Posts Tagged ‘અતીસાર’

અતીસાર

જાન્યુઆરી 4, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

અતીસાર (૧) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ દીવસમાં ત્રણ વાર પીવાથી અતીસાર મટે છે.

(૨) જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લી વૉટર કહે છે. એ પીવાથી અતીસાર મટે છે.

(૩) જાંબુડીની છાલનો ૨૦ ગ્રામ ઉકાળો મધ મેળવી પીવાથી અતીસાર મટે છે.

(૪) જાંબુડીનાં કુમળાં પાનનો ૧૦ ગ્રામ રસ ૩ ગ્રામ મધ મેળવી દીવસમાં ત્રણ વાર લેવાથી અતીસાર મટે છે.

(૫) દાડમના ફળની છાલ ૫૦ ગ્રામ, લવીંગનું અધકચરું ચુર્ણ ૭.૫ ગ્રામ અને ૫૦૦ મી.લી. પાણી ઢાંકણ ઢાંકી ૧૫ મીનીટ ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી દીવસમાં ત્રણ વાર ૨૫-૫૦ ગ્રામ જેટલું પીવાથી નવો અતીસાર અને નવો મરડો દુર થાય છે.

(૬) બોરડીના સુકા પાનનું ચુર્ણ મઠા સાથે લેવાથી અતીસાર મટે છે.

(૭) બોરડીના મુળની છાલના ક્વાથમાં મગનું ઓસામણ બનાવી પીવાથી અતીસાર મટે છે.

(૮) બોરડીના મુળની છાલ બકરીના દુધમાં પીસી મધ મેળવી પીવાથી રક્તાતીસાર મટે છે.

(૯) કાચાં સીતાફળ ખાવાથી અતીસાર અને મરડો મટે છે.

(૧૦) સંગ્રહણી-ઝાડાના રોગમાં જ્યારે ખોરાક લેવાનો પ્રતીબંધ હોય ત્યારે કેળાં ખોરાક તરીકે અતી ઉત્તમ છે.

(૧૧) સુવા અને મેથીનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી લેવાથી અતીસાર મટે છે.

સુંઠ્યાદી ચુર્ણ

ડિસેમ્બર 3, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુંઠ્યાદી ચુર્ણ (૧) સુંઠ ૬૦ ગ્રામ, લીંડીપીપર ૬૦ ગ્રામ, મરી ૪૦ ગ્રામ, નાગરવેલનાં સુકવેલાં પાન ૩૦ ગ્રામ, તજ ૨૦ ગ્રામ, એલચી ૧૦ ગ્રામ અને ૨૨૦ ગ્રામ સાકરનું બારીક વસ્ત્રગાળ ચુર્ણ સુંઠ્યાદી ચુર્ણ નં.૧ છે. અડધી ચમચી જેટલું આ ચુર્ણ ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે સવાર-સાંજ લેવાથી મંદાગ્ની, અરુચી, અપચો, દમ, ઉધરસ, શરદી, કંઠ-ગળાના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. બે મહીના બાદ નવું ચુર્ણ બનાવવું જોઈએ.

(૨) અમલભેદ, સુંઠ, દાડમ, સંચળ અને હીંગનું સરખા વજને ખુબ ખાંડી બનાવેલું બારીક ચુર્ણ તે સુંઠયાદી ચુર્ણ નં. ૨. આ ચુર્ણ સહેજ નવશેકા પાણી સાથે લેવાથી શ્વાસ, કફના રોગો અને હૃદયના રોગોમાં ફાયદો થાય છે. આ ચુર્ણનો ઉપયોગ કરતી વખતે કફકારક આહાર-વીહારનો ત્યાગ કરવો.

(૩) અતીવીષ, સુંઠ, ચીત્રક, નાગરમોથ, ઈન્દ્રજવ અને હીંગનું સરખા વજને ખુબ ખાંડી બનાવેલું બારીક ચુર્ણ તે સુંઠયાદી ચુર્ણ નં. ૩. અડધીથી એક ચમચી જેટલું આ ચુર્ણ નવશેકા પાણી સાથે સવાર-સાંજ લેવાથી અતીસાર, આમાતીસાર, જુનો મરડો, ગેસ, આફરો, વાછુટ અને મળની દુર્ગંધ વગેરે મટે છે.

સારીવા

નવેમ્બર 15, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સારીવા : સારીવાને કપુરમધુરી, ઉપલસરી, કાબરી, હરીવો વગેરે કહે છે. એનાં પાન કાબરચીતરાં હોય છે. તેની સુગંધ મીઠી મનમોહક હોય છે. એને અનંતમુળ પણ કહે છે.

સારીવા મધુર, ગુરુ, સ્નીગ્ધ, વર્ણ માટે હીતકારી, મળને બાંધનાર, ધાવણ શુદ્ધ કરનાર, દાહ શાંત કરનાર, ત્રીદોષનાશક, રક્તવીકાર, તાવ, ચળ, કુષ્ટ, પ્રમેહ, શરીરની દુર્ગંધ, અરુચી, અગ્નીમાંદ્ય, દમ, ખાંસી, ત્વચાના રોગો, વીષ અને અતીસારને મટાડે છે. ઉપરાંત મુત્રવીરચનીય, પરસેવો લાવનાર, સોજો મટાડનાર અને રસાયન છે.

સારીવા-અનંતમુળની કપુરકાચલી અને ચંદન જેવી મીશ્ર સુગંધ મધુર, આહ્લાદક, સુંઘ્યા જ કરીએ, ભુલી ન શકાય તેવી હોય છે. જે સારીવાના મુળીયામાં સુગંધ આવતી હોય તેનો જ ઔષધમાં ઉપયોગ કરવો. સારીવાનાં મુળ બજારમાં મળે છે. એ રક્તશુદ્ધીની અપ્રતીમ દવા છે.

(૧) કોઠે રતવા હોય, વારંવાર કસુવાવડ થઈ જતી હોય, બાળક જન્મતાં જ મરી જતું હોય તો તેને માટે સારીવા ઉત્તમ ઔષધ છે. એમાં અડધી ચમચી સારીવા-મુળનું ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવું.

(૨) લોહી-બગાડ અને ત્વચાના રોગમાં અનંતમુળ અને ગળોનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ અડધીથી એક ચમચી પાણી સાથે ફાકી જવું.

સફરજન

ઓક્ટોબર 30, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સફરજન : સફરજનમાં શરીરનાં વીજાતીય દ્રવ્યોનો નાશ કરવાનો ખાસ ગુણ રહેલો છે.

એ સંગ્રહણી, મરડો અને અતીસારમાં સારું ગણાય છે. એ ગ્રાહી છે એટલે કે પાતળા મળને બાંધીને રોકે છે. સફરજનમાં પોટેશ્યમ અને મેલીક એસીડ જેવા  અગત્યના પદાર્થો છે. એનો મુરબ્બો સંગ્રહણી-અતીસારમાં ખુબ સારો છે.

એ રસાયન ઔષધ છે. રોજનું એક સફરજન ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. એમાં રહેલું તીવ્ર એન્ટીઑક્સીડંટ શરીરના કોષોને નાશ પામતા અટકાવવામાં મદદરુપ થાય છે. લાલ છાલવાળા સફરજનમાં લીલી છાલવાળા કરતાં એન્ટીઑક્સીડન્ટ વધારે હોય છે.

સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભુખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતી વધારે છે. સફરજનને બાફીને કે સુપ બનાવીને પણ ખાઈ શકાય.

સફરજન મરડો, સંગ્રહણી, અતીસાર, આંતરડાનાં ચાંદાં-અલ્સરેટીવ કોલાયટીસમાં સારો ફાયદો કરે છે. પાચનશક્તી નબળી પડી ગઈ હોય, વારંવાર પાતળા ઝાડા થતા હોય કે કબજીયાત રહેતી હોય તો માત્ર સફરજન પર રહેવાથી ફાયદો થાય છે. જો દુધ માફક આવતું હોય તો સવાર-સાંજ દુધ અને બપોરે સફરજન લઈ શકાય. દુધ અને સફરજનની વચમાં એ પચી જાય એટલો સમયગાળો રાખવો જોઈએ, અને એટલા જ પ્રમાણમાં દુધ અને સફરજન ખાવાં જોઈએ. જો દુધ અનુકુળ ન આવતું હોય તો તાજા દહીંનો મઠો લઈ શકાય.

શીમળો

ઓક્ટોબર 26, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

શીમળો શીમળાને તીક્ષ્ણ લોખંડ જેવા કાંટા હોય છે, લાલચોળ ફુલ હોય છે, અને ઘેરાં લીલાં પાન હોય છે. એની છાલમાંના ચીકણા રસમાંથી લાલ ગુંદર થાય છે જેને મોયરસ કહે છે.

(૧) શીમળાના ફુલનું શાક સીંધવ અને ઘીમાં વઘારીને ખાવાથી કષ્ટસાધ્ય પ્રદર, રક્તપીત્ત પ્રદર અને કફનો નાશ થાય છે.

(૨) શીમળાનાં સુકવેલાં મુળને શેમુર મુસળી કહે છે. આ મુસળીનું અડધી ચમચી ચુર્ણ, એક ચમચી સાકર અને એક ચમચી ગાયનું ઘી એક ગ્લાસ દુધમાં નાખી ગરમ કરી દરરોજ રાત્રે પીવાથી શીઘ્ર સ્ખલનની તકલીફ મટે છે.

(૩) એક ચમચી શીમળાની છાલ છાસમાં લસોટી તાજેતાજી સવાર-સાંજ પીવાથી અતીસાર, સંગ્રહણી અને જુનો મરડો મટે છે.

(૪) શીમળાની છાલનું ચુર્ણ અડધી ચમચી, એક ચમચી મધ અને એક ચમચી સાકર રોજ રાત્રે લેવાથી શરીર બળવાન બને છે.

વાવડીંગ

ઓક્ટોબર 9, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વાવડીંગ વાવડીંગ તીખાં, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, અગ્નીને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે. અાથી તે શુળ, અાફરો, પેટના વીભીન્ન રોગો, કફ, કૃમી, વાયુ તથા કબજીયાત મટાડે છે. વાવડીંગ વાયુને નીચેની તરફ સરકાવે છે. એ મુત્રનું પ્રમાણ વધારનાર, ઉત્તમ કૃમીનાશક, બળપ્રદ, વાયુનાશક, મગજ અને નાડીઓને બળ આપનાર, લોહીની શુદ્ધી કરનાર અને રસાયન છે. એનાથી ભુખ સારી લાગે છે, આહાર પચે છે, મળ સાફ ઉતરે છે, વજન વધે છે, ચામડીનો રંગ સુધરે છે.

(૧) ગોળ અને ચપટા કૃમીના નાશ માટે વીરેચનથી મળશુદ્ધી કરી, પુખ્ત વયનાને ૧૦ ગ્રામ અને બાળકોને ૩-૪ ગ્રામ વાવડીંગનું ચુર્ણ પાણી સાથે સવાર-સાંજ દસેક દીવસ સુધી આપવું. ઉપર ફરીથી હરડેનો રેચ આપવો. કૃમીનાશક દ્રવ્યોમાં વાવડીંગ શ્રેષ્ઠ છે.

(૨) એક ચમચી વાવડીંગનું ચુર્ણ રાત્રે ગોળ સાથે ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.

(૩) આશરે ત્રણથી પાંચ ગ્રામ વાવડીંગનું ચુર્ણ તાજી મોળી છાશમાં મેળવી સવાર-સાંજ પીવાથી અગ્નીમાંદ્ય, અરુચી, ઉબકા, ઉલટી, અપચો, આફરો, પેટમાં વાયુ ભરાવો, ઉદરશુળ, મોળ આવવી વગેરેમાં ઉત્તમ લાભ થાય છે.

(૪) સમાન ભાગે વાવડીંગ અને કાળા તલ ભેગા કરી લસોટીને સુંઘવાથી આધાશીશી મટે છે.

વીડંગારીષ્ટ વાવડીંગ અને બીજી ઔષધીઓના મીશ્રણથી બનાવવામાં આવતું આ દ્રવ ઔષધ ચારથી છ ચમચી સવાર-સાંજ લેવામાં આવે તો પેટના કૃમીઓ, પથરી, ભગંદર, મુત્રકૃચ્છ્ર, પેટનો ગૅસ, સોજા, અતીસાર અને ગંડમાળ જેવા રોગો મટે છે.

વડ

સપ્ટેમ્બર 30, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વડ (વડના ઔષધીય ઘણા ઉપયોગો છે. આથી દર વખતે થોડા થોડા આપવા વીચારું છું.) વડનાં બધાં અંગો ઔષધરુપે વપરાય છે. સંસ્કૃતમાં વડને વટ, ન્યગ્રોધ કે બહુપાદ કહે છે. વડ શીતળ, ભારે, ગ્રાહી, મળને બાંધનાર, વર્ણને સારો કરનાર અને તુરા રસને કારણે કફ, પીત્ત, વ્રણ-ઘા, રતવા, દાહ તથા ગર્ભાશય તથા યોનીરોગોનો નાશ કરે છે.

વડની છાલ, પાન, વડવાઈ, ટેટા, દુધ અને પાનના અંકુર ઔષધમાં ઉપયોગી છે. વડનું દુધ વેદના-પીડા મટાડનાર અને વ્રણ રુઝવનાર છે. વડનાં કોમળ પાન કફનાશક અને છાલ મળને રોકનાર છે.

(૧) અતીસાર-પાતળા ઝાડામાં વડની કોમળ વડવાઈઓ ચોખાના ઓસામણમાં સારી રીતે વાટી-લસોટી સાકર નાખી બે ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવાથી અતીસાર મટી જાય છે. મળ સાથે ઝાડામાં લોહી પડતું હોય-રક્તાતીસાર હોય તો તે પણ મટી જાય છે.

(૨) મુત્રમાર્ગના રક્તસ્રાવમાં પણ આ ઉપચાર સારું પરીણામ આપે છે. (વધુ આવતી વખતે)

રસવંતી

ઓગસ્ટ 23, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

રસવંતી : દારુહળદરમાંથી બનાવવામાં આવતી રસવંતી બજારમાં મળે છે. દારુહળદરના છોડ ગુજરાતમાં થતા નથી પણ ઉત્તર ભારત, હીમાલય, દહેરાદુન, મસુરી વગેરે સ્થળોએ ખુબ થાય છે. દારુહળદરના આખા છોડની રસક્રીયા અથવા ઘન એ જ રસવંતી. બજારમાં મળતી રસવંતીમાં ઘણી અશુદ્ધી હોય છે. આથી તેનો ઉપયોગ કરતાં પહેલાં પાણીમાં ઉકાળી કપડાથી ગાળી ફરીથી બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.

રસવંતી તીખી, ઉષ્ણ, અત્યંત કડવી તથા રસાયન ગુણ ધરાવે છે.

(૧) કાબુલી ચણાના દાણા જેટલી રસવંતી સવાર-સાંજ લેવાથી  કફના રોગો, વીષ, નેત્રના રોગો તથા વ્રણ મટે છે. એનાથી વીષમ જ્વર, રક્તપીત્ત, રક્તાતીસાર, રક્તાર્શમાં પણ ફાયદો થાય છે.

(૨) રસવંતી ચોખાના ધોવાણ સાથે લેવાથી અતીસાર, પ્રદર, લોહીવા વગેરે મટે છે.

(૩) હાથીદાંતના વહેરને એેક મટકીમાં સંપુટ કરી કોલસો કરવો. આ કોલસા જેટલા વજનમાં રસવંતી લેવી. બંનેને બકરીના દુધમાં લસોટી સોપારી જેવડી સોગઠી બનાવી સુકવી લેવી. આ સોગઠીને બકરીના જ દુધમાં અથવા પાણીમાં લસોટી મલમ બનાવી માથા પર લગાડવાથી માથાની ઉંદરી મટે છે અને ખરેલા વાળ ફરી ઉગે છે.

(૪) રક્તસ્રાવી મસા પર લગાડવાથી મસા મટે છે.

(૫) મધ સાથે લગાડવાથી બાળકના મોં પરનાં ચાંદાં મટે છે.

મામેજવો

ઓગસ્ટ 9, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મામેજવો : આપણે ત્યાં મામેજવો ચોમાસાની ઋતુમાં ખેતરના છેડાઓ પર તથા ઘાસમાં પુશ્કળ ઉગી નીકળે છે. એનાં સાંકડાં લાંબાં પાન નાગની જીભ જેવાં હોવાથી તેને નાગજીહ્વા કહે છે.

એના છોડ ૧૦થી ૧૫ સે.મી. (૪થી ૬ ઈંચ) ઉંચા, દાંડી ચોરસ, પાન ડીંટડી વગરનાં સામસામે હોય છે. ફુલ રુક્ષ, નાનાં અને સફેદ હોય છે. આખો છોડ પાનથી ભરેલો અને અતી કડવો હોય છે.

મામેજવો મધુપ્રમેહ(ડાયાબીટીસ)ને કાબુમાં રાખનાર ઉત્તમ ઔષધ છે. એ કફ-પીત્તશામક, ભુખ લગાડનાર, આમપાચક, ઝાડો સાફ લાવનાર, સોજો ઉતારનાર, રક્તની શુદ્ધી કરનાર તથા રક્તપીત્તને મટાડનાર છે.

(૧) એનાં પાનનો રસ એક ચમચી જેટલો ૮થી ૧૦ કાળા મરી સાથે લેવાથી મૅલેરીયા મટે છે.

(૨) આખા છોડને છાયામાં સુકવી, ખાંડીને બારીક ચુર્ણ બનાવવું. અડધી ચમચી આ ચુર્ણ બપોરે અને રાત્રે લેવાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે અને મધુપ્રમેહમાં ફાયદો થાય છે. જીર્ણજ્વર અને પેટનાં કરમીયા પણ મટે છે.

(૩) મામેજવાનો છોડ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, મળ સાફ લાવનાર, રક્તની શુદ્ધી કરનાર, આમને પચાવનાર, યકૃતને ઉત્તેજીત કરનાર, રક્તપીત્ત, કફ અને પીત્તનો નાશ કરનાર છે.

(૪) અડધી ચમચી મામેજવાનું ચુર્ણ અને ત્રણ કાળાં મરીનું ચુર્ણ દીવસમાં ત્રણ વખત લેવાથી તાવમાં ફાયદો થાય છે.

(૫) મામેજવાનું ચુર્ણ છાસમાં લેવાથી મૅલેરીયા અને અતીસારમાં ફાયદો થાય છે. તે કૃમીનો નાશ કરે છે, અને ડાયાબીટીસને શાંત કરે છે. બજારમાં મામેજવા ઘનવટી મળે છે. તેનો પણ ઉપયોગ કરી શકાય. બે-બે ગોળી દીવસમાં ત્રણ વખત લેવી. બાળકોને એક એક ગોળી ત્રણ વાર આપવી.

(૬) મામેજવો, મેથી, આમળાં, કાચકા અને હળદરનું સમાન ભાગે બનાવેલ ચુર્ણ રોજ અડધી ચમચી જેટલું સવાર-સાંજ લેવાથી અને દરરોજ એકથી બે કીલોમીટર ચાલવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે.

બોરસલી

જુલાઇ 19, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બોરસલી : બોરસલીને સંસ્કૃતમાં બકુલ કહે છે. એના થડની છાલ કાળાશ પડતી હોય છે. એ ઉદ્યાનોમાં અને જંગલોમાં ખુબ જોવા મળે છે.

(૧) દાંત હાલતા હોય, દાંતનાં પેઢાં કમજોર થઈ ગયાં હોય તો સવારે દાંત સાફ કર્યા પછી બોરસલીની છાલનો ઉકાળો ઠંડો કરી મોંમાં ૧૦થી ૧૫ મીનીટ ભરી રાખવો. તેમ જ બોરસલીના બીનું બારીક ચુર્ણ રોજ રાત્રે ધીમે ધીમે દાંત અને પેઢા પર ઘસવું.

(૨) બોરસલ્લીના મુળની છાલનો અડધી ચમચી કલ્ક(પેસ્ટ) રોજ સવારે દુધ સાથે પીવાથી ઘરડા માણસોના દાંત પણ મજબુત થાય છે, કેમ કે બોરસલ્લીની છાલ, બીજ અને તાજાં દાતણ દાંત માટે ખુબ સારાં છે. દાંતની તકલીફવાળાએ બોરસલ્લીનું દાંતણ રોજ કરવું જોઈએ.

(૩) બોરસલ્લીનાં બીજ પાણીમાં પથ્થર પર ઘસી ચાટણ બનાવી સવાર-સાંજ લેવાથી અતીસારમાં થતા પાતળા ઝાડા મટી જાય છે.

(૪) ઉકાળીને ઠંડા કરેલા પાણીમાં બોરસલીનાં ચાર ફુલ અધકચરાં વાટી રાત્રે પલાળી રાખવાં. સવારે આ પાણી ગાળી બબ્બે ચમચી સવારે, બપોરે અને રાત્રે બાળકોને પીવડાવવાથી સુકી ઉધરસ, વરાધ અને કફના રોગો મટે છે.બોરસલી