Archive for ડિસેમ્બર 2nd, 2009

સુંઠ

ડિસેમ્બર 2, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુંઠ : આયુર્વેદમાં સુંઠના ઘણાં નામ છે. આમાંથી મુખ્ય નામ છે ‘શુંઠી.’ प्रतिहंति कफामवातादीनीति शूंठी.

પાકેલા આદુને સુકવી લેવાથી સુંઠ બને છે. આદુ અને સુંઠના ગુણ લગભગ સરખા જ છે. એ જમવામાં રુચી ઉપજાવે છે, પાચક, તીખી, સ્નીગ્ધ, ઉષ્ણ અને પચવામાં હલકી છે.  પચ્યા પછી મધુર વીપાક બને છે. વળી એ ભુખ લગાડનાર, હૃદયને બળ આપનાર તથા કફ અને વાયુના રોગો મટાડનાર છે. સુંઠથી પાચનક્રીયા બહુ સારી રીતે થાય છે. પેટમાં વાયુ-ગૅસનો સંચય થતો નથી. બધી જાતની પીડામાં સુંઠ ઉપયોગી છે.

(૧) બેથી ત્રણ ચપટી જેટલું સુંઠનું ચુર્ણ બે ચમચી દીવેલમાં મીશ્ર કરી સવાર-સાંજ બે-ત્રણ અઠવાડીયાં લેવામાં આવે તો કફ, વાયુ અને મળબંધ મટે છે, વીર્ય વધે છે, સ્વર સારો થાય છે અને ઉલટી, શ્વાસ, શુળ, ઉધરસ, હૃદયરોગ, હાથીપગુ, સોજા, હરસ, આફરો અને પેટનો વાયુ મટે છે.

(૨) હાડકાના સાંધાઓના જુના સોજામાં સુંઠ અને દીવેલના ઉપયોગથી ફાયદો થાય છે.

(૩) સુંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. ઉંઘ નીયમીત થાય છે. શરદી, સળેખમ, દમ, ઉધરસ, નવો તાવ વગરેમાં સુંઠનું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ થાય છે, કાચો રસ એટલે આમનું પાચન થાય છે અને જઠરાગ્નીનું બળ વધે છે.

(૪) અડધી ચમચી સુંઠનું ચુર્ણ, નાની સોપારી જેટલો ગોળ અને એક ચમચી ઘી મીશ્ર કરી લાડુડી બનાવી ખુબ ચાવીને સવારે નરણા કોઠે ખાવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભુખ લાગે છે અને કફ છુટો પડે છે.

(૫) શરીર એકદમ ટાઢું થઈ જાય, અરુચી, ચુંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો સુંઠ ગોળ સાથે ખાવાથી કે પાણી સાથે ફાકવાથી લાભ થાય છે.

(૬) અપચો, ભુખ ન લાગવી-મંદાગ્ની અને ગેસની ફરીયાદમાં રોજ સવારે અડધી ચમચી સુંઠનું ચુર્ણ, એક ચમચી ગોળ અને એક ચમચી ગાયનું ઘી મેળવીને લાડુડી બનાવી લેવાથી થોડા દીવસોમાં આવી તકલીફો મટી જાય છે.

(૭) આદુના રસમાં પાણી અને જરુર પુરતી ખડી સાકર નાખી પાક કરવો. તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ નાખીને કાચની બાટલીમાં ભરી રાખવો. આ પાક એક ચમચીની માત્રામાં સવાર-સાંજ મધ સાથે લેવાથી શરદી, સળેખમ, શ્વાસ જેવા કફના રોગો મટે છે.

(૮) અડધી ચમચી સુંઠ બે ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી કફના રોગોમાં રાહત થાય છે.