Archive for ઓગસ્ટ 1st, 2009

મધ

ઓગસ્ટ 1, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ મધ જેની સાથે મધ લેવામાં આવે તેના ગુણોનું મધ વહન કરે છે. તેથી જ ઘણા રોગોમાં અનુપાન રુપે મધ લેવામાં આવે છે. મધ ઉત્તમ કફનાશક છે. એક વર્ષ જુનું મધ મેદ-ચરબીનો નાશ કરે છે. શ્વાસ-દમ, શરદી, ક્ષય, ઉધરસ જેવા કફના રોગોમાં મધ ખુબ જ હીતાવહ છે. મધ અરુચી દુર કરે છે. એ ત્રીદોષહર છે. એ હેડકી, શ્વાસ, ઉધરસ, ઝાડા, ઉલટી, તરસ-શોષ, રક્તપીત્ત, કૃમી, પ્રમેહ, મુર્છા, થાક, બળતરા તથા ક્ષતને દુર કરે છે. નવું મધ સારક એટલે મળને સરકાવનાર તથા કંઈક અંશે કફકારક છે. જ્યારે જુનું મધ કફનાશક, ગ્રાહી-મળને રોકનાર, રુક્ષ, મેદ દુર કરનાર તથા અતી લેખન-દોષોને બહાર કાઢનાર છે. ઘી અને મધ સરખા પ્રમાણમાં લેવાં નહીં. કફમાં મધ બમણું અને વાતમાં ઘી બમણું લેવું. તે જ પ્રમાણે મધ ગરમ કરીને કે ગરમાગરમ ખાદ્ય સાથે લઈ શકાય નહીં. મધમાં શર્કરાનું પ્રમાણ વીશેષ હોવાથી ડાયાબીટીસમાં હીતાવહ નથી. મધ વધુ પ્રમાણમાં લેવું પણ નુકસાનકારક બની શકે. વજન ઘટાડવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ સવારમાં પીવું. સવારે બીજું કંઈ ખાવું નહીં. ખાંડ, ગોળ, બટાટા, ભાત, તળેલું, મીઠાઈ, ઘી, તેલ, માખણ બંધ કરવાં. મધ આંખમાં આંજવાથી આંખ નીર્મળ બની દૃષ્ટીશક્તી વધે છે. સ્વર માટે પણ મધ હીતકારી છે. મધ હૃદયને પ્રીય અને લાભકારક છે. મધમાં કામશક્તી વધારવાનો ગુણ છે. મધ ઘા શુદ્ધ કરી રુઝ લાવે છે. મધમાં ભેજ શોષી લેવાનો ગુણ છે આથી એ જીવાણુનાશક છે. મધમાં ટાઈફોઈડના જીવાણુઓ ૪૮ કલાકમાં અને મરડાના જીવાણુઓ ૧૦ કલાકમાં નાશ પામે છે. તંદુરસ્ત અને દીર્ઘજીવન ઈચ્છતા લોકોએ મધનું નીયમીત સેવન કરવું જોઈએ. તંદુરસ્ત રહેવા ઈચ્છતી વ્યક્તીએ દરરોજ બે ચમચી મધ અને બે ચમચી લીંબુનો રસ મીશ્ર કરી સેવન કરવું જોઈએ.

મધના આ ગુણો સાચા મધના છે. મધ સાચું છે કે બનાવટી તે જાણવા માટે (૧) જો એમાં પડેલી માખી બહાર નીકળી આવે અને થોડી વારમાં ઉડી શકે તો એ સાચું મધ. (૨) મધમાં રુની વાટ પલાળી એને સળગાવવાથી અવાજ વગર બળે તો પણ એ સાચું હોઈ શકે. (૩) સાચા મધનું ટીપું પાણીમાં નાખવાથી એ તળીયે બેસી જાય છે. (૪) સાચું મધ કુતરાં ખાતાં નથી. આ ચાર કસોટીઓ પ્રચલીત છે.

(૧) રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે, પેટ સાફ આવે છે.

(૨) નરણે કોઠે મધ-લીંબુના શરબતથી ભુખ ઉઘડે છે.

(૩) મધ જીવાણુઓનો નાશ કરે છે. ક્ષય અને ટાઈફોઈડના દર્દીઓ માટે ઉત્તમ છે.

(૪) હજારો વર્ષ સુધી મધ બગડતું નથી. બાળકોના વીકાસમાં મધ ઉપયોગી છે. જો બાળકને શરુઆતના નવ માસ સુધી મધ આપવામાં આવે તો તેને છાતીના રોગ ક્યારેય નહીં થાય.

(૫) મધથી આંતરડાને ઉપયોગી એવા એસીકોકલીસ જીવાણુઓની વૃદ્ધી થાય છે.

(૬) દુર્બળ અને સગર્ભા સ્ત્રી માટે મધ શ્રેષ્ઠ પોષક આહાર છે.

(૭) મધ દીર્ઘાયુ બક્ષે છે. મધથી વીર્યની તથા લોહીના રક્તકણોની વૃદ્ધી થાય છે. ગર્ભવતી અને પ્રસુતાએ બાળકના હીતાર્થે મધ લેવું જોઈએ.

(૮) મધ ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક છે. તે શરીરના રંગને નીખારવાનું અને ચામડીને કોમળ બનાવવાનું કામ કરે છે.

(૯) ચહેરા અને શરીર પર મધ ઘસવાથી સૌંદર્ય અક્ષય બને છે. સારા સાબુઓમાં મધનો ઉપયોગ થાય છે.

(૧૦) મધ, લીંબુ અને ચણાનો લોટ પાણીમાં મીશ્ર કરી ચહેરા પર ઘસી સ્નાન કરવાથી ચહેરો આકર્ષક અને સુંદર બને છે.

(૧૧) મધના સેવનથી કંઠ મધુર અને સુરીલો બને છે.

(૧૨) મધ દુર્બળતા, દમ, અપચો, કબજીયાત, કફ, ખાંસી, વીર્યદોષ, અનીદ્રા, થાક, વાયુવીકાર તથા અન્ય ઘણા રોગોમાં અચુક દવા છે.

(૧૩) ધારોષ્ણ દુધ અને ફળોના રસમાં મધ લઈ શકાય. મધ ઠંડા પાણીમાં લેવું હંમેશાં હીતાવહ છે. મધ ગરમ કરવું નહીં.

(૧૪) કમળ-કાકડી, મુળા, માંસ સાથે મધ લઈ ન શકાય.

(૧૫) વરસાદનું પાણી તથા ઘી, તેલ વગેરે ચરબીયુક્ત પદાર્થો સાથે મધ સમ માત્રામાં લેવું વીષ સમાન છે.

(૧૬) મધ સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવામાં આવે તો શરીરનો મેદ-સ્થુળતા ઘટી વજન ઉતરે છે. જ્યારે મધને સવાર-સાંજ હુંફાળા દુધ સાથે લેવામં આવે તો શરીરનું વજન વધે છે.

(૧૭) તંદુરસ્ત રહેવા માટે મધનું સેવન અનીવાર્ય છે. અમેરીકામાં હાથ ધરાયેલા એક વીસ્તૃૃત સંશોધનમાં જણાવવામાં આવ્યું હતું કે, મધ લોહીનું શુધ્ધીકરણ કરવા ઉપરાંત શરીરને સ્ફુર્તીલું રાખે છે. દરરોજ સવારે એક ચમચી મધનું સેવન આખો દીવસ શરીરને સ્ફુર્તી પુરી પાડે છે લગભગ ૧૦૦ સ્ત્રી-પુરુષો પર હાથ ધરાયેલા સંશોધન બાદ ઉકત અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો. બધાં જ સોએ સો જણ પર મધની હકારાત્મક અસર જોવા મળી હતી.