Posts Tagged ‘ગુમડું’

વરણો

ઓક્ટોબર 7, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વરણો એને વાયવરણો, કાગડાકેરી કે કોયોવડ પણ કહે છે. ૨૦થી ૩૦ ફુટ ઉંચું આ ઝાડ બધે જ થાય છે. એના સાધારણ કદનાં ઝાડ કોંકણમાં ખુબ થાય છે. તેનાં પાન બીલી જેમ ત્રીદલ હોય છે. પાનની ગંધ ઉગ્ર હોય છે અને દાંડી એરંડાની જેમ લાંબી હોય છે. પાન ખુબ કડવાં હોય છે, આથી એની ભાજીમાં ડુંગળી વધારે નાખવી પડે છે. એની છાલ ખુબ ગરમ છે, આથી દુખાવાના સ્થાન પર એનો લેપ કરવામાં આવે છે.

વરણો અને સરગવો ગુણમાં લગભગ સરખા છે. વરણો ગરમ છે એટલે તે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આહારનું પાચન કરાવે છે. ભુખ ન લાગતી હોય તેને માટે વરણાનું સેવન આશીર્વાદ સમાન છે. યકૃતવૃદ્ધી, મુત્રાવરોધ, મુત્રકષ્ટ, પ્રોસ્ટેટ(પુરુષાતન ગ્રંથી), પથરી અને સોજામાં આ વાયવરણો અકસીર ઔષધ છે.

(૧) વાયવરણાના મુળ અને છાલનું અડધીથી એક ચમચી ચુર્ણ એક ગ્લાસ પાણીમાં મંદ તાપે અડધા કપ જેટલું બાકી રહે ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ પીવાથી ઉપરોક્ત બધી તકલીફ મટે છે.

(૨) શરીરના કોઈ પણ ભાગમાં ગાંઠ થઈ હોય તો તેના પર વરણાની છાલનો લેપ કરવાથી થોડા દીવસોમાં ગાંઠ ઓગળીને બેસી જાય છે.

(૩) બરોળ અને લીવરના સોજા પર વરણાની છાલનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો મટી જાય છે. એક ચમચી છાલના ભુકાનો ઉકાળો કરી પીવો.

(૪) વાયવરણો, સુંઠ, જવખાર, ગોળ અને ગોખરુંનો ઉકાળો પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે.

(૫) વરણો અને સરગવાની છાલનો ઉકાળો પીવાથી પેશાબના રોગો અને પથરી મટે છે.

(૬) પેશાબ અટકી જતો હોય, જોર કરવાથી અટકી અટકીને આવતો હોય તો વરણો, સરગવો અને ગોખરુ સમાન ભાગે લઈ ઉકાળો કરીને પીવો.

(૭) કાન નીચે મમ્પસ-ગાલપચોળીયા-લાપોટીયાનો સોજો આવ્યો હોય તો વરણાની છાલનું ચુર્ણ અને હળદરનું સમાન ભાગે મીશ્રણ કરી લેપ કરવાથી લાપોટીયું મટે છે.

(૮) આંતરડાનો અંદરનો સોજો, એપેન્ડીસાઈટીસ, ફેરીન્જાયટીસ, પેરીકાઈટીસ વગેરે સવાર-સાંજ વરણો અને સાટોડીનો ઉકાળો પીવાથી મટે છે.

(૯) વરણો પેટમાં આહારનો સડો અને વાછુટની દુર્ગંધ મટાડે છે. જેને ઉર્ધ્વ વાયુથી ઓડકાર આવતા હોય, વાયુથી પેટ ફુલી જતું હોય તેને વરણો સારો ફાયદો કરે છે. એ વાયુની ગતી અધોગામી કરે છે.

(૧૦) યકૃતની ક્રીયાને સુધારનાર હોવાથી તે પીત્તસારક ગણાય છે. આથી તે પીત્તની પથરી(ગોલ બ્લેડર)માં ખુબ જ હીતાવહ છે.

(૧૧) હરસ સુકા હોય તો વરણાનો ઉકાળો સવાર-સાંંજ પીવાથી ફાયદો થાય છે.

(૧૨) પાકેલા ગુમડા પર વરણાના પાનનો લેપ કરવાથી ગુમડું પાકીને ફુટી જાય છે.

નગોડ

મે 12, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નગોડ : નગોડ બે જાતની થાય છે, ધોળાં ફુલવાળી અને કાળાં ફુલવાળી. બંને જાતની નગોડ બુદ્ધી તથા સ્મૃતી વધારનાર, કડવી, તુરી, તીખી, હલકી તેમજ વાળ અને આંખ માટે હીતકર છે. તે શુળ, સોજા, અામવાત, કૃમી, કોઢ, અરુચી, કફ અને તાવને મટાડે છે. મુખ્યત્વે અેમાં વાતનાશક ગુણ હોવાથી સાંધાના વામાં ખુબ ઉપયોગી છે.

(૧) નગોડનાં તાજાં મુળ અને લીલાં પાનનો રસ કાઢી  તેમાં ચોથા ભાગે તલનું તેલ મેળવી પકાવવું. જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે ઉતારી લેવું. સવાર-સાંજ નીયમીત અા તેલથી માલીશ કરતા રહેવાથી કંપવા, સાંધાના વાની પીડા અને વાયુથી થતા દુખાવામાં રાહત થાય છે.

(૨) ગમે તેવું ભરનીંગળ ગુમડંુ થયું હોય તેના પર નગોડનાં પાન વાટીને લગાડવામાં આવે તો પાકીને ફુટી જાય છે.

(૩) નગોડના તેલ(નીર્ગુંડી તેલ)ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે.

(૪) સુવાવડી સ્ત્રીના તાવમાં મોટા ભાગે ગર્ભાશયનો સોજો હોય છે. નગોડના પાનનો સ્વરસ અથવા પાનનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો ઉતરી જાય છે અને તાવ મટે છે.

(૫) સંધીવામાં નગોડનો ઉકાળો લાભ કરે છે.

(૬) નગોડ ઉત્તમ વ્રણશોધક, વ્રણરોપક, મુત્રજનન, આર્તવજનન કૃમીઘ્ન અને વેદનાહર છે.

(૭) કોઈ પણ દુખાવામાં નગોડના તેલની હળવા હાથે માલીશ કરવાથી ફાયદો થાય છે. સાયટીકા-રાંઝણનું તે શ્રેષ્ઠ ઔષધ છે.

(૮) શરદી હોય અને નાક બંધ થઈ જતું હોય તો નીર્ગુંડી તેલનાં બે-ત્રણ ટીપાં નાકમાં નાખવાથી તરત જ ફાયદો થાય છે.

(૯) કાનમાં પાક થઈ દુખાવો થતો હોય, પરું નીકળતું હોય તો કાનમાં આ તેલનાં બે-ત્રણ ટીપાં મુકવાથી દુખાવો તથા પાક મટે છે.

ચીત્રક

ફેબ્રુવારી 17, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચીત્રક : ભારતના બધા ડુંગરોમાં ચીત્રક થાય છે. એના છોડ ત્રણથી છ ફુટ ઉંચા અને બહુવર્ષાયુ હોય છે. ડાળો ગોળ, શાખાઓ અનેક, પાન આંતરે લંબગોળ અને મોગરા જેવાં લીલાંછમ, ફુલ ગુચ્છામાં જાઈ જેવાં શ્વેત અને એકબીજાને ચોંટેલાં હોય છે.

એના મુળની છાલ તીખી હોય છે. કોમળ પાનની ભાજી ખવાય છે. તેનાં પાન અને મુળની તાજી છાલ જ ઔષધમાં વાપરવી, જે રતલામ તરફની સારી આવે છે.

ચીત્રક પચવામાં હલકો, મળને ખોતરીને ઉખેડનાર, ભુખ લગાડનાર, આહાર પચાવનાર, હરસ, ઉદરશુળ, વાયુ, કફ, સોજા, મળમાર્ગનો સોજો, સંગ્રહણી, પાંડુરોગ(રક્તાલ્પતા), કૃમી વગેરેનો નાશ કરે છે. સંગ્રહણીમાં તેનો ઉપયોગ ખુબ થાય છે.

(૧) ચીત્રકમુળની છાલના અડધી ચમચી ચુર્ણમાં સહેજ પાણી નાખી એક સ્વચ્છ માટીના પાત્રમાં ચોપડી એમાં દહીં જમાવી તેની છાસ દરરોજ બપોરે પીવાથી હરસ મટે છે. આ પ્રયોગ લાંબા સમય સુધી કરવો. અતીસાર, સંગ્રહણી અને પેટના રોગોમાં પણ એ સારો ફાયદો કરે છે.

(૨) છાયામાં સુકવેલી ચીત્રકની છાલનું પા(૧/૪) ચમચી ચુર્ણ ઘી, મધ કે દુધ સાથે એક વર્ષ સુધી લેવાથી સો વર્ષનું આયુષ્ય ભોગવી શકાય છે. એક માસ લેવાથી વાયુના રોગો મટે છે.

(૩) ગોમુત્ર સાથે લેવાથી કોઢ મટે છે.

(૪) છાસ સાથે લેવાથી હરસ મટે છે. આ ઉપચાર વખતે બ્રહ્મચર્ય પાળવું અને હીતકર અન્નપાન લેવાં.

(૫) વજન ઘટાડવા માટે રોજ ચીત્રકમુળની છાલનું એકથી બે ગ્રામ ચુર્ણ મધ સાથે ચાટવું.

(૬) ચીત્રકમુળના ચુર્ણમાં પાણી નાખી લેપ કરવાથી બદની ગાંઠ કે ગુમડું ફુટી જાય છે અને સોજો ઉતરે છે.

(૭) એકથી બે વાલના દાણા જેટલું ચીત્રકમુળનું ચુર્ણ ચાટવાથી ભુખ લાગે છે, આહારનું પાચન થાય છે, મળમાર્ગનો સોજો અને હરસ મટે છે.

વાયુ, પીત્ત અને કફના રોગોમાં દોષ મુજબ અનુપાન સાથે પા ચમચી ચીત્રકમુળનું ચુર્ણ સવાર-સાંજ લેવાથી સર્વ રોગહર ઔષધોમાં એના જેવું બીજું કોઈ ઔષધ નથી. પરંતુ ગર્ભવતી સ્ત્રીએ ચીત્રકનો ઉપયોગ કરવો નહીં.