Posts Tagged ‘કમરનો દુખાવો’

કમરનો દુખાવો

ઓગસ્ટ 20, 2022

The Economist 18 January 2020માંથી ટુંકાવીને

કેટલાક લોકોને સ્કીઈંગના અકસ્માતથી કમરમાં દુખાવો ઉપડે છે, તો કોઈકને કારના અકસ્માતથી. વળી કેટલાક લોકોને માત્ર જમીન પરથી મોજાં ઉંચકતાં જ કમરમાં સખત દુખાવો ઉપડે. પણ મોટા ભાગનાં લોકોને થતા કમરના દુખાવા માટે ડોક્ટરોને કોઈ પણ શારીરીક કારણ મળતું હોતું નથી. એ એમના માટે એક રહસ્ય છે. આથી જ કમરના દુખાવામાં જે સારવાર ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે તે ભુલભરેલી જ હોય છે. ડોક્ટરો તરત જ દર્દશામક દવા લખી આપે છે જેની દર્દીને ટેવ પડી જાય છે, પણ રોગ જતો નથી, કેમ કે દર્દશામક દવા માત્ર દર્દનું ભાન થવા દેતી નથી એટલું જ, એ કંઈ રોગ મટાડતી નથી હોતી. વળી ડોક્ટરો MRI ટેસ્ટ કરાવે છે, જે લગભગ 80% કીસ્સામાં કમરના દુખાવામાં બીનજરુરી હોય છે. ઘણું ખરું આ ટેસ્ટમાં મણકો ખસી ગયો છે એમ બતાવે છે. પણ કોઈપણ પ્રકારનો કેડનો દુખાવો ન હોય તેવા લોકોમાં પણ મણકો સહેજ ખસેલો જોવા મળે છે. છતાં લોકો એનું ઓપરેશન કરાવે છે, જે ઘણા કીસ્સાઓમાં ફાયદાકારક નીવડતું હોતું નથી.

મોટા ભાગના કમરના દુખાવામાં દવા એ યોગ્ય ઉપાય નથી, પણ અમુક પ્રકારની કસરતો. જેમ કે તાડાસન એટલે કે ટટાર ઉભા રહી હાથ ઉપર ઉઠાવવા, કમર સહીત આખા શરીરને ઉપરની તરફ ખેંચવું. શારીરીક કામ કરવાનું ચાલુ રાખવું, પથારીમાં પડ્યા રહેવું નહીં. એનાથી તો દર્દ વધશે. સમસ્યા કદાચ તમારી કમરમાં છે જ નહીં, કદાચ મગજની દર્દસંદેશાવાહક પ્રણાલીમાં ક્યાંક ખામી હશે અને વૈદકવીજ્ઞાનને એમ કેમ થાય છે તેની માહીતી જ નથી. દર્દ કદાચ અંશતઃ મનોવૈજ્ઞાનીક પણ હોઈ શકે. સ્ટ્રેસને લીધે પણ હોય. જેમને બાલ્યાવસ્થામાં કોઈ માનસીક આઘાત લાગ્યો હોય તેમને આધેડવયે કમરનો દુખાવો થવાની શક્યતા રહે છે. મોટા ભાગના કીસ્સાઓમાં યોગ્ય કસરત અને સમયનું વહેવું દુખાવો દુર કરી દે છે. અને ઓપરેશનની સરખામણીમાં એમાં ખાસ કંઈ ખર્ચ નથી કે કેસ હાથમાં ન રહે એવી શક્યતા નથી.

ડોક્ટરો કમરના દુખાવા બાબત ભુલ કરે છે, એનાં કારણો છે. સખત દુખાવાને કારણે લોકો તરત જ કંઈક ઉપાય કરવાનો આગ્રહ રાખે છે. ડોક્ટર માટે તો આવી સારવાર કારગત નહીં નીવડે એવું કહેવા કરતાં દર્દશામક દવા લખી આપવાનું, સ્કેન કરવાનું કે ઈન્જેક્શન આપવાનું બહુ જ સરળ છે. વળી એનાથી એમને કમાણી પણ વધારે થાય.

(આયુર્વેદ અનુસાર સામાન્ય રીતે શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. આમ અહીં ઉપર જે જણાવવામાં આવ્યું છે કે સુઈ ન રહેતાં કંઈ ને કંઈ પ્રવૃત્તી કરવાનું ચાલુ રાખવાથી, અમુક કસરત કરવાથી કે સમય પસાર થતાં દુખાવો કેટલીકવાર જતો પણ રહે છે. એ બતાવે છે કે દુખાવાનું કારણ વાયુવીકાર હતું. -ગાંડાભાઈ)

વાયુરોગો

માર્ચ 1, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

વાયુરોગો (૧) ૪૦ ગ્રામ લસણ છોલી, પીલી, તેમાં હીંગ, જીરુ, સીંધવ, સંચળ, સુંઠ, મરી અને પીપરનું ચુર્ણ ૧-૧ ગ્રામ નાખી ચણી બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી અને ઉપર એરંડમુળનો ઉકાળો પીવાથી પક્ષાઘાત, સર્વાંગવાયુ, ઉરુસ્તંભ, કૃમીશુળ, કમરનો દુ:ખાવો, કુખનો દુ:ખાવો, પેટમાંનો વાયુ વગેરે તમામ પ્રકારના વાયુરોગ દુર થાય છે. વાના રોગીઓ માટે લસણ સર્વોત્તમ છે.

(૨) વાયુને લીધે હૃદય પર દબાણ આવી ગભરામણ થતી હોય તો મીષ્ટાન્ન, ફરસાણ, ઘી-તેલ વગેરે બંધ કરી માપસર જ ખોરાક લેવો. રોજ સવાર-સાંજ મધ્યમ ગતીથી એક એક કલાક ચાલવું. અજમો અને ગંઠોડાનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ ચાર ગ્રામ જેટલું સવાર-સાંજ પાણી સાથે લેવું. બપોરે અને રાતે ‘શંખવટી’ નામની ૧-૧ ગોળી ભોજન પછી પાણી સાથે ગળી જવી.

(૩) રાસ્ના, ગળો, દેવદાર, સુંઠ અને એરંડાનાં મુળ સરખા વજને લઈ અધકચરો ભુકો કરી એક ચમચી જેટલો ભુકો એક ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ઠંડો પાડી પીવાથી માત્ર વાયુને લીધે થતા બધા રોગો મટે છે. આમવાતમાં પણ આ ઉકાળો હીતકારી છે.

(૪) વાયુના તમામ રોગોમાં આ પ્રયોગ અવશ્ય કરવા જેવો છે. મેથી, અજમો, કાળીજીરી, અશેળીયો અને હરડે આ પાંચે ઔષધો સરખા વજને (દરેક સો સો ગ્રામ) લઈ ભેગા કરી ખુબ ખાંડી બારીક-વસ્ત્રગાળ ચુર્ણ કરી એરટાઈટ બાટલી ભરી લેવી. આ ચુર્ણ અડધી ચમચી જેટલું રોજ સવારે અને રાત્રે ઉકાળીને ઠંડા કરેલા પાણી સાથે લેવું. ૧૫થી ૨૦ દીવસ આ ચુર્ણ નીયમીત લેવાથી અને વાયુકારક આહારની પરેજી પાળવાથી હાડકાંઓના સાંધાઓનો તથા સ્નાયુઓનો દુખાવો (આમવાત), ઉદરશુળ તથા શીરઃશુળ અને કટીશુળ મટે છે. આ ઉપરાંત અર્દીત-મોઢાનો લકવા, પક્ષાઘાત-પેરાલીસીસ, કટીગ્રહ, ઉરુસ્તંભ વગેરે વાયુના રોગોમાં ફળપ્રદ છે.       

મેથી

ઓગસ્ટ 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મેથી : એ કડવી, ગરમ, ભુખ લગાડનાર અને પૌષ્ટીક છે.

મેથી વાયુ, કફ, સંધીવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમી, શુળ, કબજીયાત, તાવ વગેરે મટાડે છે.

મેથીનો એક ચમચી ભુકો પાણીમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર, કે સાંધાનો દુ:ખાવો, મંદ જ્વર, અરુચી, મંદાગ્ની, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.

કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડુડી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.

ડાયાબીટીસમાં મેથીનો તાજો ઉકાળો ચારથી પાંચ ચમચી જેટલો જમતાં પહેલાં રોજ બપોરે અને રાત્રે લેવો જોઈએ.

મેથીના ઉપચાર વખતે ખટાશ, અથાણાં અને પાપડ ખાવા નહીં.

મેથી યકૃત અને બરોળને બળવાન બનાવે છે.

(૧) એક ચમચી મેથીનું ચુર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે અને સાંજે ખુબ ચાવીને ખાવાથી શ્વેતપ્રદર મટે છે.

(૨) મેથી વાયુનાશક હોવાથી કમર, પીંડલી, ઢીંચણ અને સાંધાનો દુ:ખાવો મટાડે છે. એ માટે મીઠાઈ, તળેલું, ઘી-માખણ અને ખટાશ સંપુર્ણ બંધ કરી, રોજ રાતે ૨૦ ગ્રામ મેથીના દાણા પલાળવા. તેના ફણગા ફુટે એટલે સવારે અને રાતે અર્ધો અર્ધો ભાગ ચાવી જવો. દુખતી જગ્યાએ અનુકુળ આવે તેવો શેક કરવો.

(૩) સમાન ભાગે મેથી અને સુવા મીશ્ર કરી તાવડી પર અધકચરા શેકી ખાંડીને કરેલો એક ચમચી ભુકો સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉબકા, અરુચી, આફરો, વાયુ, મોળ, ખાટા ઓડકાર, બંધાયા વગરનો કુચા-પેસ્ટ જેવો મળ, પેટમાં આંકડી-ચુંક વગેરે તકલીફ દુર થાય છે.

(૪) ગોળ અથવા પાણીમાં પા(૧/૪) ચમચી મેથીનું ચુર્ણ લેવાથી કબજીયાત મટે છે.

(૫)  વાયુના ૮૦ રોગો પૈકી એક રોગનું નામ ‘વાતકંટક’ છે. આમાં પગની ઘુંટી પાસે અથવા પાનીના હાડકાં પર હુકની જેમ હાડકું વધે છે અને ચાલવાથી તે ખુબ જ દુખે છે. સવારે ઉઠતી વખતે તો થોડી વાર પગ પર ચાલી પણ શકાતું નથી. આ વીકૃતીનું મેથી ઉત્તમ ઔષધ છે. કાચી મેથીને અધકચરી ખાંડી બનાવેલો એક ચમચી ભુકો રોજ રાત્રે સુતી વખતે ફાકી જવો અને ઉપર એક ગ્લાસ જેટલું દુધ પીવું. બે મહીના આ ઉપચાર કરવો. દુખાવા ઉપર રેતીનો શેક કરવો અને આવશ્યક પરેજી પાળવી.

મેથીની ભાજી   મળી શકતી હોય તો મેથીની ભાજી દરરોજ ખાવી જોઈએ. મેથીની ભાજી કડવી, પીત્તહર, મળ સરકાવનાર અને ઉત્તમ વાતશામક છે. તેમાં લોહ, કેલ્શ્યમ તથા વીટામીનોનું પ્રમાણ ઘણું સારું છે.

ડાયાબીટીસ, સાંધાનો વા, પક્ષાઘાત-લકવા, રાંઝણ-સાઈટીકા, કટીશુળ, પગની પાનીનો દુખાવો હોય તો મેથીની ભાજી એકલી કે મીશ્ર શાકમાં દરરોજ ખાવી જોઈએ. મેથીના દાણા અને દાણાનું બારીક ચુર્ણ પણ એટલું જ ગુણકારી છે. લીલાં પાંદડાંવાળી ભાજી રોજ એક વખત તો ખાવી જ જોઈએ. પાંદડાંમાં સુર્યનું તેજ ભરેલું છે.

દરેક ભાજીમાં વીટામીનો, લોહ, ચુનો, આયોડીન વગેરે ખનીજ તત્ત્વો હોય છે. ભાજીમાં સારક-મળને સરકાવવાનો ગુણ છે.

સંધીવા, લકવા, અડદીયો વા, કટીગ્રહ જેવા વાયુના રોગોમાં મેથીની ભાજી ખુબ જ ઉપયોગી છે. ડાયાબીટીસવાળાએ તો રોજ મેથીની ભાજી ખાવી. મેથીની ભાજી અને રીંગણનું શાક અતી ઉત્તમ છે.

બાવળ

જુલાઇ 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બાવળ : બાવળની પત્તી ઝીણી અને સ્વાદમાં તુરી હોય છે. ફુલ નાની દડી જેવાં, લાંબી રુંવાટીવાળાં, પીળાં અને સહેજ સુગંધીવાળાં હોય છે. તેની શીંગને બાવળના પડીયા કે પૈડા કહે છે. તેના વૃક્ષમાંથી સફેદ કે સહેજ રતાશવાળો  ગુંદર નીકળે છે, જે કમરના દુખાવામાં અને વસાણામાં વપરાય છે.

(૧) સગર્ભા મહીલા બાવળનાં સુકાં કે લીલાં પાન ચાવીને ખાય તો માબાપ બંને શ્યામ હોય તો પણ બાળક ગોરું અને રુપાળું આવે છે.

(૨) બાવળનો ગુંદર વાનો રોગ મટાડે છે, મહીલાઓને શક્તી આપે છે અને પ્રદરનો રોગ મટાડે છે.

(૩) બાવળના પડીયાનું ચુર્ણ ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર ખાવાથી કે ઘા, ચાંદા કે દુઝતા હરસ પર લગાડવાથી વહેતું લોહી અટકે છે.

(૪) મોંઢામાં અવાર નવાર ચાંદાં પડતાં હોય, દાંતના પેઢાં (મસુડાં) ફુલી જતાં હોય, મોંમાંથી વાસ આવતી હોય, દાંત હાલતા હોય અને લોહી નીકળતું હોય, ગળું લાલ રહેતું હોય, મોંમાં ચીકાશ રહેતી હોય, ઉંઘમાં મોંમાંથી લાળ પડતી હોય તો સવાર-સાંજ બાવળનાં પાન અને છાલનો ઉકાળો કરી કોગળા કરવાથી લાભ થાય છે.

નગોડ

મે 12, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નગોડ : નગોડ બે જાતની થાય છે, ધોળાં ફુલવાળી અને કાળાં ફુલવાળી. બંને જાતની નગોડ બુદ્ધી તથા સ્મૃતી વધારનાર, કડવી, તુરી, તીખી, હલકી તેમજ વાળ અને આંખ માટે હીતકર છે. તે શુળ, સોજા, અામવાત, કૃમી, કોઢ, અરુચી, કફ અને તાવને મટાડે છે. મુખ્યત્વે અેમાં વાતનાશક ગુણ હોવાથી સાંધાના વામાં ખુબ ઉપયોગી છે.

(૧) નગોડનાં તાજાં મુળ અને લીલાં પાનનો રસ કાઢી  તેમાં ચોથા ભાગે તલનું તેલ મેળવી પકાવવું. જ્યારે ફક્ત તેલ બાકી રહે ત્યારે ઉતારી લેવું. સવાર-સાંજ નીયમીત અા તેલથી માલીશ કરતા રહેવાથી કંપવા, સાંધાના વાની પીડા અને વાયુથી થતા દુખાવામાં રાહત થાય છે.

(૨) ગમે તેવું ભરનીંગળ ગુમડંુ થયું હોય તેના પર નગોડનાં પાન વાટીને લગાડવામાં આવે તો પાકીને ફુટી જાય છે.

(૩) નગોડના તેલ(નીર્ગુંડી તેલ)ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે.

(૪) સુવાવડી સ્ત્રીના તાવમાં મોટા ભાગે ગર્ભાશયનો સોજો હોય છે. નગોડના પાનનો સ્વરસ અથવા પાનનો ઉકાળો સવાર-સાંજ પીવાથી સોજો ઉતરી જાય છે અને તાવ મટે છે.

(૫) સંધીવામાં નગોડનો ઉકાળો લાભ કરે છે.

(૬) નગોડ ઉત્તમ વ્રણશોધક, વ્રણરોપક, મુત્રજનન, આર્તવજનન કૃમીઘ્ન અને વેદનાહર છે.

(૭) કોઈ પણ દુખાવામાં નગોડના તેલની હળવા હાથે માલીશ કરવાથી ફાયદો થાય છે. સાયટીકા-રાંઝણનું તે શ્રેષ્ઠ ઔષધ છે.

(૮) શરદી હોય અને નાક બંધ થઈ જતું હોય તો નીર્ગુંડી તેલનાં બે-ત્રણ ટીપાં નાકમાં નાખવાથી તરત જ ફાયદો થાય છે.

(૯) કાનમાં પાક થઈ દુખાવો થતો હોય, પરું નીકળતું હોય તો કાનમાં આ તેલનાં બે-ત્રણ ટીપાં મુકવાથી દુખાવો તથા પાક મટે છે.