Archive for ફેબ્રુવારી, 2022

­­­­હૃદયના સ્વાસ્થ્ય માટે

ફેબ્રુવારી 13, 2022

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

ફાઈબર જેમાં વધુ હોય એવો આહાર લેવો, જેમાં ઓટ્સ, બાજરી, તુવેરદાળ, બ્રોકલી, કઠોળ વગેરેનો સમાવેશ થાય છે. વજન કાબુમાં રાખવું એનાથી માત્ર હૃદય જ નહીં પણ સ્ટ્રોક અને ડાયાબીટીસમાં પણ લાભ થશે. આ ઉપરાંત બ્લડપ્રેશર પણ નીયંત્રણમાં રહેશે. હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરવી જોઈએ. બપોરના ભોજન પછી થોડું ચાલવું પણ જોઈએ. એનાથી ઘણા રોગોનું જોખમ ઓછું થાય છે. હૃદયને સ્વસ્થ રાખવામાં ઉંઘ પણ મહત્વનો ભાગ ભજવે છે. એનાથી હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રોક, ડાયાબીટીસ વગેરેમાં પણ લાભ થશે. સૌથી મહત્વની બાબત તણાવ(સ્ટ્રેસ)થી દુર રહેવું તે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે કોળાનાં બીજ, ચીયાબીજ અને અળસીને અલગ અલગ શેકી બરણીમાં ભરી રાખી ભુખ હોય ત્યારે ખાવાથી લાભ થાય છે. એ જ રીતે અખરોટ અને બદામ પણ ખાવી જોઈએ. વળી રસોઈમાં હળદર, ધાણા અને જીરુ વાપરવાથી પણ હૃદયને લાભ થાય છે. ખાલી પેટે કાચું લસણ ખાવાથી હૃદયની તંદુરસ્તીમાં ઘણો ફેર પડે છે. પાલખની ભાજી ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે, કેમ કે એમાં મેગ્નેશ્યમ અને પોટેશ્યમ હોય છે જે બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે.

કોઈ પણ આહાર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે જ અને પાચનશક્તી મુજબના પ્રમાણમાં જ લેવો.

કેટલું જીવીશું

ફેબ્રુવારી 7, 2022

100 વર્ષ કે તેથી વધુ શી રીતે જીવી શકાય? કઈ બાબતો પર એ આધાર રાખે છે? એનો જવાબ આપણે ધારીએ તેવો નથી.

દસ હજાર કરતાં વધુ લોકો પર કરવામાં આવેલા એક સંશોધનમાં એ લોકોના આહાર, કસરત, લગ્ન વીષયક, તેઓએ કેટ કેટલી વાર ડોક્ટરને ત્યાં જવું પડ્યું, ધુમ્રપાન, દારુનું સેવન વગેરે જેવી બધી જ બાબતોની નોંધ લેવામાં આવી હતી. આ પછી સાત વર્ષ બાદ તપાસ કરવામાં આવી કે એમાંથી કેટલા લોકો હજુ જીવીત છે. એ લોકોના જીવીત રહેવા પાછળ કયાં કારણો ખાસ કારણભુત છે તેની તપાસ કરવામાં આવી. આ માહીતીના આધારે નીચે મુજબ તારણ કાઢવામાં આવ્યાં છે.

લાંબું જીવવા માટે જેની ઓછામાં ઓછી અસર થતી હોય તો તે છે ચોખ્ખી હવા. આ પછી ઉત્તરોઉત્તર જેની લાંબું જીવવામાં વધુ મદદ મળતી હોય તેવી બાબતમાં બ્લડપ્રેશર, સ્થુળતા, કસરત, હાર્ટ એટેક પછીની સારવાર, ફ્લુના ઈન્જેક્શન, દારુ પીવાનું છોડી દેવું, ધુમ્રપાન છોડી દેવું, અંગત સંબંધો હોવા અને સમાજમાં હળવું મળવું.

આ રીતે જોઈશું તો લાંબું જીવવા માટે સૌથી મહત્વની બાબત છે લોકોમાં હળવું મળવું, વાતચીત કરવી, અરસપરસ પ્રવૃત્તીઓમાં જોડાવું વગેરે. એટલા જ મહત્તવના અંગત સંબંધો પણ છે, જેની સાથે તમે દીલ ખોલીને તમારી અંગત વાતો,  સમસ્યાઓ જણાવી શકો. ઉપર જણાવેલ બાબતો જોશો તો ચોખ્ખી હવાની લાંબું જીવવામાં ઓછામાં ઓછી અસર થાય છે. જે આપણી માન્યતા કરતાં તદ્દન સામે છેડે છે. આપણને તો લાગે છે કે લાંબું જીવવા માટે શુદ્ધ હવા સૌથી અગત્યની છે, પણ એવું નથી.