Archive for the ‘સાહીત્ય’ Category

કબીર દોહો

ઓક્ટોબર 18, 2016

કબીર દોહો

(બ્લોગ પર તા. ૧૯-૧૦-૨૦૧૬)

આનંદભાઈના સૌજન્યથી, એમની ઉદાર પરવાનગી માટે ઋણસ્વીકાર સહીત. આ રહ્યા એમના શબ્દો, “Yes, Ganadabhai … You have my permission with pleasure.”

कहत कबीर

बहुत जतन करी कीजीये, सब फल जाय नसाय |

कबीरा संचय सुम धन, अंत चोर ले जाय ||

ભાષાંતર અને સમજુતી – આનંદ રાવ

ગુજરાતી અનુવાદ

અરે ભાઈ! તું ગમે તેટલું સાચવ્યા કરીશ, ગમે તેટલું જતન કર્યા કરીશ, તો પણ અંતે તો દરેક ફળ પાકીને સડી (नसाय) જાય છે. દરેક વસ્તુનો નાશ થાય છે. ઓ કબીર! એજ રીતે લોભીયાએ ભેગું કરેલું ધન પણ પડ્યું પડ્યું સડે છે અને આખરે તો ચોર ચોરી જાય છે. (માનવદેહ પણ ફળ જ છે.)

English Interpretation

You may try very hard to protect and preserve a fruit, but eventually every fruit ripens, decays and everything disappears. Oh Kabir! In the same way, the wealth amassed by a miser finally also rots and gets stolen by a thief. (Human body is also a “Fruit” which detaches itself from the mother and continues to grow until slowly breaks down.)

સમજુતી

ફળ શબ્દ માનવશરીરને પણ લાગુ પડે છે.

થોડા દીવસ પહેલાં ૭૩ વર્ષની ઉમ્મરના એક મીત્રની ખબર જોવા હોસ્પીટલ જવાનું થયેલું. જાત જાતની ટ્યુબો લગાડેલી હતી. પરાણે આંખ ખોલી શકતા હતા. એક વખતનું કસાયેલું તંદુરસ્ત શરીર અત્યારે ચીમળાઈ ગયેલા ફળ જેવું પથારીમાં પડ્યું હતું. કોણ મળવા આવ્યું છે અને શું કહે છે એટલું પરાણે સમજી શકતા હતા. સહેજ હાથ હલાવીને કે આંખની પાંપણ ઉંચી કરીને રીસ્પોન્સ આપવા પ્રયત્ન કરતા હતા.

આ મીત્ર પોતાની તબીયત અંગે બહુ સજાગ હતા. વર્ષોથી અમેરીકામાં હતા. એટલે પુરા હેલ્થ કોન્સીઅસ પણ ખરા. ખાવાપીવામાં, કસરત કરવામાં, ચાલવા જવામાં, આ બધામાં બરાબર નીયમીત. કોઈ પ્રકારનું વ્યસન પણ નહીં. પુરા શાકાહારી. મેં એમને યાદ આપી કે ૪૦ વર્ષ પહેલાં આપણે મળતા ત્યારે કેવા દેખાતા હતા!! અને આજે! એ થોડું હસ્યા.

એમના પલંગ પાસે, બાજુમાં એમનાં પત્ની બેઠાં હતાં. સામાન્ય વાતચીત પછી બહેને મને કહ્યું,

“ભાઈ, એમને તમારા કબીરના દોહા બહુ ગમે છે. તમને વાંધો ના હોય તો એમને એકાદબે દોહા બોલીને સમજાવોને.”

મને તરત ઉપરનો દોહો યાદ આવ્યો. આ ક્ષણ માટે બહુ યોગ્ય લાગ્યો. દોહો બોલીને મેં એમને અર્થ સમજાવ્યો કે આ શરીર પણ એક ફળ છે. દરેક ફળને ડીંટું હોય છે. એનાથી એ વૃક્ષ કે વેલી સાથે અમુક સમય સુધી વળગેલું રહીને પોષણ મેળવે છે. સમય થતાં વૃક્ષથી છુટું પડી જાય છે. પછી થોડા જ દીવસોમાં એ ફળ પાકી જાય છે. કોઈ એનો ઉપયોગ કરે તો સારી વાત છે. કોઈની નજરે ન પડે તો અંતે પાકીને સડી જાય છે અને પાછું માટીમાં ભળી જાય છે.

એ જ રીતે આ શરીર ૯ મહીના સુધી માતાના ગર્ભમાં ડુંટી દ્વારા, નાળ દ્વારા પોષણ લઈને મોટું થાય છે. સમય થતાં નાળ તોડીને બહાર પડે છે. ધીમે ધીમે મોટું થાય છે. અંતે વૃદ્ધ થઈને ક્ષીણ થવા લાગે છે. વૃદ્ધ થવાની આ પ્રક્રીયાને, આ એજીંગ પ્રોસેસને કોઈ અટકાવી શકતું નથી. It’s a one-way process. માટે કબીર કહે છે કે આ શરીરનું ગમે એટલું જતન કર્યા કરશો તો પણ દરેક ફળની જેમ આ “દેહ-ફળ” પણ અંતે તો સડવાનું જ છે.

ક્યારેક કોઈક ફળને પાકતાં પહેલાં જ, અકાળે, સડો લાગી જાય છે, તેમ આ શરીરને પણ ક્યારેક અકાળે કેન્સર કે એવો કોઈ સડો લાગી જાય છે.

દોહો સાંભળીને મીત્ર સહેજ મલકી પડ્યા. મારી સાથે હાથ મીલાવવા એમણે એમનો હાથ સહેજ ઉંચો કર્યો. મારા બંને હાથે મેં એમનો હાથ પકડી લીધો. મીત્ર બહુ કંજુસ ન્હોતા. એટલે એમનું ધન ચોર લઈ જવાની શક્યતા ન્હોતી.

-આનંદ રાવ

कागज के टुकड़े

જાન્યુઆરી 30, 2016

कागज के टुकड़े

(બ્લોગ પર તા. ૩૦-૧-૨૦૧૬ )

પીયુષભાઈ પરીખના ઈમેલમાંથી મળેલું

मीली थी जिंदगी किसीके काम आनेके लिए

पर वक्त बीत रहा है कागज के टुकडे कमाने के लिए

क्या करोगे ईतने पैसे कमा कर?

न कफ़न में जेब है न कबर में आलमारी

और यह मौत के फ़रिस्ते रिश्वत भी नहीं लेते

મળી’તી જીંદગી કોઈકને કામ આવવા માટે

પરંતુ સમય વીતી રહ્યો છે કાગળના ટુકડા કમાવા માટે

શું કરશો આટલા પૈસા કમાઈને?

ન તો કફનમાં ખીસું છે ન તો કબરમાં કબાટ

અને આ મૃત્યુના યમ લાંચ પણ લેતા નથી

બુઢ્ઢા હોગા તેરા બાપ !

ઓક્ટોબર 6, 2014

સનડે ઈ-મહેફીલના પ્રણેતા શ્રી. ઉત્તમભાઈ ગજ્જરને મેં તાજેતરમાં એમાં પ્રગટ કરેલા સુંદરલેખની પ્રસંશા કરતો ઈ-મેઈલ મોકલ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં એમણે સ.મ.માં પ્રગટ થતી મને પસંદ હોય તે કોઈ પણ કૃતી મારા બ્લોગ પર મુકવાની છુટ આપી છે. એમણે વૃદ્ધત્વ બાબત તેર આર્ટીકલ મને મોકલ્યા છે. એ પૈકી સૌ પ્રથમ આ આર્ટીકલ મારા બ્લોગ પર મુકવાનું મને ઠીક લાગ્યું છે.

આ સદીની સિદ્ધિરૂપ, ૪૫ લાખ જેટલા શબ્દોના

મહાભારત જેવા શબ્દભંડોળની, ગુજરાતીઓને

‘લેક્સિકોન’

મારફત ચિરંજીવ ભેટ અર્પનાર એના રચયિતા

રતિલાલ ચંદરયા

હવે આપણી વચ્ચે નથી રહ્યા.

Ratilal P chandaria

જન્મ : વીજયાદશમી : ૨૪–૧૦–૧૯૨૨ … નિર્વાણ : વીજયાદશમી : ૧૩–૧૦–૨૦૧૩

(સ્વર્ગસ્થ પત્નીનું નામ પણ ‘વીજયા’)

અને હવે વાંચો આજની ..’

બુઢ્ઢા હોગા તેરા બાપ !

–જયેશ અધ્યારુ

હમણાં થોડા દીવસ પહેલાં સુપરસ્ટાર અમીતાભ બચ્ચનનો ૭૨મો જન્મદીવસ ગયો. હવે તમારી આસપાસની સીત્તેર–પંચોતેરની વચ્ચેની કોઈ પણ પાંચ વ્યક્તીઓને લઈ લો અને એમની શારીરીક–માનસીક સ્થીતીનું અવલોકન કરો. એ પાંચમાંથી ઓછામાં ઓછા ત્રણ જણને માથે તો વૃદ્ધાવસ્થાનાં કાળાં ડીબાંગ વાદળો ઘેરાઈ ચુક્યાં હશે. જીવનને ખરા અર્થમાં ‘જીવવા’ની એમની ઈચ્છા ક્ષીણ થઈ ચુકી હશે. અને દીવસમાં એટલીસ્ટ, એક વાર તો તેઓ આ મતલબનું વાક્ય બોલતાં જ હશે, ‘આપણે હવે આ બધું કરીને શું કરવું છે ? આપણે તો બહુ ગઈ ને થોડી રહી !’ આપણે ત્યાં દોઢડાહી નહીં; બલકે અઢી–સાડા ત્રણ ડાહી દુનીયા, હજી સાઠ વર્ષ ન થયાં હોય તો પણ ‘દાદા, તમે ધ્યાન રાખજો’ ટાઈપનાં વાક્યો ફેંકી ફેંકીને વ્યક્તીના મગજમાં ઠસાવતા રહે છે કે, ‘બૉસ, તમે હવે બુઢ્ઢા થયા. જરા સાઈડમાં ખસી જાઓ; નહીંતર નાહકના લેવાઈ જશો.’

હવે આ જ બધી વસ્તુઓ અમીતાભ બચ્ચન પર એપ્લાય કરો. છે કોઈની મજાલ કે એમને બુઢ્ઢા, ડોસા કે ઈવન (પૌત્રી આરાધ્યા સીવાય !) કોઈ દાદા પણ કહી શકે ? (આમ તો એ બહુ શાલીન છે; પરન્તુ એમને આવું કોઈ કહે તો સામે એવો જવાબ મળી શકે, ‘બુઢ્ઢા હોગા તેરા બાપ !’) એ સુપરસ્ટાર છે, કરોડો રુપીયા કમાય છે, દરરોજ એમના ઘરની આગળ ચાહકોનો મેળો જામે છે… આ બધી વાતો એક મીનીટ માટે ભુલી જાઓ, એમની આસપાસ રચાયેલા ‘સ્ટાર ઓફ ધી મીલેનીયમ’ અને ‘સદી કે મહાનાયક’ જેવાં આભામંડળને ઉતારીને બાજુએ મુકી દો. એ પછી જે રહેશે એ અમીતાભ ‘બચ્ચન’ શ્રી વાસ્તવ એઝ અ પર્સન. આપણે ત્યાં જેને ‘સંન્યસ્તાશ્રમ’ કહેવામાં આવે છે તે સમયગાળાના ઉંબરે પહોંચેલો એક માણસ. જેના ચહેરા પર કરચલીઓ પડી ચુકી છે, વાળ તો ક્યારનાયે ધોળા થઈ ચુક્યા છે. શરીરમાં અઢળક વ્યાધીઓ છે, છાશવારે હૉસ્પીટલનાં ચક્કર કાપવાં પડે છે; છતાં કોઈ ફરીયાદ નહીં. ઈન ફેક્ટ, એ અગાઉ ક્યારેય નહોતા એટલા આજે એક્ટીવ છે. ફીલ્મના કે એડ્સના સેટ પરથી કેબીસીના સેટ પર અને વીવીધ ઈવેન્ટ્સના સેટ વચ્ચે દોડતા રહે છે. આટલું પુરતું ન હોય એમ તેઓ (આ લખાય છે ત્યાં સુધી) છેલ્લા ૨૦૦૫ દીવસથી એટલે કે લગભગ સાડા પાંચ વરસથી લશ્કરી શીસ્તથી પોતાનો બ્લોગ( http://srbachchan.tumblr.com/ )લખે છે. એમની સાથે દેખાદેખીમાં બ્લોગોસ્ફીયરના રવાડે ચડેલા આમીર, શાહરુખ વગેરેના બ્લોગ્સનાં પાટીયાં પડી ગયાં છે. (ઈવન જેમણે વીચારો વહેંચવાનો ઠેકો લીધો છે એવા લેખકો–પત્રકારો પણ બચ્ચન જેટલી નીયમીતતાથી બ્લોગીંગ નથી કરી શકતા).

તેઓ પોતાનો બંગલે હોય કે અમેરીકા, ભોપાલ કે સાસણ–ગીર હોય; પોતાનું લેપટૉપ સાથે જ રાખે છે. રાતે બાર વાગ્યા હોય કે બે–ત્રણ કે ઈવન સવારે ચાર વાગ્યે પણ; તેઓ પોતાના બ્લોગ પર વીચારો ઠાલવ્યા પછી જ સુએ છે. એવા હજારો વાચકો હશે જે મન્દીરે જવાની નીયમીતતાથી એમની બ્લોગપોસ્ટની રાહ જોતા હશે. ને માઈન્ડ વેલ, એ પોતાના બ્લોગ પર ‘કૉલમીયા લેખકો’ની જેમ પોતાના જ છપાયેલા આર્ટીકલ્સ ‘પેસ્ટ’ કરીને એને ‘બ્લોગપોસ્ટ’ તરીકે નથી ખપાવતા. બલકે રોજ કોઈ ઓબ્ઝર્વેશન, વીચારો – ઈન શોર્ટ – કશુંક નવું મુકે છે. જેમ કે ફીલ્મ ‘સત્યાગ્રહ’ના શુટીંગ સમયે જ્યારે તેઓ ભોપાલમાં હતા ત્યારે એમના રુમની બાલ્કનીમાં કીચન ગાર્ડન હતો, જેનાં કુંડામાં લાલચટ્ટાક ટમેટાં ઉગેલાં હતાં. એના ફોટા પાડીને પણ એમણે બ્લોગ પર મુકેલા ! આ ઉપરાંત એમના બ્લોગ પર બીજું શું શું હોય છે એ તો પાછો અલગ અને ખાસ્સી ઈન્ટરેસ્ટીંગ ચર્ચાનો વીષય છે. ઈન્ટરનેટના બાશીંદાઓ જાણે છે કે અમીતાભ બચ્ચન ફેસબુક અને ટ્વીટર ઉપર પણ એટલી જ શીદ્દતથી સક્રીય છે. અગાઉ કેટલાક વાંકદેખાઓ શંકા વ્યક્ત કરતા હતા કે, ‘એ તો બચ્ચનના નામે કોઈ ભુતીયા લેખકો એમનો બ્લોગ લખતા હશે’; પરન્તુ ખુદ ‘બીગ બી’એ એકથી વધુ વાર કરેલી ચોખવટ પરથી એ શંકાનો છેદ ઉડી જાય છે.

એની વે, આપણી વાતનો પૉઈન્ટ એ છે કે અમીતાભ બચ્ચનનું શરીર વૃદ્ધ થયું હોઈ શકે; પરન્તુ એમને ‘ઘરડા’, ‘ડોસા’ કે ‘ઓલ્ડ મૅન’ કહેતાં આપણી જીભ ઉપડે નહીં. એ અમારા પપ્પાની ઉમ્મરના ચાહકોમાં જેટલા લોકપ્રીય છે, એટલા જ, કદાચ એના કરતાંયે વધારે અમારી અને ઈવન અમારા પછીની બચ્ચાંલોગવાળી પેઢીમાં પણ લોકપ્રીય છે. એ શાલ ઓઢીને આવ્યા હોય ત્યારે વડીલ લાગે; પણ જીન્સ–બ્લેઝરમાં હોય ત્યારે ‘કુલ–ડ્યુડ’ જ લાગે. આ બધો કંઈ ઈશ્વરીય ચમત્કાર નથી. કુદરતે કંઈ એમને ‘ચીર યૌવન’ કે ‘ઈચ્છાવૃદ્ધત્વ’ જેવું વરદાન નથી આપ્યું; પરન્તુ એમને બદલાતા સમય સાથે તાલમેળ જાળવી રાખીને ગ્રેસફુલી ‘ગ્રો’(વૃદ્ધ નહીં !) થતાં આવડે છે. એ પપ્પાલોગની પેઢીને પોતીકા લાગે છે; કારણ કે આજે પણ એ એમની યુવાનીના ‘સારા ઝમાના’ જેવાં ગીતો પર થીરકી શકે છે અને ‘હાં, હમેં મહોબ્બત હૈ’ નો ડાયલોગ એટલા જ પેશનથી બોલી શકે છે. એ અત્યારની ફેસબુક જનરેશનને ટ્વીટર પર પુછે છે કે ‘અરે ભાઈલોગ, આ મારા મૅક બુક પ્રોમાં ફેસબુક બરાબર ડીસ્પ્લે નથી થતું અને ટ્વીટર પર પોસ્ટ થવામાં પણ લોચા થઈ રહ્યા છે. આ સમસ્યાનો કોઈ ક્વીક ઉકેલ ખરો ?’ અને ટેણીયાંમેણીયાં સાથે મળીને એ મેગી ખાતા જોવા મળે છે. ઈન શોર્ટ, કોઈ પણ જનરેશનને એ ‘અપનેવાલે’ જ લાગે. એમની સાથે કોઈને જનરેશન ગેપ હોઈ શકે એવો વીચાર સુધ્ધાં ન આવે. અમીતાભ બચ્ચનના સમગ્ર બીહેવીયરમાં કઈ રીતે મોટા થવું, કઈ રીતે ‘ડોસા’ ન થવું, કઈ રીતે સતત જીવન્ત રહેવું એની માસ્ટર કી છુપાયેલી છે.

૨૦૧૧ની એમની બર્થ ડેની બ્લોગ પોસ્ટમાં એમણે આવી જ એક ચાવી આપેલી : ‘આપણે આ જગતને જે જેવું છે એ જ રુપમાં અને એ પોતે જે આકારમાં ઢળવા માગે છે એ જ રુપમાં એને સ્વીકારી લેવું જોઈએ. વ્યક્તીઓનું પણ એવું જ છે.’ બીલકુલ સહી ! ‘અત્યારનો જમાનો ખરાબ છે. જુવાનીયાંવ વંઠી ગયાં છે, દુનીયા સ્વાર્થી છે, કોઈને વડીલો પ્રત્યે માન રહ્યું નથી….’ આવી ફરીયાદો કરતા રહીશું એટલે તરત જ આપણે આસપાસના લોકોથી કપાઈ જઈશું. હશે એક જમાનામાં રુપીયો ગાડાનાં પૈડાં જેવડો, મળતું હશે એ જમાનામાં દસ–વીસ પૈસામાં સુંડલો ભરીને સુખ; પણ હવે એ સમય વીતી ગયો છે અને એને માટે ગમે તેટલો કકળાટ કરવાથી પણ પાછો આવવાનો નથી. માન્યું કે તમારો જમાનો ગ્રેટ હતો; પણ આ સમય પણ કંઈ એટલો નાખી દેવા જેવો તો નથી. અને બાય ધ વે, આ પણ તમારો જ જમાનો છે ! આ વીશ્વને પોતે જે રીતે વીકસવું હશે એ રીતે જ એને વીકસવા દો ને ! જો ઈશ્વરમાં માનતા હોઈએ તો જે કંઈ થઈ રહ્યું છે એ આપણને ન ગમતું હોવા છતાં; એની ઈચ્છા પ્રમાણે જ થતું હશે ને ? તો પછી જે છે એને એ જ રીતે શા માટે સ્વીકારી ન લેવું ? અને ખરું પુછો તો બધું કંઈ એટલું ખરાબ હોતું નથી જેટલું આપણે ધારતા હોઈએ છીએ.

બદલાતી દુનીયા સાથે એની ભાષામાં વાત કરશો તો તરત જ એની સાથે કનેક્ટ થઈ જશો. નાના બાળક જોડે કાલાં કાલાં ઘેલાં કાઢવાને બદલે કાર્ટુન નેટવર્કના પોકેમોન, ડોરેમોન કે છોટા ભીમની વાત કરજો, એ તરત જ તમારી સાથે રસપુર્વક વાતો કરવા માડશે. બસ, આ જ છે જનરેશન ગેપ દુર કરવાનો આઈડીયા. બાળકો, યુવાનોની દુનીયામાં – એમની ટીકા કર્યા વીના – રસ લેશો, તો એક તો એમાંના એક થઈને રહેશો અને તમારી સમક્ષ પણ એક નવું વીશ્વ ખુલી જશે.

૨૦૧૦ના બર્થ ડેની પોસ્ટમાં બચ્ચને લખેલું કે :‘મારા શરીરની ઉમ્મર વધી છે; પણ મારું માઈન્ડ–મન આજે પણ ૧૯૪૨માં હતું એવું ને એવું જ છે.’ અને જો આ જ સ્પીરીટ હોય તો કોઈ પણ ઉમ્મરે, કોઈ પણ નવી વસ્તુ શીખવાનો તરવરાટ બરકરાર રહે. ખરેખરી વૃદ્ધાવસ્થા એ શરીરનું નહીં; મનનું વૃદ્ધત્વ છે. અત્યારે ટીવી પર ચાલતી ‘વોડાફોન’ કંપનીની ‘મેઈડ ફોર ધ યંગ’ સીરીઝની એડ્ ( http://www.youtube.com/watch?v=uhYgHPdVUEs ) જોઈ લો એટલે આ વાત સુપેરે સમજાઈ જશે.

મોટે ભાગે લોકો એમને સતત ઈન્વોલ્વ્ડ રાખે અને છતાં બધો જ થાક ઉતારી દે એવો કોઈ શોખ વીકસાવતા જ નથી. અને ઉપરથી આપણા સમાજની ‘આ ઉમ્મરે આવું કરાય અને આવું ન કરાય’ એવી ભંગાર–ફાલતુ વાતો. એટલે વડીલો માટે ઘરમાં જુનાં ફર્નીચરની જેમ કે મન્દીરોના ઓટલે અણગમતા અતીથીની જેમ, બેસી રહેવા સીવાય કોઈ રસ્તો જ નથી બચતો. હવે તો વીજ્ઞાન પણ કહે છે કે મગજને જેટલું એક્ટીવ રાખશો; અલ્ઝાઈમર્સ જેવા વ્યાધી તમારાથી દુર રહેશે. યાદ રાખો, તમને ગમતું કરવામાં, પહેરવામાં, ફરવામાં તમારે કોઈ ઉમ્મરની ચીંતા કરવાની જરુર નથી. તમારી લાઈફ છે, એમાં બીજા કહેવાવાળા કોણ છે વળી ?

અને આપણે ત્યાં આમેય કસરત કરીને શરીરને સુદૃઢ રાખવાનો મહીમા નથી. જો યુવાનીમાં જોગીંગ–સાઈક્લીંગ–સ્વીમીંગ–એક્સર્સાઈઝ–યોગ–પ્રાણાયામ માટે રોજનો એક કલાક પણ કાઢ્યો હોય, તો શરીર લાંબો સમય માટે ચુસ્ત–દુરસ્ત રહે એ કોઈને પણ સમજાય એવી વાત છે. પરંતુ કોઈને એવું કશું કરવું હોય નહીં; પછી શરીરને ઘડપણ વહેલું આંબી જાય એમાં શી નવાઈ ? આપણે રાજકારણીઓ કેટલા ભ્રષ્ટાચારી છે એની ટીકાઓ ઉછળી ઉછળીને કરીશું; પણ એમની નીયમીત લાઈફ–સ્ટાઈલ અને ખાવાપીવા પરના કંટ્રોલ વીશે એક હરફ સુધ્ધાં નહીં ઉચ્ચારીએ !

થોડા દીવસ પહેલાંના કેબીસીના એપીસોડમાં પત્રકાર સુમીત અવસ્થીએ બચ્ચનને સવાલ પુછેલો, ‘તમે આ ઉમ્મરે પણ સખત કામ કરો છો, રાત્રે સાવ ઓછી કહેવાય એવી ઉંઘ લો છો અને ખાવામાં માત્ર દાલ–રોટી. તો પછી આટલા બધા ઉધામા શા માટે કરો છો ? હવે શાંતીથી આરામ કરો ને !’ ત્યારે બચ્ચને એક જ વાક્યનો ક્લાસીક જવાબ આપેલો, ‘જબ તક યે શરીર ચલ રહા હૈ તબ તક તો કામ કરતા રહુંગા. ઔર અગર મૈંને કામ કરના બંદ કર દીયા તો ભાઈસા’બ, ક્યા કરુંગા ? મૈં તો બીમાર પડ જાઉંગા !!’

હજુ થોડા દીવસ પહેલાં જ બીગ બીએ લખેલું : ‘કશું પણ શીખવા માટે ક્યારેય મોડું નથી હોતું. સવાલ માત્ર શું શીખવું છે એ નક્કી કરવાનો જ હોય છે. જેમ કે હજી મારે કમ્પ્યુટર શીખવાનું છે. એક્ટીંગ શીખવાની છે. કોઈ વાદ્ય વગાડતાં અને ગાતાં શીખવાનું છે. કોઈ નવી ભાષા શીખવાની છે. પણ મને લાગે છે કે કશુંક નવું શરુ કરી દેવું જોઈએ. બાકીનું બધું આપમેળે પાછળ પાછળ આવશે…’ થેન્ક યુ અમીતજી, ફોર બીઈંગ ફોર એવર યંગ, એનર્જેટીક એન્ડ ઈન્સ્પીરેશન ફોર ઓલ ઓફ અસ !

 

–જયેશ અધ્યારુ – ( jayeshadhyaru@gmail.com )

‘દીવ્ય ભાસ્કર’ દૈનીક અખબારની બુધવારીય પુર્તી ‘કળશ’માં લેખક ઘણા સમયથી ‘મુડ ઈન્ડીગો’ નામક લોકપ્રીય કૉલમ કરે છે. એમનાં લખાણ જરા હટકે હોય છે. દેખાતી પરીસ્થીતીની બીજી બાજુનાં દર્શન તેઓ જુદે ખુણેથી બખુબી કરાવે છે. તા. ૧૮ ઑક્ટોબર, ૨૦૧૩ના ‘કળશ’માં પ્રકાશીત થયેલો આ લેખ, લેખકભાઈ શ્રી જયેશ અધ્યારુ અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર.. ઉત્તમ ગજ્જર..

લેખકસમ્પર્ક : એન-23, અસ્માકમ એપાર્ટમેન્ટ – વિભાગ-2, ટોરેન્ટ પાવર સબ સ્ટેશનની પાછળ, મકરબા-વેજલપુર રોડ, વેજલપુર,  અમદાવાદ- 380 051 ગુજરાત, ભારત

મોબાઈલ : +91- 99247 70037 ઈ–મેલ : jayeshadhyaru@gmail.com

 

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષ : નવમું – અંક : 284 – December 01, 2013

‘ઉંઝાજોડણી’માં સાભાર અક્ષરાંકન : ઉત્તમ ગજ્જર uttamgajjar@gmail.com

 

@@@@@

More than 2,55,00,000 Gujarati Language lovers have visited
http://www.gujaratilexicon.com
More than 23,83,000 have visited Digital Bhagwadgomandal
http://www.bhagwadgomandal.com
More than 5,54,000 have visited Lokkosh
http://lokkosh.gujaratilexicon.com

 

 

 

ગુલ આતમનાં

એપ્રિલ 25, 2014

 

ગુલ આતમનાં

 ગુલ આતમનાં અમ ખીલવવા

જગબાગ મનોરમ મ્હોરવવા

મૃદુ રંગ સુગંધિત રેલવવા

બલ દે પ્રભુ સૌરભ દે અમને

દૃઢ સંયમના તટમાં વહેતી

અમ જીવનની સરિતા સરતી

જગ સાગરમાં ભળવા ધપતી

બલ દે પ્રભુ ગૌરવ દે અમને

હૃદયે જગક્રંદનને ભરવા

પ્રણયે જગઘર્ષણ હોલવવા

શિવસર્જનના પથપે બઢવા

બલ દે પ્રભુ પૌરુષ દે અમને

ગળવા ગરલો વ્યથતા જગને

ઋજુ અમૃતનાં ઉર દે અમને


 

પ્ર. ચી. પરીખશૈક્ષણિકઆયોજનઑગષ્ટ 1973

 

ઑગષ્ટ 1973ના “શૈક્ષણીક આયોજન” નામના માસીકમાં ઉપરોક્ત કાવ્ય મારા વાંચવામાં આવ્યું હતું. આ એક  સુંદર રીતે ગાઈ શકાય એવું ગીત છે. એના શબ્દો અને ભાવથી હું ખુબ જ પ્રભાવીત થયો છું.

અમારા આત્માનાં, ચૈતન્યનાં ફુલો ખીલવવા માટેની ભાવના અમે કરીએ છીએ.  એવાં ફુલો જેનાથી આ જગતરુપી મનોહર બાગ મહોરી ઉઠે. આ મહોરી ઉઠેલા બાગ થકી મૃદુ એટલે કોમળ, મતલબ કે આક્રમક નહીં એવો સુગંધીત રંગ સર્વત્ર રેલાઈ જાય એ માટે હે પ્રભુ અમને એવી સુવાસ પ્રાપ્ત કરવાનું બળ આપો. અહીં જુઓ કવીની શબ્દો બાબતની પસંદગી – રંગ પણ કેવો? કોમળ અને સુગંધી યુક્ત. વળી કવી કહે છે કે ચૈતન્યનાં ફુલો કોઈ શોખ માટે ખીલવવાની અમારી માગણી નથી, પણ જગત રુપી બાગમાં એ સુગંધી રેલાવવી છે, જેથી બાગ સુંદર રીતે મહોરી ઉઠે. હે પ્રભુ! એ માટે અમને જરુરી સુગંધ અને બળ આપો.

અમારા જીવનની સરીતાને બે મજબુત કીનારા છે. કેવા કીનારા? કીનારા શાના છે? દૃઢ સંયમના. આથી જ અમારી આ જીવનગંગા સરળતાથી વહી રહી છે. એનું ધ્યેય છે જગસાગરમાં ભળી જવાનું. આ જગસાગર એટલે શું? આદી અને અનંત ચૈતન્ય. બીજા અર્થમાં બ્રહ્મ. સમગ્ર જીવનનો સ્રોત. એમાં ઓતપ્રોત થવું એટલે મોક્ષ. હે પ્રભુ! અમને એ મોક્ષપ્રાપ્તીનું ગૌરવ પ્રદાન કરો. આ મોક્ષ કંઈ મૃત્યુ પછી મેળવવાનો હોતો નથી. જનક વીદેહીની જેમ એ જીવન પર્યંત જ પ્રાપ્ત કરવાનો હોય છે. અને એ પછી?

જગતનાં દુખોને અમારા હૃદયમાં સમાવી લઈએ. જે વીદેહી હોય તેને માટે જ એ શક્ય બને. જગતમાં ફેલાતી વેરઝેરની આગને અમારા પ્રેમની વર્ષા વડે અમે હોલવી દઈએ, અને એ રીતે સર્વત્ર શુભના પ્રસારણના માર્ગે આગળ વધવા હે પ્રભુ! અમને બળ અને પુરુષાતન પ્રદાન કરો. જગતનાં એ ઝેર ગળી જઈએ એ માટે હે પ્રભુ! અમારા હૃદયને અમૃતથી છલકાવી દો.

અદ્ભુત ગીત!!