Archive for જૂન 23rd, 2024

અલ્ઝાઈમર કે ડીમેન્શીઆમાં કસરત

જૂન 23, 2024

નીયમીત રીતે કસરત કરવાના ફાયદાઓ વીશે તો બધા જાણે જ છે. વજન ઘટાડવું હોય અથવા તો વજન વધારવું હોય, બીમારીઓથી દુર રહેવું હોય અથવા તો મુડ સારો બનાવવો હોય, શરીરની શક્તી વધારવી હોય અથવા તો સારી ઉંઘ મેળવવી હોય, કસરત આ બધી બાબતોમાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ડીમેન્શીયા અને અલ્ઝાઇમર્સ જેવી ભુલકણાની બીમારીમાં પણ દર્દી જો નીયમીત રીતે કસરત કરશે તો તેની ભુલકણાની બીમારી ધીમી થઇ શકે છે. 

એરોબીક્સ(હળવા પ્રકારની) કસરત કરવાથી ભુલકણાની પ્રક્રીયા ધીમી થશે

એક નવા સંશોધનમાં જોવામાં આવ્યું છે કે નીયમીત કસરત ખાસ કરીને એરોબીક કસરત કરવાથી ભુલવાની બીમારી એટલે અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના દર્દીઓમાં યાદશક્તી ખોવાની પ્રક્રીયાને ધીમી કરવામાં મદદ મળી શકે છે. “જર્નલ ઑફ અલ્ઝાઇમર્સ ડીસીસ”માં તાજેતરમાં આ સંશોધન પ્રકાશીત કરવામાં આવ્યું છે. આ અભ્યાસમાં 96 વૃદ્ધ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ વૃદ્ધોમાં ભુલકણાની બીમારી અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના હળવાથી લઇને મધ્યમ શ્રેણી સુધીનાં લક્ષણ હતાં. 

6 મહીના સુધી નીયમીત રીતે એરોબીક્સ કસરત કરવાથી ફાયદો થાય છે

અભ્યાસકર્તાનું કહેવું છે કે, ‘સંશોધનની શરુઆતનાં પરીણામ સંકેત આપે છે કે અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના દર્દીઓમાં યાદ રાખવાની ક્ષમતામાં પ્રાકૃતીક રીતે જે ઘટાડો થાય છે અથવા ફેરફાર આવે છે, તે પ્રક્રીયાને ધીમી કરી શકાય છે, જો દર્દી 6 મહીના સુધી સતત એરોબીક કસરત કરે તો. સંશોધનનાં પરીણામ ઉત્સાહ વધારનારાં છે અને આ ક્લીનીકલ યોગ્યતાને પ્રોત્સાહન આપે છે કે જેમાં અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના દર્દીઓમાં એરોબીક એક્સરસાઇઝને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી તેમની અનુભુતી અને વીચારવા, સમજવાની ક્ષમતાને જાળવી રાખી શકાય.’

વધારાના ઉપાય તરીકે એરોબીક કસરતને વાપરી શકાય

અમારા આ સંશોધનમાં જોવા મળ્યું છે કે અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાથી પીડીત વડીલોમાં એરોબીક કસરતની કોઇ પણ આડઅસર જોવા મળતી નથી, કારણ કે એરોબીક કસરત એક પ્રકારની હળવા પ્રકારની કસરત છે. જેથી અલ્ઝાઇમર્સ અને ડીમેન્શીયાના દર્દીઓ માટે વધારાના ઉપાય તરીકે એરોબીક કસરત વાપરી શકાય છે.