Archive for માર્ચ 1st, 2009

છાસ

માર્ચ 1, 2009

છાસ આયુર્વેદના એક પ્રખ્યાત ગ્રંથ યોગરત્નાકરમાં લખ્યું છે કે,

कैलासे यदि तक्रमस्ति गिरीश: किं नीलकंठो भवेत् |

वैकुंठे यदि कृष्णतामनुभवेदधापि किं केशव: ||

ईन्द्रो दुर्भगता क्षयं द्विजपति लंबोदरत्वं गण: |

कुष्ठित्वं च कुबेरको दहनतामग्निश्च किं विन्दति ||

એટલે કે કૈલાસમાં દેવોને જો તક્ર-છાસ મળતી હોત તો શું શીવજી નીલકંઠી રહેત? વૈકુંઠમાં જો તક્ર-છાસ હોત તો શું વીષ્ણુજી શ્યામ રંગના હોત? જો દેવલોકમાં છાસ હોત તો શું દેવરાજ ઈન્દ્ર દુર્ભગ-સૌંદર્યહીન હોત? ચંદ્રમાને ક્ષય હોત? ગણપતીનું પેટ મોટું (લંબોદર) હોત? કુબેરને કુષ્ઠ-કોઢ હોત? અગ્નીદેવની અંદર દાહ હોત? (સ્વર્ગમાં છાસ નહોતી. પૃથ્વીલોકમાં છાસ અમૃત સમાન ઔષધ છે.)

દહીંને ખુબ વલોવીને માખણ કાઢી લીધા પછી વધુ પાણી ઉમેરીને ફરી વલોવવાથી જે દ્રવ તૈયાર થાય તેને છાસ કહેવામાં આવે છે. છાસ પચવામાં અત્યંત સુપાચ્ય-હલકી, શીતળ, પીત્તશામક, તરસ તથા વાયુનો નાશ કરનારી છે. જો તાજી છાસમાં થોડું મીઠું નાખીને સેવન કરવામાં આવે તો તે જઠરાગ્નીને એકદમ પ્રદીપ્ત કરે છે. છાસનો મધુર રસ પીત્તને શાંત કરી પોષણ આપે છે. ખાટો રસ વાયુને શાંત કરી બળ આપે છે અને તેનો તુરો રસ કફને દુર કરી તાકાત વધારે છે. જે લોકોને દુધ ભાવતું ન હોય કે પેટમાં ગરબડ કરતું હોય તેને માટે છાસ ખુબ જ ગુણકારી છે. પાચનતંત્રના અનેક રોગોમાં છાસ ગુણકારી હોવાથી તેને આંતરડાનું ઉત્તમ ટોનીક કહેવાયું છે. શીતકાળ, અગ્નીની મંદતા, વાયુના રોગો, આહાર પર અરુચી, નાડી અવરોધ વગેરે સ્થીતીમાં છાસ અમૃત સમાન છે. તેના સેવનથી વીષવમન, જીવ ચુંથાવો, મોળ આવવી, વીષમજ્વર, પાંડુરોગ, સંગ્રહણી, મસા-પાઈલ્સ, પ્રમેહ, મુત્રકૃચ્છ્ર, ભગંદર, ગોળો, અતીસાર, શુળ, પ્લીહા રોગ, ઉદરરોગ, અરુચી, સફેદ કોઢ, સોજા, તરસ અને કૃમી વગેરે વ્યાધીઓમાં ફાયદો થાય છે.