Posts Tagged ‘સળેખમ’

હળદર

ડિસેમ્બર 16, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

હળદર તીખી, કડવી, સુકી, ગરમ અને શરીરના વર્ણને સુધારનાર છે.

હળદર મધુપ્રમેહ, મુત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવીકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ હીતાવહ છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પીત્ત, પીનસ, અરુચી, કુષ્ટ, વીષ, પ્રમેહ, વ્રણ, કૃમી, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

(૧) શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે.  આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.

(૨) મધ સાથે કે ગરમ દુધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

(૩) કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.

(૪) એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.

(૫) અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે.

(૬) આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

(૭) સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.

(૮) સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.

(૯) હળદર, ફટકડી અને પાણી મીશ્ર કરી રોગગ્રસ્ત ચામડી પર લગાડવાથી ચામડીના મોટા ભાગના રોગો મટે છે.

(૧૦) હળદર, મીઠું અને પાણી મીશ્ર કરી લેપ કરવાથી મચકોડનો સોજો મટે છે.

(૧૧) હળદર અને લોધરનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.

(૧૨) હળદર અને સાકર ચુસવાથી અવાજ ખુલે છે, સ્વર સારો થાય છે.

(૧૩) એક મહીના સુધી રોજ અડધી ચમચી હળદર ફાકવાથી શરીરમાં કંઈક ઝેર ગયેલું હોય કે કોઈકે કંઈ ખવડાવી દીધું છે એવો વહેમ હોય તો તે મટી જાય છે.

(૧૪) આયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર ચટાડવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે.

(૧૫) કફના રોગો જેવા કે શરદી-સળેખમ, ફ્લ્યુ-કફજ્વર, ઉધરસ વગેરેમાં ગરમ દુધમાં હળદર નાખી પીવાથી લાભ થાય છે.

(૧૬) પ્રમેહમાં આમળા અને હળદરનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ ઉત્તમ લાભ કરે છે.

(૧૭) દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.

સુંઠ

ડિસેમ્બર 2, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુંઠ : આયુર્વેદમાં સુંઠના ઘણાં નામ છે. આમાંથી મુખ્ય નામ છે ‘શુંઠી.’ प्रतिहंति कफामवातादीनीति शूंठी.

પાકેલા આદુને સુકવી લેવાથી સુંઠ બને છે. આદુ અને સુંઠના ગુણ લગભગ સરખા જ છે. એ જમવામાં રુચી ઉપજાવે છે, પાચક, તીખી, સ્નીગ્ધ, ઉષ્ણ અને પચવામાં હલકી છે.  પચ્યા પછી મધુર વીપાક બને છે. વળી એ ભુખ લગાડનાર, હૃદયને બળ આપનાર તથા કફ અને વાયુના રોગો મટાડનાર છે. સુંઠથી પાચનક્રીયા બહુ સારી રીતે થાય છે. પેટમાં વાયુ-ગૅસનો સંચય થતો નથી. બધી જાતની પીડામાં સુંઠ ઉપયોગી છે.

(૧) બેથી ત્રણ ચપટી જેટલું સુંઠનું ચુર્ણ બે ચમચી દીવેલમાં મીશ્ર કરી સવાર-સાંજ બે-ત્રણ અઠવાડીયાં લેવામાં આવે તો કફ, વાયુ અને મળબંધ મટે છે, વીર્ય વધે છે, સ્વર સારો થાય છે અને ઉલટી, શ્વાસ, શુળ, ઉધરસ, હૃદયરોગ, હાથીપગુ, સોજા, હરસ, આફરો અને પેટનો વાયુ મટે છે.

(૨) હાડકાના સાંધાઓના જુના સોજામાં સુંઠ અને દીવેલના ઉપયોગથી ફાયદો થાય છે.

(૩) સુંઠ નાખી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી ઘણા રોગોમાં ફાયદો થાય છે. ઉંઘ નીયમીત થાય છે. શરદી, સળેખમ, દમ, ઉધરસ, નવો તાવ વગરેમાં સુંઠનું પાણી જ પીવું જોઈએ. એનાથી વાયુ અને કફનો નાશ થાય છે, કાચો રસ એટલે આમનું પાચન થાય છે અને જઠરાગ્નીનું બળ વધે છે.

(૪) અડધી ચમચી સુંઠનું ચુર્ણ, નાની સોપારી જેટલો ગોળ અને એક ચમચી ઘી મીશ્ર કરી લાડુડી બનાવી ખુબ ચાવીને સવારે નરણા કોઠે ખાવાથી શરદી, સળેખમ, દમ, ઉધરસ અને એલર્જી મટે છે તથા સારી ભુખ લાગે છે અને કફ છુટો પડે છે.

(૫) શરીર એકદમ ટાઢું થઈ જાય, અરુચી, ચુંક, આંકડી આવી હોય કે સળેખમ થયું હોય તો સુંઠ ગોળ સાથે ખાવાથી કે પાણી સાથે ફાકવાથી લાભ થાય છે.

(૬) અપચો, ભુખ ન લાગવી-મંદાગ્ની અને ગેસની ફરીયાદમાં રોજ સવારે અડધી ચમચી સુંઠનું ચુર્ણ, એક ચમચી ગોળ અને એક ચમચી ગાયનું ઘી મેળવીને લાડુડી બનાવી લેવાથી થોડા દીવસોમાં આવી તકલીફો મટી જાય છે.

(૭) આદુના રસમાં પાણી અને જરુર પુરતી ખડી સાકર નાખી પાક કરવો. તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ નાખીને કાચની બાટલીમાં ભરી રાખવો. આ પાક એક ચમચીની માત્રામાં સવાર-સાંજ મધ સાથે લેવાથી શરદી, સળેખમ, શ્વાસ જેવા કફના રોગો મટે છે.

(૮) અડધી ચમચી સુંઠ બે ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી કફના રોગોમાં રાહત થાય છે.

મરચું

ઓગસ્ટ 2, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મરચું : મરચાં પચવામાં હલકાં, અગ્નીવર્ધક, કફઘ્ન અને વાતશામક છે. તે શરીરને લુખું પાડી નાખે છે.

(૧) કુતરું કરડે તો મરચાની ભુકી દબાવી દેવાથી રુઝ સાથે જ ઉખડે છે.

(૨) કૉલેરામાં મરચાની ભુકી પાણીમાં ઉકાળી પીવાથી ખુબ જ લાભ થાય છે.

(૩) કફના બધા રોગોમાં મરચાં સારાં છે. ખુબ ઉંઘ આવતી હોય, ખંજવાળ આવતી હોય કે કફને લીધે ચામડીના રોગ થયા હોય તો તેને માટે મરચાં સારાં છે.

(૪) શરદી, સળેખમ, પેટના કૃમી અને દુખાવામાં મરચાં ઉપયોગી છે.

(૫) વધુ પડતાં મરચાં ખાવાથી વીર્ય પાતળું પડી જાય છે અને શરીરમાં બળતરા થાય છે. મરચાને બદલે કાળાં મરી વાપરવાં.

ભાંગરો

જુલાઇ 22, 2009

ભાંગરો : અતી ભીનાશવાળી જમીનમાં ઉગનાર ભાંગરો આપણા દેશમાં બધે જ થાય છે. આ અતી ઉપયોગી ભાંગરાને નકામું ઘાસ ગણી ખેતરમાંથી કાઢી નાખવામાં આવે છે. ભાંગરો ચોમાસામાં ખાડા-ખાબોચીયામાં તેમ જ પાણીવાળી જમીનમાં બધે જ ઉગી નીકળે છે. અને પાણી મળતું રહે ત્યાં બારે માસ રહે છે. તેના છોડ અડધાથી એક ફુટ ઉંચા કે કેટલીક જગ્યાએ બેથી અઢી ફુટ ઉંચા થાય છે. પાન સામસામાં, બરછટ આછી છાંટવાળાં, ધાર પર દાંતાવાળાં અને લહેરીયાવાળાં હોય છે. તેનાં ફુલ સફેદ અને ફળ કાળાં હોય છે. છોડ સુકાયા પછી કાળા પડી જાય છે. એની ત્રણ જાત થાય છે. સફેદ, પીળો તથા કાળો. એનાં પાન કરકરીઆવાળાં, ભાલાના આકારનાં અને દાડમ જેવાં જ હોય છે. એ મોટે ભાગે ચોમાસામાં તળાવ, નહેર કે નદીનાળા આગળ ઉગી નીકળે છે. ઔષધ તરીકે ભાંગરાનો રસ વપરાય છે. એનો રંગ કાળા ભમરા જેવો હોવાથી તથા તે ભમરા જેમ સુંદર દેખાતો હોવાથી એને ભૃંગરાજ કહેવામાં આવે છે.

ભાંગરો સ્વાદમાં તીખો, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, કફ અને વાયુને હરનાર, વાળ માટે ગુણકારી, રસાયણ અને બળ આપનાર છે. તે શ્વાસ, ઉધરસ, આમ, કૃમી, સોજા, પાંડુ-રક્તાલ્પતા, કોઢ, ઉંદરી, ખોડો તથા શીર:શુળ મટાડે છે. એ કૃમીઘ્ન, રસાયન, પૌષ્ટીક તથા પીત્તશામક છે. તે નેત્ર તથા કેશ માટે ઉત્તમ છે. ત્વચા, દાંત તથા માથાના રોગ મટાડે છે. ભાંગરાનો રસ યકૃત અને બરોળની તકલીફ, અજીર્ણ, હરસ, આમવાત, મસ્તકશુળ, વાળ સફેદ થવા, ચામડીનાં દર્દો વગેરે મટાડે છે. એનાં પાન તથા થડનું પાણી પીવાથી આંખનું તેજ વધે છે, વીર્યબળમાં વધારો થાય છે, ઉધરસ તથા સળેખમ મટે છે. કોઢ, આંચકી કે અપસ્માર, વધરાવળ, છાતીનાં દર્દો વગેરેમાં પણ ઉપયોગી છે. ભાંગરો રસાયન ગુણવાળો હોવાથી તેનું રોજ સેવન કરનાર માણસો જલદી વૃદ્ધ થતાં નથી અને દીર્ઘજીવી બને છે. એ હૃદયરોગ મટાડનાર, વીષઘ્ન, વાયુનું અનુલોમન કરનાર તથા કામોત્તેજક છે.

ફુદીનો

જૂન 30, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ફુદીનો : ફુદીનો સ્વાદુ, રુચીકર, હૃદ્ય(હૃદયને હીતકર), ઉષ્ણ, દીપન, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર છે. એ ઉધરસ, અજીર્ણ, અગ્નીમાંદ્ય, સંગ્રહણી, અતીસાર, કૉલેરા, જીર્ણજ્વર અને કૃમીનો નાશ કરનાર છે. એ ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દૃષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે.

(૧) ફુદીનો અને આદુનો રસ અથવા ફુદીનો અને આદુનો ઉકાળો પીવાથી ટાઢીયો તાવ-મેલેરીયા મટે છે. વળી તેનાથી પરસેવો વળી કોઈ પણ પ્રકારનો તાવ પણ મટે છે.

(૨) વાયુ અને શરદીમાં પણ એ ઉકાળો ફાયદો કરે છે.

(૩) ફુદીનાનો રસ મધ સાથે મેળવી  દર બે કલાકે આપવાથી ન્યુમોનીયાથી થતા અનેક વીકારો અટકી જઈ ન્યુમોનીયા ઘણી ઝડપથી મટી જાય છે.

(૪) ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે.

(૫) ફુદીનાનું શરબત પીવાથી કૉલેરા મટે છે.

(૬) ફુદીનાનો રસ નાકમાં પાડવાથી પીનસ-સળેખમમાં ફાયદો થાય છે.

(૭) ફુદીનાનો રસ દાદર પર વારંવાર ચોપડવાથી ફાયદો કરે છે.

(૮) વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે એનાં પાન ચાવવાથી રાહત થાય છે.

પાણી-૫

જૂન 11, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પાણી-૫ ધાણા જળ ૧ લીટર પાણીમાં ૧ થી ૧ાા ચમચી સુકા(જુના) ધાણા નાખી ઉકાળી ૧ ભાગ બાળી ૩ ભાગ બાકી રહે ત્યારે ઠારી, નીતારી ગાળી લો. અા પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પીત્તદોષ કે ગરમીથી પીડાતા કે પીત્તની તાસીરવાળા લોકોને માફક અાવે છે. અાવું પાણી ગરમી,-પીત્તનો તાવ, દાહ-બળતરા, પીત્તની ઉલટી, ખાટા ઓડકાર, અમ્લપીત્ત, હોજરીનાં ચાંદાં, લોહી દુઝતા કે દાહ-સોજાવાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફુટવી, રક્તસ્રાવ, મરડો, ગરમીના પીળા પાતળા ઝાડા, ગરમીનો સુકો દમ, ખુબ વધુ પડતી તરસ જેવાં દર્દોમાં લાભપ્રદ છે. વધુ લાભ માટે અા પાણીમાં સાકર નાખીને પીવું. જે લોકો કેફી-માદક ચીજોના વ્યસનથી શરીરને વીષમય બનાવે છે તેમને માટે પણ આવું જળ વીષનાશક હોઈ લાભપ્રદ છે. સુંઠી પાણી

(૧) એક લીટર પાણીમાં અડધી ચમચી સુંઠનું ચુર્ણ નાખી ઉકાળવું. ઉકળે એટલે ઉતારીને ઠંડુ પાડી ગાળી લેવું. આખા દીવસમાં ત્રણથી ચાર ગ્લાસ આ પાણી પીવું. એનાથી કાયમી શરદી, ઉધરસ, સળેખમ, દમ, એલર્જી, જુનો તાવ, અપચો, ગૅસ, આફરો, અજીર્ણ અને ભુખનો અભાવ વગેરે મટે છે. સુંઠ વાયુ અને કફનો નાશ કરે છે,   પરંતુ પીત્ત પ્રકૃતીવાળાને તે માફક આવતી નથી. તેથી એસીડીટી, અલ્સર જેવા પીત્તના રોગોમાં આ પાણી ન પીવું.

(૨) સુંઠની એક ગાંગડી મુકી અર્ધા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળી, ઠારીને ગાળી લેવું. પાણીમાં નીચેના તળીયાના ક્ષારો ન આવે તેમ બીજા વાસણમાં લઈ લેવું. અા સુંઠી જળ પીવાથી કાયમી શરદી, સળેખમ, નાક બંધ થવું, દમ, શ્વાસ, હાંફ, વરાધ, સસણી, ફેફસામાં પાણી ભરાવું, અજીર્ણ-અપચો, કૃમી, ચીકણો ઝાડો-આમદોષ, જળસ, વાળો, બહુમુત્ર(વારંવાર ખુબ જ પેશાબ કરવા જવું), ડાયાબીટીસ, લો બ્લડપ્રેશર, શરીર કાયમ ઠંડુ રહેવું, મસ્તક પીડા જેવાં કફદોષજન્ય તમામ દર્દોમાં ખાતરી પુર્વક લાભ થાય છે.

પાણી-૪

જૂન 10, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ઔષધો નાખી ઉકાળેલું પાણી મોથ, પીત્તપાપડો, સુગંધી વાળો, અાખા જુના ધાણા અને સુખડ અા બધાં દ્રવ્યો કે કોઈ પણ બે-ત્રણ નાખી પાણી ઉકાળીને ઠંડુ કરવું. અાવું પાણી પીવાથી તરસ, દાહ અને તાવ જલદી શાંત થાય છે અને દર્દીને રાહત થાય છે.

અજમાવાળું પાણી ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮થી ૧૦ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. અા પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શુળ, પેટમાં વાયુપીડા, અાફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્ની, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમુત્ર, ડાયાબીટીસ જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. અા પાણી ગરમ ગુણો ધરાવે છે.

જીરા-જળ ૧ લીટર પાણીમાં ૧ થી ૧ાા ચમચી જીરુ નાખી ઉકાળવું. ચોથા ભાગનું (એકચતુર્થાંશ) પાણી બાળીને ઠંડુ પાડી ગાળી લેવું. અા પાણી ધાણા જળની જેમ ઠંડા ગુણ ધરાવે છે. જીરા જળથી અાંતરીયો મેલેરીયા તાવ, અાંખોની ગરમી, રતાશ, હાથ-પગનો દાહ, વાયુ કે પીત્તની ઉલટી, ગરમી કે વાયુના ઝાડા, લોહીવીકાર, બહેનોને સફેદ પાણી પડવું કે બહુ ટુંકા ગાળે (૨૦-૨૨ દીવસે) માસીક અાવવું, ગર્ભાશયનો સોજો, વધુ પડતું માસીક અાવવું, કૃમી, પેશાબની અલ્પતા વગેરે દર્દોમાં લાભ કરે છે.

નાગરવેલનાં પાન

મે 17, 2009

નાગરવેલનું પાન તીખું, કડવું, તુરું, તીક્ષ્ણ, ગરમ, રુચી ઉપજાવનાર, ઝાડો સાફ લાવનાર, પીત્ત કરનાર, બળ આપનાર, કફનાશક, મોંંની દુર્ગંધ દુર કરનાર તથા થાક દુર કરે છે. એમાં એક જાતનું સુગંધીત તૈલી દ્રવ્ય રહેલું છે, જે મોંને ચોખ્ખું કરે છે, દાંતમાં સડો થતો અટકાવે છે અને ખોરાકના પાચન માટે જરુરી પાચક રસોનો સ્રાવ કરે છે.

નાગરવેલના પાનમાં અડધી ચમચી મધ અને હળદર અને આદુનો એક એક ટુકડો મુકી ખુબ ચાવીને દીવસમાં ત્રણ-ચાર વાર ખાવાથી શરદી, સળેખમ, ઉધરસ જેવા કફના રોગો મટે છે.

કાળાં મરી

ડિસેમ્બર 30, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાળાં મરી : કાળાં મરી તીખાં, તીક્ષ્ણ, ગરમ, પચવામાં હલકાં, રુચી ઉત્પન્ન કરનાર, શોષક, ભુખ લગાડનાર, શીરોવીરેચનીય, કૃમીનાશક, કફ, વાયુ તથા હૃદયના રોગોનો નાશ કરનાર છે. ઉપરાંત મરી નાડીને બળ આપનાર, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, આહારનું પાચન કરાવનાર, યકૃતનું બળ વધારનાર, વાયુને નીચેના માર્ગેથી બહાર કાઢનાર, મુત્ર અને માસીકને પ્રવૃત્ત કરનાર અને કફને બહાર કાઢનાર છે.

(૧) ૧/૨ ચમચી કાળાં મરીનું ચુર્ણ, ૧/૨ ચમચી ઘી, ૧ ચમચી મધ અને ૧ ચમચી સાકર મીશ્ર કરી ચાટવાથી બધા પ્રકારની ખાંસી મટે છે. દમ-શ્વાસમાં પણ આ પ્રયોગ ખુબ હીતાવહ છે.

(૨) કાળાં મરી અને લીંડીપીપરનું ચુર્ણ બે-બે ચમચી, દાડમની છાલનું ચુર્ણ ચાર ચમચી અને જવખાર એક ચમચીને ૧૫૦ ગ્રામ ગોળમાં મેળવી અડદના દાણા જેવડી ગોળી બનાવવી. એને મરીચ્યાદીવટી કહે છે. આ ૨-૨ ગોળી સવાર, બપોર અને રાત્રે ચુસવાથી કફના રોગો મટે છે.

(૩) મરી, ચીત્રક અને સંચળના સમભાગે બનાવેલા ચુર્ણને મરીચ્યાદી ચુર્ણ કહે છે. ૧/૨ ચમચી જેટલું આ ચુર્ણ સવાર-સાંજ લેવાથી અજીર્ણ, અપચો, મંદાગ્ની મટે છે. ગાયના દહીંની છાસ સાથે લેવાથી સંગ્રહણી અને અતીસારમાં પણ એ ખુબ લાભકારક છે.

(૪) સોપારી જેટલા ગોળ સાથે ૧/૪ ચમચી કાળા મરીનું ચુર્ણ સવાર-સાંજ લેવાથી જુની શરદી અને સળેખમ મટે છે.

(૫) સુંઠ, મરી અને પીપરનું ચુર્ણ નાખી બનાવેલો દુધનો ઉકાળો સવાર-સાંજ પીવાથી શરદી-સળેખમ મટે છે.