Archive for ડિસેમ્બર 13th, 2010

યાદશક્તી

ડિસેમ્બર 13, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) ચારોળી અને શીંગોડાં ખાવાથી યાદશક્તી વધે છે.

(૨) બદામનો ઝીણો ભુકો કરી તેમાં સાકર અને ઘી મેળવી હલાવી રાત્રે રાખી મુકવું. સવારે એ મીશ્રણનું સેવન કરવાથી યાદશક્તી વધે છે. ઘી યાદશક્તી વધારવામાં સહાય કરે છે.

(૩) કોળાને છીણી કોળાપાક કરીને ખાવાથી યાદશક્તીમાં લાભ થાય છે.

(૪) યાદશક્તી માટે તરબુચના બીની મીંજ ખાવી.

(૫) યાદશક્તી વધારવા કેરીની મોસમમાં પાકી કેરીનો રસ, દુધ, આદુનો રસ અને ખાંડ જરુરી પ્રમાણમાં લઈ એકરસ કરી ધીમે ધીમે પી જવું. દરરોજ સવાર-સાંજ આ પ્રયોગ નીયમીત કરવો. આનાથી સ્મરણ શક્તીમાં સારો વધારો થાય છે; અને માનસીક તાકાત પણ ખુબ વધે છે. ડીપ્રેશનના રોગીઓને આ પ્રયોગ બહુ કામ લાગે છે.

(૬) તજનો પાઉડર મધ સાથે લેવાથી કે તજના ટુકડા મોંમાં રાખી ચુસતા રહેવાથી ભુલી જવાની તકલીફ મટે છે. આબાલ-વૃદ્ધ કોઈ પણ માટે આ પ્રયોગ અસરકારક છે. (જો કે તજનો વધુ પડતો ઉપયોગ નપુસંકતા લાવી શકે.)

(૭) ગળો, મોટાં ગોખરુ, આમળાં, જેઠીમધ, શંખપુષ્પી અને બ્રાહ્મીચુર્ણ સરખા વજને લઈ એમાંથી ૩થી ૬ ગ્રામ ૪૦ વર્ષની ઉમર પછી દરરોજ એક કે બે વખત નીયમીત લેવાથી યાદશક્તી જળવાઈ રહે છે. સાથે વાયુપ્રકોપ કરે નહીં એવો આહારવીહાર રાખવો.  એનાથી યુવાની પણ લાંબો સમય ટકે છે.

(૮) અશ્વગંધા, વરધારો, આમળાં, મોટાં ગોખરુ, ગળો અને બ્રાહ્મીનું સરખા ભાગે બનાવેલું ૩થી ૬ ગ્રામ ચુર્ણ ગાયના ઘી અને મધ સાથે સવાર-સાંજ લેવાથી અને ઉપર દુધ પીવાથી યાદશક્તી વધે છે. (ઘી અને મધ વીષમ પ્રમાણમાં લેવાં. કફપ્રકૃતી હોય તો મધ બમણું અને વાત પ્રકૃતીમાં ઘી બમણું લેવું.) આ ઉપરાંત બ્રાહ્મીઘૃત, સારસ્વતારીષ્ટ, સારસ્વતચુર્ણ, વાચાદીચુર્ણ, બ્રાહ્મીવટી, યશદભસ્મ, જ્યોતીષમતી રસાયન, ગડુચ્યાદી રસાયન, બદામપાક, ચતુર્મુખરસ, યોગેન્દ્રરસ, રસરાજરસ, નગોડ વગેરે ઔષધો પૈકી એક-બે વાપરવાથી પણ સ્મૃતીશક્તી જળવાઈ રહે છે.

(૯) બદામમાં વીટામીન હોય છે, જેનાથી યાદશક્તી જળવાઈ રહે છે, કેમ કે એમાં એન્ટીઑક્સીડન્ટ હોય છે. એન્ટીઑક્સીડન્ટ મગજના કોષોમાં થતી ગરબડનું પ્રમાણ ઘટાડે છે. વીટામીન ની ગોળી કરતાં બદામ લેવી સારી.

(૧૦) શંખપુષ્પીના આખા છોડ(સર્વ અંગો)નું ચુર્ણ દસ ગ્રામ, બદામ નંગ પાંચ, ખસખસ પા(૧/૪) ચમચી, મરી નંગ દસ, નાની એલચી નંગ પાંચ, વરીયાળી અડધી ચમચી અને ગુલાબનાં ફુલની પાંખડી નંગ દસને ખુબ જ લસોટી ચટણી જેવું બનાવવું. એને એક ગ્લાસ ગરમ દુધમાં મેળવી બે ચમચી સાકરનો ભુકો નાખી ખુબ હલાવી ઠંડુ પાડી રોજ રાત્રે સુતી વખતે પીવાથી યાદશક્તી અને એકાગ્રતા વધે છે. વીદ્યાર્થીઓ માટે પરીક્ષાના દીવસોમાં આ પ્રયોગ હીતકારી છે.

(૧૧) ભોજનની પંદર મીનીટ પહેલાં નીયમીત સફરજન ખાવાથી યાદશક્તીમાં વધારો થાય છે.

(૧૨) રોજ સવારે સફરજનનો મુરબ્બો ખાવાથી યાદશક્તી તેજ બની બી.પી. સામાન્ય થઈ જાય છે.

(૧૩) એક મોટો ચમચો વરીયાળીનું ચુર્ણ સાકરવાળા દુધમાં નાખી સવાર-સાંજ પીવાથી યાદશક્તી વધે છે.

(૧૪) સફરજનનો રસ પીવાથી યાદશક્તી વધે છે. યાદશક્તી વધારવા માટે જરુરી એવા એસીટાઈકોલાઈન નામના ચેતારસાયણમાં સફરજનનો રસ વૃદ્ધી કરે છે. એસીટાઈકોલાઈન ચેતાકોષોમાંથી ઉત્પન્ન થતું રસાયણ છે, જે બીજા ચેતાકોષોને સંદેશા પહોંચાડવાનું કામ કરે છે. માત્ર મગજમાં નહીં પણ આખા શરીરમાં સંદેશાવ્યવહાર સક્ષમ હોય તો સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. મગજના રોગ અલ્ઝાઈમર્સની દવા સાથે દર્દીઓને ખોરાક સાથે સફરજન, સફરજનનો રસ અને તેની વાનગીઓ આપવી જોઈએ.

(૧૫) એક ચમચી વંશલોચનનું ચુર્ણ, થોડું નાની એલચીનું ચુર્ણ, સાકરનું થોડું ચુર્ણ અને ઘી ભેગાં કરી નીયમીત લેવાથી યાદશક્તી વધે છે.

(૧૬) આમળાંનો નીયમીત ઉપયોગ કરવાથી યાદશક્તી વધે છે.

(૧૭) રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતીશક્તી વધે છે.

(૧૮) હરડે, આમળાં, બલા, નાગબલા, જેઠીમધ, શંખપુષ્પી, ગળો, શીલાજીત, ડોડી, મેદા અને પુનર્નવા આ અગીયાર ઔષધો શ્રેષ્ઠ રસાયન ઔષધો છે. એક કે બની શકે તેટલાંનો નીયમીત ઉપયોગ કરવાથી યાદશક્તી વધે છે.

(૧૯) માલકાંકણીનું તેલ યાદશક્તી વધારે છે.