Archive for the ‘ચીંતન’ Category

આપણા અંતરનો માર્ગદર્શક  

જૂન 26, 2023

(બૌદ્ધ સાધુનો સંદેશ – અંગ્રેજી વીડીઓ પરથી)

જીવનને હળવાશથી ન લેશો.

જેઓ ગઈ કાલે મૃત્યુ પામ્યા તેમણે આજ સવાર માટે કંઈક કરવાનું વીચાર્યું હતું. જે લોકો આજે સવારે મરણ પામ્યા તેમની કોઈક યોજના આજે રાત માટે હતી. ક્ષણના અડધા ભાગમાં બધું જ બદલાઈ જાય છે. આથી સહુને અને સર્વ કંઈ પણ માફ કરી દેવું. હંમેશાં માયાળુ બનો અને સારી રીતે જીવો. કારણ કે આપણે જાણતા નથી કે જીવવાની વધુ તક મળશે કે કેમ. હવે પછીની ક્ષણ હશે કે કેમ.

યાદ રાખો તમે જેને મળો છો તે દરેક કોઈ ને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યું છે, જેની તમને કશી જાણકારી નથી. આથી હંમેશાં આપણે સહુ પ્રત્યે માયાળુ રહેવું જોઈએ. એક દીવસ તમે બધાં લોકો માટે એક સ્મૃતી બની જશો. આથી બધાંનું બની શકે તેટલું ભલુ કરો.

જીવન જીવવું સહેલું નથી. પણ એ જીવવા માટે છે. કોઈ વાર સુખ તો કોઈ વાર દુખ. પણ દરેક ચડતીપડતીમાં તમારે એમાંથી બોધપાઠ લેવો જોઈએ, જે તમને સશક્ત બનાવશે. સાચી વાત તો એ છે કે આપણને સારું કે ખરાબ જીવન મળ્યું નથી. આપણને જીવન મળ્યું છે, અને એને સારું કે નરસું કરવું તે આપણા હાથમાં છે.

એક વાતની જરા યાદ અપાવું. જો તમને કોઈનું ભલું કરવાની તક મળે તો જરુર એ તક ઝડપી લો. કેમ કે કેટલીક વાર લોકો મુંગા મુંગા સહન કરતાં રહે છે. કદાચ તમારું માયાળું વર્તન તેઓનો દીવસ સુધારી દે.

જ્યારે તમે પોતાની કાળજી લેવાનું શરુ કરો છો, ત્યારે તમને સારું લાગશે. તમે વધુ સારા દેખાશો. અને તમે તમારા પ્રતી શુભને આકર્ષશો. યાદ રાખો, સર્વ કંઈ કરવાની શરુઆત તમારે જ કરવાની છે.

મૃત્યુ સમય

જુલાઇ 2, 2022

અંતીમ માંદગી ભોગવનારાંઓની સારવાર કરનારાં ઘણાં લોકોને એક પ્રશ્ન પુછવામાં આવ્યો: મૃત્યુની છેક છેલ્લી ઘડીએ તમે કેટલાં લોકોને અત્યંત દુખાવો અનુભવતાં કે સહન કરતાં જોયાં છે?

આના જવાબમાં હજારો લોકોની બાબતમાં કહેવામાં આવ્યું છે કે બહુ જ જુજ લોકોને પીડા પામતાં કે સહન કરતાં છેલ્લી ઘડીએ જોવામાં આવ્યાં છે. આપણા જ્ઞાનતંત્રની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે અંત સમયે વીચારો અને લાગણીની સ્થીતી એટલા બધા પ્રમાણમાં બહેર મારી જાય છે કે છેવટની ઘડીએ માણસ આરામથી મૃત્યુ પામે છે. જો કે કોઈ કોઈ લોકોની બાબત આથી ઉલટું પણ જોવા મળ્યું છે. પણ બહુ જ જુજ લોકો બાબત. આમ સામાન્ય રીતે મૃત્યુની ક્ષણ આપણને લાગે છે તેના કરતાં ઘણી સરળ હોય છે.

મોટા ભાગનાં વૃદ્ધો જવાને રાજી હોય છે. એમને લાગે છે કે જાણે હવે દેહ નથી. કે દેહ પહેલાં હતો તેવો નથી. અને તેઓ હવે કંટાળ્યા છે. આથી હવે સંપુર્ણપણે શરણાગતીસ્વીકારી લેવામાં આવે છે. જો કે બધાં જ વૃદ્ધો બાબત આ સાચું પણ નથી. એવાં વૃદ્ધો પણ હોય છે જે ખરેખર મરવાને ભયભીત હોય છે.

આપણી બધાંની જ ઈચ્છા પરીપક્વ ઉંમરે શાંતીપુર્ણ મૃત્યુને વરવાની હોય છે. પણ કેટલાકના નસીબમાં કદાચ એ નહીં હોય.

સુખ (Happiness)

જૂન 4, 2022

–ડૉ. રમેશ શાહ તરફથી મળેલી માહીતી

સુખ એટલે લાંબા સમય માટે મન શાંતીમય અને આનન્દમાં રહે તે. સુખ કોઈ વસ્તુ (રુપીયા–પૈસા, ટેસ્લા કાર), વ્યક્તી (સુંદર સ્ત્રી, ગુરુ) કે સ્થાન (હીમાલયની ગુફા, તીર્થધામ, પોતાના ગામનું ઘર વગેરે)માં નથી. બીજી બાજુ એ કંઈ આપણી અન્દર એક જગ્યાએ પડેલો ખજાનો પણ નથી કે અંતર્ધ્યાનથી મેળવી લેવાય. મારા મતે સુખ એ આજુબાજુની દુનીયા સાથેનો આપણો વ્યવહાર (interaction) સુમેળભર્યો (in harmony) અથવા સુરમાં (in tune) ચાલતો હોય ત્યારે ઉપજતો ભાવ–અનુભુતી છે. પોતાને ફાવતી અને ગમતી ચીજો ખન્તથી કરીએ ત્યારે આડ–ઉપજ (byproduct) તરીકે સુખ અનુભવાય છે. બહુ ભોગવીલાસમાં પણ સુખ નથી કે બહુ તપ કરવાથી પણ સુખી થવાતું નથી. તથાગત્ બુદ્ધે મધ્યમમાર્ગની સલાહ આપી છે. કોઈ પણ વ્યક્તીનું આખું જીવન સુખમય હોય એવું બનતું નથી. યાદ રાખીએ કે ક્યારેક ક્યારેક જીવનમાં દુ:ખ કે પીડા ઉપજવી અનીવાર્ય છે. દુ:ખની સામે ધીરજ રાખીને ઉભા રહીએ તો તે પણ પસાર થાય છે. બીજાનું દુ:ખ ઓછું થાય એવું અવારનવાર કરતાં રહેવાથી પણ સુખ ઉપજે છે. કોઈ એક જ વસ્તુમાં ભમરાની જેમ ચોંટેલા ન રહેવું. આઈન્સ્ટાઈને જીવનની વ્યાખ્યા કરી છે કે ‘સુખ સાઈકલ ચલાવવા જેવું છે, સમતોલ રહેવા માટે તમારે ગતીમાન રહેવું પડે છે.’

કર્મ વીષે કેટલાંક સુવાક્યો

માર્ચ 22, 2022

જે દુષ્ટતા તમે આચરો તે તમારી સાથે જ રહેશે, જે ભલાઈ તમે કરો તે પાછી તમને મળશે. તમારી પાસે જે શ્રેષ્ઠ ભલાઈ હોય તે જગતને આપો અને તે ભલાઈ પાછી તમને મળશે.

કર્મ પાસે કોઈ ભોજનપત્રક(menu) નથી, તમને એ જ પીરસવામાં આવશે જેને તમે લાયક છો. ભલાઈ કરો અને ભલાઈ તમને પાછી મળશે. યાદ રાખો, કામ પતાવવાની કર્મની કોઈ સમય મર્યાદા નથી.

કર્મ ઉજ્જવળ કરે છે: કૃતજ્ઞ બનો, પ્રેમથી વર્તો, તમારા ઈરાદાથી સાવધ રહો, તમારું વર્તન જોતા રહો, માફ કરી દો.

ઉત્તમની પ્રાપ્તી માટે કનીષ્ઠમાંથી પસાર થવું જ પડે.

વ્યક્તી અને તેનાં કામોને માફ કરી દો, કદી કોઈને ધીક્કારશો નહીં. જવા દો, મુક્ત કરી દો, અને એના કર્મનું જે જરુરી ફળ હશે તે એને મળશે.

390. પછીથી

સપ્ટેમ્બર 13, 2019

390. પછીથી
(પીયુષભાઈના અંગ્રેજી ઈમેલમાંથી)
ચાલો આપણે “પછીથી”ને અલવીદા કહેવાનો પ્રયાસ કરીએ…
હું એ પછીથી કરીશ
હું એ પછીથી કહીશ
હું એના પર પછીથી વીચારીશ

આપણે બધું જ ‘અત્યારે નહીં’ પણ ‘પછીથી’પર મુલતવી રાખીએ છીએ, જાણે “પછીથી” આપણા હાથમાં હોય!

પણ આપણે જે નથી સમજી શકતા તે:
પછીથી, કોફી ઠંડી થઈ જાય છે…
પછીથી, પ્રાથમીકતા બદલાઈ જાય છે…
પછીથી, આકર્ષકતા વીલાઈ જાય છે…
પછીથી, સ્વાસ્થ્ય જતું રહે છે…
પછીથી, બાળકો મોટાં થાય છે..
પછીથી, માબાપ વૃદ્ધ થાય છે…
પછીથી, વચનો ભુલાઈ જાય છે…
પછીથી, દીવસ રાત્રી બને છે… અને
પછીથી, જીવન સમાપ્ત.
અને આ બધાં ‘પછીથી’ આપણને ઘણુંખરું ખબર પડે છે કે બહુ મોડું થઈ ગયું.
આથી ‘મોડેથી’ પર કશું છોડો નહીં.
કેમકે હંમેશાં મોડે સુધી રાહ જોવામાં આપણે
ઉત્તમ ક્ષણો ગુમાવી શકીએ.
ઉત્તમ અનુભવો ગુમાવી શકીએ.
ઉત્તમ મીત્રો ગુમાવી શકીએ.
ઉત્તમ પરીવાર ગુમાવી શકીએ.

આથી, દીવસ તો આજનો જ, ક્ષણ તો અત્યારની જ…

આરોગ્ય ટુચકા 284 ઈન્દ્રીઓ

નવેમ્બર 9, 2018

આરોગ્ય ટુચકા 284   ઈન્દ્રીઓ: (ક્યાંકથી મળેલું) જે લોકો દૃષ્ટીનું વરદાન પામ્યાં છે એમને માટે એક સુચન : આવતી કાલે અંધાપો આવવાનો છે એમ માનીને તમારાં નેત્રોનો ઉપયોગ કરજો. અને, અન્ય ઇન્દ્રીયોની બાબતમાં પણ એવું જ કરજો : ગીતો સાંભળજો, પંખીગાન સુણજો, અનેક વાદ્યોના લહેરાતા સમુહ-સ્વરોને કાનમાં ભરી લેજો – એમ માનીને કે આવતીકાલે જ તમે શ્રવણેન્દ્રીય ગુમાવવાના છો. દરેક પદાર્થને એમ સમજીને સ્પર્શી લેજો કે તમે સ્પર્શનું સંવેદન ખોઈ બેસવાના છો. હરએક પુષ્પના પરીમલનું પાન એ રીતે કરી લેજો કે જાણે ગંધ તમારા નાસીકાદ્વારે ફરી આવી શકવાની નથી. પ્રીય સ્વાદ માણી લેજો – કદાચ સ્વાદેન્દ્રીય દગો દેવાની હોય. સર્વ ઇન્દ્રીયોને મહત્તમ માણજો, આનંદનો પ્રત્યેક આહ્‌લાદ ગ્રહી લેજો. પ્રકૃતીએ નીર્મેલાં સૌંદર્ય અને આનંદનાં સકલ નીમીત્તો સેવી લેજો, પણ સર્વ ઇન્દ્રીયોમાં ચક્ષુ એ સહુથી વધુ આનંદદાયક છે એવું માનજો.

મીલકત અને સંપત્તી, કોની?

જુલાઇ 21, 2018

મીલકત અને સંપત્તી, કોની?

(બ્લોગ પર તા. 21-7-2018)

મને મળેલ એક અંગ્રેજી ઈમેલ પરથી.

આપણે જે કમાણી કરીએ છીએ તે બીલ્ડરો, મકાનનું રંગરોગાન કરનારા, અને સંભાળ રાખનારાઓ માટે છે? આપણી મોટી બીલ્ડીંગ અને ભપકાદાર લગ્ન સમારંભો દ્વારા આપણે કોને આંજી નાખવા માગીએ છીએ? કોઈના લગ્ન વખતે શું ખાધેલું તે તમને બે દીવસ બાદ પણ યાદ રહે છે ખરું?

આપણા જીવનનાં કીમતી વર્ષો દરમીયાન આપણે શા માટે ગધ્ધાવૈતરું કરીએ છીએ? આપણે હવે પછીની આપણી કેટલી પેઢીને પોષવા ઈચ્છીએ છીએ?  આપણને મોટે ભાગે બે સંતાનો અને ઘણાને માત્ર એક સંતાન હોય છે. એ માટે કેટલું કમાવાની જરુર અને આપણે કેટલાની ઈચ્છા રાખીએ છીએ એ વીશે વીચાર કરો. આપણાં બાળક કમાવાને માટે અશક્ત હશે, કે એમને માટે આપણે આટલી બધી બચત કરીએ? શું આપણે સપ્તાહમાં દોઢ દીવસ મીત્રો, પરીવાર અને પોતાને માટે કાઢી ન શકીએ? તમારી માસીક કમાણીમાંથી શું તમે ૫% પણ તમારા પોતાના આનંદપ્રમોદ માટે વાપરો છો ખરા? એનો જવાબ ઘણુંખરું ‘ના’માં આવશે.

તમારી કરોડનો મણકો ખસી જાય કે કોલેસ્ટ્રોલ હૃદયમાં જમા થઈ જાય તે પહેલાં પોતાના આનંદ માટે સમય કાઢો. મીલકત આપણી નથી, માત્ર કામચલાઉ આપણું નામ દસ્તાવેજમાં હોય છે. જ્યારે કોઈ કહે, “હું આ જમીનનો માલીક છું”, ત્યારે કુદરત મર્મમાં હસે છે.

કોઈની મોટી કાર જોઈને એ માણસ વીશે અભીપ્રાય આપશો નહીં. સાઈકલ વાપરનારો પણ મહાન હોઈ શકે. ધનવાન હોવું ખરાબ નથી, પણ માત્ર ધનવાન હોવું બરાબર ન કહેવાય, પુરતું ન ગણાય. આપણે જીવનને માણી લઈએ – જીવન આપણને માણી લે તે પહેલાં. એક દીવસ આપણે બધા છુટા પડી જઈશું. આપણી જરુરી બીનજરુરી બધી વાતચીત અને આપણાં સ્વપ્નો માટે આપણે ઝુરીશું. દીવસો, મહીનાઓ, વર્ષો પસાર થઈ જશે અને આપણો સંપર્ક અલભ્ય થશે. એક દીવસ આપણાં બાળકો ફોટા જોશે અને પુછશે, “કોણ છે આ લોકો?”

અને આપણે અદૃશ્ય અશ્રુઓ સહીત સ્મીત કરીશું, કેમકે હૃદયમાં બળતરા સહીત કઠોર શબ્દોના ઘા થશે. તમે કહેશો, “ એ લોકો છે જેમના માટે મેં મારા જીવનના ઉત્તમ દીવસો ખર્ચ્યા હતા.

મૃત્યુ સમયે દીલગીરી

જૂન 8, 2018

મૃત્યુ સમયે દીલગીરી

(બ્લોગ પર તા. 8-6-2018 )

એક ઑસ્ટ્રેલીઅન નર્સે સેંકડો દર્દીઓની તેમના અંતીમ દીવસોમાં સંભાળ લીધી હતી. એ કહે છે કે જ્યારે દર્દી છેલ્લા શ્વાસ લેતો હોય છે ત્યારે એને સૌથી વધુ પસ્તાવો થતો હોય તે વીષે એ જણાવે છે. એમાં લોકોએ વધારેમાં વધારે જે પાંચ હકીકત કહી છે તે નીચે મુજબ છે.

  1. જે રીતનું જીવન જીવવાની મારી ઈચ્છા હતી તે મુજબ જીવવાની હીંમત મારાથી રાખી શકાઈ નહીં, પણ બીજાં લોકો જે ઈચ્છતાં હતાં તે મુજબ જીવન જીવાઈ ગયું. મારું જીવન મારી રીતે જીવી ન શકાયું એનો મને પસ્તાવો થાય છે.
  2. મને પસ્તાવો થાય છે કે મારા જીવનમાં મારે આટલી સખત મહેનત કરવી જોઈતી ન હતી.
  3. મને એ બાબત પસ્તાવો થાય છે કે મારી લાગણી મારાથી વ્યક્ત કરી ન શકાઈ. મારામાં એ જણાવવાની હીંમત હોત એમ હું ઈચ્છું છું.
  4. મને પસ્તાવો થાય છે કે મારાથી મારા મીત્રોના સંપર્કમાં રહી ન શકાયું.
  5. મને પસ્તાવો થાય છે કે મેં મારી જાતને આનંદ માણવા ન દીધો. મારાથી સતત આનંદમાં રહી ન શકાયું.

જીવન દરમીયાન આપણે ધન-વૈભવ પાછળ દોડીએ છીએ, અને સ્વાસ્થ્ય, પરીવાર કે નીતી-ધર્મની પરવા કરતાં નથી. કદાચ આમાં બદલાવ લાવવાનો સમય પાકી ગયો છે. આપણે સમયસર ચેતી જવું જોઈએ અને જીવનમાં યોગ્ય બાબતોને જ મહત્ત્વ આપવું જોઈએ.

આરતી અને રાકેશ

જૂન 4, 2018

આરતી અને રાકેશ

(બ્લોગ પર તા. 4-6-2018 )

(નોંધ: કેટલાંક વર્ષ પહેલાં એક લગ્ન વખતે મેં કહેલા આ શબ્દો અહીં રજુ કરું છું. વર-વધુનાં આ બંને નામ સાચાં છે. એ નામોના અર્થનો વીચાર કરતાં મને બહુ સુખદ આશ્ચર્ય થયેલું, આથી જ આ સરસ યુગલ વીશે અહીં મુકવાની ઈચ્છા થઈ.)

આરતી અને રાકેશ આજે લગ્નગ્રંથી વડે જોડાયાં. ગ્રંથી એટલે ગાંઠ. આ બંને નામોનો કેવો સરસ મેળ છે એ વીશે અને આ ગાંઠ બાબત પણ જરા વીચારવા જેવું છે, તેના વીશે થોડી વાત જોઈએ. લગ્નની ગાંઠ એ બીજી ગાંઠ જેવી સ્થુળ નથી, સુક્ષ્મ છે. સ્થુળ ગાંઠ તો કઠે, ખુંચે, દેખાયા કરે, પણ આ ગાંઠ એવી નથી. જેમણે સુતર કાંત્યું હશે (આપણા દેશ ભારતમાં ઘણા સમય સુધી મેં જાતે કાંતેલા સુતરની ખાદીનાં કપડાં પહેર્યાં હતાં.) તેમને ખ્યાલ હશે કે કાંતતી વખતે તાર તુટી જાય તેને સાંધીએ ત્યારે ગાંઠ દેખાતી હોતી નથી, જોડવા છતાં. આ ગાંઠ તેવી છે. આ જોડાણ તેવું છે.

બીજી એક વાત કહું? આપણા ભારતીય સમાજમાં બે પ્રકારે સંબંધો બને છે, જન્મથી અને સગાઈથી. માબાપ અને સંતાન, ભાઈ અને બહેન, કાકા અને ભત્રીજા વગેરે ઘણા બધા સંબંધો જન્મથી બને છે. અને અરસપરસ પ્રેમ, લાગણી જન્મે છે. પણ લગ્નનો સંબંધ સગાઈથી બને છે. પહેલાં તો એની વીધી કરવામાં આવતી, આજે પણ કેટલાક લોકો પરંપરાને અનુસરી એ સગાઈની વીધી કરે છે, પણ આજે ખરેખર આ સંબંધ સગાઈથી નહીં પ્રેમ વડે બને છે. બે વ્યક્તી પહેલાં તો એકબીજાથી અજાણ હોય છે, પછી પરીચયમાં આવે છે અને એકબીજા પ્રત્યે પ્રેમ જન્મે છે. પછી સગાઈ થાય છે. પહેલાં સગાઈ થતી અને પછી પ્રેમ. કેમ કે પહેલાં લગ્નો ગોઠવવામાં આવતાં અને પછી સગાઈ કરવામાં આવતી.

હવે જોઈએ આરતીની વાત. આરતી શબ્દનો એક અર્થ છે ઈચ્છા, હોંસ. પણ આરતીનો બીજો પણ બહુ અગત્યનો અર્થ છે અને તે છે શાંતી, વીરામ. હવે આપણે જાણીએ છીએ કે ઈચ્છા, હોંસ પુરી થયા પછી શાંતી થાય, વીરામ આવે. આમ આ બે અર્થ એક જ શબ્દમાં છે. કેવું સરસ ચમત્કારી નામ છે!! પણ થોભો, હજુ વધુ આશ્ચર્ય છે આ નામના અર્થમાં. આરતી શબ્દનો ત્રીજો અર્થ છે વૈરાગ્ય, ત્યાગવૃત્તી, નીવૃત્તી. છે ને અદ્ભુત મેળ!!! શાંતી મળ્યા પછી, વીરામ કર્યા પછી ત્યાગવૃત્તી, વૈરાગ્ય જન્મે. અને પછી આપોઆપ નીવૃત્તી આવે.

અને રાકેશ એટલે? રાકેશ શબ્દનો અર્થ જાણો છો? હા, એ અર્થ પણ બહુ મઝાનો છે. રાકેશ શબ્દ બન્યો છે રાકા અને ઈશ વડે. રાકા એટલે પુર્ણીમા, ઈશ એટલે સ્વામી. પુર્ણીમાનો સ્વામી કોણ? ચંદ્રમા. આમ રાકેશ એટલે પુર્ણીમાનો ચંદ્રમા. પણ આ ચંદ્રને ભગવાન શંકરે ધારણ કર્યો છે. આથી રાકેશનો બીજો અર્થ શંકર ભગવાનનું નામ પણ છે. અને શંકર ભગવાન અને વૈરાગ્યના ગાઢ સંબંધ વીશે તો બધા જાણે જ છે. છે ને સુંદર મેળ આરતી અને રાકેશ!!

સમયનું વહેણ

મે 26, 2018

સમયનું વહેણ

(બ્લોગ પર તા. 26-5-2018 )

સમયનું વહેણ? ખરેખર સમય વહે છે? સંસ્કૃતમાં ભર્તૃહરિ શતકમાં એક શ્લોક છે:

भोगो न भोक्ता वयमेव भोक्ता तपो न तप्ता वयमेव तप्ता ।

तृष्णा न जीर्णा वयमेव जीर्णा कालो न यातो वयमेव याता ॥

એમાં એમ કહે છે કે સમય પસાર થતો નથી, સમય વહી જતો નથી, આપણે જ પસાર થઈ જઈએ છીએ, આપણે જ વહી જઈએ છીએ.

कालो न यातो  સમય જતો નથી એટલે એનો અર્થ તો સમય જ્યાં છે ત્યાં ને ત્યાં જ હોય છે.

તો સમય શું છે? મહાન વૈજ્ઞાનીક આઈન્સ્ટાઈને એને ચોથું પરીમાણ કહ્યું છે.

સમય એટલે પરીવર્તનનો આપણને થતો બોધ, આપણને જે ફેરફારો થઈ રહ્યા હોય તેનું થતું ભાન. આપણે જોઈએ છીએ કે સતત પરીવર્તન થયા જ કરે છે – બધાંમાં જ બધે જ. આપણા પોતાનામાં, શારીરીક રીતે માનસીક રીતે, આપણી આસપાસ, સજીવમાં, નીર્જીવમાં, નજીક, દુર, સર્વત્ર એકેએક બાબતમાં પરીવર્તન થતું રહે છે. વીજ્ઞાન કહે છે કે નીર્જીવ વસ્તુના પરમાણુમાં પણ ઈલેક્ટ્રોન એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની ફરતે પ્રદક્ષીણા કરે છે. જો કે નરી આંખે તો આપણે એને જોઈ શકતા કે અનુભવી શકતા નથી. પણ આપણે આસપાસ નજર કરીએ તો બધું જ પરીવર્તીત થતું જોવા મળે છે, અનુભવવા મળે છે. સવારે સુર્ય ઉગે છે, માથે આવે છે, આથમી જાય છે. કશું જ સ્થીર નથી, બધું જ પરીવર્તનશીલ છે. આ પરીવર્તનનો બોધ થાય તેને આપણે સમય પસાર થાય છે એમ કહીએ છીએ.

મને એક ઓપરેશન કરવામાં આવ્યું હતું, ત્યારે સંપુર્ણ બેભાન કરવામાં આવ્યો હતો – ટોટલ એનેસ્થેશીયા આપવામાં આવ્યું હતું. તે વખતે મને જે અનુભવ થયો હતો તે પરથી મને લાગે છે કે ખરેખર સમય એટલે આપણને થતા પરીવર્તનનો બોધ. જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં પુછ્યું હતું કે મને ઓપરેશન થીયેટરમાંથી અહીં કેટલા સમય પહેલાં લાવવામાં આવ્યો? પણ કોઈ કદાચ કહે કે તો પછી ઉંઘમાં પણ આપણને પરીવર્તનનો બોધ નથી હોતો છતાં સમયનો બોધ હોય છે. ના, ઉંઘમાં આપણે ભાન ગુમાવતા હોતા નથી. જુદા લેવલ પર પરીવર્તન અનુભવતા હોઈએ છીએ, જેમ કે સ્વપ્નો જોવાં. ગાઢ નીદ્રાનો પણ આપણે અનુભવ કરીએ છીએ. તેથી જ સવારે ઉઠ્યા પછી કહીએ છીએ કે રાત્રે ખુબ સરસ ગાઢ ઉંઘ આવી હતી.