Posts Tagged ‘મોળ’

ગેસ, અપચો અને ખાટા ઓડકાર

ઓક્ટોબર 4, 2013

ઉપચાર તમારા આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

નીચેની માહીતી ભાઈશ્રી બી.જે. મિસ્ત્રીના સૌજન્યથી આપવામાં આવે છે. એમના તરફથી મળેલ ઈમેઈલમાં આ માહીતીનો પ્રચાર કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આમાંના કેટલાક ઉપાય મારા બ્લોગમાં આવી ગયા હશે. લગભગ આ બધા ઉપાયો પીત્ત પ્રકૃતીવાળાએ કરતાં પહેલાં પ્રમાણ બાબત કાળજી લેવી, અને પ્રતીકુળ અસર જણાય તો પ્રયોગ ચાલુ રાખવા ન જોઈએ, કે ઔષધોનું પ્રમાણ ઘટાડી દેવું.

ગેસ, અપચો અને ખાટા ઓડકાર

૧. જીરુ પાવડર સાથે થોડી હીંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દુર થાય છે.

૨. મેથી અને સુવાનું શેકી ચુર્ણ બનાવી પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

૩. દરરોજ રાત્રે સુતાં પહેલાં ગળ્યા દુધમાં બે ચમચી ઈસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દુર થાય છે. જોકે ઈસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઈ જાય છે.

૪. ૨૫ ગ્રામ મેથી અને ૨૫ ગ્રામ સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચુર્ણને પછી એક એરટાઈટ ડબામાં મુકી દેવું. દીવસમાં ત્રણ વાર ૫-૫ ગ્રામ ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.

૫. ગોળ અને સુંઠને ભેળવી દીવસમાં ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.

૬. ખુબજ વાયુ થયો હોય તો, દીવસમાં ત્રણવાર ૫ ગ્રામ અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હૃદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સીંધવ મીઠુ અને લીંબુના રસનાં બે-ત્રણ ટીંપાં પણ અકસીર ઈલાજ છે.

૭. ગેસની તકલીફ દુર કરવા, શેકેલા કાચકા અને મરી સરખા ભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસ રાહત મળે છે.

૮. વાયુના નીકાલ માટે સુંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.

૯. ગેસના દર્દીએ રોજ તુલસીના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઈએ.

૧૦. તુલસી મળવી મુશ્કેલ હોય તો, ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઈએ.

મોટાભાગના રોગનું મુળ ગેસ છે.

મોળ

નવેમ્બર 25, 2010

(૧) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી મોળ મટે છે.

(૨) તજ લેવાથી મોળ મટે છે.

આફરો

જાન્યુઆરી 31, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આફરો : (૧) ૨૫ ગ્રામ મેથી અને ૨૫ ગ્રામ સુવા તાવડી પર થોડાં શેકી, અધકચરાં ખાંડી, ૫-૫ ગ્રામ લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા, ખાટા ઘચરકા અને ઓડકાર મટે છે.

(૨) ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો આફરો અને પેટનો દુખાવો મટે છે.

(૩) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકાવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. આ જાંબુદ્રવ ૫૦-૬૦ ગ્રામ દીવસમાં ત્રણ વાર પીવાથી આફરો મટે છે.

(૪) જાયફળનું ચુર્ણ, એકબે ટીપાં તેલ અને ખાંડ અથવા પતાસામાં મેળવી ખાવાથી આફરો તથા ઉદરશુળ મટે છે.

(૫) જીરુ અને સીંધવ સરખે ભાગે લઈ, લીંબુના રસમાં સાત દીવસ પલાળી રાખી, સુકવી, ચુર્ણ કરી સવાર-સાંજ લેવાથી આફરો મટે છે, તેમ જ પાચન શક્તી બળવાન બને છે.

(૬) શેકેલી હીંગ અને મીઠું ડુંગળીના રસમાં મેળવી પીવાથી આફરો મટે છે.

(૭)  તજ લેવાથી આફરો મટે છે.

(૮) પેટમાં ખુબ આફરો ચડ્યો હોય, પેટ ફુલીને ઢોલ જેવું થયું હોય, પેટમાં દુ:ખાવો થતો હોય તો ડુંટીની આજુબાજુ અને પેટ ઉપર હીંગનો લેપ કરવાથી થોડી જ વારમાં આરામ થાય છે.

(૯) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો આફરો મટે છે.

(૧૦) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં એ બધાંથી બમણું ઘી(થીજેલું) મેળવી ચાટવાથી આફરો મટે છે.

(૧૧) લીંબુ આડું કાપી બે ફાડ કરી ઉપર થોડી સુંઠ અને સીંધવ નાખી અંગારા પર મુકી ખદખદાવી રસ ચુસવાથી આફરો મટે છે.

(૧૨) વરીયાળી ચાવીને ખાવાથી અને તેનો રસ ઉતારતા રહેવાથી ઉદરશુળ અને અાફરો મટે છે.

(૧૩) વરીયાળીનું ૪-૫ ગ્રામ ચુર્ણ પાણી સાથે લેવાથી આફરો મટે છે.

(૧૪) વાયુથી ગડબડ રહેતી હોય અને પેટ ફુલી ગયું હોય તો મોટી એલચીના ૧ ગ્રામ ચુર્ણમાં .૧૬ ગ્રામ શેકેલી હીંગ મેળવી, લીંબુના રસમાં કાલવી ચાટી જવું. એનાથી વાયુનું અનુલોમન થાય છે અને પેટ બેસી જાય છે.

(૧૫) સરગવાના ફાંટમાં હીંગ અને સુંઠ મેળવી પીવાથી આફરો મટે છે.

(૧૬)  હીંગ, છીંકણી કે સંચળ નાખી ગરમ કરેલું તેલ પેટ પર ચોળવાથી અને શેક કરવાથી પેટનો આફરો મટે છે.

(૧૭)  પેટ પર હીંગ લગાવવાથી તથા ઘીમાં શેકેલી હીંગની ચણા જેવડી ગોળીને ઘી સાથે ગળી જવાથી આફરો મટે છે.

(૧૮) છાસમાં જીરુ અને સીંધવ અથવા સંચળ નાખીને પીવાથી પેટ ફુલતું નથી.

(૧૯) સંચળ અને સોનામુખી ખાવાથી વાયુનો ગોળો મટે છે.

(૨૦) ભોજન પછી પેટ ભારે લાગે તો ચાર-પાંચ એલચીના દાણા ચાવીને ઉપર લીંબુનું પાણી પીવાથી પેટ હલકું લાગશે.

(૨૧) સવાર-સાંજ ૩ ગ્રામ ત્રીફળા ચુર્ણ પાણી સાથે લેવાથી પથ્થર જેવું પેટ મખમલ જેવું નરમ થઈ જાય છે.

(૨૨) આદુ અને લીંબુના પાંચ પાંચ ગ્રામ રસમાં ત્રણ કાળાં મરીનું ચુર્ણ મેળવી દીવસમાં ત્રણ વખત લેવાથી ઉદરશુળ મટે છે.

(૨૩) ૨૫૦ ગ્રામ પાણી ઉકાળી ૧ ગ્રામ લવીંગનું ચુર્ણ નાખી દીવસમાં ત્રણ વાર ગરમ ગરમ પીવાથી પેટ ફુલી ગયું હોય તો ધીરે ધીરે બેસી જાય છે.

(૨૪) લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી પેટનો આફરો મટે છે.

(૨૬) મરીનો ફાંટ બનાવી પીવાથી અથવા સુંઠ, મરી, પીપર, હરડેના ચુર્ણને મધમાં મેળવી ચાટવાથી અપચો અને આફરો મટે છે.

(૨૭) જીરુ અને હરડેનું સમભાગે ચુર્ણ લેવાથી આફરો મટે છે.

(૨૮) ૧ ભાગ હીંગ, ૨ ભાગ ઘોડાવજ, ૫ ભાગ કોઠું, ૭ ભાગ સાજીખાર અને ૯ ભાગ વાવડીંગનું ચુર્ણ બનાવી બરાબર મીશ્ર કરી પાણીમાં લેવાથી આફરો મટે છે.

(૨૯) ફુદીનાનાં પાનની લસણ અને મરી નાખી બનાવેલી ચટણી પાણી સાથે લેવાથી પેટમાં ખુબ આફરો આવ્યો હોય, વાછુટ ન થતી હોય તો તે મટે છે.

(૩૦) લીંબુના રસમાં જાયફળ ઘસીને ચાટવાથી આફરો મટે છે. જાયફળને લીંબુના રસમાં લસોટીને પણ પી શકાય.

(૩૧) આફરો ચડતો હોય તો હલકો આહાર લેવો, અને એક એલચીના દાણા શેકેલા અજમા સાથે ખાંડી હુંફાળા પાણી સાથે જમ્યા પછી બે કલાકે ફાકી જવાથી રાહત થાય છે. સવાર-સાંજ ચાલવા જવું.

(૩૨) ૩-૪ ગ્રામ સંચળ પાણી સાથે લેવાથી પેટનો આફરો મટે છે.

(૩૩) વાછુટ માટે ૩-૪ ગ્રામ હીંગ ઘીમાં શેકીને) પાણી સાથે લેવી.

(૩૪) ગરમ પાણીનો એનીમા લેવાથી પેટમાં આફરો ચડયો હોય, પેટ ઢમઢોલ હોય અથવા પેટમાં દુખતું હોય તો તે મટે છે.

(૩૫) અરીઠાનાં છોતરાં પાણીમાં થોડી વાર પલાળી હાથમાં મસળી ફીણ કાઢવું. એમાં આંગળીની ચપટી જેટલી જરાક હીંગ મેળવી ડુંટીની ગોળાકાર આ ફીણ બરાબર ચોપડી દેવાથી થોડા જ સમયમાં હાજત થઈ આફરો મટી જાય છે.

લવંગાદી ચુર્ણ

સપ્ટેમ્બર 19, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

લવંગાદી ચુર્ણ

લવંગાદી ચુર્ણ-૨ : લવીંગ ૮ ગ્રામ, એલચી ૬ ગ્રામ, જાયફળ ૬ ગ્રામ અને અફીણ ૧ ગ્રામનું મીશ્રણ કરી બારીક ચુર્ણ બનાવવું. એક કપ સહેજ ગરમ નવશેકા પાણીમાં પાંચ ગ્રામ ચુર્ણ નાખી સવારે, બપોરે અને રાત્રે લેવાથી ઉદરશુળ, ગૅસ, પાતળા ઝાડા અને ઉબકા-ઉલટી મટે છે.

લવંગાદી ચુર્ણ-૩ : લવીંગ, પીપર, જાયફળ દસ-દસ ગ્રામ, કાળા મરી વીસ ગ્રામ, સુંઠ એકસો સાઠ ગ્રામ લઈ બનાવેલું ચુર્ણ હવાચુસ્ત બાટલીમાં ભરવાથી તેના ગુણો બે મહીના જળવાઈ રહે છે. અડધીથી એક ચમચી આ ચુર્ણ સવાર-સાંજ લેવાથી ઉધરસ, તાવ, પ્રમેહ, અરુચી, શ્વાસ, મંદાગ્ની, સંગ્રહણી, ગૅસ, આફરો, મોળ વગેરે મટે છે.

મેથી

ઓગસ્ટ 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મેથી : એ કડવી, ગરમ, ભુખ લગાડનાર અને પૌષ્ટીક છે.

મેથી વાયુ, કફ, સંધીવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમી, શુળ, કબજીયાત, તાવ વગેરે મટાડે છે.

મેથીનો એક ચમચી ભુકો પાણીમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર, કે સાંધાનો દુ:ખાવો, મંદ જ્વર, અરુચી, મંદાગ્ની, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.

કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડુડી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.

ડાયાબીટીસમાં મેથીનો તાજો ઉકાળો ચારથી પાંચ ચમચી જેટલો જમતાં પહેલાં રોજ બપોરે અને રાત્રે લેવો જોઈએ.

મેથીના ઉપચાર વખતે ખટાશ, અથાણાં અને પાપડ ખાવા નહીં.

મેથી યકૃત અને બરોળને બળવાન બનાવે છે.

(૧) એક ચમચી મેથીનું ચુર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે અને સાંજે ખુબ ચાવીને ખાવાથી શ્વેતપ્રદર મટે છે.

(૨) મેથી વાયુનાશક હોવાથી કમર, પીંડલી, ઢીંચણ અને સાંધાનો દુ:ખાવો મટાડે છે. એ માટે મીઠાઈ, તળેલું, ઘી-માખણ અને ખટાશ સંપુર્ણ બંધ કરી, રોજ રાતે ૨૦ ગ્રામ મેથીના દાણા પલાળવા. તેના ફણગા ફુટે એટલે સવારે અને રાતે અર્ધો અર્ધો ભાગ ચાવી જવો. દુખતી જગ્યાએ અનુકુળ આવે તેવો શેક કરવો.

(૩) સમાન ભાગે મેથી અને સુવા મીશ્ર કરી તાવડી પર અધકચરા શેકી ખાંડીને કરેલો એક ચમચી ભુકો સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉબકા, અરુચી, આફરો, વાયુ, મોળ, ખાટા ઓડકાર, બંધાયા વગરનો કુચા-પેસ્ટ જેવો મળ, પેટમાં આંકડી-ચુંક વગેરે તકલીફ દુર થાય છે.

(૪) ગોળ અથવા પાણીમાં પા(૧/૪) ચમચી મેથીનું ચુર્ણ લેવાથી કબજીયાત મટે છે.

(૫)  વાયુના ૮૦ રોગો પૈકી એક રોગનું નામ ‘વાતકંટક’ છે. આમાં પગની ઘુંટી પાસે અથવા પાનીના હાડકાં પર હુકની જેમ હાડકું વધે છે અને ચાલવાથી તે ખુબ જ દુખે છે. સવારે ઉઠતી વખતે તો થોડી વાર પગ પર ચાલી પણ શકાતું નથી. આ વીકૃતીનું મેથી ઉત્તમ ઔષધ છે. કાચી મેથીને અધકચરી ખાંડી બનાવેલો એક ચમચી ભુકો રોજ રાત્રે સુતી વખતે ફાકી જવો અને ઉપર એક ગ્લાસ જેટલું દુધ પીવું. બે મહીના આ ઉપચાર કરવો. દુખાવા ઉપર રેતીનો શેક કરવો અને આવશ્યક પરેજી પાળવી.

મેથીની ભાજી   મળી શકતી હોય તો મેથીની ભાજી દરરોજ ખાવી જોઈએ. મેથીની ભાજી કડવી, પીત્તહર, મળ સરકાવનાર અને ઉત્તમ વાતશામક છે. તેમાં લોહ, કેલ્શ્યમ તથા વીટામીનોનું પ્રમાણ ઘણું સારું છે.

ડાયાબીટીસ, સાંધાનો વા, પક્ષાઘાત-લકવા, રાંઝણ-સાઈટીકા, કટીશુળ, પગની પાનીનો દુખાવો હોય તો મેથીની ભાજી એકલી કે મીશ્ર શાકમાં દરરોજ ખાવી જોઈએ. મેથીના દાણા અને દાણાનું બારીક ચુર્ણ પણ એટલું જ ગુણકારી છે. લીલાં પાંદડાંવાળી ભાજી રોજ એક વખત તો ખાવી જ જોઈએ. પાંદડાંમાં સુર્યનું તેજ ભરેલું છે.

દરેક ભાજીમાં વીટામીનો, લોહ, ચુનો, આયોડીન વગેરે ખનીજ તત્ત્વો હોય છે. ભાજીમાં સારક-મળને સરકાવવાનો ગુણ છે.

સંધીવા, લકવા, અડદીયો વા, કટીગ્રહ જેવા વાયુના રોગોમાં મેથીની ભાજી ખુબ જ ઉપયોગી છે. ડાયાબીટીસવાળાએ તો રોજ મેથીની ભાજી ખાવી. મેથીની ભાજી અને રીંગણનું શાક અતી ઉત્તમ છે.