Archive for નવેમ્બર 28th, 2014

એકસઠમા વર્ષમાં પ્રવેશ વેળા

નવેમ્બર 28, 2014

સનડે ઈ-મહેફીલના પ્રણેતા શ્રી. ઉત્તમભાઈ ગજ્જરને મેં તાજેતરમાં એમાં પ્રગટ કરેલા સુંદર લેખની પ્રસંશા કરતો ઈ-મેઈલ મોકલ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં એમણે સ.મ.માં પ્રગટ થતી મને પસંદ હોય તે કોઈ પણ કૃતી મારા બ્લોગ પર મુકવાની છુટ આપી છે. તો ‘સેમ’માં પ્રગટ થયેલો આ આર્ટીકલ વાંચવો કદાચ તમને ગમે અને ઉપયોગી લાગે એમ માની મારા બ્લોગ પર ડૉ. શશીકાન્ત શાહ અને ઉત્તમભાઈ ગજ્જરના સૌજન્યથી મુકું છું.

એકસઠમા વર્ષમાં પ્રવેશ વેળા…..

–ડૉ. શશીકાન્ત શાહ

‘‘બરાબર વીસ વર્ષ પુર્વે મેં મારી આ જ કૉલમમાં એક લેખ લખ્યો હતો. જેનું શીર્ષક હતું : ‘ખરું જીવન ચાળીસ પછી શરુ થાય છે – લાઈફ બીગીન્સ એટ ફોર્ટી’– અગીયારમી માર્ચે હું જીન્દગીની સફરનાં સાઠ વર્ષ પુરાં કરી એકસઠમા વર્ષમાં પ્રવેશ્યો. જીન્દગીની પાઠશાળામાં છ દાયકા સુધી અધ્યયન કર્યા પછી હું શું શીખ્યો ? જીન્દગીએ મને શું આપ્યું ? મેં સમાજને શું આપ્યું ? જીવનના ટર્નીંગ પૉઈન્ટ ઉપર સહેજ થોભીને પસાર થઈ ગયેલો માર્ગ પુન: અવલોકતાં પુર્ણ સંતોષની લાગણી જન્મે છે. પૅવેલીયનમાં પાછા ફરવાની વેળાએ ખેલાડીને એવો અહેસાસ થાય કે, ‘હું મારી ઈનીંગ ખુબ સારી રીતે રમ્યો,’ તો એનાથી વીશેષ બીજું શું જોઈએ ?)

♦●♦

હાર્વર્ડ યુનીવર્સીટીના મનોચીકીત્સક જ્યોર્જ વેઈલન્ટે પાંત્રીસ વર્ષ સંશોધન કરીને એ પ્રશ્નનો ઉત્તર મેળવવાની કોશીશ કરી કે પ્રસન્નતાપુર્વક વૃદ્ધત્વ તરફ ગતી કરવાનો માર્ગ કયો છે ? માત્ર લાંબું–દીર્ઘ જીવન નહીં; સુખી જીવન જીવવામાં આપણને કયાં પરીબળો મદદરુપ બને છે ? ૧૯૩૭માં હાર્વર્ડ યુનીવર્સીટીના બે સંશોધકે બસો અડસઠ પુરુષ સ્નાતકોને કેન્દ્રમાં રાખીને એક અભ્યાસ હાથ ધર્યો, જે અંતર્ગત પ્રસન્નતાપુર્વક, આનંદની અવસ્થા જાળવી રાખીને વૃદ્ધત્વ તરફ આગળ વધવામાં કયાં પરીબળો મદદરુપ બને છે તે જાણવાનો ઈરાદો હતો. પાંત્રીસ વરસ સુધી ચાલેલું આ સંશોધન, માણસને સુખી, સંતોષી વૃદ્ધત્વ તરફ દોરી જતાં અને માંદલાં, અસંતુષ્ટ હતાશ–નીરાશ વૃદ્ધત્વથી બચાવતાં પરીબળો પર ધ્યાનાકર્ષક પ્રકાશ ફેંકે છે.

જ્યોર્જ વેઈલન્ટ નોંધે છે : આપણને પ્રસન્ન વૃદ્ધત્વ તરફ દોરી જતા કેટલાક મુદ્દા તરફ અમારું ધ્યાન ગયું છે. જીન્દગીની સફરમાં આપણને જે ખરાબ માણસો ભટકાય છે એમનો પ્રભાવ આપણા જીવન પર, આપણી પ્રસન્નતા પર ન પડે તેની કાળજી લેવી. સારા અને પ્રોત્સાહક મીત્રોની વચ્ચે જીન્દગીનો આનંદ માણતા રહેવું તે પહેલું પરીબળ છે, જે માણસને પ્રસન્નતાપુર્વક વૃદ્ધત્વ તરફ દોરી જાય છે. જેમણે આપણને દુ:ખ આપ્યું, હેરાન કર્યા, તકલીફો આપી એમને ક્ષમા આપીને માફ કરી દઈ, સારા અને સાચા મીત્રોની વચ્ચે જીવનનો આનંદ માણતા રહેવું તે આનંદમય વૃદ્ધત્વ તરફ દોરી જનારું બીજું પરીબળ છે. ‘‘ફરીયાદ છોડો, અન્યાય થયાની લાગણીથી બચો, ‘બધાએ મળીને મને ખુબ ત્રાસ આપ્યો’ એવી મનોગ્રંથીમાંથી બહાર નીકળો અને સંતોષપ્રદ અનુભવોને ધ્યાનમાં લઈ એકસઠમા વર્ષમાં દબદબાભેર, ભવ્યતાથી પ્રવેશ કરો. પ્રવેશદ્વાર પર નવી ખુશીઓ અને નવા મીત્રો તમને આવકારવા આતુર થઈને ઉભા છે,’’ એવું જ્યોર્જ વેઈલન્ટનું અવલોકન ધ્યાને લેવા જેવું ગણાય.

આનંદપ્રદ વૃદ્ધત્વ તરફ દોરી જનારું ત્રીજું તત્ત્વ છે, ‘યુવાન મીત્રો, યુવાન સંતાનો, શૈશવ માણી રહેલાં પૌત્ર–પૌત્રીઓ અને પરીવારનાં પ્રેમાળ સ્વજનો.’ જ્યોર્જની સલાહ છે કે, ‘જે મીત્રો છુટી ગયા છે એમને માટે, એમની પાછળ રડવાનું માંડી વાળી, જેમણે નવા મીત્રો શોધ્યા, સમવયસ્ક સાથીદારોના સાંન્નીધ્યમાં જીવનનો સાત્ત્વીક આનંદ શોધવાની કોશીશ કરી, તેઓ ફાવ્યા અને પ્રસન્ન ચહેરે એકસઠમા વર્ષમાં પ્રવેશવા ધનભાગી બન્યા. કડવા અનુભવોને ભુલાવી દો, બેવફાઈ આચરનારા, દ્રોહ કરનારા, વીશ્વાસઘાતી મીત્રો, સાથીદારો, સંબંધીઓનું નામ હોઠો પર લાવવાની ભુલ કરશો નહીં. એમને પાછળ છોડી દઈને, ભુલી જઈને, જીન્દગીની સફરમાં પ્રસન્નતા જાળવી રાખીને આગળ વધો.’

ની:સ્વાર્થ, નક્કર, સર્જનાત્મક સામાજીક પ્રવૃત્તીઓમાં જેઓ પોતાની જાતને જોડી શક્યા, સાઠ વર્ષ સુધી સમાજ પાસેથી જેમણે ઘણું મેળવ્યું, એમાંનું થોડુંક ૠણ ચુકવવા જેમણે કૉમ્યુનીટી–સર્વીસને પોતાના શેષ જીવનનું કેન્દ્રબીંદું બનાવ્યું તેઓ રુઆબભેર, આત્મગૌરવ સાથે સાઠ વર્ષ પુરાં કરી એકસઠમા વર્ષમાં પ્રવેશી શક્યા. આ તબક્કે સત્તા નહીં, રાજકારણ નહીં, આનંદ–કારણ જીવનનું મુખ્ય લક્ષ્ય બને. માણસ વીસમા વર્ષે પણ વૃદ્ધ હોઈ શકે છે. જે વીષાદગ્રસ્ત છે તે વૃદ્ધ છે. જે હીંમત હારી ચુક્યો છે, જેણે જીન્દગીના ખેલમાં રમ્યા વગર જ હાર સ્વીકારી લીધી છે તે વીસમા કે ત્રીસમા વર્ષે પણ વૃદ્ધત્વનો અનુભવ કરી શકે છે. જે સ્ફુર્તી ધરાવે છે, આનંદમાં રહે છે, થાક્યા વગર ચાલી શકે છે, દોડી શકે છે, મીત્રોની મહેફીલમાં સામેલ થઈને ગીત ગાઈ શકે છે, નાચી શકે છે, હસી શકે છે તે નેવુંમા વર્ષે પણ યુવાન છે–યુવાન રહેવા સર્જાયેલો છે.

સાઠ વર્ષ પુર્ણ કર્યાં પછી આપણી પાસે કંઈ હોતું નથી એવું કોણે કહ્યું ? આ તબક્કે આપણી પાસે વીકલ્પો હોય છે, પસંદગીની ભરપુર તકો હોય છે. હકીકતોનો સ્વીકાર કરો, વાસ્તવીકતાને સ્વીકારો. એવી પરીસ્થીતી કે જેને તમે બદલી શકતા નથી, એવા માણસો જેમને તમે કદીયે બદલી શકવાના નથી એ હકીકતોને તમે સ્વીકારી લો. પરીસ્થીતી પર આપણો કાબુ હોતો નથી, કબુલ; પરંતુ પ્રતીકુળ સંજોગોને કેવો પ્રતીભાવ આપવો તેની પસંદગી આપણી પાસે હમેશાં હોય છે. જ્યારે આપણે ચીંતા કરીએ છીએ ત્યારે આપણી ઉર્જા ખર્ચાય છે–વપરાય છે અને આપણે નીર્બળ બનીએ છીએ. ચહેરા પરનું સ્મીત ખોવાઈ જાય છે. જ્યારે આપણે વાસ્તવીકતા સ્વીકારીને, સંજોગો સાથે ઝઘડવાનું બંધ કરીએ ત્યારે ઉર્જાનો સંચય થાય છે. ઉર્જાનું સર્જન પણ થાય છે. તમે જ્યારે એવું વીચારો છો કે, ‘હું મારા જીવનના ચાર્જમાં છું. મારા જીવન પર, મારા નીર્ણયો પર મારો કાબુ છે. હું મારી ભુલો, મારી મર્યાદાઓ અને મારી તાકાત, શક્તીને ઓળખવા જેટલો, સ્વીકારવા જેટલો અને જરુર પડે તો સુધારવા જેટલો પુખ્ત અને સમજદાર પણ છું. હવે પછી સઘર્ષ નહીં; સંવાદ મારું લક્ષ્ય હશે, મારુ ધ્યેય હશે અને તેને અનુરુપ હું મારા જીવનને ગોઠવીશ,’ ત્યારે તમે સ્વસ્થ અને પ્રસન્ન ચીત્તે એકસઠમા વર્ષમાં પ્રવેશવાના હક્કદાર બનો છો.

એકસઠમાં વર્ષમાં પ્રવેશ કરતી વેળા હું કેવી લાગણી અનુભવું છું ? પુર્ણ સંતોષની લાગણી અનુભવવા સાથે મારે ઉમેરવું જોઈએ કે જીન્દગીની પાઠશાળામાંથી ખુબ મહત્ત્વના કહી શકાય એવા ઘણા પાઠો હું શીખ્યો છું, શીખી રહ્યો છું. ‘જે સાથે છે, તે સાથે નથી; સામે છે,’ એવા અનુભવો મને એટલી બધી વાર થયા છે કે હવે એવો એકાદ વધુ અનુભવ ઉમેરાય તો આઘાત લાગતો નથી, રમુજ જન્મે છે ! ‘મારે કંઈ જ મેળવવું નથી, કંઈ જ જોઈતું નથી,’ એવા નીર્ધાર સાથે જીવન જીવવાની ‘બાદશાહી’ હું માણી શક્યો. તમે જ્યારે અપેક્ષા રાખો છો, યાચના કરો છો, કંઈક મેળવવા માટે જીવો છો, સમાધાન કરો છો; ત્યારે તમે તમારી જીન્દગીના માલીક રહેતા નથી. તમે બીજાને ખુશ રાખવા માટે, રાજી રાખવા માટે, બીજાની મહેરબાની મેળવવા માટે જીવો છો. ત્યારે તમારું આત્મગૌરવ પણ હણાય છે, ચહેરો નીસ્તેજ બની જાય છે અને તમે મનની પ્રસન્નતા ગુમાવીને વીષાદગ્રસ્ત બનો છો. કંઈ પણ મેળવવાની અપેક્ષા રાખ્યા વગર તથા જે કંઈ થોડુંઘણું મળ્યું હોય તે ગુમાવવાની તૈયારી રાખીને પોતાની રીતે, સમાધાનો કર્યા વગર જીવન જીવવાની એક મઝા છે, એક આનંદ છે અને તે આનંદ સાઠ વર્ષ સુધી પ્રત્યેક ક્ષણે મેં માણ્યો છે.

એસઠમા વર્ષમાં પ્રવેશતી વેળા વીચાર કરું છું : જીવનમાં મારી શ્રેષ્ઠ ઉપલબ્ધી કઈ ? પ્રસન્ન પરીવાર, જેના હાથમાં હાથ રાખીને આનંદમય સ્થીતીમાં વૃદ્ધત્વ તરફ આગળ વધી રહ્યો છું એવી મારી જીવનસંગીની કુમુદ, જેઓ કદી સાથ ન છોડે એવા થોડાક કાયમી (પરમેનન્ટ–કન્ફર્મ્ડ !) સ્વજનો અને મીત્રો. બસ, જેની પાસે આટલી મીરાત હોય તેને આખી દુનીયાની અમીરાતનો શો ખપ ?!

: મેઘધનુષ :

મીત્રોનો સ્વાંગ રચીને ગરજવાન માણસો મને જીન્દગીમાં વારંવાર ભટકાયા. એમનો મુકામ પોતાનું કામ નીકળી જાય એટલા પુરતો; પછી તમે કોણ ને હું કોણ ? માણસોની ખુબ ઉંચી પરખ હોવાથી આવા હેતુ–સાધક ‘મીત્રો’ને મેં દીલમાં દોસ્તીનો દરજ્જો આપવાની ભુલ કદી કરી નથી. જેમને મીત્ર ગણ્યા ન હોય એમનું આવાગમન ખુશી કે વીષાદનું કારણ બની શકે નહીં. મેં મારા જીવનમાં પ્રવેશેલા મીત્રોને કદી ગુમાવ્યા નથી. મીત્રની ઓળખ જ એ છે કે જીવનમાં પ્રવેશ્યા પછી કદી બહાર નીકળતો નથી.

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકના તા. ૧૨ માર્ચ ૨૦૦૮ના અંકમાં પ્રકાશીત લેખકની કટાર ‘માણસ નામે ક્ષીતીજ’માંથી સાભાર.. ૩૦મી માર્ચ, ૨૦૦૮ના દીને પ્રકાશીત થનારા, લેખકના ‘ક્ષીતીજ’ નામના પુસ્તકમાં પણ આ લેખ સમાવાયો છે..

–ડૉ. શશીકાંત શાહ ‘એકલવ્ય’

સર્જક–સંપર્ક : 35–આવીષ્કાર રો હાઉસ, તાડવાડી, સુરત– 395 005

ફોન : (0261) 277 6011 મોબાઈલ : 98252 33110 ઈ–મેઈલ: sgshah57@yahoo.co.in

@@@

‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ ત્રીજું – અંકઃ 147 – March 30, 2008

‘ઉંઝાજોડણી’માં પુનરક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

@@@@@@@@@

 

147-UNICODE-Eksath_maa_Praveshe-Dr._Shashikant_Shah-‘SeM’-30-03-2008-FINAL