Posts Tagged ‘એક વીનંતી’

એક વીનંતી

જાન્યુઆરી 29, 2011

આપણા ભારતીય વૈદકનો સામાન્ય પરીચય કરાવવા અહીં કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે. જુદા જુદા સ્રોતોમાંથી આ માહીતી એકત્ર કરવામાં આવી છે. એમાં તથ્યને વળગી રહેવાનો યથાશક્તી પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમ છતાં જો કોઈ ક્ષતી જણાય તો એ અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારી શકાય નહીં.

અહીં એક જ મુશ્કેલી માટે ઘણી વાર એકથી વધુ ઉપાયો જોવામાં આવશે. દરેકને એક જ ઉપાય લાગુ પડી શકે નહીં, કેમ કે દરેક વ્યક્તીની પ્રકૃતી અલગ અલગ હોય છે, માટે પોતાને અનુકુળ આવે તે ઉપાય શોધવો પડે. એનો આધાર વાત, પીત્ત, કફ મુજબ કેવા પ્રકારની પ્રકૃતી છે તેના પર રહેશે. વળી રોગ કોના પ્રકોપ કે ઉણપથી થયો છે-વાત, પીત્ત, કફ કે અન્ય કોઈ કારણથી- તેના ઉપર પણ કયો ઉપાય અજમાવવો તેનો આધાર રહેશે. કેમ કે એક જ જાતની તકલીફ પાછળ પણ જુદાં જુદાં કારણો હોઈ શકે. દાખલા તરીકે ઉલટી વાયુના કારણે થાય, પીત્તના કારણે થાય અને કફના કારણે પણ થાય.

પોતાના શરીરને શું અનુકુળ છે અને શું પ્રતીકુળ છે; તે પણ આપણે કોઈ પણ ઉપાય કરીએ તે પહેલાં જાણવું જોઈએ. વળી દરેક વ્યક્તી અદ્વીતીય, વીશીષ્ઠ છે, કુદરત કદી પુનરાવર્તન કરતી નથી. આથી તદ્દન સમાન પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તી કદી હોઈ ન શકે. આથી એક ઉપાય કોઈને કારગત નીવડ્યો હોય તે બીજાને ન પણ નીવડે એવું બની શકે.

કોઈ પણ ઉપાય અજમાવીએ પરંતુ જો પાચન શક્તી નબળી હોય, કે શરીરમાં મુળભુત કોઈ ખામી હોય તો તે દુર ન કરીએ ત્યાં સુધી ઉપાય કારગત નીવડશે નહીં. આથી શરીરમાં મુશ્કેલી પેદા થવા પાછળનું કારણ શોધી કાઢવું એ બહુ મહત્વનું છે. શું ખાવાથી કે શું કરવાથી પોતાના શરીરમાં તકલીફ પેદા થાય છે તે જોતા રહેવું જરુરી છે. એટલે કે પોતાના આહાર-વીહારમાં કયા પરીવર્તનને લીધે મુશ્કેલી આવી છે તેનું નીરીક્ષણ કરવું જોઈએ.

આમાં ઘણા પ્રયોગો કદાચ નીર્દોષ છે, આમ છતાં ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, કેમ કે યોગ્ય ચીકીત્સક જ દર્દી સાથે પ્રશ્નોત્તરી દ્વારા તથા અન્ય પ્રત્યક્ષ પરીક્ષણ કરી જરુરી સારવારનો નીર્ણય લઈ શકે. અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. એક પ્રકારના શૈક્ષણીક હેતુસર આ રજુઆત કરવામાં આવી છે, પોતાની મેળે જ બધા ઉપચારો કરવાના આશયથી નહીં.