Posts Tagged ‘રક્તપીત્ત’

નસોતર

ઓગસ્ટ 2, 2013

ઉપચાર યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. આ માટે મારી પોસ્ટ ‘એક વીનંતી’ ખાસ જોવી.

નસોતર એ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે. કેમ કે એની કોઈ આડઅસર નથી. આથી કબજીયાતમાં એ નીર્ભયપણે લઈ શકાય. વળી નસોતર કફ-પીત્તના રોગો પણ મટાડે છે. તાવ, રક્તપીત્ત, હરસ, વીસર્પ – ગુમડાં, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજીયાત અને અપચામાં ઉપયોગી છે.

(૧) તાવમાં પા(૧/૪) ચમચી નસોતરનું ચુર્ણ દ્રાક્ષના રસ સાથે લેવું.

(૨) નસોતરનું પા ચમચી ચુર્ણ રક્તપીત્તમાં સાકર અને મધ  સાથે લેવું.

(૩) હરસમાં ત્રીફળાના ઉકાળા સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૪) કમળામાં સાકર સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૫) કબજીયાતમાં નસોતરનું પા ચમચી ચુર્ણ નવશેકા પાણી સાથે લેવું.

સંતરાં

નવેમ્બર 3, 2009

સંતરાં : સંતરાં ભુખ લગાડનાર અને રક્તશુદ્ધી કરનાર છે. એ પીત્તશામક હોવાથી તાવમાં બહુ જ ઉપયોગી છે. તાવમાં રોજનાં ૭-૮ સંતરાં ખાવામાં આવે તો પણ કોઈ જાતનું નુકસાન થતું નથી, એટલું જ નહીં શક્તી પણ જળવાઈ રહે છે.

સંતરાં તરસ છીપાવનાર, સારક, રક્તપીત્ત મટાડનાર હોવાથી ઘણા રોગોમાં ફાયદો કરે છે.

સંતરામાં સાઈટ્રીક એસીડ, સાકર, ફોસ્ફરીક એસીડ, પોટાશ, સોડીયમ, કેલ્શ્યમ, મેગ્નેશીયમ, લોહ, સલ્ફ્યુરીક એસીડ, સીલીસીલીક એસીડ, ક્લોરીન જેવાં ઉત્તમ જીવનોપયોગી ખનીજ તથા વીટામીન એ, બી અને સી રહેલાં છે. આથી ત્વચાના રોગોમાં અને ચાંદાં-વ્રણ મટાડવામાં ફાયદાકારક છે.

એ વાયુનો નાશ કરે છે, પરંતુ પચવામાં ભારે છે.

રસવંતી

ઓગસ્ટ 23, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

રસવંતી : દારુહળદરમાંથી બનાવવામાં આવતી રસવંતી બજારમાં મળે છે. દારુહળદરના છોડ ગુજરાતમાં થતા નથી પણ ઉત્તર ભારત, હીમાલય, દહેરાદુન, મસુરી વગેરે સ્થળોએ ખુબ થાય છે. દારુહળદરના આખા છોડની રસક્રીયા અથવા ઘન એ જ રસવંતી. બજારમાં મળતી રસવંતીમાં ઘણી અશુદ્ધી હોય છે. આથી તેનો ઉપયોગ કરતાં પહેલાં પાણીમાં ઉકાળી કપડાથી ગાળી ફરીથી બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.

રસવંતી તીખી, ઉષ્ણ, અત્યંત કડવી તથા રસાયન ગુણ ધરાવે છે.

(૧) કાબુલી ચણાના દાણા જેટલી રસવંતી સવાર-સાંજ લેવાથી  કફના રોગો, વીષ, નેત્રના રોગો તથા વ્રણ મટે છે. એનાથી વીષમ જ્વર, રક્તપીત્ત, રક્તાતીસાર, રક્તાર્શમાં પણ ફાયદો થાય છે.

(૨) રસવંતી ચોખાના ધોવાણ સાથે લેવાથી અતીસાર, પ્રદર, લોહીવા વગેરે મટે છે.

(૩) હાથીદાંતના વહેરને એેક મટકીમાં સંપુટ કરી કોલસો કરવો. આ કોલસા જેટલા વજનમાં રસવંતી લેવી. બંનેને બકરીના દુધમાં લસોટી સોપારી જેવડી સોગઠી બનાવી સુકવી લેવી. આ સોગઠીને બકરીના જ દુધમાં અથવા પાણીમાં લસોટી મલમ બનાવી માથા પર લગાડવાથી માથાની ઉંદરી મટે છે અને ખરેલા વાળ ફરી ઉગે છે.

(૪) રક્તસ્રાવી મસા પર લગાડવાથી મસા મટે છે.

(૫) મધ સાથે લગાડવાથી બાળકના મોં પરનાં ચાંદાં મટે છે.

મામેજવો

ઓગસ્ટ 9, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મામેજવો : આપણે ત્યાં મામેજવો ચોમાસાની ઋતુમાં ખેતરના છેડાઓ પર તથા ઘાસમાં પુશ્કળ ઉગી નીકળે છે. એનાં સાંકડાં લાંબાં પાન નાગની જીભ જેવાં હોવાથી તેને નાગજીહ્વા કહે છે.

એના છોડ ૧૦થી ૧૫ સે.મી. (૪થી ૬ ઈંચ) ઉંચા, દાંડી ચોરસ, પાન ડીંટડી વગરનાં સામસામે હોય છે. ફુલ રુક્ષ, નાનાં અને સફેદ હોય છે. આખો છોડ પાનથી ભરેલો અને અતી કડવો હોય છે.

મામેજવો મધુપ્રમેહ(ડાયાબીટીસ)ને કાબુમાં રાખનાર ઉત્તમ ઔષધ છે. એ કફ-પીત્તશામક, ભુખ લગાડનાર, આમપાચક, ઝાડો સાફ લાવનાર, સોજો ઉતારનાર, રક્તની શુદ્ધી કરનાર તથા રક્તપીત્તને મટાડનાર છે.

(૧) એનાં પાનનો રસ એક ચમચી જેટલો ૮થી ૧૦ કાળા મરી સાથે લેવાથી મૅલેરીયા મટે છે.

(૨) આખા છોડને છાયામાં સુકવી, ખાંડીને બારીક ચુર્ણ બનાવવું. અડધી ચમચી આ ચુર્ણ બપોરે અને રાત્રે લેવાથી લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે અને મધુપ્રમેહમાં ફાયદો થાય છે. જીર્ણજ્વર અને પેટનાં કરમીયા પણ મટે છે.

(૩) મામેજવાનો છોડ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, મળ સાફ લાવનાર, રક્તની શુદ્ધી કરનાર, આમને પચાવનાર, યકૃતને ઉત્તેજીત કરનાર, રક્તપીત્ત, કફ અને પીત્તનો નાશ કરનાર છે.

(૪) અડધી ચમચી મામેજવાનું ચુર્ણ અને ત્રણ કાળાં મરીનું ચુર્ણ દીવસમાં ત્રણ વખત લેવાથી તાવમાં ફાયદો થાય છે.

(૫) મામેજવાનું ચુર્ણ છાસમાં લેવાથી મૅલેરીયા અને અતીસારમાં ફાયદો થાય છે. તે કૃમીનો નાશ કરે છે, અને ડાયાબીટીસને શાંત કરે છે. બજારમાં મામેજવા ઘનવટી મળે છે. તેનો પણ ઉપયોગ કરી શકાય. બે-બે ગોળી દીવસમાં ત્રણ વખત લેવી. બાળકોને એક એક ગોળી ત્રણ વાર આપવી.

(૬) મામેજવો, મેથી, આમળાં, કાચકા અને હળદરનું સમાન ભાગે બનાવેલ ચુર્ણ રોજ અડધી ચમચી જેટલું સવાર-સાંજ લેવાથી અને દરરોજ એકથી બે કીલોમીટર ચાલવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે.

મહુડાં

ઓગસ્ટ 8, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મહુડાં : ઔષધમાં મહુડાનાં ફુલો જ કામ આવે છે. એનાં ફુલ મોટાં મોતી જેવાં, સફેદ કે પીળાશ પડતાં સફેદ હોય છે. ઉનાળામાં એ પાકીને નીચે ખરી પડે છે. એને વીણીને તડકે સુકવી લેવામાં આવે છે. સુકાં મહુડાંને શેકીને ખાવામાં આવે છે. તેના રોટલા પણ બનાવવામાં આવે છે.

તાજાં ફુલોમાંથી પુંકેસરો કાઢી નાખી એ ફુલોનું ઘીમાં જીરુનો વઘાર કરી શાક બનાવી શકાય, જે ઘણું સ્વાદીષ્ટ હોય છે.

મહુડાનાં ફુલ શીતળ, મીઠાં, વજન વધારનાર, બળપ્રદ, વીર્ય વધારનાર અને વાયુ તથા પીત્તનો નાશ કરનાર છે. ગુલાબના ફુલના ગુલકંદની જેમ જ મહુડાનાં ફુલોનો પણ ગુલકંદ બનાવી શકાય, જે પ્રમેહ, મુત્રદાહ, અશક્તી, અપચો(અગ્નીમાંદ્ય) અને રક્તપીત્તમાં ઉપયોગી છે. એની માત્રા બે ચમચી સવાર-સાંજ.

મધ

ઓગસ્ટ 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ મધ જેની સાથે મધ લેવામાં આવે તેના ગુણોનું મધ વહન કરે છે. તેથી જ ઘણા રોગોમાં અનુપાન રુપે મધ લેવામાં આવે છે. મધ ઉત્તમ કફનાશક છે. એક વર્ષ જુનું મધ મેદ-ચરબીનો નાશ કરે છે. શ્વાસ-દમ, શરદી, ક્ષય, ઉધરસ જેવા કફના રોગોમાં મધ ખુબ જ હીતાવહ છે. મધ અરુચી દુર કરે છે. એ ત્રીદોષહર છે. એ હેડકી, શ્વાસ, ઉધરસ, ઝાડા, ઉલટી, તરસ-શોષ, રક્તપીત્ત, કૃમી, પ્રમેહ, મુર્છા, થાક, બળતરા તથા ક્ષતને દુર કરે છે. નવું મધ સારક એટલે મળને સરકાવનાર તથા કંઈક અંશે કફકારક છે. જ્યારે જુનું મધ કફનાશક, ગ્રાહી-મળને રોકનાર, રુક્ષ, મેદ દુર કરનાર તથા અતી લેખન-દોષોને બહાર કાઢનાર છે. ઘી અને મધ સરખા પ્રમાણમાં લેવાં નહીં. કફમાં મધ બમણું અને વાતમાં ઘી બમણું લેવું. તે જ પ્રમાણે મધ ગરમ કરીને કે ગરમાગરમ ખાદ્ય સાથે લઈ શકાય નહીં. મધમાં શર્કરાનું પ્રમાણ વીશેષ હોવાથી ડાયાબીટીસમાં હીતાવહ નથી. મધ વધુ પ્રમાણમાં લેવું પણ નુકસાનકારક બની શકે. વજન ઘટાડવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ સવારમાં પીવું. સવારે બીજું કંઈ ખાવું નહીં. ખાંડ, ગોળ, બટાટા, ભાત, તળેલું, મીઠાઈ, ઘી, તેલ, માખણ બંધ કરવાં. મધ આંખમાં આંજવાથી આંખ નીર્મળ બની દૃષ્ટીશક્તી વધે છે. સ્વર માટે પણ મધ હીતકારી છે. મધ હૃદયને પ્રીય અને લાભકારક છે. મધમાં કામશક્તી વધારવાનો ગુણ છે. મધ ઘા શુદ્ધ કરી રુઝ લાવે છે. મધમાં ભેજ શોષી લેવાનો ગુણ છે આથી એ જીવાણુનાશક છે. મધમાં ટાઈફોઈડના જીવાણુઓ ૪૮ કલાકમાં અને મરડાના જીવાણુઓ ૧૦ કલાકમાં નાશ પામે છે. તંદુરસ્ત અને દીર્ઘજીવન ઈચ્છતા લોકોએ મધનું નીયમીત સેવન કરવું જોઈએ. તંદુરસ્ત રહેવા ઈચ્છતી વ્યક્તીએ દરરોજ બે ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મીશ્ર કરી સેવન કરવું જોઈએ.

મધના આ ગુણો સાચા મધના છે. મધ સાચું છે કે બનાવટી તે જાણવા માટે (૧) જો એમાં પડેલી માખી બહાર નીકળી આવે અને થોડી વારમાં ઉડી શકે તો એ સાચું મધ. (૨) મધમાં રુની વાટ પલાળી એને સળગાવવાથી અવાજ વગર બળે તો પણ એ સાચું હોઈ શકે. (૩) સાચા મધનું ટીપું પાણીમાં નાખવાથી એ તળીયે બેસી જાય છે. (૪) સાચું મધ કુતરાં ખાતાં નથી. આ ચાર કસોટીઓ પ્રચલીત છે.

(૧) રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે, પેટ સાફ આવે છે.

(૨) નરણે કોઠે મધ-લીંબુના શરબતથી ભુખ ઉઘડે છે.

(૩) મધ જીવાણુઓનો નાશ કરે છે. ક્ષય અને ટાઈફોઈડના દર્દીઓ માટે ઉત્તમ છે.

(૪) હજારો વર્ષ સુધી મધ બગડતું નથી. બાળકોના વીકાસમાં મધ ઉપયોગી છે. જો બાળકને શરુઆતના નવ માસ સુધી મધ આપવામાં આવે તો તેને છાતીના રોગ ક્યારેય નહીં થાય.

(૫) મધથી આંતરડાને ઉપયોગી એવા એસીકોકલીસ જીવાણુઓની વૃદ્ધી થાય છે.

(૬) દુર્બળ અને સગર્ભા સ્ત્રી માટે મધ શ્રેષ્ઠ પોષક આહાર છે.

(૭) મધ દીર્ઘાયુ બક્ષે છે. મધથી વીર્યની તથા લોહીના રક્તકણોની વૃદ્ધી થાય છે. ગર્ભવતી અને પ્રસુતાએ બાળકના હીતાર્થે મધ લેવું જોઈએ.

(૮) મધ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક છે. તે શરીરના રંગને નીખારવાનું અને ચામડીને કોમળ બનાવવાનું કામ કરે છે.

(૯) ચહેરા અને શરીર પર મધ ઘસવાથી સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે.

(૧૦) મધ, લીંબુ અને ચણાનો લોટ પાણીમાં મીશ્ર કરી ચહેરા પર ઘસી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે.

(૧૧) મધના સેવનથી કંઠ મધુર અને સુરીલો બને છે.

(૧૨) મધ દુર્બળતા, દમ, અપચો, કબજીયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનીદ્રા, થાક, વાયુવીકાર તથા અન્ય ઘણા રોગોમાં અચુક દવા છે.

(૧૩) ધારોષ્ણ દુધ અને ફળોના રસમાં મધ લઈ શકાય. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશાં હીતાવહ છે. મધ ગરમ કરવું નહીં.

(૧૪) કમળ-કાકડી, મુળા, માંસ સાથે મધ લઈ ન શકાય.

(૧૫) વરસાદનું પાણી તથા ઘી, તેલ વગેરે ચરબીયુક્ત પદાર્થો સાથે મધ સમ માત્રામાં લેવું વીષ સમાન છે.

(૧૬) મધ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવામાં આવે તો શરીરનો મેદ-સ્થુળતા ઘટી વજન ઉતરે છે. જ્યારે મધને સવાર-સાંજ હુંફાળા દુધ સાથે લેવામં આવે તો શરીરનું વજન વધે છે.

(૧૭) તંદુરસ્ત રહેવા માટે મધનું સેવન અનીવાર્ય છે. અમેરીકામાં હાથ ધરાયેલા એક વીસ્તૃૃત સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, મધ લોહીનું શુધ્ધીકરણ કરવા ઉપરાંત શરીરને સ્ફુર્તીલું રાખે છે. દરરોજ સવારે એક ચમચી મધનું સેવન આખો દીવસ શરીરને સ્ફુર્તી પુરી પાડે છે લગભગ ૧૦૦ સ્ત્રી-પુરુષો પર હાથ ધરાયેલા સંશોધન બાદ ઉકત અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. બધાં જ સોએ સો જણ પર મધની હકારાત્મક અસર જોવા મળી હતી.

પાલખ

જૂન 12, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

પાલખ : પાલખ એક ઉત્તમ ઔષધ છે. પાલખની ભાજી મળને સરળતાથી સરકાવનાર, લોહીની અને પીત્તની નાની-મોટી વીકૃતીઓમાં હીતકર, શરીરને પુષ્ટ કરનાર, પાલખની ભાજીમાં વીટામીન એ, બી અને સી સારી એવી માત્રામાં હોવાથી ત્વચાના, આંખના અને લોહી તથા પાચનતંત્રના રોગોમાં ખુબ હીતાવહ હોવાથી યુરોપીયન લોકો પણ હવે તેને હર્બલ મેડીસીન ગણીને આહારમાં તેનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને તેને ઉત્તમ-કીમતી અને સ્વાસ્થ્યપ્રદ શાક ગણે છે.

તેમાં વીટામીન ‘એ’ હોવાથી મ્યુક્સ મેમ્બ્રેઈન અને ત્વચા રોગોમાં ખુબ સારી છે. આંખોનું રતાંધળાપણું મટાડી દૃષ્ટીનું તેજ ખુબ જ વધારે છે. વીટામીન ‘એ’ અને વીટામીન ‘સી’નું ઉચ્ચ પ્રમાણ ધરાવતી પાલખ કૅન્સરને અટકાવવામાં મદદરુપ થાય છે. બ્લડપ્રેશર અને એનીમીયા માટે આહારમાં પાલખ લેવી જોઈએ. પાલખમાં રહેલ પોટેશીયમનું ઉચ્ચ પ્રમાણ બ્લડપ્રેશરને નીયમીત અને કાબુમાં રાખે છે. પાલખનાં કુમળાં પાન સલાડમાં કે પાલખને સુપ કે શાકના રુપમાં લઈ શકાય.

પાલખ સ્નીગ્ધ, ભારે, મધુર,  લોહતત્ત્વથી ભરપુર અને મુત્ર વધારનાર છે, આથી તે સોજા પણ ઉતારે છે. એ માંસ વધારે છે. શ્વાસ, પીત્ત અને રક્તપીત્તમાં ફાયદો કરે છે. એનીમીયાના દર્દીને હીતકર છે. સરળતાથી પચી જનાર પાલખ ગર્ભવતી સ્ત્રી, અલ્પપોષીત બાળકો તથા વૃદ્ધોની નબળાઈ દુર કરી નવું જીવન બક્ષે છે. પાલખની ભાજી બહુ ગુણકારી હોવા છતાં તે કફ અને વાયુ કરે છે, આથી કફ કે વાયુ રોગોથી પીડીત વ્યક્તીએ એનું સેવન કરવું હીતાવહ નથી. તેણે આહારમાં પાલખનો ઉપયોગ બંધ કરવો.

નોંધઃ પાલખથી કબજીયાત દુર થાય છે કે એ કબજીયાત કરે છે એ બાબત વીદ્વાનોમાં મતભેદ છે.

(૧) રાત્રે વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તથા બહુમુત્ર જેવી તકલીફમાં પાલખના શાકમાં શેકેલા તલ નાખી બનાવેલું શાક રાત્રી ભોજનમાં લેવાથી લાભદાયી સીદ્ધ થાય છે.

(૨) રક્તાતીસારના રોગીઓ માટે પાલખનો રસ તથા શાક લાભદાયી છે.

(૩) પાલખનું લોહ તત્ત્વ શરીરમાં રક્તનું પ્રમાણ વધારી હીમોગ્લોબીનના સ્તરમાં વધારો કરે છે. અાથી એનીમીયાના રોગીઓ માટે અાશીર્વાદ સમાન છે. ૧ કપ પાલખના રસમાં ૧ ચમચી મધ નાખી બેથી અઢી મહીના સેવન કરવાથી રક્તની માત્રા ઝડપથી વધવા લાગે છે.

(૪) રક્તક્ષય સંબંધી વીકારોમાં અડધો કપ પાલખનો રસ દીવસમાં ત્રણ વાર લેવાથી સમસ્ત વીકાર દુર થઈ શરીરમાં સ્ફુર્તી, ચહેરા પર લાલાશ, શક્તીનો સંચાર તથા ઝડપથી રક્ત ભ્રમણ થવા લાગે છે.

(૫) કબજીયાત હોય તો પાલખ અને બથવાનું શાક ખાવું તથા પાલખનો રસ પીવો લાભદાયક છે. રેસાપ્રધાન પાલખ આંતરડામાં જમા થયેલ મળનું નીષ્કાસન કરી કબજીયાતથી મુક્તી અપાવે છે. આંતરડાના સોજામાં પણ પાલખનું શાક લાભદાયી છે.

(૬) ઉદરરોગ જેવા કે અામાશય, અાંતરડાંની નીબર્ળતા, ગૅસ-વાયુ વીકાર, અપચો વગેરેમાં ટામેટાં અને પાલખના ૧ ગ્લાસ રસમાં લીંબુ નીચોવી નીત્ય સાંજે ૪-૫ વાગ્યે સેવન કરવાથી અાંતરડાં અને અામાશય સ્વચ્છ અને સ્વસ્થ બને છે.

(૭) પાલખમાં રહેલું વીટામીન ‘એ’ નેત્રજ્યોતીવર્ધક છે, જે અાંખની તંદુરસ્તી માટે જરુરી છે.

(૮) લોહીને વહેતું અટકાવવા માટે વીટામીન ‘કે’ પણ પાલખમાંથી મળી રહે છે.

(૯) મોંમાં ચાંદાં પડ્યાં હોય તો પાલખના ઉકાળાને ગાળીને કોગળા કરવાથી ફાયદો થાય છે.

(૧૦) ખીલ, ફોડકા, ફોડકીમાં પણ પાલખનું સેવન બહુ જ અસરકારક છે. પાલખને પાણીમાં ઉકાળીને ફોડકી,-ફોલ્લા વગેરેને ધોવાથી ઠંડક સાથે લાભ થાય છે.

(૧૧) ચામડી પર કરચલી પડી હોય ત્યારે પાલખ તથા લીંબુનો રસ ૫-૫ ગ્રામ લઈ તેમાં રીફાઈન્ડ ગ્લીસરીન મેળવી ચામડી પર લગાડવાથી કરચલી દુર થાય છે.

એક અગત્યની વાત, પાલખની ભાજીને વધુ સમય રાંધવાથી કે વારંવાર ગરમ કરવાથી, સોડા કે વધુ પડતા મસાલા નાખવાથી તથા વાસી થઈ જવાથી એમાંનાં વીટામીન અને પોષક તત્ત્વો નાશ પામે છે. પાલખને જેમ બને તેમ ધીમા તાપે જ રાંધવી જરુરી છે.

નાળીયેર

મે 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નાળીયેર

नारिकेलफलं शीतं दुर्जरं बस्तिशोधनम् |

विष्टंभि बृहणं बल्यं वातपित्तास्रदाहनुत ||

નાળીયેર શીતળ, દુર્જર (પચવામાં ભારે) બસ્તીશોધક-મુત્રાશયની શુદ્ધી કરનાર, મળ રોકનાર, બૃંહણ-વજન વધારનાર, બળકારક અને વાયુ, પીત્ત અને રક્તવીકાર-લોહીબગાડ તથા દાહ-બળતરા મટાડનાર છે.  કોપરું બળ આપનાર, ઠંડું અને વજન વધારનાર છે. કોપરાના અનેકવીધ ઉપયોગો છે. તેનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, અમ્લપીત્ત, અરુચી, રક્તપીત્ત, ક્ષય, ઉલટી વગરેમાં કોપરાપાક અપાય છે. નારીયેળનું દુધ કોલેરામાં આપવાથી ઉલટી બંધ થાય છે. નારીયેળના છોડામાંથી કાઢેલો કાથો તકીયા, ગાદલા, ખુરશી વગેરેમાં ભરવામાં ઉપયોગી છે. નારીયેળનું તેલ વાળને વધારે છે તેટલું જ નહીં, વાળને તે કાળા અને સુંવાળા પણ બનાવે છે.

લીલું કોપરું સ્વાદીષ્ટ અને ટોનીક છે. કોપરેલ બળ આપનાર, વજન વધારનાર, વાળ માટે સારું, વાયુ અને પીત્તને હરનાર, પચ્યા પછી મધુર અને સોરાયસીસમાં તથા બીજા ચામડીના રોગોમાં ખુબ સારું છે. એ ખરજવું અને બીજા ચામડીના કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગોમાં ઉપયોગી છે. કોપરેલ ઠંડું હોવાથી માથામાં નાખવાથી વાળ કાળા, સુંવાળા અને લાંબા થાય છે તથા ખરતા અટકે છે.

કુમળુ નાળીયેર પીત્તજ્વર અને પીત્ત મટાડનાર છે. એ પચવામાં ભારે, મુત્રાશયને સાફ કરનાર, ઝાડાને રોકનાર, પુષ્ટી અાપનાર, બળ અાપનાર, વાયુ, પીત્ત, લોહીબગાડ કે રક્તપીત્ત અને દાહ મટાડનાર છે. નાળીયેરનું પાણી ઠંડુ, હીતકારી, અગ્નીને પ્રદીપ્ત કરનાર, વીર્ય વધારનાર, પચવામાં હલકું, તરસ મટાડનાર અને નવા કોષોની ઉત્પત્તીને વેગ આપનાર છે.

નાળીયેર હૃદય માટે હીતકારી, પચવામાં ભારે, વીર્ય તેમ જ કામશક્તી વધારનાર, તરસ તથા પીત્તને મટાડનાર અને મુત્રમાર્ગને સ્વચ્છ કરનાર છે.

મોટાં લીલાં દસ નાળીયેરનું પાણી કાઢી ઉકાળવું. મધ જેવું ઘટ્ટ થાય ત્યારે ઉતારી તેમાં સુંઠ, મરી, પીપર, જાયફળ અને જાવંત્રીનું ચુર્ણ બરાબર ભેળવી બાટલીમાં ભરી લેવું.  આ ઔષધ સવાર-સાંજ અર્ધીથી એક ચમચી જેટલું લેવાથી અમ્લપીત્ત-એસીડીટી, પીત્તના રોગો ઉદરશુળ અને બરોળવૃદ્ધી મટે છે.

નાળીયેર ગુરુ, સ્નીગ્ધ, પીત્તશામક, મધુર, શીતળ, બળપ્રદ, માંસપ્રદ, પોષક, શરીરનું વજન વધારનાર, મુત્રશોધક અને હૃદય માટે પોષક છે. નાળીયેરનું પાણી શીતળ, હૃદયને પ્રીય, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, શુક્રવર્ધક, તરસ અને પીત્તને શાંત કરનાર, મધુર અને મુત્રાશયને સારી રીતે શુદ્ધ કરનાર છે. નાળીયેર માંસ અને કફની પુષ્ટી કરે છે. ટ્રીપ્ટોફેન અને લાઈસીન એ બે એમીનો એસીડ નાળીયેરમાં છે. આથી શરીરમાં નવા કોષોના નીર્માણ માટે નાળીયેર ઉપયોગી છે.

(૧) તાજા કોપરાને છીણી કપડા વડે નીચોવી જે પ્રવાહી નીકળે તે નાળીયેરનું દુધ ક્ષયહર છે. એ કોડલીવર ઑઈલ જેવું પૌષ્ટીક છે. અમેરીકા જેવો દેશ પણ ટી.બી.માં શરીરની પુષ્ટી માટે એનો ઉપયોગ કરે છે.

(૨) ક્ષયરોગમાં માથું દુખતું હોય તો નાળીયેરનું પાણી અથવા નાળીયેરનું દુધ સાકર નાખી પીવાથી લાભ થાય છે.

(૩) હાઈપર એસીડીટીમાં આ પાણી અત્યંત પથ્ય અને સુપાચ્ય છે. જ્વરની તરસમાં પણ તે હીતકર છે.

(૪) આહાર પચવાના સમયે એટલે કે જમ્યા પછી અઢી-ત્રણ કલાકે પેટમાં થતા દુખાવાને પરીણામશુળ કહે છે. પાણીવાળા નાળીયેરની આંખ ફોડી આંખેથી તેમાં ઠાંસોઠાંસ મીઠું(બને તો સીંધવ) ભરી દેવું. પછી તેને કાપડમાં વીંટાળી માટીનો લેપ કરી સુકવવું. સુકાયા પછી અડાયા છાણાની ભઠ્ઠીમાં શેકવું. શેકાયા પછી અંદરનો ભાગ કાઢી તેને બારીક લસોટી ચુર્ણ બનાવવું. આ ચુર્ણ ૧.૫ ગ્રામ અને લીંડીપીપરનું ચુર્ણ ૦.૫ ગ્રામ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી ત્રણે દોષથી થયેલ પરીણામશુળ મટે છે.

દ્રાક્ષાવલેહ

એપ્રિલ 27, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

દ્રાક્ષાવલેહ ૮૦૦ ગ્રામ કાળી સુકી દ્રાક્ષ બરાબર ધોઈને દુધમાં વાટીને જાડી પેસ્ટ જેવું બનાવવું. તેમાં ૮૦૦ ગ્રામ સાકરની ચાસણી મેળવી જાયફળ, જાવંત્રી, લવીંગ, એલચી, વાંસકપુર, તજ, તમાલપત્ર, નાગકેસર અને કમળકાકડીની મીંજ દરેકનું દસ-દસ ગ્રામ ચુર્ણ નાખી અવલેહ-ચાટણ તૈયાર કરવું. આ અવલેહ ૧ થી ૨ ચમચી સવાર સાંજ લેવાથી અમ્લપીત્ત-એસીડીટી, રક્તપીત્ત, ક્ષય, પાંડુ, કમળો, લીવરના રોગો, અરુચી, ઉબકા, અને અશક્તી મટે છે. અવલેહ લીધા પછી ભુખ લાગે ત્યારે જ જમવું. એક ચમચી દ્રાક્ષાવલેહ સવારે, બપોરે અને રાત્રે લેવાથી રક્તસ્રાવ સંબંધી વીભીન્ન રોગો, નાકનો રક્તસ્રાવ, શરીરના કોઈ પણ ભાગમાં થતી બળતરા, તથા તૃષ્ણા રોગમાં લાભ થાય છે. એનો મુખ્ય ફાયદો મળશુદ્ધી થઈ જઠરાગ્ની પ્રદીપ્ત થાય, ભુખ લાગે અને વજન વધે તે છે.

દ્રાક્ષ

એપ્રિલ 23, 2009

દ્રાક્ષ : દ્રાક્ષ તરસ, બળતરા, તાવ, દમ, રક્તપીત્ત, છાતીમાં વ્રણ-ચાંદું, ક્ષય, વાયુ, પીત્તના રોગ, મોં કડવું થવું, મોં સુકાવું, ઉધરસ વગેરે મટાડે છે. એ શરીરને પુષ્ટ કરે છે તથા કામશક્તી વધારે છે. એ શીતળ અને સ્નીગ્ધ છે.

લીલા રંગ કરતાં કાળી કે જાંબલી દ્રાક્ષમાં શરીરને લાભકારક તત્ત્વો વધુ હોય છે. દ્રાક્ષમાં વીટામીન એ, બી, સી અને થોડા પ્રમાણમાં લોહ હોય છે. એમાં રહેલું રેઝર્વોટેલ નામનું તત્ત્વ ફ્રી રેડીકલ્સનો નાશ કરે છે.

દ્રાક્ષમાં સાકર હોવા છતાં એનાથી ડાયાબીટીસ વધતો નથી. ડાયાબીટીસવાળા દર્દી પણ રોજની ૧૦૦ ગ્રામ જેટલી દ્રાક્ષ ખાઈ શકે.

રોજ દ્રાક્ષ ખાવાથી લોહીનું પરીભ્રમણ વધે છે, રીઝર્વોટેલને કારણે અકાળે આવતું વૃદ્ધત્વ અટકી જાય છે. લોહીની નળીઓ તુટતી નથી. રોગપ્રતીકારક શક્તી વધે છે. એલર્જીમાં રાહત મળે છે.

દ્રાક્ષમાં રહેલું પોટેસીયમ લોહીનું દબાણ તથા કૉલેસ્ટરોલ ઘટાડે છે. લોહી શુદ્ધ થાય છે, ઝાડા મટે છે, શરીરમાં બળ, તાજગી વધે છે. કબજીયાત અને હરસમાં ફાયદો થાય છે.

દરરોજ એક ચમચી દ્રાક્ષનાં બીનો પાઉડર લેવાથી સોજા, ઘા, ઘસરકો મટે છે અને આંખના નંબર ઘટે છે.