Archive for એપ્રિલ 19th, 2009

દુધી

એપ્રિલ 19, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દુધી દુધી ઠંડી, પૌષ્ટીક, ધાતુવર્ધક, બળવર્ધક, વૃષ્ય, વજન જો ગરમીને કારણે ઘટતું હોય તો તે વધારનાર અને ગર્ભને પોષણ આપનારી છે. એ ગરમીવાળાને, ગરમીના રોગવાળાને અને ગરમ ઋતુમાં વધુ માફક આવે છે. દુધીનું તેલ પણ ગરમ પ્રકૃતીવાળા માટે ઉપયોગી છે. દુધીના તેલની માલીશ કરવાથી બુદ્ધી વધે છે.

દુધી મધુર, સ્નીગ્ધ, ધાતુપુષ્ટદાયી, પાચનમાં હલકી (પરંતુ વધુ ખાવાથી ભારે), હૃદય માટે હીતકારી, રુચી તથા મુત્ર ઉત્પન્ન કરનારી, ગ્રાહી(ઝાડો બાંધનાર), બેચેની, પીત્ત(ગરમી), વીષ, શ્રમ, તાવ, તથા દાહનો નાશ કરે છે. એ બુદ્ધીવર્ધક, ઉંઘ લાવનારી, તરસ દુર કરનાર, રક્તસ્રાવ અટકાવનાર, વાતપીત્તનાશક, તથા કફવર્ધક છે. બંગાળમાં દુધીનાં પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. દુધીનાં બીજ મુત્રલ છે તેથી તે સોજા ઉતારે છે.

(૧) શરીરમાં દાહ-બળતરા થતી હોય, રક્તવીકાર, ગુમડાં, શીળસ, ગરમી વધી હોય તથા નાક કે ગળામાંથી લોહી પડતું હોય તો દુધીના રસમાં મધ, સાકર કે ઘી નાખી પીવાથી મટે છે.

(૨) ખુબ તાવ હોય અને મગજે ગરમી ચડી ગઈ હોય તો દુધી છીણી અથવા બે ફાડીયાં કરી માથે કે કપાળે બાંધવાથી ઠંડક થઈ રાહત થાય છે.

(૩) દુધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુખાવો તેમ જ ગાંડપણમાં લાભ થાય છે.

(૪) ઘી અને જીરુ વડે બનાવેલું દુધીનું શાક ખાવાથી અને દુધીના પાનનો રસ હરસ પર ચોપડવાથી હરસ મટે છે.

(૫) દાઝી જવાથી થયેલા વ્રણ પર દુધીના ગર્ભની લુગદી લગાડવાથી ફાયદો થાય છે.

(૬) ૧૦ થી ૨૦ ગ્રામ દુધીનાં બીના ચુર્ણને સાકર સાથે વાટી સવારે નરણા કોઠે ખાઈ બે કલાક પછી બે ચમચી દીવેલ પીવાથી પેટમાંના ચપટા કૃમી નીકળી જાય છે.

(૭) ૧૦ થી ૨૦ ગ્રામ દુધીનાં બીના ચુર્ણમાં સાકર અથવા મધ મેળવી દરરોજ સવાર, બપોર, સાંજે લેવાથી પેશાબનાં દર્દો મટે છે.

(૮) મધમાખી કે કાનખજુરા જેવાં ઝેરી જંતુના ડંખ પર દુધીના ડીંટાને પાણી સાથે ઘસી લેપ કરવાથી ડંખના વીષનો નાશ થાય છે.

(૯) ગરમીમાં દુધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી રાહત થાય છે.

(૧૦) દુધી નાખી પકાવેલું તેલ માથામાં નાખવાથી મગજને ઠંડક મળે છે.

(૧૧) એક ચમચી દુધીનાં બીજ પાણી સાથે સવાર-સાંજ ફાકી જવાથી મુત્રપ્રવૃત્તી વધી સોજા ઉતરે છે. (દુધીનાં બીજ ન મળે તો સક્કરટેટી, કાકડી કે તડબુચનાં બીજ પણ ચાલી શકે.)

(૧૨) દુધીનો મુરબ્બો મગજને ઠંડક આપે છે.

(૧૩) દુધીનો હલવો ધાતુપુષ્ટીકારક છે.

(૧૪) દુધીના બીજનું તેલ માથાનાં દર્દોમાં સારું પરીણામ આપે છે. વાળ ખરતા હોય તો દુધીનાં બીજથી પકવેલું તેલ વાપરવાથી વાળ ખરતા તથા સફેદ થતા અટકે છે.