Posts Tagged ‘ચીત્રક’

ચીત્રક

ફેબ્રુવારી 17, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચીત્રક : ભારતના બધા ડુંગરોમાં ચીત્રક થાય છે. એના છોડ ત્રણથી છ ફુટ ઉંચા અને બહુવર્ષાયુ હોય છે. ડાળો ગોળ, શાખાઓ અનેક, પાન આંતરે લંબગોળ અને મોગરા જેવાં લીલાંછમ, ફુલ ગુચ્છામાં જાઈ જેવાં શ્વેત અને એકબીજાને ચોંટેલાં હોય છે.

એના મુળની છાલ તીખી હોય છે. કોમળ પાનની ભાજી ખવાય છે. તેનાં પાન અને મુળની તાજી છાલ જ ઔષધમાં વાપરવી, જે રતલામ તરફની સારી આવે છે.

ચીત્રક પચવામાં હલકો, મળને ખોતરીને ઉખેડનાર, ભુખ લગાડનાર, આહાર પચાવનાર, હરસ, ઉદરશુળ, વાયુ, કફ, સોજા, મળમાર્ગનો સોજો, સંગ્રહણી, પાંડુરોગ(રક્તાલ્પતા), કૃમી વગેરેનો નાશ કરે છે. સંગ્રહણીમાં તેનો ઉપયોગ ખુબ થાય છે.

(૧) ચીત્રકમુળની છાલના અડધી ચમચી ચુર્ણમાં સહેજ પાણી નાખી એક સ્વચ્છ માટીના પાત્રમાં ચોપડી એમાં દહીં જમાવી તેની છાસ દરરોજ બપોરે પીવાથી હરસ મટે છે. આ પ્રયોગ લાંબા સમય સુધી કરવો. અતીસાર, સંગ્રહણી અને પેટના રોગોમાં પણ એ સારો ફાયદો કરે છે.

(૨) છાયામાં સુકવેલી ચીત્રકની છાલનું પા(૧/૪) ચમચી ચુર્ણ ઘી, મધ કે દુધ સાથે એક વર્ષ સુધી લેવાથી સો વર્ષનું આયુષ્ય ભોગવી શકાય છે. એક માસ લેવાથી વાયુના રોગો મટે છે.

(૩) ગોમુત્ર સાથે લેવાથી કોઢ મટે છે.

(૪) છાસ સાથે લેવાથી હરસ મટે છે. આ ઉપચાર વખતે બ્રહ્મચર્ય પાળવું અને હીતકર અન્નપાન લેવાં.

(૫) વજન ઘટાડવા માટે રોજ ચીત્રકમુળની છાલનું એકથી બે ગ્રામ ચુર્ણ મધ સાથે ચાટવું.

(૬) ચીત્રકમુળના ચુર્ણમાં પાણી નાખી લેપ કરવાથી બદની ગાંઠ કે ગુમડું ફુટી જાય છે અને સોજો ઉતરે છે.

(૭) એકથી બે વાલના દાણા જેટલું ચીત્રકમુળનું ચુર્ણ ચાટવાથી ભુખ લાગે છે, આહારનું પાચન થાય છે, મળમાર્ગનો સોજો અને હરસ મટે છે.

વાયુ, પીત્ત અને કફના રોગોમાં દોષ મુજબ અનુપાન સાથે પા ચમચી ચીત્રકમુળનું ચુર્ણ સવાર-સાંજ લેવાથી સર્વ રોગહર ઔષધોમાં એના જેવું બીજું કોઈ ઔષધ નથી. પરંતુ ગર્ભવતી સ્ત્રીએ ચીત્રકનો ઉપયોગ કરવો નહીં.