Posts Tagged ‘અપચો’

500 આરોગ્ય ટુચકા ભાગ 2

ઓગસ્ટ 30, 2021

મારા બ્લોગ પર મેં બીજા 500 આરોગ્ય ટુચકા પુરા કર્યા છે. એને આ સાથે બુકના રુપમાં પ્રસીધ્ધ કરતાં આનંદ થાય છે. આશા છે બધા ટુચકા એક સાથે હોવાથી પસંદ કરીને જોવાનું વધુ અનુકુળ રહેશે.

ગેસ, અપચો અને ખાટા ઓડકાર

ઓક્ટોબર 4, 2013

ઉપચાર તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

નીચેની માહીતી ભાઈશ્રી બી.જે. મિસ્ત્રીના સૌજન્યથી આપવામાં આવે છે. એમના તરફથી મળેલ ઈમેઈલમાં આ માહીતીનો પ્રચાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આમાંના કેટલાક ઉપાય મારા બ્લોગમાં આવી ગયા હશે. લગભગ આ બધા ઉપાયો પીત્ત પ્રકૃતીવાળાએ કરતાં પહેલાં પ્રમાણ બાબત કાળજી લેવી, અને પ્રતીકુળ અસર જણાય તો પ્રયોગ ચાલુ રાખવા ન જોઈએ, કે ઔષધોનું પ્રમાણ ઘટાડી દેવું.

ગેસ, અપચો અને ખાટા ઓડકાર

૧. જીરુ પાવડર સાથે થોડી હીંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દુર થાય છે.

૨. મેથી અને સુવાનું શેકી ચુર્ણ બનાવી પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

૩. દરરોજ રાત્રે સુતાં પહેલાં ગળ્યા દુધમાં બે ચમચી ઈસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દુર થાય છે. જોકે ઈસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઈ જાય છે.

૪. ૨૫ ગ્રામ મેથી અને ૨૫ ગ્રામ સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચુર્ણને પછી એક એરટાઈટ ડબામાં મુકી દેવું. દીવસમાં ત્રણ વાર ૫-૫ ગ્રામ ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.

૫. ગોળ અને સુંઠને ભેળવી દીવસમાં ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.

૬. ખુબજ વાયુ થયો હોય તો, દીવસમાં ત્રણવાર ૫ ગ્રામ અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હૃદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સીંધવ મીઠુ અને લીંબુના રસનાં બે-ત્રણ ટીંપાં પણ અકસીર ઈલાજ છે.

૭. ગેસની તકલીફ દુર કરવા, શેકેલા કાચકા અને મરી સરખા ભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસ રાહત મળે છે.

૮. વાયુના નીકાલ માટે સુંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.

૯. ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઈએ.

૧૦. તુલસી મળવી મુશ્કેલ હોય તો, ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઈએ.

મોટાભાગના રોગનું મુળ ગેસ છે.

નસોતર

ઓગસ્ટ 2, 2013

ઉપચાર યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. આ માટે મારી પોસ્ટ ‘એક વીનંતી’ ખાસ જોવી.

નસોતર એ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે. કેમ કે એની કોઈ આડઅસર નથી. આથી કબજીયાતમાં એ નીર્ભયપણે લઈ શકાય. વળી નસોતર કફ-પીત્તના રોગો પણ મટાડે છે. તાવ, રક્તપીત્ત, હરસ, વીસર્પ – ગુમડાં, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજીયાત અને અપચામાં ઉપયોગી છે.

(૧) તાવમાં પા(૧/૪) ચમચી નસોતરનું ચુર્ણ દ્રાક્ષના રસ સાથે લેવું.

(૨) નસોતરનું પા ચમચી ચુર્ણ રક્તપીત્તમાં સાકર અને મધ  સાથે લેવું.

(૩) હરસમાં ત્રીફળાના ઉકાળા સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૪) કમળામાં સાકર સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૫) કબજીયાતમાં નસોતરનું પા ચમચી ચુર્ણ નવશેકા પાણી સાથે લેવું.

કાજુ

જુલાઇ 28, 2013

આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે. ઉપચારો યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરવા.

કાજુ:  પચવામાં હળવાં, મધુર, સ્નીગ્ધ અને ગરમ એવાં કાજુ પેશાબ લાવનાર, લોહી શુદ્ધ કરનાર, વીર્યવર્ધક, તથા ભુખ ઉઘાડનાર છે. કીડની આકારનાં કાજુનાં ફળો કીડનીનાં દર્દોમાં પણ ઉપયોગી છે.

(૧) કાજુનાં ફળ જઠરના વિવિધ રોગો જેવા કે મંદાગ્ની, કબજીયાત, આફરો, ઝાડા, અપચો, અજીર્ણમાં ફાયદાકારક છે.

(૨) નળવીકારમાં ૮થી ૧૦ કાજુ ઘીમાં શેકીને મરી-મીઠું ભભરાવીને નરણા કોઠે ખાવાથી ખુબ ફાયદો કરે છે.

(૩) મગજની નબળાઈ અને મંદસ્મૃતીમાં રોજ સવારે ૪થી ૮ કાજુ ખાઈ ઉપર ૧ ચમચી મધ કે ૧ કપ દુધ પીવાથી મગજની નબળાઈ દુર થાય છે.

યકૃતવૃદ્ધી

ડિસેમ્બર 12, 2010

(૧) કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દુધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી યકૃતવૃદ્ધી મટે છે.

(૨) કાચા પપૈયાનું શાક ખાવાથી યકૃતવૃદ્ધીમાં લાભ થાય છે. ખાસ કરીને નાનાં બાળકોને આ વીશેષ લાભકારી છે.

(૩) કાચા પપૈયાના દુધનાં ૧૦-૧૫ ટીપાં સવાર-સાંજ પાણી સાથે પીવાથી યકૃતવૃદ્ધી, બરોળવૃદ્ધી, અરુચી અને અપચો મટે છે.

(૪) ફુદીનાનો રસ યકૃતવૃદ્ધીમાં લાભકારક છે.

(૫) યકૃતવૃદ્ધી, મુત્રાવરોધ, મુત્રકષ્ટ, પ્રોસ્ટેટ(પુરુષાતન ગ્રંથી), પથરી અને સોજામાં વાયવરણો અકસીર ઔષધ છે.

(૬) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આંતરે દીવસે સવારે કેટલાક દીવસ સુધી પીવાથી યકૃતની ક્રીયા નીયમીત બની યકૃતનો સોજો, યકૃતવૃદ્ધી અને પ્લીહોદર મટે છે.

મંદાગ્ની

ઓક્ટોબર 24, 2010

ઉપચારોનિષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહિતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) સુંઠ, તજ, ફુદીનો, તુલસીનાં પાન, એલચી વગેરેનું બોરકુટું ચુર્ણ નાખી બનાવેલો ઉકાળો પીવાથી મંદાગ્ની મટે છે.

(૨) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી મંદાગ્ની મટે છે.

(૩) રીંગણાં અને ટામેટાંનું સુપ બનાવી પીવાથી મંદાગ્ની મટે છે.

(૪) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, બરાબર ઘુંટી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી મંદાગ્ની મટે છે.

(૫) લીંબુના રસમાં ચોથા ભાગે ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડું થાય એટલે શીશીમાં ભરી લેવું. આ શરબત ૧૫ થી ૨૫ ગ્રામ લઈ, પાણી મેળવી પીવાથી ગરમીની વ્યાકુળતા, અપચો, ઉબકા, અરુચી, ઉલટી, મંદાગ્ની અને લોહીવીકાર મટે છે.

(૬) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી મંદાગ્ની મટે છે.

(૭) ફુદીનો, લીંબુનો રસ, તુલસી અને આદુની બનાવેલી ચટણી ખોરાક સાથે લેવાથી મંદાગ્ની મટે છે.

(૮) લીંડીપીપરના ચુર્ણને મધ સાથે ચાટવાથી મંદાગ્નીમાં લાભ થાય છે.

(૯) તુલસીનો રસ મધ સાથે લેવાથી ભુખ ઉઘડે છે.

(૧૦) થોડું સીંધવ અને આઠ દસ ટીપાં લીંબુનો રસ અડધી ચમચી અજમામાં નાખી સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી ચારથી છ દીવસમાં ભુખ ઉઘડે છે. એનાથી કબજીયાત, ગૅસ, આફરો મટી જઈ પેટ હળવું ફુલ બને છે.

(૧૧) બેથી ત્રણ ચમચી આદુનો રસ એટલા જ લીંબુના રસ સાથે મીશ્ર કરી એમાં ચાર-પાંચ એલચીના દાણાનું ચુર્ણ અને એટલું જ ગંઠોડાનું ચુર્ણ મીશ્ર કરી પીવાથી જઠરાગ્ની બળવાન બનશે અને મંદાગ્ની મટશે.

પેટનો દુ:ખાવો

ઓગસ્ટ 10, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પેટનો દુ:ખાવો

(૧) ૫-૫ ગ્રામ આદુ અને ફુદીનાના રસમાં ૧ ગ્રામ સીંધવ નાખી પીવાથી પેટનું શુળ મટે છે.

(૨) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ દીવસમાં ત્રણ વાર પીવાથી ઉદરશુળ મટે છે.

(૩) જો પીત્ત વગરનો પેટનો દુખાવો હોય તો રાઈનું ચુર્ણ નાની પા ચમચી અને એક ચમચી સાકરનું ચુર્ણ મીશ્ર કરી લેવાથી વાયુનું શમન થતાં ઉદરશુળ મટે છે.

(૪) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી ઉદરશુળ મટે છે.

(૫) અજમો અને મીઠું વાટી તેની ફાકી લેવાથી પેટનું શુળ મટે છે.

(૬) અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો, મોળ, અજીર્ણ અને નળબંધ વાયુ મટે છે.

(૭) આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ મરીનું ચુર્ણ નાખી પીવાથી ઉદરશુળ મટે છે.

(૮) એલચીનું ચુર્ણ .૭ ગ્રામથી ૧ ગ્રામ અને શેકેલી હીંગ .૧૬ ગ્રામ લીંબુના થોડા રસમાં મેળવીને લેવાથી ઉદરશુળ મટે છે.

(૯) તજનું તેલ અથવા તજનો અર્ક લેવાથી ઉદરશુળ મટે છે.

(૧૦) બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી આદુના રસમાં થોડી સાકર નાખી પીવાથી ગમે તે જાતનો દુ:ખાવો મટે છે.

(૧૧) રાઈને તેલવાળી કરી ગળવાથી પેટમાં આવતી ચુંક મટે છે.

(૧૨) ૩ ગ્રામ રાઈનું ચુર્ણ પાણી સાથે ગળવાથી પેટની ચુંક અને અજીર્ણ મટે છે.

(૧૩) લીંબુના રસમાં ૧/૨ થી ૧ ગ્રામ પાપડખાર નાખી લેવાથી પેટની પીડા મટે છે.

(૧૪) આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવી સવાર-સાંજ પીવાથી અપચાજન્ય કે વાત-જન્ય શુળ મટે છે.

(૧૫) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો દુખાવો મટે છે.

(૧૬) પેટમાં દુખતું હોય તો હીંગ, છીંકણી કે સંચળ નાખી ગરમ કરેલું તેલ પેટ પર ચોળવાથી અને શેક કરવાથી મટે છે.

(૧૭) લીંબુની બે ફાડ કરી મીઠું, મરી અને જીરુ છાંટી ગરમ કરી ચુસવાથી પેટનો દુખાવો મટે છે.

(૧૮) પીસેલી સુંઠ, સીંધવ અને થોડી હીંગ પાણીમાં મેળવી લેવાથી કબજીયાત અને અપચાનું નીરાકરણ થવાથી ઉદરશુલ પણ નાશ પામે છે.

(૧૯) પેટ ઉપર તેમ જ નાભી અને એની આસપાસ હીંગનો લેપ કરવાથી અને બાજરીના દાણા જેટલી હીંગ ખાવાથી વાયુવીકાર નષ્ટ થઈ જાય છે, અને પેટનો દુખાવો મટે છે.

(૨૦) ત્રણ ગ્રામ કોથમીર, જીરાહીંગ, કાળાં મરી અને સીંધવ તમામને મીક્સ કરી પીણું બનાવી પીવાથી પેટના દર્દમાં તાત્કાલીક આરામ મળે છે.

(૨૧) ખાવાનો સોડા પાણી સાથે ફાકવાથી ખાટા ઓડકાર સાથેનો પેટનો દુખાવો મટે છે.

(૨૨) પેટના જે ભાગમાં ચુંક આવતી હોય તેના પર ગરમ પાણીની થેલી વડે શેક કરવાથી ફાયદો થાય છે.

(૨૩) આંકડાના પાનને ગરમ કરી પેટ પર બાંધવાથી પેટનો દુખાવો મટે છે.

(૨૪) કાકચા, અજમો અને સંચળનું ચુર્ણ પાણી સાથે લેવાથી પેટનો વાયુ તથા દુખાવો મટે છે.

(૨૫) એક નાની ચમચી નમક અને હળદરનું ચુર્ણ પાણીમાં મેળવી ફાકવાથી પેટનો દુ:ખાવો મટે છે.

(૨૬) નમકવાળા પાણીમાં પલાળીને સુકવેલી કેરીની ગોટલી શેકીને બનાવેલા ચુર્ણનું દીવસમાં ચારેક વખત સેવન કરવાથી પેટનો સામાન્ય દુ:ખાવો મટે છે.

પેટમાં ગયેલ વાળ – લાંબા સમય સુધી જાંબુ ખાતા રહેવાથી પેટમાં ગયેલ વાળ કે લોખંડ ગળી જાય છે.

પેટમાં બળતરા – તાજાં કે સુકાં કાચાં શીંગોડાં ૧૦૦ ગ્રામ જેટલાં એકલાં કે સાકર સાથે આખાં કે દળેલાં દરરોજ ખાવાથી પેટમાં થતી બળતરા મટે છે.

પેટમાં ભારેપણું – સુવા અને મેથીનું ચુર્ણ દહીંના મઠામાં મેળવી લેવાથી પેટમાં ભારેપણું લાગતું હોય તો તે મટે છે.

પેઢાંનો દુખાવો – મોંમાં ડુંગળીનો ટુકડો રાખવાથી પેઢાંનો દુખાવો દુર થાય છે. લીંબુનો રસ તલના તેલમાં મેળવી દાંતે ઘસવાથી પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે.

પેટના રોગો

ઓગસ્ટ 9, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પેટના રોગો (૧) નાની એલચીનું ચુર્ણ દુધ કે પાણીમાં બરાબર ઉકાળી સાધારણ હુંફાળું દરરોજ સવાર-સાંજ નીયમીત પીવાથી કબજીયાત, ગૅસ, અપચો, ઍસીડીટી વગેરે મટે છે.

(૨) કબજીયાત, અપચો, ગૅસ, મરડો વગેરે પેટની કોઈપણ તકલીફમાં દરરોજ ઓછામાં ઓછું ૨૫૦ ગ્રામ પપૈયાનું સેવન કરવાથી લાભ થાય છે.

(૩) ફુદીનાના તાજા રસનું મધ સાથે સેવન કરવાથી આંતરડાંની ખરાબી અને પેટનાં દર્દો મટે છે.

(૪)  તજ લેવાથી પેટની ચુંક મટે છે.

(૫) છાસમાં જવનો લોટ અને જવખાર મીશ્ર કરી, ગરમ કરીને ઠંડો પડ્યા પછી લેપ કરવાથી પેટની પીડા મટે છે.

(૬) ૫ ગ્રામ ફુદીનાનો રસ, ૫ ગ્રામ આદુનો રસ અને ૧ ગ્રામ સીંધવ મેળવી પીવાથી પેટનું શુળ મટે છે.

(૭) આફરો, ઉબકા, ખાટા ઘચરકા, વાયુના ઓડકાર, મોળ, પેટમાં ચુંક, પચ્યા વગરના ઝાડા વગેરે પેટની તકલીફોમાં સમાન ભાગે મેથી અને સુવાદાણાને અધકચરા ખાંડી તાવડી પર થોડા શેકી અડધીથી પોણી ચમચી ખુબ ચાવીને ખાવાથી રાહત થાય છે.

ફુલી ગયેલું પેટ (૧) પેટ ફુલી ગયું હોય, શરીર સ્થુળ જણાતું હોય તો ૧-૧ ચમચી લીંડીપીપરનું ચુર્ણ સવાર-સાંજ જાડી છાસ સાથે લેવું.

(૨) ૨૫૦ ગ્રામ ઉકળતા પાણીમાં ૧ ગ્રામ લવીંગનું ચુર્ણ નાખી ગરમ ગરમ પાણી દીવસમાં ત્રણેક વખત પીવાથી ધીમે ધીમે ફુલી ગયેલા પેટનો ઘેરાવો ઘટે છે.

પેટનો ગૅસ (૧) લવીંગ પાણીમાં ઉકાળી આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે ગાળી પીવાથી અગ્નીમાંદ્ય, પેટનો ગૅસ, પેટની ચુંક, અજીર્ણ અને કૉલેરામાં ફાયદો થાય છે.

(૨) લીંબુના રસમાં વરીયાળી પલાળી ધીમે ધીમે ચાવીને નીયમીત ખાવાથી જમ્યા બાદ પેટ ભારે થવાની ફરીયાદ મટે છે.

પેટની ગરમી પેટની ગરમી હોય અને તેને લીધે પાચનતંત્ર પણ બારાબર કામ કરતું ન હોય તો ૧ ગ્લાસ પાણીમાં ૧ ચમચી ગુલાબજળ નાખી હલાવીને દીવસમાં બે વાર પીવાથી લાભ થાય છે.

પીત્ત

ઓગસ્ટ 4, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પીત્ત 

(૧) કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પીત્ત મટે છે.

(૨) કારેલીના પાનનો રસ લેવાથી ઉલટી અથવા રેચ થઈ પીત્તનો નાશ થાય છે. આ પછી ઘી અને ભાત ખાવાથી ઉલટી થતી બંધ કરી શકાય.

(૩) પીત્તમાં દાડમ સારું છે. એ હૃદય માટે હીતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. સગર્ભાની ઉલટી પણ મટાડે છે. દાડમ ખુબ શીતળ છે.

(૪) બીજ વગરની કાળી દ્રાક્ષ ૫૦૦ ગ્રામ અને હરડેનું ચુર્ણ ૧૦૦ ગ્રામને ખુબ લસોટી એક ચમચી જેટલા મીશ્રણની મોટી મોટી ગોળીઓ વાળી લેવી. એક કપ પાણીમાં એક ગોળી ૨૦ થી ૨૫ મીનીટ પલાળી રાખવી. પછી તેને પાણીમાં ખુબ મસળી સવારે પી જવું. શરીરમાં ઉત્પન્ન થયેલા અનેક વીકારો- કબજીયાત, ગૅસ, જ્વર, મળની દુર્ગંધ, હૃદયરોગ, લોહીના વીકારો, ત્વચાના રોગો, ઉધરસ, કમળો, અરુચી, પ્રમેહ અને મંદાગ્ની જેવા રોગોમાં ઉત્તમ પરીણામ આપે છે.

(૫) ૧ લીટર પાણીમાં ૧થી ૧.૫(એકથી દોઢ) ચમચી સુકા(જુના) ધાણા નાખી ઉકાળી ૧ ભાગ બાળી ૩ ભાગ બાકી રહે ત્યારે ઠારી, નીતારી ગાળી લો. આ પાણી એકદમ ઠંડુ બને છે. તેથી તે પીત્તદોષ કે ગરમીથી પીડાતા કે પીત્તની તાસીરવાળા લોકોને માફક આવે છે. આવું પાણી ગરમી-પીત્તનો તાવ, દાહ-બળતરા, પીત્તની ઉલટી, ખાટા ઓડકાર, અમ્લપીત્ત, હોજરીનાં ચાંદાં, લોહી દુઝતા કે દાહ-સોજાવાળા હરસ, નેત્રદાહ, નસકોરી ફુટવી, રક્તસ્રાવ, મરડો, ગરમીના પીળા પાતળા ઝાડા, ગરમીનો સુકો દમ, વધુ પડતી તરસ જેવાં દર્દોમાં લાભપ્રદ છે. વધુ લાભ માટે આ પાણીમાં સાકર નાખીને પીવું. જે લોકો કેફી-માદક ચીજોના વ્યસનથી શરીરને વીષમય બનાવે છે તેમને માટે પણ આવું જળ વીષનાશક હોઈ લાભપ્રદ છે

(૬) કોઠાનાં પાનની ચટણી બનાવી પીત્તનાં ઢીમણાં પર લગાડવાથી આરામ થાય છે.

(૭) આમલી પીત્તશામક તથા વીરેચક છે. ઉનાળામાં પીત્તશમન માટે આમલીના પાણીમાં ગોળ મેળવી પીવાથી લાભ થાય છે. આમલીથી દસ્ત પણ સાફ આવે છે.

(૮) ટામેટાના રસ કે સુપમાં સાકર મેળવી પીવાથી પીત્તજન્ય વીકારો મટે છે.

(૯) અળવીનાં કુણાં પાનનો રસ જીરુની ભુકી મેળવી આપવાથી પીત્તપ્રકોપ મટે છે.

(૧૦) આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી પીત્તપ્રકોપ મટે છે.

(૧૧) ચીકુને આખી રાત માખણમાં પલાળી રાખી સવારે ખાવાથી પીત્તપ્રકોપ શાંત થાય છે. ચીકુ પચવામાં ભારે હોઈ પોતાની પાચનશક્તી મુજબ યોગ્ય પ્રમાણ જાળવવું.

(૧૨) તાજા દાડમના દાણાનો રસ કાઢી ખડી સાકર નાખી પીવાથી ગમે તે પ્રકારનો પીત્તપ્રકોપ શાંત થાય છે.

(૧૩) પાકાં કેળાં અને ઘી ખાવાથી પીત્તરોગ મટે છે.

(૧૪) જામફળનાં બી પીસી પાણી સાથે મેળવી ખાંડ નાખી પીવાથી પીત્તવીકાર મટે છે.

(૧૫) જાંબુડીની છાલનો રસ દુધમાં મેળવી પીવાથી ઉલટી થઈ પીત્તવીકાર મટે છે.

(૧૬) આમળાનો રસ પીવાથી પીત્તના રોગો મટે છે.

(૧૭) દુધપાક, ખીર, માવાની બનાવટો, ગળ્યા પદાર્થો, માલપુડા, પેંડા, ઘીની વાનગીઓ યોગ્ય પ્રમાણમાં લેવાથી પીત્તનું શમન થાય છે.

(૧૮) ૫૦૦ ગ્રામ આમલીનાં ફુલ અને એક કીલો ખડી સાકરના પાઉડરને મીશ્ર કરી ચોખ્ખા હાથે ખુબ મસળી પેસ્ટ જેવું બનાવી કાચની બરણી ભરી લેવી. આ બરણીને રોજ તડકામાં ૨૦થી ૨૫ દીવસ મુકવાથી આમલીના ફુલોનો ગુલકંદ તૈયાર થઈ જશે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી અપચો, અરુચી, મોળ આવવી અને પીત્તના રોગો શાંત થશે. પીત્ત વધે નહીં એ મુજબ પરેજી પાળવી. આવી જ રીતે ગુલાબના ફુલની પાંખડીઓનો બનાવેલો ગુલકંદ પણ પીત્તના રોગોમાં અને એસીડીટીમાં પણ પ્રયોજી શકાય.

(૧૯) સો સો ગ્રામ શતાવરી, જેઠીમધ અને સાકરનું મીશ્રણ કરી ખુબ ખાંડી ચુર્ણ કરવું. એક ચમચી આ ચુર્ણ દુધ સાથે લેવાથી પીત્તના રોગો શાંત થશે.

આમવાત

ફેબ્રુવારી 6, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આમવાત : અામવાતમાં સાંધેસાંધામાં સોજો અાવે છે, ગુમડું પાકતું હોય તેવી વેદના થાય છે, અાજે એક સાંધામાં તો કાલે બીજામાં, કોઈને એકમાં તો કોઈને સર્વ સાંધામાં દુખાવો થાય છે.

(૧) લસણની ૫ ગ્રામ કળીઓ ઘીમાં તળીને રોજ ભોજન પહેલાં ખાવાથી આમવાત મટે છે.

(૨) ૧૦૦ ગ્રામ ખજુર પલાળી રાખી, મસળી, ગાળીને પીવાથી આમવાત પર ફાયદો થાય છે.

(૩)  આદુનો ૧૦ ગ્રામ રસ અને લીંબુના ૧૦ ગ્રામ રસમાં ૧.૫ ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી આમવાત મટે છે.

(૪) એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જુની આમલીનો જાડો કલ્ક કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગોળી કરી ગળી જવાથી અને ઉપરા- ઉપરી થોડું ગરમ પાણી પીવાથી રેચ લાગી આમવાત મટે છે.

(૫) એરંડનું મગજ અને સુંઠ સરખા ભાગે લઈ તેમાં તેટલી જ ખાંડ નાખી ગોળીઓ બનાવી આમવાતમાં સવારે લેવાથી ફાયદો થાય છે.

(૬) દર ચાર કલાકે લીંબુનો ૬૦-૬૦ ગ્રામ રસ આપવાથી આમવાત મટે છે.

(૭) મેથી અને સુંઠનું ૪-૪ ગ્રામ ચુર્ણ સવાર-સાંજ ગોળમાં મેળવીને થોડા દીવસ સુધી લેવાથી કબજીયાત દુર થાય છે અને યકૃત બળવાન બને છે. અને આમવાતમાં ફાયદો થાય છે.

(૮) મોટા કાચા પપૈયા પર ઉભા ચીરા કરી, તેમાંથી ટપકતું દુધ ચીનાઈ માટીની રકાબી કે પ્યાલામાં ઝીલી લેવું. તેને તરત જ તડકામાં સુકવી સફેદ ચુર્ણ બનાવી સારા બુચવાળી કાચની શીશીમાં ભરી લેવું. આ ચુર્ણના સેવનથી આમવાત અને આંતરડાના રોગો મટે છે. એનાથી અપચો અને અમ્લપીત્ત પણ મટે છે.

(૯) ધાણા, સુંઠ અને એરંડાનાં મુળ સરખા વજને લઈ અધકચરાં ખાંડી બાટલી ભરી લેવી. બે ગ્લાસ પાણીમાં એક ચમચી ભુકો નાખી બરાબર ઉકાળવું. અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, ઠંડુ પાડી, ગાળીને પી જવું. અા ઉકાળો સવાર-સાંજ એકાદ મહીનો પીવો જોઈએ. અથવા ધાણા, સુંઠ અને એરંડમુળનું સરખા ભાગે બનાવેલું એક ચમચી વસ્ત્રગાળ બારીક ચુર્ણ એક ગ્લાસ પાણીમાં સાંજે ઢાંકી રાખી સવારે ગાળીને પીવું અને સવારે ઢાંકી રાખી સાંજે પીવાથી ઉગ્ર આમવાત થોડા જ દીવસોમાં મટે છે. આ સાથે વાયુ વધારનાર આહાર-વીહારનો ત્યાગ કરવો.

(૧૦) રોજ સવારે ૧૦૦ ગ્રામ પાણીમાં ૨ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળી એક મોટો ચમચો દીવેલ નાખી હલાવીને નરણા કોઠે પી જવાથી આમવાતમાં ફાયદો થાય છે.

(૧૧) નગોડનાં પાનને વરાળથી બાફી તેનો રસ કાઢી દીવેલ સાથે લેવાથી આમવાત મટે છે.

(૧૨) સીંહનાદ ગુગળઃ હરડે, બહેડાં અને આમળાં દરેક ૧૨૦ ગ્રામને અધકચરાં ખાંડી દોઢ લીટર પાણીમાં ઉકાળો કરી ગાળી તેમાં ૪૦ ગ્રામ ગંધક અને ૧૬૦ ગ્રામ દીવેલ(એરંડીયુ) ઉમેરી ગરમ કરી પાક બનાવવો. ગોળી બની શકે તેવો પાક થાય એટલે ચણાના દાણા જેવડી ગોળીઓ વાળવી. એને સીંહનાદ ગુગળ કહે છે. બે-બે ગોળી સવાર-સાંજ લેવાથી આમવાત સહીત બધા જ વાયુના રોગો, ઉદરરોગો વગેરે મટે છે.