Archive for મે 25th, 2024

આથાવાળો આહાર

મે 25, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

ખટાશવાળા આહારમાં અમુક ઉષ્ણતામાને બેક્ટેરીયા અને યીસ્ટ પેદા થાય છે. એનાથી એ આહારમાં આથો આવે છે. એના કારણે એ આહાર બગડતો નથી, કેમ કે એનાથી આહારમાં જે બેક્ટેરીયા ઉત્પન્ન થાય છે તે બહુ લાભદાયી હોય છે. ઈડલી, ઢોસા, જલેબી, ભટુરા જેવી વસ્તુઓ આથો લાવીને બનાવવામાં આવે છે.

આથાવાળા આહારમાં રહેલા બેક્ટેરીયા આપણી રોગપ્રતીકારકતા (ઈમ્યુનીટી) વધારવામાં મદદરુપ થાય છે. તેનાથી કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન થવાની શક્યતા ખુબ જ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત તેમાં વીટામીન સી, આયર્ન, ઝીંક જેવા પોષક તત્ત્વો પણ રહેલાં હોય છે.

ડાયાબીટીસના દર્દીઓ માટે આ પ્રકારનું ભોજન ઘણું ફાયદાકારક સાબીત થાય છે. એનાથી લોહીમાંની શર્કરા પર સરળતાથી કાબુ રહે છે. આથી જ ડાયાબીટીસવાળા લોકોને ડાયટીશીયન અને ડૉક્ટરો પણ આ પ્રકારનો આહાર લેવાની સલાહ આપતા હોય છે.

આથાવાળા આહારના સેવનથી આંતરડા સાથે સંકળાયેલી મુશ્કેલીઓ પણ ઓછી કરી શકાય છે. એનાથી ગેસ, કબજીયાત અને એસીડીટી જેવી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. મોટાભાગના લોકો આથાવાળા આહાર વીશે એવુ માનતાં હોય છે કે આ આહારમાં માત્ર સ્વાદ હોય છે. કોઈ પણ પ્રકારનું પોષણ તેમાંથી મળતું નથી. એ માન્યતા ખોટી છે. આ પ્રકારના ભોજનમાં વીટામીન ‘એ’ અને વીટામીન ‘સી’ વધુ પ્રમાણમાં હોય છે. એમાં રહેલાં પોષક તત્ત્વો અને બેક્ટેરીયા આપણા શરીરને ખુબ જ સરળતાથી શુદ્ધ કરી દે છે. આ આહાર કેન્સર જેવી બીમારીઓને પણ દુર રાખે છે. આ પ્રકારનું ભોજન કરવું ખુબ જ ફાયદાકારક છે.