Archive for જુલાઇ 13th, 2009

બાવચી

જુલાઇ 13, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બાવચી અત્યંત તીવ્ર ગંધને લીધે તરત જ ઓળખાઈ આવતી અને આખા ભારતમાં સર્વત્ર થતી બાવચી ચામડીના રોગોનું પ્રસીદ્ધ ઔષધ છે. એ કોઢનો નાશ કરે છે. એનાં બીજ પેટના કૃમીઓનો નાશ કરે છે. લોહીના બગાડને લીધે થતા ચામડીના રોગોમાં બાવચીનું તેલ શરીર પર લગાડવાથી લાભ થાય છે. સફેદ કોઢના આંગળીના વેઢે ગણાય એવાં ઔષધોમાં બાવચીની ગણતરી થાય છે.

બાવચી મધુર, કડવી, પચી ગયા પછી તીખી અને રસાયન ગુણવાળી છે. તે કબજીયાત મટાડનાર, ઠંડી, રુચી ઉત્પન્ન કરનાર, મળને સરકાવનાર, રુક્ષ, હૃદય માટે હીતકારી તેમ જ કફ, લોહીવીકાર, કોઢ, પીત્ત, શ્વાસ, પ્રમેહ, જ્વર અને કૃમી મટાડે છે. બાવચી વ્રણનાશક પણ છે.

(૧) બાવચીના પાનનો રસ અને દાડમના દાણા દહીંમાં મેળવી ખાવાથી મરડો મટે છે.

(૨) સફેદ કોઢના ડાઘ પર બાવચીના બીજનું તેલ લગાડી સવારનો તડકો અડધો કલાક પડવા દેવાથી સફેદ કોઢ મટે છે.

(૩) બાવચીના બીજનું અડધી ચમચી ચુર્ણ સાકર સાથે ખાવાથી રક્તબગાડથી થતા ચામડીના રોગો મટે છે તથા લેપ્રસીમાં ફાયદો થાય છે.

(૪) બાવચીનાં બીજ અડધી ચમચી એના જ અડધી ચમચી તેલમાં વાટીને સવાર-સાંજ લેવાથી છ મહીનામાં સર્વ પ્રકરના કોઢ મટે છે.

(૫) બાવચીના બીજને દુધમાં લસોટી તેની પેંડા જેવી સોગઠી બનાવી સુકવીને બાવચીના તેલમાં લસોટી લગાડવાથી સફેદ કોઢ મટે છે.

(૬) બાવચીના બીજ અને કારેલાને ગૌમુત્રમાં લસોટી પેસ્ટ બનાવી લગાડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.

(૭) બાવચીના દાણા-બીજ અને કાળા તલનું સરખા ભાગે બનાવેલું એક ચમચી મીશ્રણ રોજ રાત્રે ફાકી જવાથી અને સફેદ ડાઘ પર બાવચીનું તેલ લગાડી સવારના તડકામાં એક કલાક રોજ બેસવાથી કોઢ મટી જાય છે.