Posts Tagged ‘મેથી’

આરોગ્ય ટુચકા 54. મેથી

સપ્ટેમ્બર 4, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 54. મેથી: વાયુ, પીત્ત, અપચો, મોળ, ઉબકા, આફરો, ખાટા અને કડવા ઓડકાર, ઉદરશુળ, પાતળા દસ્ત, જ્વર, ઉલટી, કબજીયાત, મસા, કૃમી, વાતજન્ય હૃદયરોગ વગેરેમાં મેથી ઉપયોગી છે. મેથીના દાણા વાયુનાશક, સોજો ઉતારનાર, ગર્ભાશયનું સંકોચન કરનાર અને શ્વેતપ્રદરનાશક છે. મેથીની ભાજી પીત્તનાશક, પાચક, શીતળ અને અપાનવાયુનું અનુલોમન કરે છે. કાચી મેથીનું ચુર્ણ આમાશય, લીવર, રુધીરાભીસરણ તંત્ર અને જ્ઞાનતંત્ર પર ઉત્તેજક અસર કરે છે. મેથીની ફાકીથી મોળ, ઉબકા, ઉલટી વગેરે મટે છે, તથા વાયુની સમ્યક પ્રવૃત્તી થાય છે. આમવાત (રુમેટીઝમ)ની તીવ્રાવસ્થા દુર કરવા મેથી અને સુંઠનું સમભાગે અડધી ચમચી જેટલું ચુર્ણ ગોળ સાથે સવારે અને રાત્રે લેવું.

મેથી

ઓગસ્ટ 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

મેથી : એ કડવી, ગરમ, ભુખ લગાડનાર અને પૌષ્ટીક છે.

મેથી વાયુ, કફ, સંધીવા, કમરનો દુખાવો, કળતર, પેટના કૃમી, શુળ, કબજીયાત, તાવ વગેરે મટાડે છે.

મેથીનો એક ચમચી ભુકો પાણીમાં ઉકાળી સવાર-સાંજ પીવાથી પગની પાની, એડી, ગોઠણ, કમર, કે સાંધાનો દુ:ખાવો, મંદ જ્વર, અરુચી, મંદાગ્ની, પેટનો વાયુ, ડાયાબીટીસ અને કબજીયાત મટે છે.

કમરનો જુનો દુ:ખાવો કે વાયુના જુના રોગોમાં સમાન ભાગે મેથી અને ગોળની સોપારી જેવડી લાડુડી બનાવી સવાર-સાંજ દોઢથી બે મહીના ખાવાથી લાભ થાય છે.

ડાયાબીટીસમાં મેથીનો તાજો ઉકાળો ચારથી પાંચ ચમચી જેટલો જમતાં પહેલાં રોજ બપોરે અને રાત્રે લેવો જોઈએ.

મેથીના ઉપચાર વખતે ખટાશ, અથાણાં અને પાપડ ખાવા નહીં.

મેથી યકૃત અને બરોળને બળવાન બનાવે છે.

(૧) એક ચમચી મેથીનું ચુર્ણ, એક ચમચી ઘી અને સોપારી જેટલો ગોળ સવારે અને સાંજે ખુબ ચાવીને ખાવાથી શ્વેતપ્રદર મટે છે.

(૨) મેથી વાયુનાશક હોવાથી કમર, પીંડલી, ઢીંચણ અને સાંધાનો દુ:ખાવો મટાડે છે. એ માટે મીઠાઈ, તળેલું, ઘી-માખણ અને ખટાશ સંપુર્ણ બંધ કરી, રોજ રાતે ૨૦ ગ્રામ મેથીના દાણા પલાળવા. તેના ફણગા ફુટે એટલે સવારે અને રાતે અર્ધો અર્ધો ભાગ ચાવી જવો. દુખતી જગ્યાએ અનુકુળ આવે તેવો શેક કરવો.

(૩) સમાન ભાગે મેથી અને સુવા મીશ્ર કરી તાવડી પર અધકચરા શેકી ખાંડીને કરેલો એક ચમચી ભુકો સવાર-સાંજ પાણી સાથે લેવાથી ઉબકા, અરુચી, આફરો, વાયુ, મોળ, ખાટા ઓડકાર, બંધાયા વગરનો કુચા-પેસ્ટ જેવો મળ, પેટમાં આંકડી-ચુંક વગેરે તકલીફ દુર થાય છે.

(૪) ગોળ અથવા પાણીમાં પા(૧/૪) ચમચી મેથીનું ચુર્ણ લેવાથી કબજીયાત મટે છે.

(૫)  વાયુના ૮૦ રોગો પૈકી એક રોગનું નામ ‘વાતકંટક’ છે. આમાં પગની ઘુંટી પાસે અથવા પાનીના હાડકાં પર હુકની જેમ હાડકું વધે છે અને ચાલવાથી તે ખુબ જ દુખે છે. સવારે ઉઠતી વખતે તો થોડી વાર પગ પર ચાલી પણ શકાતું નથી. આ વીકૃતીનું મેથી ઉત્તમ ઔષધ છે. કાચી મેથીને અધકચરી ખાંડી બનાવેલો એક ચમચી ભુકો રોજ રાત્રે સુતી વખતે ફાકી જવો અને ઉપર એક ગ્લાસ જેટલું દુધ પીવું. બે મહીના આ ઉપચાર કરવો. દુખાવા ઉપર રેતીનો શેક કરવો અને આવશ્યક પરેજી પાળવી.

મેથીની ભાજી   મળી શકતી હોય તો મેથીની ભાજી દરરોજ ખાવી જોઈએ. મેથીની ભાજી કડવી, પીત્તહર, મળ સરકાવનાર અને ઉત્તમ વાતશામક છે. તેમાં લોહ, કેલ્શ્યમ તથા વીટામીનોનું પ્રમાણ ઘણું સારું છે.

ડાયાબીટીસ, સાંધાનો વા, પક્ષાઘાત-લકવા, રાંઝણ-સાઈટીકા, કટીશુળ, પગની પાનીનો દુખાવો હોય તો મેથીની ભાજી એકલી કે મીશ્ર શાકમાં દરરોજ ખાવી જોઈએ. મેથીના દાણા અને દાણાનું બારીક ચુર્ણ પણ એટલું જ ગુણકારી છે. લીલાં પાંદડાંવાળી ભાજી રોજ એક વખત તો ખાવી જ જોઈએ. પાંદડાંમાં સુર્યનું તેજ ભરેલું છે.

દરેક ભાજીમાં વીટામીનો, લોહ, ચુનો, આયોડીન વગેરે ખનીજ તત્ત્વો હોય છે. ભાજીમાં સારક-મળને સરકાવવાનો ગુણ છે.

સંધીવા, લકવા, અડદીયો વા, કટીગ્રહ જેવા વાયુના રોગોમાં મેથીની ભાજી ખુબ જ ઉપયોગી છે. ડાયાબીટીસવાળાએ તો રોજ મેથીની ભાજી ખાવી. મેથીની ભાજી અને રીંગણનું શાક અતી ઉત્તમ છે.