Archive for જાન્યુઆરી 30th, 2010

આધાશીશી

જાન્યુઆરી 30, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આધાશીશી : આધાશીશી એ પીત્તના પ્રકોપથી થતી વીકૃતી છે.

(૧) આદુ અને ગોળની પોટલી બનાવી તેના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશીમાં ફાયદો થાય છે.

(૨) ગાજરના પાનની બંને બાજુએ ઘી ચોપડી, ગરમ કરી, તેનો રસ કાઢી, રસનું એક એક ટીપું કાન તથા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.

(૩) તમાકુમાં પાણી મેળવી કપડાથી ગાળી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી અને તાળવા ઉપર તેનું થોડું પાણી ચોળવાથી આધાશીશી મટે છે.

(૪)  દુધના માવામાં સાકર મેળવીને ખાવાથી આધાશીશી મટે છે.

(૫) દ્રાક્ષ અને ધાણા ઠંડા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી આધાશીશી મટે છે.

(૬) લસણની કળીઓને પીસી કાનપટ્ટી પર લેપ કરવાથી આધાશીશી તાત્કાલીક મટે છે.

(૭) લસણના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશી મટે છે.

(૮) લીલાં કાચાં જામફળને જરા પાણી સાથે પથ્થર પર ઘસી સવારે કપાળ પર જ્યાં દર્દ થતું હોય ત્યાં લેપ કરવાથી બે-ત્રણ કલાકમાં જ આધાશીશી મટી જાય છે.

(૯)  સુંઠને પાણીમાં કે દુધમાં ઘસી નસ્ય લેવાથી (બંને નસકોરામાં મુકવાથી) અને માથા પર લેપ કરવાથી આધાશીશી મટે છે.

(૧૦) હીંગને પાણીમાં ઘોળી નાકમાં ટીપાં પાડવાથી આધાશીશીમાં રાહત થાય છે.

(૧૧) ગાયનું ઘી દીવસ દરમીયાન જેટલી વાર સુંઘી શકાય તેટલી વાર સુંઘતાં રહેવાથી આધાશીશી મટે છે. ગાયના ઘીમાં સાકરનું ચુર્ણ નાખી સહેજ ગરમ કરી ઠંડું કરી નસ્ય લેવાથી પણ આધાશીશી મટે છે.

(૧૨) આદુનો તાજો રસ ગાળી બે-ત્રણ કલાકે નાકમાં બબ્બે ટીપાં મુકતા રહેવાથી આધાશીશી મટે છે. એનાથી નાકમાં થોડી પીડા થશે પરંતુ પરીણામ આશ્ચર્યપ્રેરક હોય છે.

(૧૩) દુધમાં સાકર મેળવી નાકમાં ટીપાં મુકવાથી આધાશીશી મટે છે.

(૧૪) વાવડીંગ અને કાળા તલનું ચુર્ણ સુંઘવાથી આધાશીશી મટે છે.

(૧૫) સવારે ગરમ જલેબી કે માલપુડા ખાવાથી આધાશીશી ચડતી નથી.

(૧૬) પીત્તથી થયેલી આધાશીશીમાં દહીં, છાસ, કઢી, આથાવાળા પદાર્થો અને ટામેટાં બંધ કરી શંખભસ્મ, કંપર્દભસ્મ, શુક્તીભસ્મ એક એક ગ્રામમાં બે ગ્રામ કપુરકાચલીનું ચુર્ણ મેળવી દવા જેટલી જ ખાંડ(પાંચ ગ્રામ) નાખી ખાલી પેટે સવાર-સાંજ પાણી સાથે લેવું. પીત્તવર્ધક આહારવીહાર કાયમ માટે છોડી દેવો.

(૧૭) ચારથી પાંચ કેસરના તાંતણા, અડધી ચમચી સાકર અને એક ચમચી ઘી મીશ્ર કરી સહેજ ગરમ કરી એક રસ થાય ત્યારે પાંચથી છ ટીપાં બંને નસકોરામાં નાખવાથી આધાશીશી મટે છે. ખટાશ બંધ કરવી.