Archive for જૂન, 2024

અલ્ઝાઈમર કે ડીમેન્શીઆમાં કસરત

જૂન 23, 2024

નીયમીત રીતે કસરત કરવાના ફાયદાઓ વીશે તો બધા જાણે જ છે. વજન ઘટાડવું હોય અથવા તો વજન વધારવું હોય, બીમારીઓથી દુર રહેવું હોય અથવા તો મુડ સારો બનાવવો હોય, શરીરની શક્તી વધારવી હોય અથવા તો સારી ઉંઘ મેળવવી હોય, કસરત આ બધી બાબતોમાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ડીમેન્શીયા અને અલ્ઝાઇમર્સ જેવી ભુલકણાની બીમારીમાં પણ દર્દી જો નીયમીત રીતે કસરત કરશે તો તેની ભુલકણાની બીમારી ધીમી થઇ શકે છે. 

એરોબીક્સ(હળવા પ્રકારની) કસરત કરવાથી ભુલકણાની પ્રક્રીયા ધીમી થશે

એક નવા સંશોધનમાં જોવામાં આવ્યું છે કે નીયમીત કસરત ખાસ કરીને એરોબીક કસરત કરવાથી ભુલવાની બીમારી એટલે અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના દર્દીઓમાં યાદશક્તી ખોવાની પ્રક્રીયાને ધીમી કરવામાં મદદ મળી શકે છે. “જર્નલ ઑફ અલ્ઝાઇમર્સ ડીસીસ”માં તાજેતરમાં આ સંશોધન પ્રકાશીત કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં 96 વૃદ્ધ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ વૃદ્ધોમાં ભુલકણાની બીમારી અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના હળવાથી લઇને મધ્યમ શ્રેણી સુધીનાં લક્ષણ હતાં. 

6 મહીના સુધી નીયમીત રીતે એરોબીક્સ કસરત કરવાથી ફાયદો થાય છે

અભ્યાસકર્તાનું કહેવું છે કે, ‘સંશોધનની શરુઆતનાં પરીણામ સંકેત આપે છે કે અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના દર્દીઓમાં યાદ રાખવાની ક્ષમતામાં પ્રાકૃતીક રીતે જે ઘટાડો થાય છે અથવા ફેરફાર આવે છે, તે પ્રક્રીયાને ધીમી કરી શકાય છે, જો દર્દી 6 મહીના સુધી સતત એરોબીક કસરત કરે તો. સંશોધનનાં પરીણામ ઉત્સાહ વધારનારાં છે અને આ ક્લીનીકલ યોગ્યતાને પ્રોત્સાહન આપે છે કે જેમાં અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના દર્દીઓમાં એરોબીક એક્સરસાઇઝને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી તેમની અનુભુતી અને વીચારવા, સમજવાની ક્ષમતાને જાળવી રાખી શકાય.’

વધારાના ઉપાય તરીકે એરોબીક કસરતને વાપરી શકાય

અમારા આ સંશોધનમાં જોવા મળ્યું છે કે અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાથી પીડીત વડીલોમાં એરોબીક કસરતની કોઇ પણ આડઅસર જોવા મળતી નથી, કારણ કે એરોબીક કસરત એક પ્રકારની હળવા પ્રકારની કસરત છે. જેથી અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના દર્દીઓ માટે વધારાના ઉપાય તરીકે એરોબીક કસરત વાપરી શકાય છે.

હૃદયની સમસ્યાનો એક ઉપાય

જૂન 15, 2024

આ ઉપાય વૉટ્સએપ પર મારા જોવામાં આવ્યો છે. જો કે મેં સાંભળ્યું છે કે વૉટ્સએપ પર આવેલી બાબતોમાં કેટલો ભરોસો રાખી શકાય? જવાબ હતો શુન્ય. છતાં કોઈને હાર્ટની સમસ્યા હોય અને પોતાના જોખમે પ્રયોગ કરવો હોય તો કરી શકે. પ્રયોગ અજમાવતાં પહેલાં પોતાના આરોગ્ય ચીકીત્સકની સલાહ જરુર લેવી. કહેવામાં આવ્યું છે કે હૃદયને લોહી પહોંચાડનાર ધમની આ પ્રયોગથી ખુલી જાય છે અને ડૉક્ટરની કોઈ સારવારની જરુર રહેતી નથી. જો ડૉક્ટરની સારવાર ચાલુ હોય તો ડૉક્ટરની સલાહ વીના એ બંધ કરી દેવી નહીં. આ પ્રયોગ નીચે મુજબ છે:

  1. એક કપ લીંબુનો રસ
  2. એક કપ આદુનો રસ
  3. એક કપ લસણનો રસ
  4. એક કપ એપલ સાઈડર વીનેગર

આ ચારેને મીક્સ કરી ધીમા તાપે ગરમ કરો. જ્યારે ત્રણ કપ જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે એને ઠંડું પડવા દઈ એમાં ત્રણ કપ મધ ઉમેરો. દરરોજ સવારે ખાલી પેટે એમાંથી 3 ચમચી પ્રવાહી લેવાથી બધા બ્લોક્સ દુર થઈ જાય છે.

આંખની કાળજી

જૂન 9, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

  1. ત્રીફળા ચુર્ણ 100 ગ્રામ અને વરીયાળીનું ચુર્ણ 100 ગ્રામ મીક્સ કરી એમાંથી એક એક ચમચી સવાર સાંજ પાણી સાથે અથવા અનુકુળ હોય તો ઘી સાથે લેવાથી આંખોની ક્ષમતા વધે છે.
  2. આંખમાં લાલાશ હોય તો ઘી આંજવાથી રતાશ દુર થશે.
  3. આંખમાં બળતરા થતી હોય તો આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટી શકે.
  4. સરગવાના પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના લગભગ દરેક પ્રકારના રોગ મટે છે, તથા આંખનું તેજ વધે છે.
  5. આંખમાં ઠંડા પાણીની છાલક અવારનવાર મારતા રહેવાથી આંખની ગરમી દુર થાય છે અને આંખનું તેજ પણ વધે છે.
  6. આંખ દુખતી હોય તો નાગરવેલનાં પાન (ખાવાનાં પાન)નો રસ આંખમાં નાખવાથી ફાયદો થાય છે.
  7. જીરાનું ચુર્ણ દરરોજ પાણી સાથે લેવાથી આંખોની ગરમી ઓછી થાય છે.
  8. ત્રીફળાનું ચુર્ણ રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે એ પાણી ગાળીને આંખોમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.

આરોગ્ય માટે અગત્યની આઠ બાબતો

જૂન 1, 2024

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. 

  1. સવારે ઉઠતાંની સાથે તરત ગરમ ગરમ પાણી ઉભડક બેસીને ખુબ ધીમે ધીમે પીવું.
  2. દીવસમાં જેટલી વાર ભોજન કરો તેટલી વાર ખાધા પછી અડધો કપ ગરમ ગરમ પાણી પીવું.
  3. ખાતી વખતે દરેક કોળીયો ઓછામાં ઓછો 32થી 40 વખત ચાવવો. અઠવાડીયામાં એક દીવસ ઉપવાસ કરવો. તદ્દન ખાવું જ નહીં એમ નહીં. દુધ, ફળ, કચુંબર વગેરે ખાઈ શકાય.
  4. સુતી વખતે માથું હંમેશાં પુર્વ દીશામાં અથવા ઉત્તર દીશામાં રાખવું. અને ડાબા પડખે સુવું. જેથી પેટના લીવર, પેનક્રીયાસ જેવા અવયવો સ્વસ્થ રહેશે.
  5. દરરોજ ઓછામાં ઓછી 30 મીનીટ કોઈ પણ પ્રકારની કસરત કરવી-યોગ, મેડીટેશન, જીમ, એરોબીક, લાફીંગ ક્લબ ગમે તે.
  6. દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક તડકો આખા શરીર પર પડવો જોઈએ, જેથી જરુરી વીટામીન ડી મળશે અને વીટામીન 12માં પણ વધારો થશે.
  7. સુર્યાસ્ત પછી ભારે ખોરાક ન લેવો. ખરેખર તો સુર્યાસ્ત પછી ખાવું જ નહીં, પણ ખાવું જ પડે તેમ હોય તો ખાધા પછી ગરમ ગરમ પાણી પીવું. ખાવાના ઓછામાં ઓછા અડધા કલાક પહેલાં એક મોટી પ્લેટ ભરીને ફળ ખાવાં.
  8. સૌથી અગત્યની વાત. કંઈ પણ થાય, હંમેશાં ખુશમીજાજ રહેવું. હસતાં રહેવું. જે દીવસે કંઈ ટેન્સન હોય, મુડ ખરાબ હોય, કોઈ ઝઘડો થયો હોય તે દીવસે ખાવું નહીં.