Archive for ડિસેમ્બર 10th, 2008

કરીયાતુ

ડિસેમ્બર 10, 2008

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કરીયાતુ : દક્ષીણ ગુજરાતની વાડીઓમાં જે લીલું કરીયાતુ થાય છે એ કરીયાતુ નહીં પણ કાલમેઘ છે. કરીયાતુ માત્ર હીમાલય અને નેપાળમાં ૬થી ૧૧ હજાર ફુટની ઉંચાઈએ થાય છે. તેના છોડ બેથી પાંચ ફુટ ઉંચા, ઘણી જ ડાળોવાળા, પાન પહોળાં-ભાલાકાર ૩થી ૭ શીરાઓથી યુક્ત, પીળાશ પડતાં લીલાં હોય છે. ફુલો આવ્યા પછી આખા છોડને ઉખેડી લેવામાં આવે છે. આ સુકવેલું કરીયાતુ બજારમાં વેચાય છે.

કરીયાતુ સ્વાદે અત્યંત કડવું હોય છે. એ શીતળ, મળને સરકાવનાર, કફ, પીત્ત અને લોહીના વીકારો-લોહીબગાડ મટાડનાર, ધાવણની શુદ્ધી કરનાર, સોજા, હરસ-મસા, ખાંસી, શ્વાસ, તરસ, તાવદાહ, કોઢ, કૃમી અને વ્રણ-ચાંદાં મટાડે છે. કરીયાતુ ભુખ લગાડનાર, આહારનું પાચન કરાવનાર, બળતરાની શાંતી કરનાર, કડવું, પૌષ્ટીક, જ્વરઘ્ન, અને કોઈપણ પ્રકારના તાવમાં ઉપયોગી છે. કરીયાતુ ઉકાળવામાં આવે તો એના ગુણ ઓછા થઈ જાય છે.

ગુજરાતમાં કરીયાતાના બેથી ચાર ફુટના નાના છોડ થાય છે. એનાં પાન મરચી જેવાં અને ફુલ સફેદ હોય છે. પાન અતી કડવાં હોય છે, પરંતુ આ સાચું કરીયાતુ નથી. સાચું કરીયાતુ હીમાલયમાં થાય છે. એ દીપન, પાચન, કડવું અને પૌષ્ટીક છે. નાનાં બાળકો માટે એ સારી દવા છે. યકૃતવૃદ્ધીની દવા માટે પણ એ ઘણું પ્રખ્યાત છે. એમાંથી બનતી “કાલમેઘ નવાયસ” નામની દવા બાળકોને થતા પાંડુરોગ, જીર્ણજ્વર અને યકૃતના રોગોમાં વપરાય છે. આ દવા બેથી ત્રણ ચોખાભાર મધમાં ચટાડવી. બાળકોનું એ ઉત્તમ ઔષધ છે.

(૧) કરીયાતુ, કડુ, કાંચકા, કાળી જીરી અને કાળી દ્રાક્ષ દરેક અડધી અડધી ચમચી લઈ બધાંનો અધકચરો ભુકો કરી એક ગ્લાસ પાણીમાં અડધું પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું. એને કપડાથી ગાળી ઠંડુ પડે ત્યારે પી જવું. આ ઉકાળો સવાર-સાંજ તાજો બનાવી પીવાથી જુનો તાવ મટે છે. મળ સાફ ઉતરે છે તેમ જ કૃમી હોય તો નીકળી જાય છે. લીવરના રોગોમાં પણ આ ઉકાળો સારું કામ આપે છે. એકલા કરીયાતાનો ઉકાળો પણ લઈ શકાય.

(૧) અડધી ચમચી કરીયાતુ અને સુખડ-ચંદનનું સમભાગે બનાવેલું ચુર્ણ પાણી સાથે લેવાથી રક્તપીત્ત મટે છે.

(૨) કરીયાતુ, સુકા ધાણા અને સાકરનું સમભાગે બનાવેલું બે ચમચી બારીક ચુર્ણ પાણીમાં થોડી વાર પલાળી રાખીને પીવાથી રક્તપીત્ત, દાહ, તાવ, અતીસાર વગેરે મટે છે.

(૩) કાળી દ્રાક્ષ અને કરીયાતુ લેવાથી પીત્તજ્વર મટે છે.

(૪) કરીયાતુ અને સુંઠનું સમભાગે બનાવેલું ચુર્ણ રોજ લેવાથી લાંબા સમયનો ત્રીદોષજન્ય સોજો મટે છે.

(૫) પા ચમચી કરીયાતુ ચુર્ણ રોજ ફાકવાથી સ્ત્રીનું ધાવણ વધે છે.

(૬) ઠંડા પાણીમાં પલાળી રાખેલું કરીયાતાનું પાણી પીવાથી તાવ અને મંદાગ્ની મટે છે અને શક્તી વધે છે.

(૭) અડધી ચમચી કરીયાતાનો ભુકો એક કપ પાણીમાં નાખી, ઉકાળી ઠંડુ પાડી પી જવું. સવાર-સાંજ આ ઉકાળો તાજો જ બનાવીને પીવો. તાવનો આ અકસીર ઉપાય છે.

(૮) પા ચમચી કરીયાતાનું ચુર્ણ એેક કપ પાણીમાં પલાળી રાખી ગાળીને ૦.૩ ગ્રામ(બે રતીભાર) કપુર, ૦.૩ ગ્રામ શીલાજીત અને એક ચમચી મધ નાખી સવાર-સાંજ પીવાથી સર્વ રોગમાંથી મુક્તી મળે છે.