સાટોડી

November 5, 2009 by ગાંડાભાઈ વલ્લભ

સાટોડી સાટોડી ગુજરાતમાં બધે જ થાય છે. એ વર્ષાયુ છોડ છે અને એના વેલા-છોડ ચોમાસામાં ઉગી નીકળે છે. તેને કાપી લીધા પછી પણ એ ફરીથી ઉગી નીકળે છે. એની ધોળી, રાતી અને કાળી અથવા ભુરી એમ ત્રણ જાત થાય છે. ત્રણેના ગુણો લગભગ સરખા છે, પણ ધોળી સાટોડી ઉત્તમ ગણાય છે. કાળી સાટોડી ખુબ ઓછી જોવા મળે છે. સફેદ સાટોડીના પાનનું શાક થાય છે. રાતીનું થતું નથી. ઔષધમાં સાટોડીનો સ્વરસ, ઉકાળો, ફાંટ, ચુર્ણ, ગોળીઓ, આસવ, અરીષ્ટ, ઘૃત, તેલ અને લેપ તરીકે વપરાય છે. સફેદ સાટોડી તીખી, તુરી અને જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, પાંડુરોગ, સોજા, વાયુ, ઝેર, કફ, વ્રણ અને ઉદર રોગોને મટાડે છે. લાલ સાટોડી કડવી, તીખી, શીતળ, વાયુને રોકનાર અને લોહીબગાડ મટાડે છે. સાટોડી મુત્રલ હોવાથી સોજા, પથરી, કીડનીના રોગો, તથા જળોદર મટાડે છે, તથા સારક હોવાથી ચામડીના રોગો મટાડે છે. જ્યાં પાણી મળતું હોય ત્યાં તે બારે માસ લીલી મળે છે. સાટોડીને પાન ખુબ થાય છે. તે ગોળાકાર, ઘાટાં લીલાં અને પાછળથી ઝાંખાં હોય છે. પાનના ખાંચામાંથી પુષ્પની દાંડી નીકળે છે. જેના ઉપર ઝીણાં, ફીક્કા ઘેરા રંગાનાં છત્રાકાર ફુલો થાય છે. સાટોડી ગરમ છે. તે સોજો, કીડનીના રોગો અને આંખના રોગોમાં અદ્ભુત કામ કરે છે. સાટોડીનાં તાજાં લીલાં પાનને ધોઈ, સાફ કરી વાડકીમાં પાણી સાથે ઉકાળી, ચોળી, ગાળીને ચાના કપ જેટલું સવાર-સાંજ પીવું. જરુર પડે તો વધારે વખત પણ પી શકાય. સાટોડી મુત્રલ છે. લાંબા સમય સુધી સેવન કરવાથી બગડેલી કીડની(મુત્રપીંડ) પણ સારી થઈ જાય છે. સાટોડીના પાનને ઘુંટીને તેનો રસ પીવાથી ઉબકા આવી, ઉલટી થઈ જવાની સંભાવના રહે છે. તેને પાણીમાં ઉકાળી ગરમ ગરમ પીવાથી તે સુપાચ્ય બને છે અને ઉલટી પણ થતી નથી. સાટોડીના પાનનો રસ કાઢી તેનાં ટીપાં આંખમાં મુકવાથી આંખના તમામ પ્રકારના નાના મોટા રોગ મટે છે અને આંખનું તેજ વધે છે. (૧) સોજાવાળા, પાંડુરોગી અને હૃદયરોગીઓએ રોજ સાટોડીની ભાજી ખાવી જોઈએ. (૨) સર્વાંગ સોજામાં હૃદયની જેમ કીડની પણ બગડે છે. કીડનીની બીમારીમાં મુત્રમાં આલ્બ્યુમીન પણ જાય છે. નાની ઉમરનાં બાળકોમાં પણ આ રોગ જોવા મળે છે. એમાં સાટોડીનો ઉકાળો ખુબ સારું પરીણામ આપે છે. આ વખતે મીઠું-નમક સાવ બંધ કરી દેવું. (૩) ગર્ભાશયના સોજામાં પણ સાટોડીનો ઉપયોગ કરવાથી ઘણો જ લાભ થાય છે. (૪) માસીક સાફ લાવવામાં પણ ઉપયોગી છે. (૫) જો પેશાબ થોડા પ્રમાણમાં અને બળતરા સાથે થતો હોય તો રોજ સાટોડીના મુળનું ચુર્ણ અડધી ચમચી જેટલું દુધ સાથે લેવું. (૬) પથરીમાં પણ આ ચુર્ણ લેવાથી પથરી નાની હોય તો નીકળી જાય છે. (૭) અડધી ચમચી સાટોડીના મુળનું ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી ચોથીયો તાવ મટે છે. (૮) સફેદ સાટોડીનાં બે તાજાં લીલાં મુળ રોજ સવાર-સાંજ ચાવી જવાથી અમ્લપીત્ત મટે છે. (૯) સાટોડીનાં પંચાંગનું ચુર્ણ ઘી અને મધ સાથે ચાટવાથી માથાનો દુ:ખાવો મટે છે. (૧૦) સાટોડીનાં પંચાંગનું ચુર્ણ મધ અને સાકર સાથે લેવાથી કમળો મટે છે. (૧૧) સાટોડીના મુળનું ચુર્ણ હળદરના ઉકાળામાં લેવાથી દુઝતા રક્તસ્રાવી હરસ મટે છે. (૧૨) સાટોડીના મુળના ઉકાળામાં કડું, કરીયાતુ અને સુંઠ નાખી પીવાથી સર્વાંગ સોજા મટે છે. (૧૩) સાટોડીના પાનનો રસ ચોપડવાથી સોજા ઉતરી જાય છે.

સાકર

November 4, 2009 by ગાંડાભાઈ વલ્લભ

સાકર સાકર શીતળ, સ્નીગ્ધ, ગુરુ, કામશક્તી વધારનાર તથા તૃષા અને રક્તપીત્ત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટીક, સ્નેહન, મુત્રને ઉત્પન્ન કરનાર, ઉત્તેજક, ઉધરસનો નાશ કરનાર, થાક દુર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, સડાનો નાશ કરનાર, વ્રણ-ઘાને રુઝવનાર તથા કંઠ-ગળા માટે હીતકર છે. સાકર હૃદયને પુષ્ટી આપનાર હોઈ ડાયાબીટીસ ન હોય તો એનો ઉપયોગ થઈ શકે. એેક ચમચી સાકર અને અડધી ચમચી હળદર એક ગ્લાસ પાણીમાં શરબત બનાવી સવાર-સાંજ પીવાથી ગળાનો સોજો, ગળાનાં ચાંદાં, અવાજ બેસી જવો, ઉધરસ, કાકડા વગેરે મટે છે.

સંતરાં

November 3, 2009 by ગાંડાભાઈ વલ્લભ

સંતરાં સંતરાં ભુખ લગાડનાર અને રક્તશુદ્ધી કરનાર છે. એ પીત્તશામક હોવાથી તાવમાં બહુ જ ઉપયોગી છે. તાવમાં રોજનાં ૭-૮ સંતરાં ખાવામાં આવે તો પણ કોઈ જાતનું નુકસાન થતું નથી, એટલું જ નહીં શક્તી પણ જળવાઈ રહે છે. સંતરાં તરસ છીપાવનાર, સારક, રક્તપીત્ત મટાડનાર હોવાથી ઘણા રોગોમાં ફાયદો કરે છે. સંતરામાં સાઈટ્રીક એસીડ, સાકર, ફોસ્ફરીક એસીડ, પોટાશ, સોડીયમ, કેલ્શ્યમ, મેગ્નેશીયમ, લોહ, સલ્ફ્યુરીક એસીડ, સીલીસીલીક એસીડ, ક્લોરીન જેવાં ઉત્તમ જીવનોપયોગી ખનીજ તથા વીટામીન એ, બી અને સી રહેલાં છે. આથી ત્વચાના રોગોમાં અને ચાંદાં-વ્રણ મટાડવામાં ફાયદાકારક છે. એ વાયુનો નાશ કરે છે, પરંતુ પચવામાં ભારે છે.

સર્વોત્તમ

November 1, 2009 by ગાંડાભાઈ વલ્લભ

સર્વોત્તમ પુષ્પોમાં કમળનું પુષ્પ, ફળોમાં નાળીયેર, સંપત્તીમાં વીદ્યાધન, સુખોમાં આહારસુખ, ઈન્દ્રીયોમાં આંખ, અંગોમાં માથું, સ્ત્રીઓમાં મા, દેવતાઓમાં ગુરુદેવ, ગુણોમાં સુશીલતા, દાનોમાં વીદ્યાદાન, કર્મોમાં ની:સ્વાર્થ સેવાકર્મ, તેમ તમામ ઔષધોમાં લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. એ રસાયન ઔષધ છે, જેનાથી દીર્ઘ જીવન પ્રાપ્ત થાય છે. એ માટે લીમડા પરની ગળોનો તાજો રસ ૩-૪ ચમચી સવાર-સાંજ પીવો.

સરગવો

October 31, 2009 by ગાંડાભાઈ વલ્લભ

સરગવો સરગવો અનેક રોગોનું ઉત્તમ ઔષધ છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. સરગવાના મુખ્ય બે પ્રકાર છે, સફેદ ફુલવાળો અને લાલ ફુલવાળો. સફેદ ફુલવાળો બધે જ મળે છે. લીલો સરગવો ન મળે તો સુકવણી પણ વાપરી શકાય છે. સરગવાના ફાલ વરસમાં બે વખત આવે છે. સરગવાનાં પાન, ફુલ, શીંગો, મુળ, છાલ એ બધાંનો ઔષધમાં ઉપયોગ થાય છે. તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ કામ આવે છે. સરગવો મધુર, તીખો, કડવો, તુરો, ઉષ્ણ, તીક્ષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, મળને સરકાવનાર, પચવામાં હલકો, હૃદય માટે હીતકર, ચાંદાં, કૃમી, આમ, ગુમડાં, બરોળ, સોજા, ખંજવાળ, મેદરોગ, ગલકંડ, અપચી, ઉપદંશ તથા નેત્રરોગમાં હીતકારી છે. સરગવાના મુળની છાલ ગરમ, કડવી, દીપનપાચન, ઉત્તેજક, વાયુ સવળો કરનાર, કફહર, કૃમીઘ્ન, શીરોવીરેચક, સ્વેદજનન, શોથહર અને ગુમડાં મટાડનાર છે. મુળની છાલનો ઉકાળો સીંધવ અને હીંગ સાથે લેવાથી ગુમડું, સોજો અને પથરી મટે છે. ગુમડા ઉપર છાલનો લેપ કરવાથી વેરાઈ જાય છે કે ફુટી જઈ મટે છે. કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે, અને પેટ સાફ આવે છે.  (૧) કફ પુશ્કળ પડતો હોય તો દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો. (૨) હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને ફાયદો થાય છે. (૩) કીડનીની પથરીમાં સરગવાના મુળનો તાજો ઉકાળો સારું કામ આપે છે. (૪) ૧થી બે કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી રાખવા. થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે એક કપ પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા પછી થોડું ધાણાજીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે ઉકાળાનું નીયમીત સેવન કરવાથી દર મહીને બે કીલો વજન ઘટી શકે છે. ઓછી ચરબીવાળો આહાર લેવો અને પેટ સાફ આવે એટલું એરંડભ્રષ્ટ હરીતકીનું ચુર્ણ લેવું. (૫) આ ઉકાળાથી સંધીવા પણ મટે છે. સંધીવાના દર્દીએ સાથે અમૃતગુગળ વાપરવો.

સફરજન

October 30, 2009 by ગાંડાભાઈ વલ્લભ

સફરજન સફરજનમાં શરીરનાં વીજાતીય દ્રવ્યોનો નાશ કરવાનો ખાસ ગુણ રહેલો છે. એ સંગ્રહણી, મરડો અને અતીસારમાં સારું ગણાય છે. એ ગ્રાહી છે એટલે કે પાતળા મળને બાંધીને રોકે છે. સફરજનમાં પોટેશ્યમ અને મેલીક એસીડ જેવા  અગત્યના પદાર્થો છે. એનો મુરબ્બો સંગ્રહણી-અતીસારમાં ખુબ સારો છે. એ રસાયન ઔષધ છે. રોજનું એક સફરજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. એમાં રહેલું તીવ્ર એન્ટીઑક્સીડંટ શરીરના કોષોને નાશ પામતા અટકાવવામાં મદદરુપ થાય છે. લાલ છાલવાળા સફરજનમાં લીલી છાલવાળા કરતાં એન્ટીઑક્સીડન્ટ વધારે હોય છે. સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભુખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતી વધારે છે. સફરજનને બાફીને કે સુપ બનાવીને પણ ખાઈ શકાય. એ મરડો, સંગ્રહણી, અતીસાર, આંતરડાનાં ચાંદાં-અલ્સરેટીવ કોલાયટીસમાં સારો ફાયદો કરે છે. પાચનશક્તી નબળી પડી ગઈ હોય, વારંવાર પાતળા ઝાડા થતા હોય કે કબજીયાત રહેતી હોય તો માત્ર સફરજન પર રહેવાથી ફાયદો થાય છે. જો દુધ માફક આવતું હોય તો સવાર-સાંજ દુધ અને બપોરે સફરજન લઈ શકાય. દુધ અને સફરજનની વચમાં એ પચી જાય એટલો સમયગાળો રાખવો જોઈએ, અને એટલા જ પ્રમાણમાં દુધ અને સફરજન ખાવાં જોઈએ. દુધ અનુકુળ ન આવતું હોય તેઓ તાજા દહીંનો મઠો લઈ શકે.

શેરડી

October 29, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શેરડી શેરડી શ્રમહર છે. થાકી ગયા હો તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. શેરડી ગળા માટે હીતાવહ છે. શુક્રશોધન દસ ઔષધોમાં શેરડીની ગણતરી થાય છે. જેમનું વીર્ય વાયુપીત્તાદીથી દુષીત થતું હોય, તેમણે શેરડીનો ઉપયોગ કરવો જોઈએ. શેરડી લીવરને તેના કાર્યમાં સક્રીય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. તરત જ બળ, સ્ફુર્તી એટલે કે તાજગી આપતા ઔષધ દ્રવ્યોમાં શેરડીની ગણતરી થાય છે. આ ઉપરાંત શેરડી રક્તપીત્તનાશક, સેક્સ વધારનાર, વીર્યદોષો દુર કરનાર, વજન વધારનાર, મુત્ર વધારનાર, શીતળ અને પચવામાં ભારે છે. રોજ થોડી શેરડી ખાવાથી શરીર હૃષ્ટપુષ્ટ થાય છે, બળ મળે છે, મેદની વૃદ્ધી થાય છે, અને મૈથુનશક્તી વધે છે. શેરડી કફ કરનાર છે. શેરડીનો રસ પીવા કરતાં શેરડી ચાવીને ખાવી વધુ હીતાવહ છે. શેરડી જમ્યા પહેલાં ખાવી જોઈએ. કોઈ પણ પ્રકારના રક્તસ્રાવમાં (જો ડાયાબીટીસ ન હોય તો) શેરડી ખુબ હીતાવહ છે. પેશાબ વધારનાર દ્રવ્યોમાં શેરડી ઉત્તમ છે. રતવામાં અને કમળામાં શેરડી સારી. શેરડીનો  રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પીત્તના રોગો અને સુંઠ સાથે લેવાથી વાયુના રોગો મટે છે. શેરડી ચુસીને કાયમ ખાવાથી કૃશકાયતા અને માંસક્ષય દુર થાય છે. જમવા પહેલાં શેરડી ખાવાથી પીત્તનો નાશ થાય છે, પરંતુ જમ્યા પછી ખાવાથી વાયુનો પ્રકોપ થાય છે. શેરડી વધુ મહેનત કરવાથી લાગેલો થાક દુર કરે છે. (૧) શેરડી ખાવાથી કમળો મટે છે. (૨) ગરમ કરેલા દુધમાં સરખા પ્રમાણમાં શેરડીનો રસ મેળવી પીવાથી મુત્રમાર્ગના રોગોમાં રાહત થાય છે. (૩) રાત્રે બહાર ઝાકળમાં રાખેલી શેરડી સવારે ખાવાથી ધાતુપુષ્ટી થાય છે અને વજન વધે છે. (૪) ચણા ખાધા પછી શેરડીનો રસ પીવાથી ઉગ્ર કમળો (કમળી) મટે છે. (૫) એક ગ્લાસ શેરડીના રસમાં એક ચમચી ઘી નાખી પીવાથી વારંવાર થતી હેડકી મટે છે. (૬) એક ગ્લાસ શેરડીના રસમાં પા(૧/૪) ચમચી  ફુલાવેલો ટંકણખાર નાખી આઠ-દસ દીવસ પીવાથી પેશાબમાં જતી ધાતુ અટકે છે. (૭) શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચુર્ણ નાખી પીવાથી ઉંઘ સારી આવે છે.

શેતુર

October 28, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શેતુર શેતુર સારક હોવાથી શરીરના તમામ મળોને સાફ કરે છે. એ વાયુ અને પીત્ત દુર કરે છે. શેતુરનાં ફળ ખટમધુરાં હોય છે. શીત હોવાથી બળતરા-દાહને રોકે છે. તે વાજીકર હોવાથી મૈથુનશક્તી વધારે છે તથા બળપ્રદ છે. પાકાં શેતુરનું શરબત તાવમાં, ગરમીના દીવસોમાં અને ગરમીના વીકારોમાં ખુબ જ ઉપયોગી છે. ચીત્તભ્રમ, ત્વચારોગો અને લોહીના બગાડમાં પણ ઉપયોગી છે. શેતુરમાં કેલ્શીયમ, ફોસ્ફરસ, લોહ, કેરોટીન(વીટામીન ‘એ’નું પુર્વરુપ), થીયામીન(વીટામીન બી૧), રીબોફ્લેવીન(વીટામીન બી૨) જેવાં તત્ત્વો સારી માત્રામાં રહેલાં છે.

શૃંગાદી ચુર્ણ

October 27, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શૃંગાદી ચુર્ણ અતીવીષ, કાકડાશીંગ અને પીપર સરખા ભાગે લઈ મીશ્ર કરી ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને ‘શૃંગાદી ચુર્ણ’ કહે છે. પાથી અડધી ચમચી ચુર્ણ એકથી દોઢ ચમચી મધ સાથે સવાર-સાંજ ચટાડવાથી બાળકોની શરદી, ખાંસી, કફજ્વર, સસણી, તાવ, ઉલટી વગેરે મટે છે.

શીમળો

October 26, 2009 by ગાંડાભાઈ વલ્લભ

શીમળો શીમળાને તીક્ષ્ણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલચોળ ફુલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલમાંના ચીકણા રસમાંથી લાલ ગુંદર થાય છે જેને મોયરસ કહે છે. શીમળાના ફુલનું શાક સીંધવ અને ઘીમાં વઘારીને ખાવાથી કષ્ટસાધ્ય પ્રદર, રક્તપીત્ત પ્રદર અને કફનો નાશ થાય છે. (૧) શીમળાનાં સુકવેલાં મુળને શેમુર મુસળી કહે છે. આ મુસળીનું અડધી ચમચી ચુર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ઘી એક ગ્લાસ દુધમાં નાખી ગરમ કરી દરરોજ રાત્રે પીવાથી શીઘ્ર સ્ખલનની તકલીફ મટે છે. (૨) એક ચમચી શીમળાની છાલ છાસમાં લસોટી તાજેતાજી સવાર-સાંજ પીવાથી અતીસાર, સંગ્રહણી અને જુનો મરડો મટે છે. (૩) શીમળાની છાલનું ચુર્ણ અડધી ચમચી, એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીર બળવાન બને છે.