકી આમવાળો તાવ શાંત થાય છે.

(૧૪) ફુદીનાનો અને તુલસીનો ઉકાળો પીવાથી રોજે રોજ આવતો તાવ મટે છે.

(૧૫) સફરજનના ઝાડની ૪ ગ્રામ છાલ અને પાન પીવાના ૨૦૦ ગ્રામ ઉકળતા પાણીમાં નાખી ૧૦-૧૫ મીનીટ સુધી ઢાંકી રાખી ગાળી લઈ, તેમાં થોડો લીંબુનો રસ અને ૧૦-૧૫ ગ્રામ ખાંડ મેળવી પીવાથી તાવની ગભરામણ મટે છે અને તાવ ઉતરે છે.

(૧૬) ૧ ચમચો આદુનો રસ અને ૧ ચમચો મધ ભેગાં કરી દીવસમાં ત્રણ વખત પીવાથી તાવ મટે છે. કોઈ પણ પ્રકારના સામાન્ય તાવમાં આ ઈલાજ ખુબ જ અકસીર છે. (૧૭) તાવમાં મોં બગડી ગયું હોય તો દાડમ અને સાકરની ચટણી મોમાં રાખવી.

(૧૮) કફજન્ય તાવમાં પરસેવાના માર્ગોમાં આમ-કાચો આહાર રસ ભરાઈ જવાથી પરસેવો થતો નથી. રાઈનું ચુર્ણ લેવાથી આ માર્ગો ખુલ્લા થાય છે, અને પરસેવો વળવાથી તાવ ઉતરી જાય છે. જો કફજ્વરમાં ખુબ જ કફ થયો હોય તો રાઈનું બારીક ચુર્ણ પા ચમચી, સીંધવનું ચુર્ણ રાઈથી અડધું અને એક ચમચી સાકરને મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી કફના માર્ગોમાં ચોંટેલો કફ છુટો પડી ઉધરસ દ્વારા બહાર નીકળી જશે. ચાર-પાંચ દીવસ આ ઉપચાર કરવાથી ઉધરસ અને કફ મટી જશે.

(૧૯) ગાયનું માખણ અને ખડી સાકરનું ચુર્ણ ભેગાં કરીને ખાવાથી ઝીણો તાવ મટે છે.

(૨૦) ગમે તેવો કે ગમે તે કારણે તાવ આવતો હોય, તાવનું કારણ ખબર ન હોય તો મહાસુદર્શન ચુર્ણ પાણી સાથે લેવાથી તાવ ઉતરી જાય છે.

(૨૧) ખુબ ઉકાળીને બનાવેલો અજમાનો ઉકાળો ગરમ ગરમ પીવાથી કોઈ પણ પ્રકારનો તાવ ઉતરે છે. પાણી તથા અજમાનું પ્રમાણ અને કેટલો ઉકાળો પીવો તેનો આધાર તાવના પ્રમાણ અને પ્રકાર પર રહે છે. અજમાનો ઉકાળો જીર્ણ તાવ પણ મટાડે છે.

(૨૨) ઝીણો તાવ રહેતો હોય તો આમળાનો તાજો રસ, આમળાનું શરબત કે આમળાનો પાઉડર જરુરી પ્રમાણમાં સાદા પાણીમાં મેળવી નીયમીત દીવસમાં ત્રણ વાર લેવાથી મટે છે.

(૨૩) અતીવીષની કળી, કાચકાનાં બી, પીત્તપાપડો, કરીયાતુ, કડવાં પરવળ, કડુ અને લીમડા પરની ગળો સરખા ભાગે ખાંડી બારીક ચુર્ણ બનાવી, ભાંગરાના તાજા રસમાં ખુબ જ લસોટી વટાણા જેવડી ગોળીઓ વાળવી. બબ્બે ગોળી સવારે, બપોરે અને સાંજે નવશેકા પાણી સાથે લેવાથી વીષમ જ્વર, પીત્તકફજ જ્વર, ટાઢીયો તાવ, વારંવાર આવતો તાવ, વાયરલ-કફજ જ્વર તથા યકૃતના રોગો મટે છે. આ ગોળીને કરંજાદીવટી કહે છે. જ્વર અને યકૃતના રોગોમાં પચવામાં હળવો આહાર લેવો.

(૨૪) કોઈપણ પ્રકારના તાવમાં સંતરાં ચુસીને ખાવાથી કે તેનો રસ પીવાથી દર્દીને રાહત થાય છે. પાણી, ખોરાક અને ઔષધ એમ ત્રણેની ગરજ સંતરાં સારે છે.

(૨૫) કાચકા શેકી તેનું મીંજ કાઢી તેનો ભુકો ૩-૩ ગ્રામ ત્રણ વાર પાણી સાથે લેવાથી તાવ મટે છે.

(૨૬) તાવ ઉતરતો ન હોય તો પગના તળીયામાં ઘી અને મીઠું લગાડી એના પર કાંસાનો વાડકો  ઘસવાથી ફાયદો થાય છે.

(૨૭) પીત્તપાપડો તાવમાં પરમ હીતકર છે. એના જેવું તાવમાં એકેય ઔષધ નથી. પીત્તપાપડાના ઉકાળામાં લીંડીપીપરનું ચુર્ણ નાખી પીવાથી ગમે તેવો તાવ હોય તે ઉતરી જાય છે.

(૨૮) વારંવાર મટી ગયા પછી પણ ફરીથી તાવ આવતો રહેતો હોય તો જ્યારે તાવ ન આવતો હોય તે દરમીયાન દર બે કલાકે એક નંગ મરી અને એક નાનો ટુકડો નવસાર વાટી હુંફાળા પાણી સાથે લેવું. તાવ ચડે ત્યારે ઉપચાર બંધ કરવો. તાવ ઉતરી ગયા બાદ બીજે દીવસે ઉપચાર શરુ કરવો. આમ કરતા રહેવાથી તાવ જડમુળથી મટી જાય છે. (૨૯) કોબીજ-ફ્લાવરનું શાક કે તેનો રસ દીવસમાં બેત્રણ વખત પીતા રહેવાથી તાવ ઝડપથી મટે છે.

(૩૦) આઠ ઔષધોનો એક ઉકાળો કોઈ પણ જાતના તાવમાં ખાસ કરીને વારંવાર થતો અથવા ઉથલા મારતો મેલેરીયા, આંત્રજ્વર (ટાઈફોઈડ), મંદજ્વર, ત્વચા વીકાર અને લોહીબગાડના રોગોમાં ઉત્તમ પરીણામ આપે છે. આ આઠે ઔષધો ‘ક’ અક્ષરથી શરુ થાય છે. કડુ, કરીયાતું, કાળીજીરી, કલંભો, કાંચકા, કડાછાલ, કડવી પટોળ અને કાળી દ્રાક્ષ સરખા ભાગે લઈ અધકચરા ખાંડી આ ભુકો એકથી દોઢ ચમચી જેટલો એક ગ્લાસ પાણીમાં નાખીને મંદ તાપે ઉકાળી દ્રવ અડધું રહે ત્યારે ઉતારી ઠંડું પાડી  પી જવું. સવાર-સાંજ તાજેતાજો બનાવેલો આ ઉકાળો પીવાથી સર્વ પ્રકારના તાવ મટે છે.

તરસ

જૂન 17, 2010

તરસ (૧) કોકમને ચટણીની માફક પીસી, પાણી સાથે મેળવી, ગાળી, સાકર નાખી તેનું શરબત બનાવીને પીવાથી તરસ મટે છે.

(૨) એકલું કે મસાલા નાખી તૈયાર કરેલું પાન ચાવતા રહેવાથી કોઈ શારીરીક તકલીફ વીના અકારણ લાગતી તરસ મટે છે.

(૩) પાણીની ખાસ જરુર ન હોય છતાં વારંવાર તરસ લાગતી હોય તો લીલાં કે સુકાં આમળાં ચુસતા રહેવાથી તરસ મટે છે અને વારંવાર પાણી પીવાની ઈચ્છા થતી નથી.

(૪) ટામેટાના રસમાં સાકર અને લવીંગનું ચુર્ણ મેળવી પીવાથી તૃષારોગ મટે છે.

(૫)  લીલી દ્રાક્ષનો રસ અથવા કીસમીસ દ્રાક્ષને વાટી, પાણીમાં મસળીને કરેલો રગડો પીવાથી દાહ સાથેનો તૃષારોગ (વારંવાર તરસ લાગવી) મટે છે.